‘મર્યાદા’-પત્રિકા : 20મી સદીની પહેલી પચ્ચીસીની શિર્ષસ્થ હિંદી માસિક પત્રિકા. નવેમ્બર 1910માં કૃષ્ણકાંત માલવિયે અભ્યુદય કાર્યાલય, પ્રયાગથી એને પ્રથમ પ્રકાશિત કરી. એના પ્રથમ અંકનો પ્રથમ લેખ ‘મર્યાદા’ પુરુષોત્તમદાસ ટંડને લખ્યો હતો. આ માસિક પત્રિકાને શરૂઆતથી જ હિંદીના દિગ્ગજ વિદ્વાનો, લેખકો તેમજ કવિઓનો સહકાર પ્રાપ્ત થયો. પ્રથમ અંકમાં સર્વશ્રી મૈથિલીશરણ ગુપ્ત, માધવ શુક્લ, બાલકૃષ્ણ ભટ્ટ, રાય દેવીપ્રસાદપૂર્ણ, શ્રીધર પાઠક, મિશ્રબંધુ વગેરેની રચનાઓ પ્રકાશિત થઈ. પ્રથમ અંકમાં આચાર્ય મહાવીરપ્રસાદ દ્વિવેદીની ‘એક ઉપમા પર દો હજાર અશર્ફિયાં’ નામે ટિપ્પણી પણ પ્રકાશિત થઈ હતી.

આ પત્રિકામાં પં. કિશોરીલાલ ગોસ્વામીની સત્યઘટના પર આધારિત નવલકથા ‘નવલખા હાર’ ધારાવહી રૂપે પ્રકાશિત થઈ. દશ વર્ષ સુધી આ પત્રિકાને શ્રીકૃષ્ણકાંત માલવિયે પ્રયાગથી ચલાવી પછી 1921માં તેનું પ્રકાશન જ્ઞાનમંડલ, કાશીને સોંપી દીધું. ત્યારથી શિવપ્રસાદ શુક્લના સંચાલનમાં અને સંપૂર્ણાનંદજીના સંપાદન નીચે જ્ઞાનમંડલ દ્વારા ‘મર્યાદા’ પ્રકાશિત થવા લાગી. અસહયોગ આંદોલનમાં સંપૂર્ણાનંદજીનો જેલવાસ થતાં ધનપતરાય (પ્રેમચંદ) વચગાળાના સંપાદક થયા. પત્રિકાનું વાર્ષિક લવાજમ રૂ. પાંચ અને છૂટક નકલની કિંમત આઠ આના હતી. સંપૂર્ણાનંદજીના સંપાદનથી પત્રિકાના રંગરૂપ અને સ્વરૂપમાં નિખાર આવ્યો. વસ્તુતઃ એ રાજનીતિને લગતી પત્રિકા હતી પરંતુ એમાં વિવિધ વિષયો પર અધિકારી વિદ્વાનોના ઉચ્ચતર લેખો પ્રકાશિત થયા કરતા હતા. પ્રત્યેક અંકમાં રંગીન ચિત્ર ઉપરાંત સાહિત્યસુમન – સંચય, સામયિક પ્રસંગ, સાહિત્ય-પરિચય, સંપાદકીય અને સ્થાયી કૉલમ સ્વરૂપે ઉચ્ચકોટિની પાઠ્યસામગ્રી પ્રકાશિત થતી હતી. સંપાદકીય ‘કૉલમ’માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિષયો પર સારગર્ભિત ટિપ્પણીઓ પ્રગટ થતી.

‘મર્યાદા’ પોતાના સમયની સર્વશ્રેષ્ઠ માસિક પત્રિકા હતી. તેને તત્કાલીન બધા પ્રસિદ્ધ લેખકો, કવિઓ અને વિદ્વાનોનો સહકાર પ્રાપ્ત હતો. સર્વશ્રી પદ્મસિંહ શર્મા, અંબિકાપ્રસાદ બાજપેયી, પ્રેમચંદ, ‘હરિઔંધ’, મૈથિલીશરણ ગુપ્ત, ઇંદ્ર વિદ્યાવાચસ્પતિ, લાલા ભગવાનદીન, ભાઈ પરમાનન્દ, હરિભાઊ ઉપાધ્યાય, રાજા મહેન્દ્રપ્રતાપ, ‘ઉગ્ર’, ઉદયશંકર ભટ્ટ, ભવાનીદયાલ સંન્યાસી વગેરે એના સ્થાયી લેખકો હતા. પ્રેમચંદજીની શરૂઆતની ‘કહાનિયાં’ આ માસિકમાં પ્રગટ થઈ. ઈ. સ. 1923માં આ પત્રિકા અનિવાર્ય કારણસર એકાએક બંધ થઈ ગઈ. એનો છેલ્લો અંક પ્રવાસી વિશેષાંક રૂપે બનારસીદાસ ચતુર્વેદીના સંપાદન નીચે પ્રગટ થયો, જે એમાંની વિશિષ્ટ ઐતિહાસિક સામગ્રીને કારણે ઐતિહાસિક મહત્વનું પ્રકાશન બની રહ્યો. અંતિમ અંકમાં વાચકોને નિવેદન કરતા ડૉ. સંપૂર્ણાનંદે લખ્યું, ‘‘દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિના મર્મજ્ઞોએ ‘મર્યાદા’એ કરેલી લોક અને સાહિત્યની સેવાને બિરદાવી છે તેથી આ પત્રિકાનો સાહિત્ય-સેવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો નથી એવું આશ્વાસન મળ્યું છે, પણ સાથોસાથ ખેદ પણ છે કે અમારે એને બંધ કરવી પડે છે.’’

પ્રવીણચંદ્ર પરીખ