મસૂરી : ઉત્તર પ્રદેશના દહેરાદૂન જિલ્લામાં આવેલું ગિરિમથક. ભૌગોલિક સ્થાન : 30° 30´ ઉ. અ. અને 78° 08´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી 2,005 મીટરની ઊંચાઈએ આવેલું છે. દહેરાદૂનથી ઉત્તર તરફ 35 કિમીને અંતરે મસૂરી હારમાળાની ઘોડાનાળ આકારની તળેટી-ટેકરીઓ (foot-hills) પર તે વસેલું છે. તળેટી-ટેકરીઓથી થોડેક દૂર દક્ષિણ ભાગમાંથી ગંગા નદી પસાર થાય છે. અહીંથી દક્ષિણે દૂન નદીનું રમણીય ર્દશ્ય દેખાય છે. અહીં આવેલાં ઓક, ફર, રહોડોડેન્ડ્રૉન જેવાં વૃક્ષો આ ગિરિમથકની શોભામાં વધારો કરે છે. લાલ ટીંબા અહીંનું સર્વોચ્ચ શિખર છે. સહસ્રધારા, મૉસી ધોધ, ભટ્ટ ધોધ, કૅમ્પ્ટી ધોધ, કૅમલ્સ બૅક, કુલરી, ચક્રાતા વગેરે અહીંનાં સહેલગાહનાં સ્થળો છે. આ ગિરિમથક પર પ્રવાસીઓની અનુકૂળતા માટે 400 મીટર લાંબા રજ્જુમાર્ગ(ropeway)ની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. ભારતીય પ્રશાસન સંબંધી સેવાર્થે પ્રશિક્ષણ આપવા માટે લાલબહાદુર શાસ્ત્રી અકાદમીની ભારતની મોટી સંસ્થા અહીં આવેલી છે. અહીં શૈક્ષણિક સંસ્થાઓ અને આરોગ્યધામ પણ છે. 1850માં મસૂરીની પોતાની નગરપાલિકા રચાઈ છે. એપ્રિલથી જૂન સુધી અને સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી – એમ બે મોસમમાં આ સ્થળ સહેલગાહ અને આરામ માટે અનુકૂળ રહે છે. અહીં ગંધકયુક્ત પાણીના ઝરા આવેલા છે. 1850ની સાલથી અહીં બિયરનું ઉત્પાદન થાય છે.

1811માં મેજર હર્સે ગિરિમથક બનાવવા માટે આ પ્રદેશ ખરીદેલો, પરંતુ 1812માં ઈસ્ટ ઇંડિયા કંપનીને તે વેચી દીધેલો. 1827માં લશ્કરી અધિકારી કર્નલ યંગે અહીં લોકોનો વસવાટ થાય તે માટે પ્રયાસો કરેલા. 1901માં હરદ્વાર-દહેરાદૂન માર્ગ થવાથી આ સ્થળ હવા ખાવાના સ્થળ તરીકે વિકસતું ગયું. આજે તો તે આ પ્રદેશનાં હવા ખાવાનાં સ્થળોમાં ‘ગિરિમથકોની રાણી’ તરીકે ઓળખાય છે.

ગિરીશભાઈ પંડ્યા