ભુતાન : દક્ષિણ-મધ્ય એશિયાનો રાજાશાહી દેશ. તે બધી બાજુએથી ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. તેનું સત્તાવાર રાષ્ટ્રીય નામ ડ્રુક યુલ (Druk Yul) છે. અંગ્રેજો આ દેશને ‘The Land of Thunder Dragon’ તરીકે ઓળખતા.

સ્થાન-સીમા-વિસ્તાર : આ દેશ 26° 45´થી 28° ઉ. અ. અને 89°થી 92° પૂ. રે. વચ્ચેનો આશરે 47,000 ચોકિમી. જેટલો (સ્વિટઝર્લૅન્ડ કરતાં થોડોક વધુ) વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 320 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ આશરે 177 કિમી. જેટલી છે. તેની ઉત્તરે ચીન હસ્તક તિબેટની સીમા આવેલી છે, જ્યારે તેની પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ તરફ ભારતનાં અરુણાચલ, આસામ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ રાજ્યોની સીમાઓ આવેલી છે. ભારત અને ભુતાન વચ્ચેની સીમાની કુલ લંબાઈ આશરે 587 કિમી. છે.

ભુતાન

પ્રાકૃતિક રચના : અગ્નિ હિમાલયમાં આવેલા આ દેશની ચારે બાજુ પર્વતીય હારમાળાની કુદરતી દીવાલ છે. અહીં મુખ્ય પર્વતીય હારમાળાઓમાં આમો-યુ અને વાગ-ટૂ નદીઓની વચ્ચે પૂર્વથી પશ્ચિમ વિસ્તરેલી માસોંગ યુન્ગ-ડાગ, વાગ-ચુ અને મા-યુ વચ્ચે કોંક-યોંગ, ડાંગ-લા મો-યુ અને માનસ વચ્ચે બ્લૅક માઉન્ટન રેંજનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક ર્દષ્ટિએ ભુતાનને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (i) મહાહિમાલય, (ii) લઘુહિમાલય, (iii) ડુઆર્સનાં મેદાનો.

ઉત્તર ભાગમાં મહાહિમાલયનાં હિમાચ્છાદિત શિખરો આવેલાં છે, જે મોટેભાગે 7,300 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. એ જ રીતે અહીં આવેલી ખીણો પણ 4,000થી 5,000 મીટર જેટલી ઊંડી છે. ત્યાં ઘણી હિમનદીઓ આવેલી છે. મહાહિમાલયનાં કેટલાંય શિખરો તિબેટના ઉચ્ચપ્રદેશ સાથે સંકળાયેલાં છે. આ વિસ્તારમાં જોવા મળતી જળપરિવાહ-પ્રણાલી ઉત્તર તેમજ દક્ષિણ તરફની છે.

મહાહિમાલયની દક્ષિણે આવેલી લઘુહિમાલય હારમાળા ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે. ભુતાનની મોટાભાગની નદીઓનાં મૂળ આ હારમાળામાં આવેલાં છે. આ વિભાગમાં જોવા મળતી ખીણો 2,000થી 3,000 મીટર જેટલી ઊંડાઈ ધરાવે છે. તે પ્રમાણમાં વધુ વિશાળ, સમતળ અને ફળદ્રુપ છે. આ વિસ્તારમાં આશરે 1,000થી 1,300 મિમી. જેટલો વરસાદ પડે છે. આ હારમાળામાં આવેલું ગંગકાર પુનસુમ (Gangkar Punsum) શિખર સૌથી વધુ ઊંચાઈ (7,529 મીટર) ધરાવે છે. આ શિખરનો ઢોળાવ તીવ્ર હોવાથી હજી સુધી તેને કોઈ આંબી શક્યું નથી. જ્યારે 7,554 મીટર ઊંચાઈ ધરાવતું ભુતાનનું સર્વોચ્ચ શિખર તા કુલા કાંગરી (Kula Kangri) છે. આ હારમાળામાં આવેલાં અન્ય જાણીતાં શિખરોમાં પારો (2,320 મીટર), પુનાખા (1,723 મીટર), થિમ્ફુ (2,800 મીટર) અને હા(2,834 મીટર)નો સમાવેશ થાય છે. ભુતાન-તિબેટ સીમા પર વાયવ્ય બાજુએ હોમોલ્હારી (7,313 મીટર) અને ડિવાઇન ક્વીન ઑવ્ માઉન્ટન (2,215 મીટર) જેવાં શિખરો પણ આવેલાં છે.

