મુક્તક : પ્રબંધ કાવ્યથી ભિન્ન લઘુકાવ્યનો એક પ્રકાર. સંસ્કૃત ‘मुक्त’ શબ્દ ઉપરથી ‘મુક્તક’ શબ્દ આવ્યો છે. મુક્તક એટલે એક સ્વતંત્ર કડી કે શ્લોકનું કાવ્ય. તેમાં કેટલાકના મતે એક જ છંદ હોવો જોઈએ. તેમાં ચમત્કારક્ષમતા—ધ્વન્યાત્મકતા અનિવાર્ય છે. તેમાં જે-તે ભાવ, વિચાર કે કલ્પના શક્ય હોય તો એક જ વાક્યમાં, ઘૂંટાઈને–લાઘવપૂર્વક સચોટતાથી—વેધકતાથી, સરસ રીતે અને પ્રાસાદિક રીતે રજૂ થાય એ ઇષ્ટ છે. મુક્તક પ્રબંધમાં હોય તોપણ પ્રકરણ સંબંધે નિરપેક્ષ અને સ્વયંપર્યાપ્ત હોય છે. મુક્તક મોતી જેવી પાણીદાર–સત્વસભર ને સુંદર રચના લાગે એવો મુક્તક-કવિઓનો પ્રયત્ન હોય છે. જીવન અને જગતનાં અનુભવસિદ્ધ સત્યોની, મંથનજનિત ભાવ-વિચારોની હીરાકણીઓ પહેલદાર રીતે પ્રગટ કરવામાં મુક્તક-કવિની વશેકાઈ હોય છે. મુક્તકના ડોલરરાય માંકડ કલ્પનાપ્રધાન, વિચારપ્રધાન અને ભાવપ્રધાન એવા તો અન્યથા આત્મલક્ષી અને પરલક્ષી એવા પ્રકારો આપે છે. મુક્તકમાંનો ધ્વનિ રસધ્વનિ, અલંકારધ્વનિ કે વસ્તુધ્વનિ પણ હોઈ શકે છે – એમ પણ તેઓ નિર્દેશે છે. વળી વિષયવસ્તુની ર્દષ્ટિએ પણ મુક્તકોમાં શૃંગારનાં, નીતિબોધનાં, વીરત્વનાં એવાં વિવિધ રસ-બોધ સાથે સંલગ્ન મુક્તકો પણ મળે છે. નીતિબોધનાં કે સંસાર-વ્યવહારનું શાણપણ દાખવતાં મુક્તકો, સુભાષિતોનો કે સૂક્તિઓનો એક અલગ વર્ગ પણ બનાવે છે. વૃત્તબદ્ધ કે શ્લોકબદ્ધ મુક્તકો ઉપરાંત દુહા, સોરઠા, ચોપાઈ, કુંડળિયા, છપ્પા જેવાં પદ્યસ્વરૂપો ધરાવતાં મુક્તકો પણ મળી રહે છે. ગઝલ-પ્રદેશમાં પણ શાયરની શેરિયતની શક્તિ દાખવતાં ચમત્કૃતિજનક મુક્તકો પણ મળે છે. આ ઉપરાંત પરંપરિત લયમાં કે અછાંદસ રીતિમાંયે મુક્તક આપવાની ક્યારેક ક્યારેક ચેષ્ટાઓ થઈ છે. સારું મુક્તક કવિત્વગુણે પ્રબંધનીયે સરસાઈ કરી શકે છે એવું કેટલાક માને છે. આ સંદર્ભમાં સંસ્કૃતના અમરુ કવિનું ર્દષ્ટાંત આપવામાં આવે છે.

મુક્તક લઘુકાવ્યનો ઘણો પ્રાચીન અને સુપ્રચલિત પ્રકાર છે. કાવ્યશાસ્ત્રવિનોદમાં તેનો ભરપૂર ઉપયોગ થતો રહ્યો છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં તો તેજસ્વી મુક્તકોની એક સમૃદ્ધ પરંપરા છે જ. ગુજરાતીમાંયે મધ્યકાલીન તેમજ અર્વાચીન શિષ્ટ કવિતામાં તેમજ લોકકવિતામાંયે તેનાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે. સંસ્કૃતમાં ‘સુભાષિતરત્નભાંડાગાર’ જેવા સેંકડો મુક્તકોના ઉત્તમ સંગ્રહો છે. પ્રાકૃત મુક્તકસંચયોમાં ‘ગાહાકોષ’, ‘વજ્જાલગ્ગ’ અને ‘છપ્પણય ગાહાઓ’ આદિ ઉલ્લેખનીય છે.

મુક્તકોમાં કેટલાંક સ્તુતિમૂલક તો કેટલાંક પ્રશસ્તિમૂલક મુક્તકોય હોય છે. આમ તો પ્રહેલિકા કે સમસ્યાનો અલગ પ્રકાર છતાં એ મુક્તકના વર્ગમાં આવી શકે એવી એની તાસીર હોય છે. હેમચંદ્રાચાર્યે એમના સિદ્ધહેમ વ્યાકરણમાં અપભ્રંશમાં પ્રેમ, શૌર્ય તેમજ નીતિબોધનાં કેટલાંક સુંદર મુક્તકોનાં ઉદાહરણ આપેલાં છે. જૈન પ્રબંધો ને રાસાઓમાં તેમજ આખ્યાન, પદ્યવાર્તા જેવા પ્રમાણમાં દીર્ઘ કાવ્યપ્રકારોમાં મુક્તકો અત્રતત્ર મૂકેલાં હોય છે. સંસ્કૃતથી આરંભીને મહાકાવ્યોની તો મુક્તકો આપવાની પરંપરા જ હતી. સંસ્કૃત નાટકોમાં આવતા કેટલાક શ્લોકો સ્વતંત્ર રીતે પણ મુક્તક તરીકે ટકી શકે એવા સક્ષમ હોય છે. દલપત-નર્મદ વગેરેએ મનહર, દોહરા વગેરેમાં મુક્તક-રીતિની કવિતા આપી છે. લોકસાહિત્યમાં તો દુહા, સોરઠા, કવિત, છપ્પા જેવાં કાવ્યસ્વરૂપોમાં મુક્તક-કવિતાનો માતબર ખજાનો સચવાયેલો જોવા મળે છે. અર્વાચીન કવિતામાં નાના-મોટા અનેક કવિઓ દ્વારા મુક્તક-કવિતાને કંઈ ને કંઈ લાભ મળતો રહ્યો છે. ગદ્યનાં સૂત્રાત્મક વાક્યોમાંયે કેટલાક મુક્તક-રીતિનું અનુસંધાન-વિસ્તરણ જુએ છે. આમ છતાં મુક્તક લઘુકાવ્યમાંયે લઘુતમ એવું કાવ્યસ્વરૂપ છે અને તે લોકપ્રિય હોવા સાથે અવારનવાર લોકોત્તર ભૂમિકાનાં સામર્થ્ય, તેજ પણ દાખવતું રહે છે. ગુજરાતી કવિતામાં પણ મુક્તક-કવિતાના સ્વતંત્ર સંચયો થયા છે; એમાંયે ગઝલ-મુક્તકોના સંચયો તો સવિશેષ પ્રસાર-પ્રચાર પામી શક્યા છે. આમ ગીત, ગઝલની જેમ મુક્તક-કવિતા પણ સાતત્ય ને સામર્થ્યની ર્દષ્ટિએ આજેય ધ્યાનાકર્ષક રહી છે.

જયા ગોકળગાંધી