માંકડ, હરિલાલ રંગીલદાસ

February, 2002

માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત વિનોદરાય માંકડના જ્યેષ્ઠ ભ્રાતા.

પ્રાથમિક શિક્ષણ જોડિયામાં, માધ્યમિક શિક્ષણ રાજકોટમાં; જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી ઇતિહાસના વિષય સાથે બી.એ. ઉપરાંત એસ. ટી. સી. પછી જોડિયાની હાઈસ્કૂલમાં શિક્ષક. ત્યાંથી નિવૃત્તિ બાદ 1954થી જીવનના અંત સુધી અલિયાબાડા(જામનગર)માં વિનયમંદિર માધ્યમિક શાળાના આચાર્ય તરીકે રહ્યા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરનાં બહેન કમળાગૌરી સાથે તેમનું લગ્ન થયું હતું.

હરિલાલ રંગીલદાસ માંકડ

દ્વિભાષી મુંબઈના રાજ્યકાલ દરમિયાન સૌરાષ્ટ્ર રાજ્યના પુરાતત્વ ખાતાના સુપરિન્ટેન્ડન્ટ તરીકે કામગીરી. ઇતિહાસ અને પુરાતત્વનાં સંશોધન અને અધ્યાપન માટે તેમણે અલિયાબાડાની ગંગાજળા વિદ્યાપીઠમાં હરિભાઈ વિદ્યાપીઠ સ્થાપી. આ વિદ્યાપીઠમાં તેઓ ‘માસ્તરકાકા’ના નામથી ઓળખાતા. તેઓ નિત્ય ઉદ્યમી તથા શિસ્ત અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાના હિમાયતી હતા. મોસાળપક્ષ તરફથી તેમને સંગીત, સાહિત્ય અને સંસ્કારિતાનો વારસો મળ્યો હતો. જ્યોતિષશાસ્ત્રના પણ અભ્યાસી. પ્રાચીનતાના ચાહક અને પ્રશંસક. જીવનભર શિક્ષક તરીકેની કારકિર્દી દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રની ઐતિહાસિકતા અને પ્રાગ્-ઐતિહાસિકતાનો પરિચય કેળવ્યો અને ‘સૌરાષ્ટ્રના હરતા-ફરતા જ્ઞાનકોશ’(Moving Encyclopedia of Saurashtra)નું બિરુદ પામ્યા. સૌરાષ્ટ્રની અનેક જાતિઓના રીત-રિવાજો, તેમની વેશભૂષા વગેરેના તેમજ વનસ્પતિ અને પંખીજગત વિશેના શ્રદ્ધેય જાણકાર હતા.

દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ તથા સુરુચિપૂર્ણ અભિગમ – એ એમનાં ચરિત્રલક્ષણો હતાં.

તેમણે ‘વહાણવટાની પરિભાષા’ (1935) – એ નામનું વહાણવટા વિષયનું પુસ્તક પ્રગટ કર્યું છે. તેમના બીજા પુસ્તક ‘ગુજરાતી લેખનમાળા’માં તેમણે કરેલાં સંશોધનો અને અવલોકનોનું વિશદ નિરૂપણ થયું છે. ભાષાની તળપદી લઢણો અને રૂઢિઓ પર એમનું અસાધારણ પ્રભુત્વ હતું. તેમણે 5 તામ્રપત્રલેખો વિશે ઊંડું સંશોધન કર્યું હતું અને તે પુરાતત્વની પત્રિકાઓમાં પ્રગટ કરવામાં આવ્યું હતું. તેમનું અવસાન હૃદય બંધ થવાથી થયેલું.

બળદેવભાઈ કનીજિયા