ભેંસ

(Indian buffalo)

ચરબીનું વધારે પ્રમાણ (6 %થી 10 %) ધરાવતા દૂધ જેવા પોષક આહારનું ઉત્પાદન કરતું એક પાલતુ જાનવર. પ્રાણી-વર્ગીકરણના ધોરણ અનુસાર તેનો વર્ગ સસ્તન ઉપવર્ગ યૂથેરિયા શ્રેણી ખરીવાન (angulata), ઉપશ્રેણી સમખરી (artiodactyla) અને કુળ બ્યુબૅલિડી લેખાય છે. શાસ્ત્રીય નામ છે Bubalus bubalis (Indian buffalo). દુનિયાની ભેંસની કુલ વસ્તી 150 કરોડ છે. તેમાંની 145 કરોડની વસ્તી માત્ર એશિયા ખંડમાં વસે છે. FAO(1992)ની ગણતરી મુજબ ભારતમાં ભેંસોની વસ્તી 9 કરોડ 21 લાખ 90 હજાર જેટલી છે, એ રીતે દુનિયામાં સૌથી વધુ છે. ગુજરાતમાં 1951માં ભેંસોની વસ્તી 25 લાખ જેટલી હતી. 1995માં તે વધીને 52.4 લાખ જેટલી થઈ હતી.

ગાયના દૂધમાં ચરબીનું પ્રમાણ ઓછામાં ઓછું 3.5 % અને ભેંસમાં તેનું પ્રમાણ ઓછામાં ઓછું 6 % જેટલું હોવું જોઈએ.

ભેંસ

ભેંસની આર્થિક ઉપયોગિતા : ભેંસના માંસના નિકાસથી હૂંડિયામણની કમાણી થઈ શકે છે. એ ર્દષ્ટિએ ભેંસપાલન આશાસ્પદ વ્યવસાય છે. ભેંસોની ચામડીમાંથી ઉચ્ચ કોટિનાં બૂટ, પટ્ટા, સૂટકેસ, મશક, ઘોડાની લગામી જેવી ચીજો બનાવવામાં આવે છે. થાઇલૅન્ડ, નેપાલ તથા ઇન્ડોનેશિયા જેવા દેશોમાં તો ભેંસની ચામડીના નાના ટુકડા કરી તેને શેકી ‘બફેલો’ કાતરી બનાવી તે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં ભેંસનાં હાડકાં-શિંગડાં કુટિર-ઉદ્યોગમાં કાચા માલ તરીકે વપરાય છે અને આ હાડકાં-શિંગડાંમાંથી આકર્ષક વસ્તુઓ બનાવવામાં આવે છે. મલેશિયામાં ભેંસોનાં હાડકાંમાંથી વાજિંત્ર બનાવવામાં આવે છે. ભેંસનાં હાડકાં-શિંગડાંમાંથી કાંસકા, છરીઓના હાથા તેમજ પશુ-આહારમાં વપરાતું બોનમીલ પણ બનાવવામાં આવે છે.

ભારતમાં બળદો તથા ઊંટની માફક પાડા અને વસૂકી ગયેલી ભેંસો ખેતીકામ અને ભારવહનમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. ભારતમાં પાડાની વસ્તી 7.5 લાખ છે. વધુ વરસાદવાળા પ્રદેશમાં કાળી જમીનમાં હળથી વાવણી કરવામાં મુખ્યત્વે પાડાઓ ઉપયોગી થાય છે.

ગુજરાતમાં ભેંસના દૂધનું ઉત્પાદન : ગુજરાતમાં 1996–97માં કુલ દૂધ-ઉત્પાદન 41 લાખ ટન હતું, જે ભારતના કુલ દૂધ-ઉત્પાદન(30.4 લાખ ટન)ના 6.3 % સાથે ભારતમાં છઠ્ઠા સ્થાને છે. વિશ્વમાં ભેંસના દૂધનું ઉત્પાદન 49.3 લાખ ટન, જ્યારે એશિયામાં 47.7 લાખ ટન અને ભારતમાં 30.4 લાખ ટન નોંધાયેલ છે. આમ વિશ્વની સરખામણીએ ભારતમાં દૂધ-ઉત્પાદનમાં ભેંસોનો 61.7 % જેટલો ફાળો છે.

ગુજરાતના દૂધ-ઉત્પાદનમાં ભેંસોનો ફાળો 63 %, ગાયોનો 32 % અને બકરાંનો 5 % છે. ઈ. સ. 1971ની દૂધ-ઉત્પાદનની સરખામણીએ ભેંસના દૂધ-ઉત્પાદનમાં 16 લાખ લિટરનો વધારો થાય છે. ઈ. સ. 1997માં નોંધાયેલ આંકડાકીય માહિતી અનુસાર ભેંસના દૈનિક દૂધઉત્પાદનમાં 18.91 ટકા જેટલો વધારો થયો છે. ગાયો-ભેંસોમાંથી માંસનું ઉત્પાદન 2.5 લાખ ટન [(ભારતમાં), 10.8 લાખ ટન (એશિયા) અને 56.6 લાખ ટન (વિશ્વમાં)] નોંધાયેલ છે. આમ ભારતનો ગાયો-ભેંસોના માંસ-ઉત્પાદનમાં 4.4 % જેટલો ફાળો છે.

ભેંસનું શારીરિક બંધારણ :

1. ચામડી : ગાયોની સરખામણીમાં ભેંસોની ચામડી વધુ જાડી (6થી 8 મિમી. જેટલી) હોય છે. બાલ્યાવસ્થામાં તેની ચામડીના એક ચોરસ સેમી.દીઠ વાળનાં 1,250 જેટલાં ઉદગમ-સ્થાનો હોય છે. ક્રમશ: તે ઘટીને પુખ્તાવસ્થામાં ચોમી. દીઠ 140 જેટલાં રહે છે. તેથી માત્ર બાલ્યાવસ્થામાં શરીર પર ઘણા વાળ જોવા મળે છે; જ્યારે પુખ્તાવસ્થામાં વાળ સામાન્યપણે જડબાના નીચલા ભાગ, પેટ અને પૂંછડી પૂરતા મર્યાદિત રહે છે.

2. કંકાલતંત્ર : ભેંસના કંકાલતંત્રમાં નીચે મુજબનાં હાડકાં હોય છે :

(i) ખોપરી 34
(ii) નીચલું જડબું 2
(iii) કરોડસ્તંભ 51
(iv) પાંસળી 26
(v) ઉરોસ્થિ 1
(vi) આગલા પગ અને સ્કંધ-મેખલા 48
(vii) પાછલા પગ અને નિતંબ-મેખલા 48
કુલ 210

  3. સ્નાયુમાં આવેલ રાસાયણિક ઘટકોનું પ્રમાણ :

(i) પાણી 76–77 %
(ii) પ્રોટીનો 20–21 %
(iii) ચરબી 0.5 %
(iv) pH આંક 5.5

4. રુધિરમાં આવેલા વિવિધ ઘટકો

(i) રક્તકણો (મિમી3) 5.4 – 5.8 લાખ
(ii) શ્વેતકણો (મિમી.3) 8.9 – 15.2 હજાર
(iii) હીમોગ્લોબિન (ગ્રામ/100 મિમી. રુધિરદીઠ) 8.9 – 12.9
(iv) શર્કરા (મિ.ગ્રામ/ 100 મિમી. રુધિરદીઠ) 43.9 – 79.3
(v) પ્રોટીન (ગ્રામ–100 મિલી. સિરમદીઠ) 6.5 – 6.8
(vi) કૅલ્શિયમ (મિગ્રા.–100 મિલી. સિરમદીઠ) 9.6 – 10.2
(vii) મૅગ્નેશિયમ 2.08 – 2.40

5. ભેંસનું ખીરું : ભેંસના ખીરામાં આવેલાં ખોરાકી તત્વોનું પ્રમાણ

(i) કુલ ઘન પદાર્થો (100 મિમી.દીઠ) ગ્રામ 22.8
(ii) લૅક્ટોઝ 3.4
(iii) ચરબી 11.31
(iv) પ્રોટીનો (નત્રલ પદાર્થો) 7.93
(v) કેસીન 3.90

દૂધ : ભેંસ અને ગાયના દૂધની સરખામણી

ક્રમાંક     વિગત ભેંસનું દૂધ ગાયનું દૂધ
1      2    3      4
1. રંગ સફેદ સહેજ પીળાશ
2. વિશિષ્ટ ઘનતા 1.033 1.031
3. pH 6.70 6.60
4. ખટાશ (lactic acid) 0.10 % 0.15 %
5. ઠારણબિંદુ –0.59 –0.53
6. સ્નિગ્ધતા (viscosity) 2.25 1.95
7. ઉત્કલનબિંદુ (°સે.) 101 100
8. કૅલરી (ગ્રામદીઠ) 0.86 0.94
9. ચરબીના કણોનું કદ (માઇક્રૉન) 8–10 3–5
10. સંતૃપ્ત ફૅટી ઍસિડ 2.01 % 5.14 %
11. અસંતૃપ્ત ફૅટી ઍસિડ 11.7 14.8
12. લિનોલિક ઍસિડ 38.9 28.3
13. કૅલ્શિયમ/ફૉસ્ફરસ ગુણોત્તર 1.8 1.2
14. વિટામિનો અને ઉત્સેચકો પ્રમાણમાં ઓછાં વધારે
15. આઉમાંથી આવેલા કોષો પ્રમાણમાં વધારે ઓછા

ખોરાકમાંના કૅરોટીનનું વિટામિન ‘એ’માં રૂપાંતર થવાથી ભેંસના દૂધનો રંગ અર્ધપારદર્શક (transluscent) સફેદ હોય છે; જ્યારે ગાયના દૂધમાં કૅરોટીનનું પ્રમાણ વધુ હોવાથી ગાયનું દૂધ સહેજ પીળાશપડતું હોય છે. ભેંસના દૂધમાં ચરબીના કણો મોટા (8થી 10 માઇક્રૉનના) હોવાથી ઘી વધુ કણીદાર બને છે. તેમાં સંતૃપ્ત ફૅટી ઍસિડનું પ્રમાણ વધારે હોવાથી પચવામાં પણ સહેજ ભારે હોય છે. ભેંસનું દૂધ દર 100 ગ્રામદીઠ 100 કિલોકૅલરી શક્તિ આપે છે. જ્યારે ગાયનું દૂધ દર 100 ગ્રામે 75 કિલોકૅલરી શક્તિ આપે છે. ગાયના દૂધની સરખામણીએ ભેંસના દૂધમાં લાઇસિન અને મિથિયોનિન એમિનો ઍસિડો બમણાં હોય છે. વળી ગાયના દૂધની સરખામણીએ ભેંસના દૂધમાં કૅલ્શિયમ દોઢગણું તથા મૅગ્નેશિયમ બેગણું વધારે હોય છે. ગાયના દૂધમાં આયોડીન તત્વ હોય છે, જ્યારે ભેંસના દૂધમાં તે હોતું નથી. ચરબીમાં ખનિજ-તત્વોનું પ્રમાણ 25:1 હોવાથી તેમનું શોષણ વધુ પ્રમાણમાં થાય છે.

પ્રજનન : આખલા તથા પાડાના વીર્ય(semen)માં આવેલા વિવિધ ઘટકો (નોંધપાત્ર તફાવતને આધારે)

અનુ.     વિગત આખલો (સાંઢ) પાડો
1. શુક્રકોષ/મિલી. દસ લાખમાં 1,389 1,234
2. જીવંત શુક્રકોષ/મિલી. દસ લાખમાં 1,036 891.7
3. ફ્રુક્ટોલાઇસિસ 1.79 1.54

પાડી/પાડાઓનું જતન :  પાડા/પાડીઓનું જતન તેઓ જ્યારે માતાના ઉદરમાં ગર્ભાવસ્થામાં હોય ત્યારથી જ કરવામાં આવતું હોય છે. સગર્ભાવસ્થાના 7 માસના સમયથી તેને દોહવાનું બંધ કરી દેવામાં આવે છે અને દરરોજ 2 કિલો જેટલું દાણ, 25થી 35 ગ્રામ ક્ષાર-મિશ્રણ તથા પૂરતો ખાઈ શકે તેટલો લીલો/સૂકો ચારો નીરવામાં આવે છે; તેથી સારાં શારીરિક બંધારણવાળાં સંતાન જન્મે છે.

વિયાણ પછી બચ્ચાનું આખું શરીર માતા પોતાની જીભ વડે ચાટીને કોરું કરતી હોય છે અને ટૂંકસમયમાં બચ્ચાં તેમના ચારેય પગે ઊભાં થઈ જાય છે. બચ્ચાંના સારા શારીરિક વિકાસ માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ :

જન્મ પછી 30 મિનિટની અંદર ખીરું પિવડાવવું, જે નવા જન્મેલ સંતાનને રોગપ્રતિકારક શક્તિ આપે છે.

બચ્ચામાં એસ્કેરિયસિસના (આંત્રકૃમિ) ચેપનું પ્રમાણ વધુ હોવાથી જન્મસમય પછી પ્રથમ અઠવાડિયામાં કૃમિનાશક દવા આપવી જોઈએ.

12થી 15મા દિવસે કૂણો લીલો ચારો અથવા સારી ગુણવત્તાવાળું પાતળી સળીનું કૂણું લીલા રંગનું ઉત્તમ સરાઉઘાસ (મુઠ્ઠીભર) આપવું જોઈએ. આમ કરવાથી બચ્ચું ખાતાં શીખે છે તથા તેના જઠરનો વિકાસ ઝડપી થાય છે.

બચ્ચાંને કૃત્રિમ ઉછેરપદ્ધતિ મુજબ વજનના 10 % જેટલું દૂધ પિવડાવવું.

ભારતમાં ભેંસોમાં વિયાણ ચોમાસાની શરૂઆતમાં જૂન-જુલાઈ માસમાં થતું હોય છે. તેથી બચ્ચાંને જન્મ પછી ચોખ્ખા તથા હવાઉજાસવાળા મકાનમાં રાખવું, નહિતર તેમનામાં ન્યુમોનિયા તથા ઝાડાની સમસ્યા થવાનો સંભવ રહે છે.

બચ્ચાં પ્રથમ માસ દરમિયાન ઓછું ખાય અને દૂધ પીએ ત્યારે તાત્કાલિક તેમને 30થી 40 મિલી. જેટલું દિવેલ આપવું.

બચ્ચાંને જન્મના પ્રથમ પંદર દિવસ દરમિયાન નીચે પ્રમાણેની દવા આપવાથી મૃત્યુદર ઘણો ઘટાડી શકાય છે :

ઉંમર (દિવસમાં) દવા કઈ ખામી/રોગ સામે
(1) ઓરિયોમાઇસિન/ ટેરામાઇસિન અથવા નાઇટ્રોફ્યુરાઝોન ઝાડા
(2) વિટામિન ‘એ’ રોવીમિક્સ, રિવિસોલ રતાંધળાપણું
(3) કૃમિનાશક દવા (પાઇપેઝીન/પાનાક્યૉર/ બાનમિન્થ–II વગેરે.) એસ્કેરિયાસિસ
 (7) કૃમિનાશક દવા (પાઇપેઝીન/પાનાક્યૉર/ બાનમિન્થ–II વગેરે) એસ્કેરિયાસિસ
 (8થી 11) સલમેટ કૉક્સિડિયોસિસ

ઉપર્યુક્ત માવજત ઉપરાંત બચ્ચાંને માથાદીઠ 500 ગ્રામ કાફસ્ટાર્ટર આપવું. આ કાફસ્ટાર્ટર ત્રણ માસની ઉંમર સુધી આપવામાં આવે છે. ત્યારબાદ વાછરડાને સાદું ખાણમિશ્રણ પણ આપી શકાય; જેમાં મકાઈ 4 ભાગ, ચણાની દાળ 3 ભાગ, શિંગ કે કપાસિયાંનો ખોળ 2 ભાગ, ઘઉંનું ભૂસું 1 ભાગ હોય છે; જ્યારે કાફસ્ટાર્ટરમાં ભરડેલી મકાઈ 40 %, ભરડેલા ઓટ 30 %, સોયાબીન ખોળ 30 %, આ ઉપરાંત હાડકાનો ભૂકો 10 ગ્રામ, મીઠું 10 ગ્રામ અને ટ્વિસ્ટ 0.25 પ્રતિકિલો પ્રમાણે નાંખવામાં આવે છે. 6 માસની ઉંમર સુધી નાના પાડાઓને કતલખાને મોકલી દેવામાં આવે છે અથવા તો અપોષણને લીધે તેઓ મૃત્યુ પામતા હોય છે.

