મંદિર-સ્થાપત્ય
કોઈ પણ દેવતાની પૂજા-ઉપાસના કે પ્રાર્થના માટેનું પવિત્ર વસ્તુ કે પ્રતીકો ધરાવતું વિશિષ્ટ સ્થાપત્ય. આવું સ્થાપત્ય સાધારણ રીતે કોઈ ધર્મ-સંપ્રદાય સાથે સંકળાયેલું હોય છે. રચના પરત્વે એમાં નાના, સાદા એકાદા ખંડ કે મઢૂલીથી માંડીને શિખર કે મિનારાબંધ ભવ્ય પ્રાસાદ-સ્વરૂપનાં બાંધકામો જોવામાં આવે છે. એમાંનાં ઘણાં દેવતાની મૂર્તિ કે ચિત્ર ધરાવતાં હોય છે. વિશિષ્ટ મંદિરોમાં પવિત્ર મૂર્તિ કે પૂજ્ય પદાર્થને મધ્ય ખંડમાં મૂકવામાં આવે છે અને ત્યાં સુધી ભક્તે પહોંચવા માટે અનેક દ્વાર-દરવાજા પસાર કરવાં પડે છે. સાધારણ રીતે મંદિરના નકશા પ્રતીકાત્મક હોય છે; દા.ત., પૂર્વ એશિયાનાં સંખ્યાબંધ બૌદ્ધ મંદિરો મિનારાઘાટનું સ્વરૂપ ધરાવે છે. અનેક માળ ધરાવતાં આ મંદિરોને પેગોડા કહેવામાં આવે છે. એના માળ પૃથ્વીથી સ્વર્ગ અને તેની પાર જવાના ચોક્કસ આધ્યાત્મિક સ્તરો પસાર કરી નિર્વાણ પ્રાપ્ત કરવા માટેની ક્રમિક ભૂમિકાઓના સૂચક છે. હિંદુઓ અને તાઓવાદીઓ પણ મંદિર પરત્વે આવી અર્થપૂર્ણ બાંધકામ-પદ્ધતિઓ પ્રયોજે છે.
સાધારણ રીતે દરેક ધર્મસંપ્રદાયમાં પોતાનાં પવિત્ર સ્થાનો વિશે અનેક અનુશ્રુતિઓ પ્રચારમાં હોય છે. એ રીતે મંદિરના સ્થાનની દિવ્યતા, ત્યાં બનતા ચમત્કારો અને તેના અનુષંગે પ્રવર્તતાં અગમ્ય બળો વિશે પણ અનેકાનેક માન્યતાઓ પ્રચલિત થયેલી હોય છે. ઘણાં મંદિરોમાં મધ્યખંડમાં કેવળ પુરોહિતો જ પ્રવેશી શકે છે. કેટલાંક મંદિરોમાં અંદરની બાજુ કે બહારની સંમુખ બાજુએ બલિદાન માટેની વેદિ કરવામાં આવેલી હોય છે.
પ્રાચીન કાળમાં પ્રચલિત અનેક ધર્મોમાં મંદિર અગત્યનું સ્થાન ધરાવતું હતું. આજે પણ યહૂદી, હિંદુ, બૌદ્ધ, જૈન, કન્ફ્યૂશ્યસ, તાઓ, શીખ વગેરે ધર્મોમાં પૂજાગૃહોને મંદિર કહેવામાં આવે છે. તેમનાં આવા મહત્વને કારણે મંદિરોને સુર્દઢ, ભવ્ય અને સુંદર તેમજ સુશોભિત કરવામાં ભારે પરિશ્રમ ઉઠાવવામાં આવતો હોય છે. બીજાં નાગરિક-સ્થાપત્યોની સરખામણીમાં મંદિર-સ્થાપત્ય ટકાઉ અને અદ્વિતીય ભાત પાડનારું બની રહ્યું છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રાચીન મૉર્મોન ભવનો મંદિર-સ્વરૂપનાં હતાં, તેથી તેમના માટે ‘ટેમ્પલ’ શબ્દ પ્રયોજાયો છે. યહૂદી ધર્મમાં પણ પ્રાર્થનાઘરોને સામાન્યપણે ‘ટેમ્પલ’ કહેવામાં આવે છે; જોકે તેને માટે સામાન્ય રીતે ‘સેનેગૉગ’ શબ્દ પ્રયોજાય છે.
જગત
જગતના પ્રાચીન ઇતિહાસના અભ્યાસ પરથી જણાય છે કે ઇજિપ્ત, મેસોપોટેમિયા, ઇઝરાયલ, ગ્રીસ, રોમ, ભારત, ચીન વગેરે દેશોમાં ઘણા પ્રાચીન કાળથી મંદિરોનું અસ્તિત્વ હોવાના પુરાવા મળે છે. ઇજિપ્તનાં ઈ. પૂ. 2000ના સમયનાં મંદિરો ઉન્નત સ્થાપત્ય-સ્વરૂપ ધરાવતાં હતાં. નવ-સામ્રાજ્યના યુગ દરમિયાન ફેરો રૅમસીસ બીજા(ઈ. પૂ. 1290–1224)એ બંધાવેલ અબુ-સિમ્બલનું ભવ્ય મંદિર હમણાં સુધી અવશેષરૂપે ઊભું હતું. દક્ષિણ ઇજિપ્તમાં નાઇલ નદીની એક ખડકાળ ધારને 61 મીટર ઊંડી કોતરીને એમાં એ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કેવળ રાજપરિવાર અને પુરોહિતો જ તેમાં પ્રવેશી શકતા હતા. એ મંદિરના પ્રવેશદ્વાર પરના પિરામિડ ઘાટના મિનારા, વિશાળ ખુલ્લા ચોક, ત્રણ બાજુ ખુલ્લી પડાળીઓ, એક બાજુ સંખ્યાબંધ સ્તંભો વડે ટેકવાયેલ મુખ્ય ખંડની છત અને તેને ફરતા બીજા ખંડોની રચના આ મંદિરની આગવી વિશેષતારૂપ હતાં. બે જોડિયાં મંદિરો ધરાવતા આ સંકુલના એક પ્રવેશદ્વાર પર ફેરો રૅમસીસ બીજાની વીસ મીટર ઊંચી ચાર બેઠેલી મૂર્તિઓ કંડારી હતી, જ્યારે બીજા પ્રવેશદ્વાર પર એ રાજાની ચાર ઉપરાંત તેની રાણી નેફર્તરીની બે – એમ કુલ છ ઊભી મૂર્તિઓ કંડારવામાં આવી હતી. આજે આ મંદિર-સંકુલ નજીકમાં બંધાયેલા આસવાન હાઇડૅમના નાસર જળાશયમાં સંપૂર્ણપણે ડૂબી જવા પામ્યું છે. નવ-સામ્રાજ્ય દરમિયાન બીજાં પણ ઘણાં ભવ્ય મંદિરો બંધાયાં હતાં. તેમાં અઢારમા રાજવંશ દ્વારા બંધાયેલ અલ્-કર્નાકમાંનું દેવ ઍમોનનું મંદિર સર્વાધિક પ્રસિદ્ધ છે. 300 મીટરનો વિસ્તાર ધરાવતા આ મંદિરના પશ્ચિમ ભાગમાં વિશાળ ચોક અને તેને છેડે 118 × 52 મીટરનો વિશાળ અને ભવ્ય દેવખંડ કરેલો છે. તેની છતને 16 હારમાં ગોઠવાયેલા 134 સ્તંભો વડે ટેકવવામાં આવી છે. મંદિરના પૂર્વભાગમાં નાના ખંડો અને નાનાં મંદિરો આવેલાં છે; જે ઘણું કરીને મધ્ય સામ્રાજ્યના સમયગાળા દરમિયાન બન્યાં હોવાનું મનાય છે. દેવતા ઍમોનની પત્ની મુત અને તેમના પુત્ર ખેન્સુનાં મંદિરો પણ કર્નાકમાં આવેલાં છે.
પશ્ચિમ એશિયામાં મેસોપોટેમિયામાં પાંગરેલી પ્રાચીન સુમેરિયન, એસિરિયન અને બાબિલોનિયન સંસ્કૃતિઓનાં ‘ઝિગ્ગુરાત’ને નામે ઓળખાતાં મંદિરોના અવશેષો મળે છે. લગભગ 90 મીટર ચોરસના પિરામિડ ઘાટના મિનારાના બાંધકામમાં ઉપર જતાં ક્રમે વીથિકાઓ રચવામાં આવેલી હોય છે. ક્વચિત્ સાત મજલાની રચના ધરાવતા એ મિનારાની ટોચે દેવતા-ખંડ કરવામાં આવે છે, જેનો ખગોલીય અવલોકન માટેની વેધશાળારૂપે પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ઝિગ્ગુરાત ઈંટો વડે ચણાતો અને તેની બહારની દીવાલો સફેદાથી રંગેલી ઈંટો વડે ચણાતી. એ મંદિરો ઈંટોથી બંધાયેલાં હોવાથી લાંબા સમય સુધી ટકી શક્યાં નહિ. સહુથી પ્રાચીન અવશેષો ઉરુક નામના સ્થાનેથી ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીના સુમેરિયન ઝિગ્ગુરાતના મળ્યા છે. ઈ. પૂ. આઠમી સદીમાં એસિરિયનોએ આ પ્રદેશ પર કબજો જમાવતાં ત્યાં તેમનાં પોતાનાં ભવનો અને મંદિરો બંધાયાં. એ એસિરિયન ઝિગ્ગુરાતો વિસ્તાર અને ભવ્યતાની બાબતમાં વિકસિત જણાય છે. રાજા સારગોન બીજાએ ખોરસાબાદ નામે કિલ્લાબંધ નગર કરાવેલું; જેમાંનું ઝિગ્ગુરાત સમગ્ર નગરની શોભારૂપ હતું. ઈ. પૂ. 600ના અરસામાં બાબિલોનિયનોની સત્તા પ્રવર્તતાં તેમણે પોતે વસાવેલા નગર બૅબિલોનને અનેક ભવનોથી સજાવવામાં આવ્યું. બાઇબલમાં જેનો ઉલ્લેખ થયો છે તે ‘ટાવર ઑવ્ બાબેલ’ નામનું ઝિગ્ગુરાત એમાં મુખ્ય હતું.
જગતનાં પ્રાચીનતમ પ્રસિદ્ધ મંદિરોમાં ગણના પામેલું મંદિર ઇઝરાયલના જેરૂસલેમમાં આવેલું સૉલોમન મંદિર છે. આ યહૂદી મંદિરને 3,000 વર્ષ પૂર્વે રાજા સૉલોમને બંધાવ્યું હતું. બૅબિલોનના રાજા નેબૂખદનેસ્સર ઈ. પૂ. 586માં તેનો નાશ કર્યો. પછી તે પુન: બંધાયું. ઈ. પૂ. 20માં રાજા હેરોડે લાકડાના મંદિરને સ્થાને આરસપહાણનું ભવ્ય મંદિર બંધાવ્યું. ત્યારે એની કેટલીક મૂળભૂત રચના યથાવત્ રખાઈ હતી. અલબત્ત, બાંધકામ અને સજાવટની બાબતમાં રોમન શૈલીનો પ્રયોગ થવાને કારણે મંદિર તત્કાલીન સ્થાપત્યોમાં નમૂનેદાર બન્યું. બાઇબલ અનુસાર, આ મંદિરમાં ઈસુ ખ્રિસ્તની પજવણી થઈ હતી. રોમનોએ ઈ. સ. 70ના અરસામાં આ મંદિરને ધ્વસ્ત કર્યા પછી તે જીર્ણોદ્ધાર પામ્યું નહિ. તે મંદિરનો વેઇલિંગ વૉલ (Wailing Wall) નામે ઓળખાતો ખંડ આજે પણ જેરૂસલેમમાં ર્દષ્ટિગોચર થાય છે.

ચિત્ર 1 : ઝિગ્ગુરાત, ખોરસાબાદ
પ્રાચીન ગ્રીસ અને રોમમાં મંદિર-સ્થાપત્યનો ભારે વિકાસ થયો હતો. પ્રાચીન ગ્રીકો અને રોમનો માનતા કે તેમના દેવો પ્રાકૃતિક પદાર્થો અને બળોમાં નિવાસ કરે છે અને તેઓ પોતાની ઇચ્છાઓ પ્રાકૃતિક તત્વો, જેવાં કે પવન અને વીજળી મારફતે પ્રગટ કરે છે. આ માન્યતાને લઈને તેમનાં પ્રાચીનતમ મંદિરો ખાસ કરીને ઉપવનમાં વૃક્ષવાટિકાઓ ને ઝરણાંના કે પહાડી વિસ્તારોમાં જોવામાં આવતાં. ગ્રીકો અને રોમનોએ પોતાની સભ્યતાઓનો સ્થિર અને ર્દઢપણે વિકાસ સાધતાં પોતાના આવાસોની નિકટ પોતાના દેવતાઓના આવાસ પણ બનાવ્યા અને સમય જતાં એમને વધુ ને વધુ સુશોભિત કરતા ગયા. આવાં ભવ્ય મંદિરોના સંકુલમાં દેવતાનું નિજમંદિર ઉપરાંત પુરોહિતોના આવાસો અને દેવોને અપાનાર બલિ માટેનાં પશુઓને રાખવાનાં સ્થાનોનો પણ સમાવેશ થતો હતો. ગ્રીકો અને રોમનોના જીવનમાં ધર્મ સર્વોચ્ચ ભાગ ભજવતો હોવાથી તેમનાં સ્થાપત્ય અને કલાનું ઉત્તમોત્તમ તત્ત્વ મંદિરોનાં બાંધકામોમાં પ્રગટ્યું. ઍથેન્સનું પાર્થેનન મંદિર અને રોમનું પૅન્થિયોન મંદિર અનુક્રમે ગ્રીક અને રોમન મંદિરોના વિશિષ્ટ નમૂના ગણાય છે.
ગ્રીક મંદિરમાં દેવની મૂર્તિ એવી રીતે રાખવામાં આવતી કે જેથી વાર્ષિક ઉત્સવ વખતે ખુલ્લા દરવાજામાંથી, બહાર જ્યાં વેદિ માટે અગ્નિ પ્રગટાવેલો હોય ત્યાં ઊભા રહી લોકો તેનાં દર્શન કરી શકે. વસ્તુત: મંદિર એ કોઈ સમુદાયના દર્શન કે પ્રાર્થના માટે નિયમિત એકઠા થવાનું સ્થાન નહોતું, પરંતુ દેવનું નિવાસસ્થાન ગણાતું. ઉત્સવ પ્રસંગે લોકો વેદિ પાસે એકઠા થાય અને ઉત્સવની પૂર્ણાહુતિરૂપે તેમને બલિનું માંસ પ્રસાદરૂપે વહેંચાય એવી પ્રથા હતી. દેવખંડ સાધારણ રીતે પૂર્વમાં કરાતો અને તેની આકાશરેખાનું આયોજન એવી રીતે થતું કે જેથી ઉત્સવના દિવસે સૂર્યોદય એ સ્થાનેથી થતો પ્રતીત થાય. દેવના સોનાચાંદી અને ઝવેરાતના અલંકારો તેમજ કીમતી પાત્રોરૂપી સંપત્તિ સાચવવા માટેના સલામત ભંડારરૂપે પણ મંદિર કામ આવતું હોઈ ત્યાં એ સંપત્તિ સાચવવા માટેના અલાયદા ખંડની પણ વ્યવસ્થા કરવામાં આવતી. મંદિરનો ગર્ભભાગ એક લંબચોરસ ખંડરૂપ હતો, જેની પડખાની દીવાલો એવી રીતે લંબાવવામાં આવતી કે જેથી એક છેડે છતવાળી પ્રવેશચોકીની રચના થતી. ઍથેન્સના પાર્થેનન મંદિરમાં આ પ્રકારે પૂર્વ અને પશ્ચિમમાં બેવડા ગર્ભખંડ અને મધ્યની પ્રવેશચોકીમાં દ્વાર ધરાવતી રચના કરેલી જોવામાં આવે છે. ગ્રીસમાં મંદિરસ્થાપત્યના વિકાસ પરત્વે ડૉરિક, આયોનિક અને કૉરિન્થિયન નામની શૈલીઓ પ્રગટી; જે પછીનાં નાગરિક સ્થાપત્યોમાં પ્રવર્તી. ઉત્તરકાલીન પશ્ચિમી જગતનાં સ્થાપત્યો પર તેમનો ભારે પ્રભાવ જોવામાં આવે છે.

ચિત્ર 2 : ગ્રીક મંદિર, એથેન્સ
રોમન મંદિરો મુખ્યત્વે ગ્રીક સ્વરૂપનાં જણાય છે. છતાં એમની કેટલીક તરી આવતી વિશેષતાઓ પણ છે; જેમ કે, મંદિરમાં મધ્યખંડ સાથે જોડાયેલ પ્રવેશચોકી ખૂબ લાંબી-પહોળી કરવામાં આવે છે. સ્તંભો વડે ટેકવેલ છતને આગળના ભાગમાં ત્રિકોણાકૃતિ (પેડિમેન્ટ, pediment) અને પાછળના ભાગમાં સપાટ બનાવી મધ્યખંડની મુખ્ય દીવાલ સાથે જોડવામાં આવે છે. આનાથી પ્રવેશ ખૂબ વિશાળ અને ભવ્ય બને છે. સાથોસાથ સમગ્ર મંદિર અને તેની પ્રવેશચોકી ઊંચી પીઠ પર રચાતી હોવાથી પ્રવેશચોકીની સંમુખ પગથિયાં કરેલાં હોય છે તે મંદિરના સંમુખ દર્શનને આકર્ષક બનાવે છે. મધ્યખંડ વૃત્તાકાર કે ચોરસ રખાય છે અને તેની છતોને ફરતી દીવાલોમાં કરેલા સ્તંભો કે અર્ધસ્તંભો વડે ટેકવવામાં આવેલી હોય છે. મંદિરો મુખ્યત્વે આરસપહાણનાં બનેલાં હોય છે. ઉત્તરકાળમાં ચર્ચ-સ્થાપત્યનો પ્રચાર થતાં મંદિરો બંધાતાં બંધ થયાં.

ચિત્ર 3 : પૅન્થિયોન મંદિર, રોમ
રોમમાં ઈ. સ. 126માં બંધાયેલ પૅન્થિયોન મંદિર આ મંદિર-સ્થાપત્યનો સરસ નમૂનો છે. આ મંદિર આજે પણ ઊભું છે. તેનો ગર્ભખંડ 43.5 મીટર વ્યાસનો વૃત્તાકાર છે અને તેની ભવ્ય પ્રવેશચોકીને કૉરિન્થિયન સ્વરૂપના સ્તંભો ટેકો આપી રહ્યા છે. ફ્રાંસમાં નિમેસ (Nimes) નગરમાં આવેલું ઈ. પૂ. પહેલી સદીનું ધ મૅસન કૅરી મંદિર પૂર્વકાલીન રોમન મંદિર-શૈલીનું ર્દષ્ટાંત પૂરું પાડે છે.
લૅટિન અમેરિકાના વિસ્તારમાં ઍઝટેક, તોલતેક, માયા અને ઇન્કા નામની સંસ્કૃતિઓ વિકસી હતી. આસ્તેક અને તોલતેક મધ્ય મેક્સિકોમાં, માયા મેક્સિકો અને મધ્ય અમેરિકામાં તેમજ ઇન્કા અગ્નિ અમેરિકાના વિસ્તારમાં વિકસી હતી. આ ચારેય પ્રજાઓના મંદિર-સ્થાપત્યના અવશેષો ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ. 1400 સુધીના મળે છે. કોલંબસે અમેરિકા શોધ્યો તે પૂર્વેનાં સ્થાપત્યોને પ્રાક્-કોલંબિયન સ્થાપત્ય કહેવાનો રિવાજ છે અને એમાં આ સંસ્કૃતિઓ તેમજ અમેરિકાના મૂળ વતની રેડ ઇન્ડિયનોનાં સ્થાપત્યોનો સમાવેશ થાય છે. ઍઝટેક, તોલતેક અને માયાના પ્રાપ્ય સ્થાપત્યાવશેષો ધાર્મિક સ્વરૂપના છે. પથ્થરથી બાંધેલા અને પિરામિડ ઘાટના ઊંચા મિનારા પર સપાટ ભૂમિકા કરી તેમાં મંદિર કે મંદિરો બાંધવામાં આવતાં અને ત્યાં સુધી પહોંચવા માટે જમીનથી શરૂ કરીને ટોચની ભૂમિકા સુધી સોપાનશ્રેણી રચવામાં આવતી. કેટલાંક વધુ મંદિરો પિરામિડોનાં પડખાંમાં પણ કરવામાં આવતાં. માયા મંદિર-સ્થાપત્યના અવશેષો

ચિત્ર 4 : સૂર્યમંદિર, માયા સંસ્કૃતિ, મેક્સિકો
ગ્વાટેમાલાનાં જંગલોમાં ટિકલ નામે નગરમાં જોવામાં આવે છે. એનું બાંધકામ ઈ. પૂ. બીજી સદીથી લઈને ઈ. સ.ની કેટલીક સદીઓ સુધી ચાલુ રહ્યું હતું. ઇન્કા મંદિરોના અવશેષો ઍન્ડીઝ પર્વતમાળામાં આવેલાં માચુ અને પિચ્ચુ નામે ઓળખાતાં નગરોમાં જોવામાં આવે છે. રેડ ઇન્ડિયનોનાં પ્રાચીન મંદિરોના કોઈ અવશેષો પ્રાપ્ત થયા નથી. તેમના ધાર્મિક ઉત્સવો કિવાસ (kivas) નામે ઓળખાતા વૃત્તાકાર ખંડમાં ભૂગર્ભ મંદિરોમાં કરવામાં આવતા.
ચીનમાં મંદિરો મુખ્યત્વે રહેણાક માટેનાં મકાનોનાં સ્વરૂપનાં હતાં. અલબત્ત, વિસ્તાર, સજાવટ અને ભભકાદાર રંગકામના કારણે તેઓ ભવ્ય અને સુંદર દેખાતાં હતાં. આ પરંપરા છેક ઈ. પૂ.થી માંડીને અદ્યાપિ પર્યંત પ્રચલિત છે. ચીની મંદિરમાં લાકડાનો લંબચોરસ ખંડ કરાતો. તેમાં છતને ટેકવતા પાટડા અને પીઢિયાં તેમજ તેમને ટેકવતા સ્તંભોની રચના સમાંતરે કરવામાં આવતી. છત અને સ્તંભને જોડતા મદલો કોતરવામાં આવતા કે એ મદલોને રાતા રંગે રંગવામાં આવતા. ક્યારેક એમાં સોનાનું જડતરકામ પણ કરાતું. મંદિરને લાકડાની દીવાલો કરવામાં આવતી. તેનું પ્રયોજન છતને ટેકો આપવાનું જ નહિ પરંતુ હવામાન સામે રક્ષણ કરવાનું અને અલાયદું એકાંત ઊભું કરવા અંગેનું રહેતું હતું. મંદિરના છાપરાને વાદળી, લીલા કે પીળા રંગના ટાઇલ્સથી મઢવામાં આવતું. ચીનમાં બૌદ્ધ મંદિરોમાં ક્યાંક અનેક મજલા ધરાવતાં પેગોડાસ્વરૂપ પ્રચલિત બન્યાં હતાં. આ સ્વરૂપ તિબેટ, કોરિયા, જાપાન, મ્યાનમાર, થાઇલૅન્ડ, કંબોડિયા અને વિયેટનામનાં બૌદ્ધ મંદિરોમાં પણ પ્રચલિત થયેલું જોવામાં આવે છે. શ્રીલંકામાં પણ આ સ્વરૂપને મળતાં બૌદ્ધ મંદિરો થયાં છે.
જાપાનના સ્થાપત્ય પર ચીની સ્થાપત્યનો ઊંડો પ્રભાવ છે. અહીંના શિન્ટો ધર્મનાં મંદિરો પરંપરાગત સ્થાપત્યશૈલી ધરાવે છે. જમીનથી ઊંચે થાંભલા પર ટેકવાયેલ મંદિરો લાકડાની દીવાલો, સ્તંભો અને પાટડા-પીઢિયાંથી રચાયાં છે. એમાં છતોનાં પીઢિયાં દીવાલોની બહાર નીકળીને છાપરાને આધાર આપતાં ર્દષ્ટિગોચર થાય છે. આ લક્ષણને લઈને જાપાની મંદિરો અન્ય મંદિરો કરતાં જુદાં પડી આવે છે.
ભારત
ભારતમાં મંદિર-સ્થાપત્યની ઘણી દીર્ઘ પરંપરા છે. આ હજારો વર્ષ જૂની પરંપરા અદ્યાપિ પર્યંત અવિચ્છિન્નપણે ચાલુ રહી છે અને તેના પ્રમાણરૂપે સેંકડો પ્રાચીન-અર્વાચીન મંદિરો, દેશના બધા ભાગોમાં, ગામેગામ અને શહેરેશહેરમાં ઊભાં છે.
ભારતીય મંદિરની પ્રાચીનતા અંગે ભારે મતભેદો પ્રવર્તે છે. કેટલાક વિદ્વાનો એને ગ્રીક અને ઘણું કરીને ચૈત્યમંદિરના બૌદ્ધ નમૂનાને આધારે ઉદગમ પામેલું હોવાનું ગણાવે છે. એમનું માનવું છે કે ઈ. પૂર્વેનાં મંદિરોના અવશેષો મળતા નથી, જ્યારે એ પૂર્વેના ખડકોમાંથી કોરેલાં બૌદ્ધ ચૈત્યમંદિરોના અવશેષો પ્રાપ્ત થાય છે. કેટલાંક આરંભિક મંદિરો એ ચૈત્ય મંદિરોને મળતાં આવે છે તે પરથી પ્રતીત થાય છે કે એમાંથી પ્રેરણા મેળવીને મંદિરનો સ્થાપત્યકીય વિકાસ થયો હોય. આ વિદ્વાનોની સહુથી મોટી દલીલ એ છે કે પ્રાચીન હિંદમાં પ્રચલિત વૈદિક પરંપરામાં દેવોની ઉપાસના યાજ્ઞિક કર્મકાંડો વડે થતી હતી અને એમાં મૂર્તિપૂજાને સ્થાન નહોતું. તેથી મૂર્તિપૂજાપરક મંદિરને એમાં અવકાશ નહિ હોવાથી એ પરંપરા તે વખતે પ્રચારમાં નહોતી.
આ મુદ્દાની તલસ્પર્શી છણાવટ કરીને ડૉ. આનંદ કુમારસ્વામીએ પ્રતિપાદિત કર્યું છે કે વૈદિક કર્મકાંડોમાં મૂર્તિ કે મંદિરની જરૂરિયાત નહોતી એ ખરું, પણ તત્કાલીન વૈદિકેતર સંપ્રદાયો જેવા કે નાગ, યક્ષ અને દેવીઓને લગતા સંપ્રદાયોમાં મૂર્તિઓ ધરાવતાં લાકડાંનાં મંદિરો હતાં. લાકડાંનાં હોવાને લઈને એ મંદિરો કાળબળે નષ્ટ થઈ જવાથી તેમના અવશેષો ઉપલબ્ધ થતા નથી.
અલ્લાહાબાદ યુનિવર્સિટીના પ્રા. ગોવર્ધનદાસ શર્માએ બાગોર નામના સ્થળે કરેલા પુરાતત્વીય ઉત્ખનનને લઈને, ભારતમાં છેક ઈસુની 7,000–8,000 વર્ષ પહેલાં મૂર્તિપૂજા તેમજ મંદિર-પરંપરા પ્રચલિત હોવાનું પ્રમાણિત થયું છે. એ ઉત્ખનનને આધારે ડૉ. હસમુખ સાંકળિયાએ પ્રતિપાદિત કર્યું છે કે એ કાળના આદિમાનવોએ ટીંબાકાર કરી તેના પર ત્રિકોણાકાર લાલ પથ્થર મૂકેલો. તે મંદિર હતું. વિશિષ્ટ પથ્થરો પર સિંદૂર ચોપડવાની પ્રથા આજે પણ પ્રચલિત છે ને તે જૂની પરંપરાનું સાતત્ય સૂચવે છે.
ઉપલબ્ધ આભિલેખિક અને સાહિત્યિક પ્રમાણો પરથી જણાય છે કે બૌદ્ધો અને ગ્રીકોનાં સ્થાપત્યોનો ભારતમાં પ્રચાર થયો તે પૂર્વે પણ મંદિરો અસ્તિત્વ ધરાવતાં હતાં. ઈ. પૂ. બીજી સદીના બેસનગરના ગરુડ-સ્તંભ-લેખમાં વાસુદેવ(કૃષ્ણ)નું મંદિર ત્યાં હોવાનો ઉલ્લેખ થયો છે. એનાં ચાર સો વર્ષ પહેલાં પાણિનિએ વાસુદેવની પૂજા થતી હોવાનો નિર્દેશ કર્યો છે. તે પરથી પાણિનિના સમયે (ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી સદીમાં) મંદિરો અસ્તિત્વમાં હોવાનું સંભવે છે. મહાભારતના આદિપર્વમાં અર્જુન એક વર્ષ બ્રહ્મચર્ય પાળતો પશ્ચિમ-સમુદ્રતટનાં તીર્થો અને આયતનો(મંદિરો)ની યાત્રા પતાવી પ્રભાસપાટણ પહોંચ્યો હોવાનો ઉલ્લેખ થયો છે. આ આયતનોમાં મૂર્તિઓનાં પૂજન-અર્ચન થતાં હતાં. વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં જે પ્રાચીન વાસ્તુ-આચાર્યોના ઉલ્લેખ થયા છે તેમાં ભૃગુ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ વગેરે નિ:સંદેહ પ્રાગ્બુદ્ધકાલીન હોવાનું પ્રતીત થાય છે.
આ પરથી કહી શકાય કે દેવી-દેવતાઓની ઉપાસના માટે પ્રાચીન ભારતમાં સંભવત: એકસાથે બે પદ્ધતિઓ પ્રચારમાં હતી : એક વૈદિક યજ્ઞયાગાદિની અને બીજી વૈદિકેતર મૂર્તિપૂજા અને તે માટેના મંદિરની. આમાંની વૈદિક પદ્ધતિ ઉચ્ચ વર્ણવિશેષ પૂરતી સીમિત હતી, જ્યારે મૂર્તિપૂજા-પદ્ધતિ સાર્વત્રિક હતી. આમાં વૈદિક કર્મકાંડો સામે જેમ જેમ બૌદ્ધો, જૈનો અને અન્યોનો વિરોધ વધતો ગયો તેમ તેમ એ પદ્ધતિનું બળ ઘટતું ગયું. પણ તેની સાથે મૂર્તિપૂજાનું બળ વધતું ગયું. ધીમે ધીમે વૈદિક પરંપરાનાં કેટલાંક તત્ત્વો બીજી પરંપરામાં અપનાવાયાં; દા.ત., વિશિષ્ટ પ્રસંગોએ મંદિરોમાં યજ્ઞયાગ કરવાની પરંપરા પ્રચલિત થઈ, જે અદ્યાપિ પર્યંત ચાલુ રહી છે.
સમય જતાં ધીમે ધીમે ઘણાં મંદિરો માત્ર ઉપાસના-કેન્દ્રો બની ન રહેતાં પ્રજાનું કલ્યાણ સાધનારી સેવાભાવી સંસ્થારૂપ બન્યાં. આજે પણ દેશના ઘણા ભાગોમાં સાર્વજનિક હિતની ઘણી પ્રવૃત્તિઓ મંદિરો દ્વારા ચલાવાતી જોવામાં આવે છે. તિરુપતિનું મંદિર આનું જ્વલંત ઉદાહરણ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની દેશવિદેશમાં ચાલતી પ્રવૃત્તિ પણ આનું ર્દષ્ટાંત છે. આવી સાર્વજનિક પ્રવૃત્તિઓને કારણે મંદિરની લોકપ્રિયતા વધી છે. દેશના ઘણા ધર્મ-સંપ્રદાયોએ પણ મંદિર-પરંપરા અપનાવીને પોતાનાં મંદિરો બાંધ્યાં.
મંદિર અને વાસ્તુશાસ્ત્ર
મંદિરો મુખ્યત્વે ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં કેન્દ્ર હતાં. તેમના નિર્માણ માટે પુરાણો, જૈન, શૈવ તેમજ વૈષ્ણવ આગમગ્રંથો અને તંત્રગ્રંથોમાં પ્રસંગોપાત્ત નિરૂપણ થયું તેમજ આ અંગે વિશિષ્ટ શાસ્ત્રીય ગ્રંથોની પણ રચના થઈ. એમાં મંદિરોના બાંધકામ ઉપરાંત મૂર્તિ-નિર્માણ, તેની મૂર્તિપ્રતિષ્ઠા તેમજ મૂર્તિપૂજાને લગતા પ્રકારોની પણ ચર્ચા છે. મંદિર-સ્થાપત્યના આકરગ્રંથો પૈકી ‘માનસાર’, ‘સમરાંગણસૂત્રધાર’, ‘મયમત’, ‘પ્રાસાદમંડન’ અને ‘રાજવલ્લભ’નો નિર્દેશ કરવો જોઈએ. ‘મત્સ્યપુરાણ’, ‘ભવિષ્યપુરાણ’ અને ‘અગ્નિપુરાણ’, ‘વિષ્ણુધર્મોત્તરપુરાણ’, ‘બૃહત્સંહિતા’, ‘તંત્રસમુચ્ચય’, ‘શિલ્પરત્ન’, ‘અપરાજિતપૃચ્છા’ વગેરે ગ્રંથો પણ આ વિષયમાં ભારે ઉપકારક છે. વાસ્તુશાસ્ત્રોમાં 18 પ્રાચીન વાસ્તુવિશારદ આચાર્યોના ઉલ્લેખ મળે છે, જેમાં વિશ્વકર્મા ઉત્તરી પરંપરાના અને મય દક્ષિણી પરંપરાના મુખ્ય આચાર્ય હોવાનું જણાય છે.
વાસ્તુશાસ્ત્રોમાં મંદિરનો ‘દેવાલય’, ‘દેવતાયતન’, ‘મંદિર’, ‘દેવગૃહ’, ‘પ્રાસાદ’ વગેરે નામે ઉલ્લેખ થયો છે. શાસ્ત્રોમાં મંદિરને વિશ્વ સાથે એકરૂપ ગણ્યું છે. અગ્નિપુરાણના વાસ્તુવિભાગ(61-23-25)માં મંદિરના પદાર્થ અને આકારને ‘પ્રકૃતિ’ અને એની અંદર પ્રતિષ્ઠિત મૂર્તિને ‘પરમ પુરુષ’ ગણાવેલ છે. સમગ્ર મંદિર એ પુરુષના અંગરૂપ છે. મંદિરનું ‘શિખર’ એ પરમ પુરુષનું મસ્તક, ‘દ્વાર’ એ મુખ, ‘કલશ’ તે કેશ, ‘ગ્રીવા’ તે કંઠ, ‘શુકનાસ’ તે નાસિકા (નાક), ‘ભદ્ર’ તે હાથ, ‘વેદિ’ તે સ્કંધ અને ‘સ્તંભ’ તે પગ છે.
રાજપ્રાસાદ કે રાજગૃહની જેમ દેવગૃહમાં પણ અનેક મજલા કરાતા. ‘સમરાંગણસૂત્રધાર’માં એકથી બાર મજલાનો તેમના માપ સાથે નિર્દેશ મળે છે. ‘શિલ્પરત્ન’માં મંદિરના ગોપુરમ્ સ્વરૂપના પ્રવેશદ્વારને સાત મજલા કરવાનું જણાવવામાં આવ્યું છે. ‘કાશ્યપશિલ્પ’માં તે અંગે સોળ મજલા કરવાનો ઉલ્લેખ છે.

વાસ્તુમંડલમાં દેવતાઓનાં સ્થાન
દેવાલય બાંધવાની શરૂઆત કરતા પહેલાં તેનો નકશો (વાસ્તુમંડલ) તૈયાર કરવો અનિવાર્ય ગણાતો. એમાંનો મધ્ય ચોરસ ‘બ્રહ્મ-સ્થાન’ ગણાતો, જ્યારે અન્ય દેવતાઓ માટે વિશિષ્ટ સ્થાન નક્કી કરેલાં હતાં; દા.ત., ઇંદ્ર પૂર્વમાં, નિર્ઋતિ દક્ષિણ-પશ્ચિમ(નૈર્ઋત્ય)માં વગેરે. આ દેવતાઓ ભૂમિની સપાટી નીચેના ‘અસુર’(વાસ્તુપુરુષ)ને દબાવી રાખે છે એવી માન્યતા પ્રચલિત હતી. આજે પણ વાસ્તુવિધિમાં વાસ્તુપુરુષની મૂર્તિને દાટવામાં આવે છે તે આની સૂચક છે. મંદિરો મુખ્યત્વે પથ્થર, ઈંટ કે લાકડાંથી બાંધવામાં આવતાં. આમાંનાં લાકડાના પ્રાચીન મંદિરો નાશ પામ્યાં છે.

વાસ્તુપુરુષ
મંદિરની રચનામાં તલદર્શનમાં દેવતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલા ખંડને ‘ગર્ભગૃહ’ અને તેની સંમુખ ઊભા રહી ભક્તો દર્શન-પ્રાર્થના કરી શકે તે માટે કરેલા ખંડને ‘મંડપ’, ‘સભામંડપ’ કે ‘મહામંડપ’ કહેવામાં આવતા.

ચિત્ર 5 : મંદિરનું તલમાન (ગ્રાઉન્ડ પ્લાન). 1. ગર્ભગૃહ, 2. અંતરાલ, 3. સભામંડપ, 4. મુખમંડપ, 5. પ્રદક્ષિણાપથ, 6. કક્ષાસન
ગર્ભગૃહ અને મંડપને જોડતો સાંકડો ભાગ ‘અર્ધમંડપ’ કે ‘અંતરાલ’ કહેવાતો. મંદિરના ગર્ભગૃહ અને મંડપની હરોળમાં મંડપની આગળના ભાગમાં કરેલી સ્તંભયુક્ત નાની ચોકીને ‘મુખમંડપ’ કહેવામાં આવતી. ઘણાં મંદિરોમાં દેવતાની પ્રદક્ષિણા કરી શકાય તે માટે ગર્ભગૃહને ફરતો ‘પ્રદક્ષિણાપથ’ કરવામાં આવતો. ઊર્ધ્વદર્શન (elevation) પરત્વે મંદિર જે ઊંચા ઓટલા પર ઊભું હોય તે ‘પીઠ’, મંદિરના નીચલા પાયાવાળા ભાગને ‘જગતી’, ગર્ભગૃહની દીવાલને ‘મંડોવર’ અને તેની ઉપરના દર્શનીય ભાગને ‘શિખર’ કહેવામાં આવતું. શિખરની ટોચે મૂકવાના ચપટા આમળાઘાટના પથ્થરને ‘આમલક’ કહેવામાં આવતો. તેની ઉપર ‘કલશ’ મૂકવામાં આવતો. મંદિરને ફરતા કોટને ‘પ્રાકાર’ અને તેની અંદરના મોટા પ્રવેશદ્વારને ‘બલાનક’ કે ‘ગોપુરમ્’ કહેવામાં આવતું. દેવાલયનાં બધાં અંગોને મુખ્ય ગર્ભગૃહના પ્રમાણને અનુરૂપ નિશ્ચિત અનુપાતમાં રખાતાં. મંદિરને અંદરથી ઘણું કરીને સાદાં અને બહારથી અનેક દૈવી, અર્ધદૈવી, મનુષ્ય તેમજ પશુશિલ્પોથી સજાવવામાં આવતાં.
‘હયશીર્ષ-પાંચરાત્ર’, ‘કામિકાગમ’, ‘અગ્નિપુરાણ’, ‘માનસાર’ જેવા ગ્રંથોમાં નાગર, વેસર અને દ્રવિડ પદ્ધતિનાં મંદિરોની ચર્ચા છે. આ મુખ્ય મંદિરની બાંધણી પરત્વે નાગર શૈલીમાં ચોરસ અને એમાં પ્રક્ષેપો કાઢીને તારાકારની રચના કરવી, વેસર (ચૌલુક્ય) શૈલીમાં વૃત્તાકાર અને ફરતા પ્રક્ષેપોની રચના કરવી તેમજ દ્રાવિડ શૈલીમાં ચોરસ કે લંબચોરસ અને ઉપરના ભાગમાં મજલાઓની રચના કરવી એવું વિધાન છે.
વિકાસ : અગાઉ જણાવ્યું તેમ, મૂર્તિ સાથે મંદિર-સ્થાપત્ય સંકળાયેલું હતું. જૂનાં મંદિરો ઘણું કરીને લાકડાનાં અને પર્ણકુટિઘાટનાં હતાં. આવાં મંદિરોનું આલેખન સાંચીના સ્તૂપના તોરણ પરના એક શિલ્પમાં છે. આવાં મંદિરો ટકાઉ નહોતાં. બીજી બાજુ, બૌદ્ધો, જૈનો તેમજ બ્રાહ્મણધર્મીઓએ ખડક કોરીને મંદિરો કરેલાં. છેક ઈ. પૂ. ત્રીજીથી ઈ. સ.ની દસમી સદી સુધી આ પ્રકારે ખડકમાંથી કોરેલાં ગુફામંદિરો મળે છે. આવાં શૈલોત્કીર્ણ મંદિરો ઉપાસના-સ્થાન તરીકે કામ લાગતાં ને એ ટકાઉ પણ હતાં; પરંતુ એમાં બે મુશ્કેલીઓ હતી; એક તો એનું સ્થાન સ્વાભાવિક રીતે જ વસ્તીથી દૂર અને દુર્ગમ રહેતું. તેથી આમજનસમાજને ત્યાં જતાં અગવડ રહેતી. બીજું એમાં ગર્ભગૃહ અને તેની અંદરની મૂર્તિ કોરાતી, પણ તેમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ શકતી નહિ. આથી વિપરીત, પથ્થર કે ઈંટથી બાંધેલાં મંદિરો વસ્તીમાં કે એની નજીક થવાથી આમજનતાને માટે એ પૂજા-ઉપાસના અને દેવદર્શન માટે સુગમ હતાં, એ ટકાઉ પણ હતાં અને એમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પણ થઈ શકતી હતી. તેથી ગુફામંદિરોની સરખામણીમાં આવાં મંદિરો વધુ લોકપ્રિય થયાં અને ધીમે ધીમે એ વસ્તીની અનેક પ્રવૃત્તિઓનાં કેન્દ્રરૂપ બન્યાં.
ધર્મશાસ્ત્રો પ્રમાણે મંદિરો બંધાવવાં, તેમનો જીર્ણોદ્ધાર કરાવવો, તેમના નિભાવનો પ્રબંધ કરવો વગેરે પુણ્યકાર્ય ગણાતાં. આથી રાજામહારાજાઓ, શ્રીમંત શ્રેષ્ઠીઓ અને સખીદાતાઓની ઉદાર સખાવતોથી તેમજ આમજનતાની સેવાભાવનાથી મંદિરનો એક કલ્યાણકારી સંસ્થારૂપે વિકાસ થયો. એમાં પ્રવૃત્તિઓને સંકલિત અને સંચારિત કરતાં વિવિધ અંગોપાંગો ઉમેરાયાં. ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને ચોકી ધરાવતાં મંદિરોમાં પછી નૃત્યમંડપ, ભોગમંડપ, ઉત્સવમંડપ, કથાકીર્તનમંડપ, પાંથશાળા વગેરેનો પણ ઉમેરો થયો. દેશના લગભગ બધા ભાગોમાં આવાં મંદિરો થયેલાં જોવા મળે છે. ઉત્તર ભારતમાં કાળબળે ખાસ કરીને મુસલમાનોનાં આક્રમણોને કારણે મંદિરોનો ભારે વિનાશ થયો હોઈને અને ત્યાં આવાં મંદિરોનો જીર્ણોદ્ધાર જવલ્લે જ થયો હોઈને એમના નમૂના જૂજ મળે છે. દક્ષિણ ભારતનાં મંદિરો એકંદરે વિનાશનો ભોગ ઓછાં બન્યાં હોઈ તેમજ ત્યાં જીર્ણોદ્ધાર અને નવાં મંદિરો બંધાવવાની પ્રવૃત્તિ વ્યાપકપણે પ્રચલિત હોવાથી આજે પણ ત્યાં સેંકડોની સંખ્યામાં મંદિરો ર્દષ્ટિગોચર થાય છે. ભારતમાંના મંદિર-સ્થાપત્યનો વિકાસ કાળાનુક્રમે આ પ્રમાણે તારવવામાં આવે છે :
પ્રાગ્ગુપ્ત અને ગુપ્તકાળ (ઈ. પૂ. 80 – ઈ. સ. 600) : ઉપલબ્ધ અવશેષોમાંથી સૌથી પ્રાચીન અવશેષ તક્ષશિલાના ખોદકામમાંથી મળેલા ઈ. પૂ. 80ના અરસાના એક મંદિરના છે. એ મંદિર બૌદ્ધ ચૈત્યના ઘાટનું હોવાનું લાગે છે. અલબત્ત, એમાં છત સપાટ છે. છેક પછીતના ભાગમાં વૃત્તાકાર ગર્ભગૃહ અને તેની સંમુખ સળંગ મંડપ કરી બંને ઉપર સળંગ સપાટ છાવણ છે. તેનું પ્રવેશદ્વાર ચૈત્યદ્વારને મળતું આવે છે.

ચિત્ર 6 : તક્ષશિલાનું મંદિર
મંદિર-સ્થાપત્યનો ખરો વિકાસ ગુપ્તકાળ(350–600)માં થયો. ભારતના ઇતિહાસમાં ગુપ્ત રાજવીઓની સિદ્ધિઓથી પાંગરેલી જાહોજલાલીના કાળમાં વૈવિધ્યપૂર્ણ વ્યાપક સાંસ્કૃતિક વિકાસના એક ભાગરૂપે મંદિર-સ્થાપત્યનો પણ વિકાસ થયો અને પૌરાણિક હિંદુ ધર્મનો પ્રબળપણે વ્યાપક પ્રસાર થતાં મંદિરો બાંધવાની પ્રવૃત્તિને ભારે વેગ મળ્યો. હિંદુઓ ઉપરાંત જૈનો અને બૌદ્ધોએ પણ પોતાનાં મંદિરો બંધાવ્યાં. આ કાળનાં મંદિરોના સહુથી જૂના અવશેષો ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમય(ઈ. સ. 376–414)ના સાંચીનામાં ર્દષ્ટિગોચર

ચિત્ર 7 : સાંચીનું મંદિર
થાય છે. આ મંદિરનું તલમાન ચોરસ અને તેના ઉપરનું છાવણ સપાટ છે. ગર્ભગૃહની આગળ સ્તંભયુક્ત ચોકી છે. ઉત્તરકાળમાં થયેલા સુવિકસિત દેવાલયનું આરંભિક સાદું સ્વરૂપ અહીં વ્યક્ત થયું છે. તિગવા(જિ. જબલપુર)નું કંકાલીદેવી મંદિર અને એરણ(જિ. સાગર, મધ્યપ્રદેશ)નું વિષ્ણુમંદિર આ પ્રકારનું આરંભિક સ્વરૂપ ધરાવે છે. જોકે, એરણના મંદિરનું ગર્ભગૃહ લંબચોરસ છે અને તે ઉત્કૃષ્ટ કોતરકામથી વિભૂષિત છે.
પાંચમી સદીથી મંદિરોમાં ગર્ભગૃહોને ફરતો પ્રદક્ષિણાપથ ઉમેરાવા લાગ્યો. બૌદ્ધ ચૈત્યમાં સ્તૂપને ફરતો પ્રદક્ષિણાપથ રખાતો તેનું આ અનુકરણ જણાય છે. સાધારણ રીતે પ્રદક્ષિણાપથને છાવણથી ઢાંકેલો રખાતો અને તેનું મંડપ સાથે સંયોજન સધાતું. આવે વખતે ઘણું કરીને મંડપની સંમુખ ત્રણ બાજુથી ખુલ્લો મુખમંડપ રચવામાં આવતો. વળી આ સમયથી ગર્ભગૃહની છત ઉપર કેટલીક વાર નાનો મજલો પણ કરવામાં આવતો. ગર્ભગૃહ પર શિખર કરવાની લાંબી ક્રમિક પ્રક્રિયામાં આ પહેલું પગથિયું ગણાય. આ પ્રકારના દેવાલયના સુંદર નમૂના મધ્યપ્રદેશના નચનાકુઠારાના પાર્વતીમંદિરમાં તેમજ અઈયોળના લાડખાનના મંદિરમાં નજરે પડે છે. આમાં લાડખાનના મંદિરની રચના તત્કાલીન સંથાગાર (સાર્વજનિક સભાસ્થળ) સ્વરૂપની જણાય છે.

ચિત્ર 8 : લાડખાનનું મંદિર, અઈયોળ
આનાથી જરા જુદો નમૂનો મધ્યપ્રદેશમાં નાગોડ પાસેના ભુમરા ગામના શિવાલયમાં જોવા મળે છે. એમાં પ્રદક્ષિણાપથ ઉપરથી ખુલ્લો છે અને મંદિરનાં પગથિયાંની બંને બાજુએ એક એક નાની દેરી કરેલી છે. અઈયોળનું દુર્ગામંદિર બૌદ્ધ ચૈત્યગૃહના નમૂના પરથી રચાયું હોવાનું જણાય છે. ઊંચા ઓટલા પર બંધાયેલા આ મંદિરમાં ગર્ભગૃહને ફરતો વૃત્તાકાર પ્રદક્ષિણાપથ અને તેની સંમુખ લાંબો મંડપ કરેલો છે. ગર્ભગૃહની ઉપરના મજલાને અહીં શિખરનું સ્વરૂપ અપાયેલું છે. મંડપ અને પ્રદક્ષિણાપથ ઉપરથી ઢાંકેલ અને પડખાંઓમાં ખુલ્લો છે. મંડપની સંમુખ નાનો લંબચોરસ મુખમંડપ કરેલો છે.
વિકાસના સંદર્ભમાં શિખરનું સ્વરૂપ ઘડાયું હોય એવા દેવાલયનો નમૂનો સૌપ્રથમ છઠ્ઠી સદીના દેવગઢ(જિ. ઝાંસી, મધ્યપ્રદેશ)ના દશાવતાર મંદિરમાં મળે છે. પથ્થરથી બાંધેલા આ મંદિરમાં પીઠની ચારે બાજુ વચ્ચે પગથિયાં અને એની દીવાલને ફરતો શિલ્પયુક્ત ગોખલાઓનો થર છે. ગર્ભગૃહની ચારેબાજુ ચાર ચાર સ્તંભોની હરોળવાળી એક એક ચોકી કાઢેલી છે. ગર્ભગૃહનું પ્રવેશદ્વાર અને બાકીની ત્રણ દીવાલો અનેક મૂર્તિશિલ્પોથી વિભૂષિત છે. આમાં દીવાલોની ટોચ પાસે નાના કમાનદાર ગોખલાઓનો પટ્ટ ખાસ ધ્યાન ખેંચે છે. ગર્ભગૃહની ઉપર ધીમે ધીમે સાંકડા થતા જતા થરોવાળું પિરામિડ-ઘાટનું શિખર છે. ગુજરાતમાં આવેલું ગોપ(જિ. જામનગર)નું મંદિર રચના પરત્વે દેવગઢના આ મંદિરને મળતું આવે છે. ભીતરગાંવ(જિ. કાનપુર)નું ઈંટેરી મંદિર પણ છઠ્ઠી સદીનું છે ને એમાં આડા છાદ્યના શિખરનો વિકાસ થયેલો નજરે પડે છે.

ચિત્ર 9 : દુર્ગામંદિર, અઈયોળ
શિખરરચનાનો વિકાસ થતાં આસપાસની વસ્તીનાં અન્ય મકાનોથી મંદિરનું મકાન અલગ તરી આવે છે. વળી શિખરરચનાના વિકાસના કારણે મંદિરની ભવ્યતા અને આકર્ષકતામાં અનેકગણો વધારો થયેલો જોવા મળે છે. તે પછીના કાળમાં મંદિર-સ્થાપત્ય એના વિકાસની ચરમ સીમાએ પહોંચ્યું.
અનુગુપ્તકાળ (ઈ. સ. 600થી 1000) : આ કાળ દરમિયાન વાસ્તુશિલ્પને લગતાં શાસ્ત્રો રચાયાં અને તેમને આધારે ઘણાં મંદિરો બંધાયાં. આ કાળના પૂર્વાર્ધમાં થયેલા મૌખરિઓ, વર્ધનો, મૈત્રકો, ચાલુક્યો અને પલ્લવોએ તેમજ તેના ઉત્તરાર્ધમાં થયેલા ગુર્જર-પ્રતીહારો, પાલ રાજાઓ, રાષ્ટ્રકૂટો વગેરેએ ધર્મ અને કલાપ્રવૃત્તિને આપેલા પ્રોત્સાહનથી કેટલાંક વિશાળ, ભવ્ય અને કલાત્મક મંદિરો બંધાયાં.

ચિત્ર 10 : દશાવતાર મંદિર, દેવગઢ
મંદિરમાં હવે ગર્ભગૃહની ઉપર નાનો મજલો ઉમેરાયો અને એ પછી સમય જતાં ક્રમશ: બીજા મજલા વધતા ગયા. બીજો ફેરફાર શિખરની રચનામાં થયો. હવે ગર્ભગૃહની છત દૂર કરીને એની અંદર સળંગ પોલાણ જળવાઈ રહે તે રીતે શિખરનું સ્વરૂપ ઘડાયું. એનો બાહ્ય આકાર ક્રમશ: ઘટતી જતી ઊંચાઈવાળા મજલા ધરાવતો પિરામિડ-ઘાટનો બન્યો. એ આકાર દક્ષિણ ભારતનાં મંદિરોનાં શિખરોમાં પછી પણ જળવાઈ રહેલો જોવામાં આવે છે. એમાં આડા ચોરસ મજલાઓ સમતલ રચનાને કારણે પરસ્પરથી અલગ પડી જાય છે. અનુકાલીન દેવાલયોમાં આ જાતના શિખરને દ્રાવિડ શૈલીનું લક્ષણ ગણવામાં આવે છે. ઉત્તર ભારતમાં આવાં દેવાલયોમાં એની ચારે તરફ ખાંચા (પ્રલંબ) કાઢીને એના ચોરસ તલમાનને બહુકોણી તારાકાર સ્વરૂપ આપવામાં આવ્યું. એના મજલાઓને અલગ પાડતા ખાંચાઓને ધીમે ધીમે ઊભી સળંગ રેખાઓથી સંયોજવામાં આવ્યા. તેને લઈને ચોરસ મજલાવાળા આડા (લંબચોરસ) ખંડોને બદલે બહુકોણ તલમાનયુક્ત ઊભા રેખાન્વિત શિખરનો સળંગ સુયોજિત ઘાટ ઘડાયો, જેનું ‘નાગર શૈલી’ એવું નામ પ્રચલિત થયું. આમ ઉત્તર ભારતમાં નાગર શૈલી અને દક્ષિણમાં દ્રાવિડ શૈલી મુખ્યત્વે પ્રચલિત રહી. ગુપ્તકાલમાં નાગર શૈલીના શિખરનું આરંભિક પગરણ દેવગઢના દશાવતાર મંદિરમાં અને ભીતરગાંવના ઈંટેરી મંદિરમાં જોવા મળે છે. તેનાં રેખાન્વિત સ્વરૂપનો વિકાસ આ કાળના સાતમી સદીના નચનાકુઠારાના શિવાલયમાં સ્પષ્ટપણે ર્દષ્ટિગોચર થાય છે. આ મંદિરનું શિખર હજી સારી સ્થિતિમાં છે અને તેની ટોચ પર આમલક ઘાટની શિલા જોવામાં આવે છે.

ચિત્ર 11 : નચનાકુઠારાનું શિવાલય
મધ્યપ્રદેશમાં આવેલું શિરપુર ગામનું લક્ષ્મણ મંદિર સમ્રાટ હર્ષવર્ધનના સમય(ઈ. સ. 606–647)નું મનાય છે. એમાં મંદિરની દીવાલોમાં પ્રલંબોની સંખ્યા વધારીને તેને આકર્ષક બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં આ સમયનાં રેખાન્વિત શિખરોનાં પગરણ સૂત્રાપાડા, કિંદરખેડા, સોનકંસારી, પાસ્તર, વઢવાણ, શામળાજી, રોડા, કંથકોટ, પુંઅરાનો ગઢ, કેરા અને કોટાયનાં મંદિરોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. બંગાળમાં દાલમી, સોનતાપ, બાહુલારા, પરૌલી, સિંબના, બહુમા, તિથૌરા વગેરે સ્થળોએ પણ આવેલાં આ કાળનાં મંદિરોમાં શિખરનું

ચિત્ર 12 : લક્ષ્મણ મંદિર, શિરપુર
વિકસિત સ્વરૂપ જોવામાં આવે છે. પંજાબમાં આવેલો મસરૂર(જિ. કાંગરા)નો મંદિરસમૂહ નાગર શૈલીના આકર્ષક નમૂનારૂપ છે. બૈજનાથ, બજૌરા અને કુલુમાં આવાં શિવાલયો આવેલાં છે. કુલુનું મંજુદેવીનું આઠમી-નવમી સદીનું મંદિર એમાં વિશેષ ધ્યાન ખેંચે છે. આના કરતાં એક સદી જૂનાં મંદિરો ચંબા પ્રદેશના બ્રહ્મૌર છત્રાઢીમાં રાજા મેરુવર્માએ બંધાવેલાં હતાં. એ જ પ્રમાણે આલમોડા અને કુમાઉંમાં પણ આ સમયનાં ઘણાં મંદિરો આવેલાં છે. રાજસ્થાનમાં ધામનારની ટેકરી ઉપર ઈ. સ. 800ના અરસાનું વિષ્ણુ મંદિર આવેલું છે.

