મહેતા, યશવંત દેવશંકર (જ. 19 જૂન 1938, લીલાપુર, જિ. સુરેન્દ્રનગર) : બાલસાહિત્યકાર, નવલકથાકાર, અનુવાદક અને પત્રકાર. 1957માં મૅટ્રિક. 1961માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. તેમણે 10 વર્ષ સુધી ‘ઝગમગ’નું, 10 વર્ષ સુધી ‘શ્રી’નું અને 5 વર્ષ ‘શ્રીરંગ’નું સંપાદન કરેલું. 30 વર્ષની નોકરી બાદ હવે માત્ર લેખનકાર્ય. 1972થી ‘ગૂર્જર ગ્રંથરત્ન’ માં સંપાદનકાર્યમાં સહાય. ગૂર્જર દ્વારા બહાર પડાતા બાલસામયિક ‘બાલઆનંદ’માં પ્રારંભથી સક્રિય. ગુજરાત બાલસાહિત્ય અકાદમી(1994માં સ્થાપના)ના સંવાહક. તેમનાં 300 ઉપરાંત પુસ્તકો છે; જેમાં વિપુલ બાલ-કિશોરસાહિત્યનો તેમજ નવલકથા અને અનૂદિત કૃતિઓનો સમાવેશ થાય છે. તેમની બાલસાહિત્યની કૃતિઓ ‘મોટા જ્યારે નાના હતા’ (1979) અને ‘ગાંધી જીવન કથા’(1994)ને દિલ્હીની એન. સી. ઈ. આર. ટી. નો પુરસ્કાર મળેલો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘નવચેતન’ તથા સંસ્કાર પરિવાર તરફથી પણ તેઓ પુરસ્કૃત અને સન્માનિત થયા છે. બાલસાહિત્યની તેમની પ્રથમ પુરસ્કૃત કૃતિ ‘પાલખીનાં પૈડાં’(1964)એ તેમને લેખનની એક દિશા બક્ષી. આ પછી ગુજરાતનાં બાળકો માટે તેમણે ઘણું લખ્યું છે. બાલકથા, કિશોરકથા, ચરિત્રો, વિજ્ઞાનકથાઓ, પ્રવૃત્તિપુસ્તકો એમ વિષય અને સ્વરૂપનું તેમાં વૈવિધ્ય છે. ‘ખોવાયેલી દુનિયાની સફરે’, ‘યુગયાત્રા’, ‘ગ્રહોનો વિગ્રહ’ તેમજ અનેક બાલકથાની શ્રેણીઓ તેમણે આપી છે. જગતના વિજ્ઞાનીઓ, નોબેલ પુરસ્કાર-વિજેતાઓનો તથા વિશ્વસાહિત્યનો પરિચય તેમણે ગુજરાતનાં બાળકો-કિશોરોને કરાવ્યો છે.

તેમની પાસેથી ‘ઝૂકે બાદલ’ (1966), ‘ઝાંઝવાં’ (1971), ‘સોનલવરણી વીજ’ (1976), ‘હેલી’ (1978), ‘અગનઝાળ’ (1983) જેવી લગભગ ચૌદેક નવલકથાઓ; તો રૂપાંતરિત-અનૂદિત રૂપે ‘નિશા-નિયંત્રણ’ (1978), ‘કોહિનૂર’ (1980), ‘ગાંધારી’ (1982) વગેરે મળી લગભગ આઠ-દસ કૃતિઓ મળી છે. કિશોરો માટે પ્રસિદ્ધ સાહસકથાઓના અનુવાદો તેમણે આપ્યા છે. આમ બાલકિશોર-સાહિત્ય ક્ષેત્રે તેમનું ઉલ્લેખનીય પ્રદાન છે.

શ્રદ્ધા ત્રિવેદી