ભૂસ્તરશાસ્ત્રીય પર્યાવરણ

January, 2001

ભૂસ્તરશાસ્ત્રીય પર્યાવરણ : ભૂસ્તરશાસ્ત્ર અને તેની અમુક શાખાઓનો પર્યાવરણ સાથે સંબંધ. પર્યાવરણ, ભૂસ્તરશાસ્ત્ર સાથે સંકળાયેલી ભૂવિજ્ઞાનની નીચે મુજબની શાખાઓ સાથે, તેમાંથી ઉદભવતી અસરોના સંદર્ભમાં, ગાઢ રીતે સંકળાયેલું છે :

પર્યાવરણીય ભૂસ્તરશાસ્ત્ર :

1. પરિસ્થિતિસંતુલન માળખું : પૃથ્વીના પટ પર જોવા મળતી વનસ્પતિ વરસાદ લાવવામાં, ભેજ જાળવી રાખવામાં, જમીન-ધોવાણ અટકાવવામાં તથા અન્ય સજીવોનું પોષણ કરવામાં ઘણો મહત્વનો ફાળો આપે છે પર્યાવરણને સંતુલિત રાખે છે. જંગલો, ગોચરભૂમિઓ, ખેતરો, વન્ય પ્રાણીજીવન, પશુધન વગેરેનું પ્રમાણ પૃથ્વી પર જાળવી રાખવું જરૂરી છે. આજે મોટા પ્રમાણમાં વનસ્પતિનો ખાદ્યસામગ્રી, ઔષધો, લાકડાં, કાગળ વગેરે માટે આડેધડ ઉપયોગ થતો હોવાથી પરિસ્થિતિ-સંતુલન જળવાતું નથી.

2. ભૂમિપ્રદેશોની મુલવણી–ભૂમિઉપયોગ આયોજન : લાંબા ભૂસ્તરીય કાળથી આજ સુધીમાં વિવિધ ભૂસ્તરીય ક્રિયાઓએ ભૂપૃષ્ઠને જુદા જુદા આકારો આપ્યા છે, અર્થાત્ વર્તમાન ભૂમિર્દશ્યો લાંબા ગાળાનું ભૂસ્તરીય પરિણામ છે. આથી ભૂપૃષ્ઠ પરના પ્રદેશોનો એવી રીતે ઉપયોગ કરવો જોઈએ, જેથી ખડક-ખવાણ યોગ્ય પ્રમાણમાં થાય; જમીનોનું આવરણ બનતું રહે અને ટકે; પહાડી ઢોળાવો સ્થાયી રહે; જળપરિવાહરચના યોગ્ય રીતે કામ કરે. આજે વધતી જતી વસ્તી જે રીતે ભૂમિપ્રદેશોનો ખેતી કે ગોચરો માટે ઉપયોગ કરવાને બદલે ઇમારતોના બાંધકામમાં કરે છે, તે જોતાં કુદરતી પર્યાવરણ-સંતુલન જોખમાઈ રહ્યું છે.

3. જળભૂસ્તરશાસ્ત્ર અને જળઉપયોગઆયોજન : સજીવ સૃષ્ટિ માટે પાણીની ઉપલબ્ધિ એ પરિસ્થિતિજાળવણી માટેનું અનિવાર્ય અંગ છે. સપાટી-જળ અને ભૂગર્ભજળની ગુણવત્તા તેમજ જથ્થો વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેવાતો રહે, ભવિષ્યમાં પણ મળતો રહે તે અગત્યનું છે. પીવાલાયક ભૂગર્ભજળજથ્થો પર્યાવરણીય ભૂસ્તરશાસ્ત્ર માટે એક આવશ્યક ઘટક બની રહેલો છે.

4. ખનિજસંપત્તિ અને આયોજન : ખનિજો તથા ખડકો ભૂસ્તરીય સંગ્રહ તેમજ રાષ્ટ્રની સંપત્તિ ગણાય છે. તેનું ત્વરિત નિર્માણ થતું હોતું નથી. તેમના લગાતાર ખનનથી અને તે ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતાં રહેવાથી તેમની અછત ઊભી થતી જાય છે; દા.ત., ખનિજતેલ, કોલસો, કૃત્રિમ ખાતરો વગેરેના વધારેપડતા ઉપયોગથી પ્રદૂષણ ફેલાય છે. તેથી તેમના ઉપયોગનું વ્યવસ્થિત આયોજન ખૂબ જ જરૂરી છે.

5. ભૂસંચલનો અને હોનારતો : ભૂકંપ, જ્વાળામુખી, ભૂપાત, હિમપ્રપાત, ઊર્ધ્વગમન તથા અવતલન એ ભૂપૃષ્ઠમાં કે પૃથ્વીની સપાટી પર થતાં વિવિધ પ્રકારનાં ભૂસંચલનો છે. તેમની અસરથી ભૂપૃષ્ઠર્દશ્યો બદલાય છે, અવરોધો ઊભા થાય છે અને પરિસ્થિતિ તથા પર્યાવરણમાં ફેરફાર થતા જાય છે.

6. ઇજનેરી ભૂસ્તરશાસ્ત્ર : ઇમારત, આવાસો, બંધ, જળાશયો, નહેરો, પુલો, માર્ગો, બુગદાં વગેરેનું બાંધકામ આગોતરા આયોજન પછી થવું જરૂરી છે. જ્યાં એ થાય ત્યાં સ્થાનિક ભૂપૃષ્ઠ કે ભૂમિતળની પૂરતી ચકાસણી કરી લેવાય છે. વિકાસનાં આ કાર્યોમાં ભવિષ્યની સુરક્ષા અને પર્યાવરણનો ખ્યાલ રાખવો પડે છે.

7. ખાણપેદાશોનો બિનઉપયોગી જથ્થો : આર્થિક ખનિજોના ખનન બાદ ખાણસ્થાનોની આજુબાજુ બિનઉપયોગી જથ્થાના ઢગલાઓે ક્યારેક મુશ્કેલીઓ સર્જે છે. કોલસા સાથે રહેલો ગંધક બહાર કાઢ્યા બાદ ગરમીની ઋતુમાં ક્યારેક સળગી ઊઠે છે. કોલસાની રજ હવામાં ફેલાય છે. બાળી મુકાતો કુદરતી વાયુ પ્રદૂષણ ફેલાવે છે. બેકાળજીથી તેલકૂવાઓમાં પણ આગ લાગી શકે છે. ખનિજતેલ જળસપાટી પર પ્રસરે તો જળ પ્રદૂષિત થઈ શકે છે. આ બધાં માટે આયોજન અને યોગ્ય નિકાલ જરૂરી બને છે.

8. ઊર્જાસ્રોતોનો વિકલ્પ : કોલસો, ખનિજતેલ, કુદરતી વાયુ, અણુશક્તિ માટેનાં ખનિજો જેવા ઊર્જાસ્રોતોના વપરાશમાં બેદરકારી દાખવવામાં આવે તો માનવખુવારી તથા પ્રદૂષણ ફેલાવાનો ભય રહે છે. તેમના વિકલ્પે સૂર્ય, પવન, ભરતી-મોજાંનો ઉપયોગ ઊર્જાસ્રોતો તરીકે વિકસાવવો પડે છે.

વીસમી સદીમાં માનવજાતે જીવનની રહેણીકરણીની ગુણવત્તા સુધારવા તેમજ પોતાની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા ઉપલબ્ધ ચીજવસ્તુઓ અને સાધનોને ઉપયોગમાં લઈને પર્યાવરણને હોડમાં મૂક્યું છે. સિદ્ધિઓ હાંસલ કરીને પરિસ્થિતિની સમતુલા જોખમાવી છે.

પર્યાવરણીય ભૂસ્તરશાસ્ત્ર પૃથ્વી પરની વિવિધ ક્રિયા-પ્રક્રિયાઓ સાથે ગાઢ આંતરસંબંધો ધરાવે છે. પોપડાના ખનિજો – ખડકોના વિશાળ જથ્થાનો ઉપયોગ હદ બહાર વધારી મૂક્યો હોવાથી તેમાંથી ઉદભવતી દૂરગામી નુકસાનકારક અસરોથી પર્યાવરણને પણ માઠી અસર પહોંચી છે.

ગિરીશભાઈ પંડ્યા

ચાંદની દવે