મનોભૌતિક પદ્ધતિઓ (psychophysical methods) : આપણે ચોતરફ પર્યાવરણના અનેક ઊર્જાયુક્ત ઉદ્દીપકોથી ઘેરાયેલા હોઈએ છીએ. બાહ્ય ઉદ્દીપકો કે ઉદ્દીપક પરિસ્થિતિઓ આપણી જ્ઞાનેન્દ્રિયો સાથે સંપર્કમાં આવતાં આ સંવેદનગ્રાહક અવયવો ઉત્તેજિત થાય છે. આ ઉત્તેજના સાંવેદનિક અનુભવોમાં પરિણમે છે. સંવેદન થતાં પ્રાણી ઉદ્દીપક પરત્વે પ્રતિક્રિયા કરે તેને ‘વર્તન’ કહેવાય.

ઉદ્દીપકનું સ્વરૂપ ભૌતિક હોય છે, જ્યારે તેમાંથી નીપજતાં સંવેદનોનું સ્વરૂપ માનસિક હોય છે. સંવેદન થાય ત્યારે ભૌતિક ઉદ્દીપકનું માનસિક અનુભવમાં રૂપાંતર થાય છે. ભૌતિક ઉદ્દીપક અને તેના સંવેદન વચ્ચે નિયમબદ્ધ પ્રમાણાત્મક સંબંધની તપાસ કરવી તે મનોભૌતિકશાસ્ત્રનું ક્ષેત્ર છે. ભૌતિક ઉદ્દીપક અને સાંવેદનિક અનુભવ વચ્ચેના આવા આંતરક્રિયાત્મક સંબંધ અંગેનું ચોક્કસ પ્રમાણાત્મક અને વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવા માટે યોજવામાં આવતી માપન-પદ્ધતિઓને મનોભૌતિક પદ્ધતિઓ કહેવાય છે.

મનોભૌતિકશાસ્ત્રની શરૂઆત ઈ. સ. 1860માં ગુસ્ટાવ થિયોડોર ફૅક્નરે કરી હતી. પ્રાયોગિક મનોવિજ્ઞાનનાં મંડાણ પણ આ સાથે જ થયાં તેમ કહી શકાય. ફૅક્નર મૂળે તો ભૌતિકશાસ્ત્રી હતા પણ પાછલાં વર્ષોમાં ભૌતિક અને આધ્યાત્મિક જગત વચ્ચેના સંબંધમાં રસ ધરાવતા થયા અને તેમાંથી જ તેમને ભૌતિક ઉદ્દીપક અને સંવેદન વચ્ચેના પ્રમાણાત્મક સંબંધોનું માપન કરવાનો ખ્યાલ આવ્યો, જેમાંથી મનોભૌતિકશાસ્ત્રની શરૂઆત થઈ. આ જ સમયગાળા દરમિયાન અર્નેસ્ટ હેનરિક વેબર નામના એક અન્ય ભૌતિકશાસ્ત્રીએ પણ ઉદ્દીપક અને સંવેદન વચ્ચેના સંબંધની બાબતમાં ‘વેબરનો નિયમ’ રજૂ કર્યો હતો.

મનોભૌતિક પદ્ધતિઓ ત્રણ બાબતો વિશે અભ્યાસ કરે છે :

(1) કોઈ પણ ઉદ્દીપક મૂલ્યનું ઓછામાં ઓછું કેટલું પ્રમાણ હોય તો તે સંવેદનગમ્ય બને ?

(2) કોઈ પણ બે ઉદ્દીપક મૂલ્યોમાં પ્રમાણની ર્દષ્ટિએ ઓછામાં ઓછો કેટલો તફાવત હોય તો તે ભિન્ન પ્રતીત
થાય ?

(3) કઈ પરિસ્થિતિમાં વ્યક્તિ બે ભિન્ન ઉદ્દીપક મૂલ્યોને સમાન માનવાની નિર્ણય-ભૂલ કરે છે ?

