મહાભારત : પાંચમો વેદ ગણાયેલો અને વેદવિદ્યાના ઉપબૃંહણ અર્થે રચાયેલો સંસ્કૃત ભાષાના બે ઇતિહાસગ્રન્થોમાંનો એક. વિશ્વનું શ્રેષ્ઠ ભવ્યોદાત્ત મહાકાવ્ય. તેનું કદ ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ના એકત્ર વિસ્તાર કરતાં લગભગ આઠગણું મોટું છે. એક લાખ શ્લોક હોવાથી ‘શતસાહસ્રી સંહિતા’ તરીકે તે ઓળખાયું છે. ભારતની રાષ્ટ્રીય પ્રજ્ઞાનું તે વીરકાવ્ય છે. જીવનસ્પર્શી સર્વ બાબતોનો મહાસંગમ તથા લોકકથાઓનો ભંડાર હોઈ તે ‘પાંચમો વેદ’ – ‘લોકવેદ’ કહેવાયું છે. કર્મશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્રનો તે અજોડ રસસભર ગ્રન્થ છે. સત્ અને અસતના સંઘર્ષની તેની મહાકથામાં વિરલ ગુણદોષસમન્વય છે. ‘સર્વગુણસંપન્ન’ જે કહેવાતું હોય તેમાં પણ દોષ હોય છે અને દુષ્ટતમમાંયે ગુણ હોય તેની તે પ્રતીતિ કરાવે છે.

આ ગ્રંથમાં અઢાર પર્વો છે : (1) ‘આદિપર્વ’માં પ્રસ્તાવના, વંશવર્ણન, પાંડવકૌરવજન્મ અને દ્રૌપદીસ્વયંવર; (2) ‘સભાપર્વ’માં હસ્તિનાપુરમાં રાજપુત્રોની સભા, યુધિષ્ઠિરનું જુગારની હોડમાં રાજ્ય મૂકીને હારવું અને વનવાસ; (3) ‘વનપર્વ’માં કામ્યકવનમાં પાંડવોનું રહેવું અને નળની વાર્તા સાંભળવી; (4) ‘વિરાટપર્વ’માં વિરાટ રાજાને ત્યાં પાંડવોનું ગુપ્ત રીતે રહેવું; (5) ‘ઉદ્યોગપર્વ’માં પાંડવો અને કૌરવોનું યુદ્ધ માટે સજ્જ થવું; (6) ‘ભીષ્મપર્વ’માં ભીષ્મના સેનાપતિપદે થતું યુદ્ધ; (7) ‘દ્રોણપર્વ’ – માં દ્રોણના અને (8) ‘કર્ણપર્વ’માં કર્ણના તેમજ (9) ‘શલ્યપર્વ’માં શલ્યના સેનાપતિપદે આગળ ધપેલું યુદ્ધ; (10) ‘સૌપ્તિકપર્વ’માં અશ્વત્થામા વગેરેએ પાંડવોના સૂતેલા પુત્રોનો કરેલો વધ; (11) સ્ત્રીપર્વમાં ગાંધારીનો શોક; (12) ‘શાંતિપર્વ’માં ભીષ્મે યુધિષ્ઠિરને રાજધર્મનો કરેલો ઉપદેશ; (13) ‘અનુશાસનપર્વ’માં ઉપદેશ પૂરો કરી ભીષ્મનું થતું મૃત્યુ; (14) ‘આશ્વમેધિક પર્વ’માં યુધિષ્ઠિરે કરેલો અશ્વમેધ યજ્ઞ; (15) ‘આશ્રમપર્વ’માં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીનું વનગમન અને તેમનાં મૃત્યુ; (16) ‘મૌસલપર્વ’માં કૃષ્ણ તથા બલરામનું મૃત્યુ, દ્વારકા અને યાદવોનો નાશ; (17) ‘મહાપ્રસ્થાનિક પર્વ’માં યુધિષ્ઠિરનું રાજ્ય છોડી હિમાલય જવું અને (18) સ્વર્ગારોહણપર્વમાં યુધિષ્ઠિરનું સદેહે સ્વર્ગમાં જવું – એ વિષયો વર્ણવાયા છે. પરિશિષ્ટ એવા (19) હરિવંશ-પર્વમાં કૃષ્ણના જીવનચરિત્રને વર્ણવવામાં આવ્યું છે. કેટલાંયે ઉપપર્વો-વાળાં 18 પર્વમાં રજૂ થયેલી તેની અતિપ્રસિદ્ધ કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે :

હસ્તિનાપુરના કુરુવંશી શાન્તનુ રાજાના સુપુત્ર દેવવ્રતે માછીમાર-કન્યા મત્સ્યગન્ધા સત્યવતી સાથે પિતાનાં પુનર્લગ્ન કરાવવા, નહિ પરણવાની અને રાજસિંહાસનના રક્ષક રહેવાની ભીષ્મ પ્રતિજ્ઞા લેતાં તે ‘ભીષ્મ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સ્વપુત્રો ચિત્રાંગદ–વિચિત્રવીર્ય નિ:સંતાન અવસાન પામતાં સત્યવતીએ કૌમારાવસ્થાના સ્વપુત્ર કૃષ્ણદ્વૈપાયન વ્યાસ દ્વારા તેમની પત્નીઓમાં નિયોગથી ધૃતરાષ્ટ્ર–પાંડુ મેળવ્યા; એક દાસીમાં એ રીતે વિદુર પણ જન્મ્યા. ધૃતરાષ્ટ્ર જન્માન્ધ હોઈ પાંડુને રાજ્ય મળ્યું. તેને પાંડુરોગને કારણે ધૃતરાષ્ટ્રને રાજ્ય સોંપી કુદરતને ખોળે વનમાં વસવું પડ્યું. ત્યાં પાંડુની પત્નીઓ કુન્તી તથા માદ્રીએ દેવમન્ત્રો દ્વારા અનુક્રમે યુધિષ્ઠિર-ભીમસેન-અર્જુન તથા સહદેવ-નકુલ એમ પાંચ પુત્રો મેળવ્યા. પાંડુનું અવસાન થતાં માદ્રી સતી થઈ અને પાંચેય પુત્રો સાથે કુન્તી હસ્તિનાપુર આવી. ધૃતરાષ્ટ્ર-પત્ની ગાન્ધારીના દુર્યોધન-દુ:શાસનાદિ સો પુત્રો (કૌરવો) સાથે પાંચ પાંડવો ઊછર્યા. બધાએ સાથે દ્રોણાચાર્ય પાસે વિદ્યાભ્યાસ કર્યો. દુર્ગુણી કૌરવોને સદગુણી પાંડવોની ઈર્ષ્યા થતી હતી. પાંડવોનું કાસળ કાઢવા તેમને હવાફેર માટે વારણાવતમાં લાખના મહેલમાં મોકલ્યા. ત્યાંથી છટકી બ્રાહ્મણવેશે પાંચાલરાજ દ્રુપદની રાજકન્યા દ્રૌપદીના સ્વયંવરમાં પહોંચ્યા. મત્સ્યવેધ કરી અર્જુને દ્રૌપદી જીતતાં અજાણતાં કુંતીમાતાએ આપેલી આજ્ઞા મુજબ પાંચેય તેને પરણ્યા.

ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને અર્ધું રાજ્ય આપી ખાંડવપ્રસ્થમાં સ્થાપ્યા. રાજસૂય યજ્ઞ કરી યુધિષ્ઠિર સમ્રાટ બનતાં કૌરવોએ તેમને દ્યૂત રમવા નિમંત્ર્યા. મામા શકુનિના કપટથી યુધિષ્ઠિર બધું હારી જતાં દુ:શાસને ભરી સભામાં દ્રૌપદીનાં વસ્ત્ર કાઢવા પ્રયત્ન કરતાં શ્રીકૃષ્ણે ચીર પૂરી લાજ રાખી. ફરીથી દ્યૂતમાં હારતાં પાંડવોને 12 વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ વેઠવો પડ્યો. પછી સોયની અણી જેટલી જમીન પણ ન આપતાં કુરુક્ષેત્રના મેદાનમાં ભીષણ યુદ્ધ થતાં 18 અક્ષૌહિણી સેનામાંથી દસ જ બચતાં 47,23,909 યોદ્ધાનો મહાસંહાર થયો. સિંહાસનારૂઢ થતાં પહેલાં પ્રાયશ્ચિત્ત રૂપે આશૌચ પાળી પાંડવો એક માસ ગંગાતટે રહ્યા.

મહર્ષિ વ્યાસની સૂચનાથી યુધિષ્ઠિરે બાણશય્યાએ સૂતેલા ભીષ્મ પિતામહ પાસેથી રાજધર્મ વગેરે વિશે ઉપદેશ ગ્રહણ કર્યો. અશ્વમેધ યજ્ઞ કરી દક્ષિણામાં યુધિષ્ઠિરે વ્યાસજીને સમગ્ર રાજ્ય આપી દીધું, પણ ખૂબ સમજાવી તેમણે તે પાછું આપ્યું. 36 વર્ષ વીત્યે દ્વારકામાં યાદવાસ્થળી થઈ, ત્યાંની મહિલાઓને લઈ આવતાં રસ્તામાં અર્જુન લૂંટાયો, ખાલી દ્વારકાને સમુદ્રનાં મોજાંએ ડુબાડી દીધી.

અર્જુન સાથે આવેલા શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય સોંપ્યું, અર્જુનના પૌત્ર પરીક્ષિતને હસ્તિનાપુરની ગાદી સોંપી, પાંડવબન્ધુઓ દ્રૌપદી સાથે હિમાલયમાં ગયા, જ્યાં દ્રૌપદી અને એક પછી એક ચારેય ભાઈઓ વિદેહ થયા પછી ઇન્દ્ર સાથે રથમાં યુધિષ્ઠિર સદેહે પોતાના શ્વાન સાથે સ્વર્ગે સંચર્યા.

યુધિષ્ઠિર સિંહાસનારૂઢ થયા પછી મહર્ષિ વ્યાસે હિમાલયમાંના નરનારાયણ પર્વત પાસે બદરીક્ષેત્રમાં ત્રણ વર્ષ રહી આ અમર મહાકાવ્ય રચ્યું. કથાનકમાં 14 પ્રસંગે વ્યાસમુનિ પાત્ર તરીકે આવતા હોઈ આ માત્ર કલ્પના નહિ, પણ ઐતિહાસિક કથા હોવાનું લેખાય છે. ઈ. પૂ. 3102ના ફેબ્રુઆરીની તેરમી તારીખે કલિયુગનો પ્રારંભ મનાય છે અને નક્ષત્રગ્રહયોગથી નિશ્ચિત કરાયું છે કે મહાભારતયુદ્ધ ઈ. પૂ. 3137માં થયું હશે. આથી દ્વાપર-કલિના સન્ધિકાલના સમયના સમાજનું ચિત્રણ આમાં મળે છે. સર્વ સ્તરના લોકોનું જીવન આવરી લેવાયું હોઈ તે ભારતીય સંસ્કૃતિનો સર્વસંગ્રહ બની ગયો છે. મહાભારત મહાકાવ્ય, ઇતિહાસ, વેદ, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, રાજનીતિ અને અર્થશાસ્ત્ર, મોક્ષશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, વેદાંતશાસ્ત્ર, કળાઓ, વિજ્ઞાનો (સામાજિક અને અન્ય) બધું જ ધરાવતો ગ્રંથ હોવાથી તે ભારતીય વિદ્યાઓ અને સંસ્કૃતિનો પ્રથમ સર્વસંગ્રહ છે. આથી કવિ યથાર્થ જ કહે છે કે ‘જે અહીં છે તે જ બીજે છે અને જે અહીં નથી તે બીજે ક્યાંય નથી.’ ભગવદગીતા આના ‘ભીષ્મપર્વ’નો એક અંશ જ છે અને ‘અનુશાસનપર્વ’માંના પ્રસિદ્ધ ‘વિષ્ણુસહસ્રનામસ્તોત્ર’ ઉપર સાતમી સદીમાં શંકર જેવા આચાર્યે ભાષ્ય રચ્યું છે તે હકીકત જ તેનું મહત્વ દર્શાવે છે. આમાંનાં કેટલાંક પ્રકૃતિવર્ણનો તો સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં અનુપમ ગણાયાં છે. ઉપદેશો તથા કથાનકમાંયે સ્થળે સ્થળે આવતા ત્રિકાળલક્ષી શાશ્વતજ્ઞાનનો આગાર હોઈ વ્યાસે અહીં જ્ઞાનમય પ્રદીપ પ્રગટાવ્યો છે એવી ઉક્તિ પણ ઉચિત જ છે.

