મચકોડ (sprain) : બે હાડકાંને એકબીજા જોડે જોડી રાખતા અસ્થિબંધ(ligament)ને થતી ઈજા. બે હાડકાંને એકબીજા સાથે જોડી રાખતી તથા તેમની વચ્ચેના સાંધાઓને મજબૂત અને સ્થિર રાખતી તંતુમય પેશીના પટ્ટા કે રજ્જુ આકારની સંરચનાઓને અસ્થિબંધ કહે છે. હાડકાં સાથે જોડાયેલો સ્નાયુ ખેંચાઈ જાય કે તેને હાડકાં સાથે જોડતા સ્નાયુબંધ (tendon) નામના તંતુમય જોડાણમાં ઈજા થાય ત્યારે તેને સ્નાયુતણાવ અથવા ચસક (strain) કહે છે. મચકોડ અને ચસક(સ્નાયુતણાવ)ને એકબીજાથી અલગ પાડીને નિદાન કરાય છે.

મચકોડની કક્ષાઓ અને તેની તપાસકસોટી : (અ) પ્રથમ કક્ષા, (આ) બીજી કક્ષા, (ઇ) ત્રીજી કક્ષા, (ઈ) છૂટો પડતો હાડકાનો ટુકડો(1), (ઉ) તણાવકસોટી

મચકોડની 3 કક્ષાઓ છે. પ્રથમ કક્ષાનો મચકોડ હોય ત્યારે અસ્થિબંધમાંના થોડાક જ તંતુઓ ફાટ્યા અથવા તૂટ્યા હોય છે. તેને કારણે થોડો સોજો આવે છે. સામાન્ય રીતે હલનચલનમાં કોઈ તકલીફ પડતી નથી. દ્વિતીય કક્ષાનો મચકોડ થયો હોય ત્યારે ત્રીજા ભાગથી વધુ તંતુઓ તૂટેલા હોય છે. દર્દીને દુખાવો, સ્થાનિક સોજો તથા હલનચલનમાં મુશ્કેલી થઈ આવે છે. સાંધાનું હલનચલન સામાન્ય પ્રકારનું રહે છે. તેના નિદાન માટે તણાવકસોટી (stress test) કરાય છે. જ્યારે અસ્થિબંધ પૂરેપૂરો તૂટી જાય ત્યારે તેને ત્રીજી કક્ષાનો મચકોડ કહે છે. તે સમયે ઈજાના સ્થળે દુખાવો અને સોજો આવે છે. ઘણી વખતે ખૂબ દુખાવો થતો નથી. તણાવકસોટી, એમ.આર.આઈ. કે સંધિનિરીક્ષા (arthroscopy) વડે નિદાન કરાય છે. ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging, MRI)ની મદદથી ઈજાનાં સ્થાન અને કક્ષા જાણી શકાય છે. બે હાડકાં વચ્ચેના પોલાણમાં નળી વડે પ્રવેશીને જોવાની તપાસ-પદ્ધતિને સંધિનિરીક્ષા કહે છે. તેના વડે ઈજાગ્રસ્ત પટ્ટાઓ(અસ્થિબંધો)ને જોઈ શકાય છે. હાડકાના સાંધામાં એક્સ-રે વડે પડછાયો પાડે એવું રસાયણ નાંખીને લેવાતાં ચિત્રણોની કસોટીને સંધિચિત્રણ (arthrography) કહે છે. આવા સંધિચિત્રણ વડે પણ ઈજાગ્રસ્ત ભાગને દર્શાવી શકાય છે. તંતુમય પટ્ટો કાં તો વચ્ચેથી કે કાં તો ક્યારેક તેના છેડા આગળથી તૂટેલો જોવા મળે છે. ક્યારેક તૂટેલા અસ્થિબંધની જોડે હાડકાનો નાનો ટુકડો પણ છૂટો પડેલો હોય છે.

નિદાન : ઈજા થવાની ક્રિયા, સ્થાન તથા તીવ્રતા વડે મચકોડનાં સ્થાન અને તીવ્રતા અંગે નિદાન કરાય છે. જો કોઈ જગ્યાએ સોજો આવેલો હોય, જો અડવાથી ક્યાંક દુખાવો અથવા સ્પર્શવેદના (tenderness) થતી હોય અને/અથવા જો જામેલા લોહીનું ચકામું થયું હોય તો તેના પરથી પણ મચકોડના સ્થાનની માહિતી મળે છે. બીજી અને ત્રીજી કક્ષાના મચકોડમાં બે કલાકમાં સાંધામાં ઝમેલા લોહીની માહિતી મળી જાય છે. સાંધામાં લોહી ઝમે તેને રુધિરસંધિતા (haemarthrosis) કહે છે. સાંધાના અંદરના આચ્છાદન(lining)રૂપ આવરણને સંધિકલા (synovium) કહે છે. ક્યારેક જો અસ્થિબંધ સંધિકલાથી પૂરેપૂરો આવરણ પામેલો હોય તો તે ઝમેલા લોહીને સાંધામાં પ્રવેશવા દેતો નથી. તેવી જ રીતે સાંધામાં કાણું પડી ગયું હોય તો લોહી બહાર વહી જાય છે અને તેથી આ બંને સ્થિતિમાં રુધિરસંધિતા થતી નથી.

સાંધાનું હલનચલન કરાવીને તણાવ-કસોટી કરાય છે. જુદા જુદા સાંધા અને અસ્થિબંધોમાં તણાવ ઉત્પન્ન કરવા જુદા જુદા પ્રકારની હલનચલનની પ્રક્રિયાઓ હોય છે. પ્રથમ બે કક્ષાના મચકોડમાં તણાવ-કસોટી કરતી વખતે જે-તે સ્થળે દુખાવો થાય છે, જ્યારે ત્રીજી કક્ષાના મચકોડમાં સાંધો ‘ખૂલી’ જાય છે. તપાસને અંતે કરાયેલું નિદાન ઉપર જણાવેલ તપાસ-કસોટીઓ વડે નિશ્ચિત કરાય છે. ત્રીજી કક્ષાના મચકોડમાં તણાવ-કસોટી વખતે સાંધો વિષમ પ્રકારે ‘ખૂલી’ જાય છે. જો હાડકાનો ટુકડો છૂટો પડેલો હોય તો સાંધાનું એક્સ-રે ચિત્રણ લેવાય ત્યારે તે છૂટો પડેલો ટુકડો જોઈ શકાય છે. નિદાન માટે જરૂર પડ્યે ચુંબકીય અનુનાદી ચિત્રણ (MRI), સંધિચિત્રણ અને સંધિનિરીક્ષા પણ કરાય છે.

સારવાર : પ્રથમ કક્ષાના મચકોડમાં દુખાવો ઘટાડવાની સારવાર અપાય છે. સામાન્ય રીતે ઈજાગ્રસ્ત ભાગને વધુ આરામ આપવાની જરૂર હોતી નથી અને દર્દી થોડા દિવસમાં કામકાજ કરવા માંડે છે. બીજી કક્ષાના મચકોડમાં દુખાવો દૂર કરતી દવા ઉપરાંત ઈજાગ્રસ્ત ભાગને 4થી 6 અઠવાડિયાંનો આરામ અપાય છે. તે માટે તેને સ્થગિત (immobilised) કરવો પડે છે. ત્રીજી કક્ષાના મચકોડમાં શસ્ત્રક્રિયા કરીને પુન:જોડાણ કરાય છે. બીજી અને ત્રીજી કક્ષાના મચકોડમાં 3 મહિના સુધી સાંધા વડે વજન  ઊંચકવાની મનાઈ કરાય છે.

ચસક : સ્નાયુઓ અને સ્નાયુબંધોને થતી ઈજા યુવાનોમાં વધુ થાય છે. તે સમયે સ્નાયુબંધ કરતા સ્નાયુ તણાઈ જવાની કે ફાટી જવાની સંભાવના વધુ રહે છે. મોટી ઉંમરે તેથી વિપરીત બને છે. જોરપૂર્વક સંકોચાતા સ્નાયુ પર અચાનક અને ભારે પ્રમાણમાં ખેંચાણકારી બળ લગાડવામાં આવે ત્યારે આવું બને છે. ક્યારેક સ્નાયુ કે સ્નાયુબંધ તલવાર જેવા ધારદાર શસ્ત્રથી કપાયેલા હોય છે. મોટે ભાગે એડીની ઉપરનો, કોણીને વાળતા સ્નાયુનો, અંગૂઠાને ખેંચતા સ્નાયુનો, ઢીંચણને સીધો કરતા સ્નાયુનો કે ઢીંચણની ઢાંકણીને નળાસ્થિ (tibia) સાથે જોડતા સ્નાયુબંધ ઈજાગ્રસ્ત થાય છે. સ્નાયુબંધ ઘસારા કે ઈજાથી નબળો પડ્યો હોય તો જ તૂટે છે. આમવાતી સંધિશોથ (rheumatoid arthritis), વ્યાપક રુધિરકોષભક્ષિતા (systemic lupus erythematosus, SLE) નામના રોગોમાં કે વૃદ્ધાવસ્થામાં નબળી પડતી પેશીઓને કારણે ક્યારેક સ્નાયુબંધ તૂટે છે. સ્થાનિક દુખાવો તથા જે તે સ્નાયુની કાર્ય કરવાની અક્ષમતા ઉદભવે તો તે નિદાનસૂચક ગણાય છે. સારવાર માટે શસ્ત્રક્રિયા વડે તૂટેલા છેડાઓને સાંધી દેવાય છે. ક્યારેક તે સંભવિત ન હોય તો સ્નાયુનું બીજા કોઈ સ્નાયુના સ્નાયુબંધ સાથે પણ જોડાણ કરાય છે. મોટી ઉંમરે થતી સ્નાયુબંધની ઈજાઓ લાંબા સમયની હોય છે અને તે હલનચલનને અસર કરતી નથી. તેવા સમયે ખાસ સારવારની જરૂર પડતી નથી.

દિવ્યાંગ દવે

શિલીન નં. શુક્લ