મશીનગન : એક યાંત્રિક શસ્ત્ર. તે જલદ ગતિએ ગોળાબારુદ છોડીને દુશ્મન પર સતત મારો કરી શકે છે. જ્યાં સુધી આ શસ્ત્રમાંનો ઘોડો દબાવી રાખવામાં આવે ત્યાં સુધી તેમાંથી ગોળીઓ છૂટ્યા જ કરે છે.

સ્વયંસંચાલિત હળવી મશીનગન

એક કરતાં વધુ નાળ ધરાવતી મશીનગનની સર્વપ્રથમ શોધ 1718માં ઇંગ્લૅન્ડમાં થઈ હતી. ત્યારબાદ 1862માં રિચર્ડ ગૅટલિંગ જે મશીનગન બનાવી તે વધુ અસરકારક અને ઝડપી સાબિત થઈ. 1898માં અમેરિકાએ સૅન્ટિયાગો અને ક્યૂબાની લડાઈઓમાં તેનો વ્યાપક ઉપયોગ કર્યો હતો.

એક મિનિટમાં 350 ગોળીઓ છોડી શકે તેવી ‘ગૅટલિંગ મશીનગન’

વીસમી સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં યુરોપની કેટલીક વસાહતવાદી સત્તાઓએ પણ એશિયા અને આફ્રિકામાં સ્થાનિક બળવાઓને દબાવી દેવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. તે પૂર્વે 1884માં હિરમ મૅક્સિમે (Hiram Maxim) સહેલાઈથી વાપરી શકાય તેવી પ્રતિક્ષેપ-પદ્ધતિ દ્વારા ચાલતા યંત્ર(recoiled operated machine)ના સિદ્ધાંતને આધારે સુધારેલી મશીનગન બનાવવામાં સફળતા મેળવી. 1890માં જૉન બ્રાઉનિંગે વાયુચાલિત મશીનગનની શોધ કરી. ત્યારબાદ અમેરિકાના કર્નલ આઇઝેક લેવિસે વાયુચાલિત, પણ વજનમાં હલકી હોય તેવી મશીનગન બનાવી; જેનો પ્રથમ પ્રયોગ 1912માં કરવામાં આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–1918)માં અમેરિકાના લશ્કરે તેનો બહોળો ઉપયોગ કર્યો હતો; પરંતુ વિમાનમાંથી જમીન પરના નિશાનને તાકવામાં તે અસરકારક સાબિત થઈ ન હતી. આ ક્ષતિ દૂર કરવા માટે તથા વિમાનમાંથી જમીન પરના દુશ્મનના નિશાન પર મારો કરવા માટે 20 મિલીમિટરની ત્રિજ્યા ધરાવતી બેકર મશીનગન અને તેટલી જ ત્રિજ્યાવાળી ઑરલિન્કન મશીનગન બનાવવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ(1939–1945)માં ‘ટૉમીગન’ તરીકે ઓળખાતી સબમશીનગનનો ઉપયોગ કરવામાં આવ્યો. દર મિનિટે 450–600 ગોળીઓ સતત છોડવાની તેની ક્ષમતા હતી. આ યુદ્ધમાં બ્રિટિશ બ્રેનગન તથા જર્મન બનાવટની M34 મશીનગનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.

કોરિયાના યુદ્ધ(1949–1953)માં મશીનગનને બદલે મિસાઇલો તથા રૉકેટોનો વ્યાપક ઉપયોગ થયો, જે વધુ અસરકારક શસ્ત્રો સાબિત થયાં. આમ છતાં નાનાં શસ્ત્રોમાં આજે પણ મશીનગનનું મહત્વ રહ્યું છે. આતંકવાદીઓ અને તેમને ખાળવા માટે ઝૂઝનાર સૈનિક દળો આજે પણ તેનો ઉપયોગ કરતા હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે