મહેતા, ચન્દ્રવદન ચીમનલાલ

January, 2002

મહેતા, ચન્દ્રવદન ચીમનલાલ (જ. 6 એપ્રિલ 1901, સૂરત; અ. 4 મે 1991, વડોદરા) : ગુજરાતના સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને આત્મકથાકાર. પિતાને વડોદરામાં રેલવેમાં નોકરી એટલે બાળપણ વડોદરામાં વીતેલું. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ સૂરતમાં. શિક્ષકોએ સાહિત્ય અને ઇતિહાસનો રસ લગાડેલો. ‘કાવ્યદોહન’, ‘ચંદ્રકાન્ત’, ‘હિન્દ અને બ્રિટાનિયા’, ‘સરસ્વતીચંદ્ર’ અને ‘કુસુમમાળા’ જેવા ગ્રંથોના સંસ્કાર તેમને શાળામાંથી જ મળેલા. પાઠ્યપુસ્તકમાંના ‘રૅક ઑવ્ ધ હેસ્પરસ’ નામના કાવ્યનો હરિગીતમાં અનુવાદ કરીને શાળાના શિક્ષક પાસેથી પાંચ રૂપિયાનું ઇનામ મેળવેલું. મંચુ શરાફ નામના સહાધ્યાયી પાસેથી ઝડઝમકવાળા છંદોનું અને નવરાત્રિમાં ભક્ત અમીચંદ પાસેથી ઝૂલણા, સવૈયા, દોહરા, ચોપાઈ વગેરેનું શ્રવણ કરીને શાળામાં હતા તે દરમિયાન જ તેમનો અભ્યાસ ઠીકઠીક કરી લીધેલો. ઘણાં કાવ્યોના મુખપાઠથી કવિતામાં લય અને પ્રાસ મેળવવાની સૂઝ ખીલેલી. એ અરસામાં સૂરતમાં પ્રચલિત ખાંયણાનો શીઘ્ર પ્રયોગ કરવાની સ્પર્ધામાં પણ તેઓ ઊતરેલા. 1920માં તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા ત્યાં સુધીમાં નરસિંહરાવ, બલવંતરાય, ન્હાનાલાલ અને કેશવલાલ ધ્રુવ જેવા સાક્ષરોનો તેમને સંપર્ક થયો હતો. સૂરતના સહાધ્યાયીઓ અને મહોલ્લાના મિત્રો તથા મામા-માસી વગેરેના સંસર્ગે તેમજ મોજીલા વાતાવરણે તેમના આનંદી સ્વભાવ અને રંગીન વ્યક્તિત્વને ઘડવામાં મોટો ફાળો આપ્યો હતો.

ચન્દ્રવદન ચીમનલાલ મહેતા

તેમણે 1924માં ગુજરાતી વિષય સાથે બી.એ. કરી 1933થી 1936 સુધી મુંબઈમાં શિક્ષણકાર્ય કર્યું. ત્યારબાદ મુંબઈ તેમ જ અમદાવાદ આકાશવાણીના નિયામકપદ સુધી પહોંચ્યા. નિવૃત્તિ બાદ વડોદરાની મ. સ. યુનિવર્સિટી તથા અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંલગ્ન રહ્યા.