ચિત્ર 13 : મહાકૂટેશ્વર મંદિર, બાદામી
દખ્ખણમાં બાદામીના ચાલુક્યોના પ્રોત્સાહનથી પાંગરેલી મંદિરશૈલીને ‘ચાલુક્ય શૈલી’ને નામે ઓળખવામાં આવે છે. એમાં ઉત્તરની નાગર અને દક્ષિણની દ્રાવિડ શૈલીનું સંમિશ્રણ થયું હોઈ શાસ્ત્રગ્રંથોમાં એને વેસર શૈલીનાં મંદિરો તરીકે ઓળખવામાં આવ્યાં છે. બાદામીનું મહાકૂટેશ્વર મંદિર આ શૈલીનો આરંભિક નમૂનો ગણાય છે. બાદામીમાં ટેકરી ઉપર આવેલું મલેગિત્તી શિવાલય પ્રમાણમાં મોટું અને વિકસિત છે. બીજી એક ટેકરી પર ગર્ભગૃહ, મંડપ અને ચોકી ધરાવતું શિવાલય પણ ચોરસ ઘાટનું શિખર ધરાવે છે. આ બંને શિવાલયોના શિખરની ટોચ અષ્ટકોણ-ઘૂમટના આકારની છે અને તેની આસપાસ મંદિરની નાની પ્રતિકૃતિઓ કરેલી છે. પુલકેશી બીજાનો પરાજય થતાં ચાલુક્ય રાજ્યનું પાટનગર બાદામીમાંથી ખસેડી પટ્ટડકલ લઈ જવાયું. સાતમી સદીના ઉત્તરાર્ધમાં અને આઠમી સદીના પૂર્વાર્ધમાં આ નવી રાજધાનીમાં અનેક દેવાલયો બંધાયાં. એમાં નાગર શૈલીનાં ચાર અને દ્રવિડ શૈલીનાં છ દેવાલયો નોંધપાત્ર છે.

ચિત્ર 14 : પાપનાથ મંદિર, પટ્ટડકલ
નાગર શૈલીના દેવાલયમાં અહીંનું પાપનાથનું દેવાલય મહત્વનું છે. એનું શિખર નાનું પણ નમૂનેદાર છે. એમાં ખૂણામાં આડા થરના ભેદ કરેલા છે. એમાં પ્રત્યેક બાજુનો ઊભો વચલો પ્રલંબ રેખાન્વિત છે. મંડપ ગર્ભગૃહ કરતાં પહોળો છે, જ્યારે અંતરાલ એક નાના મંડપ જેટલો વિશાળ છે. આ મંદિર ઈ. સ. 680ના અરસામાં બંધાયાનું જણાય છે.

ચિત્ર 15 : વિરૂપાક્ષ મંદિરનું તલમાન 1. ગર્ભગૃહ, 2. મંડપ, 3. નંદિ-મંડપ, 4. ગોપુરમ્, 5. પ્રાકાર.
અહીંનાં દ્રાવિડ શૈલીનાં મંદિરોમાં મહત્વનું મંદિર વિરૂપાક્ષનું છે. તે વિક્રમાદિત્ય બીજાના સમય (733–46) દરમિયાન બંધાયું હતું. પલ્લવ શૈલીના સ્થાપત્યની એના પર અસર વરતાય છે. મંદિરમાં ગર્ભગૃહ, મંડપ અને એ બે અંગોને જોડતો અંતરાલ પ્રમાણસર હોઈને સમગ્ર રચના સુચારુ લાગે છે. વિશાળ અને ભવ્ય મંદિરના આગળના ભાગમાં છૂટો નંદિ-મંડપ છે અને સમગ્ર પરિસરને ફરતો પ્રાકાર છે. એમાં દાખલ થવા માટે ગોપુરમ્ છે, જેમાં શિલ્પીઓનું કલાકૌશલ મુક્ત મને પ્રયોજાયેલું ર્દષ્ટિગોચર થાય છે.
દક્ષિણના પલ્લવ રાજ્યમાં શરૂઆતમાં શૈલ-ઉત્કીર્ણ મંદિરો કરવાનો પ્રચાર હતો. રાજસિંહના નામે પ્રખ્યાત થયેલા રાજા નરસિંહ વર્મા બીજાના સમય(695–722)થી દક્ષિણમાં ચણતરી મંદિરો કરવાની પ્રથા પ્રચારમાં આવી. આ શૈલીનાં ત્રણ ચણતરી દેવાલયોમાં મામલ્લપુરમના સમુદ્રતટે આવેલું શિવાલય ખાસ ઉલ્લેખપાત્ર છે.

ચિત્ર 16 : કૈલાસનાથ, કાંચી
‘સમુદ્રતટ મંદિર’ તરીકે જાણીતું આ મંદિર પૂર્વાભિમુખ છે. તેની પૂર્વમાં સમુદ્ર આવેલો હોવાથી મંડપને ગર્ભગૃહની પાછળ ગોઠવવામાં આવ્યો છે. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ છે અને આગળના ભાગમાં પ્રવેશ માટે નાનું ગોપુરમ્ રચાયેલું છે. ગોપુરમની સંમુખ ધ્વજસ્તંભ ઊભો કરેલો છે. મંદિરને ફરતો પ્રાકાર છે અને પાછળના ચોકમાં બે મંદિરો ઉમેર્યાં છે. એમાંના સપાટ છત ધરાવતા મંદિરમાં શેષશાયી વિષ્ણુની મૂર્તિ સ્થાપેલી છે બીજું મંદિર શિવાલય છે, અને તેના પર નાનું શિખર છે.
પલ્લવ રાજ્યના પાટનગર કાંચીપુરમ્માં આવેલ કૈલાસનાથનું ભવ્ય મંદિર રાજસિંહે બંધાવવું શરૂ કર્યું હતું, જે તેના પુત્ર પરમેશ્વરવર્મા બીજાના સમય(722–730)માં પૂર્ણ થયું હતું. એમાં દ્રવિડી શૈલીના શિખરવાળું ચોરસ ગર્ભગૃહ, સપાટ છત ધરાવતો છૂટો મંડપ અને ફરતી દેવકુલિકાઓ ધરાવતો વિશાળ પ્રાકાર આવેલાં છે. ચૌદમી સદીમાં ગર્ભગૃહ અને મંડપ વચ્ચે અંતરાલ ઉમેરી એ બંને અંગોને જોડી દેવામાં આવ્યાં. આ અંતરાલને કારણે મંદિરનો ઘણો ભાગ ઢંકાઈ ગયો છે. મંદિરના શિખરમાં દ્રાવિડ શૈલીનો વધુ વિકાસ જોવામાં આવે છે. એ પછી અહીં એક સદી બાદ બંધાયેલું વૈકુંઠપેરુમલનું મંદિર કૈલાસનાથ કરતાં પ્રમાણમાં મોટું, વિશાળ અને ભવ્ય છે. તેના સમચોરસ ગર્ભગૃહ પર દ્રાવિડ શૈલીનું ચાર મજલાવાળું શિખર કરેલું છે. મંદિરમાં સિંહસ્તંભાવલિયુક્ત પ્રદક્ષિણાપથ છે.
આ કાળમાં ખડક કોરીને મહાબલિપુરમમાં રથમંદિરો, ધારાપુરી(એલિફન્ટા)માં ત્રિમૂર્તિશિવ અને ઈલોરામાં કૈલાસ મંદિર વગેરે સંખ્યાબંધ મંદિરો નિર્માણ પામ્યાં. આમાં કૈલાસ મંદિર તેના સ્થાપત્યની ભવ્યતા અને શિલ્પ-સજાવટની અનુપમતાને લીધે ભારતીય મંદિર-સ્થાપત્યનું ઘરેણું ગણાયું છે.
પૂર્વમધ્યકાળ અથવા રાજપૂતકાળ (1000થી 1300) : આ સમયગાળો મંદિર-સ્થાપત્યનો સુવર્ણકાળ ગણાય છે. આ સમયે દેશના લગભગ બધા જ ભાગોમાં ભવ્ય મંદિરો બંધાયાં. ઓરિસા, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુમાંથી આ સમયનાં મંદિરોના અવશેષો ઉપલબ્ધ છે; જ્યારે પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ અને રાજસ્થાનનાં મોટા ભાગનાં મંદિરો મુસ્લિમ આક્રમણકારોનો ભોગ બન્યાં અને જીર્ણોદ્ધારના અભાવને લઈને કાળના ગર્તમાં વિલીન થઈ ગયાં છે. આ કાળમાં નાગર અને દ્રાવિડ બંને શૈલીઓનો પ્રાદેશિક સ્વરૂપોમાં અપૂર્વ વિકાસ થયો હતો. એમાં ઓરિસા શૈલી વિશિષ્ટ મહત્વ ધરાવતી પ્રતીત થાય છે.

ચિત્ર 17 : અનંતવાસુદેવ મંદિર, ભુવનેશ્વર 1. બાડા દેઉલ, 2. જગમોહન, 3. નાટમંડપ, 4. ભોગમંડપ.
ઓરિસામાં 750થી 1300 દરમિયાન ભુવનેશ્વર અને તેની આસપાસના પ્રદેશમાં અનેક મંદિરો આ શૈલીમાં બંધાયાં. ઓરિસામાં ગર્ભગૃહને ‘બાડા દેઉલ’ અને મંડપને ‘જગમોહન’ કહે છે. જગમોહનની આગળ આ કાળમાં ‘નાટમંડપ’ (નૃત્યમંડપ) અને ‘ભોગમંડપ’ (ભેટ-મંડપ) એવાં બે અંગો ઉમેરાયાં. આ ચારેય મકાનો સામાન્ય રીતે એક જ હરોળમાં બાંધવામાં આવતાં. મંદિરોના બાંધકામમાં સ્તંભોનો અભાવ, અંદરના ભાગમાં બિલકુલ સાદાઈ અને બહારની દીવાલોમાં વરતાતી શિલ્પપ્રચુરતા વગેરે આ શૈલીની ખાસ વિશિષ્ટતાઓ છે. આ સ્તંભરહિત શૈલી પછીના કાળમાં પણ ચાલુ રહેલી જોવામાં આવે છે. આથી છતને ટેકવવા માટે અહીં મંદિરોમાં લોખંડના પાટડાઓનો પ્રયોગ વ્યાપકપણે થયેલો ર્દષ્ટિગોચર થાય છે. ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર દસમી સદીમાં બંધાયેલું ઓરિસા શૈલીનું નમૂનેદાર મંદિર છે. 158 × 141 મીટરના વિશાળ પટાંગણમાં ઊભેલા આ મંદિરના દેઉલ પરનું શિખર 49 મીટર ઊંચું છે. શંકુ જેવા મધપૂડાના આકારનું શિખર 16.5 મીટરની ઊંચાઈએ નયનરમ્ય વળાંક ધારણ કરીને અંદરની તરફ વળે છે. એ વળાંક કંઠ અને એના પરના આમલક પાસે જઈ મળે છે. શિખરની ઊભી રેખાઓ બહારના ભાગને આકર્ષક બનાવે છે. અંગ-ઉપાંગોની પરિપૂર્ણતા, સપ્રમાણતા, નયનરમ્ય વળાંક અને સુંદર શિલ્પ-સજાવટને લીધે તે ભારતીય મંદિર-સ્થાપત્યનું સીમાચિહ્ન ગણાયું છે. અહીંનું બ્રહ્મેશ્વર મંદિર પંચાયતન પ્રકારનું છે. પંચાયતનમાં મધ્યમાં મુખ્ય મંદિર અને એના ચાર ખૂણે ચાર મંદિર એમ પાંચ મંદિરો કરેલાં હોય છે. અહીં શિવ મધ્યમાં અને બાકીનાં ચાર મંદિરોમાં ગણેશ, શક્તિ, વિષ્ણુ અને સૂર્યની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાઈ છે. અનંતવાસુદેવ મંદિર લિંગરાજની નાની પ્રતિકૃતિ જેવું છે. જ્યારે રાજારાણી મંદિરમાં મુખ્ય શિખરને ફરતી એની નાની પ્રતિકૃતિઓ ઉમેરેલી છે. પુરીનું જગન્નાથ મંદિર રચના પરત્વે લિંગરાજને મળતું વિશેષ આવે છે. અલબત્ત, ઊંચાઈ અને વિસ્તાર પરત્વે એ લિંગરાજ કરતાં મોટું છે. જોકે એની શિલ્પ-સજાવટ ઉત્કૃષ્ટ કક્ષાની જણાતી નથી. ઓરિસા શૈલીની કીર્તિ ગંગવંશના રાજા નરસિંહ પહેલા(1238–64)એ બંધાવેલા કોનાર્કના સૂર્યમંદિરમાં ચરમ સીમાએ પહોંચી હતી. સ્થાપત્ય અને શિલ્પ બંનેનું અનુપમ સંયોજન ધરાવતા આ મંદિરને સૂર્યદેવના રથનું સ્વરૂપ આપેલું છે. પીઠમાં બંને બાજુ 3.3 મી. ઊંચા અલંકૃત ચક્રોવાળા એ રથને સાત ઘોડા ખેંચતા હોય એવું નયનરમ્ય ર્દશ્ય ખડું થાય છે. આયોજન અને રચના પરત્વે સમગ્ર મંદિર સંપૂર્ણ અને અનુપમ બન્યું છે. 263.6 × 164.6 મી.ના વિશાળ પ્રાંગણમાં ઊંચી પીઠ ઉપર 68.6 મી. ઊંચું દેઉલ કરવામાં આવેલું, જે નષ્ટ થયું છે. તેની સમ્મુખનું 30.4 × 30.4 મી.નું સમચોરસ તલમાનવાળું અને 30.4 મી.ની ઊંચાઈ ધરાવતું જગમોહન એની ભવ્યતાનો ખ્યાલ આપતું ઊભું છે. તેની સમ્મુખ છૂટો નાટમંડપ છે. જગમોહન અને નાટમંડપ પરનાં શિલ્પો ઓરિસા શૈલીના ઉત્કૃષ્ટ નમૂના ગણાય છે.

ચિત્ર 18 : કંદારિયા મહાદેવ, ખજુરાહો
મધ્યપ્રદેશમાં નાગર શૈલીની એક અનુપમ પ્રાદેશિક શૈલી દસમી-અગિયારમી સદીઓ દરમિયાન ખજુરાહોનાં મંદિરોમાં પૂર્ણપણે વિકસેલી જોવા મળે છે. ચંદેલ્લ રાજાઓની ઈ. સ. 950–1050 દરમિયાન રાજધાની રહેલા ખજુરાહોમાં 85 જેટલાં ભવ્ય અને સુંદર મંદિરો બંધાયાં હતાં. આમાં મુખ્યત્વે શૈવ, કેટલાંક વૈષ્ણવ અને બાકીનાં જૈન ધર્મને લગતાં હતાં. આ પૈકી અત્યારે કેવળ વીસેક મંદિરો જળવાયાં છે. સ્થાપત્યની ર્દષ્ટિએ આ મંદિરો કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ ધરાવે છે. મંદિરો ઊંચી નક્કર પીઠ પર ઊભેલાં છે, પરંતુ ફરતો પ્રાકાર કરેલો નથી. તલદર્શનમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને મુખમંડપ – એવાં ચાર અંગો અને ઊર્ધ્વ દર્શનમાં પીઠ, મંડોવર અને શિખર નામે ત્રણ અંગો ધરાવે છે. મંડોવરમાં ઝરૂખાવાળી બારીઓ દ્વારા ગર્ભગૃહમાં હવાઉજાસ પ્રસરે છે. શિખરની ઊભી રેખાઓ વળાંક લઈ આમલક ઉપર કેન્દ્રિત થાય છે. શિખર ઉપર ઉર:શૃંગો અને શૃંગિકાઓ કરેલી હોય છે. મોટાં મંદિરોમાં ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ પણ કરાય છે. ખજુરાહોનાં મંદિરોની અંદરની તેમજ બહારની દીવાલો, છતો, સ્તંભો તેમજ પાટડા વગેરે પર દિક્પાલો, અપ્સરાઓ, સુર-સુંદરીઓ, કામરત યુગલો, વિદ્યાધરો, નાયિકાઓ વગેરેનાં માનવકદનાં સુંદર શિલ્પ-સુશોભનો છે. કુશળતાપૂર્વકનું સંયોજન, રમણીય દેખાવ અને મનોહર શિલ્પોને કારણે આ મંદિરનગર ભારતીય કલાનું તીર્થ બન્યું છે.

ચિત્ર 19 : કંદારિયા મહાદેવનું તલમાન 1. ગર્ભગૃહ, 2. પ્રદક્ષિણાપથ, 3. મહામંડપ, 4. મંડપ.
અહીં દસમી સદીમાં બંધાયેલાં મંદિરોમાં વામન, આદિનાથ, જગદંબા, લક્ષ્મણ (ચતુર્ભુજ) વગેરે મહત્વનાં છે. આમાં લક્ષ્મણ મંદિર પંચાયતન પ્રકારનું છે. અગિયારમી સદીના આરંભમાં બંધાયેલ વિશ્વનાથ મંદિર અને કંદારિયા મહાદેવ મંદિર બંને પંચાયતન પ્રકારનાં છે. પરંતુ એ બંનેમાં કંદારિયા મંદિર વધુ મોટું અને વધુ સુંદર હોવા ઉપરાંત ખજુરાહોનાં સર્વ મંદિરોમાં શ્રેષ્ઠ છે. 31 × 20 × 31 મી.નું માપ ધરાવતું આ મંદિર ગર્ભગૃહ, અંતરાલ, મહામંડપ, મંડપ, અર્ધમંડપ કે મુખમંડપ અને પ્રદક્ષિણાપથ – એ છયે અંગોનો સુંદર સમન્વય ધરાવતું હોઈને એક જ ભવન જેવું પ્રતીત થાય છે. એનું સ્વરૂપ કૈલાસ પ્રાસાદનું છે; અર્થાત્ શિખર, એમાંથી નીકળતાં ઉર:શૃંગો, નાનાં શૃંગો અને નાની નાની શૃંગિકાઓને કારણે તે નાનાં-મોટાં શિખરોથી આવૃત પર્વતની મનોહરતા ધારણ કરે છે. મંડપ અને પ્રદક્ષિણાપથમાં હવા-ઉજાસ માટે કલાત્મક બારીઓની ગોઠવણ છે. પ્રવેશદ્વાર પરનું તોરણ બારીક કોતરણીને લીધે મનોહર બન્યું છે. મંડપો પરનાં પિરામિડ-ઘાટનાં છાવણ પણ આમલક, કલશ અને શિખરની નાની પ્રતિકૃતિઓથી સુશોભિત કરાયાં છે. ગર્ભગૃહની મધ્યમાં શિવલિંગ છે. તેની બંને બાજુની દીવાલો પર બ્રહ્મા અને વિષ્ણુનાં શિલ્પો મૂકેલાં છે.
ખજુરાહો શૈલીનું વધુ વિકસિત સ્વરૂપ અગિયારમી-બારમી સદીના જબલપુર પાસેના ભેડાઘાટના ચોસઠ યોગિનીના મંદિરમાં તેમજ ગ્વાલિયરના સાસ-બહૂ નામે વૈષ્ણવમંદિરમાં ર્દષ્ટિગોચર થાય છે.

