મિથિલા-વૈભવ (1963) : મૈથિલીના ચિંતક-સાહિત્યકાર યશોધર જહાનો તત્વજ્ઞાનવિષયક અભ્યાસગ્રંથ. તેમાં ભારતીય તત્વદર્શનના સમન્વય પર ભાર મુકાયો છે. ઘણા લાંબા સમયથી મિથિલા તત્વજ્ઞાનીઓનું ધામ રહ્યું હતું. આથી તે તત્વદર્શનની વિચારધારા તથા ગહન પાંડિત્ય માટે પંકાયેલું રહ્યું. આ ગ્રંથ મિથિલાની ગૌરવ-ગાથારૂપ છે.

લેખક પોતે પંડિત મધુસૂદન વિદ્યાવાચસ્પતિના વિદ્યાર્થી હોઈ પુસ્તકમાં તેમના ગુરુના દિશાદોર પ્રમાણે વિષયની સુંદર અને અધિકારપૂર્ણ છણાવટ થઈ છે. ભાષા પ્રવાહી તથા સંસ્કારી છે અને અભિગમ સ્પષ્ટ અને સરળ છે. પરિણામે આવો ગંભીર વિષય પણ સરળ સુગમ બન્યો છે.

ભેદમાં અભેદની તથા વિવિધતામાં એકતાની અનુભૂતિ કરવી તેમજ બીજા લોકો માટે તેની પ્રતીતિ સુગમ બનાવવાનો પ્રયાસ કરવો તે તેમના જેવા અધિકાર–બહુશ્રુત વિદ્વાન માટે જ શક્ય બને. આ ગ્રંથમાં તત્વદર્શનનાં વિવિધ પાસાંઓનો સમન્વય; તત્વજ્ઞાનની જુદી જુદી વિચારસરણીઓનું સારદોહન; વૈશેષિક, સાંખ્ય અને વેદાંતની પ્રકાર-ચર્ચા; વૈશેષિક, સાંખ્ય અને વેદાંતના સંદર્ભમાં આત્મન્ વિશે તલસ્પર્શી છણાવટ; નિર્ગુણ આત્મન્, દ્વૈતવાદ તથા મિથિલાનો મહિમા જેવા વિષયો નિરૂપાયા છે. મિથિલાના પંડિતો–વિદ્વાનોને પ્રકાશમાં લાવવાનો લેખકનો પ્રધાન ઉદ્દેશ સુપેરે પાર પડ્યો છે.

તત્વચિંતનના આ ગ્રંથને સાહિત્ય એકૅડેમીનો 1966ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી