મીર હસન (જ. 1736, દિલ્હી; અ. 1786, લખનૌ) : ઉર્દૂ કવિ. ‘હસન’ તેમનું ઉપનામ. આખું નામ મીર ગુલામ હસન. તેઓ મસ્નવી કાવ્ય ‘સેહરૂલ બયાન’ માટે જાણીતા છે. તેમના વડવા મીર ઇમામી મસવી, હિરાત(અફઘાનિસ્તાન)થી શાહજહાં બાદશાહના રાજ્યકાળમાં દિલ્હી આવ્યા હતા. મીર હસનના પિતા મીર ગુલામ હુસેન ઝાહિક પણ ઉર્દૂમાં કવિતા રચતા હતા. મીર હસને નાનપણમાં ફારસી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરીને ફારસી શાયરીનો શોખ કેળવ્યો હતો. તેઓ પોતાના પિતાની સાથે પહેલાં લખનૌ અને ત્યાંથી ફૈઝાબાદ પહોંચ્યા; ત્યારબાદ તેમણે ઉર્દૂમાં કવિતા રચવાની શરૂઆત કરી. તેઓ ઉર્દૂ કવિ ઝિયા ફૈઝાબાદીના શાગિર્દ હતા. યુવાનીમાં તેઓ ફરી લખનૌ ગયા અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યા. લખનૌમાં તેઓ નવાબ આસિફુદદૌલાના દરબારી સાલારજંગ સાથે સંકળાયેલા રહ્યા હતા; પરંતુ તેમની આર્થિક સ્થિતિ ક્યારેય સારી ન હતી. તેમના વિખ્યાત મસ્નવી કાવ્ય ‘સેહરૂલ બયાન’ માટે નવાબ તરફથી તેમને માત્ર એક શાલ ભેટ તરીકે મળી હતી. મીર હસને ‘ગુલઝારે ઇરમ’ નામનું એક મસ્નવી કાવ્ય આત્મકથા-સ્વરૂપે લખ્યું હતું. તેમને રંગરાગ અને પ્રેમમસ્તી પ્રિય હતાં. તેમને ખેલ, તમાશા, મેળાનો અને હરવાફરવાનો ઘણો શોખ હતો. તેઓ લખનૌની તમામ તવાયફોથી પરિચિત હતા. હુસ્ન અને ઇશ્કના તેમના સ્વભાવની ઝલક તેમની કવિતામાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કવિતાકલા તેમને વારસામાં મળી હતી અને ભાષા ઉપર તેઓ ખૂબ કાબૂ ધરાવતા હતા. વળી તેઓ મહેનતુ હતા. પોતાની કવિતાને શણગારવામાં તેઓ ઘણી મહેનત કરતા હતા. મીર હસને 1778માં સતત 8 વર્ષની મહેનત પછી ઉર્દૂ કવિઓના જીવનપ્રસંગોનો સંગ્રહ ‘તઝકિરએ શોચરાએ’ ઉર્દૂફારસી ભાષામાં લખ્યો હતો. આ તઝકિરામાં તેમણે 304 પ્રાચીન તથા સમકાલીન ઉર્દૂ કવિઓનો તથા તેમની કાવ્યરચનાઓનો પરિચય કરાવ્યો છે અને તે સાથે તેમની કવિતાકલા ઉપર વિવેચન પણ કર્યું છે. તેમણે કવિઓ વિશે સમતોલ અને ગંભીર અભિપ્રાય આપ્યા છે. અત્રે કવિતા વિશેની તેમની ર્દષ્ટિ સ્પષ્ટ થાય છે. મીર હસનના સર્વસંગ્રહ ‘કુલ્લિયાતે મીર હસન’માં તેમની જીવનભરની કાવ્યરચનાઓ સચવાઈ છે. તેમાં મુખ્યત્વે ગઝલો અને ટૂંકી મસ્નવીઓ તથા એક લાંબી મસ્નવીનો સમાવેશ થાય છે. તેમની ગઝલો ચીલાચાલુ છે. તેમણે રચેલી ટૂંકી મસ્નવીઓમાં ‘ગુલઝારે ઇરમ’ (1778) આત્મકથા-સ્વરૂપે હોઈ અને ‘મસ્નવી રમઝુલ આરિફીન’ (1775) તેમાંના સૂફીવાદી વિચારોને કારણે નોંધપાત્ર બની છે. લાંબી મસ્નવી ‘સેહરૂલ બયાન’ તેમની શ્રેષ્ઠ મસ્નવી અને ઉર્દૂના સમગ્ર મસ્નવી- સાહિત્યમાં પણ સરતાજ ગણાઈ છે. આ મસ્નવી મીર હસનના જીવનના અંતભાગમાં લખાયેલી તેમની છેલ્લી કૃતિ છે. મસ્નવી ‘સેહરૂલ બયાન’ (વર્ણનનો જાદુ) ઉર્દૂની અનન્ય મસ્નવી છે. 2,179 પંક્તિઓ ધરાવતી આ કૃતિમાં પૂરી કાવ્યાત્મકતા છે. શ્રેષ્ઠ મસ્નવી માટેનાં જરૂરી તમામ તત્વો તેમાં છે. તેમાં મનસ્વીના પરંપરાગત સ્વરૂપને સંપૂર્ણપણે જાળવી રાખવામાં આવ્યું છે અને સાથે કથાવાર્તાનાં જરૂરી લક્ષણો – સંકલિત અને સંયોજિત ઘટનાવર્ણન, કલ્પનાશક્તિ, કાવ્યતત્વ, સમતોલપણું તથા સંક્ષિપ્તતા, સમાજ તથા સંસ્કૃતિનું અસરકારક ચિત્રણ તથા ચરિત્ર-વર્ણન; સરળતા તથા સાદાઈ સાથે ભાષાનો કલાત્મક વિનિયોગ – વગેરે જોવા મળે છે. તેની રચનાનાં 215 વર્ષ પછી પણ તે આજેય રસપૂર્ણ, અસરકારક અને તાજગી-ભરપૂર લાગે છે. આ મસ્નવીની કથા પરીઓ અને રાક્ષસો જેવાં કાલ્પનિક પાત્રો અને તેમની કામગીરી ઉપર આધારિત  છે. રાજા દશરથ તથા રાજા વિક્રમની વાર્તાઓની સાથે ફારસી-ઉર્દૂની પ્રચલિત પરીકથાઓનો સમન્વય સાધીને અહીં એક નવી વાર્તા વિકસાવવામાં આવી છે. આમ છતાં તેમાં તત્કાલીન સમાજ-વ્યવસ્થા, સામંતશાહી રિવાજો અને લોકજીવન તથા વ્યવહારની ઝલક અગ્રિમ સ્થાન ધરાવે છે. આ રીતે મસ્નવી ‘સેહરૂલ બયાન’ 200 વર્ષ પહેલાંના અવધ પ્રદેશના જીવનની વાસ્તવિક ઝાંખી કરાવે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી