ભાસ્કર (ઉપગ્રહ)

January, 2001

ભાસ્કર (ઉપગ્રહ) : ભારતના પ્રાયોગિક કક્ષાના ભૂ-અવલોકન ઉપગ્રહોની પ્રથમ શ્રેણીમાંનો કોઈ પણ ઉપગ્રહ. આ શ્રેણીમાં બે ઉપગ્રહો હતા – ભાસ્કર-1 અને ભાસ્કર-2.

ભાસ્કર-1 ઉપગ્રહ સોવિયેત રશિયામાંથી 7 જૂન, 1979ના રોજ 525 કિમી.ની ઊંચાઈ પર લગભગ વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. તેની કક્ષાનો નમનકોણ 51° હતો. ભૂ-અવલોકન માટે તેમાં બે પ્રકારનાં ઉપકરણો રાખવામાં આવ્યાં  હતાં : (1) દિવસ દરમિયાન પરાવર્તિત ર્દશ્યમાન અને પરાવર્તિત પાર-રક્ત તરંગ-લંબાઈના કુલ બે ગાળા(bands)માં પૃથ્વીની સપાટીની છબીઓ લેવા માટે ટેલિવિઝન-કૅમેરા તથા (2) પૃથ્વી દ્વારા ઉષ્માજનિત ઉત્સર્જન(thermal emission)ની બે સૂક્ષ્મતરંગ આવૃત્તિમાં અવલોકનો લેવા માટે બે સૂક્ષ્મતરંગ વિકિરણમાપકો (Satellite Micro Wave Radiometer), તેના પરથી તેનું ટૂંકું નામ (SAMIR) ‘સમીર’ રાખવામાં આવ્યું હતું. ભાસ્કર-1 ઉપગ્રહને મિનિટનાં 6થી 8 ચક્રનો ધીમો ચાક આપીને ચાક-સ્થિત (spin-stabilized) કરવામાં આવ્યો હતો અને તેની ચાક-ધરી કક્ષાની સપાટીથી કાટખૂણે રાખવામાં આવી હતી. ઉપર ઉલ્લેખ કરેલાં બંને ઉપકરણો ઉપગ્રહમાં એવી રીતે સામસામે રાખવામાં આવ્યાં હતાં કે જેથી તેના દરેક ચાક દરમિયાન વારાફરતી આ બંને ઉપકરણો પૃથ્વી તરફ લંબ દિશામાં ‘જોતાં’ રહે. દરેક ચાક દરમિયાન ટેલિવિઝન-કૅમેરા વડે બંને તરંગલંબાઈના ગાળામાં ભૂમિની 341 × 341 ચોકિમી. વિસ્તારની છબીઓ મળતી હતી, જેનું વિભેદનમાપ 1 કિમી. હતું. ‘સમીર’નાં ઉપકરણો સૂક્ષ્મતરંગની બંને આવૃત્તિમાં ઉત્સર્જિત વિકિરણ ગ્રહણ કરતાં હતાં, જેનાં વિભેદનમાપ અનુક્રમે 150 કિમી. અને 225 કિમી. હતાં.

ભાસ્કર-1 પછી તેના જેવો જ બીજો ભૂ-અવલોકન ઉપગ્રહ ભાસ્કર-2 સોવિયેત રશિયામાંથી 20 નવેમ્બર 1981ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. તેની કક્ષા ભાસ્કર-1ની કક્ષા જેવી જ હતી. ભાસ્કર-1માં હતાં તેવાં જ બંને ઉપકરણો ભાસ્કર-2માં હતાં. તેના ‘સમીર’ ઉપકરણમાં સૂક્ષ્મતરંગની વધારાની એક આવૃત્તિમાં અવલોકન લેવા માટે એક સૂક્ષ્મતરંગ વિકિરણમાપક ઉમેરવામાં આવ્યું હતું. અન્ય દેશોના સમકાલીન ભૂ-અવલોકન ઉપગ્રહોની સરખામણીમાં ભાસ્કર-1 અને ભાસ્કર-2 ઉપગ્રહો સામાન્ય પ્રકારના હતા અને તેનાં વિભેદન-માપ પણ તુચ્છ હતાં; તેમ છતાં એ દ્વારા મળેલો અનુભવ અત્યંત મહત્વનો હતો. ટેલિવિઝન-કૅમેરા વડે મળેલી છબીઓ દ્વારા ભૂ-ઉપયોગ (land-use), ભૂસ્તરીય લક્ષણો અને દેશના વનવિસ્તારો વિશે અભ્યાસ કરવામાં આવ્યો હતો તથા ‘સમીર’નાં અવલોકનો દ્વારા સમુદ્ર પરના વાતાવરણમાંના કુલ ભેજ અને વાદળના પ્રવાહી જળ અંગે માહિતી મળી હતી.

પરંતપ પાઠક