મુખરજી, શ્યામાપ્રસાદ (જ. 7 જુલાઈ 1901, કૉલકાતા; અ. 23 જૂન 1953, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર) : ભારતના અગ્રણી હિંદુત્વવાદી રાજકીય નેતા અને આઝાદી પછીના પ્રથમ મંત્રીમંડળના સભ્ય. પિતા આશુતોષની ઉચ્ચ શૈક્ષણિક અને રાજકીય કારકિર્દી તથા માતા યોગમાયાની ધર્મમાં ઊંડી શ્રદ્ધાએ શ્યામાપ્રસાદના વ્યક્તિત્વ- ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1917માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ 1919માં ઇન્ટરની પરીક્ષામાં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ત્યારબાદ 1921માં અંગ્રેજી વિષય સાથે બી.એ.(ઑનર્સ)ની પરીક્ષામાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું. એમ.એ.ની પરીક્ષા માટે તેમણે ભારતીય ભાષાઓનો અભ્યાસક્રમ પસંદ કર્યો હતો. એલએલ.બી.(1924)ની પરીક્ષામાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું. 1927માં બૅરિસ્ટરની પરીક્ષા પાસ કરી. થોડોક સમય વકીલાત કરી અને ‘ધ નૅશનાલિસ્ટ’ અખબારનું સંપાદનકાર્ય કર્યું હતું. કૉલકાતા વિશ્વવિદ્યાલયમાં 1924માં પ્રથમ સેનેટ અને પછી સિન્ડિકેટના સભ્ય તરીકે તેમની વરણી થઈ. 1934માં કૉલકાતા યુનિવર્સિટીના કુલપતિપદે નિમાયા. આ પદ તેમના પિતાએ ખાલી કર્યું હતું. તેમણે વિશ્વવિદ્યાલયના શૈક્ષણિક વાતાવરણને સમૃદ્ધ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલી.

કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે 1929માં બંગાળની ધારાસભામાં પ્રવેશીને તેમણે રાજકીય જીવનની શરૂઆત કરેલી; પરંતુ કૉંગ્રેસની મુસ્લિમ લીગ તરફની તુષ્ટિકરણની નીતિ નાપસંદ હોવાથી ધારાસભામાંથી તેમણે રાજીનામું આપી 1937માં ફરીથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. 1941માં સરકારમાં રહીને હિંદુ-હિત નહિ સચવાય તેમ જોતાં પ્રાંતિક સરકારના નાણાપ્રધાનના પદેથી તેમણે રાજીનામું આપ્યું. આ દિવસો દરમિયાન તેઓ હિંદુ મહાસભાના પ્રમુખ વીર સાવરકરના સંપર્કમાં આવ્યા અને હિંદુ મહાસભામાં જોડાયા. તે સંસ્થામાં સક્રિય બન્યા પછી તેઓ લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રાજગોપાલાચારી, સુભાષચંદ્ર બોઝ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર જેવા ઉચ્ચ કક્ષાના નેતાઓના સંપર્કમાં આવ્યા. 1943માં હિંદુ મહાસભાના પ્રમુખ બન્યા પછી દેશના વિવિધ પ્રશ્નો માટે તેમણે દેશના વિવિધ પ્રદેશોની મુલાકાત લઈ લોકસંપર્ક કરેલો.

સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન મુસ્લિમ લીગની અલગ પાકિસ્તાનની માગણી બળવત્તર બનતી જતી હતી. તેનાથી તેઓ ચિંતિત હતા. હિંદુ-મુસ્લિમ કોમવાદની સમસ્યાનો ઉકેલ પાકિસ્તાનની રચનામાં નથી એમ તેમનું સ્પષ્ટ માનવું હતું. આમ છતાં કૅબિનેટ-મિશન સાથેની પોતાની મુલાકાતથી જ્યારે દેશના ભાગલા તેમને નિશ્ચિત જણાયા ત્યારે પોતાની માતૃભૂમિનો વધુમાં વધુ બચાવ અને હિંદુ-હિતની સુરક્ષા માટે તેમણે હિંદુઓને સંગઠિત કરવા અગત્યની ભૂમિકા ભજવેલી.

શ્યામાપ્રસાદ મુખરજી

1943માં બંગાળમાં પડેલા દુષ્કાળમાં સપડાયેલ હજારો માનવીઓને રાહત પહોંચાડવાના કાર્યમાં તેમની સંગઠનાત્મક શક્તિનો પરિચય થયો. એક તરફ સમગ્ર દેશમાંથી રાહતભંડોળ ઉઘરાવવામાં અને બીજી તરફ લોકોને મૃત્યુના ખપ્પરમાંથી બચાવવામાં તેમણે જે કાર્ય કર્યું તેની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ હતી.

