ભૂકંપ (earthquake)

ભૂકંપ, કારણો, ભૂકંપને પાત્ર વિસ્તારો, ભૂકંપની અસરો, ભૂકંપનાં તત્વો, ભૂકંપલેખયંત્ર, ભૂકંપ છાયાપ્રદેશ, ભૂકંપની તીવ્રતા,  વર્ગીકરણ, દુનિયાના ભીષણ ભૂકંપો, વીસમી સદીના મુખ્ય ભૂકંપો, ભારતના ભીષણ ભૂકંપો, ભારતના ઓગણીસમી સદીથી  વીસમી સદીના ભીષણ ભૂકંપો, ભારતીય ભૂકંપોની સમીક્ષા, ગુજરાતના ભૂકંપો, છેલ્લી ચાર સદી દરમિયાન ગુજરાતમાં થયેલા ભૂકંપો,  આગાહી નિયંત્રણ અને સાવચેતી, ભૂકંપોની પ્રાચીન તવારીખ

પૃથ્વીનાં પડોમાં અમુક ક્ષણો માટે એકાએક કંપન થવાની ઘટના. શાંત સરોવરજળમાં ફેંકાયેલા ઉપલ(કાંકરા)ને કારણે જે રીતે જળસપાટી પર બધી દિશામાં ગોળાકાર તરંગો એક પછી એક પસાર થતા રહે છે, તે જ રીતે પૃથ્વીના પોપડાના અંદરના ભાગમાં સંચિત થયેલાં પ્રતિબળોની સંચલનજન્ય વિક્ષેપ-અસરને કારણે ઉદભવતાં આંદોલનો કંપન-તરંગો પેદા કરે છે. આ કંપન-તરંગોની પસાર થવાની પ્રક્રિયા એટલે જ ભૂકંપ. ભૂકંપમાં વિક્ષેપજન્ય બળ એ કારણ છે, તરંગ એ ક્રિયા છે અને કંપન એ અસર છે. વિક્ષેપનું ઉદભવકેન્દ્ર જ્યાં હોય ત્યાંથી તરંગોનો પ્રારંભ થાય છે. તરંગોની આંદોલન-ગતિ ઓછીવત્તી હોઈ શકે છે. સૂક્ષ્મમાત્રાવાળા તરંગો અતિ સંવેદનશીલ સાધનો દ્વારા જ ઝીલી શકાય છે. પ્રતિદિન કદાચ હજારોની સંખ્યામાં ભૂકંપ થયા કરતા હશે ! પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને આજ દિન સુધી આ ક્રિયા સતત ચાલતી રહી છે, તેમ છતાં કહી શકાય કે વાસ્તવિક અર્થમાં અનુભવાતા ભૂકંપ બે કે ત્રણ વર્ષે એક વાર થતા હોય છે. ભૂકંપ ભૂમિ પર કે સમુદ્રતળ પર ગમે ત્યાં થઈ શકે છે, એટલે ભૂકંપનું સ્થાન જો વસ્તીવાળા ભૂમિપ્રદેશ પર હોય તો ભયંકર વિનાશ સર્જાય છે.

કારણો : માલવાહક ગાડી રેલમાર્ગ પરથી પસાર થતી હોય છે ત્યારે ત્યાંની નજીકની ભૂમિસપાટી પર ધ્રુજારી અનુભવાય છે, એ જ રીતે પૃથ્વીનાં પડોમાં પણ કાર્યરત બળોની અસર હેઠળ ઓછાવત્તા પ્રમાણમાં ધ્રુજારી પેદા થતી હોય છે. નિક્ષેપોનો વિશાળ જથ્થો એકાએક સરકી પડે, ખાણો કે ગુફાઓની છતનો બધો જ ભાગ તૂટી પડે કે મોટા પ્રમાણમાં ભૂપાત થાય કે જ્વાળામુખી-વિસ્ફોટ થાય ત્યારે પણ ભૂકંપ થાય છે. આ પ્રકારના ભૂકંપોમાં આંદોલનોની તીવ્રતાનું પ્રમાણ ઓછું હોય છે. વધુ તીવ્રતાવાળા મોટા પાયા પરના ભૂકંપ સંચલનજન્ય બળોની અસર હેઠળ કે રચનાત્મક વિક્ષેપને કારણે થતા હોય છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠના અંદરના ભાગોમાં કરવામાં આવતા અણુઅખતરાથી કે બંધો પાછળનાં જળાશયોને કારણે પણ ભૂકંપ થતા હોય છે. આ ભૂકંપ માનવ-સર્જિત ગણાય છે.

પૃથ્વીના પોપડાના ખડકો અમુક મર્યાદા સુધી પ્રતિબળોની અસરને સહન કરે છે, પરંતુ જ્યારે પ્રતિબળોની અસર ખડકોની સહનક્ષમતાને વટાવી જાય ત્યારે તે વિક્ષેપ પામીને તૂટે છે, સ્તરભંગ થાય છે, ખડકો સ્તરભંગ-સપાટી પર ખસે છે, પરિણામે ભૂકંપની પરિસ્થિતિ ઉદભવે છે. આ રીતે સ્તરભંગક્રિયા ભૂકંપ-ઉદભવ માટેનું મુખ્ય કારણ ગણાય છે. ટૂંકમાં તીવ્રતાના ઊતરતા ક્રમમાં ભૂકંપના ચાર પ્રકારો પાડી શકાય : (i) ભૂસંચલનજન્ય, (ii) જ્વાળામુખીજન્ય, (iii) ભૂભાગનું અવતલન અને (iv) માનવસર્જિત.

ઇલૅસ્ટિક રિબાઉન્ડ સિદ્ધાંત – ભૂકંપસર્જક ક્રિયાપદ્ધતિ

ઇલૅસ્ટિક રિબાઉન્ડ સિદ્ધાંત : પતરીને વાળવાથી તે તૂટી જાય છે, તૂટતી વખતે ક્ષણિક કંપન પામે છે, અર્થાત્ તૂટવાની ક્રિયા દરમિયાન લગાડેલા બળની અસર આંદોલન રૂપે રજૂ થઈને બળને મુક્ત કરે છે. આ જ સિદ્ધાંત અને ક્રિયા ભૂકંપને પણ લાગુ પડે છે.

1891 અગાઉ એમ સમજવામાં આવતું હતું કે ભૂકંપને કારણે સ્તરભંગ થતો હોય છે. 1891માં બી. કોટોએ ભૂકંપથી ઉદભવતી અસરોનો અભ્યાસ કરીને સ્તરભંગને કારણરૂપ ગણાવી જે ખ્યાલ રજૂ કર્યો તેનાથી ભૂકંપશાસ્ત્રીઓ વિચાર કરતા થઈ ગયા. એચ. એફ. રીડે તેના આ ખ્યાલને સમર્થન આપ્યું. 1906માં થયેલા સાન ફ્રાન્સિસ્કોના ભૂકંપનો તેણે તલસ્પર્શી અભ્યાસ કરીને રજૂઆત કરી કે તે ભૂકંપ થવા માટે સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ જવાબદાર હતો. રીડે સ્તરભંગજનિત ભૂકંપ સમજાવવા માટે જે ક્રિયાપદ્ધતિ સમજાવી તે રીડના ‘ઇલૅસ્ટિક રિબાઉન્ડ સિદ્ધાંત’ તરીકે ઓળખાય છે.

પૃથ્વીના પોપડામાં રહેલા ખડકો પ્રતિબળોની નિરંતર અસર હેઠળ હોય છે. ખડકો અમુક મર્યાદા સુધી બળોનો પ્રતિકાર કરે છે, પરંતુ સતત ઉદભવતાં રહેતાં કાર્યરત પ્રતિબળોની અસર ખડકોની પ્રતિકારક્ષમતાને વટાવી જાય ત્યારે ખડકોમાં વિરૂપતા આવે છે, ઊંચા-નીચા જઈ છેવટે એકાએક તૂટી પડે છે અને પ્રતિબળની અસરમાંથી મુક્ત થાય છે. પ્રતિકાર-સ્થિતિમાંથી સ્થિતિસ્થાપકતાની સ્થિતિ અને તેમાંથી તૂટવાની-ખસવાની સ્થિતિ ઉદભવે છે. બલમુક્તિ આંદોલનોમાં પરિણમે છે, ભૂકંપ સર્જાય છે. નીચેની આકૃતિ આ ક્રિયાપદ્ધતિની સ્પષ્ટ સમજ પૂરી પાડે છે.

પૃથ્વીના પોપડામાં ઉદભવતા ભૂકંપ આ રીતે સંચલનજન્ય બળોને આભારી છે. જો તેમ હોય તો સંચલન શાથી થાય છે ? આ માટે મુખ્યત્વે ભૂપૃષ્ઠ-તકતીઓ જવાબદાર ગણાય છે. તદુપરાંત, ગિરિનિર્માણક્રિયા (orogeny) તેમજ પોપડાની સંતુલનજાળવણી (isostatic adjustment) પણ કંઈક અંશે કારણભૂત હોય છે.

પૃથ્વી પર નબળા ગણાતા વિસ્તારો ભૂકંપને પાત્ર બની રહેલા છે. મુખ્યત્વે તે ભૂપૃષ્ઠ-તકતીઓની સંપર્ક-સપાટીઓ પર વધુ પ્રમાણમાં થતા જોવા મળે છે. ભૂતકતીઓ એકબીજીના સંબંધમાં સતત ગતિશીલ રહે છે. પ્રતિવર્ષ તે અમુક સેમી.ના દરથી ગતિ કરતી રહે છે. મોટાભાગની ભૂસ્તરીય ઘટનાઓ માટે ભૂતકતીઓ જવાબદાર ગણાય છે, ભૂકંપનો પણ તેમાં સમાવેશ કરી શકાય.

પૃથ્વીનું સૌથી ઉપરનું કઠણ ગણાતું શિલાવરણ (lithosphere) તેની નીચેના વધુ નરમ અને વધુ ગરમ ઍસ્થેનોસ્ફિયર ઉપર રહેલું છે. કિરણોત્સારી ખનિજોના વિઘટન દ્વારા ઉદભવતી ગરમી ઍસ્થેનોસ્ફિયર મારફતે ઉષ્ણતાનયનથી ભૂપૃષ્ઠમાં પહોંચે છે, પરિણામે ઉષ્માપ્રવાહોની વહનસ્થિતિ તકતીઓને ગતિશીલ બનાવે છે (આકૃતિ 2). તકતીઓ અન્યોન્ય સામસામે, એકબીજીથી દૂર કે સમાંતર સ્થિતિમાં ખસે છે.

વધુ દ્રવીભૂત ઍસ્થેનોસ્ફિયર પર શિલાવરણનું સંચલન

મહાસાગરીય ડુંગરધારો પર તે એકબીજીથી દૂર ખસે છે, જેથી વચ્ચે જગા પડતી જાય છે, તેમાં મૅગ્મા ભરાતો જઈ નવું સમુદ્રતળ રચે છે (સમુદ્રતલવિસ્તરણ). અન્યત્ર જ્યાં તે એકબીજી તરફ ખસે છે ત્યાં એક તકતી બીજીની નીચે તરફ દબતી જઈને પીગળતી જાય છે. આ પ્રકારની ઘટના સમુદ્રખાઈઓ પર થતી રહે છે. તેમાંથી બનતો મૅગ્મા ખાઈઓની નજીક જ્વાળામુખીજન્ય દ્વીપચાપ (island arcs) બનાવે છે. જ્યારે તકતીઓની મોટા પાયા પર અથડામણ થાય અને જો ત્યાં ભૂસંનતિમય જમાવટનો થાળા-વિસ્તાર હોય તો ત્યાં હિમાલય-આલ્પ્સ જેવી ગિરિનિર્માણ-ક્રિયા થાય છે. જ્યાં તકતીઓ અન્યોન્ય સમાંતર-ગતિ કરે ત્યાં તેમની ઊર્ધ્વસપાટી-ધાર પર સ્તરભંગ થતા રહે છે; જેમ કે, કૅલિફોર્નિયાનો સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ. આ રીતે જોતાં, ભૂપૃષ્ઠ-તકતી સંચલનના સિદ્ધાંત મુજબ, તકતીઓની ખસવાની કે અથડાવાની ક્રિયા સાથે ભૂકંપ સંકળાયેલા હોય છે. જ્યારે તે ખસે છે ત્યારે ત્વરિત આંચકા આવે છે. આવો પ્રત્યેક આંચકો એટલે જ ભૂકંપ. પૃથ્વીના પેટાળમાં સંચિત પ્રતિબળોની અસર ભૂકંપના આંચકાઓ દ્વારા રજૂઆત પામે છે.

ભૂંકપને પાત્ર વિસ્તારો : પૃથ્વીના પટ પરના ભૂકંપને  વધુ ગ્રાહ્ય એવા વિસ્તારોને ભૂકંપપટ્ટા કહે છે. તે આ પ્રમાણે છે : યુ.એસ.નો સળંગ પશ્ચિમ કિનારો, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા, જાપાન, ફિલિપાઇન્સ, અગ્નિએશિયા, ન્યૂઝીલૅન્ડ, ભારત, મધ્યપૂર્વના દેશો અને ભૂમધ્યસમુદ્રીય પ્રદેશો ભૂકંપને પાત્ર ગણાય છે. મધ્ય આટલાન્ટિક ડુંગરધાર જેવી મહાસાગર-થાળાંની ફાટરેખીય દિશાઓમાં પણ સમુદ્રતલીય ભૂકંપ થતા રહે છે. વર્તમાન ભૂકંપપટ્ટાઓ નવા ગેડપર્વત વિસ્તારો સાથે ગાઢ રીતે સંકળાયેલા જોવા મળે છે અને આજની પ્રવર્તમાન ભૂકંપ-પ્રક્રિયા આલ્પાઇન-હિમાલયન ગિરિનિર્માણના છેલ્લા તબક્કાની અંતિમ અસરરૂપે થતી રહે છે.

મુખ્ય ભૂ-તકતી સીમાઓ, ભૂકંપ નિર્ગમન–કેન્દ્રો, જ્વાળામુખીઓ અને ઉષ્માસ્થાનકો દર્શાવતો દુનિયાનો નકશો.

દુનિયાના ભૂકંપીય પટ્ટા(1961થી 1967), ઊંડાઈ 700 કિમી. સુધી. ભૂકંપીય પટ્ટા ભૂ-તકતીઓની સીમાઓ પણ દર્શાવે છે.

આ નકશામાં દુનિયાના ભૂકંપને પાત્ર વિસ્તારો દર્શાવેલા છે. ભૂતકતીઓની સંપર્ક – સપાટીઓ પર આવેલા આ એવા નબળા વિસ્તારો છે, જે ભૂકંપ ઉપરાંત જ્વાળામુખી-પટ્ટાઓ પણ બની રહેલા છે. ભૂકંપીય પટ્ટાઓને નીચે મુજબ વહેંચી શકાય : (1) પૅસિફિક આવૃત્તપટ્ટો (circum Pacific belt) : પૅસિફિક મહાસાગરના કિનારાને ફરતો સળંગ પટ્ટો દુનિયાભરમાં થતા 80 % ભૂકંપોને આવરી લે છે. કેટલીક જુદી જુદી ભૂતકતીઓ પૅસિફિક મહાસાગર-વિસ્તારમાં આવી જાય છે. આ જ પટ્ટામાં જ્વાળામુખી પ્રસ્ફુટન-પ્રક્રિયા પણ થતી રહે છે. તેથી પૅસિફિક-આવૃત્ત પટ્ટો ભૂકંપીય, જ્વાળામુખીજન્ય અને ભૂપૃષ્ઠ-તકતી-સંચલનના સંદર્ભમાં ઘણો મહત્વનો ગણાય છે. આ પટ્ટો એલ્યુશિયન ટાપુઓથી શરૂ થઈને, અલાસ્કા, ઉત્તર અને દક્ષિણ અમેરિકાનો પશ્ચિમ કિનારો, ન્યૂઝીલૅન્ડ, ઈસ્ટ ઇન્ડિઝ, ફિલિપાઇન્સ, જાપાની ટાપુઓથી ક્યુરાઇલ ટાપુઓ પર થઈ અલાસ્કામાં જોડાઈ જાય છે. અંદર તરફ તે બે શાખાઓમાં પણ વહેંચાય છે. એક ભૂકંપીય શાખા ફિજી, ટોંગા અને કર્માડેક ટાપુઓ તરફ અને બીજી શાખા ફંટાઈને કૅરિબિયન ટાપુઓ તરફ જાય છે. દુનિયાભરમાં થતા વધુ ઊંડાઈ ધરાવતા (જેમનાં ભૂકંપ-કેન્દ્રો વધુ ઊંડાઈએ હોય એવા) ભૂકંપ પૈકીના 99 %, મધ્યમ ઊંડાઈવાળા પૈકીના 90 % અને છીછરી ઊંડાઈવાળા પૈકીના 80 % ભૂકંપ અહીં થાય છે. ફિજી, ટોંગા, કર્માડેક અને જાપાનમાં થતા રહેતા ભૂકંપ ઊંડાઈવાળા હોય છે. (2) આલ્પાઇન પટ્ટો (આલ્પ્સ-હિમાલય પટ્ટો) : ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈને એશિયા ખંડની આસપાસ લગભગ પૂર્વ-પશ્ચિમ પસાર થતો આ પટ્ટો એઝોર્સથી ન્યૂ ગિની સુધી વિસ્તરે છે, જ્યાં તે પૅસિફિક પટ્ટામાં ભળી જાય છે. આ પટ્ટામાં ભૂમધ્ય સમુદ્ર, હિમાલય-વિસ્તાર, સુમાત્રા, જાવા અને તિમોરનો સમાવેશ થાય છે. આ પટ્ટામાં મધ્યમ અને છીછરી ઊંડાઈવાળા ભૂકંપ થતા રહે છે. (3) પામીર-બૈકલ પટ્ટો : મધ્ય એશિયામાં આવેલો આ પટ્ટો છીછરા ભૂકંપનો વિભાગ રચે છે. પામીરથી શરૂ થઈને ઉત્તર તરફ રશિયાના બૈકલ સરોવર સુધી તે વિસ્તરેલો છે. (4) મધ્ય-મહાસાગરીય પટ્ટા : મધ્ય મહાસાગરીય ડુંગરધારો પર છીછરી ઊંડાઈવાળા ભૂકંપ થતા રહે છે. મધ્ય આટલાન્ટિક ડુંગરધાર, આર્ક્ટિક અને હિન્દી મહાસાગરીય ડુંગરધારોનો આ પટ્ટાઓમાં સમાવેશ થાય છે. (5) ફાટખીણ વિભાગો : પૂર્વ આફ્રિકી ફાટખીણોના વિસ્તારમાં છીછરી ઊંડાઈના ભૂકંપ થતા રહે છે. (6) હવાઈ ટાપુઓનો વિભાગ : મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલા હવાઈ ટાપુઓ ભૂકંપને પાત્ર અલગ વિભાગ રચે છે. (7) આલ્પાઇન અને પામીર-બૈકલ પટ્ટાની પૂર્વ તરફનો ત્રિકોણીય વિભાગ પણ ભૂકંપને પાત્ર છે.

ઉપર્યુક્ત વિસ્તારો સિવાયનો દુનિયાનો બાકીનો વિસ્તાર બિન-ભૂકંપીય ગણાય છે.

ભૂકંપની અસરો : ભૂકંપની અસરો જાનમાલને હાનિકારક અને એ રીતે વિનાશક હોય છે. વિનાશક અસરનું પ્રમાણ ભૂકંપતરંગોની ગતિ, સમયગાળો, સ્થાન (ભૂમિ કે દરિયાઈ) જેવાં પરિબળો પર આધારિત હોય છે. ક્યારેક કેટલાંક કાયમી સ્થળશ્ય-લક્ષણો પણ રચાય છે.

ભૂસ્તરીય અસરો : વધુ તીવ્રતાવાળા ભીષણ ભૂકંપો સ્થળર્દશ્યમાં વિવિધ પ્રકારના ફેરફારો લાવી મૂકે છે. ભૂકંપ દરમિયાન ભૂમિકંપન (ground shaking) એ અગત્યની અસર ગણાય છે, તેને ભૂમિઉછાળો (ground roll) પણ કહે છે. સમુદ્ર-મોજાંની જેમ જ ભૂમિ ઊંચી-નીચી થાય છે, અર્થાત્ ભૂપૃષ્ઠ દરિયાઈ મોજાંની માફક ઊછળે છે. ભૂમિકંપનને પરિણામે થતી અસરોમાં ભૂમિખસેડ, તડો-ચીરા-ફાટ, ભૂપાત, નદીઓના પ્રવાહ બદલાઈ જવા, જમીનજથ્થાઓની સરકી પડવાની ક્રિયા, ભૂમિઉત્થાન, ભૂમિઅવતલન, નમન, રેતી કે પંકમિશ્રિત જળસ્ફોટ; ભૂગર્ભીય જળસંચય ફુવારારૂપે નીકળી આવવાની ક્રિયા વગેરેનો સમાવેશ કરી શકાય. સમુદ્રતળ પર થતા ભૂકંપ ક્યારેક પ્રચંડ મોજાં (ત્સુનામી) ઉત્પન્ન કરે છે, જે સમુદ્રજળસપાટી પર પ્રસરે તે કરતાં તો તે જો ભૂમિ પર પહોંચે તો ભયંકર વિનાશ વેરે છે; કિનારા પર આવેલાં શહેરો કે બંદરોને તારાજ કરી મૂકે છે.

ત્સુનામી

અત્યાર સુધીમાં થયેલા ભૂકંપો પૈકી તેની સાથે સંકળાયેલી સક્રિય તરંગગતિ સહિત એક જ આંચકો સળંગ ચાલુ રહેવાનો મહત્તમ સમયગાળો 4 મિનિટ સુધીનો નોંધાયેલો છે.

સેશ (seiche) : કુદરતી કે કૃત્રિમ જળાશયો(થાળાં)ના જળમાં ભૂકંપથી થતા આવર્તક જળઉછાળા(periodic oscillations)ને સેશ કહે છે. ઉછાળાના પરિમાણ પરથી તેનાં આંદોલનોનાં આવર્તનોનો સમયગાળો નક્કી કરી શકાય છે. આખુંય થાળું તેના ભૂમિતળ અને જળજથ્થા સહિત આમતેમ ઊછળે છે, આગળ-પાછળનાં આંદોલનોમાં ફેરવાય છે. પરિણમતા જળઉછાળા જળાશયના કિનારાની ખુલ્લી ભૂમિ પર અથડાય છે. સરોવરો કે બંધોનાં જળાશયોમાં આ પ્રકારનું લક્ષણ ઉદભવી શકે છે.

સેશ

જાન-માલમિલકત પર થતી અસરો : ભૂકંપથી થતી આ અસરો વિનાશક હોય છે. વીજળીનાં દોરડાં અને ગૅસ-નળીઓ તૂટી જવાથી આગ ફાટી નીકળે છે. આગશમનની ક્ષમતા હોવા છતાં જળવહન નળીઓ તૂટી જવાથી આગ ભયંકર વિનાશ વેરે છે અને તારાજી વહોરી લેવી પડે છે. સડકમાર્ગો, રેલમાર્ગો, પુલ, બંધ, બુગદાં, ઇમારતો વેરવિખેર થઈ નાશ પામે છે. બંધ તૂટે તો નજીકનો બધો જ વિસ્તાર જળબંબાકાર બની જાય છે; નદીઓ અને ઝરણાંના પ્રવાહ પણ ફંટાઈ જઈ શકે છે.

ભૂકંપની ઘટનાને તો અટકાવી શકાય નહિ, પરંતુ ભૂકંપની આગાહી જો વેળાસર કરી શકાય અને સાવચેતી રખાય તો જાન-માલમિલકતના વધુપડતા નુકસાનમાંથી બચી શકાય ખરું.

ભૂકંપનાં તત્વો : (1) ભૂકંપકેન્દ્ર (focus) : પૃથ્વીના પેટાળની  અંદર ઊંડાઈના જે બિંદુએથી ભૂકંપ ઉદભવે તે બિંદુને ભૂકંપકેન્દ્ર કહે છે. (2) ભૂકંપનિર્ગમનકેન્દ્ર (epicentre) : ભૂકંપકેન્દ્રથી ઉપર તરફ ભૂપૃષ્ઠ પરના લંબસ્થાને જે બિંદુ આવે તેને ભૂકંપનિર્ગમનકેન્દ્ર કહે છે. ભૂકંપનિર્ગમન-કેન્દ્રની આજુબાજુનો વિસ્તાર વધુમાં વધુ વિનાશક અસરવાળો બની રહે છે. (3) સમભૂકંપરેખા (isoseismal lines) : એકસરખી ભૂકંપતીવ્રતાવાળાં બિંદુઓને જોડતી કાલ્પનિક રેખાને સમભૂકંપરેખા કહે છે. ભૂકંપનિર્ગમન કેન્દ્રની આજુબાજુ તે ગોળાકાર સ્વરૂપમાં, જ્યારે ભૂકંપકેન્દ્રમાંથી વિકેન્દ્રિત સ્વરૂપમાં રજૂ થાય છે.

ભૂકંપનાં તત્વો

(4) ભૂકંપ-તરંગો (earthquake waves) : ભૂકંપનાં આંદોલનોથી ઉદભવતાં મોજાં. ભૂકંપ થાય ત્યારે તેના ઉદભવકેન્દ્રમાંથી આંદોલનો પેદા થતાં હોય છે. તેમનું સંચારણ બધી દિશાઓમાં થાય છે. આ આંદોલનો સ્થિતિસ્થાપક મોજાંરૂપે ખડકોમાંથી પસાર થાય છે. ભૂકંપ-તરંગોના ત્રણ પ્રકારો પાડેલા છે : પ્રાથમિક ભૂકંપ-તરંગો (P waves); ગૌણ ભૂકંપ-તરંગો (S waves) અને ભૂપૃષ્ઠ-ભૂકંપ-તરંગો (L waves); જોકે તેમના કેટલાક પેટાપ્રકારો પણ છે. મુખ્ય ત્રણ પ્રકારના ભૂકંપ-તરંગોની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે :

પ્રાથમિક ભૂકંપ-તરંગો : આ તરંગોને પ્રાથમિક તરંગો (primary waves), દાબ-તણાવ તરંગો (push-pull waves), અનુદીર્ઘ તરંગો (longitudinal waves), સંકોચન (compression) તરંગો જેવાં નામ પણ અપાયેલાં છે. બધા જ પ્રકારના ભૂકંપ-તરંગો પૈકી તે શીઘ્રગતિવાળા હોય છે. તેમની ગતિ પ્રતિ સેકંડે 8થી 13 કિમી.ની હોય છે. તેથી જ્યારે ભૂકંપ થાય ત્યારે આ તરંગો ભૂકંપનોંધમથક પર વહેલા પહોંચી જાય છે અને સર્વપ્રથમ નોંધાય છે.

આ તરંગો ધ્વનિતરંગો જેવા જ હોય છે, કારણ કે તે તેમના લક્ષણમાં સંકોચન અથવા અનુદીર્ઘ વર્તન દાખવે છે. આ તરંગો જ્યારે સંચારણ પામે છે ત્યારે અસર પામતા કણો વારાફરતી સંકોચાય છે અને વિસ્તૃત થાય છે, તેથી અનુદીર્ઘ ગતિથી તેમના સંચારણ-પથ પર આગળપાછળ આંદોલન પામે છે. તેમનો વેગ ખડકોની કદસ્થિતિ-સ્થાપકક્ષમતા અંક (bulk modulus) પર તેમજ ખડકોની ર્દઢતા પર આધાર રાખે છે. આ તરંગો ઘન, પ્રવાહી અને વાયુઓના માધ્યમમાંથી પસાર થવાની ક્ષમતા ધરાવે છે અને પૃથ્વીના પેટાળ તરફ ગતિ કરે છે.

પ્રાથમિક તરંગ-સંચારણ

ગૌણ ભૂકંપ-તરંગો (secondary waves) : આ તરંગોને વિરૂપક તરંગો અથવા અનુપ્રસ્થ તરંગો પણ કહે છે. પ્રાથમિક તરંગોની તુલનામાં આ તરંગો ગતિની બાબતમાં પ્રમાણમાં ધીમા હોય છે. તે પ્રતિ સેકંડે 5થી 7 કિમી.ની ગતિથી પસાર થાય છે. આ કારણે તે ભૂકંપનોંધક પર મોડેથી નોંધાય છે. આ તરંગો પ્રકાશના તરંગો જેવા હોય છે, અર્થાત્ તે સંચારણની દિશાથી કાટખૂણે આંદોલિત થાય છે. અનુપ્રસ્થ કણ-ગતિ એ આ તરંગોની લાક્ષણિકતા છે. આ તરંગો માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ શકે છે, પ્રવાહી માધ્યમ આવતાં તે અવરોધાય છે. આ તરંગો પણ પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. તેમનું આ લક્ષણ ભૂગર્ભની રચના સમજવામાં ઉપયોગી નીવડે છે. પૃથ્વીની સપાટીથી 2,900 કિમી.ની ઊંડાઈએથી તે પરાવર્તન પામે છે, જે દર્શાવે છે કે તેથી વધુ ઊંડાઈનો ભાગ ઘનસ્થિતિમાં નથી.

આ તરંગો ક્યારેક ધ્રુવીભવનની ઘટના પણ દર્શાવે છે. જો માધ્યમમાંની તેમની કણગતિ મુખ્ય તલસપાટીને સમાંતર રહે તો તે ગૌણક્ષૈતિજ (SH) તરંગો અને જો કણગતિ ઊર્ધ્વ સ્થિતિવાળી હોય તો તે ગૌણ-ઊર્ધ્વ (SV) તરંગો કહેવાય છે.

ભૂપૃષ્ઠ-ભૂકંપ-તરંગો (મુક્ત ભૂકંપ-તરંગો) : આ તરંગોને લાંબા

ગૌણ(s) તરંગ-સંચારણ

ગૌણ તરંગોનું સંચારણ

તરંગો (long waves); મુક્ત તરંગો (free waves) કે સપાટી તરંગો (surface waves) પણ કહે છે. તે ઓછા આવર્તનવાળા, વધુ તરંગ-લંબાઈવાળા અને અનુપ્રસ્થ (આડાં) આંદોલનોવાળા હોય છે. ભૂકંપ-તરંગોના ત્રણેય પ્રકારોમાં આ તરંગોની ગતિ સૌથી ઓછી હોય છે. પ્રતિ સેકંડે તેમની ગતિ 4થી 5 કિમી.ની રહે છે; તેથી ભૂકંપઉદભવ સમયથી ભૂકંપનોંધક પર તે સૌથી છેલ્લે નોંધાય છે. જટિલ અને દીર્ઘવૃત્તાકાર કણગતિ તેમની લાક્ષણિકતા છે. આ તરંગો ઘન અને પ્રવાહી – બે માધ્યમોમાંથી પસાર થવાની ક્ષમતા ધરાવે છે. આ તરંગો જ્યાંથી ભૂકંપ ઉદભવે છે ત્યાંથી તેની લંબ-દિશામાં સપાટી પરના ભૂકંપનિર્ગમનકેન્દ્રની આસપાસ વિસ્તરે છે. ભૂકંપ વખતે થતું નુકસાન આ તરંગો મારફતે થાય છે. આ તરંગો પૃથ્વીની સપાટી પૂરતા મર્યાદિત હોવાથી તેમને સપાટી-તરંગો કહે છે, એટલે કે તે પૃથ્વીની અંદર તરફ જતા નથી. તે જટિલ હોવાથી તેમને રીલે (Releigh) તરંગો અને Love તરંગો જેવા બે પ્રકારોમાં પણ વિભાજિત કરેલા છે. એ long wavesનો સંક્ષિપ્ત અર્થસૂચક અક્ષર છે. તે ભૂકંપના પ્રકાર માટે નહિ, પણ સપાટી-તરંગોના તબક્કાનો ખ્યાલ આપવા દર્શાવાય છે. ભૂકંપને સર્વપ્રથમ સમજવાની અને નોંધ કરવાની જ્યારે શરૂઆત થયેલી ત્યારે P અને S તરંગોની સરખામણીએ L તરંગો લંબાઈવાળા જણાયેલા હોવાથી આવું સંજ્ઞાસૂચક નામ અપાયું છે.

ભૂપૃષ્ઠ-તરંગોનું સંચારણ. ભૂકંપકેન્દ્રમાંથી ઉદભવતા તરંગો P, S અને L તરંગોના પથ અને ભૂકંપઆલેખની રેખાકૃતિ.

ભૂકંપલેખયંત્ર (seismograph) : ભૂકંપને કારણે ઉદભવતા ભૂકંપીય તરંગોને નોંધતું સાધન. આ સાધન બે પ્રકારનું હોય છે. એકમાં ક્ષૈતિજ સંચલન અને બીજામાં ઊર્ધ્વ સંચલન મપાય છે. બંને પ્રકારોમાં સ્થિર વજન લટકાવેલું હોય છે. સાધનના બાકીના ભાગો ભૂકંપીય ધ્રુજારીથી કંપન પામે છે. વજનની સાથે કલમ લગાડેલી હોય છે, જે ફરતી રહેતી નળી(drum)ના આલેખ પર નોંધ કરે છે. અમુક સાધનોમાં કંપનની નોંધ વીજાણુપદ્ધતિથી પણ થતી રહે છે.

ભૂકંપઆલેખ (seismogram) : ભૂકંપમાપક નામના સાધન પર મળતી ભૂકંપની નોંધ. ભૂકંપની નોંધ જે સ્વરૂપે મળે છે તેને ભૂકંપ-આલેખ કહે છે. આ સાથેની આકૃતિ ભૂકંપ-આલેખના જુદા જુદા ભાગો સહિત તેમની લાક્ષણિકતાઓ પણ દર્શાવે છે.

જ્યારે પણ ભૂકંપ થાય છે ત્યારે તેના ઉદભવથી માંડીને તેના અંત સુધી જુદી જુદી તીવ્રતાવાળા આંચકા લાગે છે. આંચકાઓની બદલાતી જતી તીવ્રતા પ્રમાણે આલેખમાં પણ અનિયમિતતા જોવા મળે છે. ભૂકંપના પ્રારંભમાં થતી ધ્રુજારી તદ્દન હળવા પ્રકારની હોય છે, તેની નોંધ અનિયમિતતાના ઓછા પ્રમાણવાળી હોય છે; પરંતુ થોડીક જ ક્ષણોમાં તીવ્રતામાં  વધારો થતાં ભૂકંપ-આલેખની નોંધ અનિયમિતતાના વધુ પ્રમાણવાળી બની રહે છે, કારણ કે મુખ્ય આંચકા દરમિયાન ભૂતળમાં વધુ વિક્ષેપ થતો હોય છે, પરિણામે આલેખ વધુ અનિયમિત બનતો જાય છે. ભૂકંપના આ મુખ્ય આંચકાને અંતે ઘટતી જતી તીવ્રતાવાળી ધ્રુજારી થાય છે, આલેખ ઓછો અનિયમિત બને છે અને છેવટે જ્યારે ભૂકંપ બંધ થાય છે ત્યારે આલેખ-નોંધ સીધી રેખા સ્વરૂપે જોવા મળે છે.

સાધન અને આલેખ : (અ) ભૂકંપ લેખયંત્ર, (આ) ભૂકંપ આલેખ.

ભૂકંપ-આલેખમાં નીચે મુજબનાં ચાર પ્રકારનાં કંપનો જોવા મળે છે. તેમની લાક્ષણિકતાઓ અને અર્થઘટન આ પ્રમાણે છે : P તરંગો, S તરંગો, L તરંગો અને પશ્ચાત્કંપ (aftershocks).

પશ્ચાત્કંપ : ભૂકંપના મુખ્ય આંચકા થોડી સેકંડો/કદાચ મિનિટો માટે ચાલે છે. ત્યારપછી ઘટતી જતી તીવ્રતાવાળા જે આંચકા આવે છે તેને પશ્ચાત્કંપ કહે છે. આવા આંચકા અવારનવાર કેટલાક દિવસો/મહિના/વર્ષ સુધી પણ અનુભવાય છે.

ભૂકંપછાયાપ્રદેશ (earthquake shadow zone) : ભૂકંપીય તરંગોથી પૃથ્વીની સપાટી પરનો અસરમુક્ત રહેતો વિભાગ. 1897માં થયેલા બિહારના ભીષણ ભૂકંપ પર ભારતીય ભૂસ્તરીય સર્વેક્ષણ (Geological Survey of India) ખાતાના તત્કાલીન અધિકારી આર. ડી. ઓલ્ડહામે અન્વેષણો કરી 1900માં એક લેખ (monograph) તૈયાર કરેલો. તેમાં ભૂકંપશાસ્ત્રીય માહિતીની છણાવટ તેમજ ઉદભવતા ભૂકંપીય તરંગોની પરખ કરી આપેલી છે. તેમણે સમજ આપી છે કે ભૂકંપ-આલેખ પર નોંધાતા P અને S તરંગો 10°થી ઓછા મૂલ્યના ટૂંકા વક્રાલેખો, મોટાં આવર્તનો રજૂ કરે છે, જ્યારે 100° આસપાસના વક્રાલેખો મોટા અંતરવાળા અને ઓછાં આવર્તનોવાળા હોય છે. ભૂકંપનિર્ગમનકેન્દ્રથી આ તરંગો 11,500 કિમી. એટલે 103°ના અંતર સુધીના પ્રદેશોમાં દેખાય છે. તે પછીનાં આગળનાં સ્થાનો પર ભૂકંપ તરંગ નોંધ મળતી નથી. તરંગ નોંધની આ ગેરહાજરી તે પછીના 4,500 કિમી.ની અંદર આવેલાં તમામ સ્થાનો પર વરતાય છે. ભૂકંપનિર્ગમનકેન્દ્રથી 16,000 કિમી. અથવા 143°થી વધારે અંતરે ફરીથી તરંગનોંધ મળે છે; અર્થાત્ આ તરંગો ભૂકંપ-નિર્ગમનકેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના 103°થી 143° વચ્ચેના પ્રદેશમાં (1° એટલે આશરે 110° કિમી. જેટલું પ્રાદેશિક અંતર) પસાર થતા જોવા મળતા નથી; પરંતુ 143°થી 180°ના વક્રઅંતર વચ્ચે P તરંગો વળી પાછા બહાર પડે છે; જ્યારે S તરંગો દેખાતા નથી. આ પરથી નક્કી થયું છે કે જ્યારે જ્યારે જ્યાં પણ ભૂકંપ થાય, ત્યાં તેને ભૂકંપ-નિર્ગમન-કેન્દ્રથી 103° અને 143°થી રચાતા અંતરગાળાનો પ્રાદેશિક વિભાગ આ તરંગોની અસરથી મુક્ત રહે છે. પૃથ્વીને ફરતો વલય આકારનો આ પ્રાદેશિક વિભાગ ભૂકંપ-છાયા-પ્રદેશ કહેવાય છે.

ભૂકંપનિર્ગમનકેન્દ્રથી 103°થી 143° વચ્ચેનો વિસ્તાર આવરી લેતો ભૂકંપ છાયાપ્રદેશ

ભૂકંપીય તરંગોથી અસરમુક્ત રહેતા વિભાગ પરથી તેમણે તારણ કાઢ્યું કે પૃથ્વીનો ભૂકેન્દ્રીય વિભાગ (core) પૂરતા પ્રમાણમાં ર્દઢ નથી. કદાચ તે અમુક પ્રમાણમાં પ્રવાહી સ્થિતિ ધરાવતો હોય અને તે કારણે P તરંગો ધીમા પડી જાય છે અને S તરંગો પસાર થતા બંધ પડી જાય છે. ઘણા ભૂકંપોના અભ્યાસમાંથી મળેલા છાયા-વિભાગોની માહિતી પરથી ભૂકેન્દ્રીય વિભાગની ર્દઢતાનું પ્રમાણ તેમજ ઊંડાઈ જાણી શકાઈ છે. પૃથ્વીના ગોળાનો અંદર તરફનો અર્ધો ભાગ ભૂકેન્દ્રીય વિભાગથી આવરી લેવાયેલો છે. સપાટીથી તે 2,900 કિમી.ની ઊંડાઈએથી શરૂ થાય છે. ઈ. સ. 1900 પછીના ત્રણથી ચાર દાયકામાં નવાં તૈયાર કરાયેલાં સુધારાવધારાવાળાં ભૂકંપઆલેખયંત્રો વિકસાવાયાં. તેના પર ભૂકંપ-તરંગોની ચોકસાઈભરી માહિતી મેળવી શકાઈ છે અને જાણી શકાયું છે કે છાયાવિભાગ ભૂકંપીય તરંગોથી તદ્દન મુક્ત રહી શકતો નથી, જોકે S તરંગો તો પસાર થતા નથી જ. P તરંગોની અસર મંદ પ્રમાણમાં વરતાય છે ખરી. આ બધા પરથી તારણ નીકળી શક્યું છે કે ભૂકેન્દ્રીય વિભાગ પ્રવાહી સ્થિતિમાં નથી, પરંતુ તેના બે ભાગ જરૂર પડે છે – મધ્યબિંદુ તરફનો અંદરનો ભૂકેન્દ્રીય વિભાગ અને ભૂમધ્યાવરણ તરફનો બાહ્ય ભૂકેન્દ્રીય વિભાગ. આ બંને ભાગો વચ્ચેની સરહદ અસ્પષ્ટ હોય છે.

ભૂકંપની તીવ્રતા : ભૂકંપની તીવ્રતા એ ભૂકંપઆલેખયંત્રની મદદથી કરવામાં આવતા માપન પર આધારિત પ્રમાણમાપ (scale) ગણાય. આ પ્રમાણમાપ 1935માં ચાર્લ્સ એફ. રિક્ટરે તૈયાર કરેલા માનાંક (માત્રાંક) (magnitude) તરીકે જાણીતું બનેલું છે. ભૂકંપનો માનાંક અમુક વિશિષ્ટ સંજોગોમાં મહત્તમ નોંધાયેલા કંપવિસ્તારના લઘુગણકના સમપ્રમાણમાં હોય છે. રિક્ટરયોજિત આ માનાંકોનું અર્થઘટન નીચે પ્રમાણેનાં ઉદાહરણો રૂપે રજૂ કરી શકાય :

માનાંક 2 = સામાન્ય અસર અનુભવાય એવો નાનો કંપ.

માનાંક 4.5 = થોડું નુકસાન કરતો નાનો કંપ.

માનાંક 6 = મધ્યમસરની ખુવારી કરતો ભૂકંપ.

માનાંક 8.5 = વિનાશક અસરવાળો ભૂકંપ.

દુનિયામાં દર વર્ષે એકાદ ભૂકંપ 8 માત્રાંકવાળો થતો હોય છે.

આ સંદર્ભમાં જોતાં, ભૂકંપની તીવ્રતા એ ભૂકંપથી થતા વિનાશની માત્રાનું સૂચન કરે છે, અર્થાત્ ભૂકંપની તીવ્રતાએ ભૂમિસંચલનની ઉગ્રતા અને તેનાથી થતા વિનાશના પ્રમાણનું માપ ગણાય. કોઈ પણ સ્થાને થતા ભૂકંપની તીવ્રતા સમભૂકંપરેખાઓ દ્વારા દર્શાવાય છે. ગણતરીની આ બાબત, જોકે, અમુક પ્રમાણમાં પરિવર્તી રહે છે, કારણ કે સ્થાનભેદે બાંધકામને થતું નુકસાન કે વિનાશનું પ્રમાણ અન્ય પરિબળો પર પણ આધાર રાખતું હોય છે. અન્ય પરિબળો આ પ્રમાણે છે : (1) ભૂકંપનિર્ગમનકેન્દ્રથી અંતર : ભૂકંપનિર્ગમનકેન્દ્ર નજીક નુકસાન વધુ થાય છે, ત્યાંથી જેમ અંતર વધુ તેમ વિનાશનું પ્રમાણ ઓછું થતું જાય છે. બાંધકામને થતું નુકસાન આ પરિબળ પર વધુ આધારિત રહે છે. (2) અધોભૂમિની ઘનિષ્ઠતા : બાંધકામવાળી ભૂમિ જો નરમ હોય કે ફાટોવાળી હોય તો ભૂકંપથી થતું નુકસાન પ્રમાણમાં ઓછું હોય છે, કારણ કે તરંગ-આંદોલનો આવી ભૂમિમાં અસરકારક રીતે શોષાઈ જાય છે, પરિણામે બાંધકામોને થતું નુકસાન ઓછું હોય છે; પરંતુ ભૂમિ દળદાર અને ઘનિષ્ઠ હોય તો ભૂકંપની અસર વિનાશક હોય છે. (3) બાંધકામનો પ્રકાર : અન્ય પરિબળો (લક્ષણો) યોગ્ય હોય તો સારી મજબૂતાઈવાળા બાંધકામને ઓછું નુકસાન થાય છે, નબળું બાંધકામ તૂટી પડે છે. (4) ભૂકંપનું માન (માત્રા) (magnitude) : માન (માત્રા) એટલે ભૂકંપ વખતે મુક્ત થતી ઊર્જા. વધુ માત્રાવાળો ભૂકંપ વધુ વિનાશ વેરે, ઓછી માત્રાવાળો ભૂકંપ ઓછું નુકસાન કરે. (5) ભૂકંપની અવધિ : સામાન્ય રીતે તો ભૂકંપ ચાલુ રહેવાની અવધિ ક્ષણિક જ હોય છે, મોટેભાગે તો તે સેકંડના અમુક ભાગ કે સેકંડો પૂરતો જ ટકે છે; ભાગ્યે જ તે એક મિનિટનો ગાળો આવરી લેતો હોય છે. આ પરિબળ ઘણું જ અગત્યનું ગણાય છે, કારણ કે ભૂકંપ જેટલો વધુ સમય ચાલુ રહે તેટલું નુકસાન વધુ થાય. (6) ભૂકંપકેન્દ્રની ઊંડાઈ : નુકસાનનું પ્રમાણ ભૂકંપકેન્દ્રની ઊંડાઈ પર પણ આધાર રાખે છે. છીછરી ઊંડાઈનાં ભૂકંપકેન્દ્રો માત્ર સ્થાનિક નુકસાન કરે છે, વધુ ઊંડાઈવાળાં ભૂકંપકેન્દ્રોથી વધુ નુકસાન થાય છે.

ભૂકંપનાં માન (magnitude of earthquake) : ભૂકંપની તીવ્રતા એ ભૂકંપના માનનું વિધેય (function) છે. ભૂકંપની માત્રા એ ભૂકંપ દ્વારા ઉદભવતી ઊર્જાના પ્રમાણનું માપ છે. ભૂકંપ ઓછી કે વધુ તીવ્રતાવાળો છે તેનો સંબંધ ભૂકંપથી ઉદભવતા તરંગોના માનાંક પર રહેલો હોય છે.

ભૂકંપથી ઉદભવતી ઊર્જા (E, energy) તેના ભૂકંપનિર્ગમનકેન્દ્ર પર જેમ બહાર પડે છે તેમ ઊંડાઈ તરફ પણ તરંગોરૂપે ખડકોમાં સંચરણ પામે છે. આ સંચરણ દરમિયાન, ઊર્જાનું અમુક પ્રમાણ ખડક-માધ્યમમાં શોષાય છે અને અમુક પ્રમાણ ભૂકંપનોંધક મથક સુધી પહોંચે છે, જેને ભૂમિપ્રવેગ (a) સાથે સાંકળી લઈને માનાંક (M) નક્કી થાય છે. M, E અને a વચ્ચેનો સંબંધ

Log10E = 4.4 + 2.14 M – 0.054M2

સમીકરણથી અપાય છે. આ સમીકરણમાં E નીચેના સૂત્ર દ્વારા મેળવાય છે :

જેમાં E = મુક્ત ઊર્જાનું કુલ પ્રમાણ (અર્ગના એકમમાં-erg), a = ભૂમિપ્રવેગ, h = ભૂકંપનું કેન્દ્ર, કિમી.માં, D = ભૂકંપનિર્ગમનકેન્દ્રથી ભૂકંપનોંધ મથકનું અંતર, C = અચલાંક, 0.625. ભૂકંપની તીવ્રતા સ્થાનભેદે પરિવર્તી રહે છે, પરંતુ માનના પ્રમાણમાં કોઈ ફરક પડતો નથી.

રિક્ટરનું પ્રમાણમાપ (રિક્ટરનો ભૂકંપઆંક) (The Richter scale) : રિક્ટરનું ભૂકંપમાપ એ અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી ચાર્લ્સ એફ. રિક્ટર દ્વારા 1935માં નક્કી કરવામાં આવેલું ભૂકંપની માત્રાનું માપ છે. આ માપમાં પછીથી તેણે પોતે તેમજ બેનો ગુટેનબર્ગે (Beno Gutenberg : 1889–1960) સુધારાવધારા કરેલા છે. કોઈ પણ ભૂકંપ કેટલો ભીષણ છે તેનો રિક્ટરના માનાંક દ્વારા ખ્યાલ આવે છે.

રિક્ટર સ્કેલના શોધક ચાર્લ્સ રિક્ટર

રિક્ટરના માનાંકોનું આ પ્રમાણમાપ ખૂબ જ જાણીતું બનેલું છે, કારણ કે ભૂકંપ થયાના થોડાક જ કલાકોમાં તેનો અહેવાલ સમાચાર-માધ્યમો દ્વારા પ્રસિદ્ધ થઈ જતો હોય છે. કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીના ચાર્લ્સ રિક્ટરે ભૂકંપકેન્દ્રથી 100 કિમી.ના અંતરે ગોઠવેલા વિશિષ્ટ પ્રકારના ભૂકંપઆલેખયંત્ર (વુડ-ઍન્ડરસન પદ્ધતિ પર આધારિત ટૉર્શન-ભૂકંપઆલેખયંત્ર) પર નોંધાયેલા સપાટી-તરંગોના કદનાં અર્થઘટન કરીને પ્રમાણમાપ તૈયાર કરેલું છે. માત્ર ધ્રુજારી ઉત્પન્ન કરતા મંદ ભૂકંપની તુલનામાં તીવ્ર ભૂકંપ 10,000થી 1,00,000ગણી મોટી વાચન-નોંધ (readings) આપી શકે છે. રિક્ટરનું પ્રમાણમાપ મુખ્યત્વે 3થી 9 સુધીના માનાંકો(માત્રાંકો)થી રજૂ કરવામાં આવેલું છે. વાસ્તવમાં આ અંકો ભૂકંપથી મુક્ત થતી ઊર્જાનું માપ છે.

પ્રત્યેક માનાંક તેની અગાઉના માનાંક કરતાં 10ગણું માપ દર્શાવે એ રીતે માનાંકનો ક્રમ તૈયાર કરેલો છે. 5થી ઓછા માનાંકવાળો ભૂકંપ વિશેષ વિનાશકારી હોતો નથી. ઓછામાં ઓછો માનાંક 2 હોઈ શકે, જે માત્ર ધ્રુજારી જ આપી શકે. વિનાશકારી ભૂકંપો 6થી વધુ માનાંકવાળા હોય છે. 5, 7 અને 8 માનાંકવાળા ભૂકંપ અનુક્રમે 8, 80 અને 250 કિમી.ની ત્રિજ્યામાં વિનાશ વેરે છે; એ જ રીતે તેમની ધ્રુજારીની અસર અનુક્રમે 150, 400 અને 600 કિમી.ની ત્રિજ્યા સુધીના વિસ્તારમાં પહોંચાડે છે; દા.ત., 1967ના ડિસેમ્બરની દસમી–અગિયારમી તારીખે થયેલા કોયનાના 6.5 તીવ્રતાના ભૂકંપે 60 કિમી. ત્રિજ્યામાં વિનાશક અસર અને 400 કિમી.ની ત્રિજ્યા સુધી ધ્રુજારીની અસર પહોંચાડી હતી. આજ સુધીમાં ભૂકંપની તીવ્રતાનો વધુમાં વધુ 8.9 માનાંક નોંધાયેલો છે.

જુદા જુદા માનાંકવાળા ભૂકંપમાં ઉદભવતી ઊર્જાનું પ્રમાણ નીચે મુજબ હોય છે, જે તેમની વિનાશક ક્ષમતાની રજૂઆત કરે છે :

સારણી 1

માનાંક  : 5.0 6.0 6.5 7.0 7.5 8.0 8.4 8.6
ઊર્જા (1020 અર્ગ) : 0.08 2.5 14.1 80 446 2,500 10,000 20,000

કોઈ નિયત માનાંકવાળા ભૂકંપ દરમિયાન થતાં કંપનોની વધુમાં વધુ તીવ્રતા તેના ભૂકંપકેન્દ્રની ઊંડાઈ તેમજ ત્યાંના બાંધકામ નીચેની ભૂમિના પ્રકાર પર આધાર રાખે છે. જો ભૂકંપ 30 કિમી. કે તેથી ઓછી ઊંડાઈના છીછરા ભૂકંપકેન્દ્રવાળો હોય તો તેના ભૂકંપનિર્ગમનકેન્દ્ર પરની મહત્તમ તીવ્રતાનો સંબંધ નીચેના અંકો પરથી સમજી શકાય :

સારણી 2

માનાંક 5.0 6.0 6.5 7.0 7.5 8.0
મહત્તમ તીવ્રતા VI-VII VII-VIII VIII-IX IX-X X-XI XI

દુનિયામાં ક્યાંક ને ક્યાંક પ્રતિવર્ષ 8 માનાંકવાળા સરેરાશ 1.5 (1થી 2) ભૂકંપ થાય છે. જો આપણે ભૂકંપથી ઉદભવતી ઊર્જાને અણુ-વિસ્ફોટ સાથે સરખાવીએ તો હિરૉશીમામાં ફેંકાયેલા અણુબૉંબથી ઉદભવેલી ઊર્જા 6.33 માનાંકવાળા ભૂકંપની તુલનામાં મુકાય. આમ ઊર્જામુક્તિના સંદર્ભમાં 1950માં થયેલા આસામના ભૂકંપ(8.6 M)ની ઊર્જામુક્તિ 2,500 અણુબાબના એકસાથે થતા વિસ્ફોટ જેટલી હતી.

સારણી 3 : ભૂકંપોના માનાંક અને તેની અસરો

માનાંક પ્રમાણભૂત નોંધ મુજબ સપાટી- તરંગોની ઊંચાઈ (મીટર) ખસેડ-સપાટી પર સ્તર-ભંગની લંબાઈ (કિમી.માં) ભૂકંપની અસરવાળા ક્ષેત્રનો વ્યાસ (કિમી.માં) સમગ્ર દુનિયામાં પ્રતિવર્ષ થતા ભૂકંપની સંખ્યા

ભૂકંપ- જનિત ઊર્જા (W-sec.માં)

9 મોટા ભૂકંપો આજ સુધીમાં 8 અને 9 માનાંકવાળા નોંધાયેલા છે.
8 100.000 800.0 1,200 1.5 4 x 1016
7 10.000 40.0 800 15 8 x 1014*
6 1.000 8.0 450 150 4 x 1013*
5 0.100 3.0 300 1,500 8 x 1011Δ
4 0.010 1.3 160 15,000 4 x 1010
3 0.001 0.5 30 150,000 8 x 108

* આ ઊર્જામુક્તિનું અંદાજી પ્રમાણ મોટામાં મોટા હાઇડ્રોજન બાબથી મુક્ત થતી ઊર્જા જેટલું ગણાય.

Δ સામાન્ય અણુબૉંબથી ઉદભવતી ઊર્જા જેટલું ઊર્જાપ્રમાણ.

ભૂકંપના તીવ્રતા-માનાંક દર્શાવતી આકૃતિ : (અ) નુકસાનનું પ્રમાણ અને દર્શાવેલી સમભૂકંપરેખાઓમાંથી મળતું ભૂકંપની તીવ્રતાનું માપ, (આ) ભૂકંપકેન્દ્રથી જુદા જુદા અંતરે રાખેલાં સાધનો દ્વારા તેમજ અંતર વધવા સાથે P અને S તંરગો વચ્ચેના સમય તફાવતનાં માપ, (ઇ) ભૂકંપ-તરંગોના સાધનદર્શિત માપમાંથી મળતા માનાંકોની ગણતરી દર્શાવતું ચિત્ર.

મર્કૉલીનું ભૂકંપમાપ : ઇટાલિયન ભૂકંપશાસ્ત્રી મકૉર્લી(1850–1914)એ રોસી-ફૉરેલના જૂના માપ પરથી 1902માં ભૂકંપની તીવ્રતા અને કંપઅસર દર્શાવતું માપ તૈયાર કરેલું. તેમાં 1થી 12 અંકો નક્કી કરવામાં આવેલા છે. આ માપ હજી આજે પણ ઉપયોગમાં લેવાય છે. વુડ અને ન્યૂમાને તેમાં પછીથી ફેરફારો કરેલા છે. 1956માં કરેલા સુધારા-વધારા સહિત વિકસાવેલું ભૂકંપથી થતી ધ્રુજારીનું આ ક્રમમાપન ચઢતા ક્રમમાં નીચે મુજબ છે :

ક્રમાંક માપ પ્રવેગ

મિમી.સેકંડ/સેકંડ

કંપઅસર
1       2   3                      4
I સાધન દ્વારા < 10 માત્ર ભૂકંપમાપક દ્વારા જાણી શકાય.
II મંદ > 10 માત્ર સંવેદનશીલ તેમજ આરામ કરતા લોકો જ અનુભવી શકે. મકાનોના ઉપલા માળવાળા લોકોને અસર જલદી વરતાય.
III નજીવો > 25 આરામની સ્થિતિમાં અનુભવી શકાય. ભારે વાહનો પસાર થતી વખતે ઉત્પન્ન થતાં આંદોલનો જેવી અસર.
IV મધ્યમ > 50 ચાલતી વખતે અસર અનુભવાય. ભારે ટ્રક અથડાવાથી ઉદભવતી અસર જેવો અવાજ આવે. ભારે દડો ભીંત પર અથડાવાથી થતા આઘાત જેવું અનુભવાય. થાંભલાઓમાં ધ્રુજારી થતી દેખાય. ઊભેલાં વાહનો ડોલે. બારી-બારણાં અથડાયાં કરે.
V આછો તીવ્ર > 100 ઊંઘમાંથી જાગી જવાય. આછો ઘંટારવ થવા માંડે. લોલક બંધ પડી જાય. કાચની તાસકો તૂટે.
VI તીવ્ર > 250 વૃક્ષો હલવા માંડે. થાંભલા પડી જાય. અભરાઈ પરથી ચીજ-વસ્તુઓ પડી જાય. ટિંગાડેલા ફોટા પડે. રાચરચીલું ખસે. લોકો ગભરાટથી ઘર બહાર નીકળી આવે. ચાલવાનું ફાવે નહિ. બારીઓના કાચ તૂટે. નબળા પ્લાસ્ટર-ચણતરમાં અસર થાય.
VII વધુ તીવ્ર > 500 જોરથી ઘંટારવ થવા માંડે. ધ્વનિ ઉત્પન્ન થાય. ભીંતોમાં તડ પડે. પ્લાસ્ટર ઊખડે. ચાલુ વાહનમાં અસર વરતાય. નબળા બાંધકામને નુકસાન થાય. સ્થિર ઊભા રહેવું મુશ્કેલ બને.
VIII વિનાશકારક > 1,000 ચીમની, ટાવર, છૂટી દીવાલો, છૂટાં સ્મારકો પડી જાય. ઝાડની ડાળીઓ તૂટી પડે. ભેજવાળી-ઢોળાવવાળી ભૂમિમાં તડો પડે. મકાનોને નુકસાન થાય. રાચરચીલું પડી જાય.
IX અતિવિનાશકારી > 2,500 ભૂપૃષ્ઠમાં તડો પડે. મકાનોના પાયાને નુકસાન પહોંચે. મકાનો બેસી જાય. જમીનમાંની પાઇપો તૂટી જાય. જમીનમાંથી પાણીના ફુવારા ફૂટી નીકળે. કાંપવાળા વિસ્તારોમાંથી રેતી, કાદવ બહાર નીકળી આવે.
X ખુવારીજનક > 5,000 ભૂપૃષ્ઠ વધુ પ્રમાણમાં તૂટે, ફાટો પડે. ભૂપાત થાય. રેલવેના પાટા અમુક પ્રમાણમાં વળી જાય. પુલોને અસર પહોંચે. ચણતરવાળી અસંખ્ય ઇમારતો પાયામાંથી નાશ પામે.
XI વધુ ખુવારીજનક > 7,500 બહુ ઓછાં મકાનો બચે. પુલો, રેલવે-લાઇનો ભાંગી પડે. ભૂગર્ભીય પાણી, ગૅસનાં જોડાણો તૂટી જાય. વીજળી-ટેલિફોન-લાઇનો ખોરવાઈ જાય.
XII સંપૂર્ણ તારાજી > 9,800 સંપૂર્ણ ખુવારી. ચીજ-વસ્તુઓ, પદાર્થો હવામાં ફંગોળાય. મોટા પ્રમાણમાં ભૂમિ-હલનચલન થાય. ભૂપૃષ્ઠમાં વિરૂપતા થાય. મોટા ખડકજથ્થા સરકી પડે.

દરેક વર્ષે ભૂકંપ તો હજારોની સંખ્યામાં થતા રહે છે, તે પૈકી કોઈક જ અનુભવાય છે કે નુકસાનકારક હોય છે. સામાન્ય ભૂકંપોની માત્રાની ભૂકંપમાપક દ્વારા જ જાણ થતી હોય છે. વધુ તીવ્રતાવાળા ભૂકંપ તુરત અનુભવાય છે અને તે ખુવારીજનક પણ બનતા હોય છે.

વર્ગીકરણ : ભૂકંપકેન્દ્રની ઊંડાઈના ગાળાને અનુલક્ષીને ભૂકંપોનું ત્રણ પ્રકારોમાં વર્ગીકરણ કરેલું છે : (1) છીછરી ઊંડાઈના ભૂકંપ (shallow focus earthquakes) – ભૂકંપકેન્દ્રની ઊંડાઈ સપાટીથી 70 કિમી. સુધીની હોય; (2) મધ્યમ ઊંડાઈના ભૂકંપ (intermediate focus earthquakes) – ભૂકંપકેન્દ્રની ઊંડાઈ 70થી 300 કિમી. વચ્ચેની હોય; (3) ઊંડા ભૂકંપ (deep focus earthquakes) – ભૂકંપકેન્દ્રની ઊંડાઈ 300થી 700 કિમી. વચ્ચેની હોય.

ભૂપૃષ્ઠ પર થતા મોટાભાગના ભૂકંપ છીછરી ઊંડાઈના હોય છે. તે દરિયાઈ ખીણો કે ફાટખીણો પર તેમજ જ્વાળામુખી-વિસ્તારોમાં થાય છે. મધ્યમ અને ઊંડાઈવાળા ભૂકંપ ભૂતકતીઓની અભિકેન્દ્રિત સીમાઓ (converging boundaries) પર સંકેન્દ્રિત થયેલા હોય છે. ગતિશીલ ભૂતકતીઓની સંપર્ક-સપાટી પર ઉદભવતા ભૂકંપ મોટે ભાગે વધુ તીવ્રતાવાળા હોય છે, જે તકતી-સીમાંતક ભૂકંપ (plate boundary earthquakes) તરીકે ઓળખાય છે (ઓછી તીવ્રતાવાળા ભૂકંપ પણ ત્યાં થતા હોય છે ખરા). આ ભૂકંપ વધુ ઊર્જા અને વધુ વિનાશક અસરો ઉત્પન્ન કરે છે (જાપાની ટાપુઓ). જે ભૂકંપ સીમાવર્તી ન હોય, પરંતુ તકતીની વચ્ચે થાય તેને આંતરતકતી ભૂકંપ (intraplate earthquake) કહી શકાય, તે પણ વિનાશક હોઈ શકે છે. ગુજરાત, લાતુર અને કોયનાના ભૂકંપ, યુ.એસ.ના  કેટલાક મોટા ભૂકંપ (મિસિસિપી ખીણનો ભૂકંપ – 1811 અને 1812; દક્ષિણ કૅરોલિના-ચાર્લ્સટનનો ભૂકંપ–1886) આ પ્રકારના આંતરતક્તી ભૂકંપો હતા જ્વાળામુખી-પ્રસ્ફુટનને કારણે ઉદભવતા ભૂકંપ મહદ્અંશે છીછરી ઊંડાઈના હોય છે.

વર્ગીકરણમાં ભૂકંપક્રમનો પણ સમાવેશ કરી શકાય : સંચલનજન્ય ભૂકંપ થવાનો હોય ત્યારે સંભવત: તેની અગાઉ થોડાક દિવસો કે અઠવાડિયાંઓના ગાળા દરમિયાન પૂર્વકંપ (preshocks) થતા હોય છે, ભૂકંપ  તેમને અનુસરે છે; તે પછીથી થતા કંપ પશ્ચાત્કંપ (aftershocks) કહેવાય છે. પૂર્વકંપ અને પશ્ચાત્કંપની તીવ્રતા ઘણી ઓછી રહે છે. જ્વાળામુખીજન્ય ભૂકંપોમાં આ પ્રકારનાં કંપ-આવર્તનોનો કોઈ ક્રમ હોતો નથી.

ભૂકંપોનાં પ્રમાણમાપ (scale of earthquakes) : ભૂકંપીય તરંગોનાં આંદોલનો સૂક્ષ્મ કંપનથી માંડીને મોટા પાયા પરનાં હોઈ શકે છે તેમજ તેનો પ્રવેગ પણ ઓછોવત્તો હોઈ શકે છે. સ્તરભંગ થતી વખતે સ્તરભંગખંડો(fault  blocks)ની અરસપરસની સરકવાની ગતિ કલાકે 1થી 15 કિમી.થી શરૂ કરીને 8,000 કિમી. સુધીની હોઈ શકે છે. ભૂકંપથી થતો વિનાશ ભૂકંપીય તરંગોનાં આંદોલનોને કારણે થતો હોય છે. ભૂકંપની માત્રા તેની તીવ્રતાના ક્રમ મુજબ અને તીવ્રતાનો ક્રમ તેનાં આંદોલનો પર આધાર રાખે છે.

1935માં રિક્ટરે ભૂકંપની તીવ્રતા પર આધારિત ક્રમાંક-માપન તૈયાર કર્યું, જે ‘રિક્ટરના ભૂકંપ આંક’ અથવા ‘રિક્ટર ભૂકંપ માનાંક’ તરીકે જાણીતું છે. ભૂકંપ-લેખની આંકણીના આધારે આ ક્રમાંક-માપન ગણવામાં આવે છે, જે ભૂકંપના ઉદભવસ્રોતમાંથી મુક્ત થતી કુલ ઊર્જાનું પ્રમાણ લગભગ ચોક્સાઈથી રજૂ કરે છે. પ્રત્યેક માનાંક તેનાથી નીચેના માનાંક કરતાં 30ગણી વધુ ઊર્જા ઉત્પન્ન કરે છે, અર્થાત્ 4 માનાંકવાળો ભૂકંપ 3 માનાંકવાળા ભૂકંપ કરતા 30 ગણી વધુ ઊર્જા ઉત્પન્ન કરશે (જુઓ આકૃતિ 9).

આજ સુધીમાં  થયેલા ભૂકંપોમાં વધુમાં વધુ ઊર્જા 8.9 માનાંકની નોંધાયેલી છે, જે ટીએનટી(TNT)ના 10 કરોડ મેટ્રિક ટનના વિસ્ફોટથી ઉદભવતી ઊર્જાને સમકક્ષ ગણાય. 8.9થી વધુ માનાંકવાળો ભૂકંપ થવાની સંભાવના નહિવત્ ગણાય છે, કારણ કે પૃથ્વીના ખડકો એટલી ઊર્જા-સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતા હોતા નથી. 2 માનાંકવાળા ભૂકંપ વર્ષમાં કદાચ હજારોની સંખ્યામાં થયા કરતા હશે, જ્યારે 8થી વધુ માનાંકવાળા ભૂકંપ 5થી 10 વર્ષમાં એકાદ વાર થતા હશે. વધુ તીવ્રતા વધુ વિનાશ વેરે છે. ટૂંકમાં, આ માનાંકો તરંગકંપનની તીવ્રતાનું માપ હોય છે.

દર્શાવેલી તીવ્રતાવાળા ભૂકંપ દરમિયાન ઉદભવતી ઊર્જા દર્શાવતાં વર્તુળો. (વર્તુળપ્રમાણ અંદાજે ગોઠવેલું છે)

દુનિયાના ભીષણ ભૂકંપો

છેલ્લી ત્રણ સદીઓ દરમિયાન દુનિયામાં થયેલા ભયંકર ભૂકંપો પૈકી અતિ મહત્વના ભૂકંપોની માહિતી આ પ્રમાણે છે :

(1) 1755નો લિસ્બનનો ભૂકંપ : 1755ના નવેમ્બરની પહેલી તારીખે બપોર પહેલાં સ્પેન, પૉર્ટુગલ અને ઉત્તર મોરૉક્કો ભૂકંપના ત્રણ તીવ્ર આંચકાઓથી ધ્રૂજી ઊઠ્યાં. વિનાશની વધુ અસરવાળા વિભાગને ઉત્તર છેડે લિસ્બન અને દક્ષિણ છેડે મોરૉક્કો હતાં. નવેમ્બરની પહેલી તારીખ એટલે ખ્રિસ્તીઓનો ‘All Saints Day’ની ઉજવણીનો દિવસ હતો. આ ભૂકંપથી દેવળોનો અને ત્યાં ભેગા થયેલા લોકોનો નાશ થઈ ગયો. લિસ્બનની 20 %થી વધુ વસ્તી ભૂકંપને પરિણામે અને  સમુદ્રકિનારા પર ઘણાં ઊંચાં ઊછળેલાં મોજાંની અસરથી નાશ પામેલી. લિસ્બનનાં 50 % મકાનો ધરાશાયી થઈ ગયાં. ભૂકંપના આંચકાઓની અસર યુરોપના 3,88,200 ચોકિમી. વિસ્તાર પર પહોંચેલી.

ઓગણીસમી સદીના ભૂકંપો માટે જુઓ ભારતના ભૂકંપો.

(2) 1906નો સાનફ્રાન્સિસ્કોનો ભૂકંપ : 1906ના એપ્રિલની 18મી તારીખે સવારે 5 કલાક 12 મિનિટે (સાનફ્રાન્સિસ્કો ખાતે) સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ પર ખસેડ થવાથી ઉદભવેલા 8.3 તીવ્રતાવાળા ભૂકંપથી સાનફ્રાન્સિકો શહેર હચમચી ઊઠ્યું. આ ભૂકંપની આગોતરી જાણ થઈ ગયેલી હોવાથી જાનહાનિનું પ્રમાણ ઓછું રહેલું. ભૂકંપ પછી ભભૂકેલી આગથી ઘણું નુકસાન થયેલું, 500 માણસો મૃત્યુ પામેલા. ભૂકંપથી થયેલા નુકસાનનો આંક 2 કરોડ ડૉલરનો અને આગથી થયેલા નુકસાનનો આંક 50 કરોડ ડૉલરનો મુકાયેલો છે.

(3) 1923નો ટોકિયોનો ભૂકંપ : 1923ના સપ્ટેમ્બરની પહેલી તારીખે બપોરે સાગામી ઉપસાગરની આજુબાજુનો વિસ્તાર 8.3 તીવ્રતાવાળા ભૂકંપથી ખળભળી ઊઠ્યો. ટોકિયો અને યોકોહામામાં તારાજી સર્જાયેલી, પરંતુ વધુ નુકસાન તો આ બંને શહેરોમાં ફાટી નીકળેલી આગથી થયેલું. અર્ધી વસ્તી ઘરબારવિહીન બની ગયેલી. 1 લાખ માણસો તો આગમાં ભરખાઈ ગયેલાં (કુલ તારાજ 1,43,000). સ્તરભંગો બાહ્ય સપાટી પર થયેલા જણાયા નહિ, પરંતુ નાનાં નાનાં અનેક સ્તરભંગાણ થયેલાં. સાગામી ઉપસાગરના તળમાં ઘણા ફેરફારો ઉદભવ્યા, નહિ નહિ તો 240 મીટરનું સંચલન થવા પામેલું.

(4) 1964નો અલાસ્કાનો ભૂકંપ : 1964ના માર્ચની 27મી તારીખે સાંજે 5 કલાક 36 મિનિટે અલાસ્કામાં આવેલા કૉર્ડોવાની અગ્નિદિશામાં 8.5 તીવ્રતાવાળો આ ભૂકંપ થયેલો. ઇતિહાસમાં નોંધાયેલા વધુ તીવ્રતાવાળા, અતિભીષણ અને વિનાશકારી ભૂકંપો પૈકીનો આ ભૂકંપ ગણાય છે. આ ભૂકંપથી સમુદ્રમાં રાક્ષસી કદનાં મોજાં ઊછળેલાં. તેની અસરો દક્ષિણે હવાઈ ટાપુઓ સુધી અને પશ્ચિમે જાપાનના હોકાઇડો સુધી પહોંચેલી. જોકે મૃત્યુઆંક પ્રમાણમાં ઘણો ઓછો હતો, પરંતુ નુકસાનનો અંદાજ 50 કરોડ ડૉલરનો મુકાયેલો.

(5) 1970નો પેરુનો ભૂકંપ : 1970ના મેની એકત્રીસમી તારીખે સાંજે 3 કલાક 24 મિનિટે ઉત્તર પેરુમાં થયેલા 7.7 તીવ્રતાવાળા ભૂકંપથી 66,000 જેટલા માણસો માર્યા ગયેલા. કિનારા પરનાં અને પર્વત-તળેટી પરનાં ઘણાં ગામડાં તારાજ થઈ ગયેલાં; નહિ નહિ તો 2 લાખ લોકો ઘરબાર વગરના થઈ ગયેલા.

(6) 1972નો નિકારાગુઆનો ભૂકંપ : 1972ના ડિસેમ્બરની તેવીસમી તારીખે શ્રેણીબદ્ધ થયેલા ભયંકર (6.2 તીવ્રતાવાળા) ભૂકંપોને કારણે નિકારાગુઆનું પાટનગર માનાગુઆ સંપૂર્ણપણે નાશ પામેલું. ચોક્કસ મૃત્યુઆંક કેટલો હતો તે વિગત પછીથી પણ જાણી શકાઈ ન હતી, પરંતુ સત્તાવાર આંકડો 5,000નો મુકાયેલો છે. શહેરમાં 75 % મકાનો ખંડિયેર બની ગયેલાં, જળપુરવઠો અને વીજપુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયેલો. નિકારાગુઆની સરકારે શહેરના કાટમાળને સરખો કરવા માટે બાકીની 3 લાખની વસ્તીને પણ થોડા વખત માટે શહેર ખાલી કરાવેલું.

1992ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પણ અહીં ભૂકંપ થયેલો. પૅસિફિક મહાસાગરના કિનારા પરથી ઊછળેલાં મોજાંથી કિનારા પરની વસાહતો તારાજ થઈ ગયેલી. મૃત્યુઆંક 100ની આસપાસનો હતો, પરંતુ 4,200 લોકો ઘરબાર વિનાના થઈ ગયા હતા.

(7) 1976નો ચીનનો ભૂકંપ : 1976ના જુલાઈની અઠ્ઠાવીસમી તારીખે રાત્રે 3 કલાક 42 મિનિટે ઈશાન ચીનના વિસ્તારમાં આવેલા ભરચક વસ્તીવાળા ઔદ્યોગિક શહેર તાંગશાનમાં (8.2 તીવ્રતાવાળો) જબરદસ્ત ભૂકંપ થયેલો. આ ભૂકંપથી આશરે 6,50,000 લોકોએ જાન ગુમાવ્યાનો અંદાજ મુકાયેલો છે. સત્તાવાર આંક 2,42,000 બહાર પડેલો છે. તાંગશાનની વાયવ્યમાં 160 કિમી. અંતરે આવેલા બેજિંગમાં પણ ભારે ખુવારી થયેલી. ચીની નિષ્ણાતોએ આ અગાઉ 1975ના ભૂકંપ માટે સફળ આગાહી કરીને આશરે 90 હજાર લોકોના જાન બચાવેલા, પરંતુ 1976ના આ ભૂકંપની આગાહી કરી શકાયેલી નહિ.

(8) 1985નો મેક્સિકો(શહેર)નો ભૂકંપ : 8.1 તીવ્રતાવાળા આ ભૂકંપથી થયેલી તારાજીમાં આશરે 10,000 જેટલા લોકો મૃત્યુ પામેલા. 6થી 15 માળની ઇમારતો, મજબૂત બાંધકામવાળી હોવા છતાં, 2થી 3 સેકંડ ડોલ્યા કરી અને છેવટે ધરાશાયી થઈ ગઈ.

(9) 1992નો નેધરલૅન્ડ્ઝનો ભૂકંપ : 1992ના એપ્રિલની તેરમી તારીખે રોઅરમૉન્ડ વિસ્તારમાં 5.8 તીવ્રતાનો ભૂકંપ થયેલો. 1756 પછી અહીંનો આ વિનાશક ભૂકંપ હતો, જેને લીધે ઇમારતોને નુકસાન પહોંચેલું.

(10) 1992નો કૅલિફૉર્નિયાનો ભૂકંપ : 1992ના જૂનની અઠ્ઠાવીસમી તારીખે દક્ષિણ કૅલિફૉર્નિયામાં 7.4 તીવ્રતાવાળા એક પછી એક બે આંચકા આવેલા; એટલું જ નહિ, ત્રણ કલાક બાદ ફરીથી પણ એટલો જ તીવ્ર આંચકો લાગેલો.

(11) 1992નો કિર્ઘિઝિયાનો ભૂકંપ : 1992ના ઑગસ્ટની ઓગણીસમી તારીખે ચીનની સરહદ નજીક નહિ તોયે 168 કંપ થયેલા, જે પૈકીના કેટલાક આંચકાની તીવ્રતા તો ભૂકંપનિર્ગમનકેન્દ્ર પર લગભગ છેલ્લી કક્ષાની હતી. આ ભૂકંપ પર્વતમાળામાં થયેલો, જ્યાં છૂટીછવાઈ ખેતી પર નભતા માણસો રહેતા હતા.

(12) 1992નો ઇન્ડોનેશિયાનો ભૂકંપ : 1992ના ડિસેમ્બરની બારમી તારીખે 6.8 તીવ્રતાનો મહાવિનાશક ભૂકંપ થયેલો. તેનું ભૂકંપનિર્ગમન-કેન્દ્ર ફ્લૉરિસથી 30 કિમી. ઉત્તરે સ્થિત હતું. આ આંચકાથી દરિયાઈ મોજાં 24 મીટર ઊંચાઈ સુધી ઊછળેલાં. કિનારા પરનું મૌમીરીનગર તારાજ થઈ ગયેલું, 1,000 માણસો મૃત્યુ પામેલા અને નગરનાં ત્રીજા ભાગનાં મકાનોને નુકસાન પહોંચેલું.

(13) 1993નો જાપાનનો ભૂકંપ : વીસમી સદીનાં છેલ્લાં 25 વર્ષમાં જાપાને ન અનુભવ્યો હોય એવો 7.8 તીવ્રતાવાળો ભીષણ ભૂકંપ 1993ના જુલાઈની બારમી તારીખે થયેલો. તેનું ભૂકંપનિર્ગમન-કેન્દ્ર ઓકુશિરીથી 80 કિમી. જાપાનના સમુદ્રમાં સ્થિત હતું. મુખ્ય ભૂકંપ પછી પણ બે ભયંકર આંચકા લાગેલા. સમુદ્રમાંથી ઊછળેલાં મોજાંની થપાટોથી હોકાઇડો અને હૉન્શુના કેટલાક ભાગ નાશ પામેલા. ઓકુ-શિરીના કિનારાનો વિસ્તાર તારાજ થઈ ગયેલો. ભૂકંપથી ભૂપાત પણ થયેલા અને ઝડપથી એકાએક આગ પણ ભભૂકી ઊઠેલી. ઓછામાં ઓછા 166 માણસો મૃત્યુ પામેલા.

(14) 1993નો ઇજિપ્તનો ભૂકંપ : 1993ના ઑક્ટોબરની બારમી તારીખે 5.9 તીવ્રતાવાળો ભૂકંપ કેરોમાં થયેલો. 550 માણસો મરણ પામેલા અને 4,000 જેટલા માણસોને ઈજાઓ થયેલી.

(15)(i) 1997નો પાકિસ્તાનઇરાનનો ભૂકંપ : 1997ના ફેબ્રુઆરીની અઠ્ઠાવીસમી તારીખે બલૂચિસ્તાનના ક્વેટા ખાતે 7.3 તીવ્રતાનો ભૂકંપ થયેલો. તેનું ભૂકંપનિર્ગમન-કેન્દ્ર ક્વેટાથી અગ્નિકોણમાં 110 કિમી. પર સ્થિત હતું. પ્રથમ આંચકા પછી 23 મિનિટ બાદ ફરીથી 6.3 તીવ્રતાવાળા આંચકા પણ લાગેલા. પ્રથમ એક મિનિટની ધ્રુજારીમાં આખું સીબી ગામ અને અડધું હરનાઈ ગામ તારાજ થઈ ગયેલું. બધે કાદવ-કીચડ પથરાઈ ગયેલો. આશરે 80થી વધુ (કદાચ 100 ?) માણસો ઊંઘતા જ મૃત્યુ પામેલા. માટીનાં મકાનો પડી જવાથી માણસો દબાઈ જવાને કારણે મોતને ભેટેલા.

(15)(ii) થોડા સમય બાદ 1 માર્ચની વહેલી સવારે ઈરાનના અર્બોદિલ પ્રાંતના વિસ્તારમાં 6 તીવ્રતાવાળો ભૂકંપ થયેલો. અહીં આંચકાઓની અવધિ 15 સેકંડ જેટલી હતી. તેનું ભૂકંપનિર્ગમન-કેન્દ્ર તહેરાનથી 420 કિમી.ને અંતરે સરબ અને મેકશીકંશર વચ્ચે સ્થિત હતું. આ વિસ્તારનાં 110 ગામોને અસર પહોંચેલી. જ્યારે પર્વત નજીકનું, અર્બાઇલ શહેર નજીકનું શિરાન ગામ તદ્દન નાશ પામેલું. આશરે 3,000 માણસો મૃત્યુ પામેલા અને 2,000 લોકોને ઇજા થયેલી. હજારો પશુઓ મરણ પામેલાં. શહેરથી 40 કિમી. દૂર નૈર્ઋત્ય તરફ નીર અને વિલ્લાદરેક ગામો ખાતે જાનમાલની વ્યાપક ખુવારી થયેલી. ઇસ્લામાબાદ સુધી આ ભૂકંપની અસર વરતાયેલી. આજુબાજુના માર્ગો ભેખડો તૂટી પડવાથી અવરોધાયેલા.

(16) 1997નો ઈરાનનો ભૂકંપ : ઈરાનના પાટનગર તહેરાનથી 500 કિમી. પૂર્વ તરફ અફઘાનિસ્તાનની સરહદના ખોરાસાન નજીક ક્વોન પ્રાંતના વિસ્તારમાં 1997ના મેની દસમી તારીખે 7.1ની તીવ્રતાવાળો પ્રચંડ ભૂકંપ થયેલો. ક્વોન પ્રાંતનાં લગભગ તમામ ગામડાં(આશરે 200 ગામડાં)ને વ્યાપક નુકસાન પહોંચેલું, 11 ગામડાં તદ્દન તારાજ થઈ ગયેલાં. અહીંની ભેખડો અને સાંકડા માર્ગો તૂટી ગયેલા. મૃત્યુ-આંક આશરે 4,000 જેટલો હતો અને 40,000 માણસોને ઈજાઓ પહોંચેલી. આ અગાઉના ત્રણ માસ દરમિયાન ઈરાનમાં થયેલા ભૂકંપો પૈકીનો આ ત્રીજો ભૂકંપ હતો.

(17) 1999નો તુર્કીનો ભૂકંપ : 1999ના ઑગસ્ટની સત્તરમી તારીખે સવારે તુર્કીના ઇઝમિત શહેર ખાતે મધ્યરાત્રિ બાદ ત્યાંના સ્થાનિક સમય 3-02 કલાકે (ભારતીય સમય સવારે 5.-32 કલાકે) 6 અને 7.4 તીવ્રતાના ભૂકંપ થયેલા. ઇઝમિત સહિત તુર્કીના વાયવ્ય, પશ્ચિમી અને મધ્ય પ્રાંતોમાં આવેલાં ઇસ્તંબુલ, ગોલ્કક, સાકર્યા, યાલોવા, બોલુ, બુરસા, ઇસ્કીસેહિર વગેરે સ્થળો હચમચી ઊઠ્યાં. ત્યારબાદ પણ આશરે 200 જેટલા નાના પાયા પરના પશ્ચકંપો (after-shocks) વરતાયેલા. ઇસ્તંબુલથી નૈર્ઋત્યમાં આવેલા નૌકાસેનામથકે લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયા. વીજળી-પુરવઠો કપાઈ ગયો. તેલની રિફાઇનરીમાં વિનાશકારી આગ ફાટી નીકળી. ગૅસનાં બે ઊર્જા-મથકોને તથા ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન લાઇનને વ્યાપક નુકસાન પહોંચ્યું. સત્તાવાર મૃત્યુઆંક 20,000નો અને ઈજાગ્રસ્તોનો આંક 30,000થી વધુ મુકાયેલ છે.

આ ભૂકંપ અંગે બ્રિટિશ જિયોલૉજિકલ સર્વેના વડા ડૉ. રૉજર મુસોને જણાવ્યું કે તે અરેબિયન, આફ્રિકન અને યુરોએશિયન સંયોગી લક્ષણ ધરાવતી મુખ્ય ભૂતકતીઓના સંચલનને કારણે સર્જાયો હતો. વાસ્તવમાં તો તે આ વિસ્તારની ટર્કિશ-એજિયન અને કાસ્પિયન ગૌણ તકતીઓ વચ્ચે થયેલી અથડામણને કારણે સર્જાયો હતો. આ ભૂકંપ સ્તરનિર્દેશક સ્તરભંગ ખસેડ થવાથી ઉદભવેલો. અમેરિકી સૂત્રોએ જણાવેલું કે તે 1906ના સાનફ્રાન્સિસ્કોમાં થયેલા ભૂકંપ સમકક્ષ હતો.

અહીં છેલ્લાં આશરે 130 વર્ષોના ગાળામાં અનાતોલિયા વિસ્તારના 1,000 ચોકિમી.ના ક્ષેત્રમાં 6.7ની આજુબાજુની તીવ્રતાવાળા લગભગ 11 જેટલા ભૂકંપો થયેલા છે. તે પૈકીનો જૂન 1967માં થયેલો ભૂકંપ ઇઝમિતની પશ્ચિમે 50 કિમી. દૂર 7.1 તીવ્રતાવાળો હતો. આ સમગ્ર વિસ્તાર ભૂકંપને પાત્ર હોવાથી હજી ભવિષ્યમાં પણ અહીં ભૂકંપ થવાની શક્યતાને નકારી શકાય નહિ.

(18) 1999નો તાઇવાનનો ભૂકંપ : 21-9-1999ની રાત્રે 1-45 (ભારતીય સમય 11-15) કલાકે તાઇવાનમાં 7.6 તીવ્રતા ધરાવતો ભૂકંપ થયેલો. તેનું ભૂકંપનિર્ગમનકેન્દ્ર (epicentre) પાટનગર તાઇપેહથી નૈર્ઋત્યમાં 145 કિમી. દૂર આવેલા હુવાલીન ટાપુ પર સ્થિત હતું. નાનતોઉ પ્રાંત તથા મધ્યસ્થ શહેર તાઇચુંગની નજીક આવેલા આ કેન્દ્રની નજીકના ભાગો હચમચી ઊઠ્યા. યુલી (Yuli) શહેરનું આખુંય માળખું વેરવિખેર થઈ ગયું. ગગનચુંબી ઇમારતો અને મકાનો ધરાશાયી થઈ ગયાં. બાર માળની એક ઇમારતમાં આગ ફાટી નીકળી. પાણી-વીજળી-ગૅસ-ટેલિફોન પુરવઠા ખોરવાઈ ગયા. આશરે 2,100 લોકો મૃત્યુ પામ્યા, 4,000 જેટલા ઘાયલ થયા, આશરે એક લાખ લોકો ઘરબારવિહોણા થઈ ગયા. કુલ નુકસાનનો આંકડો આશરે 450 અબજ તાઇવાન ડૉલર જેટલો મુકાયેલો. મુખ્ય આંચકા પછી આશરે બીજા એક હજાર જેટલા પશ્ચાત્આંચકા પણ થયેલા. ચીનના ફુકિયન, ગુઆગડોંગ, ઝેઝિયાંગ અને ઝિયાંગસી પ્રાન્તોમાં પણ આ ભૂકંપની અસર વરતાયેલી. ફિલિપાઇન્સ તકતીની પશ્ચિમ ધાર જ્યાં પેટાળ તરફ દબેલી છે ત્યાંની લ્યુઝોન ખાઈ અને યુર્ક્યુ-તાઇવાન ખાઈના આડછેદ પર સંચલન થવાથી આ ભૂકંપ સર્જાયો હતો.

(19) 2000નો ઇન્ડોનેશિયાનો ભૂકંપ : તા. 4 અને 5 જૂન, રવિવાર-સોમવારની રાત્રે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના બેંગકુલુ જિલ્લાના બેંગકુલુ ખાતે 7.9 તીવ્રતાનો ભૂકંપ થયેલો. 7.9 તીવ્રતાવાળા પ્રથમ આંચકા બાદ 11 મિનિટ દરમિયાન છ આંચકા અને સવારે છ વાગ્યા સુધીમાં 53 જેટલા આંચકા નોંધાયેલા. આમ એક પછી એક કુલ 200 જેટલા આંચકાઓ આવેલા. ભૂકંપનું કેન્દ્ર બેંગકુલુથી નૈર્ઋત્યમાં 100 કિમી. દૂર હિંદી મહાસાગરમાં હતું. રાત્રે લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે આ ભૂંકપ થવાથી મકાનો ધરાશાયી થયાં, મકાનોને નુકસાન થયું. લોકોને ઈજાઓ થઈ અને 58નાં મોત થયેલાં. વીજળીનાં જનરેટરો ક્ષતિગ્રસ્ત થયેલાં. જળ-વીજળી પુરવઠા ખોરવાઈ ગયેલા. હવાઈ મથક અને નૌકામથકની કાર્યવાહી બંધ પડેલી.

2001ની 13 ફેબ્રુઆરીની રાત્રે 00:58 કલાકે (14-2-2001) 7.4ની તીવ્રતાનો ભૂકંપ થયેલો. તેનું ભૂકંપનિર્ગમનકેન્દ્રબિંદુ જાકાર્તાથી પશ્ચિમ તરફ 400 કિમી. દૂર દરિયામાં સ્થિત હતું. જાવા, સુમાત્રા અને ઑસ્ટ્રેલિયામાં તેની અસર વરતાયેલી.

(20) 2001નો અલ સાલ્વાડોરનો ભૂકંપ : મધ્ય અમેરિકાના અલ સાલ્વાડોરમાં 13 જાન્યુઆરી 2001 શનિવારે સવારે 11.34 (17.34 GMT) કલાકે 7.6 તીવ્રતાનો ભીષણ ભૂકંપ થયેલો. તે પછીના બેત્રણ દિવસ દરમિયાન 500 જેટલા પશ્ચાત્ કંપ પણ આવેલા. યુ.એસ. જિયોલૉજિકલ સર્વેના જણાવ્યા મુજબ તેનું ભૂકંપનિર્ગમનકેન્દ્ર સાન સાલ્વાડોર(પાટનગર)થી આશરે 105 કિમી. દૂર પૅસિફિકમાં હતું. રાજ્યના ચૌદ પ્રાંતોમાંથી એક પણ પ્રાંત બાકી રહ્યો ન હતો. ભૂકંપની અસર અલ સાલ્વાડોર ઉપરાંત ગ્વાટેમાલા, નિકારાગુઆ, હૉન્ડુરાસ અને ઉત્તર તરફ આવેલા મૅક્સિકો શહેર સુધી પણ પહોંચી હતી.

અલ સાલ્વાડોરમાં વીજળી અને ટેલિફોન સેવાઓ ખોરવાઈ ગઈ. હવાઈ મથક ખાતેની સેવાઓ પણ થોડા વખત માટે બંધ કરી દેવામાં આવી, પાણી-પુરવઠામાં માપબંધી મુકાઈ. પાટનગરના પરા સાન્ટા ટેકલા નજીકની ભેખડો ધસી પડવાથી ભૂપાત અને પંકપાત થયેલો. 500 ઘરો તેમાં દટાઈ ગયાં. આશરે 1,000 લોકો મરણ પામ્યાનો અંદાજ મુકાયેલો છે, આથી વધુ લોકો ઈજા પામ્યા અને બીજા 1,200 માણસોની કોઈ ભાળ મળી શકી નહિ, જેમના જીવતા મળવાની શક્યતા ન હતી. સાન સાલ્વાડોરના તેમજ નજીકનાં સ્થળોનાં 1,336 આવાસો તથા કાર્યાલયો ખાલી કરાવાયાં. રાજ્યભરમાં તાકીદની કટોકટી જાહેર કરાઈ. સાન્ટા ટેકલાના ભંગાર હેઠળથી શબો બહાર કઢાતાં ગયાં. રાજ્ય તરફથી 3,000થી વધુ શબપેટીઓ તૈયાર રખાઈ હતી. પાટનગરમાં તાત્કાલિક ઊભા કરાયેલા તંબુઓમાં દવાખાનાંની વ્યવસ્થા ગોઠવાઈ હતી, જ્યાં ઇજાગ્રસ્તોનો ભારે ધસારો થયેલો. આ ઉપરાંત 40થી 50 જેટલા સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ પણ શહેરના બહારના ભાગમાં આવેલા જ્વાળામુખી પર ફસાઈ ગયેલા. પૅસિફિકના કિનારાના લા લિબરટાડ, ઉસલતાન અને ઉત્તર તરફના સાન્ટા ઍના આજુબાજુના બધા જ ભાગોમાં પણ ભારે તબાહી વરતાયેલી. યુ.એસ., મૅક્સિકો, સ્વિટ્ઝર્લૅન્ડ, સ્પેન અને વેનેઝૂએલા જેવા દેશોએ અલ સાલ્વાડોરમાં દવાઓનો પુરવઠો મોકલવાની શરૂઆત કરી દીધેલી. આ સાથેનાં ચિત્રો ભૂકંપની ભયંકર તારાજીનો ખ્યાલ આપે છે. (અલ સાલ્વાડોરમાં આ પહેલાં 1986માં પણ ભૂકંપ થયેલા, જેમાં 1000 જેટલા લોકો મૃત્યુ પામેલા.)

સાન સાલ્વાડોરના સાન્ટા ટેકલા પરામાં થયેલા ભારે ભૂપાતથી વેરાયેલો વિનાશ.

સાન્ટા ટેકલામાં ખડકાયેલી શબપેટીઓ

અલ સાલ્વાડોરમાં ફરીથી બરોબર એક મહિના બાદ 13 ફેબ્રુઆરી, 2001ના રોજ સ્થાનિક સમય સવારે 8:22 કલાકે 6.1 (નિકારગુઆ ખાતે 6.4)ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયેલો. તેનું ભૂકંપનિર્ગમનકેન્દ્રબિંદુ 60 કિમી. દૂર પૂર્વમાં સાન પેદ્રોનોનું આલ્કો ખાતે સ્થિત હતું. ભૂકંપને કારણે આવાસો ધરાશાયી થવાથી સેંકડો લોકો દટાઈ ગયેલા. ઉપલબ્ધ માહિતી અનુસાર તાત્કાલિક 237 મોત, 1,700 ઈજાગ્રસ્ત અને લાખો લોકો ઘરવિહોણા બની ગયેલા. અલ સાલ્વાડોરના કસ્કેટલેન, લા પાઝ, સાન વિન્સેન્ટે અને લા લિબરટાડને વ્યાપક અસર થયેલી.

2001નો વૉશિંગ્ટનનો ભૂકંપ : 1–3–2001ના રોજ સવારે 10.54 કલાકે (ભારતીય સમય 12.24, બુધવાર-ગુરુવાર મધ્યરાત્રિ) વૉશિંગ્ટન(યુ.એસ. પશ્ચિમ)માં 6.8ની તીવ્રતાનો ભૂકંપ થયો. તેનું ભૂકંપનિર્ગમનકેન્દ્ર સિયૅટલથી 100 કિમી. દૂર સ્થિત હતું અને ભૂકંપકેન્દ્ર 30 કિમી. ઊંડાઈએ હતું. લગભગ એક મિનિટ (સ્થાનભેદે 45થી 60 સેકંડ) જેટલી અવધિ સુધી ચાલુ રહેલા આ આંચકાઓથી વૉશિંગ્ટનનાં સિયૅટલ, ઓલિમ્પિયા, પૉર્ટલૅન્ડ–ઑરેગૉનના વિસ્તારો, સૉલ્ટ લેક સિટીઉટાહ ધ્રૂજી ઊઠ્યાં. વાયવ્ય યુ.એસ. અને કૅનેડાના નૈર્ઋત્ય વિસ્તારો (બ્રિટિશ કોલંબિયા) હચમચી ઊઠ્યા. દક્ષિણ તરફ અલ સાલ્વાડોર સુધી તેની અસર પહોંચેલી. USGS(યુ.એસ. ભૂસ્તરીય સર્વેક્ષણ)ના જણાવ્યા મુજબ તેનો પ્રારંભ 7ની તીવ્રતાથી થયેલો. તાત્કાલિક 1 મૃત્યુ, 5 ગંભીર અને 250 વ્યક્તિઓને ઈજા થયાના સમાચાર મળ્યા. ભૂકંપની અસર 450 કિમી.ના અંતર સુધી થઈ.

વૉશિંગ્ટનમાં અબજો ડૉલરની માલમિલકતને નુકસાન પહોંચ્યું. રાજ્યભરમાં કટોકટી જાહેર કરાઈ. હવાઈ મથક, વીજળીમથકો, પાવરલાઇનો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યાં. બોઇંગ વિમાન કંપની, માઇક્રોસૉફ્ટ કંપની, સરકારી કચેરીઓ, શાળા–કૉલેજો, બજારો બંધ કરાયાં. મકાનોના કાચ તૂટ્યા. નાઇન્ટીન્થ સેન્ચુરી ઇમારતને નુકસાન થયું. ભૂકંપનિર્ગમનકેન્દ્રથી 16 કિમી. દૂરના ઓલિમ્પિયાના ડોન્ડ કૅપિટલ બિલ્ડિંગમાં તિરાડો પડી. પુલોને નુકસાન થવાથી ટ્રેનો બંધ કરી દેવાઈ. ધોરી માર્ગ 101માં ફાટો પડવાથી તેને બંધ કરી દેવાયો. પાટનગર ઓલિમ્પિયામાં ઊંચાઈએ આવેલા ઘુમ્મટમાં તિરાડો પડી. 180 મીટરની ઊંચાઈએ 30 વ્યક્તિઓ ફસાઈ ગઈ. પુરુષોને માથામાં અને સ્ત્રીઓને કમરમાં અસ્થિભંગ થયા. કેટલાક વિદેશી પ્રવાસીઓ પણ ફસાઈ ગયા. કેટલાંક સ્થળોએ આગ ભભૂકી ઊઠી. અહીં 1949 પછી આશરે પચાસ વર્ષ બાદ આ ભૂકંપ થયો. 1980માં ભૂકંપ થયેલો ખરો, પણ તેની ખાસ અસર થઈ નહોતી.

