મીણ (wax) : નીચા ગલનબિંદુવાળું કાર્બનિક પદાર્થોનું મિશ્રણ અથવા ઊંચા અણુભારવાળું એવું સંયોજન કે જે ઓરડાના તાપમાને ઘન રૂપમાં હોય છે તથા જેનું સંઘટન સામાન્ય રીતે ચરબી અને તેલને મળતું આવતું હોય છે પણ તેમાં ગ્લિસરાઇડ સંયોજનો હોતાં નથી. મીણ પૈકીનાં કેટલાંક હાઇડ્રૉકાર્બન-સંયોજનો હોય છે જ્યારે જેને સાચા મીણ કહી શકાય તેવાં કેટલાક ઉચ્ચ એકબેઝિક ચરબીજ ઍસિડ (ઘણું ખરું સંતૃપ્ત) અને 12થી 36 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કોહૉલનાં એસ્ટરો હોય છે; . મોટાભાગનાં મીણ 35° અને 100° સે. વચ્ચે પીગળતાં હોય છે. આમ તેઓ તાપ-સુનમ્ય (thermoplastic) હોય છે; પરંતુ તે ઉચ્ચ બહુલકો (high polymers) ન હોવાથી તેમને પ્લાસ્ટિકમાં ગણવામાં આવતાં નથી. સામાન્ય મીણમાં એસ્ટર ઉપરાંત ઉચ્ચ અણુભાર ધરાવતા ઍસિડ, આલ્કોહૉલ, કીટોન, હાઇડ્રોકાર્બન, સ્ટીરોલ, હાઇડ્રૉક્સિ ઍસિડ એમ અનેક પદાર્થો હોય છે.

મીણ કુદરતી તેમજ સંશ્લેષિત  એમ બે પ્રકારનાં હોય છે :

I. કુદરતી મીણ

(અ) પ્રાણીજ (પ્રાણીઓ અને જંતુઓમાંથી મળતાં) મીણ : દા.ત., મધમાખીનું મીણ, ઊની મીણ (wool wax) અથવા લેનોલિન, શલ્કલાખ મીણ (shellac wax), ચીની-કીટ-મીણ (Chinese insect wax) વગેરે.

(આ) વનસ્પતિજ : દા.ત., કાર્નાઉબા (carnauba), કેન્ડેલિલા (candellila) મીણ, બૅબેરી (bayberry) મીણ, જાપાન મીણ, શેરડીનું મીણ વગેરે.

(ઇ) ખનિજ : (i) જીવાશ્મ (fossil) અથવા મૃદા (earth) મીણ; દા.ત., ઓઝોસિરાઇટ (ozocerite), સીરીસિન (ceresin), મોન્ટાન (montan) મીણ વગેરે.

સારણી 1 : કુદરતી મીણ

ખનિજ વનસ્પતિજ પ્રાણિજ
પૅરેફિન કાર્નાઉબા અથવા બ્રાઝિલ (અ) પ્રાણીઓનું, સ્પર્માસિતી, ઊની મીણ અથવા  લેનોલિન
ઓઝોસિરાઇટ સીરીસિન મીણ, કેન્ડેલિલા અથવા ગ્રાસ વૅક્સ
મોન્ટાન જાપાન, બૅબેરી, કોકા (cocoa), ઇસ્પાર્ટો (esparto) (આ) જંતુઓનું (જંતુજ), મધમાખીનું મીણ, ચીની – કીટ-મીણ, શલ્કલાખ મીણ

II. સંશ્લેષિત મીણ

(અ) ઇથિલિન બહુલકો (ethylene polymers) અને પૉલિયોલ ઈથર-એસ્ટરો; દા.ત., કાર્બૉક્સ મીણ (carbox wax), સોર્બિટોલ વગેરે.

(આ) ક્લોરીનીકૃત (chlorinated) નેપ્થેલિન સંયોજનો; દા.ત., હેલો–વૅક્સ (halo–wax).

(ઇ) હાઇડ્રોકાર્બન પ્રકાર; દા.ત., ફિશર-ટ્રોપ્સ સંશ્લેષણમાં મળતાં મીણ.

