ભૌતિકવાદ : અધ્યાત્મવાદનો વિરોધી એવો તત્વમીમાંસાનો એક સિદ્ધાન્ત. જીવ, જગત અને ઈશ્વર એ તત્વત્રયના અંતિમ સ્વરૂપની મીમાંસા કરનારી તત્વજ્ઞાનની શાખાને તત્વમીમાંસા કહે છે. તત્વમીમાંસકો તરીકે ભૌતિકવાદીઓનું મૂળભૂત પ્રતિપાદન એ છે કે જીવ, જગત અને ઈશ્વર એ કહેવાતાં ત્રણ તત્વોમાં જીવ કે આત્મા અને ઈશ્વર કે પરમાત્માને વાસ્તવિક અસ્તિત્વ છે જ નહિ, કેવળ જગતને જ વાસ્તવિક અસ્તિત્વ છે અને તેથી તે એકમાત્ર તત્વ છે. આમ ભૌતિકવાદ એ અનાત્મવાદી, નિરીશ્વરવાદી અને કેવળ ઇહલોકવાદી તત્વસિદ્ધાન્ત છે. ભૌતિકવાદ અનુસાર જગતમાં જે કંઈ છે તે બધું જ અચેતન કે જડ એવા ભૌતિક તત્વમાંથી પરિણમેલું છે. ભૌતિક તત્વને કારણે જગતમાં જે પદાર્થો કે ઘટનાઓ અસ્તિત્વમાં આવે છે તે તેમનાં પુરોગામી કારણોને લીધે નિયત થયેલાં હોય છે. કાર્ય-કારણનો નિયમ એ ભૌતિક જગતનો સાર્વત્રિક અને નિરપવાદપણે કામ કરતો નિયમ છે એમ તો મોટેભાગે સૌ કોઈ સ્વીકારે, પણ ભૌતિકવાદનું ખાસ પ્રતિપાદન એ છે કે આ જગતમાં ભૌતિક ન હોય તેવું કશું છે જ નહિ. માણસનાં સંવેદનો, લાગણીઓ, વિચારો, ઇચ્છાઓ, કહેવાતાં સ્વતંત્ર સંકલ્પપ્રેરિત કર્મો વગેરે ચેતન ગણાતા અનુભવો પણ ખરેખર તો શરીરના જ્ઞાનતંત્રમાં થતી ભૌતિક ગતિના પરિણામરૂપ ભૌતિક ઘટનાઓ જ છે અને અન્ય ભૌતિક ઘટનાઓની પેઠે કાર્ય-કારણના નિયમ પ્રમાણે યાંત્રિક રીતે નિયત થયેલી હોય છે. જગતમાં જે કંઈ બને છે તે જડ ભૌતિક તત્વમાં કાર્ય-કારણના કુદરતી નિયમ પ્રમાણે થયેલા પરિવર્તનરૂપ હોય છે અને ભૌતિક તત્વનું આ રીતનું પરિવર્તન સંપૂર્ણપણે નિયત અને યાંત્રિક હોય છે. તેથી જગતની ઉત્પત્તિ અને તેનો વિકાસ કોઈ હેતુ કે પ્રયોજનની પૂર્તિ માટે થયેલો છે એવો ખ્યાલ તદ્દન ખોટો છે. આમ ભૌતિકવાદનું એ ભારપૂર્વકનું પ્રતિપાદન છે કે જગતની તમામ પ્રક્રિયાઓ કુદરતના આંધળા નિયમને અનુસરીને યાંત્રિક રીતે બનતી હોય છે અને તેમાં હેતુલક્ષિતાનો સદંતર અભાવ હોય છે.