સાહિત્યક્ષેત્રે ચન્દ્રવદનનો પ્રવેશ કવિતા દ્વારા થયેલો. સાક્ષરયુગ અને ગાંધીયુગના સંધિકાળ જેવા વાતાવરણમાં ચન્દ્રવદને કાવ્યલેખનનો આરંભ કરેલો. 1922–23માં તેમણે 500–600 લીટીનું કરુણપ્રશસ્તિની લગોલગ પહોંચતું ખંડકાવ્ય ‘ભ્રમ’ લખેલું. પછી 1926માં ‘યમલ’ નામનો સૉનેટસંગ્રહ બલવંતરાયના પ્રવેશક સાથે પ્રગટ થયો. તેને ‘ગુજરાતી કવિતામાં પ્રથમ પહેલી સૉનેટમાળા’ તરીકે આવકાર મળ્યો. પૃથ્વી છંદ, અગેય પ્રવાહી પદ્ય અને સૉનેટ – એ ત્રણેયનું એ રીતે નવી પેઢીમાં અવતરણ ‘યમલ’ દ્વારા થયું. ‘યમલ’નાં સૉનેટોમાં ‘બલવંતરાયની શૈલીનું પ્રાસાદિકતાભરેલું નવું સ્ફુરણ’(–સુન્દરમ્) હતું. તેનાં 14 સૉનેટોમાં યમલ એટલે જોડિયા ભાઈ-બહેનના પ્રેમ અને છેવટે મૃત્યુમાં થતા સહગમનની કરુણ વાર્તા છે. 1933માં ચન્દ્રવદને ‘ઇલાકાવ્યો’ આપ્યાં. ભાઈ અને બહેનના પ્રેમના લગભગ એકમાત્ર કાવ્યસંગ્રહ તરીકે તે ધ્યાન ખેંચે છે. ભાષા અને છંદનાં આવર્તનો દ્વારા તેમાં કથન અને વર્ણનની વિવિધ છટાઓ ઊપસે છે. કથનની પ્રવાહિતા કિશોર વાચકોને કાવ્યનો રસ માણવામાં સહાયરૂપ થાય છે. પૃથ્વી ઉપરાંત ઉપજાતિ, ઇન્દ્રવજ્રા, અને દ્રુતવિલંબિત છંદનો પણ તેમણે ઔચિત્યપૂર્ણ ઉપયોગ કરેલો છે.

1937માં ‘રતન’ નામનું 1633 પંક્તિનું કથાકાવ્ય ચન્દ્રવદન આપે છે. બહેન માનેલ સુમતિ સાથે પોતે કરેલ વલસાડના પ્રવાસ દરમિયાન સાંભળેલી ધના પટેલની કથા ઉપરથી આ કાવ્ય રચ્યાનું તેમણે નોંધ્યું છે. ગ્રામપરિવેશની વચ્ચે ભગિનીપ્રેમની કથા સળંગ પ્રવાહી પદ્યમાં વહે છે. તેમાં કેટલાંક તળપદાં અને મજેદાર પ્રકૃતિચિત્રો અને વાસ્તવિક પ્રસંગવર્ણનો જોવા મળે છે. રતનનો ભગિનીપ્રેમ અને તત્પ્રેરિત મૃત્યુ કથાને હૃદયસ્પર્શી બનાવે છે.

જિંદગીના છેલ્લા દાયકા દરમિયાન તેમણે ‘કોલોક્વિયલ ગુજરાતીમાં કવિતા’, ‘નવી કવિતા’, ‘બુઝર્વા’ અને ‘ઓ ન્યૂયૉર્ક’ જેવાં અછાંદસ કટાક્ષકાવ્યો આપેલાં છે; પરંતુ ચન્દ્રવદનની કવિપ્રતિભાનાં દ્યોતક શ્રેષ્ઠ કાવ્યો તો ‘ઇલાકાવ્યો’માંનાં ‘સ્મારક’ અને ‘વિસર્જન’ ગણાયાં છે. આમ ઠાકોરની કવિતાશૈલીના પ્રથમ પુરસ્કર્તા તરીકે, ભાઈબહેનના પ્રેમના લગભગ એકમાત્ર ગાયક તરીકે અને ‘ચાંદરણાં’ જેવા સંગ્રહથી બાલકાવ્યોના સફળ સર્જક તરીકે કવિ ચન્દ્રવદનનું કાર્ય સ્મરણીય રહ્યું છે. તેમના કાવ્યગ્રંથોમાં ‘નેવુંના દાયકાનાં કાવ્ય’નો પણ સમાવેશ થાય છે.

ગુજરાતી સાહિત્યને ચન્દ્રવદનનું શ્રેષ્ઠ અર્પણ તેમણે ઊભી કરેલી વિશાળ અને વૈવિધ્યસભર નાટ્યસૃષ્ટિ છે. નાટકની બાબતમાં ગુજરાતી સાહિત્ય દરિદ્ર ગણાય છે. તેને વિવિધ વસ્તુ, પાત્ર, સંવાદ અને શૈલી ધરાવતાં ઢગલાબંધ નાટકો તેમણે આપ્યાં. સામાજિક, પૌરાણિક, ઐતિહાસિક, અર્ધઐતિહાસિક, ચરિત્રાત્મક અને ચિંતનાત્મક નાટકો; પ્રહસન, ટ્રૅજેડી, બાલનાટક, રેડિયોરૂપક અને ફીચરો; અનૂદિત અને મૌલિક નાટકો; ઉટપટાંગ નાટકો; બનન્તી તેમજ એકાંકી, દ્વિઅંકી અને બહુઅંકી નાટકો; ગદ્યાત્મક અને પદ્યાત્મક નાટકો; સાક્ષરી અને ગ્રામીણ નાટકો એમ અનેક વિષય, પ્રકાર અને શૈલીનાં નાટકો આપીને તેમણે ગુજરાતી ભાષા, સાહિત્ય અને રંગભૂમિને ન્યાલ કરી દીધાં છે.

