મીર, હિંમતભાઈ કાળુભાઈ (જ. આશરે 1885; અ. 1947) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર ભજવનારા નામાંકિત અભિનેતા. પિતા કાળુભાઈ ગાયક અને શીઘ્રકવિ હતા. માતાનું નામ બાનુબહેન. મીર કોમના હોવાથી સંગીતકળા વારસાગત મળી હતી. અભિનય અને સંગીતની પ્રાથમિક તાલીમ પિતા તરફથી મળી હતી. ત્યારબાદ ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીના શ્રી દેશી નાટક સમાજમાં જોડાયા (1898થી 1916). ત્યાં 1899માં ‘ઉમાદેવડી’માં ઉમાદેવડી, 1899માં ‘વિજયકમળા’માં કમળા, 1905માં ‘સતી સીતા’માં સીતા, 1908માં ‘સતી દ્રૌપદી’માં દ્રૌપદી, 1910માં ‘જાલીમ ટુલિયા’માં લુક્રેશિયા, 1915માં ‘સતી દમયંતી’માં દમયંતીનાં પાત્રો ભજવ્યાં. પછી શામજી ગંગારામના ‘શ્રી કચ્છ નીતિદર્શક નાટક સમાજ’માં જોડાયા. 1918માં ‘અહલ્યાબાઈ’માં અહલ્યાબાઈ, ‘રુક્મિણી સ્વયંવર’માં રુક્મણી તથા ‘વીર કેસરી’માં રાણી ઇંદિરા તરીકે તેમણે અભિનય કર્યો હતો.

1921માં હિંમતભાઈએ એમની જોડીના સાથી અભિનેતા દાદુભાઈ મીઠાભાઈ મીર સાથે ભાગીદારીમાં શ્રી દુનિયા દર્શક નાટક સમાજ શરૂ કર્યો. 1921માં ‘બ્રહ્મતનૈયા’માં બ્રહ્મતનૈયાનું પાત્ર ભજવ્યું.

કરાંચીમાં 1921માં ચત્રભુજ ભીમજી ત્રિવેદી રચિત ‘દામાજી’ નાટક રજૂ થયું. રાષ્ટ્રભક્તિથી ભરપૂર આ નાટકમાં ભારતની આમજનતાને જાગ્રત કરવાનો પ્રધાન સૂર હતો. નાટક રજૂ કરવા બદલ નાટ્યસંસ્થાના માલિકો તેમજ તમામ કલાકારોની ધરપકડ કરવામાં આવી. પર્લ ઑપેરા હાઉસના માલિક મોતીલાલ ડી. સેજપાલે કલાકારોને મુક્ત કરાવ્યા. આ સંસ્થાએ ભજવેલાં નાટકોમાં સંગીત હિંમતભાઈએ આપ્યું હતું. પોતાની માલિકીની સંસ્થામાં મીર કોમના કલાકારો તૈયાર કરવાની તેમને તીવ્ર તમન્ના હતી, પરંતુ વહીવટી જ્ઞાનના અભાવે સંસ્થા બંધ થઈ.

1924માં તેઓ ‘આર્ય નાટક મંડળી’માં જોડાયા, ત્યાં ‘મનોરમા’ નાટકમાં મનોરમાની ભૂમિકા કરી. 1927માં શ્રી. દેશી નાટક સમાજમાં ગયા અને 1927માં ‘વલ્લભપતિ’માં કમળા, ‘દેશ-દીપક’માં કપિલા તથા 1932માં ‘સાંભરરાજ’માં સુબંધુ, ‘આર્ય-અબળા’માં માનકુંવર તરીકે અભિનય આપ્યો.

એ સમયે નાટકોનાં લોકપ્રિય ગીતોની ગ્રામોફોન કંપનીઓ તરફથી રેકર્ડ ઉતારવામાં આવતી અને તેનું સારી સંખ્યામાં વેચાણ થતું. ‘અરે ઓ માનવો અભિમાન પલકમાં ટળી જાશે’, ‘કાયા કાચનો કુંભ છે’, (‘વીણા-વેલી’નાટક), ‘મન માયાના કરનાર, સાહેબા સલૂણી નાની’ (‘ઉદયભાણ’), ‘મોહન મદભીનાની માયા મને લાગી’ (‘મનોરમા’), ‘પિયુની ખબર કોઈ’ (‘સુલોચના’), ‘રાજ સમીસાંજના પધારજો’ (‘અહલ્યાબાઈ’)  એ તેમનાં કેટલાંક લોકપ્રિય ગીતો છે.

તેઓ રંગભૂમિની પ્રવૃત્તિ ઉપરાંત રાષ્ટ્રભક્તિથી પણ રંગાયા હતા. મહાત્મા ગાંધીજીએ સાબરમતીથી શરૂ કરેલા સ્વાતંત્ર્ય-આંદોલન પ્રસંગે હિંમતભાઈના કંઠે ગવાયેલ ગીત ‘ખાદી કી સાડી પહેનો ખાદી હય આબાદી’ ખૂબ જ લોકપ્રિય નીવડ્યું હતું. આ રીતે જનતામાં જાગૃતિ લાવવામાં તેમનો પણ ફાળો રહ્યો હતો.

એમના લોકપ્રિય ગીતની એક રેકર્ડના ‘હિઝ માસ્ટર્સ વૉઇસ કંપની’ તરફથી રૂ. 100 અપાતા હતા. આ કંપનીએ એમની ગાયકીથી પ્રભાવિત થઈને તેની કદર રૂપે 5 તોલા સોનાનો ચંદ્રક તથા એક ગ્રામોફોન યાદગીરી રૂપે ભેટ આપ્યાં હતાં.

1908માં ‘શ્રી દેશી નાટક સમાજે’ રજૂ કરેલા નાટક ‘સતી દ્રૌપદી’માં દ્રૌપદીનું પાત્ર પૂરેપૂરા કૌશલ્યપૂર્વક ભજવવાથી હિંમતભાઈ ‘દ્રૌપદી’નું બિરુદ પામ્યા હતા.

સુરીલું ગળું અને નાટ્યતખ્તાની સબળ તાલીમ એમની કારકિર્દીના વિકાસનાં નિર્ણાયક પરિબળો હતાં.

ધીરેન્દ્ર સોમાણી