યુદ્ધકળા તેમજ શાન્તિકળાનું નિરૂપણ સરસ રીતે થયું છે. ભગવદગીતાના નીતિનિયમોનાં ઉદાહરણો મહાભારત પૂરાં પાડે છે. તેનાં પાત્રો તેમજ પ્રસંગોનો સળંગસૂત્ર આધ્યાત્મિક અર્થ ઘટાવવાનોયે પ્રશસ્ય પ્રયત્ન થયો છે. તેની કથાનું શ્રીકૃષ્ણચરિત્ર રૂપે અધ્યયન પણ થયું છે. વળી માનવજીવનના ઊર્ધ્વીકરણ માટે અત્યન્ત ઉપયોગી સુભાષિતરત્નોનો સાર્થ સંગ્રહ પણ ‘ભારત-રત્ન’ નામથી પ્રગટ થયો છે. આટલા વિશાળ પટમાં પણ સંકલના-એકસૂત્રતા બરાબર જળવાઈ છે. શ્રીકૃષ્ણચરિત પણ પ્રધાન કથાને લગતું જ આપ્યું છે.

સમજવા અઘરા કૂટ શ્લોકો અહીં સ્થળે સ્થળે મુકાયા છે. તે અંગે સુન્દર કથા છે : સંકલના મનમાં ગોઠવીને મહર્ષિએ માતા સરસ્વતીની સૂચનાથી ગણપતિને લહિયો થવા સમજાવ્યા. શ્લોકપ્રવાહ અટકે નહિ તેવી ગણપતિની શરતની સામે વ્યાસજીએ સમજ્યા વિના કાંઈ નહિ લખવાની બાંયધરી તેમની પાસેથી મેળવી. આથી આગળના શ્લોકો ગોઠવવા સમય જોઈતો હોય ત્યારે એક કૂટ શ્લોક આપે, જેનો સન્દર્ભાનુસાર અર્થ શોધવા ગણપતિ મથે એટલામાં બીજા શ્લોકો તૈયાર થઈ જતા !

આ મહાગ્રન્થનો મોટો હિસ્સો પૂર્વપ્રચલિત કથાઓનાં ઉપાખ્યાનોએ રોક્યો છે. તેમની રજૂઆત પણ અતિસુન્દર છે. તેથી તે પ્રભાવક બન્યાં છે. તેમાંયે ‘સાવિત્રી-આખ્યાન’થી પ્રભાવિત જર્મન વિદ્વાન વિન્ટરનિટ્ઝે તેના રચયિતા કવિને સર્વકાલીન સર્વશ્રેષ્ઠ મહાકવિ તરીકે નવાજ્યા છે !

જીવનવિજ્ઞાનમાં વ્યાસ અનેક સોનેરી સિદ્ધાન્તોને સમજાવે છે; ઉદાહરણ તરીકે, (1) પ્રમાદ કે સ્ખલનનું  નામ જ મૃત્યુ છે. (2) વેદનું શાબ્દિક જ્ઞાન નહિ, પણ સંયમ તેમજ સત્યાચરણ જ બ્રહ્મસાક્ષાત્કાર છે. (3) દીર્ઘકાલીન બ્રહ્મચર્યપૂર્વકની જ્ઞાનસાધના દ્વારા જ જીવનયોગ સિદ્ધ થઈ મૃત્યુમાંથી મુક્ત થવાય છે.

મહાભારતના કેન્દ્રે માનવ અને એનો ધર્મ છે. તે સ્પષ્ટતયા કહે છે : ‘મનુષ્ય કરતાં વધારે સારું કાંઈ નથી.’; ‘જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે’ અને ‘રક્ષેલો ધર્મ રક્ષણ કરે છે.’ ગ્રન્થાન્તે સારરૂપ ચાર શ્લોકની ‘ભારત-સાવિત્રી’માં પણ ધર્મ પર જ ભાર મુકાયો છે. તેમાંનો એક શ્લોક તો ગાંધીજીની ‘આશ્રમભજનાવલિ’માંયે સ્થાન પામ્યો છે :

न जातु कामात् न भयात् न लोभात्,

धर्म त्यजेत् जीवितस्याङपि हेतो : ।

धर्मो नित्य: सुख-दु:खे तु अनित्ये,

जीवो नित्यो हेतुर् अस्य तु अनित्य: ।।

[ક્યારેય કામ, ભય અને લોભથી કે જીવતા રહેવા માટે ધર્મને છોડવો નહીં; (કારણ કે) ધર્મ નિત્ય છે, સુખદુ:ખ તો અનિત્ય છે. જીવ નિત્ય છે, એનું કારણ તો અનિત્ય છે.]

‘મહાભારત’ની ભાષાશૈલી સરળ, શુદ્ધ, ગંભીર તથા ગૌરવાન્વિત છે.

આવો વિશાળ વૈવિધ્યપૂર્ણ ગ્રન્થ એક કર્તાનો રચેલો ન હોઈ શકે. તેમાં જ દર્શાવેલું છે કે જુદા જુદા સમયે તેનાં ત્રણ સંપાદનો થયાં હતાં :

(1) ‘જય’ : મહર્ષિ વ્યાસે યુદ્ધ પછી યુધિષ્ઠિરના રાજ્યારોહણ સુધીનો ઇતિહાસ 8,800 શ્ર્લોકના આ આર્ષ મહાકાવ્યમાં આપ્યો છે.

(2) ‘ભારત’ : પાંડવોના પ્રપૌત્ર જનમેજયરાજાને વ્યાસશિષ્ય વૈશમ્પાયને તેની માગણીથી તેના પૂર્વજોની આ કથા કહી. તેમાં સંવાદરૂપ પ્રસંગોચિત કથાઓ તથા વર્ણનો ઉમૅરીને તેને 24,000 શ્ર્લોકની વધારે રસપ્રદ કથા બનાવી.

(3) ‘મહાભારત’ : સૂતપુત્ર સૌતિ લોમહર્ષણિએ લાંબા યજ્ઞસત્રમાં શૌનકાદિ ઋષિઓને એ જ કથા વિસ્તારીને કહી. તેમાં ત્યારે પ્રચલિત લોકકથાઓરૂપ ઘણાં ઉપાખ્યાનો ઉમેર્યાં. બૌદ્ધો અને જૈનો આ લોકકથાઓને પોતાને અનુરૂપ ઢાંચામાં ઢાળતા હતા; તેમની આ પ્રવૃત્તિને અંકુશમાં લેવા અને વૈદિક ધર્મને સુઢ બનાવવા આમ કરવું જરૂરી લાગેલું. આ ઉમૅરા પછી તો હજારેક વર્ષ સુધી ચાલ્યા અને આ આર્ષ મહાકાવ્ય ‘શતસાહસ્રી સંહિતા’ બનીને રહ્યુંં !

આજે તો આ ત્રીજી સંવર્ધિત આવૃત્તિ જ આપણી સમક્ષ છે. જુદી જુદી 12 લિપિઓમાં લખાયેલ 1,259 પ્રતિનિધિ-હસ્તપ્રતોને આધારે દેશી-વિદેશી વિદ્વાનોના સહયોગથી પુણેના ભાંડારકર ઑરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે 1919થી 1966 સુધીની કાળજીભરી મહેનતના ફળરૂપે સમગ્ર મહાભારત અને તેના પરિશિષ્ટરૂપ ‘હરિવંશ’ની સમીક્ષિત આવૃત્તિ 19 ભાગમાં પ્રકાશિત કરી છે. તેમાં ચળામણની પ્રક્રિયા પછીયે જે શ્ર્લોકો રહ્યા છે તેમની સંખ્યા 78,675 જેટલી થઈ છે. આ વ્યાસજીનું ‘જય’ ન હોઈ શકે.

આથી પ્રખર વિદ્વાન શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રીએ આ સમીક્ષિત આવૃત્તિનો અભ્યાસ વર્ષો સુધી સૂક્ષ્મેક્ષિકાપૂર્વક કર્યો. તેમના આ સંશોધનના ફળરૂપે 11 પર્વવાળી 8,801 શ્ર્લોકની ‘જયસંહિતા’ 1977માં અને ત્યારે તૈયાર જ હતી તેવી ‘ભારતસંહિતા’ 23,893 શ્ર્લોકની 1998માં પ્રકાશિત થઈ.

મહાભારત પર પ્રાચીન ભારતમાં સંસ્કૃત ભાષામાં ઘણી ટીકાઓ લખાઈ છે. તેમાં સૌથી પ્રાચીન ટીકા ‘જ્ઞાનદીપિકા’ છે કે જે ‘આદિપર્વ’, ‘સભાપર્વ’, ‘ઉદ્યોગપર્વ’ અને ‘ભીષ્મપર્વ’ પર લખાયેલી છે. બીજી ટીકા ફક્ત ‘શાંતિપર્વ’ પર વૈશંપાયન નામના વિદ્વાને 1150માં લખેલી છે; જ્યારે ‘વિષમશ્ર્લોકી’ અથવા ‘દુર્ઘટાર્થપ્રકાશિની’ નામની ટીકા સંપૂર્ણ મહાભારત પર વિમલબોધ નામના વિદ્વાને 1050માં લખેલી છે. વળી બારમી સદીમાં નારાયણ સર્વજ્ઞ નામના વિદ્વાને ‘વિરાટ’ અને ‘ઉદ્યોગપર્વ’ પર લખેલી ટીકા પ્રકાશિત થયેલી છે. તેરમી સદીમાં ચતુર્ભુજ મિશ્રે ‘ભારતોપાયપ્રકાશ’ નામની ટીકા લખી છે કે જે અપ્રકાશિત છે. ચૌદમી સદીમાં આનંદપૂર્ણ નામના લેખકે ‘આદિપર્વ’, ‘સભાપર્વ’, ‘ભીષ્મપર્વ’, ‘શાંતિપર્વ’ અને ‘અનુશાસનપર્વ’ પર સંસ્કૃતમાં ટીકા લખી છે, જે હસ્તપ્રતમાં છે; પરંતુ સંપૂર્ણ મહાભારત પર નીલકંઠ ચતુર્ધરે લખેલી ‘ભારતભાવદીપ’ નામની ટીકા પૂરેપૂરી ચિત્રશાલા પ્રેસ, પુણે દ્વારા પ્રકાશિત થઈ છે. એ એક જ ટીકા, સંપૂર્ણ પ્રકાશિત થયેલી છે.

સંપૂર્ણ મહાભારતનો અંગ્રેજીમાં અનુવાદ કિશોરમોહન ગાંગુલી અને પ્રતાપચંદ્ર રાયે 1884થી 1896માં કરેલો છે. પ્રથમ 10 પર્વોનો ફ્રેન્ચ અનુવાદ 1863થી 1870માં પૅરિસમાં પ્રકાશિત થયો છે. ઇટાલિયન ભાષામાં 1902માં પાવલિની અને બોપ્પે થોડાક ભાગનો અનુવાદ કર્યો છે. વિન્ટરનિટ્ઝે જર્મન ભાષામાં 1912માં મહાભારતનો અનુવાદ પ્રગટ કર્યો છે. વળી, મહાભારત વિશે વિન્ટરનિટ્ઝ, ચિંતામણ વૈદ્ય, રાધાકૃષ્ણન્, ઇરાવતી કર્વે, દુર્ગા ભાગવત, ઉમાશંકર જોશી, ઉપેન્દ્ર જ. સાંડેસરા, દર્શક વગેરે અનેક દેશી અને વિદેશી વિદ્વાનોએ જુદી જુદી ભાષાઓમાં વિવેચનો લખ્યાં છે. કેટલાંક વર્ષ પર ‘મહાભારત’નું ફ્રેન્ચમાં નાટ્યરૂપાન્તર કરાયું, તેનો અંગ્રેજી અનુવાદ કરાયો, ઉત્તમ કલાકારો દ્વારા વિવિધ રાષ્ટ્રોમાં સફળતાપૂર્વક ભજવાયું, અને એ રીતે આ શ્રેષ્ઠ કક્ષાની કલાકૃતિમાં નિરૂપાયેલી શાશ્વત વૈશ્ર્વિક સંવેદનાને પ્રતિસાદ સાંપડ્યો. વળી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કમ્પ્યૂટરની મદદથી, તેના ઇચ્છિત સન્દર્ભો તથા પ્રસંગોને અલગ તારવી શકાય એવા આ વૈશ્ર્વિક મહાકૃતિના સૉફ્ટવેરને પણ હાલમાં વિકસાવાયો છે.

જયન્ત પ્રે. ઠાકર

પ્ર. ઉ. શાસ્ત્રી