પાડીઓનું જતન (6 માસની ઉંમર પછી) : આ ઉંમરે પાડીઓનું જતન યોગ્ય રીતે નહિ કરવાથી તેમના શારીરિક વૃદ્ધિ-દર પર માઠી અસર પડે છે. ભારતીય અનુસંધાન પરિષદની ભલામણ પ્રમાણે આહાર આપતાં પાડીઓમાં શારીરિક વૃદ્ધિ-દર 300–350 ગ્રામ. પ્રતિદિન નોંધાયેલ છે; પરંતુ ખેડૂતો આ ભલામણ પ્રમાણે આહાર ન આપતા હોવાથી પાડીઓમાં વૃદ્ધિ-દર ઓછો એટલે કે 150થી 200 ગ્રામ/પ્રતિદિન નોંધાયેલ છે. પાડીઓને 12 માસ સુધી અપૂરતો અને અલ્પપોષણયુક્ત આહાર આપવામાં આવે છે; જ્યારે 18 માસની ઉંમર પછી જરૂરી કરતાં વધુ ખોરાક અપાય છે. આ બંને નુકસાનકારક છે. આથી નીચે જણાવેલ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ખોરાક આપવો વધુ હિતાવહ છે :

(1) પાડીઓને તેઓ ખાઈ શકે તેટલો સારી ગુણવત્તાવાળો લીલો ચારો અને થોડી માત્રામાં દાણ આપવાં જોઈએ.

(2) પાડીઓને આહારમાં વધુપડતું દાણ આપવાને બદલે લીલો રજકો કે સૂકો રજકો તથા દાણ 60:40ના પ્રમાણમાં આપવાથી વૃદ્ધિનો દર વધે છે.

પાડિયાઘરની આજુબાજ વૃક્ષો રોપેલાં હોય તે હિતાવહ છે. તેથી પાડિયાઘરનું તાપમાન માપસરનું રહે છે અને પાચનક્રિયા વધુ સારી રીતે થાય છે. ઉનાળુ ઋતુમાં બપોરના સમયે (12-00થી 4-00 કલાક) પાડીના આખા શરીરે પાણીનો છંટકાવ કરવો અથવા તો શરીર પર ટાટિયું રાખવું અને તેને પાણીથી 15–20 મિનિટે ભીનું કરવું.

નાનાં પાડા-પાડીઓને યોગ્ય સમયના અંતરે કૃમિનાશક દવાઓ આપવી.

પાડીઓમાં બાહ્ય પરોપજીવોનો ઉપદ્રવ ઘણો વધારે હોવાથી તેમના શરીર પર યોગ્ય દવા જેમ કે બ્યુટૉક્સ –butox)નો છંટકાવ કરવો.

દુધાળ ભેંસોનું જતન : ભેંસોને તેમના વજનના 3 %થી 3.5 % જેટલા સૂકા પદાર્થની દૈનિક જરૂરિયાત રહે છે. 23 ભાગ લીલા/સૂકા ચારા વડે અને 13 ભાગ દાણ થકી ખોરાક પૂરો પાડવો. લીલા ચારામાં ધાન્યવર્ગ અને કઠોળવર્ગના ચારાનું પ્રમાણ 60:40 રાખવું. સૂકા ચારામાં સારી ગુણવત્તાવાળું જુવાર-બાટું આપવાથી ખૂબ જ ફાયદો થાય છે. દાણ દૈનિક દૂધ-ઉત્પાદનના 50 % પ્રમાણે આપવું.

ભેંસને દૈનિક 10થી 15 કિલો લીલો ચારો, ખાઈ શકે તેટલો સૂકો ચારો અને 3 કિલો દાણ આપવું. જો લીલો ચારો ન આપી શકાય તો ભેંસને દિવસમાં 5થી 6 કલાક ચારવા માટે લઈ જવી.

વધુ દૂધ આપતી ભેંસોને જરૂરી દાણ દિવસમાં ત્રણ વખત આપવું, જે પૈકી 35 % સવારે દોહતી વખતે, 25 % સવારે 10 કલાકે અને બાકીનું 40 % દાણ સાંજે દોહતી વખતે આપવું.

ભેંસો રાત્રિના સમયે 25 %થી 30 % જેટલો ખોરાકનો જથ્થો ખાતી હોવાથી રાત્રે 10 કલાકે ટુકડા કરેલા બે સૂકા પૂળા નીરણ કરવું.

દિવસમાં બે સમય નીરણ કરવાને બદલે 2 દિવસ દરમિયાન 3થી 4 વખત નીરણ કરવાથી દૂધ-ઉત્પાદન અને તેની ચરબીની ટકાવારી વધે છે.

ભેંસોને લીલો-સૂકો ચારો મિશ્ર કરીને તેના ટુકડા કરીને ખવડાવવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે અને દૂધમાં ચરબીનું પ્રમાણ જળવાઈ રહે છે. આમ અંદાજે ખોરાકનો 20 %થી 30 % જેટલો બગાડ અટકાવી શકાય છે.

વસૂકેલી ભેંસોને તથા પુખ્ત પાડીઓને ડાંગર કે ઘઉંના પરાળને યુરિયા-ઉપચારણ કરી ખવડાવવાથી નબળી ગુણવત્તાવાળા ચારાનું પોષણ-મૂલ્ય, ખાસ કરીને પ્રોટીનનું પ્રમાણ, વધે છે. આમ કરવાથી ભેંસો/પાડીઓને અપાતા દાણની માત્રા ઘટાડી ખર્ચ ઘટાડી શકાય છે.

દૈનિક 5થી 7 લિટર દૂધ આપતી ભેંસોને શિયાળામાં લીલો રજકો/ ચોળી + જુવાર / મકાઈ અને ખાઈ શકે તેટલો સૂકો ચારો આપવાથી દાણ આપવાની જરૂર રહેતી નથી.

ભેંસો 24 કલાકમાં લૂઝ હાઉસિંગમાં દિવસે 5 વખત અને રાત્રે 3 વખત એમ કુલ આઠેક વખત પાણી પીએ છે. આમ રાત્રે પણ પાણી પીતી હોઈ રાત્રે સૂતી વખતે પાણી પિવડાવી સુવાડવી.

વધુ દૂધ-ઉત્પાદન મેળવવાના લોભમાં ભેંસોને જરૂરિયાત કરતાં વધુ દાણ ખવડાવવાથી દૂધમાં પ્રોપિયોનિક ઍસિડની સરખામણીએ એસિટિક ઍસિડનું પ્રમાણ વધી જતાં ચરબીનું પ્રમાણ ઘટે છે.

ગાભણ ભેંસને ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિના દરમિયાન દૈનિક 2 કિલો અને છેલ્લા પખવાડિયામાં દૈનિક 3 કિલો દાણ આપવું. વિયાણ પછી ભેંસને 10–12 દિવસ સુધી એક ખાસ પ્રકારનું મિશ્રણ (અસાળિયો 100 ગ્રામ, સવા 200 ગ્રામ, મેથી 200 ગ્રામ, સૂંઠ 50 ગ્રામ, કાળી જીરી 50 ગ્રામ, ઘઉંનું ભૂસું 1 કિગ્રા., ગોળ 0.5 કિગ્રા.) આપવું. આ મિશ્રણ ખવડાવવાથી ભેંસોમાં આફરો થવાથી, શરીર ઠંડું પડી જવાથી અને વિયાણ પછી ગર્ભાશયમાંથી બગાડ પડવા જેવી ઘટનાઓ અટકી જાય છે અને તેથી ભેંસો સમયસર વેતરે આવતી હોય છે.

વિયાણ બાદ ભેંસોના વજનમાં 3 %થી 7.5 % જેટલો ઘટાડો જોવા મળે છે. જો શરીરનું વજન આથી વધારે ઘટે તો વિયાણ બાદ ભેંસ વેતરમાં (તાપે) ઘણી મોડી આવે છે, અને ગર્ભમરણનું પ્રમાણ વધે છે અને તેના કારણે બે વેતર વચ્ચેનો સમય લંબાય છે.

રેસાવાળા ખોરાકની અગત્ય :

ભેંસોના ખોરાકમાં રેસાવાળા પદાર્થ ઘણો અગત્યનો ભાગ ભજવે છે.

ભારતમાં ઉનાળાના એપ્રિલ-મે માસમાં તથા જુલાઈ-ઑગસ્ટ મહિનાની ગરમ ભેજવાળી પ્રતિકૂળ ઋતુમાં જાનવરોની ઊર્જાની જરૂરિયાત ઓછી હોવાથી ખોરાક ઓછો ખાઈ ઓછી ઊર્જા મેળવી જરૂરી શારીરિક અનુકૂલન સાધે છે; પરંતુ ખોરાક ઘટતાં રેસાનું તથા ઊર્જાનું પ્રમાણ ઘટવાથી દૂધ તથા ચરબીનું બંનેનું પ્રમાણ ઘટે છે. પશુ-આહારમાં આશરે 4 % જેટલી ચરબી ઉમેરવામાં આવે તો દૂધનું ઉત્પાદન તથા તેની ચરબીનું પ્રમાણ બરોબર જળવાઈ રહે છે. પશુઆહારમાં 25 %થી 50 % જેટલું સોયાબીન તથા 22 % જેટલાં કપાસિયાં આપવાથી દૂધના ઉત્પાદન તથા તેની ચરબીના ટકામાં નોંધપાત્ર વધારો થાય છે.

દૂધના ઉત્પાદન પર થતી ખોરાકની અસર :

ઉનાળા-શિયાળામાં ખોરાકની ગુણવત્તા સાથે વાતાવરણની અસર હેઠળ દૂધ-ઉત્પાદન તથા ચરબીના ટકામાં વધઘટ જોવા મળે છે. ઉનાળામાં જો ભેંસને છાપરાની નીચે કોઢમાં રાખવામાં આવે અને તેને નવડાવવામાં આવે તો તેના દૂધમાં 6.20 % જેટલી ચરબી જોવા મળે છે; જ્યારે ખુલ્લા વાડામાં રાખવામાં આવે તો તેનામાં ચરબીનું પ્રમાણ સહેજ ઓછું થાય છે.

પ્રજનનકાળ દરમિયાન ભેંસનું/પાડીનું જતન : પાડીઓને ઉંમરના આધારે નહિ, પરંતુ શારીરિક વજનના આધારે – 250થી 275 કિલોનું વજન હોય ત્યારે ફેળવવી. ભેંસો દર 20–21 દિવસે તાપે આવે છે. વારંવાર પેશાબ કરવો, બરાડવું, લાળી કરવી, સફેદ પારદર્શક અને ચીકણું પ્રવાહી યોનિમાર્ગ દ્વારા બહાર નીકળવું જેવાં ચિહ્નો ભેંસ/પાડીમાં જણાય તો તે ઋતુમાં છે તેમ જાણી તેને કૃત્રિમ બીજદાન આપવું અગર તો પાડા થકી ફેળવવા પ્રબંધ કરવો.

ભેંસોના/પાડીના યોનિમાર્ગ મારફતે કોઈ બગાડ, રસી કે લોહીનો સ્રાવ થતો જણાય તો તાત્કાલિક યોગ્ય સારવાર અપાવવી.

આરોગ્ય : ભેંસોમાં ગળસૂંઢો, બળિયા, ખરવા મોંવાસા, કાળિયો તાવ, ગાંઠિયો તાવ વગેરે અવારનવાર થતા હોવાથી નીચે જણાવ્યા મુજબ રસી મૂકવાથી તેને જે તે રોગ સામે પ્રતિકારક શક્તિ પ્રાપ્ત થાય છે અને મૃત્યુદર ઘટાડી શકાય છે.

રોગ રસી મૂકવાનો સમય     સમય
બળિયા જાન્યુઆરી પ્રથમ ડોઝ 6 માસની ઉંમર બીજો ડોઝ 6 માસ બાદ, ત્યારબાદ દર ત્રણ વર્ષે
કાળિયો તાવ ફેબ્રુઆરી-માર્ચ દર વરસે
ગળસૂંઢો એપ્રિલ-મે દર વરસે
ગાંઠિયો તાવ જૂન દર વરસે
ખરવા મોંવાસા (રસી-ક્લોવેક્સ) નવેમ્બર-ડિસેમ્બર પ્રથમ ડોઝ 4 માસની ઉંમરે, બીજો ડોઝ 6 માસની ઉંમરે, ત્યારબાદ દર વર્ષે
ચેપી ગર્ભપાત કોઈ પણ સમયે 4-9 માસની ઉંમરની પાડીને જીવનમાં એક વાર રસી આપવી.

