મરુતો : પ્રાચીન ભારતના, ઋગ્વેદમાં વર્ણવાયેલા, ઝંઝાવાતના દેવો. તેમના માટે 33 સૂક્તો રચાયાં છે. 7 સૂક્તોમાં ઇન્દ્રની સાથે અને એક એક સૂક્તમાં અગ્નિ તથા પૂષન્ની સાથે તેમનું વર્ણન જોવા મળે છે. મરુતનો એક સમૂહ છે. તેમની સંખ્યા 180 (60 × 3) કે 21 (7 × 3)ની ગણાય છે. તેઓ રુદ્રના અને પૃશ્ર્નિના પુત્રો છે. તેઓ પૃથ્વી અથવા ગાયના પુત્રો તરીકે ઓળખાય છે, જે ઝંઝાવાતમાં વાદળનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણી વાર તેમને સિન્ધુમાતર: પણ કહેવામાં આવે છે. તેમને વાયુથી જન્મેલા કહે છે અને તેમને આકાશના પુત્રો માનવામાં આવે છે.

જન્મ વખતે તેમને અગ્નિ સાથે સરખાવવામાં આવ્યા છે. એક સ્થળે ‘વિદ્યુતના હાસ્યથી ઉત્પન્ન થયેલા’ એવો નિર્દેશ છે. તેઓ યુવાન અને અગ્નિ જેવા સુંદર દેખાવવાળા અને સ્વયંપ્રકાશિત તથા સુવર્ણની છાતીવાળા છે. તેઓ પ્રભાતનાં કિરણોની જેમ તેમનાં આભૂષણોથી શોભે છે. આભૂષણોમાં તેઓ માળા, સુવર્ણમય દ્રાપિ(બખ્તર) સુવર્ણમય શિરસ્રાણ ધારણ કરે છે. તેઓ હાથ અને પગમાં કડાં ધારણ કરે છે. ઘણી વાર વીજળીની સાથે પણ તેમનો સંબંધ જોડવામાં આવે છે. વીજળીથી પ્રકાશતા સોનાના રથમાં તેઓ બિરાજે છે. વીજળીને તેઓ પોતાના હાથમાં ધારણ કરે છે. વીજળીના રથોને કાબરચીતરા અશ્વો જોડેલા છે. એક સ્થળે પવનોને પોતાના રથ સાથે તેમણે જોડ્યા હોય એવું વર્ણન આવે છે. તેમની ગરિમા અમાપ છે. તેમની શક્તિનો કોઈ પાર પામતું નથી. તેઓ આકાશની જેમ વ્યાપક છે. તેઓ સૂર્યની જેમ દ્યુલોક અને પૃથ્વીલોકને વ્યાપીને રહે છે. રોદસી નામની દેવી તેમના રથ ઉપર બિરાજમાન હોય છે; તેથી તેને તેમની પત્ની માનવામાં આવી છે.

મરુત્-દેવતાઓ સિંહ અને વરાહ જેવા વિકરાળ તેમજ ભયંકર તથા વાછરડા જેવા રમતિયાળ હોય છે. તેઓ તેમની ગર્જનાઓથી પર્વત અને વૃક્ષોને પણ ધ્રુજાવે છે. પોતાના રથનાં ચક્ર વડે તેઓ પર્વતોને ભાંગી નાખે છે. તેઓ જંગલી હાથીઓની જેમ વનોને ખાઈ જાય છે. તેઓ પ્રાણીઓ અને પદાર્થોને કંપાવે છે. તેઓ વાયુ પર સવારી કરીને ધૂળ ઉડાડે છે. તેઓ આકાશના આંચળને દોહે છે. વૃષ્ટિ કરવી એ મરુત્-દેવતાઓનું મુખ્ય કાર્ય છે. તેઓ સમુદ્રમાં ઉદભવી વરસાદ વરસાવે છે. તેઓ વરસાદથી સૂર્યનાં નેત્રોને બંધ કરે છે. પૃથ્વી પર તેઓ દૂધ રેડે છે. તેઓ ઘૃતનું સિંચન કરે છે. ગર્જના કરીને ઝરણાંઓને વહેતાં કરે છે. તેઓ પૃથ્વીને માદક રસ વડે ભીની કરે છે. સ્વર્ગની ડોલને તેઓ ઠાલવી નાખે છે. તેઓ દિવ્ય ગાયક છે. તેઓ વૃત્ર, અહિ અને શંબરના યુદ્ધમાં ઇન્દ્રને મદદ કરે છે. તેમને વીજળી, વાદળ, વાયુ અને વર્ષાની સાથે સંબંધ હોવાથી ઋગ્વેદમાં તેઓ તોફાનના દેવતા મનાયા છે.

પુરાણોમાં મરુતોની સંખ્યા 49ની માનવામાં આવી છે. તેમને ઇન્દ્રના ભાઈ અને યજ્ઞમાં પોતાનો ભાગ ભોગવનારા કહ્યા છે. પુરાણો અનુસાર તેઓ વૈવસ્વત મન્વન્તરના દેવો છે. નિવાત-કવચ નામના દૈત્યો સાથે તેઓ લડેલા. ભરદ્વાજનું પાલન-પોષણ તેમણે કરેલું. શોભવત્ય વર્ગની અપ્સરાઓના તેઓ પિતા છે. તેઓ વિષ્ણુના અંશ પણ મનાયા છે.

જયંતીલાલ શં. પટેલ