મનોભૌતિકશાસ્ત્રની મૂળભૂત વિભાવનાઓ

1. સંવેદનશીલતા (sensitivity) : વ્યક્તિની ઉદ્દીપકથી પ્રભાવિત થવાની ક્રિયાથી માંડીને પ્રતિક્રિયા કરવા સુધીની શૃંખલામાં સંવેદન-ગ્રાહક અવયવોની સંવેદનશીલતા મહત્ત્વની કડી પૂરી પાડે છે. ચોક્કસ ઉદ્દીપકોથી ઉત્તેજિત થવાની તેમજ તે ઉદ્દીપકોનાં વિભિન્ન પ્રમાણ વચ્ચેના તફાવતનો ભેદ પાડવાની સંવેદન-ગ્રાહક-અવયવોની શક્તિને ‘સંવેદનશીલતા’ કહે છે.

સંવેદનશીલતા બે પ્રકારની હોય છે : નિરપેક્ષ સંવેદનશીલતા અને ભેદક સંવેદનશીલતા. નિરપેક્ષ સંવેદનશીલતા કોઈ પણ ઉદ્દીપકના લઘુતમ કે ગુરુતમ પ્રમાણથી ગ્રાહક-અવયવની ઉત્તેજિત થવાની ચરમસીમા સૂચવે છે. જેમ કે, માનવીની આંખનો નેત્રપટ ઓછામાં ઓછી 360 મિલિમાઇક્રૉન અને વધુમાં વધુ 780 મિલિમાઇક્રૉન લંબાઈની તરંગલંબાઈ પ્રત્યે જ સંવેદનશીલ હોય છે.

ભેદક સંવેદનશીલતા બે ઉદ્દીપક મૂલ્યો વચ્ચેનો સૂક્ષ્મતમ તફાવત પારખવાની શક્તિ સૂચવે છે. જો બંને વચ્ચે અતિઅલ્પ તફાવત હોય તો વિશ્વસનીય ભેદન કરી શકાતું નથી.

2. ઉંબર (threshold) : ઉંબર એટલે સીમા કે હદ. કોઈ પણ ઉદ્દીપકનું ઓછામાં ઓછું કેટલું પ્રમાણ હોય તો સંવેદન થાય અથવા તો ઉદ્દીપકનાં બે મૂલ્યો વચ્ચે ઓછામાં ઓછો કેટલો તફાવત હોય તો તે પારખી શકાય તે પ્રશ્નના સંદર્ભમાં ઉંબરની વિભાવના રજૂ કરવામાં આવે છે.

ઉંબરના બે પ્રકાર છે : નિરપેક્ષ ઉંબર અને ભેદક ઉંબર. ગ્રાહક-અવયવને પ્રભાવિત કરી સંવેદન જન્માવે તેવા ઉદ્દીપકના નિમ્નતમ મૂલ્યને નિરપેક્ષ ઉંબર કહેવાય, જ્યારે બે ઉદ્દીપકો વચ્ચેના નિમ્નતમ તફાવત પારખવાના મૂલ્યને ભેદક ઉંબર કહેવાય છે. સંવેદન ઉત્પન્ન થવા માટે કે ભેદન કરવા માટે ઉદ્દીપકના નિમ્નતમ પ્રમાણનું કોઈ એક ચોક્કસ બિંદુ નથી. આથી બંને પ્રકારનો ઉંબર માપવા માટે ઉદ્દીપકની ઘણી બધી રજૂઆતો કરવામાં આવે છે. અને આ રજૂઆતોના કુલ પ્રયત્નોમાંથી 50 ટકા પ્રયત્નોમાં હાજરીનું સંવેદન ઉત્પન્ન કરે તે લઘુતમ મૂલ્યને નિરપેક્ષ ઉંબર અને જો તફાવતનું સંવેદન ઉત્પન્ન કરે તો તેને ભેદક ઉંબર કહેવાય. આ ર્દષ્ટિએ ઉંબરની વિભાવના આંકડાશાસ્ત્રીય વિભાવના છે.

