મંગેશકર, હૃદયનાથ (જ. 15 સપ્ટેમ્બર 1937, સાંગલી, મહારાષ્ટ્ર) : શાસ્ત્રીય અને સુગમ સંગીતના ગાયક અને મરાઠી સુગમ તથા ચલચિત્ર ક્ષેત્રના અગ્રણી સ્વરકાર. પિતા માસ્ટર દીનાનાથ (1900–1942) મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયકનટ હતા. માતાનું મૂળ નામ નર્મદા; પરંતુ લગ્ન પછી તેમનું નામ શ્રીમતી પાડવામાં આવ્યું હતું. પરિવારની મૂળ અટક અભિષેકી; પરંતુ વતનનું નામ મંગેશ હોવાથી મંગેશકર અટક વધુ પ્રચલિત થઈ. માસ્ટર દીનાનાથનાં પાંચ સંતાનો(લતા, આશા, ઉષા, મીના અને હૃદયનાથ)માં પુત્ર સૌથી નાનો. 1942માં પિતાનું અવસાન થયું ત્યારે હૃદયનાથ પાંચ વર્ષના હતા છતાં ત્યાં સુધી તેમણે પિતા દીનાનાથની ગાયનશૈલી અને ઘણી ખરી બંદિશો આત્મસાત્ કરી લીધી હતી. આ જ બંદિશોના આધાર પર હૃદયનાથે તેમની વ્યાવસાયિક સંગીત કારકિર્દીમાં સ્વરરચના કરી છે. પાંચ વર્ષના હતા ત્યારથી હૃદયનાથે સ્વરરચનાઓ કરવાની શરૂઆત કરી હતી. તે આઠ વર્ષના હતા ત્યારે તેમના પર લકવાની અસર થઈ જે તે પછીનાં 22 વર્ષ સુધી ચાલુ રહી હતી.

હૃદયનાથ મંગેશકર

તેઓ ઇન્દોર ઘરાનાના વિખ્યાત ગાયક ઉસ્તાદ અમીરખાં સાહેબ(1912–1974)ના ગંડાબંધ શિષ્ય હતા, જેમની પાસેથી હૃદયનાથે સતત બાર વર્ષ સુધી શાસ્ત્રીય સંગીતની નિ:શુલ્ક તાલીમ લીધી હતી. ‘ગુરુદક્ષિણા’ તરીકે અમીરખાં સાહેબ હૃદયનાથે આપેલા માત્ર પાન ખાતા.

ઉર્દૂના મહાન શાયર ગાલિબની જન્મશતાબ્દીને અનુલક્ષીને હૃદયનાથે તેમની કેટલીક ગઝલોને જે સ્વરરચના આપી છે તે અદભુત ગણવામાં આવે છે. લતાએ તેને કંઠ આપ્યો છે. તેવી જ રીતે મીરાંની રચનાઓને હૃદયનાથે જે રીતે સંગીતમાં ઢાળી છે તેને લીધે મીરાંની વિરહવેદના ઘરઘરમાં પહોંચી ગઈ છે. ગાલિબની ઉર્દૂ ગઝલો અને મીરાંની ભક્તિરસપૂર્ણ રચનાઓના સ્વરનિયોજન ઉપરાંત હૃદયનાથે સંત જ્ઞાનેશ્વર, ભાગવત પુરાણ, ગણેશમહિમા અને સ્વાતંત્ર્યવીર સાવરકરની કેટલીક કાવ્યરચનાઓ, શાંતા શેળકેનાં કોળીગીતો, આરતી પ્રભુની રચનાઓ વગેરેની સ્વરરચનાઓ કરી છે, જે મરાઠી- ભાષી પરિવારોમાં કર્ણમધુર સંગીતની અનામતો ગણવામાં આવે છે. ‘નિત દિન બરસત નૈન હમારે’ અને ‘બરસે બિંદિયા સાવન કી’ – આ બે રચનાઓનું સ્વરનિયોજન હૃદયનાથે 1954માં જ્યારે કર્યું ત્યારે તે માત્ર સોળ વર્ષના હતા.

હૃદયનાથે અત્યાર સુધી (2008) 21 મરાઠી ચલચિત્રોનાં ગીતોનું તથા બે હિંદી ચલચિત્રોનું સ્વરનિયોજન કર્યું છે; જેમાંથી ચાર મરાઠી ચલચિત્રોને તથા એક હિંદી ચલચિત્રને તેના સંગીત માટે પુરસ્કૃત કરવામાં આવ્યાં છે. તેમના દ્વારા સંગીતબદ્ધ ‘લેકિન’ હિંદી ચલચિત્રને તેના સંગીત માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત થયો છે. હિંદી ચલચિત્ર જગતના જાણીતા સ્વરનિયોજક સજ્જાદ હુસૈન અને સલીલ ચૌધરીની સંગીતશૈલીનો હૃદયનાથ પર ઊંડો પ્રભાવ પડ્યો છે. આ હકીકત હૃદયનાથ પોતે સ્વીકારે છે. ‘ભાવસરગમ’ શીર્ષક હેઠળ તેઓ જુદા જુદા ઠેકાણે સંગીતના જાહેર કાર્યક્રમો આપતા હોય છે. ભારતીય શાસ્ત્રીય સંગીતની શાસ્ત્રશુદ્ધતામાં અને ગહનતામાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા છે. ભારતરત્નથી સન્માનિત સિતારવાદક પંડિત રવિશંકર હૃદયનાથના અનેક પ્રશંસકોમાંના એક છે.

સંગીતબદ્ધ કરેલાં મોટા ભાગનાં ગીતોને કાં તો તેમણે અને/અથવા તેમની બહેનોએ કંઠ આપ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે