મનોવિશ્લેષણ (સાહિત્ય)

January, 2002

મનોવિશ્લેષણ (સાહિત્ય) : સાહિત્ય જેવી વાક્કળાનો માનવચિત્ત સાથેનો સંબંધ ઘણો ગાઢ-ગૂઢ ને તેથી સંકુલ છે. સાહિત્યના સર્જન-ભાવનનો કારયિત્રી-ભાવયિત્રી પ્રતિભા સાથે, વ્યષ્ટિ તેમજ સમષ્ટિ-ચેતના સાથે, માનવસંવિતનાં આંતરબાહ્ય સ્ફુરણો-સંચલનો સાથેનો સંબંધ ઘણો ગહન, વ્યાપક અને સૂક્ષ્મ છે. જેમ જીવનનો તેમ સાહિત્યના અંતસ્તત્વનો પૂરો તાગ મેળવવો અશક્ય છે. તેથી સાહિત્યના સર્જન-ભાવનના સંદર્ભમાં રહસ્યતત્વનો, ચમત્કાર કે ચમત્કૃતિ તત્વનો મહિમાભાવે નિર્દેશ થતો રહ્યો છે. જીવનનું અને તેનું સ્વરૂપ જેના આવિષ્કારરૂપ છે તે માનવચેતનાનું તત્વ-સત્વ કેવું છે, તેનો પરચો-પરિચય સાહિત્યાદિ કળાઓ ઘણી પ્રભાવક રીતે સ-રસતા ને સ-ચોટતાથી આપી શકે છે. માનવચેતના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર દ્વારા; Id, Ego અને Super Ego દ્વારા કલાસર્જનમાં-સાહિત્યસર્જનમાં સંવેદનાનાં જે અનેકાનેક વર્તુળ-વલયો જન્માવે છે તેમાં જાત અને જગતના જ્ઞાત-અજ્ઞાત સ્થૂળ-સૂક્ષ્મ અસંખ્ય સંચાર-સંબંધોનો, વ્યાપાર-વ્યવહારોનો નિર્ણાયક ફાળો હોય છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં જેવો કવિ તેવું કાવ્ય એમ સાભિપ્રાય જ કહેવાયું છે. કવિને ઓળખતાં એની કાવ્યસૃષ્ટિને અને કાવ્યસૃષ્ટિને ઓળખતાં એના કવિને પ્રીછવા-પામવાની કેટલીક મહત્વની ચાવીઓ મળી રહે છે. કવિ અને કાવ્યના જનકજન્ય સંબંધને ઊંડાણથી સમજવો અનિવાર્ય છે. આ સંદર્ભમાં મનોવૈજ્ઞાનિક, મનોવિશ્લેષણાત્મક અભિગમ સાહિત્યમાં ઘણો ઉપયોગી ને તેથી આવકાર્ય બની રહે છે. વૈખરીના વિસ્તારનો ખરેખરો તાગ મેળવવા પરાવાણી સુધી પહોંચવું અ-નિવાર્ય બની રહે છે. શબ્દને તેના સમસ્ત ભાવસંદર્ભમાં ગ્રહતાં જ સ્વથી સર્વ સુધીનો-વ્યક્તિથી વિશ્વ સુધીનો-ગતિ-વ્યાપ પ્રસ્તુત બની રહે છે.

સંસ્કૃતિવિકાસની સાતત્યપૂર્ણ યાત્રામાં માનવ-ચેતનાએ ભાષા-કલા આદિના, જ્ઞાન-વિજ્ઞાન આદિના સમાશ્રયે પોતાની અંદરની તેમ પોતાની બહારની દુનિયામાં તલાવગહન કરતાં પ્રાકૃતિક તેમજ માનવ-વિજ્ઞાનોના સંશોધન-અધ્યયનની ઘણી મૂલ્યવાન સામગ્રી સંપાદિત કરી છે. એક બાજુ તત્વજ્ઞાન તો બીજી બાજુ મનોવિજ્ઞાનની સરહદો સુધી વ્યાપતી કલાસર્જન અને કલાચિંતનની વૈવિધ્યસભર સૃષ્ટિ રચી આપી છે. ફ્રૉઇડ, યુંગ જેવા સમર્થ મનોવિજ્ઞાનીઓનાં સંશોધન-અધ્યયનોએ જાત અને જગતને, સાહિત્યકલા તેમજ સંસ્કૃતિને નવા સંદર્ભમાં જોવા-મૂલવવાનાં પ્રેરણા-પ્રોત્સાહન-દિશાસૂચન પૂરાં પાડ્યાં છે. તેથી સાહિત્ય, ચિત્ર આદિ માનવકળાઓમાં ઉપાદાનસામગ્રીની પસંદગી, તેનું સમાયોજન, તેનું પ્રમાણ અને પરિમાણ, તેનું સ્વરૂપ અને સામર્થ્ય આ સર્વમાં કેટલાક મૂળભૂત કહેવાય એવા નૂતન સંચારો પ્રગટ થયા છે. એ સંચારોમાં સત્ય ને સ્વપ્ન, વાસ્તવ ને કલ્પના, તર્ક અને તર્કાભાસ, અર્થ અને અર્થાતીતતા આવાં આવાં દ્વંદ્વો વચ્ચેની ભેદરેખાઓ પરસ્પરમાં ભળતી કે ભૂંસાતી પણ પ્રતીત થાય! પ્રજ્ઞા જેમ તીવ્ર, સંવેદનશીલતા જેમ ઉત્કટ, સૂક્ષ્મદર્શિતા તેમજ પારદર્શિતા જેમ વિશેષ તેમ ઉપર્યુક્ત પ્રતીતિમાં વધુ જટિલતાનો-સંકુલતાનો અનુભવ પણ થાય. પ્રશ્નાર્થ ને વિસ્મયાર્થની એમાં સેળભેળ થયેલી પણ વરતાય. આવી ભૂમિકા આધુનિક સાહિત્યના સંદર્ભમાં વિશેષભાવે દેખાય એ સમજાય એવું છે. એ રીતે સાહિત્યના સર્જન-ભાવનમાં-વાસ્તવદર્શન, સત્યદર્શન, ભાવદર્શન અને કલાદર્શનમાં અનેકાનેક નૂતન ર્દષ્ટિબિન્દુઓનું પ્રભાવ-પ્રવર્તન જોવા મળે છે.

આજનો સર્જક કથા-વાર્તામાં સ્થૂળ ઘટનાઓ કરતાં માનવમનની ભાવ-શૃંખલાને ગ્રહીને આગળ વધવાનું પસંદ કરે છે. એમ કરતાં જે ક્ષોભવિક્ષોભો, ભાવ-પ્રતિભાવોના તરંગો પેદા થાય તેના ચિત્રણ-નિરૂપણમાં તે સવિશેષ રસ લેતો દેખાય છે. તે જ્ઞાત મન કરતાંયે અર્ધસંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત મનના સંચારોનો પોતાની કળામાં લાભ લેવા ઉત્કટ રસ દાખવે છે. તેને માનવના, માનવજીવનના અંતરતમ સત્ય સુધી પહોંચી તેને કળાના માધ્યમમાં સાકાર કરવાનું સવિશેષ ગમે છે અને તેમાં જ તે તેનું વ્યક્તિગત પ્રદાન ખરા અર્થમાં પ્રગટ કરતો રહેતો હોય છે. સમર્થ કલાસર્જકો કે સાહિત્યકારોમાં આ વલણ-અભિગમ સહજભાવે જ પ્રગટ થતાં રહે છે; પછી તે શેક્સપિયર કે ઇબ્સન હોય; તોલ્સ્તોય કે દૉસ્તોયેવ્સ્કી હોય; જેમ્સ જૉયસ કે કાફકા હોય; આલ્બેર કામુ કે સેમ્યુઅલ બેકેટ હોય કે ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો ગોવર્ધનરામ કે પન્નાલાલ, મણિલાલ નભુભાઈ કે ‘કાન્ત’ હોય અથવા ‘દ્વિરેફ’ કે ઉમાશંકર હોય.

સાહિત્યકળામાં માનવમનનાં સંચલનોનો સંશ્લેષણાત્મક રીતે લાભ લેવાનું કોઈ સાચો કે ખબરદાર સર્જક ચૂકે નહિ. એ રીતે ગુજરાતી નવલકથામાં મનોવૈજ્ઞાનિક કે મનોવિશ્લેષણાત્મક ભૂમિકાનો લાભ લેનારા વીસમી સદીના કેટલાક સર્જકોમાં નવલકથાક્ષેત્રે પન્નાલાલ ઉપરાંત જયંતિ દલાલ, ધીરુબહેન પટેલ, રાવજી પટેલ, મુકુંદ પરીખ, રાધેશ્યામ શર્મા, રઘુવીર ચૌધરી, ભગવતીકુમાર શર્મા, જોસેફ મેકવાન, અશોકપુરી ગોસ્વામી વગેરેનો; વાર્તાક્ષેત્રે ‘દ્વિરેફ’ ને ઉમાશંકર ઉપરાંત સુન્દરમ્, સુરેશ જોષી, જયન્ત ખત્રી, મધુ રાય, ઈવા ડેવ, કિશોર જાદવ, પ્રબોધ પરીખ, સુધીર દલાલ, સુવર્ણા વગેરેનો તો નાટ્ય-એકાંકીક્ષેત્રે બટુભાઈ ઉમરવાડિયાથી માંડીને ઉમાશંકર જોશી, જયંતિ દલાલ, શ્રીકાન્ત શાહ વગેરેનો ઉલ્લેખ કરવો જોઈએ. ચેતનાપ્રવાહની કથા-વાર્તાઓમાં અનેક આધુનિક વાર્તાકારોનું પ્રદાન ઉલ્લેખનીય છે. એ રીતે અનેક કવિઓનું મનોવૈજ્ઞાનિક ભૂમિકા પરનું ભાવનિરૂપણ છાંદસ-અછાંદસ કવિતામાં પણ ધ્યાનપાત્ર બનતું રહ્યું છે. પ્રકૃતિ-સંસ્કૃતિ સાથે વિકૃતિનાં ને જાતીયતાનાંયે જટિલ ભાવસંબંધરૂપોનું આછાઘેરા રંગોમાં નિરૂપણ કવિતામાં થતું રહ્યું છે. તેમાં આક્રોશ, વિદ્રોહ, મૂલ્યહ્રાસની વેદનાના-વિડંબના આદિ જાતભાતનાં ભાવતત્ત્વોનો ઉઘાડ-ઉછાળ જોઈ શકાય એમ છે. માનવમનના પરિસ્પંદોની ઝીણી ર્દષ્ટિની નિખાલસ રજૂઆત એ તો આધુનિક કવિતાની એક વિલક્ષણતા પણ લાગે છે. એનાં દર્શન ‘કાન્ત’, સુન્દરમ્, ઉમાશંકરથી માંડીને સુરેશ જોષી, ગુલામ મોહમ્મદ શેખ, હસમુખ પાઠક, નલિન રાવળ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર વગેરેમાં કરી શકાય. આજનો સર્જક બહિર્મુખતાની અપેક્ષાએ અંતર્મુખતા પ્રતિ સવિશેષ ઝોક દાખવતો જણાય. જ્ઞાનવિજ્ઞાનના વિકાસે, બૌદ્ધિકતાના પ્રભાવે માનવના આંતરબાહ્ય વ્યવહારમાં માનસિકતાનો જે મહિમાપ્રભાવ વધ્યો છે તેથી સાહિત્યનું ક્ષેત્ર પણ અલિપ્ત નથી. સર્જક પોતાનામાં વધુ ને વધુ ઊંડે ઊતરતાં અનેક અર્ધસંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત મનોવલણોને પોતાની કલામાં મૂર્ત કરવા મથે છે. આ મથામણમાં અ-નિવાર્યતયા મનોવિશ્લેષણ તેમ મન:સંશ્લેષણ ગૃહીત કે અનુસ્યૂત હોય જ. એથી સાંપ્રત સાહિત્યમાં કવિ-કલાકારનો શબ્દ બાહ્ય કરતાંયે એના આંતરવિશ્વનો વિશેષભાવે દ્યોતક–સંકેતક હોવાનું પ્રતીત થાય છે અને એ સંદર્ભમાં કવિકલાકારની આંતરખોજ એની સત્યખોજના પર્યાયરૂપ જણાય છે.