પ્રાચીન ગ્રીક તત્વચિંતક લ્યુસિપસે પ્રતિપાદિત કરેલા પરમાણુવાદનું વિવરણ કરીને તેમના શિષ્ય ડિમોક્રિટસે (ઈ. પૂ. 460–360) ભૌતિકવાદ અને તેની સાથે સંલગ્ન એવા નિયતિવાદ અને યંત્રવાદનું વ્યવસ્થિત રીતે નિરૂપણ કરેલું છે. ડિમોક્રિટસના મત પ્રમાણે ખાલી દિક્ કે અવકાશમાં ગતિ કરતા નરી આંખે જોઈ ન શકાય તેટલા નાના કદના નક્કર ભૌતિક પરમાણુઓ એ આ જગતનાં આખરી ઘટક તત્વો છે. આવા પરમાણુઓની સંખ્યા અનંત છે અને તેમાંનું પ્રત્યેક અવિનાશી અને શાશ્વત ભૌતિક તત્વ છે. પરમાણુઓ અનાદિ કાળથી ખાલી અવકાશમાં સતત ગતિ કર્યા કરે છે અને તેથી પરમાણુના અસ્તિત્વના તેમજ તેમની ગતિના આરંભનો પ્રશ્ન અસ્થાને છે. પરમાણુઓમાં કોઈ ગુણગત ભેદ નથી, માત્ર કદ અને આકારના પ્રમાણગત ભેદને લીધે જ એક પરમાણુ બીજા પરમાણુઓથી જુદો પડે છે. પરમાણુઓની અવકાશમાં થઈ રહેલી ગતિને કારણે તેમનાં વિવિધ સંયોજનો થાય છે અને તેમાંથી પૃથ્વી, જળ, તેજ વગેરે ભૌતિક દ્રવ્યો અને તેમના સંયોજનથી બનતા જગતના નાના, મોટા, સજીવ-નિર્જીવ તમામ પદાર્થો અસ્તિત્વમાં આવે છે. માનવશરીર સાથેના સંયોગને લીધે તેજના પરમાણુઓમાં સંવેદનશક્તિ આવે છે, જે આત્મા તરીકે ઓળખાય છે. આમ આત્મા જેવું કોઈ અભૌતિક આધ્યાત્મિક તત્વ છે જ નહિ. ભૌતિક રીતે ઉદભવેલી શરીરની ચેતના શરીરની સાથે ઉદભવે છે અને નાશ પામે છે. ડિમોક્રિટસનું એ પ્રતિપાદન છે કે – પરમાણુઓ જડ ભૌતિક તત્ત્વો હોવાથી કોઈ પ્રયોજનને અનુલક્ષીને ગતિ કરવાનો તેમના માટે પ્રશ્ન જ નથી. આનો અર્થ એ કે જગતની ઉત્પત્તિ અને સ્થિતિ કોઈ ‘હેતુ’ની પૂર્તિ માટે હોઈ શકે જ નહિ. જગત યાંત્રિક રીતે અસ્તિત્વમાં આવ્યું છે અને એ જ રીતે ટકી રહ્યું છે. આથી કેવળ યાંત્રિક અને અનિવાર્ય એવા પરમાણુની ગતિને લગતા નિયમો સિવાયની કોઈ પણ બાબતને વચ્ચે લાવ્યા સિવાય સમગ્ર સૃષ્ટિની તમામ ઘટનાઓનો ખુલાસો થઈ શકે છે.

પ્રાચીન ગ્રીસની જેમ પ્રાચીન ભારતમાં પણ બૃહસ્પતિ (ઈ. પૂ. 600) અને તેમના શિષ્ય ચાર્વાકે ભૌતિકવાદનું પ્રતિપાદન કરેલું છે, જે ભારતીય દર્શનપ્રણાલીમાં ચાર્વાક-દર્શન કે લોકાયત (લોક + આયત, લોક એટલે ઇન્દ્રિયગમ્ય ભૌતિક જગત અને આયત એટલે એની તરફ ખેંચાયેલું) દર્શન તરીકે ઓળખાય છે. ચાર્વાક-દર્શન પ્રમાણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મળતું પ્રત્યક્ષ જ્ઞાન એ જ પ્રમાણભૂત જ્ઞાનનો એકમાત્ર પ્રકાર છે. ઇન્દ્રિયપ્રત્યક્ષથી જાણવામાં આવતાં પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ આ જગતના મૂળ ઘટકરૂપ શાશ્વત ભૌતિક તત્વો છે. તેમનાં સંયોજનથી માનવશરીર સહિત તમામ ઇન્દ્રિયગમ્ય ભૌતિક પદાર્થો ઉત્પન્ન થયેલા છે. મૂળ ભૌતિક તત્વોમાં થયેલા રાસાયણિક ફેરફારોને લીધે માનવશરીરમાં ચેતના ઉત્પન્ન થયેલી છે, જેનો નાશ થતાં માણસનું મૃત્યુ થાય છે. માનવશરીરમાં આત્મા જેવું કંઈ છે જ નહિ અને તેથી તેના મોક્ષની પ્રાપ્તિ માટે ધર્મના પાલનની વાત સાવ વાહિયાત છે. ‘કામ’ (ઇન્દ્રિયવિષયભોગનું સુખ) એ જ ખરો પુરુષાર્થ છે. ‘અર્થ’ (દ્રવ્ય) તેની પ્રાપ્તિ માટેનું સાધન છે. તેથી માણસે જીવન દરમિયાન ગમે તે રીતે દ્રવ્ય મેળવીને શક્ય તેટલું વધારે ઇન્દ્રિયસુખ ભોગવી લેવું જોઈએ.

