ભાસ્કરન, પી.

January, 2001

ભાસ્કરન, પી. (જ. 1924) : મલયાળમ લેખક. પ્રગતિશીલ વિચારસરણીના તેઓ અગ્રેસર કવિ હતા. રાજકારણમાં ઝંપલાવ્યું હોવાથી કૉલેજનું શિક્ષણ તેમને અધવચ્ચેથી જ છોડવું પડ્યું. પછી સામ્યવાદી પક્ષના સક્રિય કાર્યકર્તા થયા અને જેલવાસ પણ ભોગવ્યો. સામ્યવાદી પક્ષના દૈનિક ‘દેશાભિમાની’ના તંત્રીમંડળમાં એમણે સેવા આપી. થોડાં વર્ષો પછી એ રાજકારણમાંથી નિવૃત્ત થયા અને સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં એમણે ધ્યાન પરોવ્યું અને સાહિત્યિકવિષયક સામયિક ‘જય કેરલમ્’નું તંત્રીપદ સંભાળ્યું. ત્યારપછી આકાશવાણીમાં કલાકાર તરીકે જોડાયા અને ત્યાંથી ફિલ્મની દુનિયામાં પ્રવેશ્યા અને અનેક મલયાળમ ફિલ્મોનાં ગીતો એમણે લખ્યાં અને તે સારા પ્રમાણમાં લોકપ્રિય થયાં. અત્યારે (zoro) એ મલયાળમ સાપ્તાહિક ‘દીપિકા’ના તંત્રીપદે છે અને કેરળ સંગીત-નાટક અકાદમીના અધ્યક્ષ છે.

અનુભવે એમને સામ્યવાદ તરફ અણગમો થયો. 1946માં વાયલારમાં મજૂરોએ વિદ્રોહ કરેલો તેને બિરદાવતું અને કામદારો પરના પોલીસના અત્યાચારનો પ્રતિકાર કરવા લોકોને ઉદબોધતું ‘વાયલાર ગર્જીક્કુન્નુ’ (‘વાયલાર રોર્સ’) કાવ્ય લખ્યું. એ ગીત ઠેર ઠેર ગવાયું. એટલે સરકારે એની પર પ્રતિબંધ મૂક્યો. ભાસ્કરનના કવિ-જીવનું રાજકારણના આકર્ષણથી ભ્રમનિરસન થાય છે; આથી એમનાં તે પછીનાં કાવ્યોમાં રાજકારણ નહિ, પણ માનવતાવાદનું મહત્વ તેઓ દર્શાવે છે અને એનો મહિમા ગાય છે. એમના 5 કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે, જેમાં મુખ્ય છે ‘સત્રાતીલ ઓરૂ રાત્રી’, ‘મુલ્કકિરીટમ્’, ‘ઓરક્કુકા વલ્લાપોઝમ્’, ‘ઓટ્ટાકમપિયિટ્ટા તંબુરૂ’. છેલ્લી કૃતિ માટે કેરળ સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તાત્વિક રીતે તેઓ રંગદર્શી પ્રકૃતિના કવિ છે. તેમના કાવ્યવિષયો તથા કાવ્યરીતિ રોમૅન્ટિક પ્રકારનાં છે.

ચન્દ્રકાન્ત મહેતા