ચિત્ર 20 : ઉદયેશ્વર, ઉદયપુર
રાજસ્થાનમાં અગિયારમી સદીમાં નાગર શૈલીના આભૂષણરૂપ અનેક મંદિરો બંધાયાં, તેમાં કિરાડુનું સોમનાથ મંદિર અને ઉદયપુરનું ઉદયેશ્વર મંદિર નમૂનેદાર છે. બંગાળમાં બહુલારા(જિ. બાંકુરા)નું સિદ્ધેશ્વર મંદિર, દેહાર(જિ. બાંકુરા)નાં બે પ્રાચીન મંદિરો તેમજ સુંદરવનનું જટાર દેઉલ નામનું ઈંટેરી મંદિર સુરેખ, સપ્રમાણ અને આછાં અલંકરણયુક્ત હોઈને મનોહર લાગે છે.
બંગાળમાં આ કાળનાં મંદિરોમાં બાંકુરા જિલ્લાનાં બહુલારા અને દેહારનાં ઈંટેરી મંદિરો મહત્વનાં છે. બહુલારાના સિદ્ધેશ્વર મંદિરને ફરતી આઠ દેરીઓ હતી. ત્રિકોણાકાર બારીયુક્ત પ્રવેશદ્વાર, વિવિધ થરયુક્ત પીઠ, પાંચ રથમાં વિભક્ત મંડોવર, ત્રણ બાજુએ નાનાં શિખરવાળા ગોખલા અને શિખરની ગંડીમાં ચૈત્યબારી, જાળી તેમજ લઘુશિખરોમાં સુશોભન આ મંદિરને આકર્ષક બનાવે છે. દેહારનું ‘જટાર દેઉલ’ પણ સુરેખ, સપ્રમાણ અને આછા અલંકરણયુક્ત હોઈને મનોહર લાગે છે.
દખ્ખણમાં તાપી અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં અગિયારમીથી તેરમી સદી દરમિયાન સોલંકી અને ચાલુક્ય શૈલીના સમન્વયથી એક નવીન શૈલી પાંગરી. અંબરનાથ (જિ. થાણા), સિન્નાર (જિ. નાશિક), બલસણે (જિ. ખાનદેશ) અને પેડગાંવ(જિ. અહમદનગર)નાં મંદિરો આ દખ્ખણી શૈલીના ઉત્તમ નમૂના ગણાય છે. આ મંદિરોમાં ગર્ભગૃહ અને મંડપ હોય છે, પણ તેના મંડપમાં ત્રણ પ્રવેશદ્વાર અને તેની આગળ એકેક મુખમંડપ રખાય છે. મંદિરના તલમાનમાં પ્રક્ષેપો વધારાતાં બહારનો ભાગ તદ્દન તારાકાર બની ગયો છે. મંદિરના થરવાળા ઘાટમાં ‘કણી’નું મંડપના સ્તંભો અને દ્વારશાખાના સ્તંભોમાં પણ પુનરાવર્તન થયું છે. આ મંદિરોમાં શિખરઘાટની શૃંગિકાઓની ઉતરડ કરવામાં આવી હોઈ તે અન્ય મંદિરોથી બિલકુલ ભિન્ન પડી જાય છે. તેરમી સદી દરમિયાન બંધાયેલ નાગનાથ મંદિર (જિ. ઔંધ), દૈત્યસૂદન મંદિર (જિ. લોનાર) અને સતગાંવનું વિષ્ણુ મંદિર પણ ઉલ્લેખપાત્ર છે.
શિલ્પશાસ્ત્રમાં જેને ‘વેસર’ શૈલી કહેવામાં આવી છે તે ચાલુક્ય શૈલી આંધ્ર-કર્ણાટકના વિન્ધ્ય અને કૃષ્ણા નદી વચ્ચેના પ્રદેશમાં મુખ્યત્વે પ્રચલિત થયેલી જોવામાં આવે છે. ઉત્તરકાલીન ચાલુક્યો અને તેમના હોયસળ વંશના સામંતોના રાજ્યકાળ (અગિયારમીથી તેરમી સદી) દરમિયાન ચાલુક્ય શૈલીનાં ઘણાં ઉત્તમ મંદિરો રચાયાં.
આ શૈલીનાં મંદિરોમાં ગર્ભગૃહ, શુકનાસ નવરંગ (મંડપ) અને ક્વચિત્ મુખમંડપ જોવામાં આવે છે. એમાં ક્યારેક એકથી વધુ મંદિરોનું સંયોજન પણ થતું નજરે પડે છે. મંદિરની બહારની બાજુએ ભદ્રાદિ પ્રક્ષેપોનું પુનરાવર્તન થતાં તલમાન તારાકાર બનતું જણાય છે. હોયસળ મંદિરોનું તલમાન ઘણુંખરું અષ્ટભદ્ર પ્રકારનું હોય છે. એમાં મંદિર ઘણી ઊંચી પીઠ પર બાંધવામાં આવે છે. એમાં પ્રદક્ષિણાપથ હોતો નથી, પરંતુ ફરતો ખુલ્લો ભાગ પ્રદક્ષિણાપથનું કામ આપે છે. મંદિરનાં શિખર ઉપર જતાં નાનાં થતાં જાય છે. એક ઉપર એક આડા મજલા (છાદ્ય) ચડાવવામાં આવે છે. શિખરની ટોચ ઘૂમટઘાટની રખાય છે. આડા થર(છાદ્ય પ્રાસાદ)ની પદ્ધતિને કારણે આ શૈલીનાં મંદિરોનાં શિખરો નીચાં લાગે છે. શિખરને ફરતી નાની-નાની પ્રતિકૃતિઓ એને સુંદર બનાવે છે. નવરંગ ઉપરનું છાવણ સપાટ હોય છે. શિલ્પપ્રચુરતા એ આ શૈલીની વિશેષતા છે. દીવાલની સપાટીમાં શિલ્પયુક્ત આડા થર કરવાની પદ્ધતિ નિશ્ચિતપણે જોવામાં આવે છે. મંદિરમાં પીઠ, ગર્ભગૃહ અને મંડપની દીવાલોમાં પણ શિલ્પ-થર ચારે તરફ ફરી વળે છે. એમાં ગજથર, અશ્વથર, ગ્રાસપટ્ટી અને એના ઉપર રામાયણ, મહાભારતના પ્રસંગોનાં વિવિધ ર્દશ્યોનો પહોળો પટ હોય છે. એમાં ઉપર વ્યાળથર અને હંસથર હોય છે. ગર્ભગૃહના મંડોવરના ગોખલામાં દેવ-દેવીઓની સુંદર પ્રતિમાઓ હોય છે. અલંકૃત સ્તંભરચના પણ આ શૈલીની વિશેષતા છે. સ્તંભની નીચે ચોરસ કુંભી, તેના ઉપર ઘંટાકારે દંડનો નીચલો ભાગ, વૃત્તાકાર સરુ અને ભરણી, ભરણીના મહાકાય ટેકાઓમાં વિશાળકાય શિલ્પો વગેરે પણ કલાત્મક લાગે છે.
અગિયારમી સદીમાં બંધાયેલા કુક્કનુર(જિ. હૈદરાબાદ)ના કલેશ્વર મંદિરમાં શિખરનો ઘાટ ચાલુક્ય શૈલીના પ્રારંભનો સૂચક છે. ધારવાડ જિલ્લાના ગદગ પાસે આવેલાં લકકુંડીનાં જૈન મંદિરો, ચૌડાદમપુરનું મુક્તેશ્વર મંદિર તથા હરલહલ્લીના સોમેશ્વર મંદિરમાં આ શૈલીનું વિકસિત રૂપ નજરે પડે છે; જ્યારે બારમી સદીમાં બંધાયેલાં મંદિરોમાં લકકુંડીનું કાશીવિશ્વેશ્વર મંદિર કાટખૂણે જોડેલાં ગર્ભગૃહોવાળું દ્વિકૂટાચલ મંદિર છે. ઇત્તગી(જિ. હૈદરાબાદ)નું મહાદેવ મંદિર ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, સભામંડપ અને મુખમંડપનું બનેલું છે. એમાં બધાં અંગો પ્રમાણસર બનેલાં છે. સભામંડપ, પીઠ, મંડોવર, શિખર અને સ્તંભો શિલ્પસમૃદ્ધિથી ભરપૂર છે. ડંબલ(જિ. ધારવાડ)નું દોદ્દા બાસપ્પનું મંદિર અષ્ટભદ્ર તલમાન ધરાવે છે.
મૈસૂર પ્રદેશનાં હોયસળ રાજાઓએ કરાવેલાં મંદિરો ચાલુક્ય શૈલીનાં લક્ષણો ઉપરાંત કેટલાંક વિશિષ્ટ લક્ષણો પણ ધરાવે છે. એમાં વચલા મંડપની આસપાસ બેથી પાંચ ગર્ભગૃહો કરેલાં હોય છે. એનાં શિખર દ્રાવિડ ઘાટનાં હોય છે, પણ સાથોસાથ નાગર શૈલીની ઊભી રેખાઓય કરાતી હોય છે, આ શૈલીનાં મંદિરોમાં 1117નું બેલુર(જિ. હસન)નું ચેન્નાકેશવ મંદિર વિખ્યાત છે. ઊંચી સુશોભિત પીઠ ઉપર પૂર્વાભિમુખ ઊભેલા આ મંદિરમાં મંડપની ત્રણ બાજુએ પગથિયાંવાળાં પ્રવેશદ્વારો અને તે પગથિયાંની બંને બાજુ એકેક શિખરાન્વિત દેવકુલિકાઓ જોવા મળે છે. એમાં દ્વારપાલોની પૂરા મનુષ્યકદની પ્રતિમાઓ સ્થાપેલી છે. દ્વારશાખ, ઉદુમ્બર અને ઓતરંગ શિલ્પપ્રચુર છે. હલેબીડનું 1268માં બંધાયેલું કેશવ મંદિર સ્વસ્તિકાકાર ધરાવે છે. એમાં નવરંગની ત્રણેય બાજુએ ત્રણ ગર્ભગૃહો અને પૂર્વમાં મુખમંડપ કરવામાં આવેલ છે. ચોકને ફરતી 64 દેરીઓ કરેલી છે. એમાં દરેક ગર્ભગૃહની આગળના ભાગમાં શુકનાસ છે. પીઠ, મંડોવર, છતો, સ્તંભો તેમજ દ્વાર પરનાં શિલ્પો સુંદર અને નયનરમ્ય છે. તેરમી સદીના અંતમાં આરંભાયેલું આ મંદિર ચૌદમી સદીમાં હોયસળ રાજ્યની પડતી થતાં અપૂર્ણ રહી ગયું. છત અને શિખર અપૂર્ણ હોવા છતાં અંગોની સપ્રમાણતા અને શિલ્પોની ચારુતા મંદિરને અનુપમ આકર્ષણ બક્ષે છે. મંદિરની સંયુક્ત પીઠના સળંગ નવ-સુશોભિત થરો, દેવદેવીઓનાં શિલ્પો, 122 મીટર લાંબો વિશાળ શિલ્પપટ, સ્તંભો, કક્ષાસનો, જાળીઓની પડદીઓ વગેરે શિલ્પકળાના સુંદર નમૂનારૂપ છે.

ચિત્ર 21 : બૃહદીશ્વર મંદિર, તાંજાવુર
સુદૂર દક્ષિણમાં આ કાળ દરમિયાન ચોળ રાજાઓના આશ્રય નીચે ભવ્ય મંદિરો બંધાયાં. અહીં અગાઉ પલ્લવ રાજાઓના અમલ દરમિયાન દ્રાવિડ શૈલી પ્રચલિત થયેલી. એ શૈલીને ચોળ રાજાઓએ ભારે પ્રોત્સાહન આપતાં એમાંથી ચોળ શૈલી પાંગરી. વિશાળકાય વિમાન (શિખર), મધ્યમાં વિસ્તૃત ચોક અને ઉત્તુંગ ગોપુરમ્ – એ આ શૈલીની વિશેષતા છે. આ શૈલીની શ્રેષ્ઠ અભિવ્યક્તિ તાંજાવુરના રાજરાજેશ્વર કે બૃહદીશ્વર અને ગંગઈકોન્ડ ચોળપુરમના મહામંદિરમાં થયેલી છે. બૃહદીશ્વર મંદિર રાજરાજ ચોળે (985–1014) બંધાવેલું છે. 152 × 76 મી.ના પ્રાકારયુક્ત ચોગાનમાં બંધાયેલા મંદિરનું છેક આગળનું ગોપુરમ્ પછીના સમયનું ઉમેરણ છે. અંદરના મુખ્ય ગોપુરમ્ દ્વારા મુખ્ય ચોકમાં જવાય છે. ચોકને ફરતો પ્રદક્ષિણાપથ છે. બહારનો અને અંદરનો બંને ચોક 76 × 76 મી.નું સમચોરસ સ્વરૂપ ધરાવે છે. અંદરના ચોકમાં પાછળના ભાગમાં ઊંચા વિમાન સહિતનું ગર્ભગૃહ છે. તેની સંમુખ મંડપ, મુખમંડપ અને નંદિમંડપ છે. શિખર જમીનથી 58 મી. ઊંચું છે, જે ભારતનાં પ્રાચીન ચણતરી દેવાલયોમાં વિરલ છે. મંદિરની ઊંચાઈ ત્રણ ભાગોમાં વહેંચાય છે. નીચેનો સીધો ભાગ 15 મી. ઊંચો છે અને તેના મંડોવરમાં સુંદર ગોખલાઓ કાઢેલા છે. તેની ઉપર પિરામિડ ઘાટનું, ઉત્તરોત્તર નાના થતા તેર મજલા ધરાવતું શિખર કર્યું છે જેના ઉપર ચડતા પ્રક્ષેપો આડા કલાત્મક પટાઓથી છેદાય છે. છેક ટોચે લગભગ 8 મી.ની ઊંચાઈ ધરાવતી સ્તૂપિકાની મનોહર રચના કરેલી છે. મંદિરના ગર્ભગૃહમાં ચાર મીટર ઊંચું નક્કર પથ્થરનું શિવલિંગ સ્થાપેલું છે. નંદિમંડપમાં એક જ પાષાણમાંથી કંડારેલો ચાર મીટર ઊંચો નંદિ પ્રતિષ્ઠિત છે. પીઠ, પ્રદક્ષિણાપથ, શિખર વગેરે દેવદેવીઓનાં શિલ્પોથી ખચિત છે. મંદિરના બૃહત્કદમાં રહેલી સંવાદિતા તેમજ આકર્ષક સુશોભનોને લઈને આ મંદિર ભારતીય મંદિરોની પ્રથમ પંક્તિમાં સ્થાન પામ્યું છે. ગંગઈકોન્ડ ચોળપુરમનું મંદિર રાજેન્દ્ર ચોળે (1012–1044) બંધાવેલું છે. પ્રાકારવાળા વિશાળ ચોકમાં બંધાયેલા આ મંદિરનો મંડપ ધ્યાનાકર્ષક છે. 53 × 29 મી.ના આ મંડપની છત 150 સ્તંભો વડે ટેકવેલી છે. વિતાન સપાટ અને નીચું છે. 30.4 × 30.4 મી.ના વિશાળ ગર્ભગૃહ પર 48.7 મી. ઊંચું આઠ મજલાવાળું શિખર શોભે છે. આ બંને મંદિરોના ચોકમાં પ્રવેશ કરવાનાં સ્થાનોમાં કરેલાં અનેક મજલાવાળાં ભવ્ય ગોપુરો પણ અજોડ છે.
મદુરાના પાંડ્ય રાજાઓના સમયમાં ઉપર્યુક્ત ચોળ શૈલીનો વિકાસ થયો અને તેમાંથી પાંડ્ય શૈલી પ્રગટી. હવે મંદિરમાં શિખરને બદલે ‘ગોપુરમ્’ પ્રધાન અંગ બન્યું. કેટલેક સ્થળે ગોપુરમ્ શિખર કરતાં પણ ઊંચાં બન્યાં. મંદિરને ફરતા બે, ત્રણ કે વધુ પ્રાકારો બનાવી દરેકની મુખ્ય દિશામાં ગોપુરો બનાવવામાં આવ્યાં. પ્રાકારની દીવાલો સાદી રખાઈ, પણ ગોપુરમનો ઇંચેઇંચ ભાગ દેવ-દેવીઓ, ઋષિઓ, નરનારીઓ વગેરેનાં સુંદર ભાવપૂર્ણ શિલ્પોની સજાવટ પામ્યો. શ્રીરંગમ્, ચિદંબરમ્, કુંભકોણમ્ અને તિરુવન્નમલઈનાં મંદિરોમાં ઉત્તમ ગોપુરો જોવા મળે છે. આમાં ચિદંબરમ્ મંદિરનું પૂર્વ તરફનું સાત મજલાવાળું ગોપુરમ્ પાંડ્ય શૈલીનો ઉત્તમ નમૂનો ગણાય છે.
ઉત્તર મધ્યકાળ અથવા ઇસ્લામકાળ (ઈ. સ. 1300–1707) : આ કાળમાં દેશના ઘણા ભાગોમાં મુસ્લિમ હકૂમત પ્રવર્તી. તેની સાથોસાથ મંદિરો બાંધવાની કે તેમનો જીર્ણોદ્ધાર કરવાની પ્રવૃત્તિમાં ભારે ઓટ આવી. મુસલમાનોને હાથે તેમજ કાળબળે પણ ઘણાં મંદિરો નાશ પામ્યાં. એ પૈકીનાં જૂજ જીર્ણોદ્ધાર પામ્યાં. નવાં મંદિરો બાંધવાની પ્રવૃત્તિ મુસ્લિમ રાજ્યોમાં તો લગભગ બંધ પડી ગઈ. જોકે આ ગાળા દરમિયાન ટકેલાં હિંદુ રાજ્યોમાં કેટલાંક ભવ્ય મંદિરો બંધાયાં. આમાં ઓરિસા, ગુજરાત અને દખ્ખણમાં અને પછીથી મેવાડ અને વિજયનગરમાં બંધાયેલાં મંદિરોનો ખાસ નિર્દેશ કરી શકાય. રચના પરત્વે આ મંદિરો તેમની પૂર્વકાલીન સ્થાનિક શૈલીને ઘણે અંશે અનુસર્યાં હોવાનું જણાય છે.
મેવાડમાં રાણકપુરનું પ્રસિદ્ધ જૈન મંદિર આ સમયે રચાયું. 3,716 ચોમી.ના વિસ્તારમાં 1,424 સ્તંભો વડે રચાયેલા 29 મંડપથી યુક્ત ચતુર્મુખ પ્રાસાદમાં ફરતી 83 દેવકુલિકાઓ કરેલી છે. મુખ્ય મંદિરમાં ઋષભદેવની ચૌમુખ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. એ ગર્ભગૃહને ચારે બાજુ દ્વાર છે. ઉપરના મજલે પણ આવું જ ચાર દ્વારયુક્ત ગર્ભગૃહ છે. આ મંદિર ‘ત્રૈલોક્યદીપક’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. આ સંદર્ભમાં આબુનાં જૈન દેરાંની કોયણી (કોતરણી) અને રાણકપુરની માયણી (મંડપવ્યવસ્થા) એવી લોકોક્તિ ગુજરાત-રાજસ્થાનમાં પ્રસિદ્ધ થઈ છે. વિજયનગરમાં 1350–1565 દરમિયાન વિશિષ્ટ મંદિર-સ્થાપત્યશૈલી પ્રગટી. વિશાળ પથ્થરોને કોરીને કરવામાં આવેલા ભવ્ય, કલાત્મક