મજાક, ટીખળ, કટાક્ષ, વ્યંગ એ ચન્દ્રવદનના સ્વભાવનો કુદરતી અંશ છે. નાટ્ય-ભજવણીનો તેમ નાટ્યલેખનનો પ્રારંભ તેમણે ફારસથી કરેલો. તેમનાં હાસ્યરસિક નાટકોમાં મુખ્ય આનાતોલ ફ્રાંસના ફ્રેન્ચ નાટકના ઍશ્ર્લી ડ્યૂકે કરેલ અંગ્રેજી અનુવાદનું ગુજરાતી રૂપાંતર ‘મૂગી સ્ત્રી’ (1927), સાક્ષરોની સાઠમારીને હાસ્યપાત્ર બનાવતું એકાંકી ‘દેડકાની પાંચશેરી’, ચોથા-પાંચમા દાયકામાં શાળા-કૉલેજમાં ખૂબ ખૂબ ભજવાઈને લોકપ્રિય થયેલું ‘ધારાસભા’, લગ્નની સંસ્થાને હચમચાવવા મથતું પ્રહસન ‘પાંજરાપોળ’ (1947), ભવાઈની મુક્તતાવાળી ફૅન્ટસી ‘મેના-પોપટ’ (1951), અને ભવાઈશૈલીનો સફળ વિનિયોગ દર્શાવતું ‘હોહોલિકા’ (1957) છે.

‘આગગાડી’ (1933) અને ‘ધરા ગુર્જરી’ (1968) તેમનાં ઉત્તમ કરુણાંત નાટકો છે. રચના, ભાષા, ર્દશ્ય-યોજના અભિનયન અને રંગભૂમિનો વિષય – એ સર્વ બાબતોનો ખ્યાલ કરતાં ‘ધરા ગુર્જરી’ ચન્દ્રવદનની પ્રતિભાનો શ્રેષ્ઠ ઉન્મેષ દર્શાવે છે.

બીજાં સફળ નાટકોમાં ‘આણલદે’, ‘નાગા બાવા’ (1937), ‘મુઝફ્ફરશાહ’, ‘સોનાવાટકડી’ (1955) જેવી મૌલિક રચનાઓ ઉપરાંત કાલિદાસના નાટક ‘અભિજ્ઞાન શાકુન્તલમના ચોથા અંકના હૃદયસ્પર્શી પ્રસંગને સંગીતમય વાતાવરણમાં તાર્દશ કરતું ‘કન્યાવિદાય’ (1966), ‘ઋષિ અને વારાંગનાના આત્માની અદલાબદલીથી રમૂજી પરિસ્થિતિ સર્જતા સંસ્કૃત પ્રહસન ‘ભગવદજ્જુકીયમ્’નું ગુજરાતી ભાષાંતર, સાર્ત્રના ‘નો ઍક્ઝિટ’નું નમણું રૂપાંતર ‘કરોળિયાનું જાળું’ (1961) અને ગ્રીક ટ્રૅજેડીની રંગક્ષમતાને ગુજરાતી સંવાદમાં ભાવ-પલટાને ઉચિત લયવૈવિધ્યયુક્ત વાક્છટામાં ઝીલી બતાવતું ‘મદીરા’ (1955) – એટલાંનો ઉલ્લેખ અવશ્ય કરવો જોઈએ.

‘અખો’ (1927), ‘નર્મદ’ (1937) અને ‘કપૂરનો દીવો’ (1960) – એ ત્રણ ચરિત્રાત્મક નાટકો તેમણે આપ્યાં છે, તેમાં ત્રીજું શ્રેષ્ઠ છે. પહેલાં બેમાં ચરિત્રનાયકના જીવનપ્રસંગોની હારમાળા મૂકી છે. ત્રીજામાં ચરિત્રનાયકના વ્યક્તિત્વના વિવિધ રંગો પરસ્પરને ઉપસાવતા ખીલે એ રીતે પ્રસંગોનું એકત્વ સધાયું છે.

ચન્દ્રવદનની નાટ્યસૃષ્ટિ નાટક અને રંગભૂમિને લગતી ગંજાવર કાર્યશાળા (work-shop) જેવી છે. નાટક અને થિયેટરનાં વિવિધ અંગોના અભ્યાસની પુષ્કળ સામગ્રી તેમાંથી મળી રહે તેમ છે. કનૈયાલાલ મુનશીની માફક ચન્દ્રવદને પણ નાટકમાં શબ્દની સાહિત્યિક અને અભિનયાત્મક ક્ષમતાનો ઉત્તમ ઉપયોગ કરેલો છે. લોકબોલી–પ્રાદેશિક બોલી, વિશિષ્ટ છટાવાળી (highly stylized), શિષ્ટ, તોછડી, વ્યંગ્યપૂર્ણ, કાવ્યની અને વાતચીતની, ખચકાવાળી અને પ્રવાહી, ચિત્રાત્મક અને ભાવાત્મક, આરોહ-અવરોહવાળી અને સીધી-સપાટ, સંગીતમય અને ગદ્યાળુ એમ ભાતભાતની ભાષાભંગિઓનો ચન્દ્રવદને નાટ્યમાં પ્રયોગ કરીને રંગભૂમિની ર્દષ્ટિએ ગુજરાતી શબ્દની શક્તિનો ક્ષિતિજવિસ્તાર કરી આપ્યો છે.

સાત દાયકાથીય વધુ વખત સુધી તેઓ નાટક અને રંગભૂમિની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા હતા. ગુજરાતમાં અવૈતનિક રંગભૂમિનો પાયો નાખી, તેને માટે સંખ્યાબંધ નાટકો લખી, નાટ્યમંચનની નૂતન પ્રણાલિકાઓ સ્થાપી, તેના શિક્ષણ-પ્રશિક્ષણના પ્રવર્તક બની દેશવિદેશમાં નાટક અને રંગભૂમિ પરત્વે થતા પ્રયોગોનું યુનિવર્સિટી થિયેટર સાથે અનુસંધાન સાધવાના અને ભારતીય નાટ્યવિદ્યાને જગતના ચોકમાં લઈ જઈ તેનું ગૌરવ સ્થાપવાના પ્રયત્નો કરીને ચન્દ્રવદને ગુજરાત અને ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે.

એલ્ફિન્સ્ટન કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ચન્દ્રવદન અને તેમના મિત્રોએ વાર્ષિક સ્નેહસંમેલન પ્રસંગે ‘લાલિયા પરાપર’ જેવા ઉપજાવી કાઢેલા નાટકના કાર્યક્રમો રજૂ કરેલા. એ પછી ‘મૂગી સ્ત્રી’ નાટક મુંબઈ, વડોદરા, સૂરત વગેરે સ્થળોએ વારંવાર ભજવ્યું. એ સાથે જૂની રંગભૂમિનાં દૂષણો પણ એમણે જાહેરમાં પ્રગટ કરવા માંડ્યાં. જૂની રંગભૂમિના વાચિક, આંગિક, સંનિવેશ, રંગભૂષા વગેરેમાં ફેરફાર કરીને તેમજ પ્રવચનો દ્વારા નવી રંગભૂમિ ઊભી કરવાની જેહાદ તેમણે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઉપાડી. સ્ત્રીપાત્ર સ્ત્રી જ ભજવે એવો આગ્રહ રાખ્યો અને શિક્ષિત સન્નારીઓ પાસે નાટ્યપ્રયોગ કરાવ્યા. 1935માં ‘આગગાડી’ નાટક અમદાવાદમાં ભજવાયું. તે પછી મુંબઈમાં તેના 12–15 પ્રયોગો તેમણે લેખક મિત્રોને રંગભૂમિ પર ઉતારીને કર્યા. તેનાથી નવી રંગભૂમિની હવા જામી અને નાટક કરનાર કલાકારો તથા નાટ્યમંડળોની પ્રતિષ્ઠા ગુજરાતી સમાજમાં પુન: સ્થપાઈ. આ અરસામાં ચન્દ્રવદને દરેક મોટા શહેરમાં નાટક-ભજવણીની તમામ સુવિધા અને ગતિવિધિનું કેન્દ્ર ‘નટઘર’ હોય તે માટે ઊહાપોહ કરેલો.