મહાત્મા ગાંધીની વિનંતીને માન આપી ઑગસ્ટ 1947માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં ઉદ્યોગપ્રધાન તરીકે ચિત્તરંજન લોકોમોટિવ, સિંદરી ફર્ટિલાઇઝર અને બૅંગાલુરુના હિંદુસ્તાન એર ક્રાફ્ટ – એ તેમની દેન છે. ભારતીય જનસંઘની અર્થનીતિમાં પાછળથી જે વિચારો માર્ગદર્શક બન્યા તેનું ચિંતન તેમણે આ વર્ષો દરમિયાન કરેલું. તેમની માન્યતા હતી કે જે ક્ષેત્રોમાં ખાનગી રોકાણકારો ખચકાતા હોય તેવા અને ખાસ કરીને સંરક્ષણ-ક્ષેત્રે આત્મનિર્ભર રહેવા માટે સરકારે સાહસ કરવું જોઈએ તથા ઔદ્યોગિક વિકાસ માટે માલિક-મજદૂર વચ્ચેના સંબંધો સહકારપૂર્ણ રહેવા જોઈએ. 1947માં ઑક્ટોબરમાં કાશ્મીરમાં પાકિસ્તાનની ઘૂસણખોરી સામે લશ્કર મોકલવાના અને હૈદરાબાદના વિલીનીકરણનો પ્રશ્ર્ન સરદાર પટેલને સોંપાય તેવા કૅબિનેટ કક્ષાના નિર્ણયમાં ડૉ. મુખરજીની ભૂમિકા અગત્યની હતી; પરંતુ સ્વતંત્રતા પછી પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓના હિતના અને શરણાર્થીઓના પશ્નો વડાપ્રધાન નહેરુ સાથે તેમને મતભેદ પડતાં એપ્રિલ 1950માં તેમણે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું હતું.

આ દિવસો દરમિયાન હિંદુ મહાસભાના બંધારણમાં આવશ્યક ફેરફાર ન થતાં ડૉ. મુખરજીએ અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક માધવરાવ ગોળવલકર સાથે લાંબી વિચારણાને અંતે ડૉ. મુખરજીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી. હિંદુત્વને આ પક્ષે પોતાના ચિંતનમાં મુખ્ય સ્થાન આપ્યું અને સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવકોનો પક્ષને ટેકો મળતાં ડૉ. શ્યામાપ્રસાદના નેતૃત્વ નીચે 1952ની પ્રથમ લોકસભામાં 3 અને રાજ્યની ધારાસભાઓમાં 33 બેઠકો પક્ષે 3 %થી વધુ મતો સાથે મેળવી; જેના લીધે જનસંઘને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મળી. લોકસભામાં તેમણે રામરાજ્ય પરિષદ, હિંદુ મહાસભા અને અકાલીદળ જેવા સમાન વિચારસરણીવાળા પક્ષોનો મોરચો બનાવીને તેને નેતૃત્વ પૂરું પાડ્યું અને વિરોધપક્ષની ભૂમિકા પ્રભાવશાળી બનાવવા સફળ પ્રયત્ન કર્યો. રાષ્ટ્રીય પશ્ર્નોના ઉકેલ માટે પંડિત નહેરુની કૉંગ્રેસ સરકાર સાથે જરૂર જણાય ત્યારે સંઘર્ષ છતાં પણ રચનાત્મક કાર્યોમાં જરૂર પડ્યે સહકાર સાધવાની નીતિ અખત્યાર કરી. તેમાં જમ્મુ-કાશ્મીરનો પ્રશ્ન નિર્ણાયક બન્યો.

ભારતની બંધારણસભાના સભ્ય તરીકે ડૉ. શ્યામાપ્રસાદના વિરોધ છતાં, જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મુખ્યપ્રધાન શેખ અબ્દુલ્લાના આગ્રહથી ભારતના બંધારણમાં 370મી કલમ ઉમેરાઈ હતી. આ કલમ પ્રમાણે જમ્મુ-કાશ્મીરની બંધારણસભા તેનું અલગ બંધારણ ઘડી રહી હતી. આ બંધારણની અલગ નાગરિકત્વ અને અલગ રાષ્ટ્રધ્વજ જેવી બાબતો સામે જમ્મુની આમજનતા અને પ્રજાપરિષદ ચિંતિત હતી. પ્રજાપરિષદના તત્કાલીન નેતા પ્રેમનાથ ડોગરાના આગ્રહથી 8 ઑગસ્ટ, 1952ના રોજ ડૉ. શ્યામાપ્રસાદે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી. તેમણે શેખ અબ્દુલ્લા અને વડાપ્રધાનશ્રી પં. જવાહરલાલને રૂબરૂમાં મળીને અને પાછળથી પત્રવ્યવહાર દ્વારા આ રાષ્ટ્રીય પ્રશ્નના ઉકેલ માટે પ્રયત્ન કર્યો; પરંતુ જ્યારે તેમને નિરાશા મળી ત્યારે તેમના પ્રમુખપદ નીચે ભારતીય જનસંઘે પ્રજાપરિષદના સત્યાગ્રહને ટેકો જાહેર કરતો ઠરાવ કર્યો. પક્ષે દિલ્હીને કેન્દ્ર બનાવી રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યું. 8મી મે, 1953ના રોજ ડૉ. મુખરજીએ કાશ્મીરની પરવાના પ્રથાનો સવિનય કાનૂનભંગ કરતાં તેમની ધરપકડ કરી તેમને શ્રીનગરની જેલમાં લઈ જવાયા, જ્યાં તેમની તબિયત કથળી. 40 દિવસ બાદ 23 જૂન, 1953ના રોજ તેમને શ્રીનગર હૉસ્પિટલમાં છેલ્લી ઘડીએ દાખલ કરાયા, જ્યાં તેમનું અવસાન થયું.

ગજેન્દ્ર શુક્લ