મકેના, શવૉન (જ. 1923, બેલફાસ્ટ; અ. 1986) : પ્રસિદ્ધ ફિલ્મ-અભિનેત્રી. તેમણે ગૅલવે ખાતે યુનિવર્સિટી કૉલેજમાં અભ્યાસ કર્યો. 1940માં ગૅલિક ભાષાની રંગભૂમિ પર અભિનય-પ્રારંભ કર્યો. 1943–46 દરમિયાન તેમણે ડબ્લિનના ઍબી થિયેટરમાં કામગીરી બજાવી. 1947માં લંડન ખાતે સૌપ્રથમ વાર અભિનય કર્યો. તે પછી બ્રિટન તથા ઉત્તર અમેરિકામાં નાટકો ભજવ્યાં. 1951માં એડિનબરો થિયેટર ફેસ્ટિવલ ખાતે ‘ધ પ્લેબૉય ઑવ્ ધ વેસ્ટર્ન વર્લ્ડ’માં પેગિન માઇક તરીકેના અભિનયથી તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. તેમનો અભિનય નાટ્યતત્વસભર હતો. 1954માં તેમણે લંડનમાં ‘સેંટ જોન’ તરીકે આપેલા અભિનય બદલ તેમનું નામ ચિરસ્મરણીય બન્યું છે. આખી કારકિર્દી દરમિયાન તેમણે આઇરિશ રંગભૂમિ પર જ વિશેષ અભિનય કર્યો. 1975માં સ્ટેટ ઑવ્ ધ રિપબ્લિક ઑવ્ આયર્લૅન્ડની કાઉન્સિલમાં તેઓ નિયુક્ત થયાં હતાં.

મહેશ ચોકસી