સારણી 4 : વીસમી સદીના મુખ્ય ભૂકંપો

ક્રમ સ્થાન દેશ વર્ષ રિક્ટર માપ

મૃત્યુઆંક

(ઉપલબ્ધ માહિતી અનુસાર)

1      2    3     4  5      6
1. કાંગરા ભારત 1905 8.0 19,000
2. સાનફ્રાન્સિસ્કો યુ.એસ. 1906 8.3 500
3. વાલ્પરાઇસો ચિલી 1906 8.6 20,000
4. મધ્ય એશિયા 1907 8.1 12,000
5. મેસિના ઇટાલી 1908 7.5 1,20,000
6. એવેઝૅનો ઇટાલી 1915 7.5 30,000
7. ગાન્શુ ચીન 1920 8.6 1,80,000થી 2,00,000
8. કૅન્ટો-યોકોહામા (ટોકિયો) જાપાન 1923 8.3 1,43,000
9. નાન શાન ચીન 1927 8.3 2,00,000
10. ગાન્શુ ચીન 1932 7.6 70,000
11. બિહાર ભારત 1934 8.3 20,000
12. ક્વેટા પાકિસ્તાન 1935 7.5 60,000
13. ચિલી 1936 5,000
14 ચિલન ચિલી 1939 7.8 30,000
15. એર્ઝિન્ક્ધા તુર્કી 1939 7.9 23,000
16. અશ્ખાબાદ રશિયા 1948 7.3 19,800
17. આસામ ભારત 1950 8.6 1,530
18 અગાદિર મોરૉક્કો 1960 5.8 12,000
19. એંકરેજ (અલાસ્કા) યુ.એસ. 1964 8.5 131
20. કોયના ભારત 1967 6.5 200
21. ચિમ્બોટ પેરુ 1970 7.7 66,000
22. તહેરાન ઈરાન 1972 6.9 5,000
23. માનાગુઆ નિકારાગુઆ 1972 6.2 5,000
24. કાશ્મીર પાકિસ્તાન અંતર્ગત 1974 6.3 5,200
25. ગ્વાટેમાલા ગ્વાટેમાલા 1976 7.5 22,778
26. તાંગશાન ચીન 1976 8.2 2,42,000થી 2,55,000
27. ફિલિપાઇન્સ 1976 7.8 8,000
28. તબાસ ઈરાન 1978 7.7 15,000થી 25,000
29. અલ અશ્નમ અલ્જીરિયા 1980 7.3 5,000
30. નેપલ્સ ઇટાલી 1980 7.2 4,500
31 મેક્સિકો મેક્સિકો 1985 8.1 7,200થી 10,000
32. કોલંબિયા- ઇક્વેડોર 1987 7.0 4,000
33. આર્મેનિયા રશિયા 1988 7.0 25,000
34. સાનફ્રાન્સિસ્કો યુ.એસ. 1989 6.9 100
35. લ્યુઝોન ફિલિપાઇન્સ 1990 7.7 1,600
36. કાર્પેથિયન પર્વતો રુમાનિયા 1990 6.6 70
37. મોયોબામ્બા પેરુ 1990 5.8 90
38. કાસ્પિયન સમુદ્ર વિસ્તાર ઈરાન 1990 7.7 40,000
39. લ્યુઝોન (કેબેનાતુઆન) ફિલિપાઇન્સ 1990 7.7 1,653
40. હિન્દુકુશ પર્વતો અફઘાનિસ્તાન- પાકિસ્તાન સીમા 1991 6.8 1,300
41. જ્યૉર્જિયા રશિયા 1991 7.2 100
42. ઉત્તર પ્રદેશ ભારત 1991 6.1 1,000
43. એર્ઝિન્કન તુર્કી 1992 6.2 2,000
44. કાઇરો ઇજિપ્ત 1992 5.9 500
45. રોઅરમૉન્ડ નેધરલૅન્ડ્ઝ 1992 5.8 ઇમારતોને નુકસાન
46. દક્ષિણ કૅલિફૉર્નિયા કૅલિફૉર્નિયા 1992 7.4 ?
47. કિર્ઘીઝ ચીન સરહદ 1992 ? ?
48. મૌમિરી-ફ્લોરિસ ઇન્ડોનેશિયા 1992 6.8 1,000
49. જાપાની સમુદ્ર જાપાન 1993 7.8 166
50. કાઇરો ઇજિપ્ત 1993 5.9 550
51. લાતુર ભારત 1993 6.5 10,000થી 30,000
52. સીબી-હરનાઈ પાકિસ્તાન 1997 7.3 થી 6.3 80થી 100
53. ક્વોન ઈરાન 1997 7.1 4,000
54. ઇઝમિત તુર્કી 1999 6.7–7.4 20,000
55. હુવાલીન ટાપુ તાઇવાન 1999 7.6 2,000
56. ચમોલી ભારત 1999 6.8 250
57. બેંગકુલુ ઇન્ડોનેશિયા 2000 7.9
58. ઇન્ડોનેશિયા 2001 7.4
59. સાન સાલ્વાડોર અલ સાલ્વાડોર (મધ્ય અમેરિકા) 2001 7.6 1,500થી વધુ
60. સાન સાલ્વાડોર અલ સાલ્વાડોર (મધ્ય અમેરિકા) 2001 6.1/6.4
61. ભુજ-અમદાવાદ ગુજરાત (ભારત) 2001 7.9(8.1) 1 લાખથી વધુ

20મી સદી દરમિયાન દુનિયાના 70 દેશોમાં થયેલા 1120 વિનાશકારી ભૂકંપોને કારણે વસ્તીવૃદ્ધિની અપેક્ષાએ નીપજેલાં મોતના આંકડા :

સારણી 4 () : વસ્તીવૃદ્ધિની અપેક્ષાએ ભૂકંપથી નીપજેલાં

1890–1949 1950–1992
વસ્તી 20,00,000 40,00,000
મૃતાંક 9,30,000 6,01,000
મૃત્યુ % 46% 18%

20મી સદીના પૂર્વાર્ધની સરખામણીએ ઉત્તરાર્ધમાં વસ્તીવૃદ્ધિ તેમજ ભૂકંપીય સમજનો વિકાસ થયો હોવાથી મૃતાંકનું પ્રમાણ સામાન્ય રીતે ઘટ્યું છે. તો ક્યાંક વધુ પણ છે. પૂર્વાર્ધમાં થયેલાં 80 % મૃત્યુ ચીન, જાપાન, ઇટાલી, ટર્કી, યુ.એસ.એસ.આર. અને ઈરાનમાં જ્યારે ઉત્તરાર્ધમાં તે ચીન, ટર્કી, યુ.એસ.એસ.આર.(CIS), ગ્વાટેમાલા, પેરુ અને ઈરાનમાં થયેલાં છે.

સારણી 5 : છેલ્લાં 1,500 વર્ષના અતિવિનાશકારી ભૂકંપો

તારીખ સ્થળ મૃતાંક તીવ્રતા
20 મે 526 એન્ટીઑક, સીરિયા 2,50,000
23 સપ્ટે. 1290 ચીહલી, ચીન 1,00,000
24 જૂન 1556 સાંક્સી, ચીન 8,30,000
30 ડિસે. 1730 હોકાઇડો, જાપાન 1,37,000
11 ઑક્ટો. 1737 કોલકાતા, ભારત 3,00,000
16 ડિસે. 1920 ગાન્શુ, ચીન 2,00,000 8.6
1 સપ્ટે. 1923 યોકોહામા, જાપાન 1,43,000 8.3
22 મે 1927 નાનશાન, ચીન 2,00,000 8.3
27 જુલાઈ 1976 તાંગશાન, ચીન 2,55,000 8.0

ભારતના ભીષણ ભૂકંપો

ભારતના કુલ વિસ્તારનો 33 લાખ ચોકિમી. ભાગ ભૂકંપને પાત્ર ગણાય છે. છેલ્લાં લગભગ 300 વર્ષ દરમિયાન ઇતિહાસને પાને નોંધાયેલા ભારત(અને પડોશી વિસ્તાર)માં થયેલા ભીષણ ભૂકંપો પૈકી ઓછામાં ઓછા 75 ભૂકંપ વધુ જાણીતા છે, જેમાંથી વધુ અગત્યના આ પ્રમાણે છે : દિલ્હી, 1720; કોલકાતા, 1737; પૂર્વ બંગાળ-આરાકાન કિનારો, 1762; કચ્છ, 1819; કાશ્મીર, 1885; બંગાળ, 1885; આસામ (આજનો મેઘાલય વિસ્તાર), 1897; કાંગરા, 1905; બિહાર, 1934; બલૂચિસ્તાન, 1935; મકરાન, 1945; આસામ, 1950; કચ્છ, 1956;

ભારતમાં ભૂકંપ. M > 6 વાળાં ભૂકંપનિર્ગમનકેન્દ્રો તથા દ્વીપકલ્પીય ભૂકવચ વિસ્તારમાંનાંભૂકંપ-સ્થળો સહિતનો ભારતનો ભૂસંચલન નકશો.ભીષણ ભૂકંપો કાળા ત્રિકોણ દ્વારા દર્શાવેલા છે.

કોયના, 1967; લાતુર, 1993; ચમોલી-રુદ્રપ્રયાગ, 1999, ભુજ-અમદાવાદ, 2001. થોડાંક ઉદાહરણોને બાદ કરતાં, આ યાદીમાં દર્શાવેલા લગભગ બધા જ ભૂકંપ હિમાલય અને સંલગ્ન હારમાળાઓ તેમજ સિંધુ-ગંગાના મેદાની વિસ્તારોમાં થયેલા છે. આ બાબત સૂચવે છે કે ભારતીય ઉપખંડનો આ પટ્ટો ભૂકંપને પાત્ર નબળો વિભાગ છે. આ વિભાગની નીચે તરફ દ્વીપકલ્પીય ભારતની ભૂતકતી ઉત્તર તરફની એશિયાઈ ભૂતકતી હેઠળ દબેલી છે, ત્યાં બે તકતીઓની સંપર્ક-સીમા રચાયેલી છે. હિમાલયના ઉત્થાન દરમિયાન થયેલી ખડકસ્તરોની ગેડીકરણની ક્રિયા દ્વારા ઉદભવેલાં તણાવનાં પ્રતિબળોએ હજી આજ સુધી સ્થિરતા પ્રાપ્ત કરી નથી; તેનો ખાતરીબદ્ધ પુરાવો અહીં અવારનવાર થતા રહેતા ભૂકંપો દ્વારા મળી રહે છે. અહીં થતા ભૂકંપ હિમાલય ગેડપર્વતરચના સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આજની પ્રવર્તમાન આ ભૂકંપપ્રક્રિયા ગિરિનિર્માણના છેલ્લા ગણાતા તબક્કાની અંતિમ અસર રૂપે રજૂઆત પામે છે. ભારતમાં થતા પ્રત્યેક પાંચ મોટા ભૂકંપ પૈકીના ત્રણ તો હિમાલય પટ્ટામાં જ થાય છે; જેમ કે વીસમી સદીમાં 1905નો કાંગરાનો, 1934નો બિહાર-નેપાળનો અને 1950નો આસામનો ભૂકંપ અતિ વિનાશકારી હતા; એ જ રીતે ઓગણીસમી સદીમાં 1897નો આસામ(મેઘાલય ઉચ્ચપ્રદેશ)નો તથા 1819 અને 2001ના કચ્છના ભૂકંપ પણ એટલા ભીષણ હતા.

ઉપર્યુક્ત યાદી પૈકીના કેટલાક મહત્વના ભૂકંપોની ઉપલબ્ધ માહિતી આ પ્રમાણે છે :

1. આસામનો ભૂકંપ : 1897ના જૂનની બારમી તારીખે આસામમાં પ્રચંડ ગર્જના સહિત 8.7 તીવ્રતાવાળો અત્યંત વિનાશકારી ભૂકંપ થયેલો, જેમાં આસામ અને આજુબાજુનો આશરે 40 લાખ ચોકિમી.નો વિસ્તાર વિક્ષેપ પામેલો. એક મિનિટથી પણ ઓછા સમયમાં આખુંય શિલોંગ નગર ધરાશાયી થઈ ગયું. 1500–1600 માણસો મૃત્યુ પામ્યા. બધો જ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો. મેઘાલય ઉચ્ચપ્રદેશના સખત ખડકભાગોમાં ઉત્તર-દક્ષિણ રેખીય ભંગાણ થયું, મેદાનોમાં ફાટો પડી ગઈ, ગંગા-બ્રહ્મપુત્ર ખીણપ્રદેશના વિશાળ વિસ્તારમાં પડેલી ફાટોમાંથી 1થી 3 મીટર ઊંચાઈના પંક-રેતી મિશ્રિત પાણીના ફુવારા ઊછળેલા. નદીના પટ, તળાવો અને કૂવાઓનાં તળ ઊંચકાઈ આવ્યાં, પ્રાદેશિક જળપરિવાહ રચનામાં વિક્ષેપ થયો, બધે જ પૂરનાં પાણી ફરી વળ્યાં. ટેકરીઓના ભાગોમાં રાક્ષસી ભૂપાત થયા.

ભૂકંપગતિ ભૂમિસપાટીના ગૂંચવણભર્યા અનિયમિત હલનચલન પ્રકારની હતી, ક્ષૈતિજ આંદોલનોનો મહત્તમ કંપવિસ્તાર એક સેકંડમાં 18 સેમી. જેટલો હતો, પરિણામે શિલોંગના માર્ગો પરના પથ્થરો, ઢોલ પર વટાણા ઊછળે તેમ, ઊછળ્યા હતા.

ભૂસ્તરીય ર્દષ્ટિએ મહત્વની બાબત એ બનેલી કે ભૂમિસપાટી પર રચનાત્મક ફેરફારો-સ્તરભંગ-સમુત્પ્રપાત અને ભંગાણ, સપાટીના સ્થાનિક ફેરફારો, ભૂમિસંકોચન અને ટેકરીઓમાં થયેલી ઊંચાઈ-અસ્તિત્વમાં આવ્યાં. આ પૈકી 30 સેમી.થી 11 મીટર સુધીના વિપરીત ઊર્ધ્વપાત સહિતનો ઘણો અગત્યનો સ્તરભંગ-સમુત્પ્રપાત (fault scarp) ચિદ્રંગ નદીને સમાંતર 20 કિમી. સુધી થયો, પરિણામે નદીના જળપ્રવહનમાર્ગમાં અસંખ્ય ધોધ અને 30 જેટલાં સરોવરો રચાયેલાં.

આ ભૂકંપને, તેની માહિતીના આલેખક આર. ડી. ઓલ્ડહામના દર્શાવ્યા મુજબ, અસંખ્ય ભૂકંપકેન્દ્રો (વિક્ષેપકેન્દ્રો) હતાં. મુખ્ય ભૂકંપકેન્દ્ર 8 કિમી.ની ઊંડાઈએ હતું. મુખ્ય ભૂકંપ બાદ મહિના સુધી પશ્ચાત્-કંપ થયા કરેલા. અસંખ્ય આંચકાઓ દ્વારા આવરી લેવાયેલો અસરગ્રસ્ત વિસ્તાર 320 કિમી. લાંબો અને 80 કિમી. પહોળો હતો. મૂળ ભંગાણ અતિધસારાના સ્તરભંગમાંથી શરૂ થઈને શાખા-સ્તરભંગોમાં અનેકપરિમાણી આંચકાઓ રૂપે પરિણમ્યું હતું.

2. કાંગરાનો ભૂકંપ : આ ભૂકંપ હિમાલય પ્રદેશમાં આવેલા મધ્ય હિમાલયની કાંગરા ખીણમાં 1905ની 4 એપ્રિલની વહેલી સવારે થયેલો, તેની અસર તાપી ખીણની ઉત્તર તરફના સમગ્ર ભારત પર પણ થયેલી. તેનાં ભૂકંપકેન્દ્રો કાંગરા અને કુલુ વચ્ચે તેમજ મસૂરી અને દહેરાદૂન વચ્ચે રહેલાં હતાં, જેમની ઊંડાઈ 34થી 64 કિમી. વચ્ચેની હતી. થોડાક પૂર્વસૂચક કંપ સહિત 8.00થી 8.6ની તીવ્રતાવાળો મુખ્ય આંચકો એકાએક થયેલો; પરંતુ મધ્યમથી નજીવી તીવ્રતાવાળા સેકંડો પશ્ચાત્કંપ એક વર્ષથી વધુ સમયગાળા સુધી દરેક મહિને 10થી 30ની સંખ્યામાં થયા કરેલા. 1907માં તેની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી ગયેલી.

આ ભૂકંપને કારણે અસર પામેલા વિસ્તારોમાં અફઘાનિસ્તાન, ક્વેટા, સિંધ, ગુજરાત, તાપી ખીણ, ગંગાનો ત્રિકોણપ્રદેશ અને પુરી જેવાં દૂરનાં સ્થળોનો પણ સમાવેશ થયેલો. સંખ્યાબંધ અવલોકનો પરથી ભૂકંપ-તરંગોની ગતિ દર સેકંડે આશરે 3.72 કિમી. જેટલી અંદાજવામાં આવેલી. નોંધપાત્ર ધ્રુજારી પામેલો વિસ્તાર તત્કાલીન પ્રવર્તમાન રોસી-ફોરેલના ક્રમમાપન મુજબ 2ની તીવ્રતાની સમભૂકંપરેખાથી આવરી લેવાયેલો. મૃત્યુઆંક લગભગ 20,000 જેટલો મુકાયેલો છે. ભૂકંપની ભૂસ્તરીય અસરો ઓછી નોંધપાત્ર હતી. ઝરણાં, ઝરા અને નહેરોમાં સામાન્ય વિક્ષેપ થયેલો. ભૂપાત અને ખડકપાત વધુ થયેલા. કેટલાંક સ્થાનો અને ટેકરીઓનાં શિખરોમાં 30 સેમી.ની ઊંચાઈનો ફેરફાર થઈ ગયો. આ ભૂકંપ ભૂસંચલનજન્ય પ્રકારનો હતો. બાહ્ય હિમાલયના મુખ્ય સીમાસ્તરભંગને સમાંતર સ્તરભંગની એક બાજુ ખસી જવાથી આ ભૂકંપ થયો હોવાનો મિડલમિસે અભિપ્રાય આપેલો.

1905ના કાંગરાના ભૂકંપની તારાજીનું ર્દશ્ય. ધરમશાળા સૈન્યછાવણી ખાતેના જૂના બ્રિટિશ આવાસો.

3. બિહારનો ભૂકંપ : 1934ના જાન્યુઆરીની પંદરમીએ બપોરે થયેલા 8.3 તીવ્રતાવાળા ભયંકર ભૂકંપથી ઉત્તર બિહાર અને નેપાળ ધ્રૂજી ઊઠ્યાં. બિહારના સાત જિલ્લા અને નેપાળના ઘણા ભાગોમાં પારાવાર નુકસાન થયું. ત્રણ જ મિનિટમાં મુંગેર અને નેપાળનું ભાટગાંવ તારાજ થઈ ગયાં; ખટમંડુ, પટણા અને દાર્જીલિંગ જેવાં દૂરનાં નગરો પણ ઇમારતોના ભંગારથી વેરવિખેર બની રહ્યાં. પૂર્ણિયા અને સીતામઢી પરનાં મકાનો નમી ગયાં, કેટલાંક ભૂમિમાં ગરકાવ થઈ ગયાં. ગંગા-ખીણની બંને બાજુઓની ભૂમિમાં અસંખ્ય તિરાડો પડી, રેતીમિશ્રિત પાણી ફૂટી નીકળ્યાં. ગંગાની ખીણનો આશરે 28,500 ચોકિમી.નો વિસ્તાર તડો અને છિદ્રોથી ચાળણી જેવો બની રહ્યો, પરિણામે ખેતીલાયક પ્રદેશમાં પૂર છવાઈ જવાથી પાકનો નાશ થયો. ઉત્તર બિહારના સડકમાર્ગો અને રેલમાર્ગો તેમજ પુલો તૂટી ગયા.

1934ના બિહાર-નેપાલ ભૂકંપની તારાજીનું ર્દશ્ય. બિહાર-સીતામઢી નજીકનો તૂટી પડેલો રેલવે પુલ.

મુખ્ય આંચકાની તીવ્રતા એટલી બધી (મકૉર્લી માપ X) હતી કે મોટાભાગનાં ભૂકંપમાપકો કાર્યવિહીન બની ગયાં, પરંતુ ટોકિયો, લેનિનગ્રાડ, પાસાડેના જેવાં દૂરનાં મથકો પર તેની નોંધ થયેલી. ભૂકંપનો અસરગ્રસ્ત વિસ્તાર 49,00,000 ચોકિમી. જેટલો હતો, 10,653 જેટલાં માણસો મૃત્યુ પામેલાં. ઉત્તર બિહારની સીમા પરની હિમાલયની તળેટી-ટેકરીઓનાં નજીકનાં મોતીહારી-મધુબની, ખટમંડુ અને મુંગેર – એ ત્રણ આ ભૂકંપનાં ભૂકંપ-નિર્ગમન-કેન્દ્રો હતાં. ગંગાના થાળામાં ઊંડાઈએ થયેલી સંચલનક્રિયાને આ ભૂકંપ થવા માટે કારણભૂત ગણાવવામાં આવેલી છે.

4. ઈશાનઆસામનો ભૂકંપ : 1950ના ઑગસ્ટની પંદરમીની સાંજે થયેલા વધુ તીવ્રતાવાળા ભૂકંપથી આસામનો ઈશાન ભાગ (આજનો ભારત-તિબેટ-મ્યાનમારના ત્રિભેટે આવેલો ભાગ) હચમચી ઊઠેલો, જેને 1897ના આસામના ભૂકંપ સાથે સરખાવવામાં આવે છે. તેની તીવ્રતા 8.6 જેટલી હતી. લખીમપુર, શિવસાગર અને સદિયાના વિસ્તારો(જિલ્લાઓ)ને સમાવી લેતા 39,000 ચોકિમી.ના વિસ્તારમાં ભયંકર અસર પહોંચેલી, જ્યારે 2 લાખ ચોકિમી. જેટલા વિસ્તારમાં પ્રમાણમાં ઓછો વિનાશ વેરાયેલો. જળપરિવાહમાં વિક્ષેપ થવાથી બ્રહ્મપુત્રની શાખાઓનાં પૂર આજુબાજુ ફરી વળેલાં, તેનાથી થયેલું નુકસાન જાનમાલની ખુવારીથી પણ વધુ હતું. ભૂપાત, ભૂમિફાટો, ઉત્થાન અને અવતલન તેની મુખ્ય અસરો હતી. ભૂકંપનિર્ગમન-કેન્દ્ર સદિયાથી 320 કિમી. દૂર પહાડી પ્રદેશમાં હતું. આ ભૂકંપથી 1,500 માણસોનાં મોત થયાનો અંદાજ છે.

5. કોયનાનો ભૂકંપ : 1967ના ડિસેમ્બરની દસમી–અગિયારમી તારીખે 6.5ની તીવ્રતાવાળા ભૂકંપે કોયના ખીણના અને આજુબાજુના વિસ્તારને હચમચાવી નાખેલો. દખ્ખણના દ્વીપકલ્પીય ભૂકવચમાં નોંધાયેલો આ પ્રથમ ભૂકંપ હતો. જોકે 1900માં કોઇમ્બતુર ખાતે 6.0 તીવ્રતા ધરાવતો ભૂકંપ થયેલો, તેમ છતાં દ્વીપકલ્પના ર્દઢ અને સ્થિર ગણાતા આ વિસ્તારમાં ભૂકંપ થવાની ઘટનાથી ભૂકંપશાસ્ત્રીઓને આશ્ર્ચર્ય થયેલું. 200 માણસો મૃત્યુ પામેલા તથા હજારોને ઈજા થયેલી, કોયનાનગર ખાતેનાં ઘણાં મકાનો પડી ગયેલાં. જાનમાલની ખુવારીને બાદ કરતાં આ ભૂકંપથી કોયના બંધ કે તેના જળાશયને કોઈ નુકસાન થયેલું નથી. તેનું ભૂકંપકેન્દ્ર 8 કિમી.ની ઊંડાઈએ હતું અને ભૂકંપનિર્ગમન-કેન્દ્ર મુંબઈથી 320 કિમી. દૂર દક્ષિણે 17° 22´ ઉ. અ. અને 73° 44´ પૂ. રે. પર સ્થિત હતું. કચ્છથી કન્યાકુમારીના કિનારે આવેલા ‘ગ્રેટ મલબાર ફૉલ્ટ’–મલબાર મહાસ્તરભંગ પર થયેલા ખસેડ–ને આ ભૂકંપનું કારણ ગણાવવામાં આવેલું છે.

6. બિહારનેપાળનો ભૂકંપ : આ ભૂકંપ દસમી ઑગસ્ટ 1988ના રોજ બિહાર-નેપાળની સીમા પર થયેલો. તેની તીવ્રતા 7 હતી. તેનું ભૂકંપ-નિર્ગમનકેન્દ્ર બિહાર-નેપાળની તળેટી-ટેકરીઓમાં હતું. તેમાં ભારતના 300 અને નેપાળના 700 માણસોનાં મૃત્યુ થયેલાં. 50,000 જેટલાં મકાનોને અસર પહોંચેલી અને તે પૈકીનાં ઘણાંખરાં તો ધરાશાયી થઈ ગયેલાં. બિહારના મધુબનીના ઈશાનભાગમાં તેની વધુમાં વધુ અસર થયેલી. ઈશાન ઉપસ્થિતિ ધરાવતા પૂર્વ પટણા સ્તરભંગની ધાર પરની સ્તરનિર્દેશક દિશામાં ભંગાણ પડવાથી આ ભૂકંપ ઉદભવ્યો હોવાનું કારણ અપાયેલું છે.

1988ના બિહાર-નેપાલ ભૂકંપ દરમિયાનની તારાજીનું ર્દશ્ય. બિહારના દરભંગાના મોહસીનપુર ખાતે તૂટી પડેલાં કાચાં-પાકાં મકાનો.

7. હિમાલય : ઉત્તરકાશીગઢવાલ : 1991ના ઑક્ટોબરની વીસમી તારીખે ઉત્તરપ્રદેશના હિમાલયના દૂરના વિસ્તારમાં તિબેટની સરહદ નજીક 6.5 તીવ્રતાવાળો ભૂકંપ થયેલો. આ ભૂકંપની અસરથી 768 માણસો મૃત્યુ પામ્યાનો તથા 20,184 મકાનો સંપૂર્ણપણે અને 7,41,714 મકાનો અંશત: નાશ પામ્યાનો અહેવાલ મળે છે. ઉત્તર કાશીથી પૂર્વ તરફ ભાગીરથી ખીણમાં તેની મહત્તમ અસર થઈ હતી.

1991ના ઉત્તર કાશીના ભૂકંપ દરમિયાન ધરાશાયી જમક ગામ

આ ઉપરાંત દ્વીપકલ્પના ર્દઢ ભૂક્વચમાં 22 મે 1997ના રોજ થયેલા જબલપુરના ભૂકંપનો ઉલ્લેખ પણ કરી શકાય : તેની તીવ્રતા 6.00 જેટલી મધ્યમસરની હતી. આ ભૂકંપે આશરે 525 ચોકિમી. વિસ્તાર આવરી લીધેલો. તેમાં મૃતકોની સંખ્યાના આંકડાનો અહેવાલ 40થી 55નો મુકાયેલો છે. નવાઈભરી બાબત તો એ બનેલી કે ત્યાંનું એક પણ મકાન તિરાડો કે અન્ય નુકસાનથી બાકાત રહેલું નહિ, માત્ર થોડાં મકાનો જ ધરાશાયી થયેલાં. આ ભૂકંપ નર્મદા ખીણના દક્ષિણ વિભાગીય સ્તરભંગમાં થયેલા ખસેડને કારણે થયેલો ગણાય છે.

આમ દ્વીપકલ્પીય વિસ્તારમાં ઓછી તીવ્રતાવાળા ઘણા ભૂકંપો નોંધાયા છે. તેમાં સૌરાષ્ટ્ર, જબલપુર, ભિંડ, માંડલા, ખંડવા, થાણે, રત્નાગિરિ, નાંદેડ, ઉત્તર તામિલનાડુ, મેદિનીપુર, બાંકુરા, બીરભૂમ વગેરેનો સમાવેશ થાય છે. અહીંના મોટાભાગના ભૂકંપ ત્યાંના સ્તરભંગો પર ખસેડ થવાથી મુક્ત થતી ઊર્જાથી ઉદભવે છે (જુઓ નકશો). તાજેતરના અભ્યાસ પછી લાતુર અને કોયનાના ભૂકંપોને નિષ્ણાતોએ ‘સ્થાયી ખંડીય વિસ્તાર’(Stable Continental Region – SCR)માં થઈ શકતા ભૂકંપો તરીકે ઘટાવ્યા છે.

1993ના કિલ્લારીના ભૂકંપની તારાજીનું ર્દશ્ય. પાષાણ-ગચ્ચાં અને માટીથી બાંધેલાં ઘર સંપૂર્ણપણે પડી ગયેલાં

8. લાતુરનો ભૂકંપ : 1993ના સપ્ટેમ્બરની ત્રીસમી તારીખે પરોઢે ચાર વાગ્યે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર રાજ્યોની સરહદ પર મુંબઈથી 450 કિમી. દૂર પૂર્વમાં આવેલ લાતુર પાસે છેલ્લાં પચાસ વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર ભૂકંપ થયેલો. તેનું ભૂકંપ નિર્ગમનકેન્દ્ર લાતુરથી 30 કિમી. દક્ષિણે હતું. તેની તીવ્રતા 6.3 જેટલી હતી. આ ભૂકંપથી લાતુર, કિલ્લારી અને ઉમરગા તારાજ થઈ ગયાં. લોકો ઊંઘતા ઝડપાયેલા. 110 ચોકિમી. વિસ્તારમાં આવતાં 17 જેટલાં ગામોને અસર પહોંચેલી. 8,500 જેટલા લોકો મોતને ભેટેલા. 14,000 લોકો ઈજાગ્રસ્ત થયેલા અને આશરે 35,000 જેટલાં નબળા બાંધકામવાળાં મકાનોને ઓછાવત્તા પ્રમાણમાં નુકસાન પહોંચેલું. ઓસ્માનાબાદના કેટલાક ભાગોને પણ અસર પહોંચેલી.

ચમોલીના ભૂકંપગ્રસ્ત વિસ્તારો (ચમોલી 30.24 ઉ. અ. અને 79.21 પૂ. રે.)

9. ચમોલીનો ભૂકંપ : 1999ના માર્ચની અઠ્ઠાવીસમીના રવિવારની રાત્રે 12.35 કલાકે (અર્થાત્ 29-3-1999ના રોજ) ચમોલી ખાતે 6.8 તીવ્રતાનો ભૂકંપ થયેલો. ભૂકંપ-નિર્ગમન-કેન્દ્ર ચમોલી ખાતે અને તેનું ભૂકંપ-કેન્દ્ર 30 કિમી.ની ઊંડાઈએ હતું. 40 સેકંડ સુધી ચાલેલા પ્રથમ આંચકામાં ચમોલી-રુદ્રપ્રયાગ ધમધમી ઊઠેલાં. બીજા દિવસની સવાર સુધીમાં તો 4.9 થી 2.5ની ઘટતી જતી તીવ્રતાવાળા કુલ 45 જેટલા નાનામોટા આંચકા આવ્યા કરેલા. 14 જેટલા પશ્ચાત્કંપ પણ થયેલા. મુખ્ય આંચકો એટલો તો તીવ્ર હતો કે આખોય ગઢવાલ જિલ્લો, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશના ચૌદ જેટલા જિલ્લા, રાજસ્થાન તથા મધ્યપ્રદેશની સરહદ સુધી આ ભૂકંપની અસર પહોંચેલી. પ્રથમ આંચકાની અસરથી ચમોલી ખાતે 58 અને રુદ્રપ્રયાગ ખાતે 15 લોકો તાત્કાલિક માર્યા ગયેલા. સત્તાવાર આંક 100થી 105 મૃતકોનો અને 395 ઈજા પામનારાઓનો મુકાયેલો છે. ચમોલી અને રુદ્રપ્રયાગ ખાતે પુષ્કળ તારાજી થયેલી. અહીંની ટેકરીઓ પરના પથ્થરો ફંગોળાઈને ઊડેલા, અન્યોન્ય અથડાયેલા, તેમાંથી તણખા પણ ઝરેલા અને કેટલાક ભાગમાં આગ લાગીને બુઝાઈ ગયેલી. 60 જેટલાં મકાનો ધરાશાયી થયેલાં, કેટલાંક ફાટી ગયાં તો કેટલાંકમાં તિરાડો પડી ગઈ, કુલ 20,000 મકાનોને નુકસાન પહોંચેલું. સંચાર-માધ્યમ ખોરવાઈ ગયું, પાણી અને વીજપુરવઠો છિન્નભિન્ન થઈ ગયો.

ચમોલી ભૂકંપ : ધરાશાયી આવાસો

મધ્યરાત્રિ હોવાથી ઢગલાબંધ લોકો મકાનોના કાટમાળ નીચે દટાઈ ગયા. માર્ગોને પારાવાર નુકસાન પહોંચ્યું અને ઠેર ઠેર અવરોધો રચાયા. ચમોલી-ગોપેશ્વર, ગોપેશ્વર-ઊખીમઠ, રુદ્રપ્રયાગ-ગોપીકુંડ વચ્ચેના માર્ગો પણ અવરોધાયેલા. સિમલા, સિમોરા, સોનેપત, તથા અંબાલાનાં મકાનોમાં પણ તિરાડો પડેલી. 31-3-’99ના રોજ ત્રણ દિવસ પછી પણ નજીકના ઊખીમઠથી 10 કિમી. અંતરે ફરીથી લાગેલા હળવા આંચકામાં અગાઉમાં તિરાડો પડેલાં મકાનો ધરાશાયી થઈ ગયાં. ચમોલી ખાતે ત્રણ દિવસ પછી લાગેલો આ આંચકો 4.8ની તીવ્રતાનો હતો. આશરે 58 ગામોના 2,000થી વધુ લોકો ત્રણચાર દિવસ મોતની બીકે ગભરાટના માર્યા ઘરમાં ન સૂતાં બહાર સૂતેલા.