ભેંસ તથા પાડીઓને દરરોજ એક વખત હાથિયો કરવાથી શરીરમાં લોહીનું ભ્રમણ વધીને જાનવર સ્ફૂર્તિલું થાય છે. વળી પાકા વાળ અને ભીંગડાં ખરી જવાથી ચોખ્ખું દૂધ મળતું થાય છે.

વળી દૂધ દોહતી વખતે દોહનારી વ્યક્તિને શક્ય હોય ત્યાં સુધી બદલવી નહિ. આ વ્યક્તિ તંદુરસ્ત, કાપેલા નખવાળી અને સ્વસ્થ હોવી જોઈએ.

ભેંસ માટેનું રહેઠાણ : સામાન્યપણે ભારતમાં ભેંસોને અપૂરતી જગ્યામાં બંધિયાર અવસ્થામાં દિનરાત રાખવામાં આવે છે; તેથી સૂર્યપ્રકાશ અને હવા-ઉજાસથી તે વંચિત રહે છે. પરિણામે ભેંસ આઉનો સોજો તથા ખરિયાં વધી જવાં જેવા તેમજ ચામડી અને શ્વાસના રોગનો ભોગ બને છે. તેની અસર દૂધના ઉત્પાદન પર થાય છે. ભેંસને તંદુરસ્ત રાખવા તેના રહેઠાણ સંબંધી યોગ્ય કાળજી લેવી આવશ્યક છે.

છાપરું : ભેંસ આરામથી રહી શકે તે માટે છાપરામાં વપરાતી વસ્તુઓમાં સૂર્યતાપ-શોષક ક્ષમતા ઓછી હોય તે જરૂરી છે. છાપરા માટે ભારત સરકારની ભલામણ મુજબ ઍલ્યુમિનિયમનાં પતરાં, ગૅલ્વેનાઇઝ્ડ પતરાં, ઍસ્બેસ્ટૉસ પતરાં અથવા તો સિમેન્ટ કૉન્ક્રીટના ધાબાનો ઉપયોગ કરવો આવશ્યક છે. વળી આ પતરાની ઉપરની બાજુ સફેદ રંગ વડે રંગવાથી અથવા તો છાપરાં પર ડાંગર / બાજરી જેવાના પૂળાનો 15 સેમી. જાડો થર રચવાથી રહેઠાણનું તાપમાન ઘટે છે, જે ભેંસ માટે આરામદાયક બને છે. પરિણામે ભેંસોની ખોરાક સારી રીતે પચાવવાની ક્ષમતા વધે છે.

દીવાલ : નાની ગૌશાળા માટે સિમેન્ટના અથવા રંગીન લોખંડના થાંભલા દીવાલની અવેજીમાં ઉત્તમ રહે છે; જ્યારે મોટી ગૌશાળા માટે ત્રણ બાજુ 1.15 મીટર ઊંચી દીવાલ ચણી તેના ઉપર 2–2.5 મીટરના અંતરે થાંભલા ચણવા અથવા તો તૈયાર સિમેન્ટના થાંભલા વાપરવા ઇષ્ટ છે. દીવાલની ઊંચાઈ મોભ આગળ 3 મીટર, જ્યારે નેવા આગળ 2.2 મીટર રાખવી જરૂરી છે. આમ કરવાથી જાનવરોને હવાઉજાસ તથા સૂર્યપ્રકાશ સારી રીતે મળી શકે છે. છતની ઊંચાઈ ઓછી રાખવાથી કોઢમાં તાપમાન તેમજ ભેજનું પ્રમાણ વધવાથી જાનવર  ગભરામણ અનુભવે છે. વળી હલન-ચલન કે ઊઠ-બેસમાં અનુકૂળતા રહેતી નથી. તેથી ખોરાકનું પાચન પણ બરાબર થતું નથી અને શરીરના તાપમાન, શ્વાસોચ્છવાસ અને નાડીના ધબકારામાં વધારો જોવા મળે છે. તેની માઠી અસર દૂધ-ઉત્પાદન અને પ્રજનનક્ષમતા પર થાય છે. શેડની ઊંચાઈ જરૂર કરતાં વધુ રાખવાથી પણ પવનના કારણે જાનવર પ્રતિકૂળ ગરમી કે ઠંડીનો ભોગ બને છે.

ભોંયતળિયું : કોઢનું ભોંયતળિયું આજુબાજુની જમીન કરતાં 0.5થી 0.7 મીટર ઊંચું અને તેનો ઢાળ દર મીટરદીઠ 2.5 સેમી. જેટલો રાખવામાં આવે તો તેથી કોઢની સાફસૂફી તથા મૂત્રનિકાલ સારી રીતે થાય છે. ભોંયતળિયું ઈંટોના ટુકડા, રેતી અને નાની કપચીથી 15 સેમી. જાડાઈનું બનાવવું જોઈએ. તેની ઉપર 7.8 સેમી.ની સિમેન્ટ-રેતીથી ખરબચડી એવી સપાટી બનાવવી જોઈએ. ભોંયતળિયું ખાંચવાળું બનાવી રાખવાથી તેમાંથી મૂત્ર પસાર થઈ જતાં જાનવરોને લપસવાનો ભય રહેતો નથી. ભોંયતળિયાની રચના ભેંસ મોકળાશથી સૂઈ-બેસી કે ઊભી રહી શકે એ રીતે થવી જોઈએ.