મીણના વ્યવહારુ ઉપયોગ માટે તેના રાસાયણિક ગુણધર્મોને બદલે ભૌતિક ગુણધર્મો વધુ લક્ષમાં લેવાય છે. આવાં મીણ નીચે પ્રમાણેના ગુણધર્મો ધરાવતાં હોવાં જોઈએ :

(i) તે 20° સે. તાપમાને ઘન સ્થિતિમાં હોવું જોઈએ.

(ii) તે 40° સે.થી ઊંચા તાપમાને વિઘટન વિના પીગળે તેવું સ્ફટિકમય હોવું જોઈએ.

(iii) પ્રવાહી અવસ્થામાં તેની શ્યાનતા (viscosity) પ્રમાણમાં નીચી હોવી જોઈએ.

(iv) તેની ઘટ્ટતા અને દ્રાવ્યતા જેવા ગુણધર્મો તાપમાન ઉપર આધારિત હોવા જોઈએ.

(v) થોડા દબાણ વડે તેને પૉલિશ કરી શકાય તેવું હોવું જોઈએ. કેટલાંક મીણના આવા ગુણધર્મો  સારણી 2માં  દર્શાવ્યા છે :

સારણી 2 : કેટલાંક મીણના ગુણધર્મો

મીણ .બિંદુ ° સે. ઍસિડ મૂલ્ય સાબૂકરણ આંક આયોડિનમૂલ્ય એસેટાઇલ મૂલ્ય
* (+) (•)
મધમાખીનું મીણ (બીઝ્ વૅક્સ) 63 19 92 10 15
કેન્ડેલિલા (ગ્રાસ વૅક્સ) 67 15 55 33
કાર્નાઉબા (car nauba) અથવા બ્રાઝિલ વૅક્સ 84 05 83 10 55
સ્પર્માસિતી  (spermaceti) 45 01 120 02
ઊની વૅક્સ (લેનોલિન) 40 20 100 30

* મુક્ત ઍસિડના તટસ્થીકરણ માટે પ્રતિ ગ્રામ મીણદીઠ KOHના મિગ્રા.

+ એસ્ટરના સાબૂકરણ માટે પ્રતિ ગ્રામ મીણદીઠ KOHના મિગ્રા.

≠ પ્રતિગ્રામ મીણદીઠ આયોડિનના સેન્ટિગ્રામ (અસંતૃપ્તતાનું પ્રમાણ સૂચવે છે)

• એક ગ્રામ એસિટિલેટ કરેલ મીણના સાબૂકરણ બાદ એસેટિક ઍસિડના તટસ્થીકરણ માટે વપરાતા KOHના મિગ્રા.

અગત્યનાં મીણ

કાર્નાઉબા મીણ (Carnauba wax) (Brazil wax) : કાર્નાઉબા મીણ કાર્નાઉબા વૃક્ષનાં પાંદડાંઓના નિસ્રાવ(exudate)માંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે. સૌથી વધુ ઉત્પાદન ઈશાન બ્રાઝિલમાં થાય છે. વૃક્ષનાં પાંદડાંઓ સૂકવતાં તેમાંથી આ મીણ છૂટું પડે છે. તે એક અગત્યનું મીણ છે અને તેના વડે પૉલિશ કરવાથી સપાટી ચકચકિત બને છે. મુખ્યત્વે તે સિરોટિક ઍસિડ (cerotic acid) તથા મિરિસાઇલ આલ્કોહૉલ(myricyl alcohol)નો એસ્ટર છે. તેની કઠિનતા અને ઊંચા ગલનબિંદુને કારણે તે મોટરગાડીને પૉલિશ કરવાના મીણમાં અગત્યનો ઘટક હોય છે.

કેન્ડેલિલા મીણ : રણમાં થતા થૉરના છોડ(Euphorbia antisyphilitica shrub)માંથી ગરમ પાણી દ્વારા તે મેળવાય છે. આ મીણમાં શ્લેષી (tacky) રેઝિન ઉપરાંત હાઇડ્રોકાર્બન વધુ પ્રમાણમાં હોય છે. તેના પ્રબળ આસંજક ગુણને લીધે તે ઉપયોગી છે. કાર્નાઉબામાં મિશ્ર કરવા માટે તે વપરાય છે.

મધમાખીનું મીણ (Bees wax) : મધમાખીના મધપૂડાનો તે નિસ્રાવ છે. તેનો મોટો હિસ્સો મીણબત્તી બનાવવામાં તથા થોડો પૉલિશ બનાવવામાં વપરાય છે. બીજાં મીણ માટે તે દ્રાવક તરીકે સારું કામ આપે છે. તે મહદ્અંશે મિરિસાઇલ આલ્કોહૉલનો પામિટિક એસ્ટર છે. તે સુઘટ્યતાકારક છે તથા આસંજન વધારે છે.

ઊની મીણ (wool wax – લેનોલિન) : તે ઘેટાંના ઊનમાંથી મેળવાય છે અને તેને શુદ્ધ કરવાથી લેનોલિન મળે છે. તે સૌન્દર્યપ્રસાધનો, ઔષધીય ક્રીમ તથા મલમ (salves) બનાવવામાં વપરાય છે. સૂકી ચામડી ઉપર તેને લગાવતાં ચામડી કોઈ પણ વિકૃત અસર વિના મુલાયમ બને છે. મોટાભાગે તેમાં રહેલાં સ્ટેરોલ્સ તથા આલ્કોહૉલની હાજરીને લીધે તે સૌન્દર્ય-પ્રસાધનો માટે ઉપયોગી છે.

સ્પર્માસિતી (spermaceti) (cetin) : સ્પર્મ વહેલના શિરગુહા (head cavity) અને મેદસ્તર(blubber)માંથી સ્પર્મ ઑઇલ સાથે તે મેળવાય છે. તે સૌન્દર્ય-પ્રસાધનમાં વપરાય છે. મુખ્યત્વે તે સિટાઇલ પામિટેટ છે.

શેરડીમાંથી મીણ : શેરડીમાંથી ખાંડ બનાવ્યા બાદ બાકી રહેલ ગાળણના નિષ્કર્ષણમાંથી તે મળે છે.

પેટ્રોલિયમ મીણ : આ મીણ 18થી 35 કાર્બન પરમાણુ ધરાવતા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું બનેલું હોય છે. પેટ્રોલિયમમાંના ઊંજણ-તેલના અંશ (fraction) રૂપે આ મીણ મળે છે. તે સ્ફટિકમય અથવા સૂક્ષ્મ-સ્ફટિકમય (પેટ્રોલેટમ) – એમ બે પ્રકારનું હોય છે. સ્ફટિકમય સ્વરૂપનું ગ.બિં. 48°થી 65° સે.ની સીમામાં હોય છે, જ્યારે સૂક્ષ્મ સ્ફટિકમય મીણનું ગ.બિં. 65° થી 79° સે.ની સીમામાં હોય છે. હાલમાં વપરાતા મીણનો 90 % હિસ્સો આ મીણનો હોય છે.

મીણનું વિશ્લેષણ : મીણનું વિશ્લેષણ ખૂબ અઘરું છે પણ તેના ભૌતિક ગુણધર્મોના આધારે તેનું વિશ્લેષણ કરી શકાય છે. હવે વાયુ-પ્રવાહી ક્રોમેટૉગ્રાફીની શોધ બાદ આ વિશ્લેષણ સરળતાથી કરી શકાય છે.

મીણના ઉપયોગો : વિવિધ પ્રકારની પૉલિશ, મીણબત્તી અને રંગીન ચાક (crayons) બનાવવા, સીલ કરવા (sealant તરીકે) કે મહોર લગાવવા, રબર અને પ્લાસ્ટિકની વસ્તુઓને સૂર્યતડ (sun cracking) સામે રક્ષણ આપવા, કાર્બન પેપર બનાવવા અને કાગળને અસ્તર ચડાવવા માટે, ઇલેક્ટ્રિક ઇન્સ્યુલેશન માટે, ખાદ્ય પદાર્થોનાં પૅકેજિંગમાં, સૌંદર્યપ્રસાધનોમાં, જલસહ્ય અને માર્જક સંયોજનોમાં મીણનો ઉપયોગ થાય છે.

જ. પો. ત્રિવેદી