માધારિયાગા ઇરોહો, સાલ્વાદોર દ

January, 2002

માધારિયાગા ઇરોહો, સાલ્વાદોર દ (જ. 23 જુલાઈ 1886, લા કોરુના, સ્પેન; અ. 14 ડિસેમ્બર 1978, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્પૅનિશ લેખક, વિદેશનીતિના પ્રવીણ રાજદ્વારી પુરુષ અને ઇતિહાસકાર. રાષ્ટ્રસંઘ માટેની તેમની સેવા તેમજ અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ તથા સ્પૅનિશમાં તેમનાં ફળદાયી લખાણો માટે જાણીતા. સ્પૅનિશ લશ્કરી અધિકારીના પુત્ર. પિતાના આગ્રહના કારણે તેમણે પૅરિસમાં ઇજનેર તરીકેની તાલીમ લીધી હતી, પરંતુ પત્રકાર બનવા માટે તેમણે કારકિર્દી પડતી મૂકી. 1921માં જિનીવા ખાતે તેઓ પ્રેસસભ્ય તરીકે રાષ્ટ્રસંઘના મંત્રીમંડળમાં જોડાયા અને પછીના વર્ષે નિ:શસ્ત્રીકરણ વિભાગના વડા તરીકે નિમાયા. 1928થી 1931 સુધી તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે સ્પૅનિશ અભ્યાસક્રમના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. સ્પેનમાં 1931માં રાજાશાહીનું પતન થયું તે પછી સ્પૅનિશ પ્રજાસત્તાક તરફથી યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે (1931) અને ત્યારબાદ ફ્રાન્સ ખાતે (1932–34) એલચી તરીકે તેમની નિમણૂક થઈ હતી. 1931થી 1936 સુધી તેઓ રાષ્ટ્રસંઘમાં સ્પેનના પ્રતિનિધિ રહ્યા. જુલાઈ 1936માં સ્પેનમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો ત્યારે તેઓ તટસ્થ રહેલા અને રાજીનામું આપીને ઇંગ્લૅંડ ગયા. ત્યાં તેમણે ફ્રાન્કોની રાજ્યશાસનપદ્ધતિના વિરોધમાં અવાજ ઉઠાવ્યો અને તેના મરણ બાદ તેઓ સ્પેન પાછા ફર્યા. આંતરરાષ્ટ્રીય ઉદારમતવાદી સંગઠનના તેઓ માનાર્હ પ્રમુખ હતા. સ્પૅનિશ તથા ફ્રેન્ચ અકાદમીમાં તેઓ રાજનીતિશાસ્ત્રના સભ્ય હતા. 1973માં તેમણે તેમનું જીવનચરિત્રનું પુસ્તક ‘મૉર્નિંગ વિધાઉટ નૂન’ પ્રગટ કર્યું. તેમાં તેમણે પ્રખર વ્યક્તિઓનાં ઝીણી ઝીણી વિગતોસભર ચરિત્રો આલેખ્યાં છે.

માધારિયાગાનાં મહત્વનાં પુસ્તકોમાં ‘ઇંગ્લિશ મેન, ફ્રેંચ મેન, સ્પૅનિયાર્ડ્ઝ (1928; બીજી આવૃત્તિ, 1970), ‘ઍનર્કી ઑર હાયરાર્કી’ (1937), ‘ક્રિસ્ટોફર કોલંબસ’ (1939), ‘હર્નાન કૉર્ટ્સ’ (1941), ‘સ્પેન’ (1942), ‘ધ રાઇઝ ઑવ્ ધ સ્પૅનિશ અમેરિકન એમ્પાયર’ (1947) અને ‘ધ ફૉલ ઑવ્ ધ સ્પૅનિશ-અમેરિકન એમ્પાયર’નો સમાવેશ થાય છે.

યોગેશ જોશી