મારફતિયો : ઉત્પાદક અને વેપારીઓને તેમના માલની હેરફર કરવા માટે મધ્યસ્થી તરીકે સેવા આપનાર વ્યક્તિ. મારફતિયો એ બિનવેપારી આડતિયાનો એક પ્રકાર છે. આડતિયાના મુખ્યત્વે બે પ્રકાર હોય છે : એક વેપારી આડતિયા અને બીજા બિનવેપારી આડતિયા. વેપારી આડતિયા માલધણી વતી તેના માલસામાનના ખરીદ-વેચાણ કરવાના અધિકાર ધરાવે છે. વેચેલા કે વેચાવા માટેના માલની રવાનગી કરવી, માલસામાનને ગીરો મૂકી તેની જામીનગીરી કે તારણ સામે ધિરાણ મેળવવું આવા પ્રકારના અધિકારો પણ આવા આડતિયાઓને મળે છે. બિનવેપારી આડતિયા મૂળધણી(principal)ને માત્ર વેપારને સહાયક એવી સેવા જ પૂરી પાડે છે.

માલની હેરફેર કરવાના કાર્યમાં વેપારી તેમજ વાહનવ્યવહારના સંચાલકો માટે મારફતિયાની સેવાઓ મદદરૂપ બને છે. આ મારફતિયાની સેવાને કારણે વેપારીની લેવડદેવડ સરળ અને ઝડપી બને છે. અંતર્દેશીય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં મારફતિયાની સેવા આશીર્વાદરૂપ બને છે. તેઓ મૂળ ધણીનો વેચેલો માલ મૂળ ધણીની વખારેથી લઈ જઈ તેને રેલવે અને જહાજ જેવી વાહનવ્યવહારની સેવાઓ મારફતે મોકલવાની વ્યવસ્થા કરી તેના ખરીદનારને પહોંચતો કરે છે. તે જ પ્રમાણે તેઓ તેમના માલિકે દેશની અંદરના સ્થળેથી ખરીદેલ કે વિદેશમાંથી આયાત કરેલ માલ રેલવે અને જહાજ જેવી વાહનવ્યવસ્થા ધરાવનારા સંચાલકો સુધી પહોંચાડી આપે છે. તેઓ માત્ર માલ ચઢાવવા-ઉતારવાનું કાર્ય જ કરતા નથી; પરંતુ જરૂરી દસ્તાવેજોની આપ-લે કરવાનું કાર્ય, જકાત અંગેની વિધિઓ વગેરેનું કાર્ય પણ કરી આપે છે. રોજબરોજના મહાવરાને કારણે આ કાર્ય પર એમની એટલી બધી હથોટી આવી ગઈ હોય છે કે તેઓ વેપારીઓ-માલિકોનું કાર્ય ખૂબ જ ઝડપથી અને સરળતાથી કરી આપે છે. આમ મારફતિયો એટલે મૂળ ધણી વતી મૂળ ધણીના માલને માટે વાહનવ્યવહારની સેવાઓને લગતાં અને તેને આનુષંગિક કાર્યો કરી આપતો વચેટિયો. માલિકો પણ માલને રેલવેમાં કે જહાજમાં ચઢાવવા-ઉતારવાની લંબાણ-વિધિની જટાજાળમાંથી મુક્ત થવા માટે મારફતિયાની સેવા લે છે. મારફતિયાની સેવાને કારણે વાણિજ્ય-વિષયક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે એમ કહી શકાય. તેઓ આ સેવા આપવા બદલ મહેનતાણા તરીકે જે રકમ મેળવે છે, તેને ‘મારફત’ તરીકે ઓળખવામાં આવે છે.

અશ્વિની કાપડિયા