સાંપ્રત સાહિત્યમાં નિરૂપિત મનુષ્ય અર્થપુરુષ, રાજપુરુષ, સમાજપુરુષ કે વ્યવહારપુરુષ કરતાંયે સંવેદનશીલ ઊર્મિલ પુરુષ, પ્રાણી (neurotic animal) તરીકે વધારે ઊપસતો જણાય. આ પુરુષ આધિ, વ્યાધિ ને ઉપાધિના પોટલા જેવો લાગે. તેને જોવા-જાણવા-નાણવાનાં ઉપક્રમો, અભિગમો અને ધોરણોમાં યથાસમય, યથાસંદર્ભ બદલાવ-પલટા આવતા રહે એ સ્વાભાવિક છે.

ફ્રૉઇડ જેવા મનોવિજ્ઞાનીઓની વિચારધારાના અનુસંધાનમાં મનુષ્યને તેનાં વિચાર-વાણી-વર્તનને જોવાનો પરિપ્રેક્ષ્ય જ બદલાઈ ગયો. મનુષ્યની વાણી કેવળ વ્યાકરણી ઘટના ન રહેતાં સંપ્રજ્ઞાતથી અસંપ્રજ્ઞાત સુધીની સંવેદનયાત્રાની એક સાંકેતિક અભિવ્યક્તિ બની રહી. તેનાં મૂલ-કુલને પામવાની મથામણ અત્યંત રસપ્રદ બની રહી. દેખીતા વિરોધ તળેની સંવાદિતા તો દેખીતી સંવાદિતા તળેના વિરોધનો ભાવસંદર્ભ સમજવો અનિવાર્ય બન્યો. તુચ્છ તુચ્છ ન હોય ને ભવ્ય ભવ્ય ન હોય એવી ભાવભૂમિકાનો ખ્યાલ પણ જરૂરી બન્યો. અંત:કરણની વૃત્તિઓના પ્રમાણ બાબતેય સવિશેષ વિચારવું આવશ્યક બન્યું. મનુષ્યનું અહંતત્વ જીવન અને કલામાં કેવા ગતિ-વળાંકો દાખવે છે એની ઊંડી સમજ વિના સર્જન-ભાવનની પ્રમાણભૂતતા કે તેના પોતને પરખી જ ન શકાય એ પ્રતીત થયું. એક તબક્કે ડેકાર્ટે (Descartes) ‘I think, there-fore I am’ કહેલું, પણ પછી લાકાં(Lacan)ને અનુસરીને ‘I am not where I think, and I think where I am not’ એવું કહેવાનુંયે પ્રાપ્ત થાય એવી માનવમનની એક ભૂમિકા હોવાનુંયે સ્વીકારવું જરૂરી બન્યું.

સામાન્ય રીતે સર્જક તો માનવમનમાં અવગાહન કરીને એના ગતિસંચારોને પામી-પકડી યથાતથ રીતે કલાના ઉપાદાનથી પ્રત્યક્ષ કરીને પોતાનો કલાધર્મ પૂરો થયાનું માને, પણ પછી એ પ્રત્યક્ષીકૃત કલારૂપના ઊંડાણમાં ઊતરી માનવમનના સંચારોનો કાર્યકારણસંબંધે તાળો મેળવવાનું કામ ઘણું મહત્વનું અને ઘણું કઠિન છે. એ કાર્ય કરવા માટે જે તે સાહિત્યકૃતિના ભાવક-વિવેચક પાસે અમુક સજ્જતા, અધિકાર અને ર્દષ્ટિની અપેક્ષા રહે છે. સામાન્યત: સાહિત્યકૃતિને પામવાના વિવેચનના જે વિવિધ અભિગમો છે તેમાં મનોવૈજ્ઞાનિક અભિગમ ઘણો મહત્વનો છે અને તે વિવેચનના અન્ય અભિગમોના સંદર્ભમાંયે ઠીક ઠીક ઉપકારક પણ છે. સાહિત્યના મનોવૈજ્ઞાનિક વિવેચનમાં ચાર તબક્કાઓનો વિચાર કરવાનો રહે છે : (1) સાહિત્યકૃતિના સર્જકને અનુલક્ષતો તબક્કો; (2) સાહિત્યકૃતિના વિષયવસ્તુને અનુલક્ષતો તબક્કો; (3) સાહિત્યકૃતિના સ્વરૂપાકારનો- કદકલેવરનો તબક્કો; (4) સાહિત્યકૃતિના ભાવકને અનુલક્ષતો તબક્કો. જે તે સાહિત્યકૃતિના સર્જનમાં નિમિત્તભૂત સર્જકમાનસને ઉત્પ્રેરિત ને સક્રિય કરતાં પરિબળોનો તેમ સર્જનપ્રક્રિયામાં સર્જક-માનસ જે અભિગમગતિ દાખવતું હોય તેનો ખ્યાલ સર્જનની નાડ પકડવા અ-નિવાર્ય બને છે. એ રીતે સર્જકમાનસ પર પ્રભાવ પાડનારી વ્યક્તિઓ સમાજ, દેશકાળ, ઇતિહાસ-પરંપરાઓનો સંસ્કાર-સંસ્કૃતિની વિવિધ પ્રણાલીઓનો અને એ રીતે ભાષાકર્મ ને ભાવનકર્મને પ્રભાવિત કરનારાં પરિબળોનો યથાતથ અંદાજ હોય એ જે તે સાહિત્યકૃતિના આસ્વાદ-અવબોધ માટેની અનિવાર્ય શરત બની રહે છે. જ્યાં સુધી સાહિત્યકૃતિમાંનું પ્રચ્છન્ન સત્વ (latent content) પકડાય નહિ ત્યાં સુધી તેનો સાક્ષાત્કાર જ થતો નથી. કાવ્યનો અર્થ કાવ્ય પોતે હોવાનું તો સમજવું જોઈએ, પણ કાવ્યનો અર્થ અન્ય કાવ્ય એ પણ સમજવું જોઈએ !

