મિયાં ફૂસકી : જીવરામ ભ. જોષીરચિત બાલભોગ્ય કથાશ્રેણી ‘મિયાં ફૂસકી’નું મુખ્ય પાત્ર. જીવરામ જોષીએ બીજું કશું ન રચ્યું હોત અને કેવળ ‘મિયાં ફૂસકી’ની ગ્રંથમાળાના સંદર્ભમાં આ પાત્ર જ આપ્યું હોત તોપણ ગુજરાતી બાલકથાસાહિત્યમાં તેઓ સારી એવી પ્રસિદ્ધિ પામ્યા હોત. તેમણે આપેલાં યાદગાર પાત્રોમાં ‘મિયાં ફૂસકી’ અનેક રીતે અનન્ય છે.

‘ઝગમગ’ના તંત્રીપદે રહી એ બાલસાપ્તાહિક નિમિત્તે ‘મિયાં ફૂસકી’ની કથાઓ આપેલી ને તે એટલી લોકપ્રિય થઈ કે ‘ઝગમગ’ અને ‘મિયાં ફૂસકી’ પર્યાયરૂપ થઈ ગયેલાં અને ‘મિયાં ફૂસકી’ દ્વારા લોકો તેના લેખકને ઓળખતા. બાલમાનસમાં રમતું રહેલું આ કાલ્પનિક પાત્ર તેના લેખકની આગવી સરજત છે. મિયાં ફૂસકી એક લાક્ષણિક હાસ્યપ્રધાન પાત્ર છે. બહારથી મૂર્ખ દેખાતા તેઓ હકીકતે બુદ્ધિશાળી છે અને બુદ્ધિબળથી તેઓ વિરોધીઓને હંફાવી એમને કફોડી સ્થિતિમાં મૂકી દે છે અને એમને મૂર્ખ બનાવવા મથનારને મૂર્ખ બનાવે છે. 1945થી તેઓ ગુજરાતી ઘરોમાં દાખલ થઈ ગયા છે અને એકાધિક પેઢીઓથી તેઓ પોતાનાં વિશિષ્ટ વેશ, વિધાનો અને વર્તનથી બાળકોના મન પર કબજો જમાવી બેઠા છે.

મિયાં ફૂસકી

વાળ વગરનું માથું, નાનકડી દાઢી, ગોળ ગોળ ચકળવકળ થતી આંખો ને ડરતા હોય છતાંય નીડર અને પરાક્રમી હોય તેવી રીતે તે વાત કરતા અને ડંફાસ મારતા. મિયાં ફૂસકી અનેક પ્રકાશકો – પ્રકાશનસંસ્થાઓ દ્વારા અવારનવાર, ક્યારેક જરાતરા ફેરફાર સાથે અને ક્યારેક તેવા ફેરફાર વગર પણ અવતાર પામતા રહ્યા છે. તેમનું અવતરણ ‘ઝગમગ’ સાપ્તાહિક નિમિત્તે 1945થી શરૂ થયું હતું. પુસ્તકાકારે સંદેશ બાલસાથી ગ્રંથમાળા દ્વારા 1946માં, ભારતી સાહિત્ય સંઘ દ્વારા 1951માં, ‘ઝગમગ’ પ્રકાશન દ્વારા 1953માં અને આર. આર. શેઠની કંપની દ્વારા 1963માં તેઓ પ્રચાર પામે છે.

મૂળ તો એ ફત્તુમિયાં. આ ફત્તુમિયાં ચોકીદાર બન્યા. ગધેડાના ટોળાને લૂંટારુઓનું ટોળું માને છે અને અભિમાન કરે છે. પછી બીકથી કોઠી પાછળ સંતાઈ જાય છે ને ફત્તુમાંથી બને છે ફૂસકી. આ મિયાં ફૂસકી પ્રસંગાનુસાર ડરપોક અને બહાદુર  બની શકે છે. બુદ્ધિ ચલાવવાની આવે છે ત્યાં તે આગળ પડતો ભાગ ભજવે ને નહિ તો બીકણ હોઈને છટકબારી શોધે. તેમનું ડરપોકપણું ક્વચિત્ તેમની બહાદુરીમાં પણ ખપી જાય!

તેમની વાતો મૂળ 30 ભાગમાં પ્રસિદ્ધ થઈ છે. પછીથી તેમાંની જ કેટલીક કથાઓ જુદા જુદા ગુચ્છમાં પ્રગટ થતી રહી છે. મિયાં ફૂસકી અને તેમના પૂરક જેવા સહનાયક રૂપે આવતા તભા ભટ્ટ નિમિત્તે લેખકે માનવસ્વભાવનું ઝીણું આલેખન કર્યું છે. અહીં બનતી ઘટનાઓ બહુ સહજ લાગે છે. ‘મિયાં ફૂસકી અને ભૂત’, ‘ફુશકીના ઘા’ જેવી કથાઓમાં તેમની ચતુરાઈનાં દર્શન થાય છે તો ‘મિયાં ફૂસકી અને કાચબો’ જેવી કથાઓમાં તેમના હાસ્યનાં. ‘મિયાં ફૂસકી અને સાડીનો રંગ’ જેવી કથામાં હસવામાંથી ખસવું પણ થઈ જાય છે. મિયાં ફૂસકી ખૂબ વ્યવહારુ રીતે વર્તે છે અને સમય વર્ત્યે સાવધાન થઈ ગમે તેવો વેશ લેવામાં પાછા પડતા નથી. અલબત્ત, તભા ભટ્ટ વગર મિયાં ફૂસકી અધૂરા લાગે.

મિયાં ફૂસકીનાં કેટલાંક પરાક્રમો એવાં છે જે વાંચતી વખતે અને વાંચ્યા પછી ગમે ત્યારે, જ્યારે તે યાદ આવે ત્યારે, આનંદ આપે છે. તે ક્યારેક તેમના રમૂજી સ્વભાવને કારણે તો ક્યારેક વિદૂષકવેડાને લીધે નિર્દોષ હાસ્ય પૂરું પાડે છે. આ પાત્ર બોલવે શૂરું છે. ‘અમે કોણ ? મિયાં ફૂસકી ! સિપાઈ બચ્ચા !’ – એમ કહી બાળકોમાં એક પ્રકારની ઉત્તેજના ઊભી કરનાર મિયાં અનેક પ્રકારની ડંફાસો મારે છે અને આકસ્મિક રીતે એમની એવી ડંફાસો સાચીયે પડે છે ! તેઓ બાળકોને હસતાં રાખે છે. એમાં બોધકતા ઘૂસી નથી એ ધ્યાનપાત્ર બાબત છે. મિયાં ફૂસકીનું જિદ્દીપણું ક્યારેક અડિયલપણાનો પર્યાય બનેલું પણ લાગે. આમ છતાં એમ કહી શકાય કે મિયાં ફૂસકી – એ પાંચમા દાયકાની ગુજરાતી બાલકથાને જીવરામ જોષી તરફથી મળેલી એક આકર્ષક અને ચિરંજીવ ભેટ છે. આ મિયાં ફૂસકીની કથાનાં થયેલાં નાટ્યરૂપાંતરો આજે પણ રંગભૂમિ તેમ જ ટી.વી. પર આકર્ષણ જમાવતાં રહ્યાં છે.

શ્રદ્ધા ત્રિવેદી