થોડો વખત શિક્ષક રહ્યા પછી 1939ના અરસામાં આકાશવાણીના નવા શરૂ થયેલ મુંબઈ કેન્દ્ર પર તેમની કાર્યક્રમ અધિકારી તરીકે નિમણૂક થઈ હતી. તેમણે ત્યાં બજાવેલી કામગીરી આકાશવાણીના કાર્યક્રમો અને પ્રસારણના સીમાચિહ્નરૂપ ગણાય છે. રેડિયો માટે તેમણે લખેલાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના જીવન વિશેનાં ફીચરો એ પ્રકારના સાહિત્યના રાષ્ટ્રીય ખજાનામાં સ્થાન પામે તેવાં છે. ઉચ્ચરિત શબ્દ(spoken word)ની ક્ષમતાની પૂરી જાણકારી ચન્દ્રવદનને હતી. તદુપરાંત પ્રસિદ્ધ લેખકો અને મહાનુભાવો પર રેડિયો પરથી ચલાવેલો રમૂજપ્રેરક મુકદ્દમો તેમના અવસાન બાદ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘અદાવત વિનાની અદાલત’ (2000) – એ નામથી પ્રસિદ્ધ થયેલ છે.

ગુજરાતમાં ઉચ્ચ સ્તરે નાટ્યશિક્ષણનો આરંભ કરવાનું શ્રેય નાટ્યાચાર્ય ચન્દ્રવદનને મળે છે. તેઓ આકાશવાણી પરથી વહેલા નિવૃત્ત થયા. તે પછી તુરત જ વડોદરા યુનિવર્સિટીમાં નાટ્યવિદ્યાના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે તેમને નિમંત્રવામાં આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન નાટ્યવિદ્યા અને કળાનો વ્યવસ્થિત અભ્યાસકમ (સ્નાતક તેમજ સ્નાતકોત્તર) ઘડાયો અને તેનું વર્ષો સુધી અધ્યયન-અધ્યાપન ચાલ્યું, જેના ફળસ્વરૂપે અદ્યતન રંગભૂમિનાં કલાકારો અને કસબીઓની એકાધિક પેઢીઓ તૈયાર થઈ શકી. તે અરસામાં જ ઇન્ટરનૅશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસ; ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ થિયેટર રિસર્ચ, વિયેના; ઇન્ટરનૅશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ્સ ઑવ્ યુનાઇટેડ સ્ટેટ્સ, ન્યૂયૉર્ક; મિશિગન સ્ટેટ યુનિવર્સિટી વગેરે વિદેશી નાટ્યસંસ્થાઓ અને તેના નિષ્ણાતો સાથે ચન્દ્રવદનનો સંબંધ બંધાતાં વડોદરા યુનિવર્સિટીના નાટ્યવિભાગની પ્રતિષ્ઠા વધી. ચન્દ્રવદને અનેક વિદેશી સંસ્થાઓમાં ભારતીય નાટ્યશાસ્ત્ર, સંસ્કૃત નાટ્ય અને ભવાઈ જેવા વિષયો ઉપર વ્યાખ્યાનો આપીને ભારતની પ્રતિષ્ઠા વધારી. આઇ.ટી.આઇ.ની કાર્યવાહક સમિતિ અને નાટ્યસ્પર્ધાની નિર્ણાયક સમિતિના તેઓ સક્રિય સભ્ય હતા; દા.ત., વિશ્વરંગભૂમિદિન (World Theatre Day) ઊજવવા અંગે ચન્દ્રવદને આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઠરાવ મૂકેલો તેનો સ્વીકાર થતાં 1962થી દર વર્ષે માર્ચની 27મી તારીખે વિશ્વરંગભૂમિદિન ઊજવાય છે.

તેમણે આપવીતીની ‘બાંધ ગઠરિયાં’ (ભાગ 1–2, 1954), ‘છોડ ગઠરિયાં’(1956) થી માંડીને ‘આખર ગઠરિયાં’ સુધીની 14 ‘ગઠરિયાં’ આપી છે. આ ગઠરિયાં મહાદેવભાઈની ડાયરીની માફક ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપત્તિ ગણાય તેમ છે. લેખકના બહુરંગી વ્યક્તિત્વ ઉપરાંત તેમનો બહોળો અનુભવ, તેમનું સ્પષ્ટ વક્તૃત્વ અને તેમણે આલેખેલાં અસંખ્ય વ્યક્તિચિત્રોની ર્દષ્ટિએ તે મહત્વની આત્મકથા છે. તે લેખકની દેશવિદેશની સંસ્કારયાત્રા–નાટ્યયાત્રાથી સમૃદ્ધ અને રસપ્રદ છે. પળે પળે વિવિધ રંગ અને છટા ધારણ કરતું તેમાંનું ગદ્ય રસિક વર્ગને આકર્ષે છે. ‘ડૉન કિહોટે’નો ગુજરાતી અનુવાદ પણ તેમણે આપેલો છે.