લઘુહિમાલયની દક્ષિણે આવેલા તળેટી વિસ્તારોમાં ડુઆર્સનાં સાંકડાં મેદાનો આવેલાં છે. તેમની પહોળાઈ સ્થાનભેદે 12થી 15 કિમી. જેટલી છે. આ મેદાનો ભારત-ભુતાનની સીમા સુધી પથરાયેલાં છે. લઘુહિમાલયના ફળદ્રૂપ ખીણ-વિસ્તારો સુધી પહોંચવા માટે ડુઆર્સનાં આ મેદાનો સેતુ સમાન છે. અહીંના ઉત્તર તરફના વિસ્તારો લઘુ-હિમાલય સાથે સરહદ રચતા હોવાથી તે પ્રદેશો ખડકાળ, આસામતળ અને ઉગ્ર ઢોળાવોવાળા છે. પર્વતોની તળેટીના પ્રદેશોમાંથી જંગલો સાફ કરીને વસાહતો ઊભી કરવામાં આવી છે.

જળપરિવાહ : અહીંની કેટલીક નદીઓએ ભુતાનની પર્વતીય સીમાનું વિભાજન કર્યું છે. તેમાં પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી ઍમો (અથવા ટોર્સા) મુખ્ય નદી છે. પૂર્વમાં ધનસુરી મહત્ત્વની નદી છે. વાગ ચુ, સાંકોશ, ટોંગસા, ભુમતાન્ગ, કુરુ અને માનસ જેવી નદીઓ ઉત્તરથી દક્ષિણ તરફ વહીને બ્રહ્મપુત્ર નદીને મળે છે. દક્ષિણ ભુતાનની મુખ્ય નદીઓ ચંપામતી અને ગદાધાર છે, તે પણ બ્રહ્મપુત્રને મળે છે. આ બધી નદીઓ બ્રહ્મપુત્રની શાખા-નદીઓ છે.

આબોહવા : ભારતની જેમ જ ભુતાન પણ મોસમી આબોહવાનો પ્રદેશ છે. હિમાલયની હારમાળામાં તે આવેલો હોવાથી શિયાળામાં તેનું તાપમાન નીચું ચાલ્યું જાય છે. મહાહિમાલયવાળા વિસ્તારની આબોહવા અત્યંત સૂકી રહે છે. આબોહવાનો આ પ્રકાર તે ભાગની લાક્ષણિકતા ગણાય છે. દક્ષિણે આવેલા ડુઆર્સની આબોહવા પ્રમાણમાં રોગિષ્ઠ છે. અહીંનાં જંગલો કંઈક અંશે વિષુવવૃત્તીય પ્રકારનાં હોવાથી વાતાવરણ ગરમ અને બાફવાળું રહે છે. અહીં વરસાદ 1,300થી 5,000 મિમી. જેટલો પડે છે. ઉનાળાની ઋતુમાં નૈર્ઋત્ય તરફથી વાતા પવનો કુલ વરસાદના 85 % જેટલો વરસાદ આપે છે.