3. ભૂલો (errors) : બાહ્ય વાતાવરણ તેમજ વ્યક્તિની સંવેદનશીલતા તે બંને પરિવર્તનશીલ હોવાથી આપણાં સંવેદનો હંમેશાં સ્થિર હોતાં નથી. સમાન તીવ્રતાનું એક જ ઉદ્દીપક જુદા જુદા સમયે સહેજ ભિન્ન અનુભવાય છે. વ્યક્તિના ઉદ્દીપક અંગેના નિર્ણયમાં જે વિચલનો જોવા મળે છે તેને મનોભૌતિકશાસ્ત્રની પરિભાષામાં ‘ભૂલ’ કહેવાય છે. ભૂલ શબ્દ નિર્ણયની અસત્યતાનો નહિ પરંતુ અસ્થિરતાનો નિર્દેશ કરે છે. વ્યક્તિનાં આ નિર્ણય-વિચલનોમાં પણ અમુક નિયમિતતા હોય છે. તેના સર્વ નિર્ણયો કોઈ એક કેન્દ્રીય મૂલ્યની આસપાસ ફરતા રહે છે. ઉદ્દીપક અંગેના નિર્ણયોમાં જોવા મળતા વ્યવસ્થિત વલણ કે ચોક્કસ ભાતને સ્થિર ભૂલ કહે છે. જો આવી ભૂલ ઉદ્દીપકની સ્થાનભિન્નતાને કારણે સર્જાય તો તેને સ્થાનભૂલ અને રજૂઆતના પહેલા કે પછીના ક્રમને કારણે સર્જાય તો તેને સમયભૂલ કહેવાય છે.

વેબરનો નિયમ : વેબરના નિયમનો સંબંધ ભેદક ઉંબર સાથે છે. ઉદ્દીપક મૂલ્યમાં સંવેદનગમ્ય થતા નિમ્નતમ વધારા કે ઘટાડાને ભેદક ઉંબર કહે છે. ભેદક ઉંબરનો અભ્યાસ કરતાં વેબરને જોવા મળ્યું કે, ઉદ્દીપક મૂલ્યમાં વધારા કે ઘટાડાનો અનુભવ કરવા માટે મૂળ ઉદ્દીપક મૂલ્યમાં ઓછામાં ઓછો અમુક પ્રમાણમાં વધારો કે ઘટાડો તો કરવો જ પડે. વધુમાં તેમને એ પણ જોવા મળ્યું કે સંવેદનગમ્ય થતો વધારો કે ઘટાડો મૂળ ઉદ્દીપક મૂલ્યની સાથે ચોક્કસ ગુણોત્તર સંબંધ ધરાવે છે. જેમ મૂળ ઉદ્દીપક મૂલ્ય વધતું જાય તેમ ભેદક ઉંબરનું મૂલ્ય પણ વધે છે અને આ પ્રમાણસંબંધ લગભગ સ્થિર હોય છે. આ બાબતને વેબરના અચલ (Weber’s constant) તરીકે ઓળખવામાં આવે છે. વેબરના નિયમનું કથન આ મુજબ છે : ‘‘બે ઉદ્દીપક વચ્ચેનો અલ્પતમ તફાવત પારખવા માટે મૂળ ઉદ્દીપક મૂલ્યમાં એક સ્થિરમૂલ્ય પ્રમાણમાં વધારો કરવો જોઈએ’’ વેબરનો નિયમ K = ΔI/I એ સૂત્ર દ્વારા વ્યક્ત થાય છે, જેમાં K તે વેબરનો અચલ, ΔI ઉદ્દીપક મૂલ્યમાં થતો વધારો અને I મૂળ ઉદ્દીપક મૂલ્ય દર્શાવે છે. આ નિયમ દ્વારા વેબર એમ કહેવા માગે છે કે વ્યક્તિની ભેદપરખ સંવેદનશીલતાનું પ્રમાણ મૂળ ઉદ્દીપકના પ્રમાણ સાથે એક સ્થિર સંબંધ ધરાવે છે અર્થાત્ જુદાં જુદાં વજનો વચ્ચેનો અલ્પતમ તફાવત પારખવાની બાબતમાં, ધારો કે 10 ગ્રામ વજનમાં ઓછામાં ઓછો 1 ગ્રામ વધારો કે ઘટાડો થાય તો જ ભેદન થાય તો પછી મૂળ વજન જો અનુક્રમે 100 ગ્રામ અને 200 ગ્રામ હોય તો ભેદ પારખવા માટે તેમાં ઓછામાં ઓછો અનુક્રમે 10 અને 20 ગ્રામ વધારો કરવો પડે. આમ મૂળ ઉદ્દીપક મૂલ્ય તે હોય પણ ભેદક ઉદ્દીપક મૂલ્ય તેના પ્રમાણને અનુરૂપ જ હોવું જોઈએ.

મનોભૌતિક પદ્ધતિઓ (psycho-physical methods) : ભૌતિક ઉદ્દીપકની શ્રેણી અને મનોવૈજ્ઞાનિક શ્રેણી વચ્ચેના પ્રમાણાત્મક સંબંધનું માપન કરવા ફૅક્નરે ત્રણ મૂળભૂત પદ્ધતિઓ રજૂ કરી હતી :

1. લઘુતમ ફેરફારોની પદ્ધતિ (method of minimal changes) : સીમાસંશોધન પદ્ધતિ (method of limits) તરીકે પણ ઓળખાતી આ પદ્ધતિ દ્વારા નિરપેક્ષ તેમજ ભેદક બંને ઉંબર માપી શકાય છે. નિરપેક્ષ ઉંબરનું માપન કરવા માટે વ્યક્તિની સમક્ષ અત્યંત મંદ અને સંવેદનગમ્ય ન જ બને તેવું ઉદ્દીપક રજૂ કરી, ક્રમશ: તેના મૂલ્યમાં નજીવો વધારો કરતા જવાય છે. ઓછામાં ઓછા કયા મૂલ્યે તેને સંવેદનની શરૂઆત થાય છે તે નોંધવામાં આવે છે. આવી અનેક રજૂઆતોની સરેરાશને આધારે નિરપેક્ષ ઉંબર શોધી કાઢવામાં આવે છે. ભેદક ઉંબરનું માપન કરવા માટે વ્યક્તિની સમક્ષ એક પ્રમાણિત મૂલ્યનું સ્થિર ઉદ્દીપક અને બીજું વધારો કે ઘટાડો કરી શકાય તેવું પરિવર્ત્ય ઉદ્દીપક રજૂ કરી, દરેક રજૂઆતમાં પરિવર્ત્ય ઉદ્દીપકમાં નજીવો વધારો કે ઘટાડો કરી, બંને ઉદ્દીપકો વચ્ચે ઓછામાં ઓછો કેટલો તફાવત હોય તો વ્યક્તિ તેને પારખી શકે છે તે નોંધવામાં આવે છે. આવી અનેક રજૂઆતોની સરેરાશને આધારે ભેદક ઉંબર શોધી કાઢવામાં આવે છે. ધ્વનિ, ગંધ, સ્વાદ, તાપમાન કે ત્વચાનાં સંવેદનો અંગે નિરપેક્ષ અને ભેદક ઉંબર શોધવા માટે લઘુતમ ફેરફારોની પદ્ધતિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.