ચંદ્રવદને ‘ખમ્મા બાપુ’ (1950) અને ‘વાતચકરાવો’ (1967) જેવા વાર્તાસંગ્રહો ને ‘મંગલમયી’ (1975) જેવો સત્યકથાસંગ્રહ પણ આપેલ છે. ‘કવિ શ્રી ન્હાનાલાલનાં નાટકો અને અકબરશાહની રંગભૂમિ પર રજૂઆત’ (1959), ‘લિરિક અને લગરિક’ (1965), ‘યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ’ (1974), ‘એકાંકી : ક્યારે, ક્યાં અને કેવાં’ (1975) ઉપરાંત ‘બીજા નાટ્યવિષયક લેખો’ જેવા અનેક નાટ્યવિવેચન તેમજ સાહિત્યવિવેચનના ગ્રંથો આપેલા છે. ‘બિબ્લિયૉગ્રાફી ઑવ્ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લૅંગ્વેજિસ’ (ભાગ 1–2, 1964, 1965) એમનો નાટ્યસૃષ્ટિનો એક મહત્ત્વનો સંદર્ભગ્રંથ છે. એમાં 19મી અને 20મી સદીના ભારતમાં ભજવાયેલાં-લખાયેલાં નાટકોની સાલ, કર્તા, પાત્રવાર યાદી છે.

ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપેલો. અનેક યુનિવર્સિટીઓએ તેમને ડી.લિટ્.ની માનાર્હ પદવી આપેલી. ગુજરાત સાહિત્ય સભાનો 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને ‘આગગાડી’ નાટક માટે અપાયેલો. 1942–46નો નર્મદચંદ્રક, 1971નો સાહિત્ય અકાદમી પુરસ્કાર વગેરે તેમને પ્રાપ્ત થયેલા. 1978માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા હતા.