ચિત્ર 22 : ત્રૈલોક્યદીપક, રાણકપુર
સ્તંભો – એ એની ખાસ વિશેષતા છે. મંદિરની મધ્યમાં એક સ્તંભ અને ફરતી નાની સ્તંભાવલિઓ છે. એમના પરનાં દેવી-દેવતા, મનુષ્ય, પશુ તેમજ વ્યાળનાં તેમજ યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેનાં સુંદર શિલ્પોથી તેનું સ્થાપત્ય પ્રભાવક લાગે છે. આ પ્રકારના શિલ્પ-સમૃદ્ધ વિશાળ સ્તંભો વિજયનગર, કુંભકોણમ્, શ્રીરંગમ્ તેમજ મદુરાનાં મંદિરોમાં પણ છે. આ શૈલીનાં મંદિરોમાં દેવતાગાર (ગર્ભગૃહ), સભામંડપ, મુખ્ય દેવતાની દેવી માટે ઉત્તરમાં પૂર્વાભિમુખ કરવામાં આવતું ‘અમ્મા મંદિર’ અને મંદિરના અગ્રભાગમાં સુંદર ‘કલ્યાણમંડપ’ હોય છે. આ શૈલીનાં મંદિરોમાં બેલુરનાં મંદિરો, કાંજીવરમનું એકાગ્રનાથ મંદિર, હમ્પીનું કૃષ્ણદેવરાયે બંધાવેલ વિઠ્ઠલ મંદિર તેમજ હજારારામ મંદિર ગણાવી શકાય. આમાંનાં મોટાભાગનાં મંદિરો નષ્ટ થઈ ગયાં છે; પરંતુ તેમના અવશેષો પરથી તેમની ભવ્યતા અને કમનીય સુંદરતા છતી થયા વિના રહેતી નથી.
મુઘલકાળ (1526–1707) દરમિયાન ધર્મસહિષ્ણુતા લગભગ જળવાઈ રહી હોવાથી હિંદુ સ્થાપત્યને ક્યાંક ક્યાંક વેગ મળ્યો. કેટલાંક પ્રાચીન મંદિરોનો જીર્ણોદ્ધાર થયો અને ક્યાંક નૂતન મંદિરો પણ બંધાયાં, પરંતુ ઔરંગઝેબની અસહિષ્ણુ ધર્મનીતિને કારણે એમાં ઓટ આવી. એમાંનાં કેટલાંકનો નાશ પણ કરાયો. આ સમયનાં પ્રસિદ્ધ મંદિરોમાં ગ્વાલિયરનું માનમંદિર, વૃંદાવનનું ગોવિંદદેવનું મંદિર અને બીજાં મંદિરો, અમૃતસરનું સુવર્ણમંદિર, ઓરછાનું વીરસિંહ બુંદેલાએ બંધાવેલું મંદિર, મદુરાનું કેશવરાયનું મંદિર તેમજ ગોકુલ, હરદ્વાર, વારાણસી, અલ્લાહાબાદ વગેરે સ્થાનોનાં મંદિરો ઉલ્લેખનીય છે. આમાં સ્થાપત્યકલાની ર્દષ્ટિએ વૃંદાવન અને દક્ષિણનાં નાયક-શૈલીનાં મંદિરો વિશિષ્ટ છે.
વૃંદાવનનાં મંદિરો લાલ પથ્થરથી બંધાયેલાં છે. મંડપની રચનામાં કમાનાકાર ગૂંથણી, અષ્ટકોણ તલમાનયુક્ત ગર્ભગૃહ, તેની સામે જોડાયેલો લંબચોરસ મંડપ, પ્રવેશદ્વારમાં મુસ્લિમ અસર ધરાવતાં રૂપાંકનોનો પ્રયોગ વગેરે આ મંદિરોનાં વિશિષ્ટ લક્ષણો છે. ગોવિંદદેવ ઉપરાંત રાધાવલ્લભ, ગોપીનાથ, જુગલકિશોર અને મદનમોહનજીનાં મંદિરો પણ અહીંના ઉત્કૃષ્ટ નમૂના ગણાય છે.

ચિત્ર 23 : શ્રીરંગનાથ મંદિર, શ્રીરંગમ્
મદુરાની નાયક-શૈલીનો વિકાસ તિરુમલ નાયકના સમય(1623–1659)માં થયો. વિશાળ પ્રાંગણ, પ્રાકારમાં મંદિરની દિશામાં પડાળી, પ્રાકારની બંને તરફ મંદિરો, મંદિરના શિખર કરતાં ઊંચાં બહુમજલી ગોપુરો વગેરે વિશિષ્ટતાઓ જોવામાં આવે છે. વસ્તુત: આ મંદિરો તેના પ્રાસાદ, રંગમંડપ, સભામંડપ, પ્રાંગણ, જળાશય, નિવાસગૃહ અને નાનાં નાનાં મંદિરો ધરાવતાં હોઈને જાણે પ્રત્યેક મંદિર કોઈ મંદિરનગર હોય તેવો ભાસ ઊભો કરે છે. મદુરાનું મીનાક્ષીમંદિર આનો સર્વોત્તમ નમૂનો છે. 259 × 221 મી.ના વિસ્તારવાળું આ મંદિર બે ભાગોમાં વહેંચાયેલું છે. એમાં સુંદરેશ્વર (શિવ) અને મીનાક્ષી (પાર્વતી) બિરાજે છે. તેમાં ચાર દિશાનાં ચાર ગોપુરો અને સત્તાવીસ નાનાં ગોપુરો, જળાશય, મંડપ અને મહામંડપાદિની સમાયોજિત રચના થયેલી છે. ત્રિચિ પાસે શ્રીરંગમ્ અને જંબુકેશ્વરનાં મંદિરો ઉપરાંત રામેશ્વરમ્, કુંભકોણમ્, ચિદંબરમ્ અને તિન્નવેલીમાં પણ નાયક-શૈલીએ સુંદર મંદિરો બંધાયાં છે.
અર્વાચીન કાળ
આ કાળની શરૂઆતમાં મરાઠા (1707–1818) અને બ્રિટિશ અમલ (1818–1947) દરમિયાન તેમજ આઝાદી પ્રાપ્ત થયાથી અત્યાર સુધીના કાળપટ દરમિયાન દેશમાં ઘણી જગ્યાએ નવાં ભવ્ય મંદિરો બંધાયાં. પુરાણાં મંદિરો પણ મોટી સંખ્યામાં જીર્ણોદ્ધાર પામ્યાં. નવાં મંદિરો ઘણે અંશે સ્થાનિક પ્રચલિત શૈલીએ બંધાયાં છે. પ્રભાસપાટણમાં બંધાયેલ સોમનાથનું વર્તમાન મંદિર આનું ઉત્તમ ર્દષ્ટાંત છે. અલબત્ત, બ્રિટિશ કાળથી ઉપયોગિતાને નજર સમક્ષ રાખીને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોમાં ફેરફાર કરી સમન્વિત શૈલી ધરાવતાં મંદિરો બંધાયાં. આવાં મંદિરોમાં વિશાળ લંબચોરસ ગર્ભગૃહ, તેને ફરતો પ્રદક્ષિણાપથ અને સંમુખ સેંકડો દર્શનાર્થીઓ ઊભા રહી શકે તેવો સ્તંભયુક્ત વિશાળ મંડપ, તેમાં હવા-ઉજાસ માટે મંડપનાં પડખાંમાં કરેલી પડાળીઓ અને તેના ઉપર પણ ફરતા માળની રચના અને તેમાં ઓરડાઓનું બાંધકામ વગેરે નોંધપાત્ર વિશેષતાઓ જોવામાં આવે છે. દિલ્હીનું બિરલામંદિર, વારાણસીનું માનસમંદિર, આગ્રાનું રાધા-સ્વામી મંદિર, ભોપાલનું લક્ષ્મી-નારાયણ મંદિર, નાસિકનું મુક્તિધામ, અમદાવાદનાં હઠીસિંગનાં દહેરાં, ગીતામંદિર અને વેદમંદિર, મહેસાણાનું સીમંધર સ્વામીનું જિનાલય, મથુરા, વૃંદાવન, નાસિક, શિરડી, હૃષીકેશ અને હરદ્વારનાં મંદિરો વગેરે આનાં ર્દષ્ટાંતરૂપ છે. તાજેતરમાં હરદ્વારમાં બંધાયેલ દશ મજલાનું ભારતમાતા મંદિર, એમાં દેશમાં ઉપાસાતાં મુખ્ય દેવદેવીઓ અને ભારતીય સંસ્કૃતિ તેમજ દેશની મહત્વની સેવા બજાવનાર સંતો-ભક્તો અને દેશભક્તોની પ્રતિમાઓ ધરાવતું હોઈ ભારે ખ્યાતિ પામ્યું છે.
ગુજરાત
ભારતના મંદિર-સ્થાપત્યની જેમ ગુજરાતના મંદિર-સ્થાપત્યનો ઇતિહાસ પણ ગૌરવવંતો છે.
ગુજરાતમાં પણ ભારતના અન્ય ભાગોની જેમ વસતો આદિમાનવ પ્રાકૃતિક તત્વોની પૂજા કરતો હતો; પરંતુ તે મૂર્તિપૂજા કરતો હતો કે કેમ તેનાં પ્રમાણ મળ્યાં નથી. ત્યારબાદ વાયવ્ય હિંદમાં પાંગરેલી હડપ્પીય સભ્યતા (ઈ. પૂ. 3500થી ઈ. પૂ. 1500) જેવી ઉન્નત સભ્યતા ધરાવતા લોકો તે કાળે લગભગ સમગ્ર ગુજરાતમાં વસતા હોવાનું જાણવા મળે છે. એ સભ્યતાનાં કેન્દ્રોમાં મૂર્તિપૂજા પ્રચલિત હોવાનાં પ્રમાણો તેમજ અન્ય સ્થાપત્યાવશેષો મળ્યા છે; પરંતુ મંદિર હોવાની પ્રતીતિ કરાવતા અવશેષો મળ્યા નથી. ત્યારપછીના બે સહસ્રાબ્દી જેટલા લાંબા કાળપટ (ઈ. પૂ. 1500થી ઈ. સ. 400) દરમિયાનના પણ મંદિરના અવશેષો મળતા નથી. અલબત્ત, સાહિત્યિક પ્રમાણો પરથી જણાય છે કે ભારતની જેમ ગુજરાતમાં પણ લાકડાંનાં મંદિરો બંધાતાં હશે. આવાં મંદિરો કાળબળે નાશ પામી ગયાં હોવાથી તેમના અવશેષો ન મળે એ દેખીતું છે.
ગુજરાતમાં ચણતરી મંદિરોના સ્પષ્ટ અવશેષ ઈ. સ.ની પાંચમી સદીથી મળવા લાગે છે. ઉપલબ્ધ મંદિરો કાં તો બ્રાહ્મણ ધર્મનાં અથવા તો જૈન ધર્મનાં છે.
અહીંના કોઈ પણ પૂર્ણ મંદિરમાં, ભારતના અન્ય ભાગોની જેમ, તલમાન (ground plan) પરત્વે ગર્ભગૃહ, લંબચોરસ અંતરાલ ને તેની સંમુખ સ્તંભયુક્ત ખુલ્લો અથવા અડધો કે આખો ઢાંકેલો મંડપ હોય છે. એમાં ઢાંકેલા મંડપને ‘ગૂઢમંડપ’ કહે છે, જ્યારે ખુલ્લા મંડપને ‘સભામંડપ’ કહે છે. મંડપ સુધી દોરી જવા માટે ચોકી કે મુખમંડપ કરાય છે. કેટલાંક મંદિરોમાં ઢાંકેલો પ્રદક્ષિણાપથ (અંધાર) હોય છે. આવાં મંદિરોને ‘સાંધાર (સ+અંધાર) પ્રાસાદ’ કહેવામાં આવે છે, જ્યારે તે વિનાના મંદિરને ‘નિરંધાર પ્રાસાદ’ કહે છે. કેટલાંક મંદિરોમાં મંડપની આગળના મુખમંડપ ઉપરાંત બીજી બાજુ એટલે કે પડખામાં એક એક ચોકી કાઢીને મંદિરની શોભા વધારવામાં આવે છે. તેવી ચોકીઓને ‘શણગારચોકી’ કહે છે. દેવતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલ ગભારો કે ગર્ભગૃહ સાધારણ રીતે ચોરસ કરવામાં આવે છે. તેને અંદરથી સાદો અને બહારથી કેટલાક ખાંચા (પ્રક્ષેપ) કાઢવાને લઈને જટિલાકૃતિ – મુખ્યત્વે તારાકાર બનાવાય છે.
ચણતરી દેવાલયના ઊર્ધ્વદર્શન(elevation)માં જગતી-પીઠ, મંડોવર (ગર્ભગૃહની દીવાલ) અને તેના પર ઉત્તુંગ શિખર કરવામાં આવે છે. મંદિરની પીઠને કાં તો સાદી રખાય છે અથવા તો ગ્રાસ કે કીર્તિમુખ, અશ્વથર, ગજથર, નરથર વગેરેથી સજાવવામાં આવે છે. મંડોવર દેવીદેવતા, દિક્પાલો, અપ્સરાઓ, ગંધર્વો વગેરેનાં શિલ્પોથી સુશોભિત કરાય છે. મંડોવરની ઉપર આમલક અને કળશયુક્ત શિખર કરવામાં આવે છે.
ગુજરાતમાં મંદિર-સ્થાપત્યનો વિકાસ-પ્રવાહ તેના શિખરની રચના પરત્વે બે પરંપરાઓમાં વહ્યો છે : (1) ટોડાપદ્ધતિની પિરામિડ-ઘાટના શિખરની પરંપરા અને (2) રેખાન્વિત શંકુ-ઘાટના શિખરની પરંપરા. આમાંની પહેલી પરંપરા લગભગ પાંચમી-છઠ્ઠી સદીથી શરૂ થઈ, નવમી સદી સુધી પ્રવર્તેલી જોવા મળે છે; જ્યારે બીજી પરંપરા લગભગ નવમી સદીથી પ્રચલિત થઈ એકંદરે અદ્યાપિ પર્યંત ચાલુ રહેલી ર્દષ્ટિગોચર થાય છે. પ્રથમ પરંપરાનો ફેલાવો પ્રાકસોલંકીકાળ (ઈ. સ. 450થી 942) દરમિયાન અને બીજી પરંપરાનો મુખ્ય વિકાસ ચૌલુક્ય કાળ (ઈ. સ. 942થી 1304) દરમિયાન થયો હતો. ગુજરાતની આ બંને પરંપરાઓ વિશે જેમ્સ બર્જેસ, હસમુખ સાંકળિયા, કાંતિલાલ સોમપુરા, જયેન્દ્ર નાણાવટી તથા મધુસૂદન ઢાંકી, પનુભાઈ ભટ્ટ, રમણલાલ મહેતા, હરિલાલ ગૌદાની તેમજ બીજા અનેક વિદ્વાનોએ તલસ્પર્શી સંશોધન-વિશ્લેષણ કરી તેની છણાવટ પોતાના ગ્રંથોમાં કરી છે. વળી આ અંગે સંખ્યાબંધ સંશોધન-લેખો પ્રગટ થયા છે તે પરથી ગુજરાતના મંદિર-સ્થાપત્યના વિકાસનું સ્પષ્ટ ચિત્ર આ મુજબ તારવી શકાય છે :
પ્રાક્–ચૌલુક્ય કાળ (450–942) : પ્રથમ પરંપરા ધરાવતા આ મંદિર-સ્થાપત્યને ગુજરાતમાં સાધારણ રીતે પ્રાક્-ચૌલુક્યકાલીન મંદિર-સ્થાપત્યને નામે ઓળખવામાં આવે છે. તેનો વિકાસ મુખ્યત્વે મૈત્રક રાજવંશ અને સૈંધવ રાજવંશના શાસન-વિસ્તારમાં વ્યાપકપણે થયો હોઈ તેને ‘મૈત્રકસૈંધવ-મંદિરશૈલી’ પણ કહેવામાં આવે છે. આ શૈલી ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ પ્રચલિત થઈ હતી. આથી તેના પ્રસારક્ષેત્રને અનુલક્ષીને તેને ‘મારુ-ગુર્જર-શૈલી’ પણ કહેવામાં આવી છે.
પ્રાક્-ચૌલુક્યકાલીન મંદિરોનાં શિખરો ટોડા-પદ્ધતિથી બાંધેલાં હોય છે. આ પદ્ધતિમાં જે થરો એકબીજાની ઉપર લેવામાં આવે છે તેની લંબાઈ-પહોળાઈ નીચેથી ઉપર જતાં ક્રમશ: ઘટતી જતી હોય છે. એમાં લેવામાં આવતા થરો સમતલ હોય છે. આ થરોની સંખ્યા નિશ્ચિત હોતી નથી. ત્રણ, ચાર, પાંચ, છ, સાત કે આવશ્યકતા પ્રમાણે એથી પણ વધારે થરો લેવામાં આવે છે. આ સમતલ થરોને શોભાયુક્ત બનાવવા માટે ચારેય બાજુથી ચૈત્યગવાક્ષ જેવા દેખાવનાં સુશોભનો મૂકવામાં આવે છે. કેટલીક વાર શિખરની નાની નાની પ્રતિકૃતિઓ મૂકવામાં આવે છે. આમ ક્રમશ: એક ઉપર એક એમ થરો ઊંચે લઈ જતાં શિખરની ટોચ સધાય છે. રચનાશૈલીની ર્દષ્ટિએ આ પ્રકારનાં શિખરોવાળાં મંદિરો ‘છાદ્યપ્રાસાદ’ તરીકે ઓળખાય છે. આ ઘાટના શિખરને કેટલાક ‘સૂર્પાકાર કે શુણ્ડાકાર’ પણ કહે છે. વસ્તુત: એનો આકાર પિરામિડ જેવો હોય છે. છાદ્યોના સમતલ થરોની ટોચ સ્કંધમાં જઈને મળે છે. તેના ઉપર ‘ચૂલિકા’ અથવા ‘આમલક’ અને તેમાંથી ઉદય પામતો ‘કલશ’ ર્દષ્ટિગોચર થાય છે.
મૈત્રકકાળ (ઈ. સ. 470–788) અને અનુ–મૈત્રકકાળ (ઈ. સ. 788–942) દરમિયાન મળેલાં 200 જેટલાં તામ્રપત્રો અને બીજા અભિલેખો પરથી એ ગાળામાં અનેક દેવાલયો બંધાયાંનો ઉલ્લેખ મળે છે; પરંતુ એમાંનાં મોટાભાગનાં મંદિરો કાળબળે નાશ પામી ગયાં હોવાથી તેમના સ્થાપત્ય-સ્વરૂપ વિશે કંઈ જાણી શકાતું નથી; પરંતુ ઉલ્લેખ પામ્યા સિવાયનાં આ કાળનાં કેટલાંક મંદિરો ઉપલબ્ધ થયાં છે તે વસ્તુત: આ ધાર્મિક અભ્યુદયનો કાલ હતો, તેથી આ કાળ દરમિયાન જેમ જેમ જુદા ધર્મ-સંપ્રદાયોની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ તેમની વિચારધારાઓનો તેમની ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રભાવ પડતો ગયો. મંદિરોનું ધાર્મિક મહત્વ વધ્યું અને તે સાર્વજનિક પ્રવૃત્તિનાં કેન્દ્રો તરીકે વધુ ને વધુ વિકસતાં ગયાં. તેથી તેમની રચનામાં પણ આવશ્યકતા અનુસાર વિસ્તૃતીકરણ થતું ગયું. પૌરાણિક દેવી-દેવતાઓને લગતી ભાવનાઓ વધવાની સાથે તેમનાં આલેખનો પણ વિગતપૂર્ણ થવા લાગ્યાં અને તેમનાં આલેખનો મંદિરની દીવાલો પર પણ થવા લાગ્યાં. મંદિરનો દેવપ્રાસાદરૂપે વિકાસ થયો. એમાં હવે ગર્ભગૃહ, તેની સમ્મુખ અંતરાલ એ બંનેને ફરતો પ્રદક્ષિણાપથ, વિસ્તૃત મંડપ અને સમગ્ર વિસ્તારને આવરી લેતા કોટ(પ્રાકાર)ની રચના થવા લાગી. મંદિરનું શિખર પણ જટિલ અને બારીક કોતરણીયુક્ત બનતું ગયું. તેનાં આડાં છાદ્યોમાં માળ વધારાતા ગયા અને ચૈત્યગવાક્ષોની પ્રતિકૃતિઓની સંખ્યા વધારાતી ગઈ. ક્યાંક ક્યાંક તેમને સ્થાને નાનાં નાનાં શિખરોની પ્રતિકૃતિઓ મુકાવા લાગી. અલબત્ત, એકંદર ઘાટ પિરામિડનો રખાયો જે છેક નવમી સદી સુધી ચાલુ રહ્યો.
આ પ્રાક્-સોલંકી શૈલીનાં મંદિરોના અવશેષો મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ર્દષ્ટિગોચર થાય છે. ત્યારબાદ તેનો તળસૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં પણ ધીમે ધીમે પ્રસાર થતો ગયો. આમાં ગોપનું મંદિર ઉપલબ્ધ પ્રાચીનતમ મંદિર છે.
ગોપ (ઝીણાવળી ગોપ કે જૂના ગોપ) ગામમાં આવેલું મંદિર એક વિશાળ ઊંચી જગતી પર પૂર્વાભિમુખે ઊભું છે. તેનો વિસ્તાર 19.5 × 19.5 મીટર છે. જગતીનો ઘણો ભાગ નાશ પામ્યો છે. તેની ઉપર કરેલ મંદિરની પીઠનો વિસ્તાર 12 × 12 મીટરનો છે. એની ત્રણ બાજુએ મધ્યમાં તેમજ ખૂણાઓમાં પણ નિર્ગમો કાઢેલા છે. મંદિરનું ગર્ભગૃહ અંદરના ભાગે 3.3 મીટર સમચોરસ છે. તેની દીવાલ 5.18 મીટર ઊંચી અને સાદી છે. તેમાં જમીનથી આશરે 4.2 મીટરની ઊંચાઈએ સળંગ બાકોરાં આગળ તથા પાછળની બાજુએ જોવા મળે છે. એથી લાગે છે કે તેનો પ્રદક્ષિણાપથ કાષ્ઠના છાવણથી ઢાંકેલો હશે. આ પ્રદક્ષિણાપથની દીવાલ તથા તેના પરની છત નાશ પામ્યાં છે. મંદિરની જગતીથી શિખર 7.62 મીટર ઊંચું છે. દ્વિતલ છાદ્ય ધરાવતું પિરામિડઘાટનું શિખર અંદરથી પોલું છે. નીચેના તલની પ્રત્યેક બાજુ પર બે ચૈત્યગવાક્ષો છે અને એની ઉપરના તલમાં વચ્ચે ચારે બાજુ એક એક ચૈત્યગવાક્ષ કરેલો છે. ટોચ પર શંકુ-ઘાટની ચૂલિકાની રચના છે. મંદિરમાં શિલ્પ-સુશોભનો ઘણાં ઓછાં છે. અલબત્ત, ચૈત્યગવાક્ષોમાં દેવતાઓની મૂર્તિઓ હતી. તે પૈકીના પશ્ચિમના એક ગવાક્ષમાં ગણપતિનાં દર્શન થાય છે. મંદિરની પીઠ પરનાં ગંધર્વોનાં શિલ્પો ગુપ્તકાલીન શૈલીનાં છે. આ મંદિર ઈ. સ. 450થી 600ના ગાળામાં બન્યું હોવાનું મનાય છે.

ચિત્ર 24 : ગોપનું મંદિર
ગોપ પછીની આ પ્રાક્-ચૌલુક્ય શૈલીનો વિકાસ દર્શાવતાં બીજાં નોંધપાત્ર મંદિરોમાં કદવારનું વરાહ-મંદિર, વડનગરનું અમથેરમાતાનું મંદિર, સૂત્રાપાડા અને વિસાવાડાનાં મૈત્રકકાલીન સૂર્યમંદિરો, બીલેશ્વરનું શિવમંદિર તથા કિંદરખેડા, કલસાર, પાસ્થર વગેરે સ્થળોએ આવેલાં અનુમૈત્રકકાલીન મંદિરો(ઈ. સ. 788થી 942)નો તેમજ ભાણસરા બોરીચા, ધ્રાસણવેલ, ખીમેશ્વર, નંદીશ્વર, નવી ધ્રવેડ, અખોદર, ઓડદર, પીંડારા, પસનાવાડા, પોરબંદર, રાણાવાવ, શ્રીનગર વગેરે સ્થળોએ આવેલાં મંદિરોનો સમાવેશ કરવો ઘટે. આ અલંકૃત શૈલીના છાદ્યપ્રાસાદોનાં સુંદર આયોજનનાં ર્દષ્ટાંતોમાં બીલેશ્વર અને ખીમેશ્વરનાં શિવમંદિરો તેમજ ઉત્તર ગુજરાતમાં શામળાજી પાસે આવેલા રોડા મંદિરસમૂહનો ખાસ નિર્દેશ કરી શકાય.
આઠમી સદીથી આડાં છાદ્યોના શિખરમાં વચ્ચે પડતા કાટખૂણિયા ખાંચાઓની જગાએ ગોળ ધારવાળી ‘કારનિસ’ (કાનસ) કાઢવામાં આવી. આ કાંગરીને છીછરી કરી દરેક વચ્ચે ઊભા ભાગમાં ચૈત્યબારીનાં સુશોભનોની ઊભી હરોળ ગોઠવાઈ, જેથી આડાં છાદ્યોમાં ઊભી રેખાત્મક શૈલીનાં ઊર્ધ્વ દર્શન થયાં ને શિખરની ટોચે આમલક ઘાટનો પથ્થર ઉમેરાયો. ધીમે ધીમે નવમી સદીમાં આવતાં તો શિખરના ઊર્ધ્વ દર્શનમાં આડાં છાદ્યોની અસર સમૂળી લુપ્ત થઈ ગઈ અને તેનું સ્થાન રેખાન્વિત શિખરશૈલીએ પ્રબળપણે લઈ લીધું.
ચૌલુક્ય કાળ (942–1304) : આ કાળ દરમિયાન ગુજરાતમાં ચૌલુક્ય રાજવીઓના પ્રોત્સાહનથી મંદિર-સ્થાપત્યક્ષેત્રે નાગર શૈલીનું એક અદભુત રૂપ ખીલ્યું અને તેની સાથે રેખાન્વિત શિખર શૈલી પૂર્ણપણે વિકાસ પામી. ગુજરાતમાં એને ‘ચૌલુક્ય-શૈલી’ને નામે ઓળખવામાં આવે છે. આ શૈલી ગુજરાતમાં લગભગ બધા જ વિસ્તારોમાં પ્રચલિત થયેલી જોવા મળે છે. આ સમયગાળાનાં મોટાં મંદિરોએ ગુજરાતને ભારતીય સ્થાપત્યમાં મહત્વનું સ્થાન અપાવ્યું.

ચિત્ર 25 : મંદિર નં. 3, રોડા
ચૌલુક્ય-શૈલીનાં મંદિરો તલ-દર્શનમાં ગર્ભગૃહ, અંતરાલ અને મંડપ – એમ ત્રણ અંગો ધરાવે છે. ગર્ભગૃહનો અંદરનો ભાગ ચોરસ હોય છે; જ્યારે બહારના ભાગે એક કે વધુ ખાંચા (પ્રક્ષેપ) કાઢીને ભિત્તિનો વિસ્તાર વધારી તારાકાર રચવામાં આવે છે. ઘણાં મંદિરોમાં ગર્ભગૃહ અને મંડપની વચ્ચે ‘અંતરાલ’ નામે નાનો લંબચોરસ ખંડ જોવા મળે છે. અંતરાલની આગળ સમચોરસ કે લંબચોરસ ‘મંડપ’ હોય છે. મંડપમાં પણ બહારની બાજુએ પ્રક્ષેપ કાઢવામાં આવે છે. એ પ્રક્ષેપોમાં કક્ષાસન (બાજુની બેઠક) કે ઝરૂખા કઢાય છે. ઘણાં મંદિરોમાં ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ ઉમેરવામાં આવતો. આ કાલ દરમિયાન નિરંધાર પ્રાસાદની સરખામણીમાં સાંધાર પ્રાસાદ વિશેષ ર્દષ્ટિગોચર થાય છે. મોટાં મંદિરોમાં ક્યારેક મંડપની આગળ એક બીજો મંડપ ઉમેરવામાં આવે તો પહેલા મંડપને દીવાલોથી ઢાંકી દેવાતો હોઈને તેને ‘ગૂઢમંડપ’ કહેવામાં આવતો; જ્યારે બીજાને સભામંડપ કે રંગમંડપ કહેવામાં આવતો. ક્યારેક મંદિરની આગળ મોટા દરવાજા કે દ્વાર ઊભાં કરવામાં આવતાં, ને એને ‘તોરણ’ કે ‘કીર્તિતોરણ’ (કીર્તિદ્વાર) કહેતા. કેટલાંક મંદિરોને ફરતો પ્રાકાર (કોટ) કરાતો. એમાંના દરવાજાને ‘બલાનક’ કહેતા. જૈન મંદિરોમાં પ્રાકારની અંદરની બાજુએ હારબંધ દેવકુલિકા(દેરી)ઓ કરવામાં આવતી. દેવકુલિકાની આગળ સ્તંભો અને છતવાળો સળંગ પ્રદક્ષિણાપથ કાઢવામાં આવતો, જે ‘ભમતી’ તરીકે ઓળખાતો. તેમાં ભ્રમણ કરતો ભક્ત પ્રત્યેક દેવકુલિકામાં પ્રતિષ્ઠિત તીર્થંકર-પ્રતિમાનાં દર્શન કરવાની સાથોસાથ મધ્યના દેવાલયની પણ પ્રદક્ષિણા કરી લેતો હોય છે.
ચૌલુક્ય-શૈલીનાં મંદિરના ઊર્ધ્વદર્શનમાં પીઠ, મંડોવર અને શિખર – એમ ત્રણ મુખ્ય અંગો હતાં. મંદિરો ઊંચી પીઠ ઉપર બાંધેલાં હતાં. પીઠના બહારના ઊભા ભાગને નીચેથી ઉપર જતાં ભીટ, જાડંભો, કણી, આન્તરપત્ર, ગ્રાસ, અશ્વથર, ગજથર, નરથર વગેરે થરોથી સુશોભિત કરવામાં આવતા. તેવી રીતે મંડોવરમાં નીચેથી ઉપર જતાં કુંભક, કલશ, કપોત કે કેવાલ, જંઘા, ઉદગમ, ભરણી, શિરાવટી અને છાદ્ય જેવા વિશિષ્ટ થર કરવામાં આવતા. મંડોવરની ઉપર કરેલ શિખર ઊંચું અને ઉપરથી સહેજ ગોળાકાર ઢોલક જેવો ઘાટ ધારણ કરતું. તેના ઉપર ચડતી વળાંકયુક્ત રેખાઓ ઘણી ઊંચાઈ સુધી લગભગ સીધી અને સળંગ રાખવામાં આવતી. એ રેખાઓ ઉપર જતાં સ્કંધમાં જઈ મળતી. તેના ઉપર આમલક અને તેની ઉપર કળશ મૂકવામાં આવતો. આ મુખ્ય શિખરને ફરતાં નાનાં નાનાં શિખરોની પ્રતિકૃતિ (શૃંગ) અને એના પેટાળમાંથી અડધાં-પડધાં બહાર નીકળતાં ઉર:શૃંગની રચના કરવામાં આવતી. શિખરની આવી વિશિષ્ટ રચનાને કારણે ચૌલુક્ય-શૈલીનું મંદિર અલગ તરી આવે છે. મંદિરનાં મંડપ અને ચોકીઓની છત સ્તંભો ઉપર ટેકવેલી હોય છે. એ છત ઉપર પિરામિડ ઘાટનું છાવણ કે અર્ધ-ગોળાકાર ઘૂમટ કરવામાં આવેલ હોય છે.

ચિત્ર 26 : ચૌલુક્ય-શૈલીના મંદિરનું ઊર્ધ્વદર્શન. 1. ભીટ્ટ અને જાડંબો, 2. કર્ણિકા-કણી, 3. અંતરાલ, 4. ગ્રાસપટ્ટી, 5. કેવાલ-મંચિકા, 6. જંઘા-ગવાક્ષ, 7. પાટ-છાદ્ય, 8. રથિકા-ગવાક્ષ, 9. શૃંગ, 10. ઊરુશૃંગ, 11. પ્રત્યશૃંગ, 12. મૂળ રેખા-શિખર, 13. આમલક, 14. કળશ.
ચૌલુક્ય-શૈલીએ બંધાયેલાં લગભગ 75 જેટલાં મંદિરોના અવશેષ મળે છે. તેમાં ઉત્તર ગુજરાતમાં સૂણક, સંડેર, રુહાવી, દેલમાલ, કસરા, ધિણોજ, વાલમ અને ખંડોસણ વગેરે ગામોનાં મંદિરો; સૌરાષ્ટ્રમાં પરબડી, ચોબારી વગેરે મંદિરો અને કચ્છમાં કોટાઈ, કેરા વગેરે મંદિરો આ શૈલીનું આરંભિક સ્વરૂપ દર્શાવે છે. આ નાનાં મંદિરો ગર્ભગૃહ, મંડપ અને અર્ધ-મંડપવાળાં છે. ભીંતોમાં પ્રક્ષેપો કાઢેલા હોવાથી તારાકાર રચાયો છે. મંદિરની બહારની દીવાલો નિયમાનુસાર થરોથી સુશોભિત કરવામાં આવેલ છે.

ચિત્ર 27 : સૂર્યમંદિર, મોઢેરા
ચૌલુક્ય-શૈલીનાં નમૂનેદાર મંદિરોમાં મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરનો રુદ્રમાળ અને આબુ-દેલવાડાનાં વિમલવસહિ અને લૂણવસહિ વિશેષ ઉલ્લેખનીય છે.
મોઢેરા (જિ. મહેસાણા) ધર્મારણ્ય નામક પવિત્ર તીર્થક્ષેત્રનું મુખ્ય ધામ છે. અહીંના સૂર્યમંદિર(ઈ. સ. 1026–27)નું ગર્ભગૃહ સાદું છે. તેમાં હાલ મૂર્તિ નથી. અલબત્ત, એના ગર્ભગૃહને ફરતા પ્રદક્ષિણાપથના ગોખલાઓમાં આદિત્યોની બાર પ્રતિમાઓ ર્દષ્ટિગોચર થાય છે. એનાં પીઠ અને મંડોવર ચૌલુક્ય-શૈલીનાં બધાં લક્ષણો ધરાવે છે. ગૂઢ-મંડપનું છાવણ અષ્ટકોણાકારે ગોઠવેલા આઠ સ્તંભો ઉપર ગોઠવેલું છે. તેમાં સાંસારિક જીવનનાં ર્દશ્યો કલાત્મક રીતે કંડારેલાં છે. ગૂઢ-મંડપ આગળ નાની ચોકી તેમજ સભામંડપ કે રંગમંડપ, તેનું કમાનદાર પ્રવેશદ્વાર, સભામંડપનું ત્રિકોણાકાર દાદરીના ઘાટના ઘૂમટવાળું સામરણ અને કીર્તિતોરણ વગેરે મનોહર શિલ્પમંડિત ભાગોને કારણે આ મંદિર સુપ્રસિદ્ધ બન્યું છે.
આ મંદિરની ગર્ભગૃહથી માંડીને સભામંડપ સુધીની લંબાઈ 44 મીટર છે. એમાં ગર્ભગૃહ અને ગૂઢમંડપનો સંયુક્ત વિસ્તાર 24 × 15 મીટર આવરે છે. જ્યારે સભામંડપ 15 × 15 મીટરનો સમચોરસ છે. મંદિરની બહારની દીવાલો પરનાં શિલ્પોમાં નાટ્યશાસ્ત્ર અને કામસૂત્રનાં ઘણાં કરણો સ્થાન પામ્યાં છે. આ મંદિરની સંમુખ પગથિયાંવાળો રામકુંડ (સૂર્યકુંડ) છે.
સિદ્ધપુરના રુદ્રમાળ નામે ઓળખાતા રુદ્રપ્રાસાદનો મૂળ ભાગ મૂળરાજદેવે બંધાવેલો હોવાનું મનાય છે; પરંતુ હમણાં મળેલા પુરાવા પરથી ત્યાં એથી પણ વહેલું કોઈ મંદિર હોવાનું જણાય છે. આ પ્રાસાદને અગિયાર રુદ્રોના પ્રાસાદ તરીકે સિદ્ધરાજ જયસિંહે ભવ્ય સ્વરૂપ આપ્યું. મુસલમાનોના આક્રમણથી આ મંદિર નાશ પામ્યું. આજે તો ત્યાં ગૂઢમંડપની બે ચોકીઓ, તૂટેલો અંતરાલ અને એક દેવકુલિકા છે; જે એની ભવ્યતાનો અંદાજ આપે છે.
આબુ પર વિમલવસહિ અને લૂણવસહિ નામનાં સુંદર મંદિરો આવેલાં છે. તેમાં વિમલવસહિ ચૌલુક્ય ભીમદેવના દંડનાયક વિમલશાહે ઈ. સ. 1032માં બંધાવેલું. આરસપહાણના આ મંદિરમાં આદિનાથની પ્રતિષ્ઠા કરેલી છે. એનો અનેક વાર જીર્ણોદ્ધાર થયા છતાં સમગ્ર સ્થાપત્ય-સ્વરૂપ હજી સચવાઈ રહ્યું છે. એની બારીક કોતરણીને કારણે ભારતીય મંદિરોમાં તેનું વિશિષ્ટ સ્થાન છે. ગર્ભગૃહ અને ગૂઢ મંડપ તદ્દન સાદાં છે. શિખર પણ નીચું છે. આમ છતાં નવ-ચોકી, પ્રદક્ષિણાપથ અને બાવન જિનાલયો અત્યંત આકર્ષક છે. એની શિલ્પસમૃદ્ધિનાં કલાવિવેચકોએ મનભર વખાણ કર્યાં છે.
પ્રભાસપાટણના પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો મહમૂદ ગઝનવીએ (ઈ. સ. 1026માં) નાશ કરતાં ભીમદેવે ત્યાં પથ્થરનું નવું મંદિર કરાવેલું. પાછળથી કુમારપાળે તેનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મેરુપ્રાસાદની રચના કરી. મુસ્લિમોનાં આક્રમણોમાં એ મંદિર પણ નાશ પામ્યું. આથી ઈ. સ. 1947માં ત્યાં નવું મંદિર બંધાયું. જૂના પ્રાસાદના જે અવશેષો એ વખતે હતા તેના પરથી જણાયું છે કે એ પ્રાસાદ સાંધાર પ્રકારનો પૂર્વાભિમુખ બંધાયેલ હતો. ગૂઢમંડપમાં ચોવીસ સ્તંભ હતા. વચ્ચેના આઠ સ્તંભ અષ્ટકોણાકારે ગોઠવેલા હતા. ગૂઢમંડપની છત ભારતભરનાં મંદિરોમાં સૌથી મોટી હતી. વર્તમાન મહામંદિર પૂર્વકાલની આબેહૂબ અનુકૃતિરૂપ હોવાનું જણાય છે.
ગિરનાર ઉપર નેમિનાથનું જિનાલય ત્યાંનાં મંદિરોમાં સૌથી મોટું છે. તે ઈ. સ. 1129માં સજ્જન મંત્રીએ બંધાવેલું. સાંધાર પ્રકારના એ મંદિરમાં પ્રદક્ષિણાપથમાં ઝરૂખાવાળી જાળીઓ છે. મંદિરનાં પીઠ અને મંડોવર નીચાં હોવાથી એ મંદિર બેઠા ઘાટનું લાગે છે. એને ફરતી 72 દેવકુલિકાઓ છે.
અંબાજી પાસે કુંભારિયામાં આવેલાં જિનાલયોમાં મહાવીર સ્વામીનું તથા શાંતિનાથનું મંદિર તેમજ મહેસાણા જિલ્લાના તારંગા પર્વત ઉપરનું અજિતનાથ મંદિર વગેરે – આ શૈલીના સુંદર નમૂના છે.
ઘૂમલી(જિ. જામનગર)નું નવલખા મંદિર તથા સેજકપુર(જિ. સુરેન્દ્રનગર)નું નવલખા મંદિર વિસ્તાર, આયોજન, રચના તેમજ શિલ્પસ્થાપત્યની ર્દષ્ટિએ ચૌલુક્ય-શૈલીનાં નમૂનેદાર મંદિરો ગણાય છે.

ચિત્ર 28 : દેલવાડા(આબુ)ના મંડપની છતમાં નેમિનાથનાં જીવનર્દશ્યોની બારીક કોતરણી
તેરમી શતાબ્દી દરમિયાન નિર્માણ પામેલાં પ્રખ્યાત મંદિરોમાં વસ્તુપાલ-તેજપાલ દ્વારા બંધાયેલ આબુ, શત્રુંજય, ગિરનાર વગેરે પર્વતો ઉપરનાં તેમજ અણહિલપુર, ભરૂચ, ખંભાત, ડભોઈ, ધોળકા જેવાં નગરોમાં બંધાયેલાં જૈન મંદિરો ખાસ ઉલ્લેખનીય છે. કેટલાંક પ્રાચીન મંદિરોના ર્જીણોદ્ધાર પણ થયા. આમાં વસ્તુપાલે ગિરનાર પર્વત ઉપર કરાવેલ વસ્તુપાલ વિહાર અને તેજપાલે આબુ પર્વત ઉપર બંધાવેલ લૂણવસહિ શ્રેષ્ઠ છે.
વસ્તુપાલ વિહાર ત્રણ ગર્ભગૃહો વચ્ચે એક સહિયારો મંડપ ધરાવે છે. પશ્ચિમના પ્રવેશદ્વારને બાદ કરતાં બાકીની ત્રણે બાજુએ મંદિરો છે. મધ્યનું મૂળમંદિર મલ્લિનાથનું છે. બાજુનાં બંને મંદિરો સ્તંભયુક્ત મંડપ જેવાં છે. મુખ્ય મંદિર બેઠા ઘાટનું છે. ઉત્તર-દક્ષિણનાં મંદિરો અનુક્રમે સુમેરુ પર્વત અને સમેતશિખરની અનુકૃતિરૂપ છે.
આબુ ઉપર ઉપર્યુક્ત વિમલવસહિની પાસે જ તેજપાલે પોતાની પત્ની અનુપમાદેવી અને પુત્ર લૂણસિંહના શ્રેયાર્થે લૂણવસહિ બંધાવેલ છે. રચનાકૌશલે – આરસમાં કરેલી બારીક અને અનેક પ્રકારની આકર્ષક કોતરણીએ એને ભારતીય શિલ્પજગતના અલંકારરૂપ બનાવ્યું છે. રચનાની બાબતમાં તે વિમલવસહિને મળતું છે. એનો અવારનવાર જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. છતાં એનો શિલ્પવૈભવ અપાર છે. એના ઘૂમટની અંદરની પદ્મશિલાઓ, અને મંડપની દીવાલમાં કરેલા દેરાણી-જેઠાણીના ગોખલા તરીકે ઓળખાતા ગવાક્ષોની શિલ્પસમૃદ્ધિ ખાસ ઉલ્લેખનીય છે.
તેરમી સદીમાં બંધાયેલ જૈનેતર મંદિરોમાં દેરોલ(જિ. સાબરકાંઠા)નો ત્રિપુરુષપ્રાસાદ, ડભોઈ(જિ. વડોદરા)નું વૈદ્યનાથ મંદિર, વેરાવળ(જિ. જૂનાગઢ)નું હર્ષદ માતાનું મંદિર, ભૂવડ(જિ. કચ્છ)નું ભૂવડેશ્વર મંદિર, ધિણોજ(જિ. મહેસાણા)નું વ્યાઘ્રેશ્વરીનું મંદિર વગેરે પણ ઉલ્લેખનીય છે.
મુસ્લિમ કાળ (1304–1757) : મુસલમાનો મૂર્તિપૂજાના વિરોધી હોવાથી તેમની હકૂમત નીચે મંદિર-બાંધકામની પ્રવૃત્તિને સ્વાભાવિક રીતે પ્રોત્સાહન ન મળ્યું; બલકે, હિંદુ રાજ્યો પરનાં આક્રમણોને પ્રસંગે ઘણાં મંદિરો તોડવામાં આવ્યાં અને પ્રારંભકાળમાં તો એવાં મંદિરોના અવશેષોમાંથી મસ્જિદો પણ બંધાઈ. સમય જતાં બંને કોમો વચ્ચે લાંબા સમયના સહવાસ, પરસ્પરના સંપર્ક અને તેને લઈને પરસ્પર પ્રભાવ પડતાં ભાઈચારો અને સદભાવ પ્રવર્ત્યા. ઔરંગઝેબ અને બીજા કેટલાક કટ્ટર શાસકોને બાદ કરતાં, આ સાડા ચાર સદીઓ જેટલા લાંબા ગાળા દરમિયાન એકંદરે ધર્મસહિષ્ણુતાનું વાતાવરણ પ્રવર્તતું રહ્યું. જૂનાં મંદિરોના જીર્ણોદ્ધાર થતા રહ્યા. અલબત્ત, જૈનો એમાં વધુ જાગ્રત હોવાથી તેમનાં મોટા ભાગનાં દેરાસરો જીર્ણોદ્ધાર પામી અદ્યાપિ પર્યંત ઊભાં છે; જ્યારે ઘણાં હિંદુ મંદિરો નાશ પામી ગયાં, જેમાંનાં કેટલાંકનાં ખંડેરો આજે પણ ઊભાં છે. વળી આ કાળ દરમિયાન મહામંદિરો થોડી સંખ્યામાં અને નાનાં નાનાં મંદિરો સેંકડોની સંખ્યામાં બંધાયાં. એ મંદિરો પરના અભિલેખો આ બાબતના સાક્ષીરૂપ છે.
રચના પરત્વે આ મંદિરો નાગર શૈલીની પૂર્વ-કાલીન ચૌલુક્ય-શૈલીનાં મોટાભાગનાં લક્ષણો ધરાવે છે. અહીં મંડપ ઉપરના છાવણના સામરણની રચનામાં હવે ઘૂમટ રચાવા લાગે છે, જે મુસ્લિમ ઘૂમટનો પ્રભાવ સૂચવે છે. શરૂઆતનાં મંદિરો પથ્થરની નર-માદા જોડને સાંધીને પ્લાસ્ટર વગર કરેલાં છે; પણ ધીમે ધીમે એમાં ચૂનાદિનું પ્લાસ્ટર પણ પ્રયોજાવા લાગ્યું. આ કાળ દરમિયાન બંધાયેલાં કેટલાંક નોંધપાત્ર મંદિરોમાં ચૌદમી સદીમાં પ્રભાસપાટણમાં હિરણ નદીને કાંઠે તથા ત્રિવેણી-સંગમ પાસે બંધાયેલાં સૂર્યમંદિરો, ત્યાંનું પાર્શ્વનાથ ચોવીસી જિનાલય; થાન(જિ. સુરેન્દ્રનગર)નું સૂર્યમંદિર; સરોત્રા(જિ. બનાસકાંઠા)નું બાવનધજા જિનમંદિર વગેરે; પંદરમી સદીમાં આબુ-દેવલાડાનું પિત્તલહરનું આદીશ્વર મંદિર; ત્યાંનો ખરતરવસહિમાંનો પાર્શ્વનાથજીનો ચૌમુખ પ્રાસાદ; પોસીના(જિ. સાબરકાંઠા)નું નીલકંઠ મંદિર; ભેટાલી(શામળાજી પાસે)નું પંચાયતન શિવમંદિર; ગિરનાર ઉપરનું અંબાજી મંદિર; વડિયાવીર(જિ. સાબરકાંઠા)નું શિવાલય; પાવાગઢ પરનાં જૈન મંદિરો; વડનગરનું હાટકેશ્વર મંદિર વગેરે; સોળમી

ચિત્ર 29 : આદીશ્વર મંદિર, શત્રુંજય
સદીમાં અભાપુર(જિ. સાબરકાંઠા)નાં સારણેશ્વર તેમજ તેની સમીપનાં સદેવંત-સાવળિંગાનાં દેરાં; માંડવી(જિ. કચ્છ)નું સુંદરવર મંદિર; ગેડી(જિ. કચ્છ)નું અચલેશ્વર મહાદેવનું મંદિર; દ્વારકાનું દ્વારકાધીશનું મંદિર; જામનગરનાં આદિનાથ અને સંભવનાથનાં જિનાલયો; હામપર(જિ. સુરેન્દ્રનગર)નું ભીડભંજન મહાદેવનું મંદિર; ભરૂચ જિલ્લાનાં ગંધાર અને કાવીનાં જિનાલયો; ખંભાતનું ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર; શત્રુંજયનું આદીશ્વર(દાદા)નું જીર્ણોદ્ધાર પામેલ દેરું; પાટણનું વાડીપાર્શ્વનાથ દેરાસર; અમદાવાદનું શામળાની પોળનું પાર્શ્વનાથ મંદિર વગેરે; સત્તરમી સદીનાં મંદિરોમાં કચ્છમાં રાયણનું ધોરમનાથ મહાદેવનું અને વીંઝાણનું રખેશ્વર મહાદેવ મંદિર; જામનગરનું શાંતિનાથ મંદિર તેમજ એ જિલ્લાનાં દાદર, બેરજા તથા કાલાવડનાં શિવમંદિરો; સુરેન્દ્રનગર જિલ્લામાં ગાળાનું પાર્શ્વનાથ મંદિર; કોંઢનું કોંઢેશ્વર મંદિર; મૂળીનું માંડવરાય મંદિર; ઢૂવાનું લક્ષ્મીનારાયણ મંદિર; રાજસીતાપુરનાં શિવ, વિષ્ણુ અને હનુમાનનાં મંદિરો; ઘોઘા(જિ. ભાવનગર)નું કાલિકા મંદિર; શત્રુંજય પરનો આદિનાથ ચૌમુખ પ્રાસાદ; શંખલપુર(જિ. મહેસાણા)નું બહુચરાજીનું મંદિર; શામળાજી(જિ. સાબરકાંઠા)નું ગદાધર મંદિર; કુંભારિયાનું નેમિનાથ મંદિર; પાવાગઢનું કાળિકા માતાનું મંદિર; ખંભાતનું માણેકચોકનું આદીશ્વર મંદિર; ઉમરેઠનું અમરેશ્વર મહાદેવ મંદિર; સોજિત્રાનું ખોજાઈ માતાનું મંદિર; અમદાવાદનું ઝવેરીવાડમાંનું ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર; વરણામા(જિ. વડોદરા)નું વરુણેશ્વર મહાદેવનું મંદિર; ભરૂચનું વલ્લભ ભટ્ટવાળું દેવીમંદિર વગેરે; અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં બંધાયેલાં મંદિરોમાં કચ્છના નારાયણ સરોવરનાં ત્રિકમરાય તથા લક્ષ્મીનારાયણનાં મંદિરો; ભાવનગરનું નીલકંઠ મહાદેવ મંદિર; એ જિલ્લાનાં ભદ્રોડનું ભદ્રેશ્વર અને દાહોરનાં મહાદેવ-મંદિરો; શંખેશ્વરનું નવું સુપ્રસિદ્ધ પાર્શ્વનાથ મંદિર; લાઠી(જિ. અમરેલી)નું ભીડભંજન મહાદેવનું મંદિર વગેરે ખાસ ઉલ્લેખનીય છે.
મરાઠા કાળ(1758–1818) : સાઠ વર્ષના ટૂંકા ગાળા દરમિયાન સેંકડોની સંખ્યામાં મંદિરો બંધાયાં અને એથીયે ઘણી મોટી સંખ્યામાં જીર્ણોદ્ધાર પામ્યાં છે. આ પ્રવૃત્તિમાં ઇંદોરનાં મહારાણી અહલ્યાબાઈ, પાટણ-વડોદરાના દામાજીરાવ ગાયકવાડ, વડોદરાના ફતેહસિંહરાવ ગાયકવાડ, ગાયકવાડી સરસૂબા બાબાજી આપાજી, પેશવાના શરાફ ગોપાળ જગન્નાથ તાંબેકર વગેરેએ આપેલ પ્રદાન ખાસ ધ્યાન ખેંચે છે. રચના પરત્વે એમણે કરાવેલાં મંદિરો બે બાબતમાં ગુજરાતનાં મંદિરોમાં વિશિષ્ટ ભાત પાડે છે. એક તો મંદિરના તલમાનમાં દેવના વાહન કે દાસ માટે છૂટો મંડપ કરવામાં આવે છે અને બીજું, ઊર્ધ્વમાનમાં મંદિરના શિખરને છાદ્યપ્રાસાદનો અર્થાત્ પિરામિડ ઘાટ અપાય છે. આ બંને તત્વો દ્રાવિડી મંદિરશૈલીનો પ્રભાવ સૂચવે છે. આને લઈને આ સમયનાં મંદિરોમાં શિવાલયમાં નંદિ-મંડપ, વિષ્ણુ કે કૃષ્ણમંદિરમાં ગરુડ-મંડપ અને રામજી મંદિરમાં હનુમાન-મંડપ ઘણું કરીને અલગ ર્દષ્ટિગોચર થાય છે. આવાં મંદિરોમાં પણ મંડપની ઉપરના છાવણમાં ઘૂમટ મુખ્યત્વે અર્ધગોળાકાર કરાય છે. વડોદરા, ડાકોર, સારસા, પાટણ, અમદાવાદ વગેરે સ્થાનોમાં આવેલાં કેટલાંક મંદિરો આનાં ર્દષ્ટાંતરૂપ છે. અલબત્ત, એ સિવાયનાં મોટાભાગનાં મંદિરો પરંપરાગત નાગર શિખર-શૈલીએ કરાયાં છે. શત્રુંજય, સુપેડી (જિ. રાજકોટ) જડેશ્વર, અમદાવાદ, સૂરત વગેરે સ્થળોએ આવેલાં મંદિરોનો આ અંગે ખાસ નિર્દેશ કરી શકાય. વૈષ્ણવ મંદિરોમાં શિખર કરવાનો ચાલ નહિ હોવાથી એ મંદિરો હવેલી સ્વરૂપે બંધાયાં હતાં.

ચિત્ર 30 : રણછોડરાયજીનું મંદિર, ડાકોર
અહીં પહેલી શૈલીનો ઉત્તમ નમૂનો ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં જોવામાં આવે છે. એમાં દક્ષિણી શૈલીનું પિરામિડ ઘાટનું શિખર ખાસ ધ્યાન ખેંચે છે. બીજી શૈલીના નમૂનારૂપે થાન(જિ. સુરેન્દ્રનગર)નું જીર્ણોદ્ધાર પામેલ પ્રસિદ્ધ તરણેતર(ત્રિનેત્રેશ્વર) મંદિર ઉલ્લેખનીય છે. પહેલી પરંપરા થોડા સમયમાં લુપ્ત થઈ ગઈ, જ્યારે બીજી નાગર શૈલીની પરંપરા બ્રિટિશ કાળમાં તેમજ ત્યારબાદ સ્વાતંત્ર્યોત્તર કાળમાં અદ્યાપિપર્યંત ચાલુ છે અને આ શૈલીએ અનેક મહામંદિરો બંધાયાં છે. આમાં ઓગણીસમી સદી દરમિયાન અમદાવાદમાં બંધાયેલ હઠીસિંગ મંદિર અને દૂધરેજ(જિ. સુરેન્દ્રનગર)નું વડવાલા મંદિર તેમજ અમદાવાદ, વડતાલ, ગઢડા, મૂળી, ધોલેરા, ભુજ, જેતલપુર, જૂનાગઢ, ધોળકા વગેરે સ્થળોએ શ્રી સહજાનંદ સ્વામીની દેખરેખ નીચે બંધાયેલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં મહામંદિરો ખાસ ધ્યાન ખેંચે છે. સ્વામિનારાયણ મંદિરોમાં ત્રણ ગર્ભગૃહો અને તેના પર અલગ અલગ શિખર ધરાવતો ત્રિક્પ્રાસાદ, તેની સમ્મુખ અનેક સ્તંભો વડે રચાતો ગૂઢ-મંડપ, તેમાંથી ત્રણે બાજુએ કાઢવામાં આવતી શૃંગાર-ચોકીઓ વગેરે ખાસ ધ્યાન ખેંચે છે. આ મંદિરશૈલી ઉત્તરકાલમાં એ સંપ્રદાયનાં મંદિરોમાં ચાલુ રહી છે અને એમાં અનેક નવાં અંગો ઉમેરીને તેનો વિકાસ કરવામાં આવ્યો છે. તાજેતરમાં રાજકોટમાં તેમજ લંડનમાં બંધાયેલ અક્ષરપુરુષોત્તમ મંદિરો તેના શ્રેષ્ઠ નમૂનારૂપ છે. પ્રભાસમાં સોમનાથનું નવું મહામંદિર, તાજેતરમાં મહેસાણામાં બંધાયેલ સીમંધર સ્વામીનું જિનાલય કામરેજ- સૂરત ચોકડી પાસે બંધાયેલ મહાવિદેહધામનાં એક જ મંદિરમાં સીમંધરસ્વામી, શિવ અને વિષ્ણુનાં મંદિરો ધરાવતું ત્રિમંદિર વગેરે આ શૈલીના અદ્યતન નમૂનારૂપ છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં આ પરંપરાગત શૈલી ઉપરાંત મૌલિક અને વિલક્ષણ સ્વરૂપ ધરાવતાં મંદિરો પણ બન્યાં છે. જેમકે જળાધારી અને શિવલિંગને જ સમગ્ર મંદિરનું સ્વરૂપ અપાયેલું જોવામાં આવે છે. ક્યાંક કમળ, શંકુ કે પીપાકાર ઘાટનાં મંદિરો પણ નજરે પડે છે. આમ છતાં એકંદરે ભારત તેમજ ગુજરાતમાં સર્વત્ર પરંપરાગત મંદિરશૈલી વિશેષપણે અપનાવાતી હોવાનું પ્રતીત થાય છે.
પ્રવીણચંદ્ર પરીખ