ગમાણ : ગમાણ વધુ ઊંડી કે છીછરી હોય તો ઘાસચારાનો ઘણો જ બગાડ થાય છે. તેની ઊંડાઈ, પહોળાઈ ઓલાદ પ્રમાણે – જાનવરના માથાને ધ્યાનમાં લઈને રાખવી જોઈએ.

દરવાજા : ગૌશાળાનો મુખ્ય દરવાજો 4 મીટર તથા વાડાનો દરવાજો 1–2 મીટર પહોળો હોવો હિતાવહ છે.

ફટબાથ / નાવણિયો : મોટી ગૌશાળામાં 3 મીટર પહોળાઈ, 1 મીટર લંબાઈ અને 12 સેમી. ઊંડાઈનો ફટબાથ ગૌશાળાના મુખ્ય દરવાજાની અંદરની બાજુએ બનાવવામાં આવે છે. આ નાવણિયામાં ફિનાઇલવાળું પાણી ઉમેરવાથી જાનવરોમાં ચેપી રોગો ફેલાવાનો ભય ઓછો થઈ જાય છે.

પશુદીઠ (ભેંસને/પાડીને) આપવામાં આવતી જગ્યાનું પ્રમાણ મીટરમાં નીચે દર્શાવ્યું છે :

ક્રમાંક      વિગત ભેંસ પાડી ભેંસ ગાભણ પાડો
1. છાપરા નીચે જગ્યા (ચોમી.) 4.0 1–2 12
2. ખુલ્લાવાડામાં જગ્યા (ચોમી.) 8.0 2–4 12
3. ગમાણની પહોળાઈ (સેમી.) 60 45
4. ઊંડાઈ (સેમી.) 40 15

ભોંયતળિયું કાચું/માટીવાળું રાખવાથી છાણમૂત્રનો નિકાસ સમયસર અને યોગ્ય રીતે થતો નથી. તેની અસર હેઠળ શરીરમાં પરોપજીવી સજીવો પ્રવેશ પામવાની શક્યતા વધે છે. એથી ચામડીના રોગો વધે છે અને આઉ પર સોજો આવે છે.

ભારતમાં જોવા મળતી ભેંસની મુખ્ય ઓલાદો : સુરતી : આ જાત ‘નડિયાદી’, ‘ચરોતરી’ અને ‘ગુજરાતી’ને નામે પણ ઓળખાય છે. મુખ્યત્વે મહી અને શેઢીના પ્રદેશમાં આ ભેંસોનો ઉછેર કરવામાં આવે છે. આ ઓલાદ મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વધુ- પડતી જોવા મળે છે. આ એક નાના/મધ્યમ કદની ઓલાદ છે. તે રંગે ભૂરી, માંજરી, કાળી હોય છે. ગળા નીચે સફેદ વાળના બે પટ્ટા હોય છે. શિંગડાં ચપટાં અને દાતરડાના આકાર જેવાં હોય છે. શરીર પર બહુ જ ઓછા વાળ હોય છે. માથું ગોળ અને કાન/નાના-મધ્યમ કદના, આંખે ફરતો પટ્ટો અને પીઠ સીધી હોય છે. આ ભેંસો જેવી સીધી પીઠ બીજી જાતોમાં જોવા મળતી નથી.

મહેસાણી : આ જાત સુરતી અને દિલ્હી–ઉત્તર પ્રદેશની મુરાહના સંકરણથી ઉત્પન્ન કરવામાં આવે છે. તે દિલ્હીની મુરાહ જાત કરતાં શરીરમાં થોડી લાંબી અને માથેથી જરા ભારે હોય છે. આ જાત સ્વભાવે નરમ હોય છે.

આ જાત સૌપ્રથમ 3.5થી 4 વર્ષે વિયાય છે. એક વેતરનું સરેરાશ દૂધ-ઉત્પાદન 1,500થી 1,800 લિટર હોય છે. દૂધના દિવસો 270થી 310 હોય છે. દૂધમાં ચરબીનું પ્રમાણ 7.0–8.5 % જેટલું હોય છે. દૈનિક વધુમાં વધુ દૂધ-ઉત્પાદન 32 લિટર નોંધાયેલું છે.

જાફરાબાદી ભેંસો : આ જાત સૌરાષ્ટ્રનાં ગીરનાં જંગલોમાં જોવા મળે છે. આ ભેંસ દુનિયાભરમાં સૌથી મોટા કદની ભેંસ તરીકે જાણીતી છે. તેનો બાંધો સહેજ ઢીલો હોય છે. માથું અને કપાળ હાથી જેવું, આંખો ભારે અને પોપચાં નીચે શિંગડાંની આડાશમાં દબાયેલાં; શિંગડાં માથાની બંને બાજુએથી નીકળીને નીચે જઈને બહારની બાજુ વળાંક લેતાં હોય છે. કાન મધ્યમ કદના અને શિંગડાં પાછળ ઢંકાયેલા હોય છે. માથાના અને શિંગડાંના આકાર પરથી આ જાત ઓળખી શકાય છે.

વેતરે દૂધ-ઉત્પાદન 2,250 લિટર હોય છે. દૂધમાં ચરબીનું પ્રમાણ 8.5 %થી 10 % સુધી નોંધાયેલ છે.

મુરાહ (અથવા દિલ્હી) ભેંસ : આ જાતનું ઉત્પત્તિસ્થાન રોહતક, હિસ્સાર, મુરગામ, જીનતાલા અને પતિયાળાનો પ્રદેશ છે; તેમ છતાં આ જાત કાશ્મીરથી કન્યાકુમારી અને કૉલકાતાથી બિકાનેર સુધીમાં ભારતમાં સર્વત્ર જોવા મળે છે.

આ ભેંસના શરીરનો બાંધો કદાવર અને મજબૂત હોય છે. શરીરના કદના પ્રમાણમાં માથું નાનું અને  ગળું હલકું હોય છે. શિંગડાંનો આકાર ગોળ ઈંઢોણીની માફક વળેલો હોય છે. ભેંસનો રંગ મેશ જેવો કાળો હોય છે.