કૃતિઓ : કવિતા : ‘યમલ’ (1926), ‘ઇલાકાવ્યો’ (1933), ‘ચાંદરણાં’ (1935), ‘રતન’ (1937), ‘રૂડો રબારી’ (1940), ‘ઇલાકાવ્યો રતન અને બીજાં બધાં’ (ત્રીજી આવૃત્તિ, 1952), ‘દૂધના દાણા’ (1983), ‘નેવુના દાયકાનાં મારાં કાવ્યો’ (1991); નવલકથા અને વાર્તા : ‘ખમા બાપુ’ (1950), ‘ડૉન કિહોટે’ (અંગ્રેજી ઉપરથી અનુવાદ) (1964), ‘વાતચકરાવો’ (1967), ‘મંગલત્રયી’ (1976), ‘પરમ માહેશ્વરથી હે રામ’ (1987), ‘મંદાકિની’ (1987), ‘અંતરની આરપાર’ (1989), ‘એક દિવસની મહારાણી’ (અંગ્રેજી પરથી અનુવાદ) (2000); નાટક : ‘અખો’ (1927), ‘અખો, વરવહુ અને બીજાં નાટકો’ (1933), ‘આગગાડી’ (1934), ‘રમકડાંની દુકાન’ (1934), ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ (1937), ‘મૂગી સ્ત્રી’ (1937), ‘નર્મદ’ (1937), ‘નાગા બાવા’ (1937), ‘સંતાકૂકડી’ (1937), ‘સીતા’ (1943), ‘ધરાગુર્જરી’ (1944), ‘શિખરિણી’ (1946), ‘પાંજરાપોળ’ (1947), ‘શકુન્તલા અથવા કન્યાવિદાય’ (1949), ‘મેના-પોપટ અથવા હાથીઘોડા’ (1951), ‘રંગભંડાર’ (1953), ‘સોનાવાટકડી’ (1955), ‘માઝમ રાત’ (1955), ‘કિશોર નાટકો’, ભા. 1-2 (1956), ‘હોહોલિકા’ (1957), ‘કપૂરનો દીવો’ (1960), ‘પરમ માહેશ્વર’ (1960), ‘સતી’ (1960), ‘કરોળિયાનું જાળું’ (1961), ‘શેક્સપિયર ર્દશ્યાવલિ’ (1964), ‘મદીરા’ (મીડિયા) (1967), ‘પ્રેમનો તંત – ગાંધીજીના જીવન ઉપર રૂપકો’ (1970), ‘અંદર અંદર’ (1972), ‘અબોલા રાણી’ (1972), ‘ચન્દ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (1974), ‘નવભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈ પટેલ : સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્ય પર આધારિત રેડિયો-રૂપકોનો સંગ્રહ’ (1975), ‘અંતરબહિર અને બીજાં નાટકો’ (1975); ‘રંગલીલા’ (1977), ‘સાવિત્રી’ (1980), ‘તાપીતટે તાપીદાસ’ (અન્ય સાથે) (1983), ‘અદાવત વિનાની અદાલત’ (2000), ‘ચંદ્રવદન મહેતા : સમગ્ર નાટ્યકૃતિઓ’ : ભાગ : 1–4, (1989, સંપા. સુરેશ દલાલ); આત્મકથા : ‘બાંધ ગઠરિયાં’ ભા. 1–2 (1954), ‘છોડ ગઠરિયાં’ (1955), ‘સફર ગઠરિયાં’ (1956), ‘રંગ ગઠરિયાં’ (1965), ‘રૂપ ગઠરિયાં’ (1966), ‘નાટ્ય ગઠરિયાં’ (1970), ‘અંતર ગઠરિયાં’, ભા. 1–2 (1973), ‘ધ્રુવ ગઠરિયાં’ (1976), ‘ગાંઠ બંધનિયાં’ (1976),  ‘રેડિયો ગઠરિયાં’ (1993), ‘આખર ગઠરિયાં : શૂન્યનો સરવાળો’ (1995); વિવેચન : ‘‘કવિશ્રી ન્હાનાલાલનાં નાટકો અને ‘શાહાનશાહ અકબરશાહ’ની રંગભૂમિ પર રજૂઆત’’ (1959), ‘નાટક ભજવતાં’ (1962), ‘લિરિક’ (1962), ‘લિરિક અને લગરીક’ (1965), ‘બ્રેચ્ટ’ (1970), ‘સંગીત, નૃત્ય અને નાટ્યક્ષેત્રે પૂર્વની પશ્ચિમ ઉપર અસર’ (1970), ‘બાળનાટક અને એનું સાહિત્ય’ (અન્ય સાથે) (1972), ‘નાટ્યરંગ’ (1972), ‘પાગલનું માનસ’ (1972), ‘વાગ્વ્યાપાર અને વાકછટા’ (અન્ય સાથે) (1973), ‘અમેરિકન થિયેટર’ (1974), ‘યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ’ (1973), ‘જાપાનની રંગભૂમિ’ (1975), ‘વાક્ : યુનિવર્સિટી ક્ષેત્રે નાટ્યશિક્ષણ’ (1975), ‘એકાંકી પહેલાં ક્યાં, કિયાં, કેવાં ?’ (1975); પ્રવાસ : ‘ભમીએ ગુજરાતે, ન વાટે, ન રેલપાટે’ (1962), ‘ઇલાઇઝા ટુ યાને ઇલિઝાબેથ બીજીની સફરે’ (1981);  પ્રકીર્ણ : ‘આપણો ખોરાક’ (અનુવાદ) (1945), ‘પ્રસારણ અને સમાજ’ (અનુવાદ) (1980), ‘અનન્ય દેશભક્ત મહાવીર ધર્મવીર વલ્લભભાઈ’ (1981), ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ (1983); સંપાદન : ‘કેટલાક લેખો’ (હંસાબહેન મહેતાના લેખો) (1977). અંગ્રેજી પુસ્તકો : ‘Bibliography of Stageable Plays in Indian Languages’, Parts : I–II (1963, 1965), ‘Three Lighter Delights (Three Sanskrit Plays)’ (1969), ‘The Iron Road’ (Tr. from Ag-gadi) (1969), ‘Bibliography of English Plays Written by Indian Authors, Pts. : III’ (1969), ‘Harijan Ashram on Sabarmati’ (1970).

ધીરુભાઈ ઠાકર