1980 પછી થયેલા અહીંના ભૂકંપોમાં આ ભૂકંપ ભીષણ ગણાય છે. ગુજરાતમાં અંજાર ખાતે થયેલા 7ની તીવ્રતાવાળા ભૂકંપ સાથે તેને સરખાવવામાં આવેલો છે. ઉત્તરકાશી અને ચમોલીના ભૂકંપ હિમાલયના મુખ્ય ધસારા સપાટી પર ખસેડ થવાથી ઉદભવેલા હોવાનું કહેવાય છે. ચમોલીના પેટાળમાં એકત્ર થયેલી ઊર્જા ભવિષ્યમાં ક્યારેક પણ મુક્ત થશે તે શક્યતાને નકારી શકાય નહિ. ચમોલી અને તેની આજુબાજુનો વિસ્તાર ભૂકંપીય ર્દષ્ટિએ ખૂબ જ સક્રિય છે. અહીંથી પસાર થતી મુખ્ય મધ્ય ધસારા સપાટીઓની આજુબાજુના વિસ્તારમાં (જેમનાં ભૂકંપનિર્ગમનકેન્દ્રો ચમોલી નજીક હતાં એવા) 1803થી 1999 સુધીમાં 4થી 6.8ની તીવ્રતાવાળા આશરે 19 જેટલા મોટા ભૂકંપ થયેલા છે.

હિમાલયનો આ વિભાગ ભૂકંપને પાત્ર ગણાય છે. ભારતીય ભૂતકતી એશિયાઈ ભૂતકતી નીચે દર વર્ષે 5 સેમી.ના દરથી દબતી જાય છે. તેમાં અંદરની ઊર્જા વછૂટીને બહાર આવવા પ્રયાસ કરે છે. તેથી માર્ગમાં આવતા સ્તરભંગો પર ખસેડની અસર થતાં ભૂકંપ ઉદભવે છે. ભૂતકતીઓની અરસપરસની આ દાબ-અથડામણમાં દિલ્હી-હરદ્વાર ડુંગરધારને સમાંતર તેમજ અનુપ્રસ્થ સ્તરભંગોના છેદનબિંદુ પર અસર થવાથી આ ભૂકંપ ઉદભવ્યો હોવાનું ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે (જુઓ સારણી 6 અ).

‘‘અલ્લાહ બંધ’’

10. કચ્છનો ભૂકંપ : 16 જૂન 1819ના રોજ ગુજરાતના કચ્છવિસ્તારમાં થયેલો 8.00 તીવ્રતાવાળો ભૂકંપ ભારતના ભીષણ ભૂકંપો પૈકીનો એક ગણાય છે. આ ભૂકંપથી ત્યાંના ભૂપૃષ્ઠમાં વિરૂપતા ઉદભવી. કચ્છના રણની આરપાર પૂર્વ-પશ્ચિમ લંબાયેલી 4.5 મીટર ઊંચી ભૂમિ ઊપસી આવી. તેનો દક્ષિણ ઢોળાવ ઉગ્ર બાજુઓવાળો છે. આ રચના કુદરતી રીતે થઈ હોવાથી લોકોએ તેને ‘અલ્લાહ બંધ’ નામ આપ્યું. આ ભૂકંપ એટલો બધો વિનાશક અસરવાળો હતો કે તેનાથી ગુજરાતના ઘણાખરા ભાગોમાં નુકસાન થયેલું. નાના નાના લગભગ બધા જ કિલ્લાઓ પડી ગયેલા. એકલા ભુજ ખાતે 1,140 જેટલા માનવદેહો ત્યાંના કાટમાળ હેઠળથી મળી આવેલા. આ ભૂકંપથી થયેલી ભૂમિવિરૂપતા મોટા પાયા પર હતી. સર ચાર્લ્સ લાયલે તેમના પુસ્તક ‘Principles of Geology’(પ્રકાશન, 1830)માં તેનું વિશદ વર્ણન કરેલું છે.

11. 2000–2001નો કેરળનો ભૂકંપ : ડિસેમ્બર (12/16) 2000 દરમિયાન કેરળના કોટ્ટાયમ જિલ્લામાં ઓછી તીવ્રતાવાળો આંચકો આવેલો. એર્નાકુલમ્, કોલ્લામ અને તિરુવનંતપુરમ સહિત અન્ય ભાગોમાં ભૂકંપના આંચકાની અસર વરતાઈ હતી. કેટલીક ઇમારતોમાં તિરાડો પડેલી. કોઈમ્બતુરમાં પણ ધરા ધ્રૂજી હતી. ઉપલબ્ધ માહિતી અનુસાર તિરુવનંતપુરની વેધશાળામાં તે સંભવત: નોંધાયો ન હતો. ત્યારબાદ 7-1-2001 રવિવારે સવારે 8.26 કલાકે 4.8 તીવ્રતાનો ભૂકંપ થયેલો, જેમાં તામિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના કાદાયમ ગામમાં દીવાલ ધસી પડતાં તાત્કાલિક એક બાળક સહિત બેનાં મોત થયેલાં. બીજા કેટલાકને ઈજાઓ અને ઇમારતોને નુકસાન પહોંચેલું. સાબરીમાલા મંદિર હચમચી ઊઠેલું.

ભારતનો દ્વીપકલ્પીય ભાગ ર્દઢ ભૂકવચ ગણાતો હોવા છતાં કોયના, લાતુર, કેરળમાં થતા ભૂકંપો તલસ્પર્શી સંશોધનો અને ચકાસણી માંગી લે છે.

સારણી 6 : ભારતના 19મી સદીથી 21મી સદી સુધીના ભૂકંપો

તારીખ તીવ્રતા  સ્થળ    જાનહાનિ (ઉપલબ્ધિ મુજબ)
    1  2   3      4
16 જૂન 1819 8.0 કચ્છ હજારો
10 જાન્યુ. 1869 7.5 કયાર, આસામ
30 મે 1885 7.0 સોપોર, જ.-કા.
12 જૂન 1897 8.7 શિલોંગ 1,500થી 1,600
4 એપ્રિલ 1905 8.0થી 8.6 કાંગરા (હિ.પ્ર.) 20,000
26 ફેબ્રુઆરી 1906 7.0 કાશ્મીર, હિમાલય
31 ઑગસ્ટ 1906 7.0 શિવસાગર (આસામ)
28 ઑગસ્ટ 1916 7.5 ધારચુલા, નેપાળસીમા
8 જુલાઈ 1918 7.6 આસામ
9 સપ્ટેમ્બર 1923 7.1 મિમેનસિંઘ, બંગાળ
2 જુલાઈ 1930 7.1 ધુબરી, આસામ
15 જાન્યુઆરી 1934 8.3 (8.28.4) મુંગેર, બિહાર (બિહાર-નેપાલ સીમા) ભારતમાં 7,253 અને નેપાળમાં 3,400
14 માર્ચ 1938 6.5 મધ્યપ્રદેશ
26 જાન્યુઆરી 1941 8.1 આંદામાન
26 જૂન 1941 8.1 આંદામાન ટાપુઓ
23 ઑક્ટોબર 1943 7.2 આસામ
29 જુલાઈ 1947 7.7 દ્બ્રિુગઢ, આસામ
15 ઑગસ્ટ 1950 8.5થી 8.7 આસામ 1,500
21 જુલાઈ 1956 6.7 અંજાર, કચ્છ, ગુજરાત
10 ઑક્ટોબર 1956 7.0 દિલ્હી નજીક
28 ડિસેમ્બર 1958 6.2 કપોટનેપાળસીમા
10 ડિસેમ્બર 1967 6.5થી 6.7 કોયના, મહારાષ્ટ્ર 200
13 એપ્રિલ 1969 6.5 ભદ્રાચલમ
19 જાન્યુઆરી 1975 7.5 ક્ધિનૌર, હિ.પ્ર.
30 ડિસેમ્બર 1984 6.8 સિલ્ચર, આસામ
6 ઑગસ્ટ 1988 6.6 મણિપુર- મ્યાનમારસીમા
10 ઑગસ્ટ 1988 7.0 બિહાર-નેપાળસીમા 1,000
21 ઑગસ્ટ 1988 6.4 બિહાર-નેપાળસીમા
20 ઑક્ટોબર 1991 6.6થી 7.0 ગઢવાલ ઉત્તર કાશી (ઉ.પ્ર.) 20,000
29/30 સપ્ટેમ્બર 1993 6.3 લાતુર-ઓસ્માનાબાદ 8,500
20/22 મે 1997 6.0 જબલપુર (મ.પ્ર.) 4055
28/29 માર્ચ 1999 6.5થી 6.8 ચમોલી (ઉ.પ્ર.) 100થી 250
26 જાન્યુ. 2001 7.9 ભૂજ-અમદાવાદ (ગુજરાત) એક લાખ અંદાજ

સારણી 6 (અ) : ઉત્તર કાશી અને ચમોલીના ભૂકંપની વિગતો

જિલ્લો મૃતાંક ઈજાગ્રસ્ત મકાનોને નુકસાન અસરગ્રસ્ત ગામડાં
ચમોલી 63 125 29,170 1,258
રૂદ્રપ્રયાગ 35 177 20,025 611
બાગેશ્વર 1 14 369 318
તેહરી ગઢવાલ 6 66 6,812 408
પૌરી ગઢવાલ 13 9,472 579
દહેરાદૂન 198
કુલ 105 395 66,046 3,174

ઉત્તરકાશી અને ચમોલીના ભૂકંપ : 8ની આજુબાજુની તીવ્રતાવાળા ગણાતા ભૂકંપીય વિસ્તાર ગઢવાલહિમાલયમાં થયેલા ઉત્તરકાશીના અને ચમોલીના ભૂકંપો આ વિસ્તારની ભૂકંપીય ક્રિયાશીલતાની ચકાસણી માગી લે છે. જેનાં ભૂકંપકેન્દ્રો અહીં હતાં એવા 100 કિમી. પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા ગઢવાલ હિમાલયમાં છેલ્લી બે સદીમાં પાંચ ભીષણ ભૂકંપો 1803 (> 6), 1816 (6.5), 1945 (6.5), 1991 (6.6) અને 1999 (6.6); બાર મધ્યમ ભૂકંપો (5થી 6) અને બીજા ઘણા મધ્યમથી મંદ ભૂકંપો (> 5) થયેલા છે. આ ભૂકંપો પર કરવામાં આવેલો તલસ્પર્શી અભ્યાસ અને તેનાં અર્થઘટનો નિર્દેશ કરે છે કે અહીં લગભગ દર નવ વર્ષે ઓછીવત્તી તીવ્રતાવાળા ભૂકંપોનું આવર્તન થયા કરે છે. આ બધા ભૂકંપો અહીં રહેલી ધસારા સ્તરભંગ-સપાટીઓ પર થતા સંચલનથી ઉદભવેલા છે. આ વિસ્તારની ધસારા-સપાટીઓ 2°થી 6° નમનવાળી છે, જે ઉત્તર તરફ 15°ની બને છે. અહીં ભારતીય ભૂતકતી એશિયાઈ ભૂતકતીની નીચે તરફ દબેલી છે, ત્યાંની અધ:સપાટી પર દાબનાં પ્રતિબળો સંચિત થઈને જ્યારે ઊર્જામુક્તિ કરે છે ત્યારે તેની રજૂઆત ભૂકંપરૂપે થાય છે. કાંગરા (1905), ધારચુલા (1980) અને ઉત્તરકાશી(1991)ના ભૂકંપો ઈશાની નમનવાળી સ્તરભંગ-સપાટીઓ પરથી જ થયેલા.

ઉત્તરકાશીનો 19 અને 20 ઑક્ટોબર 1991નો 6.6થી 7 તીવ્રતાવાળો ભૂકંપ (સમય : રાત્રે 21 ક. 23 મિ. 15 સે.) વૈક્રિતા ધસારા-સપાટી નજીક દક્ષિણે રહેલી મુખ્ય મધ્ય ધસારા-સપાટી (MCT) પર 15 કિમી.ની ઊંડાઈએથી થયેલો. આ ભૂકંપે વિનાશક અસર ઉપજાવેલી : 20,000 લોકોનો ભોગ લીધેલો. આજુબાજુનાં ઘણાં મથકો પર મુખ્ય આંચકાની તેમજ પશ્ચાત્-કંપોની નોંધ થયેલી, જેના પરથી સ્તરભંગની ક્રિયાશીલતાની માહિતી મળી શકી હતી. ઉપલબ્ધ માહિતી જણાવે છે કે અહીંના ભૂકંપો 10થી 15 કિમી.ની ઊંડાઈએથી થાય છે. સ્તરભંગના ખસેડથી ઉદભવતું ભંગાણ-વિસ્તરણ પશ્ચિમતરફી હોય છે. ખસેડનું પરિમાણ 36 કિમી. × 48 કિમી., ખસેડની દિશા 10 કિમી. પશ્ચિમ અને 15 કિમી. નૈર્ઋત્યતરફી હોય છે.

ગઢવાલ હિમાલયમાં ચમોલીની આજુબાજુનાં ભૂકંપીય મથકો (ત્રિકોણદર્શિત). 1990ના 4એપ્રિલથી 20મે દરમિયાનનાં ભૂકંપનિર્ગમનકેન્દ્રો. તીવ્રતા ≥ 1.0

ચમોલીનો 28 માર્ચ 1999નો ભૂકંપ (સમય : 19 ક. 5 મિ. 11 સે.) : ચમોલીથી 25 કિમી. ઈશાન તરફ, 15 કિમી.ની ઊંડાઈએથી, 9° નમેલી ધસારા-સપાટી પર થયેલો. મુખ્ય આંચકા (6.6) પછી 4.8થી 1.4 તીવ્રતાવાળા લગભગ 204 જેટલા પશ્ચાત્-આંચકાનાં આવર્તનો તા. 4–4–99થી 20–5–99 સુધી ચાલુ રહેલાં. મુખ્ય આંચકો છૂટી પડેલી પોપડાપટ્ટી અને મુખ્ય મધ્ય ધસારાના જોડાણસ્થાન પર દાબનાં સંચિત પ્રતિબળોમાંથી થયેલી ઊર્જામુક્તિને કારણે ઉદભવેલો.

આ બંને ભૂકંપો પરથી નિમ્ન હિમાલયની ધસારા-સ્તરભંગોની સપાટીઓની ક્રિયાશીલતાની સમજ સ્પષ્ટ બની છે.

જબલપુરનો ભૂકંપ : નર્મદા-સોન રેખીય વિસ્તરણમાં, જબલપુર નજીક દક્ષિણ નર્મદા સ્તરભંગની ધાર પર 21 અને 22 મે 1997ની રાત્રે 21 ક. 55 મિ. 31 સેકન્ડે 5.8ની મધ્યમ તીવ્રતાવાળો ભૂકંપ થયેલો. તેનું ભૂકંપ-કેન્દ્ર 35 કિમી.ની ઊંડાઈએ સ્થિત હતું. આ જ સ્તરભંગ પર 1927, 1957 અને 1997માં 5થી વધુ તીવ્રતાવાળા ભૂકંપ 35 ± 5 વર્ષના તફાવતે થયેલા છે. આશરે 2,000 કિમી. લંબાઈ અને 100 કિમી. પહોળાઈ ધરાવતો પૂર્વ-ઈશાની ઉપસ્થિતિવાળો નર્મદા–સોન રેખીય વિસ્તરણ વિભાગ દ્વીપકલ્પીય ભારતને વીંધીને પસાર થાય છે. આ વિભાગે વીસમી સદી દરમિયાન 1927 (6.4) અને 1938(6.3)ના ભૂકંપો પણ અનુભવ્યા છે. આ ઉપરાંત અહીં 15 એપ્રિલ 1964ના રોજ મિદનાપોરનો ભૂકંપ (5.5; ભૂકંપકેન્દ્ર 36 કિમી. ઊંડાઈ); 23 માર્ચ 1970ના રોજ ભરૂચનો ભૂકંપ (5.4, ભૂકંપકેન્દ્ર 11 કિમી. ઊંડાઈ) તથા 1986માં વલસાડનો ભૂકંપ (4.5, ભૂકંપકેન્દ્ર 10 કિમી. ઊંડાઈ) પણ થયેલા. ઊંડાઈએ સંચિત દાબનાં પ્રતિબળોથી ધસારા-સ્તરભંગસપાટી પર થયેલા ભૂસંચલનને કારણે અહીંના ગર્તવિભાગને મર્યાદિત ઉપલબ્ધ જગામાં ગોઠવાવું પડેલું. દ્વીપકલ્પીય ભારતના પશ્ચિમ છેડા પર આવેલાં ભરૂચ અને વલસાડને બાદ કરતાં બાકીની સ્તરભંગ-સપાટી પરનાં ભૂકંપકેન્દ્રો 35થી 40 કિમી.ની ઊંડાઈએ સ્થિત હતાં.

12મી સદીથી 2000 સુધીમાં થયેલા ભૂકંપો દર્શાવતો દ્વીપકલ્પીય ભારતનો નકશો. વર્તુળો તેમના કદ મુજબ તીવ્રતા દર્શાવે છે; દા.ત., કોયના અને કિલ્લારીના ભૂકંપનાં વર્તુળો > 6ની તીવ્રતાવાળાં છે, ભદ્રાચલમ > 5 વગેરે.

ભરૂચનો ભૂકંપ : 5.4 તીવ્રતા ધરાવતો આ ભૂકંપ ભરૂચ ખાતે 23 માર્ચ 1970ના રોજ થયેલો. ભરૂચ અને જબલપુરના ભૂકંપો 22° ઉ.અ.ની આજુબાજુ વિસ્તરેલા નર્મદા-ગર્તમાં થયેલા. નર્મદા-ગર્તની અધોભૂમિમાં ગરમ અંત:કૃત જથ્થાઓ પર પ્રતિબળો સંચિત થવાથી ભૂકંપ ઉદભવે છે, પરંતુ ઊંડાઈ અને દાબને કારણે નવાં ભંગાણ થતાં નથી. ભરૂચનો ભૂકંપ નર્મદા-ગર્તના છેક પશ્ચિમ છેડે 11 કિમી.ની ઊંડાઈએથી થયેલો. ભરૂચ નજીક આવેલા માંડવા ગામે પુરાવા મેળવવા નદીકાંઠે ખોદેલી ખાઈઓમાંથી રેતીનાં પોલાણો અને રગડાના અવશેષો મળેલાં આ લક્ષણો ભૂકંપ-નિર્મિત હોઈ શકે. બીજું પણ એક અનુમાન એ કરાયું છે કે નર્મદા-ગર્તના પશ્ચિમ છેડાના ભૂકંપ 100–200 વર્ષના ગાળાના તફાવતે થાય છે.

લાતુર–કિલ્લારીનો ભૂકંપ : લાતુર(18° 03´ ઉ. અ., 76° 33´ પૂ. રે.)નો 6.2થી 6.3 તીવ્રતાવાળો ભીષણ ભૂકંપ 30 સપ્ટેમ્બર 1993ની વહેલી સવારે લાતુર જિલ્લાના દક્ષિણ ભાગમાં થયેલો. 80 જેટલાં ગામડાંઓમાં પારાવાર નુકસાન થયેલું. સ્થાયી ગણાતા આવેલા આ ભૂકવચમાં ભંગાર હેઠળ દટાયેલાં આશરે 10,000 જેટલાં માનવશબ મળેલાં. આ ભૂકંપ ધારવાડ રચનાના આર્કિયન ગ્રૅનાઇટ-નાઇસ ખડકોના તળભાગમાં આશરે 3 કિમી.ની ઊંડાઈએથી નૈર્ઋત્ય તરફ 45° નમેલી અને 135° દિશાકીય વલણવાળી તથા 4.5 કિમી. ઊંડાઈ સુધીની ધસારા-સ્તરભંગસપાટી પર 3થી 6 મીટરનો ઈશાનતરફી ખસેડ થવાથી ઉદભવેલો. સંશોધન-ખોજકાર્ય એ પણ કહે છે કે અહીં સંભવત: હજારો વર્ષ પહેલાં પણ આ જ સ્તરભંગસપાટી પર મધ્યમ તીવ્રતાવાળા કેટલાક ભૂકંપ થયેલા. આ સ્થળે 338 મીટરની જાડાઈવાળું ડેક્કન ટ્રૅપ લાવાથરોનું આવરણ 8 મીટર જાડાઈવાળા ટ્રૅપ-નિમ્ન જળકૃત થરો પર રહેલું છે અને તેનાથી પણ નીચે 257.4 ± 6.1 કરોડ વર્ષ જૂના ગ્રૅનાઇટ-નાઇસના તળખડકો છે. એક સંશોધકે નજીકના માકણી જળાશયમાંથી છીછરી ઊંડાઈ સુધી પ્રવેશેલા જળને કારણે ભૂકંપ ઉદભવેલો હોવાની શક્યતાને આગળ ધરેલી, પરંતુ તેને મહત્વ અપાયું નથી.

લાતુર-કિલ્લારીનો ભૂકંપ

લાતુર ભૂકંપના પશ્ચાત્-કંપોનાં નિર્ગમન-કેન્દ્રો, કિલ્લારી વિસ્તાર

ડેક્કન ટ્રૅપની પૂર્વ કિનારી પર કિલ્લારી ખાતે 5 કિમી.ની છીછરી ઊંડાઈએથી 6.1ની તીવ્રતાવાળો ભૂકંપ અનુભવાયેલો, ઘણા પશ્ચાત્-કંપ પણ થયેલા. નુકસાન પામેલો વિસ્તાર કિલ્લારીથી 3 કિમી.ની ત્રિજ્યામાં 38.5 ચો.કિમી.માં પથરાયેલો હતો. ખાઈ ખોદીને તપાસ કરવાથી જાણવા મળેલું કે વિપરીત પ્રકારના સ્તરભંગની લંબાઈ માત્ર 5.5 કિમી.ની, દિશાકીય વલણ વાયવ્ય-અગ્નિકોણી અને નમન 45°નું હતાં.

કોયનાનો ભૂકંપ : કોયના–વારણા વિસ્તાર દખ્ખણના જ્વાળામુખી પ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો છે. અહીંનું ભૂપૃષ્ઠ ઊર્ધ્વ ક્રિટેશિયસથી નિમ્ન ટર્શ્યરી વયના વિસ્તૃત લાવા(બૅસાલ્ટ)-થરોથી બનેલું છે, તેની નીચે પ્રાગ્જીવયુગના તો કોઈ જગાએ આર્કિયન ગ્રૅનાઇટ-નાઇસ તળખડકો રહેલા છે. બૅસાલ્ટમાં ઘણી ફાટો અને તણાવનિર્મિત સાંધા ઉદભવેલા છે. અહીંની સ્તરભંગ-સપાટી ઉત્તરી-ઈશાનથી દક્ષિણી નૈર્ઋત્ય દિશાકીય વલણવાળી તથા પશ્ચિમ તરફના ઉગ્ર નમનવાળી છે. અહીંનો એક દોનેચીવાડા સ્તરભંગ પણ ઉપર મુજબના દિશાકીય વલણવાળો અને 60° પશ્ચિમીવાયવ્યકોણી નમનવાળો છે.

કોયનાનો ભૂકંપ

આ સ્તરભંગ-વિભાગમાં દળદાર ટ્રૅપ-ખડકોનું બ્રેસિયાકરણ થયેલું છે. બ્રેસિયા કૅલ્સાઇટના પરિવેષ્ટિત દ્રવ્યથી સંશ્ર્લેષિત થયેલો છે. કોયના વિસ્તારમાં 1962થી ભૂકંપ થતા આવ્યા છે. આ કારણે કોયનાનું સ્થળ દુનિયાભરમાં જળાશયનિર્મિત ભૂકંપીય ઘટના માટે બેનમૂન અને જાણીતું બની રહ્યું છે. અહીં 10 અને 11 ડિસેમ્બર 1967ના રોજ 6.3ની તીવ્રતાવાળો ભૂકંપ થયેલો; પશ્ચાત્-કંપ પણ થયેલા, તે પૈકીના 6 કંપ થોડી ઓછી તીવ્રતાવાળા હતા. તે પછી 1973માં અને 1980માં પણ મધ્યમ તીવ્રતાવાળા ભૂકંપો થયેલા. 1980 સુધીમાં થયેલી અહીંની મુખ્ય ભૂકંપીય પ્રવૃત્તિ કોયના સ્તરભંગના ઉત્તર ભાગ પૂરતી સીમિત હતી; જોકે વારણા જળાશયવાળા દક્ષિણ ભાગ તરફ પણ ભૂકંપ થયેલા ખરા. 8 ડિસેમ્બર 1993નો ભૂકંપ વારણા જળાશયના ઉત્તર ભાગમાં થયેલો. 1 ફેબ્રુઆરી 1994નો કોયનાનો મધ્યમ તીવ્રતાવાળો ભૂકંપ જળાશયથી 7 કિમી.ના અંતરમાં અનુભવાયેલો. છેલ્લે છેલ્લે અહીં મધ્યમ તીવ્રતાવાળો 12 માર્ચ 2000નો તેમજ ઑગસ્ટ–સપ્ટેમ્બર 2000ના આછા ભૂકંપ પણ થયા છે. અહીં જૂન 2000 સુધીમાં > 5 તીવ્રતાવાળા ઓછામાં ઓછા દસ, > 4 તીવ્રતાવાળા ઓછામાં 150 અને તદ્દન નજીવી તીવ્રતાવાળા ઓછામાં ઓછા 1,00,000 ભૂકંપ થયેલા છે. 1962થી 1992 દરમિયાન થયેલા ભૂકંપોનાં નિર્ગમનકેન્દ્રો

28–8–1993થી 31–12–1996 દરમિયાનનાં ભૂકંપ-નિર્ગમનકેન્દ્રોનાં જૂથ

મોટેભાગે તો કોયના બંધની દક્ષિણે વિસ્તરેલા 20 કિમી. લંબાઈના વિભાગ પૂરતા મર્યાદિત રહ્યા છે, 1993–94માં આ ક્રિયા થોડી વધુ દક્ષિણ તરફ વિસ્તરી છે. આ માટે વારણા જળાશય(કોયના જળાશયથી 30થી 35 કિમી. અગ્નિ તરફ)ના જળસંગ્રહને કારણભૂત ગણવામાં આવ્યું છે. વારણા જળાશયને ભરવાનું કામ 1985માં શરૂ કરાયેલું, 1992માં તેમાં 60 મીટરની ઊંડાઈનું પાણી ભરાયેલું. કોયના-વારણા જળાશયમાં ઉનાળામાં જળસંગ્રહ ઓછો, જ્યારે વર્ષાઋતુ પછી ઑગસ્ટ–સપ્ટેમ્બરમાં વધુ હોય છે. 1967, 1973 અને 1980ના ભૂકંપો અનુક્રમે ડિસેમ્બર, ઑક્ટોબર અને સપ્ટેમ્બરમાં થયેલા. આ બાબત સૂચવે છે કે જળાશયોના જળસંગ્રહથી થતા દાબથી અધ:સપાટીમાં સંચિત થતાં પ્રતિબળો ક્રિયાશીલ થતાં હોવાનું માનવામાં આવે છે. અહીં આશરે દસ દસ વર્ષના ગાળાના તફાવતે ભૂકંપોનાં આવર્તનો થતાં જણાયાં છે. 1993–94 દરમિયાનના ભૂકંપીય તરંગોની ડિજિટલ ભૂકંપ-માપકો પર નોંધ લેવામાં આવેલી. આ નોંધ પરથી અહીં સ્તરભંગો સક્રિય થતા હોવાનું જાણવા મળેલું છે. વળી આ જળાશયોમાં વધુ પાણી ભરાય તો શી અસરો નીપજશે તે પણ જાણી શકાશે. કોયના, વારણા અને ભોગીવમાં થયેલા ભૂકંપોના ભૂકંપ-નિર્ગમનકેન્દ્રોનાં જૂથ અહીં નજીક નજીક જોવા મળે છે (જુઓ આકૃતિ).

કચ્છનો ભૂકંપ : 1819માં કચ્છના રણમાં 7.5ની તીવ્રતાવાળો ભૂકંપ થયેલો. આ ભૂકંપથી 90 કિમી. લાંબી, 15–20 કિમી. પહોળી અને 4.5 મીટર ઊંચી દીવાલ જેવો ભાગ ખડકાઈ ગયો. એકાએક ઊંચકાઈ આવેલા ઈશ્વરદત્ત ટેકરાને નિહાળીને સ્થાનિક લોકોએ તેને ‘અલ્લાહ બંધ’ નામ આપ્યું. તે પછીનાં વર્ષો દરમિયાન તેમાં ઘસારાજન્ય લક્ષણો તૈયાર થયાં છે.

ભૂકંપની સાથે સાથે જ અહીંનાં કિલ્લેબંધીવાળાં કેટલાંક નગરો અને જળપરિવાહ-રચનામાં આમૂલ ફેરફારો થઈ ગયા. 1997 પછીથી આ ટેકરા તેમજ આજુબાજુના વિસ્તારનાં ભૂપૃષ્ઠલક્ષણો, ભૂકંપીય લક્ષણો વગેરેનો અભ્યાસ હાથ ધરાયો છે. ખાઈઓ ખોદીને ભૂકંપનિર્મિત રગડાના અવશેષો તથા વસાહતોના અવશેષો મેળવાયા છે. કેટલાક નમૂનાઓનું રેડિયો-કાર્બન પદ્ધતિથી વયનિર્ધારણ કરાયું છે, તે દર્શાવે છે કે 1819 અગાઉ આશરે ઈ. સ. 885–1035 વચ્ચે પણ અહીં ભૂકંપ થયેલો. અલ્લાહ બંધ એ સ્તરભંગ પરનું ઊર્ધ્વગમન પામેલું ભૂમિલક્ષણ છે, તેની દક્ષિણ તરફ અધ:પાત (downthrow block) છે.

1819 અને 1970ના ભરૂચ અને કચ્છનો ભૂકંપવિસ્તાર

ભારતીય પોપડાનું રચનાત્મક માળખું, બંધારણ અને જાડાઈ એ પ્રારંભિક પ્રી-કૅમ્બ્રિયન સમયમાં થયેલી રચના અને રૂપાંતરોથી માંડીને છેક તૃતીય જીવના પ્રારંભ દરમિયાન ઉત્તર વિભાગમાં થયેલી ભારતીય ભૂતકતીની એશિયાઈ ભૂતકતી સાથેની અથડામણની ભૂગતિવિષયક ગતિવિધિઓનું સમગ્ર પરિણામ છે. ગંગા-સિંધુ-બ્રહ્મપુત્રનાં મેદાનો તેના પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર વિભાગોમાં હિમાલય અને આરાકાન યોમા જેવા પર્વતીય પ્રદેશોથી ઘેરાયેલો છે. આ સંપર્ક વિભાગમાં ભીષણ ભૂકંપો થયેલા છે. 1897થી 2000 દરમિયાન 7.5 કે તેથી વધુ તીવ્રતાવાળા 14 મુખ્ય ભૂકંપો થયેલા છે, તેમાં 8 કે તેથી વધુ તીવ્રતાવાળા 5 ભીષણ ભૂકંપોનો સમાવેશ થઈ જાય છે. વીસમી સદીના છેલ્લા દશકામાં 6થી વધુ તીવ્રતાવાળા ગઢવાલના ભૂકંપો (1991નો ઉત્તરકાશીનો અને 1999નો ચમોલીનો ભૂકંપ, બંને 6.6 તીવ્રતાવાળા) વિનાશક હતા. હિમાલયના તળેટી વિભાગમાં ઉદભવતા ભૂકંપો ધસારા સપાટીઓના સંચલનથી કે નીચે દબેલી ભારતીય ભૂતકતીની અથડામણથી છૂટી પડી ગયેલી ખડક-પટ્ટીઓના સંચલનથી થતા હોવાનું ગણાયું  છે.

કોયનાનો ભૂકંપ (1967, 6.3), લાતુરનો ભૂકંપ (1993, 6.2), જબલપુરનો ભૂકંપ (1997, 5.8) અને કોયનાનો ભૂકંપ (2000, 5.6) સ્થાયી ગણાતા આવેલા દ્વીપકલ્પીય ભૂકવચ (SCR – Stable Continental Region) સ્તરભંગો પર ભૂસંચલનક્રિયા સક્રિય થઈ હોવાના પુરાવા પૂરા પાડે છે. 1960થી 2000 દરમિયાન દ્વીપકલ્પે મધ્યમ કક્ષાના ભૂકંપ અનુભવ્યા છે. જેમાં 10,000 લોકોનો ભોગ લેવાયેલો તે 1993નો લાતુરનો ભૂકંપ થયા પછી દક્ષિણ ભારતનું ભૂકંપીય માળખું કેવા પ્રકારનું છે તે સમજવાનું કાર્ય હાથ પર લેવામાં આવ્યું છે.