પ્રથમ વિયાણની ઉંમર 4થી 4½ વર્ષ. વેતરનું દૂધ-ઉત્પાદન 1,350થી 2,050 લિટર.

નીલી : પાકિસ્તાનમાં આવેલ મૉન્ટગૉમેરી, મુલતાન, સતલજ નદીના કિનારે તેમજ ભારતમાં ફીરોજપુર જિલ્લામાં આ ભેંસો જોવામાં આવે છે.

આ ભેંસો મધ્યમ કદની, કાળા કે આસમાની રંગની હોય છે અને માથાના વાળ, કપાળ, ચહેરો, ચારેય પગ અને પૂંછડીની ચમરી સફેદ રંગવાળી હોય છે. શિંગડાં ઓછાં વળેલાં અને પ્રમાણમાં નાનાં, મોઢું લાંબું અને ઊપસેલ, ગરદન અને પગ લાંબાં હોય છે.

વેતરના લગભગ 250 દિવસોના ગાળાનું સરેરાશ દૂધ-ઉત્પાદન આશરે 1,600 લિટર હોય છે. દૂધમાં ચરબીનું પ્રમાણ 6.5 % હોય છે.

નાગપુરી (પંઢરપુરી) : વતન મધ્ય અને દક્ષિણ ભારત. માથું લાંબું, કપાળ પહોળું, શિંગડાં લાંબાં અને વળેલાં.

ભેંસોની વેચાણવ્યવસ્થા : ભેંસોની લે-વેચમાં 43 % વેચાણ વચેટિયા મારફતે થાય છે. નાણાં-ચુકવણીમાં ખેડૂતો પોતાની પાસેથી 30 % જેટલી રકમ ચૂકવે છે, જ્યારે 42 % નાણાં વેચનાર (વધુ વ્યાજથી) દ્વારા અને 28 % રકમ બૅંક તથા સહકારી મંડળીઓ દ્વારા ચૂકવાય છે. બજાર-કિંમતની ર્દષ્ટિએ જોતાં દૈનિક 7થી 8 લિટર દૂધ આપતી ભેંસની કિંમત 8થી 10 હજાર સુધીની રહે છે. ભેંસની કિંમત મુખ્યત્વે દૂધ-ઉત્પાદન, વેતરની સંખ્યા તથા વિયાણ-સમયને અધીન હોય છે. ભેંસપાલન નફાકારક તો છે જ, પણ ગામડાં તથા શહેરની સરખામણીએ ગામડામાં એક ભેંસદીઠ વાર્ષિક 1,000 લિટર દૂધ મળે છે. એ રીતે મૂડીના 10 %થી 15 % જેટલું વળતર મળે છે, જ્યારે શહેરમાં 1,500 લિટર દૂધ-ઉત્પાદને મૂડીના 40 %થી 45 % જેટલું વળતર મળે છે. આ ઉપરાંત શહેરમાં વેતરદીઠ દૂધના કુલ ઉત્પાદન કરતાં ભેંસ કેટલા દિવસ દૂધ આપે છે એ બાબત વધુ અગત્યની હોય છે.

ભેંસની પસંદગીને દૂધ-ઉત્પાદન અને અડાણના ઘેરાવા (સંબંધ = 0.39*) તથા તેની લંબાઈ (સંબંધ = 0.43*) સાથે સીધો સંબંધ છે. જેમ અડાણનો ઘેરાવો અને ઊંડાઈ વધારે તેમ દૂધ-ઉત્પાદન વધુ. આંચળની લંબાઈ તથા તેના સ્થાનનો પણ દૂધ-ઉત્પાદન સાથે સીધો સંબંધ હોય છે. ભેંસ ખરીદતી વખતે તે ધ્યાનમાં લઈને કિંમત અંકાય છે. આ ઉપરાંત ભેંસ ખરીદતી વખતે તેના ગળાની ચામડીની જાડાઈ પરત્વે ધ્યાન અપાય છે. પાતળી ચામડી તથા લાંબી પૂંછડીવાળી ભેંસ વધુ દૂધ આપે છે તેવી માન્યતા છે. ભેંસ ખરીદતી વખતે દલાલો તેની ચામડીની સુંવાળપ તથા ચળકાટ અને તેના પેટના ઘેરાવાને પણ મહત્વ આપતા હોય છે.

ભેંસો માટેનાં કેટલાંક સંશોધન-કેન્દ્રો :

ક્રમાંક નામ ભેંસની ઓલાદો
ગુજરાતમાં :
1. પશુ સંશોધનકેન્દ્ર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – 362001 જાફરાબાદી
2. પશુ સંશોધન કેન્દ્ર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી નવસારી – 396450 સુરતી
3. પશુ જનનકીય સંશોધન એકમ, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ – 388 001 સુરતી
4. પશુ સંશોધન કેન્દ્ર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર, બનાસકાંઠા – 385 506 મહેસાણી
5. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, સંતતિ પરીક્ષણ કેન્દ્ર, ધામ રોડ, ભરૂચ સુરતી
ભારતમાં :
1. સરકારી પશુ સંશોધન કેન્દ્ર, હેતીકુંડી, વર્ધા, મહારાષ્ટ્ર પંઢરપુરી/નાગપુરી
2. પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા,
3. એન.ડી.આર. આઇ., કરનાલ, હિસ્સાર મુરાહ
4. મિલિટરી ફાર્મ, મેરઠ, ઉ. પ્ર.
5. પશુ સંશોધનકેન્દ્ર, ધારવાડ, મહારાષ્ટ્ર સુરતી
6. પશુ સંશોધનકેન્દ્ર, વલ્લભનગર, મહારાષ્ટ્ર

અશોકભાઈ પટેલ

કિશનકુમાર ન. વાધવાણી

અરવિંદકુમાર જ. પંડ્યા