મનુષ્યચિત્તના બંધારણને સમજવા-સમજાવવાના પ્રયત્નોમાં સિગ્મંડ ફ્રૉઇડે સન 1920માં ‘ઇન્ટ્રોડક્શન ટુ સાયકોએનાલિસિસ’, 1933માં ‘ન્યૂ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર્સ ઑન સાયકોએનાલિસિસ’ અને 1939માં ‘ઍન આઉટલાઇન ઑવ્ સાયકોએનાલિસિસ’ નામક ત્રણ ગ્રંથો આપ્યા. એ ગ્રંથોમાં મનોવિશ્લેષણાત્મક પદ્ધતિનો પાયો નંખાયો. જે લોકો મનોરોગનો ભોગ બને છે તેનાં કારણો અનેક હોય છે. એવા લોકો એમની જિંદગીમાં એમની ઇચ્છાઓ તથા લિપ્સાઓની પૂર્તિ કરી શક્યા ન હોય, સામાજિક ઔચિત્ય અને નીતિમત્તાની ર્દષ્ટિએ એ પૂર્તિમાં બાધા ઊભી થઈ હોય, તેથી એવી ઇચ્છા-લિપ્સાઓનું વ્યક્તિ દ્વારા દમન થયું હોય. તે ચિત્તમાં કોઈક સ્તરે અતૃપ્ત હાલતમાં પડી રહે છે. એમનો નિ:શેષ નિકાલ થતો નથી. તેથી ક્વચિત્ વ્યક્તિનાં વાણીવર્તનમાં એ વિરોધ-વૈચિત્ર્યનું રૂપ લે છે અને સ્વપ્નોમાં તરંગ અને કલ્પનાનું રૂપ લે છે. બચપણથી જ વ્યક્તિચિત્તમાં સંચિત થતી જતી આ બધી બાબતો કોઈક રૂપે પ્રાક્ટ્ય માગતી હોય છે. જેમ આ બાબત કોઈ ન્યૂરૉટિક વ્યક્તિની બાબતમાં સાચી છે તેમ સાહિત્યસર્જન કરતા લેખકોની બાબતમાં પણ છે. સાહિત્યસર્જક પણ એના અસંપ્રજ્ઞાત-પૂર્વસંજ્ઞાત ચિત્તમાં પડેલી આવી બાબતોનું જ નિરૂપણ કરી મનવાંચ્છિત સંતોષ પ્રાપ્ત કરતો હોય છે, પોતાની અતૃપ્ત અને દમિત ઇચ્છાઓ – લિપ્સાઓનું મૂળ રૂપમાં યથાતથ નિરૂપણ એ કરતો ન હોય; કેમ કે, પોતાના હેતુઓ અને આશયો એ છુપાવવા/ઢાંકવા ઇચ્છતો હોય છે. તેથી એવા અંશોનું કોઈ એક કલ્પનપ્રતીક કે પુરાકલ્પનમાં ઘનીકરણ (condensation), મૂળ ભાવોનું વિરૂપીકરણ (distortion) દ્વારા થતું સ્થાનાંતરણ (displacement) અને મૂળ ભાવોના જ સૂચક, વાચક કે પ્રતિનિધિરૂપ ખ્યાલો-પદાર્થો દ્વારા અસંપ્રજ્ઞાતનું પ્રતીકીકરણ (symbolization) સાહિત્યકૃતિમાં થતું હોય છે. સાહિત્યકૃતિને આ ર્દષ્ટિથી નિહાળી એનું અર્થઘટન કરવાનો પ્રયત્ન થાય તો એ ઘણો ઉપયોગી નીવડે.

ફ્રૉઇડના આ કળાવિચારને અનુલક્ષીને પશ્ચિમમાં કેટલીક સાહિત્યકૃતિઓનાં અર્થઘટનો અને અધ્યયનો રજૂ થયાં; એમાં એમની વિચારણા અને વિભાવનાઓનો કાર્યક્ષમ વિનિયોગ થયો છે. ખુદ ફ્રૉઇડે આ મનોવિશ્લેષી પદ્ધતિનો વિનિયોગ કેટલીક કૃતિઓનાં ચરિત્રોના અધ્યયનમાં કરીને નમૂનાઓ પૂરા પાડ્યા હતા. શેક્સપિયરની ‘હૅમ્લેટ’, ‘મેકબેથ’ અને ‘કિંગ લિયર’ જેવી ચરિત્રપ્રધાન શોકાન્તિકાઓ, ફ્યોદોર દૉસ્તોયેવ્સ્કીની ‘ધ બ્રધર્સ કેરામાઝોવ’ અને વિલ્હેમ જેન્સનની ‘ગેડિવા’નાં અધ્યયનો આ અભિગમથી એમણે આપ્યાં છે.