ભારતમાં કાર્યરત બ્રૉડબૅન્ડ મથકો (ઘન ત્રિકોણ D), NGRIનાં ટૂંકી અવધિનાં અંકીય ગૂંથન સ્થાનાકો (ઘન ચોરસ), ભૂકંપનિર્ગમનકેન્દ્રો (વર્ષ, માસ, તારીખ સહિતનાં વર્તુળો).

હાલમાં ઇન્ડિયા મીટિયરૉલૉજિકલ (meterological) ડિપાર્ટમેન્ટ (IMD), નૅશનલ જિયૉલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI) તેમજ બીજી સંશોધનસંસ્થાઓ અને યુનિવર્સિટીઓ દ્વારા વીસ જેટલાં બ્રૉડબેન્ડ મથકો આ ભૂકંપોનાં કારણો અને ક્રિયાપદ્ધતિ શોધી કાઢવા માટે કાર્યરત થયાં છે. આ કાર્ય માટે ડિપાર્ટમેન્ટ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજી (DST) પણ સક્રિય બન્યું છે. આ અગાઉ હિમાલય વિસ્તાર પૂરતાં ભૂકંપીય સાધનો રાખવામાં આવેલાં, હવે નવાં સાધનસજ્જ મથકો સ્થપાયાં છે તેમાં ભૂકંપો અને પશ્ચાત્કંપોની માહિતી, ભૂકંપકારક સ્તરભંગો, શારકામ, હેલિયમમાપન અને મૅગ્નેટો-ટેલ્યૂરિક સર્વેક્ષણ દ્વારા ભૂકંપોની બધા જ પ્રકારની સ્પષ્ટ સમજ મેળવવામાં આવે છે. વિવિધ સ્થળો પર ઉપલબ્ધ માહિતી એકત્ર કરાય છે અને તેના અહેવાલો તૈયાર થાય છે. વળી ભૂકંપોનો પ્રતિકાર કરી શકે એવી ઇમારતો કઈ રીતે નિર્માણ કરવી તેનું આયોજન કરવાનું તથા ભૂકંપ વિષે જનજાગૃતિ કેળવવાનું કામ પણ વિચારાઈ રહ્યું છે.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં વિશેષે કરીને 70ના દાયકામાં અને 90ના દાયકામાં ભૂકંપીય તરંગોની નોંધણીનાં સાધનોમાં ડિજિટલ બ્રૉડબૅન્ડ સહિતનાં રેકૉર્ડર્સ ગોઠવીને ભારતે ઉત્તરોત્તર પ્રગતિ સાધી છે. હાલમાં ભારતમાં સંશોધનસંસ્થાઓ, નદીઓ પરનાં બંધસ્થાનો અને યુનિવર્સિટીઓમાં 212 જેટલાં ભૂકંપીય નોંધમથકો કાર્યરત છે. રુરકી યુનિવર્સિટી ખાતેનો ભૂકંપ ઇજનેરી વિભાગ (DEQ) આવાં સાધનોમાં માળખાંની ઉપયોગિતા વિષે કાર્યરત છે, તેમજ ચંડીગઢ ખાતેની સંસ્થા સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટસ્ ઑર્ગેનાઇઝેશન (CSIO) ડિજિટલ રેકૉર્ડર્સની રચનાનું કાર્ય સંભાળે છે.

20મી સદીના છેલ્લા દશકામાં ભારતે દેશમાં થયેલા  6 તીવ્રતાવાળા મુખ્ય આંચકાઓની તેમજ તેમના પશ્ચાત્કંપોની ગતિવિધિઓ પર જુદાં જુદાં સ્થળોએ ગોઠવેલાં ડિજિટલ બ્રૉડબૅન્ડ ભૂકંપમાપકોની મદદથી અભ્યાસ કરીને તારણો કાઢ્યાં છે. ભૂકંપના ઉદભવ માટેના સ્રોતરૂપ સ્તરભંગો, ભૂકંપીય સ્થળોમાં કરેલાં શારકામો, હેલિયમમાપન તેમજ મૅગ્નેટો-ટેલ્યૂરિક સર્વેક્ષણો વગેરે પરથી ભારતીય પોપડાની ભૂકંપીય ક્રિયાશીલતાનો તાગ મેળવાયો છે. 1991નો ઉત્તરકાશીનો, 1993નો લાતુરનો, 1967–1996ના કોયનાનો, 1997નો જબલપુરનો તથા 1999નો ચમોલીનો આ પાંચે ભૂકંપોની ભૂકંપીય, ભૂભૌતિક અને ભૂસ્તરીય તપાસ કરીને અહેવાલો તૈયાર કરવામાં આવ્યા છે. સંશોધન-ખોજ પરથી સ્તરભંગોનો પ્રકાર, તેમાં થતાં ભંગાણ અને ખસેડની સમજ અપાઈ છે. ગુજરાતમાં કચ્છ-અમદાવાદ ખાતે થયેલા ભીષણ ભૂકંપની માહિતી એકત્ર થતાં તેના પર પણ તલસ્પર્શી અભ્યાસ કરી અર્થઘટન થશે.

ગઢવાલ હિમાલયના ભૂકંપો ભારતીય પોપડો ઉત્તર તરફ નીચે દબાવાથી, દાબનાં પ્રતિબળો સંચિત થઈ ધસારા સ્તરભંગ સપાટી પરથી ભૂકંપરૂપે ઊર્જામુક્તિ થાય છે; કોયના-વારણા ભૂકંપીય વિભાગમાં જળાશયના જળદાબથી ભૂકંપ ઉદભવે છે તેમજ ત્યાંની ભૂકંપીય ક્રિયાશીલતા સંભવત: દક્ષિણ તરફ પ્રસ્થાન કરી રહી છે તેની સમજ અપાઈ છે. નિષ્ણાતોએ કરેલાં ભૂકંપીય નિરીક્ષણો, ભૂસ્તરીય પુરાવા, શારકામ પરિણામો અને આંતરતકતી દાબબળોનાં મોડેલો દર્શાવે છે કે આજ સુધી સ્થાયી ગણાતા આવેલા દ્વીપકલ્પીય ભૂકવચના ભૂકંપો જે સ્તરભંગસપાટીઓ પર થાય છે તે ત્યાંની અધોભૂમિમાં ભૂસ્તરીય અતીતમાં પણ અસ્તિત્વ ધરાવતી હતી, તેમજ તેના પર કેટલાંક હજાર વર્ષ અગાઉ પણ ભૂકંપ થયેલા છે એવી સમજ પણ અપાઈ છે. જબલપુરનો ભૂકંપ નર્મદા ગર્તની પોપડાપટ્ટીમાં નીચલી ઊંડાઈએથી થયેલો, જ્યારે એ જ નર્મદાગર્તને પશ્ચિમ છેડે ભરૂચનો ભૂકંપ છીછરી ઊંડાઈએથી થયેલો. ટૂંકમાં, ભારતીય પોપડામાં થતા ભૂકંપના ઉદભવસ્રોત, કારણો, ખસેડ, પોપડામાં થતી ગતિની રચનાત્મક પરિસ્થિતિ તેમજ અગત્યના ભૂસંચલનજન્ય પ્રદેશોના અભ્યાસમાં આગળ વધી શકાયું છે અને હવે પછીના અભ્યાસમાં કેવી રીતે આગળ વધવું તેનું આયોજન કરાઈ રહ્યું છે.

ગુજરાત-મધ્યપ્રદેશના વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદીનો લગભગ આખોય ખીણવિસ્તાર અનુદીર્ઘ તથા અનુપ્રસ્થ સ્તરભંગોની જટિલ ગૂંથણીવાળો હોવાથી ભૂકંપને પાત્ર ગણાય છે. આ સ્તરભંગો પર જ્યારે પણ સંચલન થાય ત્યારે ભૂકંપ થવાની શક્યતા રહે છે. નર્મદા ખીણનો ભરૂચની આજુબાજુનો ખારગાંવ-ખંડવા (પૂર્વ-પશ્ચિમ નિમાડ જિલ્લાઓ) તેમજ જબલપુરની આજુબાજુનો આશરે ઓછામાં ઓછો 1,100 કિમી. અને વધુમાં વધુ 1,312 કિમી.ની લંબાઈનો ગુજરાત-મધ્યપ્રદેશને આવરી લેતો ખંભાતના અખાતથી અમરકંટકની વચ્ચેનો ખીણવિસ્તાર ભૂકંપને પાત્ર ગણાય છે. અહીં ગમે ત્યારે 6.5 તીવ્રતા સુધીના મધ્યમ કક્ષાના ભૂકંપ થવાની શક્યતા રહે છે.

આ વિસ્તારમાં ખારગાંવ નજીકના ભડવાણી ખાતે 1963 અને 1967માં 5 અને 6 તીવ્રતાવાળા ભૂકંપ થયેલા. 1970માં ભરૂચ ખાતે 4 તીવ્રતાવાળો ભૂકંપ થયેલો. 1975થી 1995 દરમિયાન 50થી 60 કિમી. લંબાઈના નર્મદાખીણ ભાગમાં 30 જેટલા નાના-મોટા ભૂકંપ થયેલા છે.

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં 30 કિમી.ના પટ્ટામાં 22-5-1997ના રોજ વહેલી પરોઢે 4 કલાક 15 મિનિટે 6 તીવ્રતાવાળો ભૂકંપ થયેલો. તેનું ભૂકંપનિર્ગમનકેન્દ્ર 23° 01´ ઉ. અ. અને 80° 01´ પૂ. રે.ના સ્થળે જબલપુર-નાગપુર માર્ગ પર, જબલપુરથી અગ્નિકોણમાં 20 કિમી. અંતરે આવેલું હતું. આ ભૂકંપના આંચકા ભોપાલ, માંડલા, સેવની, છિંદવાડા, શિહોર, ગુના, રાયગઢ, રાયપુર અને નરસિંહપુર જિલ્લાઓમાં તથા નાગપુર, બુંદેલખંડ, દિલ્હી, કાનપુર અને લખનૌ સુધી અનુભવાયા હતા. નજીકના વિસ્તારમાં આવેલાં ઘર પડી ગયાં હતાં અને હજારો લોકો બેઘર બની ગયેલા. ગભરાટને કારણે ઇમારતો પરથી કૂદી પડવાથી 12થી વધુ લોકો ઈજા પામેલા. ઇમારતોમાં તિરાડો પડી હતી અને પાઇપલાઇનો ફાટી ગયેલી. પાણી પુરવઠો કપાઈને ખોરવાઈ ગયેલો.

સારણી 7 : 20મી સદીમાં નર્મદા ખીણમાં થયેલા ભૂકંપ

વિસ્તાર તીવ્રતા   તારીખ
જબલપુર 5.0 17-(?)-1903
નિમાડ 6.3 14-3-1938
ઇન્દોર 4.0 14-3-1939
બાલાઘાટ 5.5 25-8-1957
મહાદેવ ટેકરીઓ 4.2 26-3-1966
ભરૂચ 5.4 23-3-1970
જબલપુર 4.0 12-7-1973
બેતુલ 4.1 13-8-1975
જબલપુર 3.8 31-10-1983 (?) 1985
દેવાસ 4.3 24-9-1984
માંડલા 4.0 6-1-1985
સાગર (પૂર્વ) 4.9 18-4-1985
સંધવા 4.0 11-11-1985
ગ્વાલિયર 5.0 1-9-1994
જબલપુર 6.0 22-5-1997

નર્મદા નદી પર ગુજરાતમાં નવાગામ નજીકના નર્મદા બંધ અને સરદાર સરોવરને 6.5 તીવ્રતાવાળા ભૂકંપની અસર ન થાય એ લક્ષમાં રાખીને તેની નિર્માણ-યોજના કરવામાં આવેલી છે. બંધસ્થાનના પાયાના સ્થળમાંથી સ્તરભંગ-તિરાડોને તેમજ સાંધાઓ જેવી ફાટોને વિશિષ્ટ પ્રકારની સિમેન્ટ પ્રક્રિયા (grouting) કરીને પૂરી દેવામાં આવેલી છે, જેથી ભૂકંપ થાય તો પણ નુકસાન થાય નહિ.

ગુજરાતના ભૂકંપો

ગુજરાતનું ભૂસ્તરરચનાનું માળખું

2000નો ભાવનગરનો ભૂકંપ : 13 ઑગસ્ટ અને 12, 13 સપ્ટેમ્બર 2000 તથા તેની આગળપાછળના દિવસોમાં ભાવનગર ખાતે રિક્ટર-માપ મુજબ 2.5થી 4.6ની તીવ્રતાના ભૂકંપીય આંચકાઓ અનુભવાયેલા. તે પછી પણ તદ્દન હળવા પશ્ચાત્-કંપો થયા કરેલા. ભૂકંપ હળવા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ શહેરના કેટલાક ભાગોમાં નબળાં બાંધકામવાળાં ઘર બેસી ગયાં, બીજાં કેટલાંકમાં તિરાડો પડી, છતનાં પ્લાસ્ટર ખરી પડ્યાં, માર્ગોમાં તેમજ અન્યત્ર ગાબડાં પડ્યાં. શહેરની સાત લાખની વસ્તીમાંથી બે લાખ જેટલા લોકો ભયથી થોડા સમય માટે હિજરત કરી ગયા, લોકોએ મકાનોની બહાર કે તંબુઓમાં, શમિયાણાઓમાં રાતો વિતાવી.

ભાવનગર ખંભાત-ગર્ત(કૅમ્બે ગ્રૅબન)ના પશ્ચિમી સ્તરભંગની ઉત્તર-દક્ષિણ રેખીય ધાર નજીક આવેલું હોવાથી આ અસરો ઊપજી હોવાનું મનાય છે. અહીંનો વિસ્તાર 3 ક્રમાંકના ભૂકંપપાત્ર વિસ્તારમાં ગણાય છે.

સારણી 8 : ભાવનગર(સૌરાષ્ટ્ર) : 1382000ની ભૂકંપશ્રેણી

તારીખ ભાવનગરના સંદર્ભમાં સ્થળ તીવ્રતા-પ્રકાર અસરયુક્ત વિસ્તાર સમય ક. મિ. સે.
   1     2   3   4   5
9-8-2000 5 કિમી. નૈર્ઋત્યમાં

21° 47´ ઉ. અ.

72° 07´ પૂ. રે.

2.5 હળવો 30 કિમી. 16 35 16
10-8-2000 22 કિમી. ઉત્તરમાં

21° 58´ ઉ. અ.

72° 00´ પૂ. રે.

3.8 હળવો 160 કિમી. 19 00 11
13-8-2000 22 કિમી. ઉત્તરમાં

21° 53´ ઉ. અ.

71° 00´ પૂ. રે.

3.8 હળવો 160 કિમી. 09 53 59
13-8-2000 140 કિમી. નૈર્ઋત્યમાં

21° 05´ ઉ. અ.

71° 02´ પૂ. રે.

4.6 હળવો 300 કિમી. 18 58 26
13-8-2000 ઉપર મુજબ 3.3 હળવો 160 કિમી. 21 25 41
21-8-2000 10 કિમી. નૈર્ઋત્યમાં

21° 45´ 32´´ ઉ. અ.

72° 04´ 08´´ પૂ.રે.

2.5 હળવો 30 કિમી.

નોંધ : ઑગસ્ટના અંતિમ દિવસોમાં, સપ્ટેમ્બર–ઑક્ટોબરમાં 2 કે તેથી ઓછી તીવ્રતાવાળા એક-એક પશ્ચાત્ આંચકા પણ આવેલા.

આ ઉપરાંત સપ્ટેમ્બરની બારમી અને તેરમી તારીખોએ ભાવનગરની ભૂમિએ અનુભવેલા પશ્ચાત્ આંચકાઓ પણ ઉપર મુજબ હળવા પ્રકારના જ હતા. 1938થી 2000 દરમિયાનનાં છેલ્લાં 62 વર્ષના ગાળામાં અમરેલીથી માળિયા સુધીના સૌરાષ્ટ્રના પૂર્વ વિભાગે 1.6થી 4.6ની તીવ્રતાવાળા, બધા જ હળવા પ્રકારના સંખ્યાબંધ આંચકાઓ અનુભવ્યા છે; તેમાં રાજુલા અને ભાવનગર મોખરે છે. નીચેની સારણી તેનો સ્પષ્ટ ખ્યાલ આપે છે :

સારણી 9

તારીખ   સ્થળ રિક્ટરમાપ તીવ્રતા
12-7-1938 પાળિયાદ 4
16-5-1978 અમરેલી 3.2
22-9-1978 સુરેન્દ્રનગર 3.6
22-2-1979 ભાવનગર 3.3
26-2-1979 માળિયા 2.6
5-9-1979 ભાવનગર 3.6
16-9-1986 રાજુલા 3.8
9-8-1993 રાજુલા 3.1
24-8-1993 રાજુલા 4.0, 4.0, 2.4, 1.6, 2.0, 2.7, 3.1
25-8-1993 રાજુલા 3.2, 2.3
31-12-1993 રાજુલા 4.0
3-10-1995 રાજકોટ 3.5
28-11-1998 રાજકોટ 4.4
21-9-1999 ભાવનગર 2.5
31-1-2000 ભાવનગર 3.8
13-8-2000 તથા

ઑગસ્ટના છેલ્લા ત્રણ દિવસ

ભાવનગર 2.5થી 4.6

4.6

12/13-9-2000 ભાવનગર 4.6
22-9-2000 ભાવનગર 2.5
28-9-2000 ભાવનગર 2.2
21-10-2000 ભાવનગર 1થી 2

ગુજરાતનો ધરતીકંપ

2001નો ગુજરાતનો ભૂકંપ : 26 જાન્યુઆરી 2001ના રોજ સવારે 8.46 કલાકે રિક્ટર માપ 7.9(અમદાવાદમાં 6.9 અને પરદેશોમાં 7.9 નોંધાયેલો, NGRI હૈદરાબાદના વૈજ્ઞાનિક ડૉ. જે. જી. નેગીના મંતવ્ય મુજબ તે 8.1નો હતો.)ની તીવ્રતાના ગડગડાટી સહિત આવેલા અતિભીષણ ભૂકંપે લગભગ આખાય ગુજરાતને હચમચાવી નાખ્યું. સમગ્ર ભુજ, અંજાર, ભચાઉ તેમજ આજુબાજુનાં 600થી વધુ ગામો સિંધુ સંસ્કૃતિની ખીણના ધોળાવીરા અને મોંહે-જો-દડોની જેમ કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયાં. મોરબી, સુરેન્દ્રનગર, વઢવાણ તેમજ આજુબાજુનાં આશરે 70 જેટલાં ગામો પણ સાફ થઈ ગયાં. ભુજથી ઉત્તરે આવેલા ખાવડા સહિત પચ્છમ વિસ્તારના આશરે 60 જેટલા કસબા તારાજ થઈ ગયા. આ ભૂકંપનું નિર્ગમનકેન્દ્ર (epicentre) ભુજથી 20 કિમી. ઈશાનમાં,  જામનગરથી 110 કિમી. ઈશાનમાં, સિંધના હૈદરાબાદથી 290 કિમી. અગ્નિકોણમાં સ્થિત હતું. તેની નીચે રહેલું ભૂકંપકેન્દ્ર (focus) 23.6 કિમી. ઊંડાઈએ હતું. ભૂકંપ-નિર્ગમન-કેન્દ્ર નજીકના ધ્રંગ-લોડાઈ પાસે લગભગ 30 મીટર ઊંચાં પાણી ઊડ્યાં. આજુબાજુની ભૂમિસપાટી સોનેરી બની ગઈ તથા અહીં ક્યાંક બેથી ત્રણ મીટર લાંબી તિરાડો પડી અને તેમાંથી ઘેરા રંગનો પંકમિશ્રિત રગડો નીકળ્યો, તો ક્યાંક પોલાણો ઉદભવ્યાં. ધ્રંગના પ્રખ્યાત મેકરણદાદાની સમાધિવાળા મંદિરની બરાબર સામે ચાર કિમી. દૂર રણવિસ્તાર તરફ ભૂકંપના ગોઝારા અવશેષો માત્ર રહ્યા.

અમદાવાદ પણ ઝાપટમાં આવી ગયું. તેમાં મોટે ભાગે નવી બંધાયેલી ઘણીખરી ચાર મજલાની તેમજ અમુક બહુમાળી આવાસી ઇમારતો મુખ્ય આંચકા સાથે જ ધરાશાયી થઈ કે નમી ગઈ. કચ્છ અને અમદાવાદમાં બહુ મોટા પ્રમાણમાં જાનહાનિ અને માલમિલકતની ખુવારી થઈ. ગુજરાત રાજ્યના કચ્છ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગોધરા, આણંદ, વડોદરા, ભરૂચ અને સૂરત જિલ્લાઓમાં પણ ઓછુંવત્તું નુકસાન થયું. આ ભૂકંપ એટલો તો ભીષણ હતો કે ઉત્તર તરફ દિલ્હી, નેપાલ; પૂર્વ તરફ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં; દક્ષિણ તરફ મુંબઈ, બૅંગાલુરુ, ચેન્નઈ અને પુદુચેરીમાં તથા પાકિસ્તાનના કરાંચી, હૈદરાબાદ (સિંધ), ઇસ્લામાબાદ અને પેશાવાર સુધી તેની અસરો પહોંચી. દિલ્હીની ઑલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટની ઇમારતમાં તિરાડો પડી. ભુજ, અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને બૅંગાલુરુમાં ક્રમશ: મધ્યમ અને હળવા (5.9થી 1 સુધીના) પશ્ચાત્કંપો ચાલુ રહ્યા. બાલંભા (જામનગર) અને ખાવડા નજીક અમુક પ્રમાણમાં અતિ ગરમ પંકમિશ્રિત પ્રવાહી અને સ્યંદનો નીકળવાથી છિદ્રો રચાયાં. કહે છે કે તેમાંથી નીકળેલી ગરમી એટલી તો અસહ્ય હતી કે માત્ર 30 મીટર દૂર ઊભેલ માણસ ભડથું થઈ જાય.

1819ના તેમજ 1956ના કચ્છના ભૂકંપ પછી ગુજરાતમાં, છેલ્લાં 50 વર્ષના સ્વતંત્ર ભારતના ભૂકંપ-ઇતિહાસમાં અને દુનિયાભરના અતિભીષણ ભૂકંપો પૈકી ભયંકર તબાહી મચાવનાર આ એક અભૂતપૂર્વ ઘટના હતી. રાજ્ય, દેશ અને દુનિયાભરના લોકોને આ ભૂકંપે સ્તબ્ધ બનાવી દીધા. દિવસો સુધી સેંકડો પશ્ચાત્ આંચકા ચાલુ રહેલા. જાનહાનિ 35,000ના આંકને અને ઈજાગ્રસ્તોનો આંક 30,000ને વટાવી ગયો. હજારો કાટમાળ હેઠળ દટાયા અને લાખો બેઘર બની ગયા. ગુજરાતની સંપત્તિના નુકસાનનો આંક આશરે 25,000 કરોડને આંબી ગયો. દિનપ્રતિદિન આ સંખ્યા વધતી ગયેલી, ગુજરાતભરમાં હજારોની સંખ્યામાં મૃત્યુ થયાં. મૃતકો, ઘાયલો અને ભૂખતરસથી રિબાતા પરિવારોની વેદના પારાવાર હતી.

ભૂકંપ પહેલાં ગુજરાતનો હિસ્સો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ક્ષેત્રે 45 % ખનિજતેલ ઉત્પાદનક્ષેત્રે 33 % અને કુદરતી વાયુ ઉત્પાદનક્ષેત્રે 22 %, સુતરાઉ કાપડ-ઉત્પાદન – મગફળી ઉત્પાદન ક્ષેત્રે 30 % હતો. ગુજરાત રાજ્ય તરફથી કેન્દ્રને સૌથી વધુ સીધા કરવેરા મળતા હતા. ઔદ્યોગિક વિકાસદર 22 % હતો એટલું જ નહિ બધાં જ રાજ્યો પૈકી ગુજરાતનો વિકાસ દર સૌથી વધુ હતો. ગુજરાતમાં નાની મોટી આશરે 2000 કંપનીઓ અને 2.38 લાખ જેટલાં નાના એકમો હતાં. ભૂકંપ પછી 1500 કરોડ રૂપિયાનું નુકસાન મોટી ફેક્ટરીઓને થયું છે, 3000 કરોડ રૂપિયાનું નુકસાન માળખાકીય સુવિધાઓને થયું છે. ઈમારતી બાંધકામને લગતું નુકસાન આશરે 12,000થી 15,000 કરોડ જેટલું થયું છે. કંડલા બંદરે શ્રમિકો, કારીગરો વગેરેની ગેરહાજરીને લીધે કામ અટકી પડતાં રોજનું આશરે દોઢ કરોડ રૂપિયા લેખે નુકસાન થયું છે. આ ઉપરાંત કચ્છના લઘુઉદ્યોગો અને કુટિર-ઉદ્યોગોનો ખાત્મો બોલી ગયો છે. એ જ રીતે હીરા ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ તેમજ જરીભરત ઉદ્યોગને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

ભૂકંપને પાત્ર ગણાતા કચ્છ જિલ્લામાં છેલ્લી બે સદી દરમિયાન ભૂકંપની ઘટનાઓ અવારનવાર ઘટતી રહી છે. કચ્છમાં 1819, 1844, 1864, 1898, 1903, 1946, 1949, 1956 અને 2001ના ભૂકંપોએ કારમા ઘા ઝીંક્યા કર્યા છે. 16 જૂન 1819ના રોજ કચ્છ-સિંધ સરહદે થયેલા 8ની તીવ્રતાવાળા ભૂકંપથી 140 કિમી. વિસ્તારમાં સ્થાનભેદે 1થી 8 મીટર પહોળી ફાટ સર્જાઈ હતી, ત્યાં તે પછી 90 કિમી. લાંબો, 20 કિમી. પહોળો અને 4.5 મીટર ઊંચો ‘અલ્લાહ બંધ’ નામે જાણીતો ટેકરો આપોઆપ રચાઈ ગયેલો તે હજી આજે પણ જોવા મળે છે; ત્યારે ધક્કો એટલો તો પ્રચંડ હતો કે સિંધુ નદીનો એક ફાંટો (કચ્છની નરા નદી – કોરી શાખા) જે કચ્છ તરફ વહેતો હતો તે ભૂમિ-ઉત્થાનથી પશ્ચિમ તરફ ફંટાઈ ગયેલો, સાથે સાથે કચ્છનું સિંદરી બંદર નવસર્જિત સરોવરમાં ફેરવાઈને ગરક થઈ ગયું હતું. આ ભૂકંપની અસર 1,600 કિમી.ની ત્રિજ્યામાં વરતાઈ હતી. તે પછી 1956માં આવેલા 7ની તીવ્રતાવાળા ભૂકંપથી આખું ને આખું અંજાર જમીનદોસ્ત થઈ ગયેલું, જે ફરીથી વસેલું, પણ 2001માં થયેલ ભૂકંપથી ફરી તારાજ થઈ ગયું.

ભુજ-ભચાઉ રસ્તા પરની ફાટો.

ભુજમાં પચાસ ટકા અને ભચાઉ, રાપર, અંજારમાં તેથી વધુ પ્રમાણમાં આવાસો તૂટી પડ્યા. કેટલાય લોકો કાટમાળ નીચે દટાયા. અસંખ્ય લાશો એક પછી એક મળતી ગઈ. થોડા વખત પહેલાં થયેલા ભયંકર વાવાઝોડાની તારાજીની હજી કળ વળી ન હતી તે કંડલા બંદરને પણ પુષ્કળ નુકસાન પહોંચ્યું. મકાનો અને કાર્યાલયો તૂટી કે બેસી ગયાં. માર્ગો પર ફાટો પડી. ભૂમિખસેડ થયા. જૂના કંડલા બંદરમાંની ટાંકી ફાટવાથી ઝેરી અને દહનશીલ રસાયણ એક્રોનાઇટ્રાઇલ (ACN) ફેલાયેલું તેમજ રસ્તાઓની ફાટોમાં સમુદ્રજળ પ્રવેશવાથી અને પાછું નીકળવાથી ચીકાશવાળું પાણી પ્રસર્યું. ભુજ, ભચાઉના માર્ગ પર અસંખ્ય ફાટો પડી. ભચાઉના ઘણા ભાગ બેસી ગયા. ભુજનાં સ્વામિનારાયણ મંદિર, દરબારગઢ, સિવિલ હૉસ્પિટલ, 1887માં 114 વર્ષ જૂનું વિવિધ સાંસ્કૃતિક-ઐતિહાસિક અજાયબીઓ ધરાવતું સંગ્રહાલય અને 475 વર્ષ જૂનો કોટ તથા અંજારની જેસલ-તોરલની સમાધિ ખંડિયેર બની ગયાં. કચ્છને ગુજરાતની મુખ્ય ભૂમિ સાથે જોડતો સમખિયાણી પાસેનો સૂરજબારી પુલ નુકસાન પામ્યો. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તથા અસંખ્ય સેવાભાવી લોકો બચાવકાર્ય અને સેવાકાર્યમાં લાગી ગયા. સડતાં શબો અને મરેલાં પશુઓને કારણે રોગચાળો  ફેલાવાની દહેશતથી બચેલા લગભગ બધા જ લોકો શક્ય હોય તે રીતે હિજરત કરી ગયા.

ભુજનો ભૂકંપ-ધ્વસ્ત દરબારગઢ

કચ્છના મોટા રણના ઉત્તર ભાગમાં સરહદ નજીક થોડા મિમી.થી માંડીને થોડા સેમી.ના તથા વધુમાં વધુ એક મીટરથી ઓછા વ્યાસવાળા હજારો શંકુગર્ત રચાયા. અહીંની ઘણી કેડીઓ ક્ષારની જાડી પોપડીથી તેમજ ભસ્મ અને ખનિજીય દ્રવ્યના મિશ્રણથી છવાઈ ગઈ. પાણી ફૂટીને નીકળી આવ્યું હોવાની સાક્ષી પૂરતો લાંબો પ્રવાહ વહેતો રહી થોડા દિવસોમાં શોષાઈ ગયો, પરંતુ ત્યાંનો નીચેનો ભૂમિથર ભીનો રહેલો.

સરહદ નજીકની સુરક્ષા ચોકીઓના સૈનિકો પૈકીના એક જવાને આંખે દેખ્યો ચિતાર વર્ણવતાં જણાવેલું કે મુખ્ય ભૂકંપના દિવસે સવારે જ્યાં તેઓ ફરજ પર હતા ત્યાંની ભૂમિ તેમને જળસપાટી પર તરતી અને ડોલતી નૌકામાં બેઠેલા હોય એવી ભાસેલી, તેમની સામેના થોડેક દૂરના આજુબાજુના ભાગોમાં આશરે 60 સેમી. જેટલી ઊંચાઈના જળસ્ફોટ થયેલા અને વધુ ઊંચા બનતા ગયેલા, તે દિવસે સાંજ સુધી ફુવારા ઊડવાનું ચાલુ રહેલું, સાંજ પછી તેમનો વેગ ઘટતો ગયેલો, પરંતુ થોડાક દિવસો સુધી આ ઘટના ચાલુ રહેલી. પરિણામે આજુબાજુનો બધો જ ભાગ પૂર પ્રસરેલાં પાણી જેવો બની રહેલો. આ ઘટનાનાં ચિહ્નો બાવરલા બેટ સુધી આશરે 30થી 40 કિમી.ના વિસ્તારમાં જોવા મળેલાં. અલ્લાહ બંધના ટેકરામાં પણ થોડાઘણા ફેરફારો ઉદભવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થાય છે, પરંતુ તેની વધુ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી.

26 જાન્યુઆરી 2001નો સવારે 8.46 કલાકે થયેલો આ ભૂકંપ 16 જૂન 1819ના સવારે 6.45 કલાકે થયેલા ભૂકંપની તારાજીનું પુનરાવર્તન કરતો હોવાનું જણાયું છે. અંજાર ખાતેના તત્કાલીન બ્રિટિશ એજન્ટ કૅપ્ટન મૅકમર્ડોએ સ્વયં લખેલી નોંધની વિગતો નીચે મુજબ છે : 1819ના ભૂકંપ ટાણે સવારે તેઓ ટેકરીના મથાળે આવેલા આવાસની અગાશીમાં મિત્રો સાથે આરામ કરી રહ્યા હતા. મકાનો, નાની-મોટી ઇમારતો અને સ્થાપત્યોને થયેલું નુકસાન, આજુબાજુનાં ગામડાંની તારાજી, ભૂમિ ફાડીને નીકળી આવેલાં પાણી, પશુઓ પરની અસરો બધું જ આ ભૂકંપની અસરો સાથે સરખાપણું દર્શાવે છે, ફેર માત્ર વસ્તીના પ્રમાણનો જ છે. ત્યારે પણ જૂનથી નવેમ્બર સુધી અવારનવાર પશ્ચાત્કંપો આવ્યા કરેલા. ઘણાં સ્થળોમાં ભૂગર્ભજળસપાટી ઉપર તરફ ઊંચકાઈ આવેલી. અગાઉ જ્યાં ખારાં પાણી મળતાં હતાં ત્યાં મીઠાં પાણી મળતાં થયેલાં. અલ્લાહ બંધની રચના, સિંધુ નદીનો પ્રવાહ ફંટાવો, રણની કિનારી પરનું સિંદરી ગામ પૂરગ્રસ્ત થઈ જવું, ભૂમિફાટો પડવી – વગેરે ઘટનાઓ પૈકી ઘણીખરી ઘટનાઓનું પુનરાવર્તન થયું છે. તે વખતના ભૂકંપ અગાઉ સિંધુ નદીના મુખથી અંદર તરફ નાની-મોટી ભરતી દરમિયાન અનુક્રમે 30 સેમી. અને 1.80 મીટર પાણીનો ભરાવો થતો હતો જ્યારે ભૂકંપ પછી 5.40 મીટર જેટલાં પાણી ચઢેલાં રહેતાં હતાં. મૅકમર્ડોએ લખ્યું છે કે જે આરામખુરશી પર તેઓ બેઠેલા હતા તે પણ ઊંચી ઊછળી હતી. (આવી જ ક્રિયા આ વખતે પણ બની હતી.) આગલી (15–6–1819) સાંજ રળિયામણી હતી, ભૂકંપ આવવાના કોઈ અણસાર ન હતા. ત્યારે પણ દોઢથી બે મિનિટ સુધી ચાલુ રહેલા ભૂકંપ વખતે બારીબારણાં થોડી મિનિટો સુધી અથડાયાં હતાં. અંજારના કિલ્લાનો કોટ અને 7,000 મકાનો ધરાશાયી થયેલાં. હજારો લોકો મરણ પામેલા, બચી ગયેલા લોકો આઘાત પામેલા. ત્યારે પણ ભયના ઓથાર હેઠળ લોકોએ દિવસો વિતાવેલા. વહેમ અને અંધશ્રદ્ધા ફેલાયેલાં. મંદિરો અને મસ્જિદોમાં પ્રાર્થનાઓ અને બંદગીઓ થયેલી. મૅકમર્ડો એ પણ જણાવે છે કે ઘોડાઓ અને પક્ષીઓ વ્યથિત બનેલાં, હાથીખાનામાંથી હાથીઓએ નાસભાગ કરી મૂકેલી. કેટલાક લોકોએ લાવાના અગનગોળા ઊંચા ઊછળીને, ટુકડાઓમાં વિભાજિત થઈને નીચે પટકાતા નિહાળેલા. માતાના મઢનું મંદિર નાશ પામેલું, જેનું પુનર્નિર્માણ 1823માં કરવામાં આવેલું. મૅકમર્ડોની આ બધી વિગતો 2001ના આ ભૂકંપ સાથે આબેહૂબ મળતી આવે છે. ‘ગુજરાત એક દર્શન’ પુસ્તકમાં તેનો આબેહૂબ ચિતાર રજૂ કરેલો છે.

ભુજથી પૂર્વે રેખીય દિશામાં આવેલા અમદાવાદ (23° 02’ ઉ. અ.) માટે તો આ ભૂકંપ કલ્પના બહારની ઘટના હતી. મેઘગર્જનાની જેમ ગડગડાટી સાથે ધરતી ધ્રૂજી ઊઠેલી. લોકો બેબાકળા, ભયભીત અને સ્તબ્ધ બની ગયેલા. ડોલતાં મકાનોમાંથી દાદરાઓ ઊતરવામાં, ઘર બહાર દોડી જવામાં અને ઊભા રહેવામાં સમતોલપણું જળવાતું ન હતું. દૂરદર્શનનો ટાવર, વીજળી અને ટેલિફોનના થાંભલા તેમજ વૃક્ષો ડોલતાં નજરે પડેલાં. ક્ષણોમાં તો ચાર મજલાની અને થાંભલાઓ પરની ઘણી નવી બહુમાળી ઇમારતો પત્તાંના મહેલની જેમ કડડભૂસ તૂટી પડી, નીચેનાં વાહનો ચગદાઈ ગયાં. કેટલાક દટાઈ મર્યા, કેટલાક ફસાઈ ગયા, કેટલાક પોલાણોમાં જીવતા રહ્યા. વિશેષે કરીને વસ્ત્રાપુર, સૅટેલાઇટ અને મણિનગરમાં આવી તારાજી વધુ થઈ. ભદ્રના કિલ્લાનો ભાગ, શાહઆલમના રોજાનો ઘુમટ, રાયપુર દરવાજાનો મથાળાનો

ભદ્રનો કિલ્લો

શાહઆલમનો રોજો

ભાગ તથા ગોમતીપુરના હાલતા મિનારાનો ઉપરનો ભાગ તૂટી પડ્યા. નહેરુ પુલના માર્ગમાં 30 સેમી. જેટલી પહોળી આડી ફાટ પડી. ઘોડાસરની એક શાળામાં ઘણા વિદ્યાર્થીઓ દટાઈ ગયા. કચ્છમાં ભૂકંપની શરૂઆત બાદ પાંચ કિમી. પ્રતિ સેકંડની ઝડપે વર્તુળાકારમાં 2,400 કિમી.ના  વિસ્તારમાં અસર પ્રસરી ગઈ, અમદાવાદનું આશરે 350 કિમી. સુધીનું અંતર વટાવતાં ભૂકંપ-તરંગોને માત્ર 80 સેકંડ જ લાગેલી. 26મી જાન્યુઆરી પછીની ઘણી રાતો લોકોએ ચાલુ રહેલા પશ્ચઆંચકાઓની બીકથી કડકડતી ઠંડીમાં ઘર બહાર ઓટલા પર, આંગણામાં, માર્ગો પર કે વાહનોમાં વિતાવી. ઇજાગ્રસ્તોના ધસારાથી હૉસ્પિટલો ખીચોખીચ ભરાઈ ગયેલી. ભારતની ત્રણે પાંખોની સેનાના સૈનિકોએ તેમજ સ્વિટ્ઝર્લૅન્ડની ટુકડીએ બચાવકાર્ય શરૂ કરી દીધેલું. બધે પહોંચી વળવામાં સાધનોની કમી વરતાતી હતી. શબોને અગ્નિદાહ દેવામાં સ્મશાનોમાં કતારો લાગેલી. ભુજમાં તો અંતિમવિધિમાં લાકડાંના અભાવે ટાયરો, પેટ્રોલ, ડિઝલ વગેરેનો પણ ઉપયોગ કરવો પડેલો. ભુજની જેમ અમદાવાદમાંથી પણ લોકોની હિજરત શરૂ થઈ ગયેલી.

અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાંનાં નિરીક્ષણો મુજબ મુખ્ય આંચકાની પાંચ મિનિટ અગાઉથી અશોક નામનો હાથી પહોળા પગ રાખી નીચે બેસી ગયેલો; વાઘ-સિંહે દોડાદોડ કરી મૂકેલી; અજગર, લવબર્ડ, પોપટ અને ચકલાંના વર્તનમાં ફેરફાર જોવા મળેલો. સંગ્રહાલયને પારાવાર નુકસાન થયેલું.

ફૂટી નીકળેલો જળપ્રવાહ. આગળના ભાગમાં ઉદભવેલી પંકતડો.

એક ખેતરમાં તૈયાર થયેલો રેતાળ પંકશંકુ. આશરે 15 સેમી. વ્યાસ.

વચ્ચેનો ભાગ 15થી 20 સેમી. જેટલો નીચે બેસી ગયો છે અને રેખીય ગર્ત રચાયું છે.

ભૂમિફાટો-ભૂમિઅવતલન

નદીપટમાં થયેલો ભૂમિખસેડ. ભૂકંપ સમયે જેમાંથી ગરમ પાણીના ફુવારા ઊડેલા એવા ઊંડા શંકુઓ

ભૂકંપના એક અઠવાડિયા દરમિયાનનાં નિરીક્ષણો પરથી જાણવા મળેલું કે ભૂપૃષ્ઠના અધ:સ્તર પર લાગેલા ઉપર તરફના ધક્કાથી અમદાવાદ-ગાંધીનગર વિસ્તારની ભૂગર્ભજળસપાટી 25 મિમી. જેટલી ઊંચકાઈ આવેલી. વાંકાનેર પંથક, હળવદ, ધ્રાંગધ્રા અને પાટડીની આજુબાજુમાં પણ એવી જ ભૂગર્ભજળ સ્થિતિ ઊભી થયેલી. ગુજરાતમાં કચ્છ જિલ્લાના સીમાવર્તી વિસ્તારનાં કેટલાંક સ્થળોમાં ખારાં, મીઠાં, પંકમિશ્રિત જળ કે ઝરા ફૂટી નીકળેલાં. આ બધાં સ્થળો રણની કિનારી નજીક આવેલાં છે. સિંધુ નદીનાં જળ અધોભૂમિસ્તરમાં ફંટાયાં હોય એમ જણાયેલું, કારણ કે હાજીપુર, જૂનાગ્રામ, બન્ની અને નખત્રાણાના ભાગોમાં જ્યાં ખારાં પાણી મળતાં હતાં ત્યાં મીઠાં પાણી મળતાં થયેલાં, એટલું જ નહિ, ક્યાંક ક્યાંક તો સપાટી પર પણ તે વહેતાં થયેલાં.

રાજ્યભરમાં થયેલા કરોડોના નુકસાન સામે કેન્દ્ર સરકાર તરફથી 500 કરોડ રૂપિયાની તેમજ ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યો તરફથી તાત્કાલિક સહાય જાહેર કરવામાં આવી. વિશ્વબૅંક, સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુનિસેફ, વિશ્વઆરોગ્ય સંસ્થા, બ્રિટન, નૉર્વે, હૉલેન્ડ, આયર્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, યુ.એસ., કૅનેડા, સ્વિટ્ઝર્લૅન્ડ, રશિયા, ચીન, જાપાન, ઇઝરાયલ, પાકિસ્તાન, સિંગાપોર વગેરે દેશોએ રોકડ સહાય, ઔષધો, તબીબી સહાય, જનરેટર, ધાબળા અને અન્ય સાધનોની સહાયની જાહેરાત કરી દીધી. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તેમજ લોકો તરફથી ખાદ્યસામગ્રી, દૂધ, દવાઓ, લાકડાં વગેરે જેવી જરૂરિયાતો તાત્કાલિક પહોંચાડાઈ. કેટલીક ઔદ્યોગિક કંપનીઓએ પુનર્વસવાટની વ્યવસ્થા કરી આપવાની જાહેરાત કરી.

ભૂકંપ વિશેષજ્ઞ ડૉ. વિનોદ ગૌરે પ્રાથમિક અહેવાલમાં જણાવેલું કે 1819ના 8 તીવ્રતાવાળા કચ્છના ભૂકંપ પછી એટલી જ માત્રાનો આ બીજો મોટો ભૂકંપ હતો. તેની તાકાત 5.3 મૅગાટનના હાઈડ્રોજન બૉંબને સમકક્ષ હતી. આ ભૂકંપ થવાનું સંભવિત કારણ અહીંથી પસાર થતા વાયવ્ય-અગ્નિ-ઈશાન (NNW-SSE-NNE) વક્રરેખીય દિશાવાળા ધસારા-સ્તરભંગ(thrust fault)ની આંતરિક સપાટી પર થયેલા ખસેડને ગણાવ્યું છે. ભારતીય ભૂતકતીનો અહીંનો 80 x 10 કિમી. જેટલો વિભાગ લગભગ 80 સેમી. ખસ્યો હોવો જોઈએ. છ માસ અગાઉના ભાવનગરના મહત્તમ 4.6 તીવ્રતાવાળા તેમજ હળવા પશ્ચાત્કંપોને આ મહાભૂકંપ માટેના પૂર્વ આંચકાઓ(preshocks)રૂપે ઘટાવાયા હોત અને તે સંદર્ભમાં અભ્યાસ કરીને તેમનું અર્થઘટન કરાયું હોત તો કદાચ આ ભૂકંપ માટે સલામતીનાં આગોતરાં પગલાં લઈ શકાયાં હોત અને આટલી ભયંકર હોનારતને કંઈક અંશે તો ઘટાડી શકાઈ હોત ! ડિસેમ્બર 2000માં પણ ભુજ અને રાજકોટમાં ભૂકંપનો આંચકો (પૂર્વ કંપ) આવ્યો હતો.

ભૂવિજ્ઞાન કેન્દ્ર, તિરુવનંતપુરમના સી. પી. રાજેન્દ્રનના જણાવ્યા મુજબ ભૂકંપને પાત્ર ગણાતો કચ્છનો આ વિભાગ ભારત માટે વર્ગીકૃત કરેલા પાંચમા ઝોનમાં આવે છે, તેઓ પણ સ્તરભંગ-ખસેડને જ જવાબદાર લેખે છે. 1819નો ભૂકંપ પણ આ વિભાગમાં જ થયેલો. તેઓ જણાવે છે કે કેરળના તિરુવનંતપુર ખાતેના ભૂવિજ્ઞાન કેન્દ્ર દ્વારા 1819માં કચ્છમાં આવેલા ભૂકંપથી ઉદભવેલી તિરાડોવાળા પ્રદેશનો ત્રણ વર્ષ સુધી તલસ્પર્શી અભ્યાસ કર્યા પછી નવેમ્બર 2000માં ચેતવણી આપવામાં આવી હતી કે કચ્છ માટે ભૂકંપયંત્ર અસામાન્ય દોષ દર્શાવે છે, જેને પરિણામે 7.0 કે તેથી વધુ રિક્ટર માપની તીવ્રતાવાળો ભૂકંપ થવાની સંભાવના છે. ભૂમિમાં તિરાડો પડવાની પ્રક્રિયામાં વિક્ષેપો ઊભા થતાં આટલી તીવ્રતાવાળો ભૂકંપ થવાની દહેશત છે. ભૂકંપીય નિષ્ણાતોની ગણતરી મુજબ આવા ભીષણ ભૂકંપોનાં આવર્તનો થવા માટેનો સમયગાળો સામાન્ય રીતે તો 1,000 વર્ષનો મુકાયેલો છે. (નવમી સદીમાં અહીં આવો ભૂકંપ થયેલો.) જ્યારે આ ભૂકંપ તો માત્ર 182 વર્ષના ટૂંકા ગાળામાં આવી ગયો !

કચ્છ-અમદાવાદનો ભૂકંપ 6.9/7.9ની તીવ્રતાવાળો હતો એવું બહાર પડેલું, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ જિયૉલોજિકલ સર્વે(USGS)ના અહેવાલ મુજબ આ ભૂકંપ દુનિયાભરના દેશોનાં 200 જેટલાં ભૂકંપનોંધમથકો પર ખરેખર 8.1 નોંધાયેલો. 8.1ની તીવ્રતાને માન્ય રાખીને તેની યથાર્થતા માટે NGRI હૈદરાબાદના ભૂસ્તરશાસ્ત્રી ડૉ. જે. જી. નેગી સપ્ટેમ્બર 1985માં મેક્સિકોમાં થયેલા 8.1ની તીવ્રતાવાળા ભૂકંપનું ઉદાહરણ ટાંકીને કહે છે કે તેનાથી આખુંય મેક્સિકો શહેર બરોબર આ રીતે જ નાશ પામેલું; જો આ ભૂકંપ 8ની તીવ્રતાથી ઓછો હોય તો 350 કિમી. અંતરે આવેલા અમદાવાદમાં આટલા મોટા પાયા પર ખુવારી થઈ શકે નહિ. તેઓ ઉમેરે છે કે અમદાવાદમાં તારાજી થવાનું બીજું કારણ એ પણ છે કે તે 4 કિમી. જાડાઈના સાબરમતી નદીના નબળા કાંપ આવરણ પર વસેલું છે, જેમાં ભૂકંપ-ક્રિયાશીલતા વધુ અસરકારક બની રહી, જ્યારે રાજકોટ અને જામનગર સખત ખડકો પર હોવાથી ત્યાં ઓછી અસર પડી. આ ભૂકંપથી 100 કિમી. જાડાઈ ધરાવતી સમગ્ર ભારતીય ભૂતકતી ઉત્તર તરફ કાશ્મીર અને દક્ષિણ તરફ કન્યાકુમારી સુધી હચમચી ગઈ હતી. 1819ના ભૂકંપને યાદ કરીને ડૉ. નેગી કહે છે કે ત્યારે આશરે 5,000 કિમી.નો વિસ્તાર ભૂમિમાં 4.5 મીટર જેટલો ગરક થઈ ગયેલો તેમજ 1,500 ચોકિમી. જેટલો વિસ્તાર 4.5 મીટર ઊંચકાઈ આવેલો (અલ્લાહ બંધ). આ અલ્લાહ બંધ વિસ્તારમાં 1990માં ભૂસ્તરવિદોએ કરેલા ભૂકંપીય ધ્વનિમાપન અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે અહીં 22 કિમી.ની ઊંડાઈએ ભૂકંપીય સાતત્યભંગ (seismic discontinuity) અસ્તિત્વ ધરાવે છે, જ્યાં 1819ના ભૂકંપ પછીનાં 182 વર્ષ સુધી પ્રતિબળો સંચિત થતાં રહીને છેવટે 2001માં તે ભૂકંપીય ઊર્જારૂપે વિસ્ફોટ પામ્યાં છે. કચ્છનો ભૂકંપીય વિભાગ એક રીતે જોતાં કચ્છ આરપાર પસાર થતી ફાટ (rift), ખંભાતના ગર્તની ફાટ અને અરવલ્લી હારમાળાને ત્રિભેટે આવેલો છે; પ્રતિબળોની આટલી સંચયક્ષમતા બે ફાટ અને હારમાળા વચ્ચેના સમગ્ર ભાગના ભૂતળમાં જ સંભવી શકે, એક સ્તરભંગ માટે તે શક્ય નથી. ગુજરાતમાં વધુમાં વધુ 6.5ની તીવ્રતા સુધીના પશ્ચાત્કંપોની શક્યતાઓને પણ તેઓ નકારતા નથી, અને તેમનું ભૂકંપ-નિર્ગમનકેન્દ્ર અલ્લાહ બંધની નજીકમાં હશે.

દહેરાદૂન-સ્થિત વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિમાલયન જિયૉલૉજીના ડાયરેક્ટર અને નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટના નિષ્ણાતના જણાવ્યા મુજબ આ ભૂકંપની તાકાત ઉત્તરાંચલના ચમોલીના ભૂકંપ કરતાં દસગણી હતી અને ઉદભવેલી ઊર્જા ત્રીસગણી હતી. તેમણે એ પણ ઉમેર્યું હતું કે 25મી જાન્યુઆરીએ રેડૉન ગૅસનું પ્રમાણ તેની મહત્તમ કક્ષાએ પહોંચેલું, જે આ હોનારતની પૂર્વચેતવણીરૂપ ગણાય. પરંતુ આ પ્રકારની હિલચાલ નોંધવા માટેનાં પૂરતાં સાધનો ઉપલબ્ધ ન હોવાથી આ માટેની આધારસામગ્રી (data) ભેગી કરવાનું શક્ય ન હતું.

બૅંગ્લોરના જે. એન. સેન્ટર ફૉર ઍડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના પ્રો. વાલ્દિયા કહે છે કે આવો મોટો ભૂકંપ ઓછામાં ઓછા બે મહિના (કદાચ ચાર કે વધુ મહિના) સુધી તેની પાછળ ક્રમશ: ઓછી તીવ્રતાવાળા પશ્ચાત્કંપો લાવ્યા કરશે. (મુખ્ય આંચકા પછી અઠવાડિયામાં જ આશરે 500 જેટલા – 5થી 6 વચ્ચેના થોડા, 4થી 5 વચ્ચેના થોડા વધુ અને 1થી 3 વચ્ચેના ઘણા–આંચકા અવારનવાર આવેલા.) તેઓ વધુમાં ઉમેરે છે કે આ મોટા ભૂકંપે તે જ વખતે તેની ઘણીખરી ઊર્જા તો મુક્ત કરી દીધી હશે જ, તેમ છતાં બાકી રહેલી ઊર્જા પશ્ચાત્કંપો મારફતે નીકળ્યા કરશે. ડૉ. ગૌરે ભૂકંપ-નિષ્ણાતોને અન્વેષણો કરીને તલસ્પર્શી માહિતી એકત્ર કરવાનો અને તેનાં અર્થઘટનો કરવાનો અનુરોધ કર્યો છે. આ ઉપરાંત લાતુર, જબલપુર, ચમોલી અને ભુજ-અમદાવાદના ભૂકંપ થયા પછી ભારતનાં ભૂકંપક્ષેત્રોના વર્ગીકરણ-વિતરણની ચકાસણી માટે માગણી ઊભી થઈ છે.

દિલ્હીસ્થિત જે. એન. યુનિવર્સિટી ખાતેના પર્યાવરણ વિભાગના પ્રો. ડૉ. સૌમિત્ર મુખરજીએ જણાવ્યું છે કે આધુનિક વિજ્ઞાનના ફલસ્વરૂપે ભૂકંપની પૂર્વમાહિતી મેળવવી શક્ય છે. તેમણે ગુજરાતમાં ભૂકંપ આવવાની શક્યતા અંગે સરકારને આગોતરી જાણ કરેલી. એક મીડિયા ચૅનલ દ્વારા ઑક્ટોબર 2000માં સરકારને માહિતી આપી હતી. આ માહિતી જર્નલ ઑવ્ ઇન્ડિયન સોસાયટી ઑવ્ રિમોટ સેન્સિંગમાં એક પેપર સ્વરૂપે પ્રગટ થઈ હતી. આ ઉપરાંત પશ્ચિમ સમુદ્રના કાંઠાના વિસ્તારો, જબલપુર અને ઉત્તર-પૂર્વીય પ્રદેશો સહિત આંદામાન-નિકોબાર ટાપુઓમાં 2001ના એપ્રિલ સુધી ભૂકંપનો ગંભીર ખતરો હજીય તોળાઈ રહ્યો છે, એવું આ અગ્રણી વૈજ્ઞાનિકે જણાવ્યું છે. બંધોને પણ નુકસાન થવા અંગે ચેતવણી ઉચ્ચારી છે. તેઓ કહે છે કે આઈ. આર. એસ. 1સી. સૅટેલાઇટ પરથી રિમોટ સેન્સિંગ ડેટાનાં પૃથક્કરણ કરી ભૂકંપ અંગે આગોતરી માહિતી મેળવવી શક્ય છે. તેઓ ઉમેરે છે કે પૃથ્વીના ભૂરાસાયણિક બંધારણમાં ફેરફારો થાય છે ત્યારે ઉદભવતી ગરમીને કારણે ભૂકંપ થાય છે.

ગુજરાતના વિનાશકારી ભૂકંપે ઊંચી તીવ્રતાને પાત્ર રહેતા આસામ રાજ્યને સજાગ કરી મૂક્યું છે. વિશેષજ્ઞો અહીં 2010 પહેલાં ગમે ત્યારે 8 કે વધુ તીવ્રતાવાળો ભૂકંપ આવવાની શક્યતાને નકારતા નથી. પર્યાવરણવિજ્ઞાની પ્રો. એસ. કે. શર્માએ ઈશાન ભારતમાં ભૂકંપીય પરિસ્થિતિ પર ઘનિષ્ઠ સંશોધન કર્યું છે. તેઓ કહે છે કે આ વિસ્તારમાં પ્રતિબળો એકત્રિત થતાં જાય છે. અહીં ભૂકંપને પાત્ર વિસ્તારોનાં ત્રણ જૂથો આવેલાં છે, તે પૈકી 1988માં બિહાર-નેપાલ સીમા પર એક ભૂકંપ તો થઈ ગયો છે. સમય વીતવાની સાથે સાથે દાબના તરંગોની ગતિના ગુણોત્તરમાં અસંગતતાનો દોષ જણાયો છે તથા ઓછી તીવ્રતાવાળા ભૂકંપોની સંખ્યા અહીં વધતી રહી છે, જ્યારે વધુ તીવ્રતાવાળા ભૂકંપોની સંખ્યા ઘટતી રહી છે; તેમણે આ હકીકતને પ્રયોગોની મદદથી સમજાવી પણ છે. આ ઉપરાંત તેમણે આ વિસ્તાર(ઈશાન ભારત)ના પશ્ચિમ ભાગમાં નજીકનાં થોડાંક વર્ષોમાં વધુ તીવ્રતાવાળો ભૂકંપ થવાની સંભાવનાનો અણસાર આપ્યો છે. આ ભૂકંપ જેટલો મોડો થશે તેટલી તેની તીવ્રતા પણ વધી જશે, જ્યારે પણ થશે ત્યારે તે 1897 અને 1950ના ભૂકંપોને સમકક્ષ હશે ! બ્રહ્મપુત્ર અને શાખા- નદીઓ કદાચ તેમનાં વહેણ બદલી નાખશે તેમજ ભૂમિ કદાચ વસવાટને યોગ્ય રહેશે નહિ. નરમ ભૂમિ અને ટેકરીઓના ઢોળાવો પરનાં બાંધકામો ડોલવાથી કે નમી જવાથી પડી જશે.

આ ચેતવણીને લક્ષમાં લઈને આસામ સરકારે રાજ્યના દરેક જિલ્લા તથા તેના ઉપવિભાગીય મથકો માટે સાવચેતી લેવા અને આવતી ઘટનાને પહોંચી વળવા હોનારત વ્યવસ્થા સમિતિ (diaster management committee) નીમી રાખી છે. એવા સંજોગો આવી પડે તો તે પ્રમાણેનાં મકાનો બનાવવાની અને જનજાગૃતિ કેળવવાની તકેદારી રાખી છે. ઈશાન ભારતમાં 1897 અને 1950ના જે મોટા ભૂકંપ થયેલા તે વર્ષાઋતુ દરમિયાન ભયંકર પૂર પછી થયેલા છે. ઈશાન ભારતનો 90° પૂર્વ રેખાંશની પશ્ચિમ તરફનો ભાગ વધુ તીવ્રતાવાળા ભૂકંપોને પાત્ર ગણાય છે, તેનાં ઉદાહરણોરૂપે સર એડવર્ડ ગેઇટે તેમના પુસ્તક ‘આસામનો ઇતિહાસ’માં 1548, 1596, 1642, 1663, 1696, 1714, 1869 અને 1875ના વિનાશકારી ભૂકંપોનો ઉલ્લેખ કરેલો છે. છેલ્લાં 100 વર્ષો દરમિયાન ભીષણ ભૂકંપોમાં 1897, 1918, 1930, 1950 અને 1967ના ભૂકંપોનો સમાવેશ થાય છે, તે પૈકી 1897 અને 1950ના ભૂકંપો 8.7 અને 8.5 તીવ્રતાવાળા હતા.

(ભુજ-અમદાવાદના ભૂકંપની વિગતો તેમજ વિશેષજ્ઞોના સંકેત 26 જાન્યુઆરી 2001 પછીનાં વર્તમાનપત્રોની માહિતી અનુસાર છે.)

સારણી 10 : છેલ્લી ચાર સદી દરમિયાન ગુજરાતમાં થયેલા ભૂકંપ

વર્ષ સ્થળ/વિસ્તાર અસર
1684 ખંભાતનો તટપ્રદેશ સૂરત સુધી અસર
1819 કચ્છ વિસ્તાર અલ્લાહ બંધ રચના
1820 ભુજ વિસ્તાર
1821 ખેડા જિલ્લો
1828 ભુજ વિસ્તાર
1842 વડોદરા
1843 અમદાવાદ 8 મિનિટમાં ચાર આંચકા
1844 ભુજ અલ્લાહ બંધની પહોળાઈ વધી
1845 કચ્છ જિલ્લો લખપતના કિલ્લાની દીવાલ તૂટી 60 આંચકા
1864 અમદાવાદ-ખેડા આબુ સુધી અસર
1889 ભુજ
1903 ભુજ
1919 ભાવનગર
1922 સુરેન્દ્રનગર પાટડી વિસ્તાર
1935 કપડવંજ
1938 ભાવનગર મકાનો પડ્યાં
1940 રાજકોટ, દ્વારકા
1950 કચ્છનું રણ
1956 અંજાર, રતલામ, સુખપુર, ઝૂરણ 115 મોત
1960 અમરેલી સતત 17 દિવસ સુધી આંચકા
1962 પાલીતાણા, ઉત્તર ગુજરાત  આબુ સુધી અસર
1967 વલસાડ
1970 ભરૂચ 26 મોત, 175 ઘર પડી ગયાં, નર્મદાકાંઠે ફાટો પડી
1997 ભાવનગર
2000 અમરેલી, ભાવનગર ઑગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં પશ્ચાત્ આંચકાઓ ચાલુ રહ્યા
2001 ભુજ-અમદાવાદ 26 જાન્યુઆરી પછી આંચકાઓ ચાલુ રહ્યા.

આગાહી, નિયંત્રણ અને સાવચેતી : ભૂકંપની આગાહીની સમસ્યાનો ઉકેલ વાસ્તવિક ર્દષ્ટિએ વિચારતાં આભાસી અથવા ભ્રામક નીવડે તેમ છે. ચક્રવાતી વાવાઝોડાં, પૂર કે જ્વાળામુખી પ્રસ્ફુટનની આગાહી થઈ શકે છે, પરંતુ ભવિષ્યનો ભૂકંપ ક્યાં, ક્યારે થશે, કેટલી તીવ્રતાવાળો તથા કેવો હશે ?……. એવા પ્રશ્નો વધુ ઊંડો વિચાર માગી લે છે. ભૂકંપની આગાહી માટેનાં વૈજ્ઞાનિક સાધનો વિકસાવવાની જરૂરિયાત એવા પ્રદેશો માટે હોવી જોઈએ જ્યાં વિનાશકારી ભૂકંપો અવારનવાર થતા હોય; વળી આગાહી એવી હોવી જોઈએ જે હવે પછીના ભૂકંપનાં સ્થળ, સમય અને તીવ્રતાનો અંદાજ આપી શકે.

ભૂકંપ કોઈ પણ પ્રકારના પૂર્વસંકેત વિના એકાએક જ થતો હોય છે. ભૂકંપ થવાનો હોય તે વિસ્તારમાં આવેલા સ્તરભંગ વિભાગમાં કેટલાક વિક્ષેપો ઉદભવતા હોય છે, ત્યાંના ભૂપૃષ્ઠનો ઝોક બદલાતો હોય છે, પ્રવાહીઓ પર દબાણ આવતું હોય છે, વીજક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતા હોય છે. આ પ્રકારના ફેરફારોની માહિતી સતત લેવાતી રહે તો જ આગાહી કરી શકાય; એટલે આગાહી થઈ શકે ખરી, પરંતુ તે કેટલી ચોકસાઈથી અને કેટલા ટૂંકા ગાળા અગાઉ થઈ શકે એ સમસ્યા છે. તેમની આગાહી કરવામાં સફળતા મળે તો લોકમાનસની પ્રતિક્રિયાઓ નવી સમસ્યાઓ ખડી કરે છે. ભૂતકાળમાં થઈ ગયેલા ભૂકંપ, તેમનાં આવર્તનોના દર, સમયગાળો, તીવ્રતા વગેરેના અભ્યાસનાં વિશ્લેષણો કરીને ભવિષ્યના ભૂકંપોની સરેરાશ સામાન્ય આગાહી શક્ય બનાવી શકાય ખરી; પરંતુ જાનમાલની ખુવારી થતી રોકવા માટે ચોક્કસ સ્થાન, સમય અને તીવ્રતા જણાવવાં પડે…… આવી સમસ્યાઓનો ઉકેલ પ્રમાણમાં અઘરો ગણાય; તેમ છતાં ભૂકંપ થવા માટેનાં સ્થાન અને સમયની આગાહી માટેના પ્રયાસો મહદ્અંશે મદદરૂપ નીવડી શકે.

મોટા પાયા પરના ભૂકંપ ભૂતકતી સીમાઓ પર થતા હોય છે. જ્યારે જ્યારે તકતીઓ ઘસાય કે અથડાય ત્યારે તેમના ઘસાવાના કે અથડાવાના દર પર ભૂકંપનું  પ્રમાણ આધારિત રહે છે. જ્યાં જ્યાં તકતીઓ વચ્ચે ખાલી જગાઓ હોય, ત્યાં લાંબા સમય સુધી ભૂકંપ થયેલા ન હોય, એવી જગાઓ પર તકતીઓ જ્યારે પણ નજીક આવે ત્યારે મોટા પાયા પર ભૂકંપ થવાની શક્યતા નકારી શકાતી નથી. આ પ્રકારની ભૂકંપીય ખાલી જગાઓ પૅસિફિક વિભાગો પર આવેલી છે. જો આવા વિભાગોની જાણ મેળવી શકાય તો જરૂરી આગાહીનો અંદાજ કાઢી શકાય, પરંતુ તીવ્રતા કે સમયની ગણતરી ચોકસાઈભરી રીતે ન કરી શકાય. નાના નાના પરંતુ વિનાશકારી ભૂકંપ નજીક રહેલી તકતીઓની સીમાઓ પર થવાની શક્યતા વધુ હોય છે, તકતીઓની ઘસાવાની-અથડાવાની ક્રિયા અનિયમિતપણે થતી  રહે છે, આ અનિયમિતતા આગાહીમાં બાધક બની રહે છે. કૅલિફૉર્નિયાનો સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ-રેખીય વિસ્તાર કૉલોરાડો કરતાં  ભૂકંપને વધુ પાત્ર ગણાય છે.

ભૂકંપની આગાહીઓ પર સંશોધનો થતાં જાય છે : (1) મુખ્ય ભૂકંપ આંચકો થતા અગાઉ અસંખ્ય ગૌણ કંપ થતા હોય છે, જો તેમની ચોકસાઈભરી માહિતી મેળવી શકાય તો આગાહી શક્ય બને. (2) ભાવિ ભૂકંપ માટે ત્યાં થયેલા ભૂતકાળના ભૂકંપનાં આવર્તનો, સમય, સ્થાન અને તીવ્રતા મદદરૂપ નીવડી શકે. (3) ભૂકંપીય પટ્ટાઓનાં રેખીય સ્થાનો પર જ્યાં જ્યાં ભૂકંપ થઈ ગયેલા હોય, એ સિવાયનાં સ્થાનો ભૂકંપને પાત્ર ગણાય. (4) ભૂકંપ થવાનો હોય ત્યાં અગાઉથી ‘ભૂમિનમન’ થવાની સંભાવના રહે છે, ત્યાંનાં સરોવરોના જળસપાટીમાપન પરથી અથવા ભૂમિમાપન સર્વેક્ષણ પરથી ઢોળાવનું માપન મળી રહે છે. (5) તદ્દન નાના પાયા પરના ભૂકંપ જ્યાં જ્યાં થતા હોય ત્યાંના અંદરના ભાગોના ખડકોમાં કેટલાક ગુણધર્મો બદલાતા જાય છે. પ્રતિબળોથી ઉદભવતી વિરૂપતા ખડકોના ગુણધર્મોમાં ફેરફારો સર્જે છે; જેમ કે, ભૂમિ ઊપસી આવવી, ખડકોની વીજવાહકતા અને ચુંબકીય ગુણધર્મોમાં ફેરફાર થવો (સ્તરભંગ સપાટીવાળા પ્રદેશમાં ઉદભવતી વિરૂપતા ત્યાંના વીજ અને ચુંબકીય ગુણધર્મોમાં માપી શકાય એવા ફેરફારો લાવી મૂકે છે), ઊંડા કૂવાઓના જળના સમસ્થાનિકોના બંધારણમાં ફેરફાર થવો (કૂવાઓમાં તેમજ અમુક સ્તરભંગ સપાટી પર ભૂકંપ થતા અગાઉ કિરણોત્સારી સમસ્થાનિક ‘રેડૉન’ના સંકેન્દ્રણમાં વૃદ્ધિ થતી હોય છે), નાના નાના ભૂકંપોની પ્રક્રિયામાં ફેરફાર થવો વગેરે બાબતો આગાહી કરવામાં સહાયભૂત થઈ પડે છે. (6) સંચિત થતાં જતાં પ્રતિબળો દ્વારા ભૂગર્ભજળસપાટી તેમજ ભૂગર્ભજળ-પરિવાહ પર અસર પડે છે. (7) ભૂકંપ થતાં અગાઉ ખડકના કદમાં વૃદ્ધિ થાય છે, જે ભૂમિ-ઉપસાવ, વીજવાહકતા અને રેડૉન વાયુના ઉત્સરણમાં થતા ફેરફારો પરથી જાણી શકાય છે. (8) ભૂકંપથી વછૂટતી ઊર્જા ભૂકંપીય તરંગો રૂપે પ્રસરતી હોય છે. P તરંગો S તરંગો કરતાં વધુ ઝડપી હોય છે, બંને વચ્ચેનો ગુણોત્તર સામાન્ય સંજોગો હેઠળ અચલ રહેતો હોય છે. ભૂકંપના મહિનાઓ કે સપ્તાહો અગાઉ તેમાં ઘટાડો થતો જાય છે, જે ફરીથી જ્યારે પણ સામાન્ય (normal) થાય એટલે તરત જ ભૂકંપ થાય છે. ગતિમાં થતા આ લાક્ષણિક ફેરફારનો સમયગાળો જેટલો લાંબો એટલો ભૂકંપ ભીષણ હોય છે. આ માહિતી જો સતત મેળવાતી રહે તો આગાહી થઈ શકે. ભૂકંપ થતાં અગાઉ P-તરંગોનો S-તરંગો સાથેનો ગુણોત્તર જે સામાન્ય હોય તે કરતાં ઘટતો જઈને ફરીથી વધી જાય છે. P અને S તરંગોની ગતિમાં સાપેક્ષ ફેરફાર જણાય તો તે ઉપયોગી થઈ પડે છે. P તરંગોની ગતિ (Vp) S તરંગોની ગતિ (Vs) કરતાં 1.75 ગણી વધુ હોય છે. આ સાપેક્ષ ગતિમાં ફેરફાર થતો જણાય, એટલે કે Vp 1.5 ગણી થઈ જાય તો તે અસ્વાભાવિકતા ગણાય – જે અમુક સમયગાળા માટે સળંગ પ્રવર્તતી રહે અને પછી એકાએક સામાન્ય (1.75 ગણી) થઈ જાય, તો તે પછીના થોડા વખતમાં ત્યાં ભૂકંપ થવાની સંભાવના ઊભી થઈ શકે છે. આ પ્રકારની ઘટના ન્યૂયૉર્કના ઍડિરૉનડૅક પર્વતોમાં નોંધાયેલી અને તે માટે આગાહી કરવામાં આવેલી.

1969માં રશિયન ભૂસ્તરશાસ્ત્રી નેરેસોવ અને સેમેનોવે આ હકીકતની નોંધ લીધેલી. 1971માં યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યના ‘બ્લૂ  માઉન્ટન લેક’ ખાતે થયેલા ભૂકંપની વિગતોનો અભ્યાસ કરી યશ અગ્રવાલે પણ રશિયન વિજ્ઞાનીઓના મંતવ્ય જેવું જ સામ્ય તારવેલું. અમેરિકી વિજ્ઞાનીઓ જે. એચ. વ્હાઇટકૉમ્બ અને જે. ડી. ગારમેનીએ પણ આ બાબતને સમર્થન આપેલું. જાપાનના વિજ્ઞાની ઓહટાકે પણ બે ભીષણ ભૂકંપોનો અભ્યાસ કરીને ઉપર્યુક્ત તારણો કાઢેલાં.

NGRIના ભૂતપૂર્વ નિયામક વિનોદ ગૌરે હિમાલયના તેહરી(ઉત્તર કાશી)માં 1991ના ઑક્ટોબરમાં જે ભૂકંપ થયેલો તે માટે 8ની તીવ્રતા મુજબના ભૂકંપની આગાહી કરેલી. મહારાષ્ટ્ર અને નજીકનાં રાજ્યો માટે પણ વિજ્ઞાનીઓએ ભૂકંપની શક્યતાની આગાહી કરીને ચેતવણી આપેલી. GSI તરફથી મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભૂકંપીય (seismic) ફેરફારો અંગેના અહેવાલો લાતુરના ભૂકંપ થયાના મહિનાઓ અગાઉથી મોકલવામાં આવેલા. લાતુરના ભૂકંપ અગાઉ નાગપુર વિસ્તારમાં ભૂકંપ લેખયંત્ર પર હળવી ધ્રુજારીઓ પણ નોંધાઈ હતી. ત્યાંનાં કેટલાંક મકાનોમાં તિરાડો પડ્યાની સ્થાનિક લોકોએ ફરિયાદ પણ કરેલી, પરંતુ ભારતનો આ ભૂકવચ વિસ્તાર (shield) ભૂકંપને પાત્ર ગણાતો ન હોવાથી આ સંકેતોને કોઈએ ગંભીર ગણેલા નહિ. (9) કોઈ પણ પ્રદેશના ખડકોમાં કદમાં થતો પ્રસાર પણ આગાહી માટેનો સંકેત ગણાય. પ્રતિબળો વધતાં જાય અને વિરૂપતાની અસર વધે ત્યારે ખડકોમાં ફાટ પડતા અગાઉ નાની નાની તડો પડતી જાય છે. પ્રાદેશિક વિસ્તાર વધે છે, છેવટે મોટી ફાટ થઈ સ્તરભંગમાં ફેરવાય છે ત્યારે ભૂકંપ થાય છે. કોઈ પણ પ્રદેશ ભૂકંપને પાત્ર હોય અને ત્યાં આ પ્રકારની ઘટના થતી જણાય તો ભૂકંપની આગાહી કરી શકાય. જેટલો ખડકપ્રસાર વધુ એટલો ભૂકંપ મોટા પાયા પર થઈ શકે એમ કહી શકાય. પ્રસરણ-મૂલ્યોના માપન પરથી સમય અને તીવ્રતાના અંદાજની આગાહી કરી શકાય. (10) ભૂકંપ અગાઉ કેટલાંક પ્રાણીઓના સ્વાભાવિક વર્તનમાં ફેરફાર થતો હોય છે, ખાસ કરીને દરમાં રહેતાં પ્રાણીઓ દર છોડી જાય છે, સસ્તન પ્રાણીઓ ભૂકંપ થવાની થોડી ક્ષણો પહેલાં બેબાકળાં, ચિંતાગ્રસ્ત કે સંવેદનશીલ બનેલાં જણાય છે.

જાપાન, ચીન, યુ.એસ. અને રશિયા જેવા ભૂકંપને પાત્ર દેશોમાં ભૂકંપની આગાહી કરવા માટેનાં સંશોધનો થઈ રહ્યાં હોવા છતાં હજી ચોકસાઈભર્યાં તારણો પર પહોંચી શકાયું નથી. દા.ત., ચીની નિષ્ણાતોએ 1975ના ભૂકંપ માટે સફળ આગાહી કરીને 90,000 લોકોના જાન બચાવેલા, પરંતુ 1976ના ભૂકંપથી 5 લાખ લોકોના જાન બચાવવા માટેની આગાહી કરી શકાયેલી નહિ, એટલે ભૂકંપની ચોકસાઈભરી આગાહી કરવાની ખાતરીપૂર્વકની તકનીકી પદ્ધતિ વિકસાવી શકાઈ નથી.

ગ્રીસની ઍથેન્સ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના ત્રણ પ્રાધ્યાપકો – વેરોત્સોસ, ઍલેક્સોપોલસ અને નોમિકોસ–ની VAN ત્રિપુટીએ 20મી સદીના છેલ્લા ચરણ દરમિયાન વીજપ્રવાહોને આધારે ભૂકંપની આગાહીની તકનીક વિકસાવી છે ખરી. તેમને તેમાં થોડીક સફળતા પણ મળી છે, તેમ છતાં આવી આગાહીઓનું પ્રમાણ જૂજ છે. મુંબઈ ખાતેના ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરે સમય, આવર્તનો અને કંપવિસ્તાર જાણી શકાય એવું સ્પેક્ટ્રોગ્રામ પણ વિકસાવ્યું છે.

સ્તરભંગ સપાટીઓ પર ગૌણ કૃત્રિમ કંપો ઉપજાવીને ત્યાંના સંચિત બળને ક્રમે ક્રમે મુક્ત કરી શકાય તો મુખ્ય ભૂકંપ થતો રોકી શકાય ખરો. આ અંગે સ્તરભંગ સપાટીઓવાળા વિભાગોમાં દાબ સહિત જળપ્રવેશ કરાવવામાં આવે તો જળદાબ હેઠળ સપાટી પર ઊંજણ થતું જાય, ધીમા ફેરફારો થતા જાય અને એકાએક ખસેડ થવાની ક્રિયા પર નિયંત્રણ લાવી શકાય ખરું.

આગોતરી આગાહીથી જનમાનસમાં પ્રતિક્રિયાઓ નીપજે, મિલકતો છોડીને સલામત સ્થળે જાય ખરા, ભૂકંપની અસર પૂરી થતાં પાછા ફરે ત્યારે મિલકત, તેમજ ઢોરઢાંખરનો નાશ જોવા મળે, ખોરાક અને નોકરીધંધાની સમસ્યાઓ એમના પ્રારબ્ધમાં આગળ આવીને ઊભી રહે – એટલે સફળ આગાહી પણ નવી સમસ્યાઓ ખડી કરે. ગમે તેમ, આ ક્ષેત્રે સંશોધનો ચાલુ છે, તેના પરથી કોઈક વ્યવહારુ ઉકેલ આવી શકવાની શક્યતા નકારી શકાય નહિ. ભૂકંપની આગાહી માટેનાં વૈજ્ઞાનિક સાધનો વિકસાવવાની જરૂરિયાત એવા પ્રદેશો માટે હોવી જોઈએ જ્યાં વિનાશકારી ભૂકંપો અવારનવાર થયા કરતા હોય, આગાહી એવી હોવી જોઈએ, જે પછીના ભૂકંપનાં સ્થળ, સમય અને તીવ્રતાનો અંદાજ આપી શકે. નજીકના ભવિષ્યના શક્ય ભૂકંપ માટે નીચે મુજબની પૂરા અર્થઘટનવાળી આગોતરી માહિતી એકત્ર કરી ભૂકંપશાસ્ત્રીઓએ જાહેર જનતાને જણાવતા અગાઉ ચર્ચાવિચારણા કરી લેવી જોઈએ.

(1) મોટા ભૂકંપ કરતાં નાના ભૂકંપ વારંવાર થતા હોય છે.

(2) જે સ્થળે ભૂતકાળમાં જેટલી તીવ્રતાવાળા ભૂકંપ થયા હોય, તે સ્થળે કે તેની નજીકના સ્થળે તેટલી જ કે તેનાથી થોડી ઓછીવત્તી તીવ્રતાવાળા ભૂકંપ ભવિષ્યમાં થવાની શક્યતા વધુ રહેતી હોય છે.

(3) મોટા ભૂકંપનો પ્રારંભ નાના પૂર્વકંપોથી થતો હોય છે, એ જ રીતે પશ્ર્ચકંપો પણ થતા જ હોય છે.

(4) ભૂકંપની ઘટના માટે જે તે સ્થળની ભૂસ્તરીય માહિતી અને ભૂસંચલન માટેનાં પેટાળમાંનાં પ્રતિબળોના ઇતિહાસ સાથે સહસંબંધ સ્થાપવાની જરૂરિયાત.

(5) ભૂભૌતિક તેમજ અન્ય પરિબળોમાં થતા ફેરફારોની નોંધ.

ભારતમાં અનુક્રમે 1905, 1934 અને 1993ના કાંગરાના, બિહાર-નેપાલના અને લાતુરના ભૂકંપો દરમિયાન 20,000, 10,653 અને 8,500 જેટલી જાનહાનિ થયેલી; 1897 અને 1950ના આસામ(બંને વખત)ના ભૂકંપો દરમિયાન ત્યાં વસ્તી ઓછી હોવાથી 1,500 અને 1,526 જેટલી જાનહાનિ થયેલી; માલમિલકતનું નુકસાન તો જુદું. તેથી નિષ્ણોતાના સૂચન પ્રમાણે આ પ્રકારની આગોતરી જો કાળજી લેવાય તો જાનહાનિના આંકને ઘટાડી શકાય, અહીં આર્થિક નુકસાનને મહત્વ ન અપાવું જોઈએ.

ભૂકંપ માટે રાખવા જોગ સાવધાની : જાહેર જનતાએ ભૂકંપ પૂર્વે, દરમિયાન તથા પછી સલામતી અને સાવચેતી માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી હિતાવહ છે :

ભૂકંપની આગાહી મુશ્કેલ હોવાથી ભૂકંપને પાત્ર પ્રદેશમાં જ્યારે પણ તે ઉદભવે ત્યારે તે કેટલો તીવ્ર હશે અને કેટલી સેકંડો કે મિનિટો સુધી ચાલશે તેનો ખાતરીપૂર્વકનો અંદાજ નિષ્ણાતો પણ આપી શકવાની સ્થિતિમાં હોતા નથી. સુરક્ષિત ન હોય એવા આવાસમાં રહેવા કે સૂવાનું ટાળવું જોઈએ. મોટી કે ભારે ચીજવસ્તુઓને અભરાઈ પર ન રાખતાં ફરસ પર, ઘોડા કે કબાટોના નીચેના ખાનામાં રાખવી જોઈએ. કાચની વસ્તુઓ કે ફૂલદાનીઓને ઊંચે કે પાળી પર ન રાખતાં શક્ય હોય એટલી નીચે ગોઠવવી જોઈએ. છત પરના પંખાઓની હાલત અવારનવાર ચકાસવી જોઈએ. બિનઉપયોગી રહેતા વીજળીના પ્લગની સ્વિચો બંધ રાખવી જોઈએ. ગૅસની સઘડી અને સિલિન્ડરના નૉબ (knob) કે રેગ્યુલેટર પણ ઉપયોગ પછી બંધ રાખવાં જોઈએ. સૂતાં અગાઉ રેડિયો-ટેલિવિઝનની મુખ્ય સ્વિચો બંધ કરવી જોઈએ. વધુ સાવચેતી માટે ઘરની મેઇન સ્વિચ બંધ કરવી અથવા ફ્યૂઝ કાઢી લેવા હિતાવહ છે. સળગતી મીણબત્તી ને ઉઘાડી વાટવાળાં ફાનસ વધુ ખુલ્લા ભાગમાં ફરસ પર રાખવાં જોઈએ અને એમના પ્રકાશની જરૂર ન હોય તો તેમને હોલવી નાખવાં જોઈએ.

ભૂકંપ દરમિયાન ન તો ગભરાવું ઘટે કે ન તો બૂમાબૂમ કરી બીજાઓને ગભરાવવાં ઘટે. તે દરમિયાન ઝડપથી ઘર બહાર ખુલ્લામાં ચાલ્યાં જવું જોઈએ; કેમ કે ઘર બહારની ખુલ્લી જગા જ ભૂકંપ દરમિયાન સૌથી વધુ સલામત હોય છે. જ્યાં સુધી માથા પરની વસ્તુઓ હાલે નહિ ત્યાં સુધી ભૂકંપનો આંચકો નુકસાનકારક નીવડવાનો સંભવ લગભગ હોતો નથી. પ્રત્યેક પુખ્ત વ્યક્તિએ પોતે જાતે જ બહાર નીકળી જવું જોઈએ. નાનાં બાળકો મૂંઝાઈ જતાં હોવાથી ભૂકંપ દરમિયાન તેમને ઊંચકીને તાત્કાલિક ઘરબહાર લઈ જવાં જોઈએ. ઘરમાંથી નીકળવામાં વાર લાગે તેમ હોય તો બહાર દોડી જવાનો પ્રયાસ ન કરતાં ઘરમાં જ ટેબલ-પલંગ કે ખાટલા નીચે ઘૂસી જવામાં; દીવાલ પાસે ન ઊભા રહેતાં બે દીવાલ વચ્ચેના ખૂણામાં ઊભા રહેવામાં; કાચથી દૂર રહેવામાં સવિશેષ સલામતી છે. નીચાં મકાન કે મજલાવાળી ઇમારતોની વચ્ચેથી કે તેવી ઇમારતોની નજીકથી ચાલવા, દોડવા કે ઊભા રહેવામાં જોખમ રહેલું હોય છે. શિશુઓ કે નાનાં બાળકો સાથે રાખવાં જોઈએ. વળી મીણબત્તી કે દીવાસળીનો ઉપયોગ ન કરતાં ટૉર્ચનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે. ભૂકંપ દરમિયાન ખુલ્લા ચાલુ વાહનમાં સફર કરનારે શક્ય એટલું વહેલું તેને સલામત ખુલ્લી જગામાં થોભાવી દેવું જોઈએ. બંધ વાહનને થોભાવી અંદર બેસી રહેવું હિતાવહ છે. રાત્રે બાળકોને સાથે રાખીને સૂવું જોઈએ.

ભૂકંપ શમ્યા પછી કેટલાક સમયગાળા સુધી અવારનવાર ધ્રુજારીઓ આવ્યા કરતી હોય છે. તેથી એવા દરેક વખતે ઉપરની બાબતોને લક્ષમાં લેવી જરૂરી બને છે.

ભૂકંપોની પ્રાચીન તવારીખ (antiquity of earthquakes) : નજીકના અને દૂરદૂરના અતીતમાં સંભવિત કેટલાક ભૂકંપોની તવારીખનો અંદાજ મેળવવા થયેલા પુરાવાબદ્ધ પ્રયાસોને બે વિભાગોમાં વહેંચી શકાય :

(1) છેલ્લાં 5,000 વર્ષો દરમિયાન થયા હોય એવા ભૂકંપોના સંદર્ભો : (i) ભૂકંપમાપક સાધનો દ્વારા જાણવા મળેલા ભૂકંપ : જાપાને 1880ના અરસામાં ભૂકંપમાપક (seismograph) સાધન શોધ્યું. ત્યારપછી ભૂકંપોની ભરોસાપાત્ર માહિતીભરી યાદી ઉપલબ્ધ થતી ગઈ. ગુટેનબર્ગ અને રિક્ટરે 1954માં તેમજ 1956માં એક પછી એક બે યાદી પ્રસિદ્ધ કરી. તેમાં 20 જાન્યુઆરી 1904નો ભૂકંપ પ્રથમ ક્રમે મુકાયો. બીજી યાદીમાં મોટા ભૂકંપો પૈકી 4 એપ્રિલ 1905નો ભારતનો ભીષણ ભૂકંપ દર્શાવેલો છે. એ જ રીતે 1897નો ભારતનો અતિવિનાશકારી ભૂકંપ પણ ઉલ્લેખાયેલો છે. (ii) ઐતિહાસિક સંદર્ભો : ચીનના દરબારી ઇતિહાસવિદોએ ઈ. પૂ. 13મી સદીથી રાજકીય ઘટનાઓ, ધૂમકેતુઓ, ભૂકંપો, રોગચાળા, દુષ્કાળો અને પૂરોની એક યાદી પ્રસિદ્ધ કરી છે. તેમાં ઈ. પૂ. 1177માં થયેલા ભૂકંપની નોંધ મળે છે. ચીની દંતકથાઓમાં તો ઈ. પૂ. 2221ના અરસાના ભૂકંપોના ઉલ્લેખો પણ મળે છે. એ જ રીતે ઈરાન અને જાપાનમાં થયેલા ભૂકંપ અંગેની જૂનામાં જૂની ઐતિહાસિક નોંધ અનુક્રમે ઈ. પૂ. ચોથી સદીની અને ઈ. પૂ.ના 416ના વર્ષની મળે છે. ખ્યાતનામ ઇઝરાયલી ભૂકંપશાસ્ત્રી ઍરી બેન-મેનહેન જણાવે છે કે ઈ. પૂ. 2100 અને 300 વચ્ચેના ગાળા દરમિયાન ઇજિપ્ત, ઇઝરાયલ, જૉર્ડન, લેબેનોન અને સીરિયામાં વિનાશકારી ભૂકંપો થયેલા હોવાનું બાઇબલના ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’ની વિગતોમાંથી તારવવામાં આવ્યું છે. આ માટે તે ઉમેરે છે કે ઈ. પૂ. 2100ના અરસામાં, બાઇબલમાં ઉલ્લેખ કરાયેલાં સોદોમ અને ગોમોરાહનાં શહેરો ભૂકંપથી તારાજ થયેલાં છે.

બાપટ, કુલકર્ણી અને ગુહાએ તૈયાર કરેલી ભારતીય ભૂકંપોની યાદીમાં ઈ.પૂ.ની ત્રીજી સહસ્રાબ્દી સુધીની તવારીખ છે. ભૂકંપ-ઇજનેર આર. એન. આયંગર કલ્હણના ‘રાજતરંગિણી’માં આપેલા ઈ. પૂ. 2448થી ઈ. સ. 1150 સુધીના આશરે 3600 વર્ષના ગાળાના ઇતિહાસમાં ઈ. સ. 1121 અને 1125માં થયેલા ભૂકંપોની નોંધનો નિર્દેશ છે. (iii) પુરાતત્ત્વીય સંદર્ભો : પુરાતત્ત્વવિદો રચનાત્મક ફાટો, ઇમારતોનાં ખંડિયેરો અને તેમના તૂટી પડેલા ભગ્નાવશેષોને ભૂકંપ થયા હોવાના પુરાવારૂપે આગળ ધરે છે. મૃત સમુદ્રની ઉત્તરે આવેલા જેરિચો (Jericho) નજીકમાં ઈ. પૂ. 9000 વર્ષથી વસાહતો અસ્તિત્વ ધરાવતી હતી. પુરાતત્વવિદો તારણ કાઢે છે કે આ શહેર ઈ. પૂ. 3100થી 2100 વર્ષ વચ્ચેના ગાળામાં 17 વાર નાશ પામેલું. આ અંગે ઇઝરાયલી ભૂકંપશાસ્ત્રી બેન-મેનહેમ જણાવે છે કે આ એક હજાર વર્ષના ગાળામાં આ શહેર જો પૂરથી, ભૂકંપોથી કે લડાઈઓથી તારાજ થયા કર્યું હોય તો તેમાં ઓછામાં ઓછા ચાર જેટલા ભૂકંપ થયા હોય. આ માટે તેઓ ઈ. સ. પૂર્વે 1560ના અરસામાં જેરિચો અને ત્યાંથી 45 કિમી. દૂરનું તેલ-દીર-આલા ભૂકંપથી નાશ પામેલાં તે ઘટનાને આના સહસંબંધમાં પુરાવારૂપે રજૂ કરે છે.

ઇજિપ્તમાં તાજેતરમાં થયેલા પુરાતત્ત્વીય સંશોધનકાર્ય પરથી જાણવા મળે છે કે ઍલેક્ઝાંડ્રિયાનું પ્રાચીન નગર ચોથી સદીમાં ભૂકંપને કારણે અવતલન પામેલું અથવા પૂરથી ડૂબી ગયેલું. એ જ રીતે વાયવ્ય ઈરાનના બુયિન ઝારા જિલ્લામાં આવેલા સાગ્ઝાબાદ નજીકનાં કબ્રસ્તાન અને ટેકરાઓનું ઉત્ખનન કરવામાં આવેલું. તેમાંથી જાણવા મળ્યું છે કે ઈ. પૂ.ની ત્રીજી સહસ્રાબ્દીમાં ભૂકંપે ત્યાંની ઘણી ઇમારતોને ધરાશાયી કરી હશે.

ભારતમાં ઉત્તર રાજસ્થાનમાં આવેલા કાલીબંગન ટેકરા ખાતે કરવામાં આવેલો પુરાતત્વીય અભ્યાસ કહે છે કે આ સ્થળ ઈ. પૂ. 2600થી 2350 વર્ષોના પૂર્વ-હરપ્પન કાળગાળા વખતે ભૂકંપથી જ નામશેષ થયું હશે. એ જ રીતે તક્ષશિલા નજીક મળતાં ખંડિયેરોના થર (બીજો થર) માટે પણ ઈ.સ. 30 દરમિયાનના ગાળામાં થયેલો ભૂકંપ જ કારણભૂત હોવો જોઈએ. (iv) પ્રાચીન ભૂકંપીય માહિતી : ભૂકંપશાસ્ત્રીઓ ભૂતકાળમાં થયેલા ભૂકંપો માટે પુરાવા રજૂ કરવા ખાસ કરીને ખડકો અને જમીનોનાં અન્વેષણો કરતા હોય છે. યુ.એસ.ના ઉટાહના ગ્રેટ સૉલ્ટ લેક વિસ્તારમાં 1870 અને 1880ના બે દાયકા દરમિયાન કરવામાં આવેલું ગુટેનબર્ગનું અભ્યાસકાર્ય આ પ્રકારનું હતું. કૅલિફૉર્નિયાની પૅલેટની ખાડી ખાતે વિસ્તરેલા સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગનો અભ્યાસ જણાવે છે કે ઈ.સ. 700થી 1857 દરમિયાન અહીં લગભગ 10 જેટલા ભીષણ ભૂકંપો જરૂર થયા હશે. સેન્ટર ફૉર અર્થ સાયન્સ સ્ટડિઝના સી. પી. રાજેન્દ્રને 1993ના લાતુરના અને  1819ના કચ્છના ભૂકંપોનાં અન્વેષણો કર્યાં છે. તેઓ તેમના આ અભ્યાસ પરથી કહે છે કે આ સ્થળો પર આવા જ ભૂકંપ ભૂતકાળમાં પણ થયા હશે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ હિમાલયન જિયોલૉજીના મોહિન્દ્ર અને ઠાકુર 1720 અને 1830માં થયેલા દહેરાદૂનના ભૂકંપો માટે ત્યાંના નદીપટમાંનાં જળકૃત લક્ષણોમાં ઉદભવેલા ફેરફારોને કારણરૂપ ગણાવે છે.

(2) ભૂસ્તરીય અતીતના સંભવિત ભૂકંપોના સંદર્ભો : ભૂકંપો અંગેની ઉપર જણાવેલી ચાર બાબતો આપણને બહુબહુ તો પ્રાક્ઐતિહાસિક કાળ સુદીની તવારીખ આપે છે. પરંતુ ભૂસ્તરશાસ્ત્રના સંદર્ભમાં વિચારીએ તો લાંબા ભૂસ્તરીય અતીતમાં પણ ભૂકંપો તો થતા રહ્યા હશે જ ! આ સમજ મુજબ આવા ભૂકંપો ત્રણ ધારણાઓ પર આધારિત છે : (અ) એકરૂપતાવાદનો સિદ્ધાંત – આજે જે રીતે ભૂકંપીય (કે અન્ય) ઘટનાઓ ઘટે છે, એવી ઘટનાઓ ભૂસ્તરીય અતીતમાં પણ ઘટતી હશે. (આ) ભૂકંપ એ પોપડાનાં પડોને હચમચાવતી ઘટના છે. (ઇ) પૃથ્વી આશરે 460 કરોડ વર્ષ અગાઉ કણઠારણ અને તેમના સંવૃદ્ધીકરણથી ઉદભવેલી છે. એક ગ્રહ તરીકે પૃથ્વીનું નિર્માણ થયું હશે. તે પછીનાં થોડાંક કરોડ વર્ષોમાં આખી પૃથ્વીનું દળ તો નહિ, પરંતુ માત્ર તેનો બાહ્ય પોપડો વાયુસ્વરૂપમાંથી પ્રવાહીસ્વરૂપમાં વહેલો ફેરવાતો ગયો હશે અને અમુક કાળ સુધી તે પીગળેલી સ્થિતિમાં પણ રહ્યો હશે. તે પછીનાં કેટલાંક કરોડ વર્ષો દરમિયાન પોપડો ઘનસ્વરૂપમાં ફેરવાયો હશે.

(i) જૂનામાં જૂના ભૂસંચલનજન્ય-જ્વાળામુખીજન્ય ભૂકંપોની તવારીખ : માત્ર ઘનખડકોમાં જ સ્તરભંગ કે વિરૂપણ-વિક્ષેપ (ભંગાણ) થતાં હોય છે. આ કારણોને ભૂકંપ થવા માટેના આધાર તરીકે લઈ શકાય છે. જ્યારે બાહ્ય પોપડો દ્રવ સ્થિતિમાંથી ઘનસ્વરૂપમાં ફેરવાયો હોય ત્યારે કે તે પછી જ ભૂકંપ થવા માટેની શક્યતાઓ ઊભી થતી હોય છે. આ અંગેનાં તાજેતરનાં સંશોધનો કહે છે કે આવો ઘનસ્વરૂપી બાહ્ય પોપડો 420થી 380 કરોડ વર્ષ દરમિયાન બન્યો હશે. પૃથ્વીના ઠંડા પડવાના કાળગાળા દરમિયાન ઘન-ખડકોમાં ઉત્પન્ન થયેલા સ્તરભંગો કે વિરૂપણ-ભંગાણ-સપાટીઓ પર ભૂસંચલને લીધે ભૂકંપો ઉદભવ્યા હશે.

પૃથ્વીનો બાહ્ય પોપડો ઘનસ્વરૂપ પામ્યો હોય, પણ પેટાળ દ્રવસ્વરૂપમાં હોય તો તે દ્રવ 420થી 380 કરોડ વર્ષના કાળગાળા દરમિયાન સંજોગો મળતાં ઉપલાં પડોને તોડીને બહાર નીકળી આવ્યો હશે. આવી વિસ્ફોટક પ્રક્રિયાને કારણે ભૂકંપ થયા હશે.

(ii) પોપડાના ઘનીભવન પૂર્વેના ભૂકંપો : ભૂસંચલનજન્ય કે જ્વાળામુખીજન્ય ભૂકંપો ઉપરાંત ક્યારેક ભૂપાત થયા હોય, ઉલ્કાપાતજન્ય અથડામણ થઈ હોય તોપણ ભૂકંપ થયા હોય. ઠરવાની સ્થિતિની અગાઉની દ્રવસ્થિતિમાં રહેલી પૃથ્વીના સમગ્ર દ્રવ્યમાં વિપુલ જથ્થામાં વાયુઓ પણ હશે. પેટાળમાં સમાવિષ્ટ આ વાયુઓ વિરાટ પરપોટાઓ રૂપે બહાર નીકળી આવતી વખતે પણ ભૂકંપની સ્થિતિનું નિર્માણ થયું હશે. પરપોટાઓ નીકળવાની સાથે ઘણી ઊર્જા પણ નીકળી આવી હશે. તેની તવારીખ પૃથ્વીની ઉત્પત્તિનાં 460 કરોડ વર્ષ પછીના અમુક લાખ કે કરોડ વર્ષ સુધીની મૂકી શકાય.

(iii) જૂનામાં જૂની અથડામણોથી થયેલા ભૂકંપ : સૂર્યમંડળમાંથી થયેલા ગ્રહોના નિર્માણ વખતે અવકાશી ઉલ્કાપિંડોની અથડામણ પણ થઈ હોવાનો સંભવ છે અને તેના પરિણામે પણ ભૂકંપો થયા હોવાનું સંભવે છે. આવા ભૂકંપોની તવારીખ પૃથ્વીની ઉત્પત્તિના કાળગાળાની સાથે મૂકી શકાય.

સમગ્રપણે જોતાં, ભૂકંપ એ એક એવી ઘટના છે, જે પૃથ્વીની ઉત્પત્તિ સાથે શરૂ થયેલી છે અને આજે પણ ચાલુ છે.

ગિરીશભાઈ પંડ્યા