મહેતા, સવિતા નાનજી (જ. 16 ઑગસ્ટ 1921) : ગુજરાતનાં મણિપુરી નૃત્યશૈલીનાં નિષ્ણાત કલાકાર. વિખ્યાત ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતા અને ધર્મનિષ્ઠ સન્નારી સંતોકબાનાં તે પુત્રી થાય. તેમણે વડોદરાની આર્યકન્યા વિદ્યાલયમાં શિક્ષણ લીધું અને અહીં જ ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ કેળવવા ઉપરાંત વૈદિક ધર્મસંસ્કાર મેળવ્યા.

સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં યુવા વર્ગમાં ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને નૃત્યશૈલીઓ વિશે રસ જાગ્રત થયો હતો તે અરસામાં સવિતાબહેને મણિપુરી નૃત્યશૈલીને અપનાવવા પિતાની નામરજી છતાં મણિપુરનો અઘરો પ્રવાસ ખેડ્યો અને ત્યાંના રાજવી કુટુંબના નૃત્યગુરુ પંડિતરાજ આતોમ્બાબુની સલાહથી તબેતસંગબમ અમુદનજી શર્મા પાસે નૃત્યશિક્ષણ મેળવ્યું અને 3,000 વર્ષ પૂર્વેનાં ગુહ્યાર્થવાળાં નૃત્યો શીખ્યાં. સાથે સાથે તેના સાંકેતિક તાલ, અંગસંચાલન, લાસ્ય-તાંડવ પ્રકાર ઉપરાંત રાસ, કરતાલ, મૃદંગ અને ડાફ વગાડવાની પદ્ધતિ, સંગીતના રાગો, મૈતેયી સાહિત્ય, મણિપુરી સંસ્કૃતિ, યોગ અને ત્યાંની ગૂઢ વિદ્યાનો ઊંડો અભ્યાસ કર્યો.

સવિતા નાનજી મહેતા – ભાવપૂર્ણ નૃત્યમુદ્રામાં

લંડન યુનિવર્સિટીમાંથી શિક્ષણનો ડિપ્લોમા મેળવી 1950માં પિતાએ માતૃભૂમિ પોરબંદર ખાતે 1937માં દયાનંદ સરસ્વતીના માર્ગદર્શનથી સ્થાપેલ આર્યકન્યા શાળાનાં આચાર્યાની પદવી સંભાળી.

1955માં મણિપુરી નૃત્યની સાધનાને બિરદાવવા ત્યાંના રાજવી પરિવાર, ગુરુજનો અને સંસ્થાઓએ તેમને ‘મૈતેયી જગોઈ હંજબી’, ‘દ્વિતીય ઉષા’, ‘સંગીતરત્નાકર’ અને ‘ચંદ્રપ્રભા’ જેવા માનાર્હ પુરસ્કારોથી નવાજ્યાં. 1970થી 1972 સુધી હોળીના મુખ્ય ઉત્સવ નિમિત્તે શ્રીગોવિંદજીના મંદિરમાં નૃત્ય સાથે મૃદંગ, ડાફ અને કંજરી વાદન કરવાનો એક બિન-મણિપુરી ઉપરાંત મહિલા તરીકેનો વિરલ અવસર મળ્યો, તેને બિરદાવવા 1972માં ‘જયપત્ર’ એનાયત થયું. ગુજરાત રાજ્યે 1973માં તેમને પ્રથમ તામ્રપત્ર અર્પિત કર્યું. મણિપુરી સાહિત્ય પરિષદે 1976માં ‘નૃત્યરત્ન’થી તેમને પુરસ્કૃત કર્યાં. તે જ વર્ષે મણિપુરી રાજ્ય કલા અકાદમીએ ‘ફેલોશિપ’ની પદવી આપી. મહારાષ્ટ્ર રાજ્યે પહેલી વાર આ એક બિન-મહારાષ્ટ્રીય બહેનને સન્માનિત કર્યાં. બૃહત્ મહારાષ્ટ્ર મંડળે દિલ્હી ખાતેની પરિષદમાં 1979માં ‘દીદી’ને પુરસ્કૃત કર્યાં.

મણિપુરી શૈલીના અટપટા તાલ અને રાગપદ્ધતિ પરંપરાગત ગુરુઓ પાસે તો મૌખિક રૂપે જ હતાં તે બધાંનું સંશોધન કરી, સુધારી  ‘દશકોશ’ નામે મોટો ગ્રંથ તૈયાર કરી 1982માં તેનું વિમોચન કર્યું.

આ સાથે વૈદિક સંસ્કાર અને આધુનિક તકનીકના સમન્વય સાથે આર્યકન્યા શાળા અને વિદ્યાલયમાં છાત્રાઓને શિક્ષણ આપવાનું અને સંચાલનનું કાર્ય તેઓ સંભાળતાં રહ્યાં. 1952થી 1990 સુધી તેમણે અનેક નૃત્ય-નાટિકાઓનું સંયોજન કર્યું. તેમાં શ્રી નાનજી મહેતાની જન્મશતાબ્દી ઉજવણી નિમિત્તે 1987–88માં ‘મૃત્યુ પર વિજય’ નામની સત્યવાન-સાવિત્રીની કથા પર આધારિત નૃત્યનાટિકાએ ગુજરાત, ભારત અને લંડન તેમજ યુગાન્ડા ખાતે અનેક યશસ્વી પ્રયોગો રજૂ કર્યા.

ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ઉપરાંત યોગ-અધ્યાત્મક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ પહોંચનાર ‘દીદી’ને 1986માં ઇન્ટરનૅશનલ યોગ કૉન્ફરન્સમાં ‘યોગશિરોમણિ’નું બિરુદ મળ્યું તે અગાઉ એ જ વર્ષે તેમને ‘વિશ્વગુર્જરી’ પુરસ્કાર એનાયત થયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડી. લિટ્.ની માનાર્હ પદવીથી તેમને સમ્માનિત કરવામાં આવ્યાં છે.

શાસ્ત્રીય નૃત્યશૈલી ઉપરાંત, લોકકલા, સાહિત્ય અને અન્ય સાંસ્કૃતિક કલા-પરંપરાઓને સમાજ સમજે અને પ્રોત્સાહન આપે તે માટે તેમણે 1966માં પરિમલ ફાઉન્ડેશનની મુંબઈ ખાતે સ્થાપના કરી છે.

પ્રકૃતિ કાશ્યપ