ભૂમક (અંદાજે ઈ.સ.ની પહેલી સદી) : પશ્ચિમ ભારતનો ક્ષહરાત વંશનો ઈસુની પહેલી સદીનો રાજા. ઈસુના આરંભનાં વર્ષોમાં પશ્ચિમ ભારત તથા ઉત્તર–દક્ષિણને જોડતા કેટલાક ભાગોમાં શક જાતિના ક્ષત્રપ રાજાઓની આણ પ્રવર્તતી હતી.

ભૂમકને લગતી માહિતી માત્ર એના સિક્કાઓમાંથી જ મળે છે. સિક્કાઓમાં એને એક જગ્યાએ ‘છત્રપછહરાત’ તરીકે જ્યારે બીજી જગ્યાએ ‘ક્ષહરાતક્ષત્રપ’ તરીકે ઓળખાવ્યો છે; આથી તે ક્ષહરાત વંશનો હતો એ નક્કી છે. ભૂમકે શાસન ચલાવ્યું છે અને પોતાના નામના સિક્કા પણ પડાવ્યા છે.

ભૂમકના સિક્કાના અગ્રભાગનું અનુકરણ નહપાનના સિક્કાઓના પૃષ્ઠભાગમાં દેખાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભૂમક નહપાનનો પુરોગામી હતો.

ભૂમકના અત્યાર સુધી પ્રાપ્ત થયેલ સિક્કાઓમાં વર્ષોનો નિર્દેશ નથી. ભૂમકનો રાજ્ય-અમલ લગભગ ઈ.સ. 23થી 32નો હોવો જોઈએ. ભૂમકના સિક્કાઓ ગુજરાત, માળવા, અજમેર જેવા વિસ્તારોમાં પ્રાપ્ત થાય છે. પરિણામે તેની સત્તા આ વિસ્તારોમાં પ્રવર્તતી હતી એવું સહેજે સ્વીકારી શકાય.

ભૂમકના સિક્કાઓ પર બ્રાહ્મી અને ખરોષ્ઠી – એમ બંને લિપિમાં લખાણ છે.

ઈશ્વરલાલ ઓઝા