વનસ્પતિ–પ્રાણીજીવન : અહીંની વનસ્પતિ આબોહવા અને ઊંચાઈ પ્રમાણે બદલાય છે. વધુ ઊંચાઈ ધરાવતી મહાહિમાલય હારમાળામાં બારે માસ બરફ છવાયેલો રહેતો હોવાથી વનસ્પતિનો વિકાસ થઈ શકતો નથી. લઘુહિમાલયના વિસ્તારોમાં ટૂંકું ઘાસ ઊગી નીકળે છે. તળેટી અને ડુઆર્સના મેદાની ભાગોમાં ગીચ જંગલો આવેલાં છે. તળેટી ભાગોમાં આવેલાં જંગલોમાં બર્ચ, ઍશ, પૉપ્લર અને ઓકનાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે. જ્યારે ડુઆર્સના મેદાની ભાગોમાં વિષુવવૃત્તીય અને સમશીતોષ્ણ પ્રદેશોના પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. ત્યાં સાલ અને પાઇનનાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે. ભારત-ભુતાનની સીમા પર આવેલો ડુઆર્સનો સરહદી વિસ્તાર ઘાસનાં બીડો અને વાંસનાં જંગલોથી છવાયેલો છે. આ જંગલોમાં જોવા મળતાં હિંસક પ્રાણીઓમાં વાઘ મુખ્ય છે. તૃણભક્ષી પ્રાણીઓમાં મુખ્યત્વે વિવિધ જાતનાં હરણ અને હાથી જોવા મળે છે. અહીં સોનેરી મોં ધરાવતા દુર્લભ વાનરો પણ વસે છે.

ખેતી-પશુપાલન : સમુદ્રસપાટીથી આશરે 45થી 910 મીટરની ઊંચાઈ ધરાવતા ભુતાનના પ્રદેશોમાં ખેતીની પ્રવૃત્તિ જોવા મળે છે. અહીં મેદાનો અને ખીણ-વિસ્તારો આવેલા છે. અહીં આવેલા ઘાસના વિસ્તારોને દૂર કરીને બાગાયતી ખેતી થાય છે, જ્યારે પહાડી ભાગોમાં સીડીદાર ખેતરો બનાવીને ખેતીનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અહીંની ખેતીમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી અને મકાઈ મુખ્ય છે. તદુપરાંત વિવિધ ફળો અને શાકભાજીની ખેતી પણ થાય છે. 800થી 900 મીટર ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં બટાટા અને મકાઈના કૃષિપાકો લેવામાં આવે છે. 900થી 1,200 મીટરની ઊંચાઈવાળા પહાડી પ્રદેશોમાં ટૂંકું ઘાસ ઊગી નીકળતું હોવાથી અહીં વસતા લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે. તેઓ ઘેટાં-બકરાં, ગાય, ઘોડા, ભૂંડ અને યાકનો ઉછેર કરે છે. યાક વિવિધ ઉપયોગમાં આવતું હોવાથી તે અહીંની કામધેનુ ગણાય છે.

ખનિજસ્રોતો અને ઊર્જાનાં સાધનો : 1947ના સમયગાળામાં અહીં ખનિજસંપત્તિનું કોઈ પ્રકારનું સર્વેક્ષણ થઈ શક્યું ન હતું. 1980માં સર્વેક્ષણ થતાં અહીંથી સીસું, તાંબું, ટંગસ્ટન, ચિરોડી અને અબરખ જેવાં ખનિજો મળી આવ્યાં છે, પરંતુ તેનું ખનન કરી શકાયું નથી. દક્ષિણ ભુતાનમાંથી કોલસાનાં ક્ષેત્રો શોધી કાઢવામાં આવ્યાં છે. કુદરતે અહીં જળવિદ્યુત મેળવવા માટે વિપુલ સગવડો આપી છે, પરંતુ આર્થિક સધ્ધરતાના અભાવે ફક્ત પારો અને થિમ્ફુ ખાતે જળવિદ્યુત-મથકો સ્થાપી શકાયાં છે.

ઉદ્યોગ, વેપાર અને પરિવહન : ભુતાનમાં મોટા પાયા પરના કોઈ ખાસ ઉદ્યોગો નથી તેથી દેશની જરૂરિયાતને પહોંચી વળવા નાના પાયાના ઉદ્યોગો ઊભા કરવામાં આવેલા છે. ખાસ કરીને અહીં કાપડ, સાબુ, સિમેન્ટ, લાટીઓ, ફળોમાંથી બનાવાતી ખાદ્ય સામગ્રી જેવા નાના પાયા પરના ઉદ્યોગો જોવા મળે છે. જંગલોની પેદાશોનો વ્યવસાય પણ વિકસાવાયો છે. ભુતાનનો વેપાર ચીન કરતાં ભારત સાથે વધુ છે. તે મોટેભાગે લાકડાં, ફળો, શાકભાજી, સિમેન્ટ, ચૂનો, મરી અને સ્પિરિટની નિકાસ કરે છે; જ્યારે દવાઓ, પેટ્રોલિયમ પેદાશો, કાપડ અને ખાંડની આયાત કરે છે.

1960 સુધી ભુતાનમાં પરિવહન અને સંદેશાવ્યવહારનો વિકાસ થઈ શક્યો ન હતો. 1961માં ‘કોલંબો પ્લાન’ને કારણે ભુતાન સાથે ભારતનો સંબંધ ગાઢ બનતાં પરિવહનની સગવડો વધી છે. ભારતની સહાય દ્વારા 1,780 કિમી.ના પાકા રસ્તાનું નિર્માણ કરી શકાયું છે, જેમાં પશ્ચિમ ભુતાનની સરહદે આવેલ ફુન્તશોલિંગથી ભારતીય સરહદ પાસે આવેલ પારો અને ટાશિજિંગ (480 કિમી.) અને આસામની સીમાથી ટાશિજિંગ(160 કિમી.)ને જોડતા પાકા રસ્તાઓનો સમાવેશ થાય છે. પૂર્વ-પશ્ચિમ સીમાઓને જોડતો પાકો રસ્તો પણ પૂર્ણ થઈ ગયો છે. ડ્રુક એર નામની રાષ્ટ્રીય હવાઈ કંપની પડોશી દેશો સાથે હવાઈ સેવાથી સંકળાયેલી છે. ભારત દ્વારા ભુતાનને સંદેશાવ્યવહારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. ભુતાને સર્વપ્રથમ વાર પોતાની ટપાલ-ટિકિટ 1963માં છાપી હતી.

અહીં અદ્યતન સાધનો દ્વારા ચીજવસ્તુઓના ઉત્પાદનનો પ્રારંભ 1970માં થયો, તેને કારણે આજે ભુતાનમાં ખાદ્ય પદાર્થો, સિમેન્ટ અને જંગલપેદાશોના અનેક એકમો સ્થાપાયા છે. મોટાભાગના આવા એકમો ભારતીય સરહદ નજીક ભુતાનની દક્ષિણે પ્રસ્થાપિત થયા છે. ભુતાનનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર ફુન્તશોલિંગ છે.

ભુતાન બધી બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલું હોવાથી તેને વેપાર-વાણિજ્ય માટે પડોશી દેશો પર આધાર રાખવો પડે છે. ભારત સાથે તે ‘મુક્ત વેપાર’ નીતિથી સંકળાયેલું છે. તેનો 90 % આયાત-વેપાર ભારત સાથે થાય છે, આ દેશ ખાસ કરીને યંત્રો, પેટ્રોલિયમ-પેદાશો, અનાજ, કાપડ, પરિવહનનાં સાધનો વગેરેની આયાત કરે છે. એ જ રીતે તેનો નિકાસ-વેપાર પણ ભારત સાથે જ થાય છે. ખાસ કરીને આ દેશ ભારતમાં એલચી, બટાટા, નારંગી, જંગલ-પેદાશો અને સિમેન્ટની નિકાસ કરે છે. ભારત વિનિમય દ્વારા શિક્ષણ, ચિકિત્સા, ખેતી, ઇજનેરી જેવી બાબતોમાં તેને સહકાર આપે છે. ભુતાનનું નાણું અંગુલટ્રુમ (Ngultrum) છે. ભારતનો રૂપિયો પણ ત્યાં સ્વીકારાય છે.

વસ્તી અને વસાહતો : ભુતાનમાં મુખ્યત્વે ત્રણ જાતિના લોકો જોવા મળે છે, તેમાં ભુટિયા, નેપાલી અને શારચોપ્સનો સમાવેશ થાય છે. શારચોપ્સ પ્રજા ઇન્ડો-મોંગોલિયન પ્રજા તરીકે ઓળખાય છે. ભુટિયા જાતિના લોકો નાગલોપ્સ તરીકે જાણીતા બનેલા છે. ભુતાનની કુલ વસ્તીના 60 % લોકો ભુટિયા જાતિના છે. આ જાતિના લોકો આશરે નવમી સદીમાં તિબેટમાંથી સ્થળાંતરિત થઈને ગયા હોવાનું મનાય છે. તેઓ મોટેભાગે ભુતાનના ઉત્તર, મધ્ય અને પશ્ચિમના પ્રદેશોમાં સ્થાયી થયેલા છે.

દક્ષિણ અને નૈર્ઋત્યના પ્રદેશોમાં મિશ્ર જાતિના લોકો વસે છે. તેમાં નેપાળીઓનું પ્રમાણ વધુ છે. આ વિસ્તારની કુલ વસ્તીના 2 ભાગની પ્રજા નેપાળી છે. આ લોકો ગુરુન્ગ તરીકે ઓળખાય છે. આ જાતિના લોકો જાતિવાદના સંઘર્ષોથી બચવા મધ્ય ભુતાનમાં વસતા નથી.

પૂર્વ ભુતાનમાં મોટેભાગે આસામ અને અરુણાચલ પ્રદેશના આદિવાસી લોકોનું પ્રમાણ વધુ છે. અહીંની શારચોપ્સ અને તિબેટી પ્રજા બૌદ્ધધર્મી છે.

મહાહિમાલય અને ડુઆર્સના જંગલ-પ્રદેશની આબોહવા વિષમ હોવાથી ત્યાં વસાહતોનું પ્રમાણ ઓછું છે; પરંતુ લઘુહિમાલયના ભારતીય સરહદે આવેલા ખીણપ્રદેશોમાં વસાહતોનું પ્રમાણ વધુ છે. ભુતાનની કુલ વસ્તીના
90 % લોકો છૂટાંછવાયાં નાનાં નાનાં ગામડાંઓમાં વસે છે. ફક્ત 10 % લોકો જ શહેરી વિસ્તારોમાં વસે છે. 1960 પછી ભારતના સહયોગથી કેટલાંક નગરોનું નિર્માણ પણ કરી શકાયું છે. આ નગરો નદીઓના ખીણપ્રદેશોમાં આવેલાં છે. ભારત-ભુતાનના સરહદી ભાગોમાં આધુનિક ઢબના આવાસો આવેલા છે અને અહીં વસ્તી પણ ગીચ છે. આ ગીચ વિસ્તારો ઝોન્ગ (Dzong) તરીકે ઓળખાય છે. ભુતાનની રાજકીય, આર્થિક, ધાર્મિક અને સામાજિક બાબતોમાં આ પ્રદેશના લોકોનો ફાળો વિશેષ છે. ડુઆર્સના મેદાની વિસ્તારમાં આવેલું ફુન્તશોલિંગ ભુતાનનું મુખ્ય શહેર ગણાય છે. તે પારો અને થિમ્ફુને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. ભુતાનનું એકમાત્ર હવાઈ મથક પારો ખાતે આવેલું છે. અન્ય નગરોમાં પુનાખા અને મૉન્ગરનો સમાવેશ થાય છે. થિમ્ફુ ભુતાનની રાજધાની છે.

1960 સુધી ભુતાનમાં ધર્મગુરુઓના આદેશને કારણે શિક્ષણનો વિકાસ થઈ શક્યો ન હતો, પરંતુ તે પછીથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ થઈ શકી છે. પૂર્વ ભુતાનના કાન્ગલુન્ગ ખાતે શેરુબત્સ કૉલેજ આવેલી છે. તે દિલ્હી યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. ભુતાનમાં શિક્ષિતોનું પ્રમાણ માત્ર 20 % જેટલું છે. ડોઝોન્ગખા અહીંની રાષ્ટ્રીય ભાષા છે, પરંતુ લેખિત વ્યવહારમાં તિબેટિયન ભાષાનો વધુ ઉપયોગ થાય છે. અન્ય ભાષાઓમાં બુમથામ, નેપાળી અને અંગ્રેજીનો સમાવેશ થાય છે.

દક્ષિણ એશિયાના અન્ય વિસ્તારોની સરખામણીએ અહીં મૃત્યુદરનું પ્રમાણ વધુ છે. જન્મદરનું પ્રમાણ 2 % છે. મૃત્યુ માટે મુખ્યત્વે પાણી અને રોગિષ્ઠ આબોહવા જવાબદાર ગણાય છે. અહીં ખાસ કરીને ચામડીના અને પેટના રોગો, મલેરિયા તથા ક્ષય વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. મુખ્ય ચિકિત્સાલય થિમ્ફુ ખાતે આવેલું છે. આશરે 4,000થી 5,000ની વસ્તીદીઠ એક ચિકિત્સકની સુવિધા ઉપલબ્ધ છે. દેશમાં સ્ત્રી-પુરુષોનું પ્રમાણ 49 : 51 જેટલું છે. 1995 મુજબ ભુતાનની વસ્તી 16,38,000 જેટલી અંદાજેલી છે.

રાષ્ટ્રીય વિધાનસભાગૃહ, ભુતાન

વહીવટી સરળતાની ર્દષ્ટિએ ભુતાનને 20 જિલ્લાઓમાં વહેંચેલો છે, સાત જિલ્લાઓને તાલુકાઓમાં પણ વિભાજિત કરેલા છે. ભુતાનની સંસદને ટસોન્ગડુ (Tasongdu) કહે છે. તે 140 સભ્યોની બનેલી હોય છે તેમાં 50 % સભ્યોની નિમણૂક કરવામાં આવે છે, જ્યારે બાકીના 50 % ચૂંટાઈને આવે છે. અહીં કોઈ રાજકીય પક્ષોનું અસ્તિત્વ નથી. અહીં એક હાઇકૉર્ટ ઊભી કરવામાં આવેલી છે. તેમાં ચાર ન્યાયાધીશો હોય છે, પરંતુ રાજાનો નિર્ણય અંતિમ હોય છે. 1972થી જિગ્મે સિન્ગે વૉગચૂન્કે ભુતાન-નરેશ તરીકે રાજગાદી સંભાળી છે.

ઇતિહાસ : ઉપલબ્ધ ઐતિહાસિક માહિતી અનુસાર ભુતાનમાં આશરે ત્રીજી સદી પહેલાં તિબેટમાંથી આવેલા લામાઓનું પ્રભુત્વ હતું. આઠમી સદીમાં અહીં ભારતની હકૂમત હતી. સત્તરમી સદીમાં તિબેટના ધર્મગુરુ શેપટૂન લા-ફાએ પોતાને ભુતાનના રાજા અર્થાત્ ધર્મરાજા તરીકે જાહેર કર્યા, ત્યારથી ભુતાનનું રાજકીય મહત્ત્વ વધ્યું છે. ધર્મરાજા લા-ફાએ રાજ્યશાસન સારી રીતે ચલાવ્યું. તેમણે પેનલોપ્સ (સીમા-સુરક્ષા-અધ્યક્ષ) અને જંગપેન્સ(કિલ્લા-સુરક્ષા-અધ્યક્ષ)ની નિમણૂકો કરી વહીવટી ક્ષેત્રે ઘણો સુધારો કર્યો; પરંતુ 1720માં ભુતાન ચીનની સત્તા હેઠળ આવ્યું. 1774માં ઈસ્ટ ઇંડિયા કંપની સાથે સંધિ થઈ. 1865માં ભારતની જેમ ભુતાન પણ બ્રિટિશ તાજ હેઠળ મુકાયું. 1907માં વારસાઈ મુજબ યુગ્યેન વૉન્ગચૂકની ધર્મરાજા તરીકે નિમણૂક થઈ. 1952માં રાજા જીગ્મે દોરજી વૉન્ગચૂકે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. 1959માં ચીને તિબેટ પડાવી લેતાં ભુતાને આશરે 4,000 જેટલા તિબેટવાસીઓને આશ્રય આપ્યો. આને કારણે ત્યાં પણ નાગરિકતાની સમસ્યા ઊભી થયેલી છે.

નીતિન કોઠારી