મણકારુગ્ણતા (spondylosis) : ધીમે ધીમે શરૂ થઈને વધતો જતો કરોડસ્તંભના મણકાનો અપજનનશીલ (degenerative) વિકાર. સામાન્ય રીતે તે ડોકના વિસ્તારમાં કે કમર(કટિ)ના વિસ્તારમાં જોવા મળે છે. ડોકમાં થતી મણકારુગ્ણતાને ગ્રીવાલક્ષી મણકારુગ્ણતા (cervical spondylosis) કહે છે. જ્યારે કેડમાં થતા વિકારને કટિલક્ષી મણકારુગ્ણતા (lumbar spondylosis) કહે છે.

(1) ગ્રીવાલક્ષી મણકારુગ્ણતા : સામાન્ય રીતે તે 5૦ વર્ષની વયે થાય છે. બેઠાડુ જીવન હોય કે ડોકના વિસ્તારમાં વધુ પડતો તણાવ થાય તેવાં કામ કરનારામાં જેવા કે કમ્પ્યૂટર પર કામ કરતા, ડ્રાઇવર, કૅશિયર વગેરેને આ તકલીફની શરૂઆત વહેલી થાય છે. મોટાભાગના કિસ્સામાં ડોકના પાંચમા અને છઠ્ઠા મણકા (C5–C6)માં વિકાર ઉદભવે છે. મૂળ વિકાર બે મણકાની વચ્ચે આવેલી આંતરમણકા તકતી(intervertebral disc)માં શરૂ થાય છે. તેને કારણે બે મણકા વચ્ચેની જગ્યા ઘટે છે અને તેમની કિનારી પર હાડકાની નાની નાની કાંટા જેવી સંરચનાઓ થઈ આવે છે. તેમને અસ્થિકંટિકાઓ (osteophytes) અથવા કંટિકાઓ (spurs) કહે છે. તેને કારણે બે મણકાની વચ્ચેના પાછળના ભાગમાં આવેલા સાંધાઓ (પશ્ચસ્થ આંતરમણકા સંધિઓ, posterior intervertebral joints) અસરગ્રસ્ત થાય છે. તેથી ડોક અથવા બોચીમાં દુખાવો થાય છે. અસ્થિકંટિકાઓ કરોડસ્તંભમાંથી બહાર નીકળતાં ચેતામૂળ(nerve roots)ને અસર કરે છે અને તેથી હાથમાં દુખાવો પ્રસરે છે. અસ્થિકંટિકાઓ કરોડરજ્જુને ભાગ્યે જ દબાવે છે.

(અ) ગલપટ્ટો, (આ) સીધો પગ ઊંચો કરવાની કસોટી

દર્દીને બોચીમાં  દુખાવો અને અક્કડતા થાય છે. શરૂઆતમાં તે ક્યારેક ક્યારેક થાય છે; પરંતુ પાછળથી તે સતત રહે છે. જો ડોકના ઉપરના મણકા અસરગ્રસ્ત હોય તો માથાના પાછલા ભાગમાં દુખાવો થાય છે. ક્યારેક દુખાવો ખભા, બાહુ (ભુજા), અગ્રબાહુ (અગ્રભુજા) અને હસ્ત (hand) સુધી અંગૂઠા બાજુએ ફેલાય છે. C6 ચેતામૂળના વિસ્તાર(અંગૂઠા)માં ઝણઝણાટી અને ખાલી ચડવી જેવી પરાસંવેદના થાય છે. લંબમજ્જા તથા નાના મગજને લોહી પહોંચાડતી ધમનીઓ ડોકના મણકામાંથી પસાર થાય છે અને તેથી જો તે ડોકના હલનચલન વખતે વાંકી વળીને દબાઈ જાય (kink) તો દર્દીના નાના મગજને લોહી પહોંચતું અટકે છે અને દર્દીને ચક્કર આવે છે. ડોક-વિસ્તારની શારીરિક તપાસમાં કરોડસ્તંભનો આગળ તરફનો અંતર્ગોળ વળાંક (lordosis) જતો રહે છે અને ડોકનું હલનચલન મર્યાદિત થાય છે. ડોકના નીચલા મણકા પર દાબ આપતાં અને આસપાસના સ્નાયુઓને દબાવતાં તે દુખે છે. સ્નાયુઓના દુખાવાને સ્નાયુપીડ (myalgia) કહે છે. C6 ચેતામૂળના દબાણનાં ચિહ્નો ઉપલા અંગ(હાથ)માં જોવા મળે છે; પરંતુ સ્નાયુમાં આવતી અશક્તિ કે લકવા જેવી સ્થિતિ ભાગ્યે જ થઈ આવે છે.

ડોકના મણકાનો આગળ-પાછળનો અને બાજુ પરનો દેખાવ દર્શાવવા માટે અનુક્રમે અગ્રપશ્ચીય ર્દશ્ય (antero-posterior view) અને પાર્શ્વીય ર્દશ્ય(lateral view)નાં એક્સ-રે ચિત્રણો મેળવાય છે. તેમાં સામાન્ય રીતે બે મણકાની વચ્ચેનું અંતર ઘટેલું હોય છે (મુખ્યત્વે C5–C6) તથા મણકાની આગળ અને પાછલી ધાર પર કંટિકાઓ થયેલી હોય છે. બે મણકાની વચ્ચે આવેલા છિદ્રમાંથી ચેતામૂળ નીકળે છે. તેમને આંતરમણકા છિદ્ર (intervertebral foramen) કહે છે. જો ત્રાંસા અથવા તિર્યગ્ ર્દશ્ય (oblique view) માટેનાં ઍક્સ-રે ચિત્રણો લેવાયાં હોય તો ચેતામૂળ જે આંતરમણકા છિદ્રમાંથી નીકળે છે તે પણ સાંકડું થયેલું છે એવું દર્શાવી શકાય છે. ડોકના મણકાનાં ચેપ કે ગાંઠ તથા આંતરમણકા તકતીના રોગો નથી એવું સાબિત કરીને નિદાનભેદ કરાય છે. કયારેક ફેફસામાં થતી પાન્કોસ્ટની ગાંઠ (એક પ્રકારનું કૅન્સર), ડોકમાં જોવા મળતી વધારાની પાંસળી (ગ્રીવાપાંસળી, cervical rib), કરોડરજ્જુની ગાંઠ કે કાંડા પાસે ચેતાઓ પર દબાણ આવે એવો કોઈ વિકાર વગેરે થયાં નથી તેની પણ ખાતરી કરી લેવાય છે.

તકલીફ ઘણી વખત આપોઆપ શમે છે અને ફરી ફરીને થાય છે. સારવારનો હેતુ તકલીફ વધે ત્યારે મૃદુપેશી પર આવતો પીડાકારક સોજો (શોથ) ઘટે તે છે. જ્યારે તકલીફો શમી હોય ત્યારે તે ફરી ઊભરાઈ ન આવે તે જોવાય છે. તે માટે ડોકને સામાન્ય રીતે કઈ યોગ્ય સ્થિતિમાં રાખવી જોઈએ તે સમજાવાય છે. દિવસે ટટ્ટાર બેસવું અને રાત્રે પાતળા ઉશીકા પર માથાને ટેકવવું એ મુખ્ય સલાહ છે. ડોકના સ્નાયુઓની સજ્જતા વધે તથા શિથિલ રહી શકે તેવી કસરત કરવાનું સૂચવાય છે. તે માટે ધીમે ધીમે બંને ખભાની તરફ વારાફરતી જોવાનું સૂચવાય છે તથા ડોકને પાછળ તરફ હળવેથી લંબાવવાનું પણ કહેવાય છે. જ્યારે ઉગ્ર દુખાવાનો હુમલો થાય ત્યારે પીડાનાશક દવાઓ, સ્થાનિક શેક તથા જરૂર પડ્યે ડોકને આરામ આપવા ગલપટ્ટા(cervical collar)નો ઉપયોગ કરવાનું સૂચવાય છે. જરૂર પડ્યે ડોકને ઉપર તરફ ખેંચીને ગ્રીવાકર્ષણ(cervical traction)ની સારવાર અપાય છે. જો ચક્કર આવે તો તે રોકવા માટેની દવાઓ સૂચવાય છે.