સન 1930 પછી તો અનેક અભ્યાસીઓએ ફ્રૉઇડના પ્રશિષ્ટ સિદ્ધાંતોને લઈને લેખકોનાં જીવનચરિત્રો અને એમની કૃતિઓની વસ્તુસામગ્રીનાં અધ્યયનો રજૂ કર્યાં. એમાં એક ઉત્તમ નમૂનો અર્ન્સ્ટ જૉન્સનું સન 1949માં પ્રગટ થયેલું ‘હૅમ્લેટ ઍન્ડ ઇડિપસ’ નામક અધ્યયન છે.

ફ્રૉઇડના શિષ્ય કાર્લ યુંગે વ્યક્તિગત અસંપ્રજ્ઞાતના ખ્યાલથી દૂર જઈ ‘સામૂહિક અસંપ્રજ્ઞાત’નો ખ્યાલ વિકસાવ્યો. કોઈ પણ સંસ્કૃતિ અને વ્યક્તિમાં પ્રાક્કાલીન કલ્પનો અને અનુભવની તરાહોને આધારે સંચિત થતી જાતિગત સ્મૃતિને ‘આદ્યરૂપો’ (archetype) તરીકે એમણે ઓળખાવી. પ્રજામાંથી આવતો કોઈ મહાન સર્જક પ્રજાસ્મૃતિમાં દટાઈને પડેલાં આવાં આદ્યરૂપી બિંબો સંપ્રાપ્ત કરી વ્યક્તિ અને માનવજાતિ માટે ઉજાગર કરી આપે છે. એલિઝાબેથ રાઇટ અને મોદ બોદકિનનાં અધ્યયનો આ ખ્યાલ લઈને ચાલ્યાં છે.

ફ્રૉઇડની ઇડ અને ઈગો સાયકોલૉજીના ખ્યાલોથી પ્રેરાઈને જે અધ્યયનો રજૂ થયાં તેમાં કોઈ લેખકની એક કે એકાધિક કૃતિઓની વસ્તુસામગ્રીને આધારે એના અસંપ્રજ્ઞાતને સમજવાના અથવા કૃતિમાં આવતાં ગૌણમુખ્ય ચરિત્રોની ઉક્તિ-ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ, સ્વપ્નો વગેરે સામગ્રીને આધાર તરીકે લઈને એ ચરિત્રોના અને એ દ્વારા એમના લેખકોના ચિત્તનાં રહસ્યો ઉકેલવાના પ્રયત્નો થયા. આવાં અધ્યયનોમાં મુખ્ય છે, મેરી બોનાપાર્ટ અને જૉન ક્રિસનાં અધ્યયનો. વિલિયમ સૅમ્પ્સને સાહિત્યકૃતિમાં અર્થસંદિગ્ધતા (ambiguity) વિશે રજૂ કરેલી વિચારણા પાછળ લેખકના ઈગો-સુપર ઈગોની પ્રભાવકતાથી જન્મતી કૃતિગત અર્થબહુલતાનો ખ્યાલ પડેલો છે.