2. સ્થિર ઉદ્દીપકોની પદ્ધતિ (method of constant stimuli) : આ પદ્ધતિમાં વ્યક્તિની સમક્ષ ઉદ્દીપકોની પૂર્વનિશ્ચિત મૂલ્યશ્રેણી યર્દચ્છ ક્રમમાં રજૂ કરી, દરેક રજૂઆત વખતે તેને સંવેદન થાય છે કે નહિ તે નોંધવામાં આવે છે. દરેક મૂલ્ય અનેક વાર (આશરે 100 વાર) રજૂ કરવામાં આવે છે અને તે મૂલ્ય કુલ રજૂઆતના કેટલા ટકા રજૂઆતમાં સંવેદનગમ્ય બન્યું તેની ગણતરી કરી, જે ઉદ્દીપક મૂલ્ય 50 % રજૂઆતમાં સંવેદનગમ્ય બન્યું હોય તેને નિરપેક્ષ ઉંબર તરીકે નક્કી કરવામાં આવે છે.

ભેદક ઉંબરનું માપન કરવા માટે બે ઉદ્દીપક મૂલ્ય લેવામાં આવે છે. એક પ્રમાણિત મૂલ્ય અને બીજાં પાંચ કે સાત પૂર્વનિશ્ચિત પરિવર્ત્ય મૂલ્યો. દરેક વખતે બંને મૂલ્યો રજૂ કરી, પરિવર્ત્ય મૂલ્ય, પ્રમાણિત મૂલ્ય કરતાં ‘વધારે’, ‘ઓછું’ કે ‘સમાન’ છે તે પૂછવામાં આવે છે. આવી અનેક તુલનાઓ યર્દચ્છિત ક્રમમાં રજૂ કરી, 50 %ના ધોરણ મુજબ પહેલાં નીચલો ઉંબર (ઓછું અને સમાન વચ્ચેનું બિંદુ) અને ઉપલો ઉંબર (સમાન અને વધારે વચ્ચેનું બિંદુ) શોધી કાઢી તે બંનેની સરેરાશને પ્રમાણિત ઉદ્દીપક મૂલ્યમાંથી બાદ કરી અંતિમ ભેદક ઉંબર નક્કી કરવામાં આવે છે.

3. સરેરાશ ભૂલની પદ્ધતિ (method of average error) : ગોઠવણીની પદ્ધતિ (method of adjustment) અથવા પુનરુત્પાદન પદ્ધતિ (method of reproduction) તરીકે ઓળખાતી આ પદ્ધતિનો ઉપયોગ વ્યક્તિલક્ષી સમાનતા-બિંદુ અને સ્થિરભૂલ શોધવા માટે થાય છે. આ પદ્ધતિમાં વ્યક્તિની સમક્ષ બે ઉદ્દીપકો રજૂ કરવામાં આવે છે. પ્રમાણિત ઉદ્દીપકનું મૂલ્ય સ્થિર હોય છે અને પરિવર્ત્ય ઉદ્દીપક કે તુલના ઉદ્દીપકના મૂલ્યમાં ફેરફાર કરી શકાય છે. દરેક વખતે વ્યક્તિ સમક્ષ આ બંને ઉદ્દીપકો એકસાથે રજૂ કરી, તેને પરિવર્ત્ય ઉદ્દીપકમાં જરૂરી ફેરફાર કરી, પ્રમાણિત ઉદ્દીપકને સમકક્ષ બનાવવાનું કહેવામાં આવે છે; જેમ કે અમુક કંપન-સંખ્યાનો પ્રમાણિત સ્વર રજૂ કરી, બીજા પરિવર્ત્ય સ્વરમાં વધારો કે ઘટાડો કરી, પ્રમાણિત સ્વરોને સમકક્ષ બનાવવાનું કહી શકાય. બંને ઉદ્દીપકોની વાસ્તવિક ભૌતિક સમાનતા અને વ્યક્તિને લગતી સમાનતા વચ્ચે તફાવત હોવાથી આ ગોઠવણમાં વ્યક્તિ જે ભૂલો કરે છે તેની સરેરાશને આધારે સરેરાશ ભૂલ અને તેણે કરેલી ગોઠવણોની સરેરાશને આધારે વ્યક્તિગત સમાનતા-મૂલ્ય શોધવામાં આવે છે.

યોગેન ભટ્ટ