(2) કટિલક્ષી મણકારુગ્ણતા : ગ્રીવાલક્ષી મણકારુગ્ણતાની માફક કેડના વિસ્તારના મણકામાં પણ અસ્થિકંટિકાઓ થાય છે તેથી કેડમાં પણ ધીમે ધીમે દુખાવો વધે છે અને અક્કડતા આવે છે. ઊઠવા, બેસવા તથા વજન ઊંચકવાની ખોટી પદ્ધતિઓ, મણકાની કુરચનાઓ કે આંતરમણકા તકતીના રોગને કારણે પણ આ વિકાર થઈ આવે છે. આ વિકારમાં થતી રોગપ્રક્રિયા(disease process)નો ક્રમ અને પ્રકાર ગ્રીવાલક્ષી મણકારુગ્ણતા જેવો જ છે. તેથી કટિપ્રદેશમાંથી નીકળતાં ચેતામૂળ દબાય છે. તેને કારણે દુખાવો અને પરાસંવેદનાઓ (ઝણઝણાટી થવી, ખાલી ચડવી) પગમાં ફેલાય છે. દર્દીને કમરના નીચલા ભાગમાં દુખાવો થાય છે, જે કામ કરતી વખતે વધે છે. પાછળથી સતત દુખાવો રહે છે. દર્દી બેઠો હોય તેમાં ઊભા થતાં જાણે કમરથી ‘પકડાઈ’ જાય છે, પરંતુ તે થોડું ચાલે એટલે રાહત મેળવે છે. સામાન્ય રીતે પાંચમા કટિ-મણકા (L5) અને પ્રથમ ત્રિકાસ્થિ(S1)ની વચ્ચે વધુ તીવ્ર વિકાર હોય છે. તેથી દુખાવો પગના નળાની પાછળ તથા પાદ(foot)માં ટચલી આંગળી તરફ ફેલાય છે. તેને રાંઝણ (sciatica) કહે છે. મણકાની બાજુના સ્નાયુઓનું સતત અને પીડાકારક સંકોચન (paraspinal spasm) થવાથી દર્દીની કમરનું હલનચલન મર્યાદિત બને છે. દર્દીનું કમરનું હલનચલન મર્યાદિત બને છે, પરંતુ સ્નાયુઓનું સતત અને પીડાકારક સંકોચન (spasm) થયા કરતું નથી. જો ચેતામૂળ દબાય તો ઢીંચણથી સીધો રાખીને કેડથી પગ વાળવામાં આવે તો દુખાવો થઈ આવે છે. કમરના મણકાનાં અગ્રપશ્ચીય અને પાર્શ્વીય ર્દશ્યો લેવા માટેનાં ઍક્સ-રે-ચિત્રણો લેવાય છે. તે વખતે આંતરડામાં વાયુ ન હોય તેવું ખાસ જોવાય છે. ઍક્સ-રે-ચિત્રણો દ્વારા ઘટેલી બે મણકા વચ્ચેની જગ્યા, અસ્થિકંટિકાઓનો ઉદભવ, મણકાની પાછળના ભાગમાં આવેલા સાંધાઓમાં થતી વિકૃતિ તથા ક્યારેક એક-બીજા પર સહેજ ખસી ગયેલા મણકા જોઈ શકાય છે. સારવારના સિદ્ધાંતો ગ્રીવાલક્ષી મણકારુગ્ણતા જેવા જ છે. ઉગ્ર પીડા વખતે પીડાનાશક દવાઓ, પથારીમાં આરામ અને શેક અપાય છે. જરૂર પડ્યે પગને નીચે તરફ ખેંચીને કટિકર્ષણ(lumbar traction)ની સારવાર અપાય છે. તકલીફો શમે એટલે કમરના સ્નાયુઓની સજ્જતા વધારતી અને તેમને શિથિલ રાખતી કસરતો સૂચવાય છે. કેટલાક કિસ્સામાં અસરગ્રસ્ત મણકાઓને જોડી દેવાની શસ્ત્રક્રિયા કરાય છે. તેને મણકાજોડાણ(spinal fusion)ની શસ્ત્રક્રિયા કહે છે.

કિરીટ હરિલાલ શાહ

શિલીન નં. શુક્લ