સંરચનાવાદી અને ઉત્તરસંરચનાવાદી વિચારકોએ મનોવિશ્લેષી પદ્ધતિનો વિનિયોગ જુદા મુદ્દા પર આધારિત રહીને કર્યો છે. જેમ્સ લકાંએ ફ્રૉઇડની મનોવિશ્લેષણની મૂળ અવધારણાઓનું ‘સેમિયૉટિક વર્ઝન’ રજૂ કર્યું છે. એમના મત મુજબ અસંપ્રજ્ઞાત ચિત્તનું બંધારણ અને ભાષાનું બંધારણ લગભગ સરખું છે. સોસ્યૂરની ભાષાવૈજ્ઞાનિક વિચારણાને ફ્રૉઇડના ખ્યાલો સાથે જોડીને સાહિત્યકૃતિની ભાષા,  એના વડે બંધાતું તંત્ર અને નીપજતો અર્થ એના વિશે નવો પ્રકાશ પાડ્યો. સાહિત્યના કૃતિપાઠ(text)ને જેમાંથી કોઈ સંકેતિતને ધ્વનિત કરી ન શકાય એવા મુક્ત તરણસમા સંકેતકો (free floating signifiers) તરીકે ઓળખાવી અધ્યયન રજૂ કર્યું છે. એમના અનુગામીઓએ એ વિચારણાને આધારે કૃતિભાષાની અલંકાર-ઘટનામાં કામ કરતાં અંશો-પ્રક્રિયાઓનો દ્યોતક પરિચય કરાવ્યો છે.

જો સંરચનાવાદીઓ મનોઘટનાને ખુદને એક કૃતિપાઠ સમજીને અર્થઘટન કરે છે તો દેરિદા જેવા અનુસંરચનાવાદીઓ કૃતિપાઠ ખુદને મનોઘટના સમજીને અર્થઘટનો આપે છે. એટલે કે વિચારથી વસ્તુ અને વસ્તુથી વિચાર – એમ બેઉ રીતે અભ્યાસીઓએ આ અભિગમથી કામ કરી દેખાડ્યું છે. મિશેલ ફૂકો જેવા વિચારકે વ્યાપક રૂપની સમાજસંસ્કૃતિની મીમાંસા કરતાં સામાજિક-સાંસ્કૃતિક ક્રિયાકલાપોમાં અસંપ્રજ્ઞાત ચિત્ત પ્રચ્છન્ન રૂપમાં કેવું કાર્યશીલ બને છે એના પર પ્રકાશ પાડ્યો છે.

સાહિત્યવિવેચનનો પ્રત્યેક અભિગમ અભ્યાસનિયત કૃતિપાઠ વિશે એક આગવો ર્દષ્ટિકોણ લઈને ચાલે છે. તેમ આ અભિગમ ધરાવતો અભ્યાસી કૃતિપાઠને એક વિશિષ્ટ ર્દષ્ટિથી જુએ-તપાસે છે. મનોવિશ્લેષી ચિકિત્સક જેમ મનોરોગીની સમસ્યાને સમજવા માટે એનાં વાણી-વર્તન, તરંગો-સ્વપ્નો, ક્રિયા-પ્રતિક્રિયાઓનો અભ્યાસ કરી એ વ્યક્તિના ભાવોદ્રેકના મૂળ સુધી પહોંચે છે, તેમ આ અભિગમ લઈને ચાલતો અભ્યાસી કૃતિના અર્થઘટનમાં કૃતિપાઠ, એમાંનાં ચરિત્રો, એમાં યોજાયેલાં કલ્પનો-પુરાકલ્પનો અને પ્રતીકો, એની ભાષાભાત, એનું વાચન, એનો સર્જક, એનો ભાવક વગેરે વિશે આ પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતોના પ્રકાશમાં કરે છે.

સાહિત્યકૃતિની અર્થસંપદાને ઉકેલવા અન્ય વિવેચનાત્મક અભિગમોની માફક મનોવિશ્લેષી અભિગમ પણ એક ઉપયોગી પરિપ્રેક્ષ્ય પૂરો પાડે છે. ગુજરાતી વિવેચનામાં એ દિશામાં કેટલાક છૂટક-ત્રુટક પ્રયત્નો જરૂર થયા છે; પરંતુ એનાં સઘન અને ફલપ્રદ પરિણામો દર્શાવે એવાં સમર્થ ર્દષ્ટાંતોની અપેક્ષા બાકી રહે છે.

નરેશ વેદ

ચન્દ્રકાન્ત શેઠ