મરાટિયેસી : ત્રિઅંગી વનસ્પતિઓના ફિલિકોપ્સિડા વર્ગમાં આવેલા ગોત્ર મરાટિયેલ્સનું એક કુળ. તેનો બીજાણુજનક (sporophyte) મૂળ, પ્રકાંડ અને પર્ણો ધરાવે છે. પ્રકાંડ ભૂમિગત ગાંઠામૂળી (rhizome) કે પ્રકંદ (root stock) સ્વરૂપે જોવા મળે છે. પ્રકાંડમાં શ્લેષ્મકીય (mucilaginous) પેશી ઉપરાંત ટૅનિન ધરાવતા કોષો આવેલા હોય છે. તેનાં પર્ણો પીછાંકાર (pinnate), સંયુક્ત (compound) હોય છે અને કલિકા-અવસ્થામાં કુંડલિતાગ્ર (circinate) પર્ણવલન દર્શાવે છે. પર્ણના પત્રાક્ષ(rachis)નો તલસ્થ ભાગ ફૂલેલો હોય છે. બીજાણુપર્ણિકાની વક્ષસપાટીએ કિનારી તરફ અનેક ધાનીપુંજ (sorus) ઉત્પન્ન થાય છે. તે ગોળાકાર, લંબગોળાકાર કે રેખીય હોય છે અને ક્યારેક તેની ફરતે શલ્ક(scale)નું રક્ષણાત્મક કવચ જોવા મળે છે. ધાનીપુંજમાં આવેલી પ્રત્યેક બીજાણુધાનીનો વિકાસ સુબીજાણુધાનીય (eusporangiate) પ્રકારનો હોય છે. એટલે કે તેની ઉત્પત્તિ એક કરતાં વધારે આરંભિક (initial) કોષો દ્વારા થાય છે. બીજાણુધાનીની દીવાલ બહુસ્તરીય હોય છે અને તેમાં સ્ફોટી વલય (annulus) હોતું નથી. બીજાણુ-માતૃકોષો(spore-mother cells)ના અર્ધસૂત્રીભાજન (meiotic division) દ્વારા 400થી 700 જેટલા ચતુષ્ફલકીય (tetrahedral) એકગુણિત (haploid) બીજાણુઓ ઉદભવે છે. તે સમબીજાણુક (homosporus) હોય છે. બીજાણુધાનીનું લંબવર્તી સ્ફોટન થતાં બીજાણુઓ વિકિરણ પામે છે. પ્રત્યેક બીજાણુ અંકુરણ પામી ઘણો નાનો જન્યુજનક (gametophyte) કે પૂર્વદેહ (prothallus) ઉત્પન્ન કરે છે. તે બહુકોષી અને પૃષ્ઠવક્ષી (dorso-ventral) હોય છે અને ચપટી હૃદયાકાર રચના ધરાવે છે. તેની વક્ષસપાટીએ પુંધાની (antheridium) અને સ્ત્રીધાની (archeconium) તરીકે ઓળખાતાં લિંગી પ્રજનનાંગો ઉદભવે છે. તે જન્યુજનકમાં અર્ધાં ખૂંપેલાં હોય છે. પુંધાનીમાં ચલપુંજન્યુઓ (antherozoids) અને સ્ત્રીધાનીમાં અંડકોષ (egg cell) ઉત્પન્ન થાય છે. તે બંનેનું ફલન થતાં દ્વિગુણિત (diploid) યુગ્મનજ(zygote)નું નિર્માણ થાય છે. આ યુગ્મનજના વિકાસથી પુન: બીજાણુજનક અવસ્થાનો ઉદભવ થાય છે.

આ કુળમાં Marattia (60 જેટલી જાતિઓ), Christensenia (2 જાતિઓ) અને Danaea (30 જાતિઓ) પ્રજાતિઓ મુખ્ય છે. Marattia અમેરિકાનાં વિષુવવૃત્તીય જંગલોમાં વેસ્ટઇંડિઝ, મેક્સિકો અને હવાઈ ટાપુઓમાં નૈસર્ગિક રીતે થાય છે. આંતરરાષ્ટ્રીય વનસ્પતિઉદ્યાનોમાં પણ તે ઉગાડવામાં આવે છે. M. fraxinea હિમાલયમાં થતી જાતિ છે. દક્ષિણ ભારતની તિરુન્વેલી પીલાની અને અનામલાઈની ટેકરીઓ પરથી ક્યારેક તે મળી આવે છે. Marattiaને ‘રેડ ડેટા’ બુકમાં લુપ્ત થતી વનસ્પતિની યાદીમાં મૂકવામાં આવી છે.

મરાટિયા : (અ) સંયુક્ત પીંછાકાર પર્ણ, (આ) પત્રાક્ષનો તલસ્થ ભાગ, (ઇ) ધાનીપુંજો, (ઈ) એકધાનીપુંજ

આ કુળને અત્યંત પ્રાચીન ગણવામાં આવે છે. તે મધ્ય અંગારયુગ(Middle Carboniferous)માં ઉદભવ્યું હોવાની માન્યતા છે. ભારતમાં તેના જીવાશ્મો ઉપરી ગોંદવાના ક્ષેત્રમાં રાજમહાલ(બિહાર)ના વિસ્તારમાંથી Marattiopsis અને Danaeopsis સ્વરૂપે મળી આવ્યા છે.

દક્ષિણ આફ્રિકા અને ઉસાંબારામાં તેની ગાંઠામૂળી છૂંદી ગરમ કરી પગને તળિયે ઘસવામાં આવે છે. તેથી તળિયાનો દુખાવો દૂર થાય છે અને તળિયું મજબૂત બને છે. તે અંકુશકૃમિરોગ(ankylostomiasis)માં ઉપયોગી છે.

જૈમિન વિ. જોશી