પરંપરાગત ભારતીય તત્વજ્ઞાનમાં નવ દર્શનો છે. તેમાંનાં આઠ દર્શનો અધ્યાત્મવાદી છે અને કેવળ ચાર્વાક-દર્શન જ ભૌતિકવાદી છે. પ્રત્યેક અધ્યાત્મવાદી દર્શનના ગ્રંથોમાં ચાર્વાક-દર્શનની પૂર્વપક્ષ તરીકે રજૂઆત કરીને તેનું જોરદાર ખંડન કરવાનો પ્રયત્ન આ દર્શનોના ઊગમકાળથી આજ સુધી થતો રહ્યો છે. એ જ રીતે પશ્ચિમના તત્વજ્ઞાનમાં પણ પ્લેટો (ઈ. પૂ. 427–347) અને ઍરિસ્ટોટલ(ઈ. પૂ. 384–322)થી શરૂ કરીને આજ સુધીના અનેક મહાન ચિંતકોએ ભૌતિકવાદને અસ્વીકાર્ય ગણ્યો છે. ભૌતિકવાદની અસ્વીકાર્યતાનું તાર્કિક કારણ એ છે કે ભૌતિકવાદ અનુસાર માણસના તમામ વિચારો તેમનાં પૂર્વગામી કારણોથી નિયત થયેલાં હોય છે અને તેથી ભૌતિકવાદના સમર્થન માટે ભૌતિકવાદી જે દલીલો કરે છે તે સત્યશોધન માટે કરવામાં આવેલા સ્વતંત્ર ચિંતનના પરિણામરૂપ અને તેથી સ્વીકાર્ય છે એમ ભૌતિકવાદીની પોતાની ર્દષ્ટિએ કહી શકાતું નથી. આમ, ભૌતિકવાદના પ્રતિપાદનનો પ્રયત્ન સ્વઘાતક અને આંતરવિરોધી હોવાથી તાર્કિક ર્દષ્ટિએ ભૌતિકવાદનું ક્યારેય પ્રસ્થાપન થઈ શકતું નથી. ભૌતિકવાદની અસ્વીકાર્યતાનું તાત્વિક કારણ એ છે કે માનવસંસ્કૃતિના ઊગમકાળથી અદ્યાપિ પર્યંત દુનિયાભરના અનેક સત્યનિષ્ઠ અને મહાન પુરુષોને આત્મા-પરમાત્મા જેવાં આધ્યાત્મિક તત્વોનો જે અનુભવ થયો છે અને તેને સંતોષવા માટે માનવજાતે વિવિધ પ્રકારની જે આધ્યાત્મિક સાધના કરેલી છે તે બધાંનો સુસંગતપણે અને સંતોષકારક રીતે બુદ્ધિગમ્ય ખુલાસો આપવાની ભૌતિકવાદમાં ક્ષમતા જ નથી. તાત્વિક ર્દષ્ટિએ ભૌતિકવાદની આ અતિ મોટી ક્ષતિ છે, કારણ કે તત્વચિંતક એટલા માટે જ ડાહ્યો માણસ કહેવાય છે કે તે સમગ્ર વિશ્વના સંદર્ભમાં સંપૂર્ણ માનવજીવનની સમીક્ષા કરે છે.

જ. આ. યાજ્ઞિક