મા સર્વેશ્વરી (જ. 13 નવેમ્બર 1943; કપૂરા, જિ. સૂરત) : ભારતનાં એક અગ્રગણ્ય સિધ્ધસંત. પૂર્વાશ્રમનું નામ સરોજબહેન ભક્ત.

રામકબીર ભક્ત સમાજના સંસ્કારી, પ્રભુપ્રેમી અને સંપૂર્ણ રાષ્ટ્રપ્રેમે રંગાયેલા કુટુંબમાં, પિતા કાલિદાસભાઈ ભક્ત અને માતા ભીખીબાનાં સૌથી નાનાં પુત્રી. પૂ. શ્રી યોગેશ્વરજીએ 1978માં એમને ‘સર્વેશ્વરી’ નામ અર્પણ કર્યું, ત્યારથી એ નામે તેઓ પ્રસિદ્ધ છે.

શિક્ષણ કપૂરા, વ્યારા અને નડિયાદમાં. સૂરતની એસ. એન. ડી. ટી. કૉલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે બી. એ. તેમાં પ્રથમ આવવા બદલ ‘ઉમાશંકર જોશી’ પારિતોષિક અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયાં. બી. એડ્.નો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાંથી. 1971માં સૂરતના સાધના વિદ્યાભવનમાં શિક્ષિકા તરીકે જોડાયા પછી તે જ શાળામાં આચાર્યપદે પણ નિયુક્ત થયાં.

શૈશવથી જ એમની શક્તિ અને પ્રકૃતિ અસાધારણ હતી. નવ વર્ષની ઉંમરથી એમને પ્રકાશદર્શન થતું હતું. પિતાની દેશદાઝ અને ભગવત્પ્રીતિ તેમજ માતાની સહનશીલતા અને ક્ષમા ગળથૂથીમાં જ મળી હતી જે આગળ જતાં એમની તપોમય જીવનસાધનામાં ઉપયોગી નીવડ્યાં. પિતાએ 1961માં તેમની જમીન ભૂદાનયજ્ઞમાં આપી હતી. તેઓ સુધારાવાદી વિચારસરણી ધરાવતા હતા. તેઓ ગામેગામ ફરીને બાળલગ્નો અટકાવતા, ગામમાં હરિજનોને કૂવે પાણી ભરવા દેવામાં અને ઘરમાં પ્રવેશ આપવામાં તેઓ પહેલા હતા. પિતાનો આ સંસ્કારવારસો તથા પ્રભાવ મા સર્વેશ્વરીમાં સવિશેષ જોવા મળે છે. રાષ્ટ્રીય ચળવળ વખતે તેમના મોટા ભાઈને પણ જેલમાં રહેવું પડેલું.

મહાત્મા શ્રી યોગેશ્વરજીનો પરિચય 1971માં થયો. તેમણે તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા. દક્ષિણ ભારતના શ્રીશૈલ પર્વત પરના મલ્લિકાર્જુન સ્થળમાં પૂ. શ્રી યોગેશ્વરજી પાસેથી 1978માં તેમને દીક્ષા મળી. શ્રી યોગેશ્વરજીએ કહ્યું, ‘પૂ. મા. સર્વેશ્વરી વિરલ–અતિવિરલ, પરમાત્માના પ્રેમરંગે રંગાયેલાં, પરમાત્મામાં જ જીવનારાં, અસાધારણ આત્મા છે.’ 1979માં પૂ. શ્રી યોગેશ્વરજીની માંદગીના પરિણામે શાળાના આચાર્યપદેથી રાજીનામું આપીને પૂ. મા.એ તેમનું સમગ્ર જીવન ગુરુસેવામાં સમર્પિત કર્યું.

તેઓ ‘સર્વમંગલ ચૅરિટેબલ ટ્રસ્ટ’નાં અધ્યક્ષ અને પછીથી તેનાં માર્ગદર્શક તેમજ પ્રેરણામૂર્તિ બની રહ્યાં. આ ટ્રસ્ટ દ્વારા સમાજસેવા અને કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર અંબાજીમાં ‘સ્વર્ગારોહણ’ નામનું વિશ્રામગૃહ તેમજ ‘યોગતીર્થ’ નામનું સ્મૃતિમંદિર નિર્માણ પામ્યાં છે.

ગુજરાતમાં આવેલા ભૂકંપમાં તેમના ટ્રસ્ટે ઘણાં બધાં ગામોમાં મહત્ત્વની સેવા કરેલી. ‘અર્ઘ્ય’ (1981) અને ‘અંજલિ’ (1983) નામના તેમના બે ભજનસંગ્રહો પ્રકાશિત થયા છે, જેમાં અધ્યાત્મજીવનનો ધબકાર તેમજ ઉત્કટ ભગવદભક્તિ અનુભવાય છે. ‘દક્ષિણ આફ્રિકાનો પુણ્યપ્રવાસ’ (1984) તેમનો પ્રવાસગ્રંથ છે. ‘યોગેશ્વરલીલામૃત’ (1986) પદ્યમાં પ્રગટ થયેલું દળદાર પુસ્તક છે, જેમાં મહાત્મા યોગેશ્વરજી સાથે કરેલી દેશવિદેશની યાત્રાઓ, પ્રવચનો, વાર્તાલાપો, શિબિરો વગેરેની નોંધ રસાળ શૈલીએ અપાઈ છે.

મા સર્વેશ્વરીએ શ્રી રંગ અવધૂત મહારાજ, મહાવીર સ્વામી, શ્રીમદ્ રાજચંદ્ર, મુગુટરામજી મહારાજ, કબીરજી જેવા સંતોની જીવનકથાઓ અને પ્રભુપ્રેમનાં 400 જેટલાં પદો લખ્યાં છે. તેમણે પોતાની આત્મકથા પણ લખી છે. તેમના મધુર સ્વરમાં ગવાયેલ શ્રી યોગેશ્વરજીરચિત ભક્તિગીતોની 50 જેટલી ઑડિયો કૅસેટો પ્રગટ થઈ છે.

અરુણા ઠાકર