ભારતીય સંસ્કૃતિ

ભારતીય સમાજમાં પેઢી-દર-પેઢી હસ્તાંતરિત થતી જીવનશૈલી.

સંસ્કૃતિ : અંગ્રેજી શબ્દ ‘કલ્ચર’ મૂળમાં ‘કૃષિ’ના અર્થમાં પ્રયોજાયો છે. તે પરથી વિલ ડ્યુરાન્ટે ‘કલ્ચર’ એટલે માનવમનનું ખેડાણ (કલ્ટિવેશન ઑવ્ મૅન્સ માઇન્ડ) એવો અર્થ તારવ્યો છે. ભારતમાં ‘કલ્ચર’ના પર્યાય રૂપે ‘સંસ્કૃતિ’ શબ્દ પ્રયોજવામાં આવે છે. નૃવંશવિદ્યાવિદો અને સંસ્કૃતિવિદ્યાવિદો તેનું તાત્પર્ય સમજાવતાં કહે છે કે સંસ્કૃતિ એ કોઈ ભૂતકાળની બાબત નથી. તેનો સંબંધ જિવાતા જીવન સાથે છે. તેના સર્જનની પાત્રતા કેવળ મનુષ્યમાં જ છે. જગતની અન્ય જીવસૃષ્ટિ સંસ્કૃતિ ખીલવી શકતી નથી, કેમ કે અન્ય જીવસૃષ્ટિ પ્રકૃતિજીવી છે, જ્યારે મનુષ્ય કેટલીક વિશેષતાઓને લઈને પ્રકૃતિજીવી ન રહેતાં સંસ્કૃતિજીવી બન્યો છે. સૃષ્ટિની જીવયોનિઓમાં પ્રાણી તરીકે મનુષ્ય અનેક પ્રકારની કેટલીક ચોખ્ખી વિશેષતાઓ ધરાવે છે. તેનાં શરીર, ભાષા, રહેણીકરણી, નિર્વાહ, આહાર, સામાજિક વૃત્તિ વગેરે અનેક બાબતો તેની એ વિશેષતા બતાવે છે. મનુષ્ય તેનો સમાજ રચે છે, તેને સારુ અમુક સુધારો એટલે કે જીવનનિર્વાહ કરવાને માટે અમુક શારીરિક–માનસિક શ્રમ, તે માટે આવશ્યક સાધનસામગ્રી, રાચરચીલું વગેરેથી માંડીને અમુક સંસ્થા કે પ્રથાઓ રચે છે. તેમાં એ સાહિત્ય, કલા અને ધર્મની છટા આણે છે. આ વસ્તુ મનુષ્ય પરત્વે જ બને છે, બીજા કોઈ અંગે નહિ.

મનુષ્યનું નિરાળાપણું  મુખ્યત્વે તેના ચિત્તની શક્તિ અને  હાથની કારીગરી શક્તિમાં રહેલું છે. માનવયોનિ શિક્ષણ લઈ શકે છે અને તેને સંઘરી શકે છે એ એની ખાસ વિશેષતા છે. યોગદર્શનની પરિભાષા પ્રયોજીને કહીએ તો માનવચિત્તમાં બે વૃત્તિઓ વિશેષ છે, જેને લઈને તે સંસ્કૃતિ જેવો અમર વારસો કમાઈ શકે છે. એક વિકલ્પ- વૃત્તિ, જેને લઈને તે શબ્દશક્તિ દ્વારા ખેડાણ કરે છે; બીજી સ્મૃતિશક્તિ, જેને લઈને તે વર્તમાન જ નહિ, પરંતુ ભૂત અને ભવિષ્યકાળ સમજે છે અને પોતાની અમરતાનાં સ્વપ્નાં જુએ છે અને એ સાધવા ઝૂરે છે. આ આંતરપ્રેરણાનો માર્યો તે સમાજના ધારણને માટે સંસ્કૃતિ રચે છે, તેનો વારસો પોતાની ઉત્તર પેઢીને આપીને અને બને તેટલો એ સમૃદ્ધિમાં વધારો કરીને પોતાને કૃતકૃત્ય માને છે. આમ સંસ્કૃતિ એ સમાજનું ધારકબળ છે.

કોઈ પણ સંસ્કૃતિ તે તે પ્રદેશોનાં જાતિ, દેશકાળ, ભૂગોળ, ઇતિહાસ પરત્વે જુદી જુદી ઘડાય છે. તેથી શરીર અને તેના વર્ણને આધારે માનવજાતિઓ જુદી જુદી જોઈએ છીએ, તેમ એમની સંસ્કૃતિ વિશે પણ ભિન્ન વર્ગો પાડી બતાવાય છે. દરેક સંસ્કૃતિને પોતપોતાનાં મૌલિક તથ્યો કે મૂલ્યો હોય છે અને તેના સભ્યોની તેના તરફની વફાદારીથી તેનું જતન અને સંવર્ધન થાય છે. ભારતીય પ્રાચીન પરિભાષામાં તેને ધર્મબળ કહ્યું છે. મહાભારતકારે लोकयात्रार्थमेवेह धर्मप्रवचनं कृतम् કહ્યું છે તે આ અર્થમાં સમજાય છે.

વિકાસ અને પ્રદાન

સંસ્કૃતિના વિષયોને સાધારણ રીતે ભૌતિક અને બૌદ્ધિક એમ બે શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે. પ્રત્યેક સંસ્કૃતિનો પ્રારંભિક વિકાસ એનું ભૌતિક પાસું દર્શાવતો હોય છે. ભારતીય સંસ્કૃતિ પરત્વે જોઈએ તો તેનો પ્રારંભ ક્યારે થયો હશે તે ચોક્કસપણે નક્કી કહી શકાતું નથી. પુરાતત્વવિદો અને ભારતીય વિદ્યાવિદોની ધીરજપૂર્વકની શોધખોળથી જણાયું છે કે ભારતીય સંસ્કૃતિનું નિર્માણ પ્રાચીન પાષાણયુગથી આરંભાયું હતું. શિવાલિકની પહાડીઓમાં સોઅન નદીની ખીણ(હિમાચલ પ્રદેશ)માંથી પૂર્વપાષાણયુગના અર્થાત્ ચાર લાખથી બે લાખ વર્ષ પૂર્વેના મનુષ્યવસવાટનાં ચિહ્નો રૂપે પથ્થરનાં ઓજારો મળી આવ્યાં છે. દક્ષિણ ભારતમાંથી પણ આવાં ઓજારો પ્રાપ્ત થયાં છે. ત્યારે મનુષ્ય અરણ્યવાસી હતો અને પોતાની આવશ્યકતાઓની પૂર્તિ માટે તેણે અનેક પ્રકારનાં ઓજારોની શોધ કરી હતી. એ માટે તેણે પહેલાં પથ્થરો અને હાડકાં અને પછી જંગલોમાં તાંબા અને લોઢાની ખાણોમાંથી મળેલ કાચા માલનો પ્રયોગ કરવા માંડ્યો હતો. જંગલોની અપાર સંપત્તિનો તેણે ભરપૂર ઉપયોગ કર્યો. વાંસની શોધ આદિમ મનુષ્ય માટે પ્રગતિદાયક સિદ્ધ થઈ. વાંસનાં ખપાટિયાંને કે પથ્થરોને પરસ્પર ઘસીને અગ્નિ પેદા કરવાથી માંસ પકવવાની સુવિધા થઈ. અગ્નિની શોધે તેની ભૌતિક અને આગળ જતાં આધ્યાત્મિક ઉન્નતિનાં દ્વાર ખોલી નાંખ્યાં.

પશુઓના ચામડામાંથી બનાવેલી ધમણનો ઉપયોગ કરીને ભઠ્ઠીમાં ધાતુ ગાળી તેમાંથી નવાં નવાં ઓજારો અને આભૂષણો ઘડવામાં આવ્યાં. અગ્નિ વડે જંગલો બાળીને તેમને કૃષિયોગ્ય કરવામાં આવ્યાં. નવાં ખેતરો બનાવતી વખતે જંગલની દેવીમાતા કે કૃષિમાતાની સ્થાપના કરી તેના સન્માનમાં નૃત્ય-ગાનનું આયોજન થવા લાગ્યું. ખેતીની શોધ સાથે ભટકતા જીવનનું સ્થાન સ્થિર ગ્રામજીવને લીધું. હવે સમુદાયમાં રહેવાની આદત પડતાં સામાજિક પરંપરાઓ અને પદ્ધતિઓનો ઉદય થયો. ઉત્તરપાષાણયુગ (ઈ. પૂ. પાંચમીથી ચોથી સહસ્રાબ્દી) સુધીમાં તો સમગ્ર ભારતમાં મનુષ્યના વસવાટનો પ્રારંભ થઈ જતો જોવામાં આવે છે. તેમની સંસ્કૃતિના અવશેષો દેશના બધા ભાગોમાંથી પ્રાપ્ત થયા છે.

ભારતના ઇતિહાસની શરૂઆતનો સમય નક્કી કરવો ઘણો મુશ્કેલ છે. ઇતિહાસવિદો અને પુરાતત્વવિદોની શોધ પરથી જણાયું છે કે ભારતીય પ્રજા ઇતિહાસની ક્ષિતિજ પર પ્રથમ એક પૂર્ણ વિકસિત ભૌતિક સંસ્કૃતિનું સ્વરૂપ ધરાવતી જોવામાં આવે છે. ઋગ્વેદ કેવળ ભારતીય પ્રજાનું જ નહિ પણ સમગ્ર માનવજાતનું પ્રથમ લિખિત સાહિત્ય છે. એમાં રજૂ થયેલ ચિત્ર પરથી ત્યારનું જીવન ખેતી, પશુપાલન, ગ્રામીણ હસ્તોદ્યોગ અને ગ્રામસંગઠન પરત્વે આબાદ હોવાનું પ્રતીત થાય છે. ઋગ્વેદીય ભારતીયોને જીવન, કવિતા અને યુદ્ધ પ્રત્યે ભારે ખેંચાણ હતું. તેમની આ સંસ્કૃતિનો પ્રારંભ ક્યારે થયો તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કેટલાક સમર્થ ઇતિહાસવિદોનો મત છે કે સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રાગ્-ઋગ્વેદકાલીન છે અને તેનાથીયે અધિક પૂર્વકાલમાં વિકસિત સભ્યતાને સ્તરે પહોંચેલું સ્વરૂપ ધરાવતી હતી.

આ સિંધુખીણ સંસ્કૃતિના અવશેષો વાયવ્ય ભારતમાં હડપ્પા (પંજાબ) અને મોહેં-જો-દડો(સિંધ)માંથી પ્રચુર માત્રામાં મળ્યા છે, પરંતુ હવે આ સ્થાનો પાકિસ્તાનમાં છે. ભારતમાં વાયવ્ય અને પશ્ચિમ ભારતમાં લોથલ, કાલીબંગન, રૂપડ, ધોળાવીરા, નાવડાટૉલી જેવાં સ્થાનોમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો પરથી તેમનો સમયગાળો ઈ. પૂ. 3500થી ઈ. પૂ. 1800નો અંકાયો છે. આ સંસ્કૃતિનો પ્રસાર ભારતના વાયવ્ય ઉપરાંત મધ્ય, દખ્ખણ અને છેક દક્ષિણ સુધીના પ્રદેશોમાં થયેલો હતો. સિંધુ ખીણ સંસ્કૃતિ નગરોની સંસ્કૃતિ હતી. ઉન્નત નાગરિક જીવન સૂચવતા અવશેષો, જેવા કે, ભગ્ન ઇમારતો, સોનું, ચાંદી, તાંબું અને અકીક તેમજ મણિઓનાં આભૂષણો; ઘરવપરાશનાં ઉપકરણો, મુદ્રાઓ, મૂર્તિઓ વગેરે વિપુલ પ્રમાણમાં મળ્યાં છે. સુયોજિત નગરરચના, નગરને ફરતો કોટ, બાંધેલા રસ્તા, જાહેર ભવનો, લોથલની ગોદી, આંતરરાષ્ટ્રીય વેપારસૂચક શિલ્પો તેમજ મુદ્રાઓ, મુદ્રાઓ પર પ્રયોજાયેલ લિપિ વગેરે આ સંસ્કૃતિની ઉન્નત અવસ્થા સૂચવે છે. આ સંસ્કૃતિનું નિર્માણ ઘણું કરીને દ્રવિડી પ્રજાએ કરેલું હોવાનું મનાય છે. એનો સંબંધ પશ્ચિમ એશિયાની સુમેર, બાબિલોન વગેરે સમકાલીન સંસ્કૃતિઓ સાથે પણ હતો. આ સંસ્કૃતિ એકદમ નષ્ટ થઈ ગઈ નથી. તેનું સાતત્ય કેટલેક અંશે વર્તમાન ભારતીય જીવનમાં પણ વરતાય છે. આ સંસ્કૃતિએ શિવ અને શક્તિની ઉપાસના તેમજ સંભવત: યોગદર્શનને જન્મ આપ્યો હતો અને આજે પણ ભારતીય સંસ્કૃતિનાં તે મહત્વનાં અંગો છે. લોથલ પરંપરાનાં વાસણો આજે પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનના વિસ્તારોમાં પ્રચલિત છે.

વસ્તુત: ભારતીય સંસ્કૃતિનો સળંગ ઇતિહાસ ઋગ્વેદથી પ્રાપ્ત થાય છે. તેના વેદકાલીન સ્વરૂપનું નિર્માણ ઋષિઓને હાથે થયું હતું. એમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના ધર્મરૂપ વેદમંત્રોનો સાક્ષાત્કાર કરનારા ‘કવિ’ કહેવાતા. આ સાક્ષાત્કૃત ધર્મમાં ઋષિઓ પાસેથી ઉપદેશ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરનારા ઋષિઓ ‘શ્રુતર્ષિ’ કહેવાતા. બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોનું વાઙમય તેમનું પ્રદાન છે. તેમના પછી ત્રીજી શ્રેણીના ઋષિ થયા. તેમણે વેદોનો યથાર્થ બોધ કરાવવા અને બ્રાહ્મણો તથા આરણ્યકોના જ્ઞાનનો વિસ્તાર કરવા માટે ‘વેદાંગ’ નામે સ્વતંત્ર વિદ્યાઓનું પ્રવર્તન કર્યું. વૈદિક ઋષિઓની આ ત્રણેય પરંપરાઓનું પ્રદાન ભારતીય સંસ્કૃતિ અને જગતસંસ્કૃતિ માટે અદ્વિતીય છે. અગાઉ જણાવ્યું તેમ, વેદો જગતનું પ્રાચીનતમ સાહિત્ય છે. તેમાં કર્મ અને જ્ઞાનનું આધાન પ્રથમ મંત્રદ્રષ્ટા ઋષિઓ દ્વારા થયું છે.

ઋગ્વેદમાં પ્રતિબિંબિત સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓમાં ઉત્તરકાલીન પરંપરાઓનાં મૂળ પ્રાપ્ત થાય છે. ધાર્મિક ચિંતન પરત્વે સત્ તત્વ તો એક જ છે એવો ખ્યાલ આ યુગમાં પ્રવર્ત્યો. એ વખતે પાંગરેલી કર્મની વિભાવના, ઉત્તરકાલમાં ઘણે અંશે યથાવત્ જળવાઈ છે. વિષ્ણુ, રુદ્ર, સૂર્ય (મિત્ર) વગેરે આ યુગના દેવતાઓની ઉપાસના આજે પણ થાય છે. ઋગ્વેદકાલના યજ્ઞો કાલાંતરે પૂજા અને અનુષ્ઠાનમાં પરિવર્તિત થયા અને એ સ્વરૂપે આજે પણ પ્રયોજાય છે. ઋગ્વેદની વૈદિક સંસ્કૃત ભાષા પછીના સમયમાં લૌકિક સંસ્કૃત રૂપે રૂપાંતર પામી. આ કાલમાં સભ્યતાનું કેંદ્ર પંજાબ હતું અને ત્યાંથી તેનો પૂર્વ તરફ પ્રસાર થતો જોવામાં આવે છે.

ઉત્તર વૈદિક કાલ (ઈ. પૂ. 1200થી ઈ. પૂ. 800) દરમિયાન શ્રુતર્ષિઓએ કર્મ અને જ્ઞાનના વારસાનો વિકાસ કરવાના હેતુથી વૈદિક ધર્મને વ્યાપક અને બહુજનગમ્ય બનાવ્યો. આર્ય અને આર્યેતર જાતિઓનું મિશ્રણ વ્યાપક પ્રમાણમાં થયું અને તેને પરિણામે વર્ણવ્યવસ્થા ર્દઢ થઈ. સામાજિક જીવનનો ઉત્તરોત્તર વિકાસ અને વિસ્તાર થતાં પારસ્પરિક સંઘર્ષો ટાળવા ત્રીજા યુગના ઋષિઓએ સૂત્રગ્રંથો અને સ્મૃતિઓની રચના કરી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાતુર્વર્ણ્ય સમાજનું રૂપ સ્પષ્ટ થયું. તેની સાથોસાથ સામાજિક નીતિનિયમો પણ નિર્ધારિત થયા. યજ્ઞધર્મનો વિકાસ અને વર્ણવ્યવસ્થાની સ્થાપના થતાં બ્રાહ્મણ ધર્મની પ્રધાનતા થઈ. આ યુગમાં જુદા જુદા વ્યવસાયો અને ગૃહઉદ્યોગોની સ્થાપના થતાં ભારતીય સમાજના આર્થિક વિકાસની નવી દિશાઓ ખૂલી. સંસ્કૃતિ–વિકાસના આ યુગમાં યજ્ઞને શ્રેષ્ઠતમ કર્મ રૂપે સ્વીકારવામાં આવ્યો અને પૂર્વવર્તી યુગમાં કર્મ ને ઉન્નતિના નામે જે ભૌતિક પ્રલોભનોથી પશુબલિ જેવા અનર્થો થઈ રહ્યા હતા તેના પર રોક લાગી. આ યુગમાં  ઉપનિષદોના ચિંતનની જ્ઞાનધારાનો ઉદય થયો અને બ્રહ્મ તથા આત્માનું તાદાત્મ્ય સ્થાપિત કરવામાં આવ્યું. વસ્તુત: વૈદિક વિચારધારાનો ઉપનિષદોરૂપી વેદાંતદર્શનમાં ચરમ વિકાસ થયો. આ કાલની બૌદ્ધિક સંસ્કૃતિએ જ્ઞાનની અનંત ધારાઓનો વિકાસ કર્યો અને પરંપરાગત વૈદિક જ્ઞાનના વારસાને તર્ક અને પ્રમાણની કસોટી પર કસીને તત્વચિંતનની અનેક નવી પદ્ધતિઓનાં દ્વાર ખોલી નાખ્યાં. ભારતના આ બૌદ્ધિક ઉત્કર્ષની ચરમ પરિણતિ આગળ જતાં દર્શનશાસ્ત્રની વિવિધ શાખાઓ રૂપે પાંગરી. આ યુગમાં સંસ્કૃતિનું મુખ્ય કેંદ્ર પંચનદ અને કુરુક્ષેત્ર હતાં, પછી તેનો વિસ્તાર કાશી, કોસલ અને વિદેહ સુધી થતાં આ સમગ્ર વિસ્તાર ‘આર્યાવર્ત’ને નામે ઓળખાયો. આર્યેતરો અને આર્યો વચ્ચે સમન્વય અને એકાત્મતાની પ્રક્રિયા તીવ્ર બની. કર્મનો સિદ્ધાંત ઉપનિષદોમાં દેખા દે છે તે સંભવત: મુનિઓ અને શ્રમણોની પરંપરામાંથી લેવામાં આવ્યો હતો. સમય જતાં આ સિદ્ધાંત ભારતીય જીવન-દર્શનનું કેંદ્રબિંદુ બન્યો. પ્રવૃત્તિપ્રધાન વૈદિક ધર્મ અને નિવૃત્તિપ્રધાન અવૈદિક ધર્મો વચ્ચે સમન્વય થતાં વૈદિક ધર્મમાં પણ નિવૃત્તિ કે સંસારત્યાગ અને સાંસારિક બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાનો વિકલ્પ વ્યાપકપણે સ્વીકારાયો. તેથી પ્રવૃત્તિ-નિવૃત્તિ-પ્રધાન ઉભયાત્મક ધર્મનું પ્રતિપાદન થવા લાગ્યું અને તે ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું એક મહત્વનું લક્ષણ બન્યું. સંન્યાસાશ્રમના આદર્શની પ્રતિષ્ઠા પણ આવા સાંસ્કૃતિક સંમિશ્રણનું પરિણામ છે. રાજનૈતિક ક્ષેત્રે આ યુગમાં અનેક રાજ્યો પ્રગટ્યાં, શાસનપ્રણાલીઓ વિકસી અને ‘ઐતરેય બ્રાહ્મણ’માં તો સમુદ્રપર્યંત પૃથ્વીને એકછત્ર સામ્રાજ્ય રૂપે ધારણ કરવાનો રાજા માટે આદર્શ સ્થપાયો.

સૂત્રકાલ (ઈ. પૂ. 800થી ઈ. પૂ. 500) દરમિયાન સામાજિક, ધાર્મિક અને વ્યાકરણ, દર્શન જેવા શાસ્ત્રીય વિષયોને લગતા નિયમોને ક્રમબદ્ધ રૂપે, અલ્પતમ શબ્દો વડે સૂત્રમાં પરોવીને, વિદ્યાર્થીઓ સરળતાપૂર્વક કંઠસ્થ કરી શકે તેવા સૂત્રગ્રંથોની રચના કરવામાં આવી. આ ગ્રંથોમાં ભારતીય સમાજનાં જુદાં જુદાં અંગોને વિધિવિધાનો દ્વારા વ્યવસ્થિત કરવાનો ઉપક્રમ રખાયો છે. શ્રૌતસૂત્રોમાં યજ્ઞને લગતાં ધાર્મિક વિધિવિધાનો અપાયાં છે, તો ગૃહ્યસૂત્રોમાં કૌટુંબિક જીવનને લગતાં અને ધર્મસૂત્રોમાં વર્ણવ્યવસ્થા તેમજ સામાજિક અને રાજકીય પરંપરાઓને લગતાં વિધિવિધાનો અને વ્યવહારોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. રાજાનાં અધિકારો અને કર્તવ્યોની મીમાંસા પણ તેમાં અપાઈ છે. આ વખતે નિર્ધારિત કરવામાં આવેલી સમાજવ્યવસ્થા પછીના સમયમાં છેક હમણાં સુધી વત્તે-ઓછે અંશે જળવાયેલી નજરે પડે છે. સૂત્રગ્રંથો રચવાની પરંપરા લાંબા સમય સુધી ચાલી છે. આપસ્તંબ, આશ્વલાયન વગેરે કેટલાંક મુખ્ય શ્રૌતસૂત્રો તેમજ ગૃહ્યસૂત્રોનો સમય ઈ. પૂ. 800થી ઈ. પૂ. 400નો મનાયો છે, જ્યારે ગૌતમ, બૌધાયન, વસિષ્ઠ અને આપસ્તંબનાં ધર્મસૂત્રો સંભવત: ઈ. પૂ. છઠ્ઠીથી ઈ. પૂ. ચોથી સદીઓ દરમિયાન રચાયાં છે. ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી સદીમાં વૈયાકરણ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’ નામના પ્રસિદ્ધ સૂત્રગ્રંથની રચના કરી. વ્યાકરણના આ ગ્રંથ દ્વારા પ્રાદેશિક ભાષાઓ ઉપર સંસ્કૃતિને આંતરક્ષેત્રીય ભાષા રૂપે પ્રતિષ્ઠિત કરીને દેશની સાંસ્કૃતક એકતા સુર્દઢ કરવાનું મહત્વનું કાર્ય સિદ્ધ થયું. આ ગ્રંથ ઉત્તરકાલમાં સંસ્કૃત ભાષાનો નિયામક ગ્રંથ બની રહ્યો. આ અરસામાં બાદરાયણે ઉપનિષદોના તત્વજ્ઞાનને વેદાન્તસૂત્રો(બ્રહ્મસૂત્ર)માં પરોવ્યું.

આ સમયગાળામાં બીજી બાજુ પુરાણોએ વેદોના જ્ઞાનથી વંચિત રહેલાં સ્ત્રી-શૂદ્ર વગેરેને – આમજન-સમાજને પણ આ સમન્વયાત્મક સંસ્કૃતિથી તરબોળ કરવાનો સબળ પ્રયાસ કર્યો. પુરાણોના રચનારા કે તેનું કથન કરનારા સૂતમુનિઓએ પરંપરાગત વૃત્તાંતો અને ઐતિહાસિક ઘટનાઓને રોચક અને સરળ આખ્યાનો તેમજ ઉપાખ્યાનોમાં વણી લઈને તે દ્વારા સમાજને લોકપ્રિય ઢબે ધર્મ, નીતિ અને સદાચારના માર્ગે દોરવાની મહત્વની કામગીરી બજાવી. પુરાણોનાં આદર્શમય અને લોકપ્રિય આખ્યાન-ઉપાખ્યાનોને આધારે ઉદારચરિત રાજપુરુષોના જીવનાદર્શોને વણી લઈને વાલ્મીકિ અને વ્યાસ, કૃષ્ણદ્વૈપાયન જેવા સમર્થ મનીષીઓએ રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યોની રચના કરી, અને તે દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક ધારાને યુગ અનુસાર નવું રૂપ આપ્યું. આ બંને કાવ્યોમાં કુટુંબધર્મ અને રાજધર્મ કેંદ્રસ્થાને હોવા છતાં તેમાં માનવધર્મનું પણ વ્યાપકપણે નિરૂપણ થયું છે. આ કાવ્યોમાં તેના કવિઓએ મનુષ્યસ્વભાવનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને તેના ઊંડાણમાં પેસી જીવનનું અદભુત દર્શન કરાવ્યું હોઈ હજારો વર્ષોથી ભારતમાં અનેક પ્રસંગોએ જીવનપ્રેરણા માટે લોકો તેનો આશ્રય લેતા આવ્યા છે. વસ્તુત: રામાયણમાં નિરૂપિત ‘રામચરિત’ અને મહાભારતનિરૂપિત ‘ભગવદગીતા’ દ્વારા ભારતીય સંસ્કૃતિનાં વિશિષ્ટ મૂલ્યોને ર્દઢ કરવામાં આવ્યાં છે.

દરમિયાનમાં ઈ. પૂ. છઠ્ઠી સદીમાં રાજકીય ક્ષેત્રે નવાં રાજ્યો અને ધાર્મિક ક્ષેત્રે નવાં આંદોલનો પ્રગટ્યાં. આ સમયે સોળ મહાજનપદોનો મહિમા સ્થપાતાં નગરસભ્યતાનો ઉદય થવા લાગ્યો. અગાઉ વેદકાલ અને સૂત્રકાલમાં આર્થિક વ્યવસ્થાનો પાયો ગ્રામીણ તંત્ર પર નિર્ભર હતો. આ સમયે આર્થિક પરિવર્તનોની સાથે વેપારીઓના મધ્યમ વર્ગનો ઉદય થયો. સોળ મહાજનપદો પૈકીનાં કેટલાંક નૃપતંત્ર સ્વરૂપનાં હતાં તો કેટલાંક ગણતંત્ર સ્વરૂપ ધરાવતાં હતાં. તેમની વચ્ચે તીવ્ર સંઘર્ષોનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. બીજી બાજુ આર્ય અને આર્યેતર ધાર્મિક આદર્શોનો સંપર્ક અને સંઘર્ષ પણ હવે તીવ્ર બન્યો હતો. શ્રમણો અને તપસ્વીઓના અનેક સંઘો હતા અને તેમના આદર્શો ભિન્ન હોવાને કારણે બ્રાહ્મણધર્મ સાથે તેમને વૈચારિક સંઘર્ષ થયા કરતો હતો. આવી પરિસ્થિતિમાં નિવૃત્તિપરક ધાર્મિક આંદોલન રૂપે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ પ્રગટ્યા તે ઈ. પૂ. છઠ્ઠી સદીની ભારતના ઇતિહાસની મોટી ઘટના છે. આ બંને ધર્મોના સિદ્ધાંતોમાં અવૈદિક અને વૈદિક બંને સાંસ્કૃતિક ધારાઓનો સમન્વય નજરે પડે છે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ જેવા સમર્થ ધાર્મિક નેતાઓના પ્રભાવથી આ ધર્મોનો પ્રભાવ પ્રસર્યો. તેમણે બતાવેલ આત્મદર્શન, ચિત્તશુદ્ધિ, વૈરાગ્ય, તપ, ત્યાગ, સમાધિ, સંન્યાસ, પ્રજ્ઞા વગેરે પરમાર્થપ્રાપ્તિનાં સાધનો ઘણે અંશે સાંખ્ય, યોગ અને વેદાંતનું રૂપાંતર છે. વળી તેમણે પ્રબોધેલ અહિંસા, જીવદયા, સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્યના નૈતિક અને ચારિત્ર્યિક ગુણો બૌદ્ધ, જૈન તેમજ બ્રાહ્મણ પરંપરામાં પણ લગભગ સમાન છે. આ બંને ધર્મોએ ભારતીય સંસ્કૃતિમાં નવાં મૂલ્યો સ્થાપી તેના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો. દર્શન, શિક્ષણ, સાહિત્ય અને કલાના વિકાસને તેમનાથી અપૂર્વ બળ પ્રાપ્ત થયું. બૌદ્ધ દર્શનનો ‘શૂન્યવાદ’, જૈન ધર્મનો સ્યાદ્વાદ; નાલંદા, વલભી અને વિક્રમશીલ જેવી વિદ્યાપીઠો; પાલિ અને અર્ધમાગધી સાહિત્ય; સાંચી, અજંટા, સારનાથ, બોધગયા જેવાં બૌદ્ધ અને ઉદયગિરિ, ખંડગિરિ, આબુ, શત્રુંજય, રાણકપુર જેવાં જૈન કલાધામો પ્રસિદ્ધ થયાં. બૌદ્ધ ધર્મ એની મધ્યમમાર્ગી વિચારસરણીને કારણે વિશ્વમાનવતાનો ધર્મ બન્યો. શસ્ત્ર-સરંજામ કે બળનો પ્રયોગ કર્યા વગર, બુદ્ધનો સત્ય, અહિંસા અને શાંતિને લગતો પંચશીલનો સંદેશ હિમાલયનાં ઉત્તુંગ શિખરો, ગહન અરણ્યો અને દુર્ગમ સાગરોને ઓળંગીને વિશ્વ(એશિયા)માં ફેલાઈ ગયો. તેની સાથે ભારતીય સંસ્કૃતિ અને કલા પણ વિશ્વસ્તરે પહોંચ્યાં. આ કાલમાં અજાતશત્રુએ રાજગૃહમાં બોલાવેલી બૌદ્ધ ધર્મની પ્રથમ સભામાં ધર્મ અને સંઘની એકતા પર પહેલી વાર વ્યાપકપણે વિચાર-વિનિમય થયો. આ જ સમયે પશ્ચિમ ભારતમાં ભાગવત (વૈષ્ણવ) અને શૈવ સંપ્રદાયો ફૂલ્યા-ફાલ્યા. ભારતીય જનજીવનમાં આર્થિક, સામાજિક અને રાજનૈતિક પરિવર્તનો પણ થવા લાગ્યાં. નગરોની સંખ્યા વધતી ગઈ, વેપારી વર્ગનો ઉદય થયો અને રાજાઓની શક્તિ વધી. મગધમાં પ્રથમ સામ્રાજ્યનો થયેલો ઉદય તે ઈ. પૂ. છઠ્ઠી સદીની બીજી મોટી ઘટના છે.

ઈ. પૂ. છઠ્ઠીથી ઈ. પૂ. પહેલી સદીમાં મગધ સામ્રાજ્યનું પુનરુત્થાન થયું અને તેના દ્વારા ભારતનું ઘણે અંશે રાજકીય એકીકરણ સિદ્ધ થયું. વચ્ચે ઈ. પૂ. ચોથી સદીના ઉત્તરાર્ધમાં ગ્રીસમાં પાંગરેલા અને વિશ્વના ઘણા ભાગોમાં વિસ્તરેલા મહાન સિકંદરના સામ્રાજ્યમાં ભારતનો પંજાબ અને સિંધનો થોડો ભાગ તત્કાળ પૂરતો સમાવિષ્ટ થયો હતો. એ વખતે મગધમાં નંદવંશની સત્તા પ્રવર્તતી હતી. આ વંશના રાજાઓએ ઉત્તરના ઘણા ભાગો પર પોતાની આણ પ્રવર્તાવી હતી, પણ મગધની સત્તાનો ચરમોત્કર્ષ તેમના પછી આવેલા મૌર્યવંશના અમલ દરમિયાન થયો. ચંદ્રગુપ્ત મૌર્યે (ઈ. પૂ. 324–300) પંજાબ અને સિંધને ગ્રીકોની પકડમાંથી મુક્ત કરીને મૌર્ય સામ્રાજ્યનું નિર્માણ કર્યું, જે વાયવ્યમાં ઈરાનની સીમા સુધી અને દક્ષિણે કર્ણાટક અને પૂર્વમાં બંગાળ સુધી વિસ્તરેલું હતું. તેના સમયની ઉત્તમ ઉપલબ્ધિ તે કૌટિલ્ય અને તેમણે રચેલ ‘અર્થશાસ્ત્ર’ છે. વસ્તુત: આ ગ્રંથ મૌર્ય સામ્રાજ્યની સર્વાંગીણ પ્રગતિના વિશ્વકોશ રૂપ છે. ચંદ્રગુપ્તના પૌત્ર અશોકે (ઈ. પૂ. 273–236) કલિંગ અને બીજા પ્રદેશો જીતી મૌર્ય સામ્રાજ્યને વધુ વિસ્તૃત કર્યું. દક્ષિણના થોડા ભાગને બાદ કરતાં સમગ્ર ભારતનો તેના સામ્રાજ્યમાં સમાવેશ થતો હતો. આમ બ્રાહ્મણ ગ્રંથોમાં સમ્રાટ માટે સમુદ્ર પર્યંત પૃથ્વીને એકછત્ર ધારણ કરવા અંગે નિરૂપાયેલો આદર્શ આ સમયે વાસ્તવિક રૂપ ધારણ કરતો જોવા મળે છે. અશોકે શસ્ત્રવિજયને સ્થાને ધર્મવિજયની નીતિ અપનાવી. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને વિદેશોમાં ધર્મદૂતો મોકલ્યા. પ્રજાવત્સલ રાજવી તરીકેનું મહાન વ્યક્તિત્વ અને માનવતા તેમજ ધર્મસહિષ્ણુતાના આદર્શને કારણે જગતના ઇતિહાસમાં તે અગ્રગણ્ય રાજવી તરીકે સ્થાન પામ્યો. તેણે દેશમાં ખૂણે ખૂણે કોતરાવેલા ધર્મલેખો ભારતીય સંસ્કૃતિનો બહુમૂલ્ય વારસો છે. મૌર્યોના સમયની રાજકીય એકતાને લઈને સાંસ્કૃતિક ઉન્નતિને વ્યાપક અવકાશ મળ્યો.

અશોકના દિલ્હી (ટોપરા) સ્તંભ પર બ્રાહ્મી લિપિમાં કોતરેલો શિલાલેખ

લિપ્યંતર

1. देवानंपिये पियदसि लाज हेवं आहा [1] सडुवीसति-

2. साभिसितेन मे इयं धंमलिपि लिखापिता [2]

3. हिदतपालते दुसंपटिपादये अनंत अगाया धंमकामताया

4. अगाय पलीखाया अगाय सुसूसाया अगेन भयेन

5. अगन उसाहेना [3] एस चु खो मम अनुसथिया धंमा-

6. पेखा धंमकामता चा सुवे वढीता वढीसति चेवा [4]

7. पुलिसा पि मे उकसा चा गेवया चा मझिमा चा अनुविधीयंती

8. संपटिपादयंति चा अलं चपलं समादपयितवे [5] हेमेवा अंत-

9. महामाता पि [6] एसा हि विधि या इयं धंमेन पालना धंमेन विद्याने

10. धंमेन सुखियना धंमेन गोती ति [7]

संस्कृतच्छाया

1. देवानां प्रियः प्रियदर्शी राजा एवम् आह । षड्विंशति

2. वर्षाभिषिक्तेन मया ईयं धर्मलिपि लेखिता ।

3. इहत्य-पारत्र्यं दु:सम्प्रतिपाद्यम् अन्यत्र अग्रयायाः धर्मकामतायाः

4. अग्रयाया: परीक्षाया: अग्रयाया: शुश्रूषाया: अग्रयात् भयात्

5. अग्रपात् उत्साहात् । एषा तु खलु मम अनुशिष्ट:, धर्मा-

6. पेक्षा, धर्मकामता च श्व: श्व: वर्द्धिता वर्द्धिष्यता चैव ।

7. पुरुषा अपि च मे उत्कृष्टा च गम्या: च मध्यमा: च अनुविदधति

8. सम्प्रतिपादयन्ति च अलं चपलं समादातुम् । एवमेव अन्त-

9. महामात्रा अपि । एषा हि विधि: या ईयं धर्मेण पालना धर्मेण विधानं

10. धर्मेण सुखीयनं धर्मेण गुप्ति: इति ।

ગુજરાતી ભાષાંતર

[ દેવોના પ્રિય પ્રિયદર્શી રાજાએ આમ કહ્યું છે – રાજ્યાભિષેકને છવ્વીસ વર્ષ થયાં ત્યારે મેં આ ધર્મલિપિ લખાવી છે. ઉચ્ચતમ ધર્મ-કામના, ઉચ્ચતમ આત્મ-પરીક્ષણ, ઉચ્ચતમ શુશ્રૂષા, ઉચ્ચતમ (ધર્મ)ભય અને ઉચ્ચતમ ઉત્સાહ વગર ઇહલૌકિક અને પારલૌકિક સાધવાં મુશ્કેલ છે. મારાં પોતાનાં અનુશાસન, ધર્મ-અપેક્ષા અને ધર્મ-કામના દિનપ્રતિદિન વધી રહ્યાં છે અને વધશે જ. મારા ઉચ્ચ, મધ્યમ કે નીચલા વર્ગના અધિકારીઓ મારા અનુશાસનનું બરાબર પાલન કરે છે અને કરાવે છે. તેઓ ચપળ લોકો પાસે પણ (ધર્માનુસરણ) કરાવવામાં સમર્થ છે તેવી રીતે સરહદના મહામાત્રો પણ સક્ષમ છે. ધર્મ વડે (પ્રજા)પાલન, ધર્મ દ્વારા સંવિધાન, ધર્મથી જ (પ્રજા)સુખ અને ધર્મથી જ રક્ષણ – આ આચારસંહિતા છે. ]

આ કાલમાં ઉત્તર અને દક્ષિણના રાજકીય તેમજ સાંસ્કૃતિક સંબંધો ઘનિષ્ઠ થયા. વિદેશોમાં સંપર્કો સ્થપાતાં ત્યાં પણ ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રસાર થવા લાગ્યો. વેપાર અને ઉદ્યોગો આબાદ થવા લાગ્યા. મૌર્યોના સંરક્ષણમાં કલાનો અપૂર્વ વિકાસ થયો. અશોકે ઊભા કરાવેલા સ્તંભો, બિહારમાંની આજીવિક સંપ્રદાયની ગુફાઓ અને ભરહૂત, સાંચી, બોધગયા અને સારનાથની કલામાં મૌર્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના પ્રાપ્ત થાય છે. અશોક પછી મગધની શક્તિ ક્ષીણ થવા લાગી. જોકે શુંગવંશના રાજાઓએ વિઘટનકારી પ્રવૃત્તિઓને રોકવા પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ સફળ થયા નહિ અને ઈ. પૂ. પહેલી શતાબ્દીમાં મગધના પ્રથમ સામ્રાજ્યનો દુ:ખદ અંત આવ્યો. અલબત્ત, ભાગવત ધર્મના વિકાસ અને સંસ્કૃત સાહિત્યના પુનરુત્થાનમાં શુંગ-શાસનનું મહત્વનું પ્રદાન રહ્યું.

પ્રભાવ અને અસર : કેંદ્રીય શક્તિના અભાવમાં પ્રગટેલી રાજકીય વિચ્છિન્નતાની પરિસ્થિતિમાં વિદેશી આક્રમણકારીઓએ ઠીક ઠીક લાભ લીધો. જોકે ઈ. પૂ. પહેલીથી ઈ. સ.ની ત્રીજી સદીના અંત સુધીમાં શરૂઆતમાં દક્ષિણના સાતવાહન રાજાઓએ ઉત્તરમાં પણ પોતાની સત્તાનો વિસ્તાર કર્યો. સાતવાહનોએ સંસ્કૃતની સાથોસાથ પ્રાકૃત અને પૈશાચી જેવી લોકભાષાઓને અપનાવી તેમના વિકાસને વેગ આપ્યો. તેમણે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ – ત્રણેય ધર્મોના વિકાસમાં ફાળો આપ્યો. દરમિયાનમાં ઉત્તર ભારતમાં યવનો, પહલવો, પાર્થિયનો, શકો તેમજ કુષાણ જાતિઓનાં આક્રમણ અને વસવાટ થયાં. ઈ. સ.ની પહેલી સદીમાં કુષાણ નરેશ કનિષ્ક પહેલાનું રાજ્ય ઘણું વિસ્તૃત હતું. તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને તેના સંરક્ષણ નીચે તે ધર્મ મધ્ય એશિયા અને અન્ય ભાગોમાં ફેલાયો. તેણે શક સંવત પ્રવર્તાવ્યો. ભારતીય-ગ્રીકોએ જ્યોતિષ, સિક્કાશાસ્ત્ર અને બૌદ્ધ શિલ્પકલાની ગાંધાર શૈલીના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. વૈષ્ણવ, શૈવ અને શાક્ત ધર્મોની પણ ઉન્નતિ થઈ. પુરાણોએ આ ધર્મોનો મહિમા વધારવામાં મહત્વનો ફાળો આપ્યો. પહલવો, શકો, કુષાણો વગેરેએ આ પૌરાણિક ધર્મો તેમજ જાતકકથાઓથી પ્રેરિત મહાયાન(બૌદ્ધ ધર્મ)ને પણ અપનાવ્યો. આ ધર્મો દ્વારા કલાને પ્રચુર માત્રામાં પોષણ અને પ્રોત્સાહન મળ્યું. ભાજા, કાર્લા, અજંટા, નાશિક, કન્હેરી જેવી કલા-મંડિત ગુફાઓ અને સાંચી ભરહૂત, મથુરા, ગંધાર અને અમરાવતી જેવાં કલાકેંદ્રો પ્રસિદ્ધ થયાં. અહીં આવી વસેલી વિદેશી જાતિઓને ચાતુર્વર્ણ્ય વ્યવસ્થામાં ગોઠવવા મનુસ્મૃતિ દ્વારા સબળ પ્રયત્ન થયો અને એમનામાંના મોટાભાગના રાજવંશોને ક્ષત્રિયોમાં સમાવી લેવામાં આવ્યા. આમ ભારતીય સમાજ અને ધર્મે વિદેશીઓને આત્મસાત્ કરી ગ્રહણશીલતા અને એકાત્મતાના ગુણનો સબળ પરિચય આપ્યો.

આ યુગમાં સંસ્કૃત ભાષાએ વ્યવહારની ભાષાનું સ્થાન પ્રાપ્ત કર્યું અને જૈનો તેમજ બૌદ્ધોએ પણ પ્રાકૃત-પાલિને સ્થાને સંસ્કૃતને ગ્રંથરચનાના માધ્યમ તરીકે અપનાવી.

ઈ. સ.ની ચોથી સદીમાં મગધમાં ગુપ્તવંશના નેતૃત્વ નીચે કેંદ્રવર્તી સત્તાનું પુનરુત્થાન થતાં શાંતિ અને સુવ્યવસ્થા પ્રસર્યાં. રાજનીતિ, સંસ્કૃતિ, ધર્મ, કલા વગેરે વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી ઉન્નતિ થઈ. સાંસ્કૃતિક નવજાગૃતિના આ કાળમાં બૌદ્ધિક અને સામાજિક સ્તર ઘણું ઉન્નત થયું. લગભગ 230 વર્ષો (ઈ. સ. 320થી 550) સુધીના આ કાળમાં સમુદ્રગુપ્તે (લ. ઈ. સ. 340–375) પોતાના સામર્થ્ય વડે મગધ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને દક્ષિણ ભારતમાં પણ પોતાની આણ ફેલાવી. તેના પુત્ર ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમય(ઈ. સ. 375–415)માં ગુપ્ત સામ્રાજ્યની કીર્તિ પરાકાષ્ઠાએ પહોંચી. ભારતની સાંસ્કૃતિક એકતા ર્દઢ થઈ. રાજનીતિ, વેપાર, ઉદ્યોગ, ધર્મ, દર્શન, સાહિત્ય, કલા તેમજ વિજ્ઞાનને ક્ષેત્રે ભારતીય સંસ્કૃતિનું પરિમાર્જિત સ્વરૂપ પ્રગટ્યું. ગુપ્ત સમ્રાટોએ મોટા મોટા વિદ્વાનોને રાજસન્માન આપીને પ્રોત્સાહિત કર્યા. પરિણામે સાહિત્ય, કલા, દર્શન, વિજ્ઞાન જેવાં અનેક ક્ષેત્રોમાં અદભુત વિકાસ થયો. કાલિદાસ જેવા મહાકવિ, અસંગ અને વસુબંધુ જેવા દાર્શનિકો, આર્યભટ અને વરાહમિહિર જેવા ખગોળ અને ગણિતશાસ્ત્રીઓ આ કાળમાં થયા. ગણિતને ક્ષેત્રે શૂન્ય અને સંખ્યાઓ લખવા માટે દશાંશપદ્ધતિવાળી સ્થાનમૂલ્યની પદ્ધતિનો વ્યાપક પ્રયોગ થયો. વિશ્વને ભારતની આ અમૂલ્ય ભેટ છે. ધર્મના ક્ષેત્રે મુખ્ય પુરાણોનું સંકલન આ કાળમાં થયું. હિંદુ ધર્મને આ વખતે જે રૂપ અપાયું તે આજ સુધી વિદ્યમાન છે. ભક્તિપ્રધાન ભાગવત (વૈષ્ણવ) ધર્મની ઉન્નતિ થઈ. વિષ્ણુ, શિવ, સૂર્ય તેમજ અનેક દેવી-દેવતાઓની અવતારણા દ્વારા જનજીવનમાં ભાવનાત્મક વિકાસને બળ મળ્યું. બૌદ્ધ

ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનો સોનાનો સિક્કો. અગ્રભાગે સિંહનો શિકાર કરતો રાજા અને પૃષ્ઠભાગે રાજલક્ષ્મીની આકૃતિ

દર્શનના વિકાસનો પણ આ યુગ હતો. બૌદ્ધ વિહાર નાલંદાને વિશ્વવિદ્યાલયનું ગૌરવ પ્રાપ્ત થયું. દેશમાં ઘણા ધર્મો હોવા છતાં, પરસ્પર ધાર્મિક સહિષ્ણુતા વ્યાપક પ્રમાણમાં પ્રવર્તતી હતી. આ કાલની કલાત્મક પ્રતિભા મથુરા, સારનાથ અને બીજાં અનેક કળાકેંદ્રોનાં શિલ્પોમાં તેમજ અજંટાનાં આ તબક્કાનાં ચિત્રોમાં જોવા મળે છે. દેશમાં આંતરિક અને બાહ્ય વ્યાપાર ઉન્નત થયો. આંતરરાષ્ટ્રીય સંપર્કો વધ્યા. ભૂમધ્ય સમુદ્રના દેશો તેમજ પૂર્વ એશિયાના ઉપનિવેશો સાથેના ધીકતા વેપારને પરિણામે દેશની આર્થિક સમૃદ્ધિ વધી. ચીન, મધ્ય એશિયા, જાવા, સુમાત્રા, હિંદી ચીન, અનામ, બૉર્નિયો વગેરે દેશોમાં ભારતીય સંસ્કૃતિનો વ્યાપક પ્રસાર થયો. ગુપ્ત રાજવીઓના હજારોની સંખ્યામાં ઉપલબ્ધ થયેલા સોનાના વૈવિધ્યપૂર્ણ સિક્કાઓ એ જમાનાની જાહોજલાલી અને ધાર્મિક તથા સાંસ્કૃતિક જીવનના પરિચાયક છે.

છઠ્ઠી શતાબ્દીના મધ્યમાં મધ્ય એશિયામાંથી હૂણોનાં ધાડાંઓ ભારતમાં ઊતરી આવ્યાં, તેમણે આંતરિક અસ્થિરતાનો લાભ લીધો. તેનાથી ગુપ્ત સામ્રાજ્યનું વિઘટન વધ્યું. જોકે ઉત્તર ભારતમાં થાણેશ્વર(કનોજ)ના નરેશ હર્ષવર્ધને (ઈ. સ. 606–647) થોડા સમય માટે વિઘટનની ગતિને રોકી રાખી. તે સ્વયં વિદ્વાન હતો અને બાણ-ભટ્ટ જેવો સમર્થ વિદ્વાન તેની રાજસભા શોભાવતો હતો. તેના સમયમાં ચીનથી આવેલ પ્રસિદ્ધ યાત્રી હ્યુઅન-શ્વાંગના પ્રભાવથી તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તે પ્રજાવત્સલ રાજવી હતો અને તેણે પ્રજાકલ્યાણનાં અનેક કાર્યો કર્યાં હતાં. હ્યુઅન-શ્ર્વાંગે બૌદ્ધ તીર્થોની યાત્રા અને બૌદ્ધ સાહિત્યના અધ્યયન નિમિત્તે ભારતના ઘણા ભાગોમાં પરિભ્રમણ કરેલું. તેને લગતી તેની પ્રવાસનોંધ તત્કાલીન ભારતના ઇતિહાસની જાણકારી માટે ઘણી ઉપયોગી સિદ્ધ થઈ છે. હર્ષના અવસાન પછીનો પૂર્વ મધ્યકાલનો લગભગ છ સદી(ઈ. સ. 650થી 1200)નો ગાળો જુદા જુદા રાજવંશો વચ્ચે સામ્રાજ્ય સ્થાપવા માટેની સાઠમારીનો રહ્યો. આ સ્પર્ધામાં, પ્રતિહાર, પરમાર, ચૌહાણ, ચંદેલ્લ, ગંગ, ચૌલુક્ય, પાલ, સેન, પલ્લવ, ચોળ વગેરે રાજવંશોએ મુખ્ય ભાગ ભજવ્યો. તેમનામાંના સમર્થ રાજવંશોએ વિસ્તૃત ભૂભાગ પર શાસન કર્યું. રાજકીય ક્ષેત્રે સામંતવાદનો ઉદય અને વિકાસ થયો. સામાજિક ક્ષેત્રે પ્રાચીન કાળની પરંપરાઓને ર્દઢ બનાવવાનો પ્રયાસ થયો, અને તેના ઉપક્રમમાં જ્ઞાતિ-જાતિપ્રથાની કઠોરતા વધતાં ભારતીય સંસ્કૃતિની સહિષ્ણુતા અને ગ્રહણશીલતામાં ઓટ આવવા લાગી. ધાર્મિક ક્ષેત્રે બૌદ્ધ ધર્મનું પતન જેવી મોટી ઘટના આ કાલના છેવટના ભાગમાં બની. બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે હિંદુ ધર્મમાં આત્મસાત્ કરી લેવામાં આવ્યા. હિંદુ ધર્મમાં આળવાર સંતો તેમજ રામાનુજ, મધ્વ અને નિમ્બાર્ક જેવા આચાર્યો અને જયદેવ જેવા ભક્ત કવિઓએ વૈષ્ણવ ભક્તિને જનઆંદોલનમાં ફેરવી નાખી.

જૈન ધર્મનો પ્રભાવ વધ્યો અને તેની વૃદ્ધિ ગુજરાત તેમજ રાજપૂતાનામાં વિશેષ થઈ. દક્ષિણ ભારતમાં શૈવ અને વૈષ્ણવ ધર્મો પ્રબળ થયા. ઉત્તર ભારતમાં નાથયોગીઓનો સંપ્રદાય વ્યાપક થયો. આ કાલમાં વજ્રયાન અને શાક્ત જેવા કેટલાક ધર્મસંપ્રદાયોમાં તાંત્રિક ઉપાસનાનો મહિમા વધ્યો. નાલંદા અને અન્ય બૌદ્ધ વિહારો આ યુગમાં શિક્ષણકેંદ્રો તરીકે ચાલુ રહ્યાં, પરંતુ જનસાધારણના શિક્ષણનો હ્રાસ થયો. જોકે રાજદરબારોમાં વિદ્વાનો અને કલાકારોને આશ્રય મળતો રહ્યો. રાજભાષા સંસ્કૃતમાં અનેક ગ્રંથો લખાયા, પરંતુ તેમાં રૂઢિવાદિતા અને પાંડિત્યનું તત્વ બળવત્તર બની રહ્યું. ‘રાજતરંગિણી’ જેવો ઐતિહાસિક ગ્રંથ રચાયો. સ્મૃતિઓ પર અનેક ભાષ્યો રચાયાં, જેમાંનાં ‘મિતાક્ષરા’ અને ‘દાયભાગ’ આજદિન સુધી હિંદુ સમાજના ખાસ કરીને હિંદુ કાયદાના આધારભૂત ગ્રંથો બની રહ્યા. જનભાષા પ્રાકૃત અને અપભ્રંશનાં સર્વાંગી વ્યાકરણ તૈયાર થયાં. આ ભાષાઓના સાહિત્યના નિર્માણમાં જૈન વિદ્વાનોએ મહત્વનો ફાળો આપ્યો. દર્શનને ક્ષેત્રે આ યુગમાં ઉન્નતિ થઈ. પ્રસિદ્ધ દાર્શનિક શંકરાચાર્ય(આશરે ઈ. સ. 788–820)નો ઉદય દક્ષિણમાં થયો. તેમણે વેદાંતની પરંપરાને કેવલાદ્વૈત સિદ્ધાંતની સ્થાપના દ્વારા પરાકાષ્ઠાએ પહોંચાડી દીધી. ભારતમાં ચાર દિશામાં ચાર મઠોની સ્થાપના, સંન્યાસી પ્રથાનું વ્યવસ્થિત સંચલન તેમજ પંચદેવતા(શિવ, સૂર્ય, વિષ્ણુ, ગણપતિ અને શક્તિ)ની પૂજાને પ્રચલિત કરીને તેમણે હિંદુ ધર્મને ર્દઢ આધાર આપ્યો. રામાનુજ અને નિમ્બાર્ક જેવા આચાર્યોએ પણ અનુક્રમે વિશિષ્ટાદ્વૈત અને દ્વૈતાદ્વૈત જેવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતાં ભક્તિપરક ભાષ્યો રચ્યાં. બૌદ્ધ અને જૈન દર્શનોને ક્ષેત્રે પણ મહત્વના ગ્રંથો રચાયા. કલાને ક્ષેત્રે મહાબલિપુરમ્, ઇલોરા, ખજુરાહો, મોઢેરા, આબુ, શ્રવણ બેલગોલા, ભુવનેશ્વર અને બેલૂર-હલેબીડ જેવાં ભવ્ય મંદિરો રચાયાં. બંગાળ, ગુજરાત અને રાજસ્થાનમાં તાડપત્રો અને કાગળો પર લઘુકદનાં ચિત્રો દ્વારા પુસ્તકોને સચિત્ર કરવાની પરંપરા વ્યાપકપણે પ્રચારમાં આવી. આ કાલનાં મંદિરોના શિલ્પકામમાં તાંત્રિક મતોના પ્રભાવને કારણે અશ્લીલતાનું પ્રમાણ વધતું જોવામાં આવે છે. આ સમયે ઉત્તર ભારતનો બાહ્ય દેશો સાથેનો સંપર્ક નહિવત્ રહ્યો. પરંતુ દક્ષિણ ભારતમાં ચોળોના સુશાસનને પરિણામે વિદેશો સાથેના સંપર્કો પ્રગાઢ થયા. તેને કારણે વિદેશ-વેપાર વધ્યો.

ભારતમાં ઇસ્લામનો પ્રવેશ સાતમી સદીના પૂર્વાર્ધમાં થયો. 11મી સદીના પ્રથમ ચરણમાં મહમૂદ ગઝનવીની અનેક ચડાઈઓને કારણે ઉત્તર ભારતનાં ધર્મ અને સંસ્કૃતિનાં મહત્વનાં કેન્દ્રો પર ભારે કુઠારાઘાત થયો. રાજકીય એકતાનો અભાવ અને સામાજિક દુર્બળતાને કારણે શરૂઆતમાં અરબો અને પછી આવેલા તુર્કોના પગ ઉત્તર ભારતમાં જામવા લાગ્યા અને રાજપૂત રાજ્યો તુર્કો તેમજ અફઘાનોનો સામનો કરવાને અસમર્થ થતાં ધીમે  ધીમે એ રાજ્યો સમાપ્ત થવા લાગ્યાં.

પ્રભાવ અને અસર : મધ્યકાલમાં ભારતીય સંસ્કૃતિના એકાત્મતાના ગુણનો હ્રાસ અને સમન્વયના ગુણનો વિકાસ થયો. આ કાલના પ્રથમ ચરણ (1206થી 1526) દરમિયાન દિલ્હીમાં તુર્ક–અફઘાન સલ્તનતો સ્થપાઈ. મુસલમાનોએ તેમના રાજકીય પ્રભુત્વ દરમિયાન ઇસ્લામ અને તેની સંસ્કૃતિનો ફેલાવો કરવા પ્રબળ પ્રયત્ન કર્યો. હિંદુ ધર્મ અને ઇસ્લામના મૂળભૂત ધાર્મિક અને સામાજિક આદર્શો ભિન્ન હોવાથી પહેલાં સંઘર્ષ અનિવાર્ય બન્યો. હિંદુ સમાજે રક્ષણાત્મક પ્રવૃત્તિઓ અપનાવી. તેનાથી સમાજનું રક્ષણ તો થયું, પરંતુ તેમાં રૂઢિવાદિતા ર્દઢ થતાં સંકુચિતતા પણ વધી. હિંદુ સમાજના નીચલા થરની થોડી જાતિઓએ ધર્મપરિવર્તન કરી ઇસ્લામ અપનાવ્યો. કાલાંતરે દૈનિક જીવનમાં પરસ્પરના સહયોગની અનિવાર્યતાને લઈને સંપર્કો ગાઢ થતાં સાંસ્કૃતિક સમન્વય સુગમ બન્યો. તેનો પ્રભાવ ધર્મ, કલા, સાહિત્ય, રાજનીતિ અને દૈનિક રહેણીકરણી પર પડ્યો. કબીર, નાનક, દાદૂ, નામદેવ વગેરે ધર્મ-સુધારકો પર ઇસ્લામનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. આ સંતોએ સમન્વય અને સમાજસુધારા માટે પ્રયત્ન કર્યો. રામાનંદ, વલ્લભાચાર્ય અને ચૈતન્ય દ્વારા ભક્તિની લોકપ્રિય પરંપરાનો પણ વિકાસ થયો. સંતો અને ભક્તોએ પ્રાદેશિક ભાષાઓમાં રચનાઓ કરતાં એ સાહિત્યની પણ વૃદ્ધિ થઈ. આમ વિપરીત રાજકીય સ્થિતિમાં સંતોએ ભારતીય સંસ્કૃતિનાં સનાતન મૂલ્યોને સુરક્ષિત રાખવામાં મહત્વનો ફાળો આપ્યો. કેટલાક મુસ્લિમ શાસકોએ સાહિત્યને પ્રોત્સાહન આપ્યું. તેથી ફારસી સાહિત્યનો વિકાસ થયો. ઇસ્લામ પર, ખાસ કરીને સૂફી મત પર, હિંદુ ધર્મનો ઘેરો પ્રભાવ પડ્યો. સૂફી મત પર વેદાંત અને બૌદ્ધ ધર્મની આ અસર સ્પષ્ટ વરતાય છે. સંગીત અને ભવનનિર્માણકલાને ક્ષેત્રે પણ હિંદુ-મુસ્લિમ તત્વોનાં આદાન-પ્રદાન દ્વારા સંમિશ્રણ અને સમન્વય થયાં. સ્થાપત્યક્ષેત્રે આને કારણે મુસ્લિમ કલાની કડક સાદાઈ ઘટી તો બીજી બાજુ તેની ભવ્યતામાં હિંદુ કલાની આલંકારિકતા ઉમેરાતાં આ સ્થાપત્યો ભવ્ય અને મનોહર બન્યાં. ઉત્તરકાલમાં આ તત્વ વધુ ખીલતાં ઇમારતો બેનમૂન થઈ. વસ્તુત: સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર અને સંગીતકલાને ક્ષેત્રે ઇસ્લામી કલાકારોએ નવીન ચેતના અને નવીનતમ ભાવ ભર્યા. તાજમહાલ જેવાં ભવનો, હિંદુસ્તાની સંગીત અને મુઘલ ચિત્રકલાનાં ક્ષેત્રે બંને સંસ્કૃતિઓના આદર્શો સાકાર થતા વિશેષ જોવામાં આવે છે.

મધ્યયુગના બીજા ચરણ (ઈ. સ. 1526થી 1707) દરમિયાન મુઘલોની કેંદ્રવર્તી સત્તા સ્થપાતાં ભારતીય સંસ્કૃતિમાં સમન્વય-ક્ષેત્રે નવા આયામો પ્રગટ્યા. બાદશાહ અકબરના અમલ (1556–1605) દરમિયાન રાજકીય એકતા પુન: સ્થપાઈ અને હિંદુઓ પ્રત્યેની ધર્મ-સહિષ્ણુતા તેમજ ઉદાર નીતિ પ્રવર્તી. અકબરના રાજ્યારોહણથી માંડીને ઔરંગઝેબના મૃત્યુ (1707) સુધીનાં 150 વર્ષોનો કાળ સાંસ્કૃતિક ર્દષ્ટિએ મહત્વપૂર્ણ છે. ભારતના મોટાભાગમાં એક જ શાસનપદ્ધતિ અને રાજકીય ભાષા ફારસી પ્રચલિત થઈ. આંતરિક સુરક્ષા અને શાંતિ લાંબા સમય સુધી કાયમ રહી. આ કાલ દરમિયાન સંસ્કૃતિનું મુખ્ય કેંદ્ર દિલ્હીનો મુઘલ દરબાર રહ્યો. અકબરના દરબારમાં વિદ્વાનો, ધર્મગુરુઓ અને કલાકારોને રક્ષણ મળ્યું. પૂર્વકાલમાં જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં બી નંખાયેલાં હતાં તેમનું સંવર્ધન થયું અને તેમનાં મિષ્ટ ફળ પણ પ્રાપ્ત થયાં. અકબરના સમયમાં ટોડરમલ દ્વારા પ્રચલિત થયેલ મહેસૂલપદ્ધતિના ઘણા અંશો અદ્યાપિયર્યંત પ્રચલિત છે. આ સમયે હિંદુસ્તાની કે રેખતા દેશની આંતરક્ષેત્રીય ભાષા બની. હિંદી અને પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય સમૃદ્ધ થયું. ‘અકબરનામા’ જેવા  અનેક ઐતિહાસિક ગ્રંથો રચાયા, જેનાથી ઐતિહાસિક સાહિત્યમાં વિશેષ વૃદ્ધિ થઈ. અરબી અને ફારસી શબ્દોથી પ્રાદેશિક ભાષાઓનો શબ્દભંડાર ભરાયો. સોળમી સદીમાં ઉર્દૂ ભાષા પણ અસ્તિત્વમાં આવી. ભક્તિ-પરંપરામાં હિન્દી સાહિત્યના બે અમર કવિઓ સૂરદાસ અને તુલસીદાસ આ કાલમાં થયા. ભક્તિ-આંદોલને આ વખતે દેશનાં સાહિત્ય, સમાજ તેમજ સંસ્કૃતિ પર ઊંડો પ્રભાવ પાડ્યો. બનારસ હિંદુ સંસ્કૃતિ અને સંસ્કૃત-શિક્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યું. ધર્મશાસ્ત્ર, વેદાન્ત અને અન્ય વિષયો પર સંસ્કૃતમાં  ઘણા ગ્રંથો લખાયા. કેટલાક મુઘલ સમ્રાટો સંસ્કૃત સાહિત્યથી પ્રભાવિત હતા અને સંસ્કૃતના વિદ્વાનોનો આદર કરતા હતા. ભવનનિર્માણકલાને ક્ષેત્રે મુઘલ બાદશાહોનું પ્રદાન અનુપમ રહ્યું. આગ્રા, દિલ્હી, ફતેહપુર સિક્રી તેમજ અન્ય નગરોમાં આવેલી ભવ્ય ઇમારતો ગૌરવપૂર્ણ છે. એમાં તાજમહાલ સર્વોચ્ચ છે. હિંદુસ્તાની સંગીતનો અપૂર્વ વિકાસ થયો અનેક નવા રાગો અને વાજિંત્રો શોધાયાં. એમાં અમીર ખુસરોનું પ્રદાન મહત્વનું રહ્યું. તાનસેન જેવો કુશળ ગાયક આ સમયે થયો. ચિત્રકલાને ક્ષેત્રે ‘મુઘલ શૈલી’ પ્રચલિત થઈ. મુઘલ સમ્રાટોએ પોતાની કલાશાળામાં અનેક દેશીવિદેશી કલાકારોને રોકીને વિવિધ પ્રયોગો દ્વારા નવીન શૈલીનાં ચિત્રોનું નિર્માણ કરાવ્યું. આ મુઘલ શૈલીનાં ચિત્રો ભારતીય ચિત્રકલાના મહત્વના નમૂના ગણાય છે. તત્કાલીન હિંદુ રાજાઓએ પણ પોતાના સીમિત અધિકારો અને સીમામાં રહીને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોનું જતન કરવામાં યથાશક્ય ફાળો આપ્યો. સાહિત્ય, સંગીત, ચિત્રકલા અને સ્થાપત્યને ક્ષેત્રે તેમનું પ્રદાન ઉલ્લેખનીય છે. આ સમયે વિદેશો સાથેનો, ખાસ કરીને મધ્ય એશિયા, ચીન અને પૂર્વી દ્વીપસમૂહો સાથેનો વેપાર વધ્યો અને તેને લઈને આર્થિક સમૃદ્ધિ પણ વધી. આ કાલના કલામય અને વૈવિધ્યપૂર્ણ સોનાના સિક્કાઓ તેની પ્રતીતિ કરાવે છે. સોળમી-સત્તરમી સદીમાં ઉદ્યોગક્ષેત્રે વિશ્વના મુખ્ય દેશોમાં ભારતની ગણના થઈ. ઢાકાની મલમલ જગતભરના દેશોમાં મશહૂર થઈ. ઉચ્ચ પરિવારોમાં ભોગવાદી જીવનશૈલી અપનાવવાના વલણને લઈને એ અંગેનાં ઉપકરણોમાં વૃદ્ધિ થઈ.

ઔરંગઝેબે ધાર્મિક ઉદારતાના આદર્શને ત્યજી દેતાં અને ચુસ્ત સુન્ની રાજનીતિ અપનાવતાં હિંદુઓ સહિતના બિનસુન્ની લોકોની સહાનુભૂતિ ગુમાવી. મરાઠા, શીખો અને રાજપૂતોનો ઉત્તરકાલીન બાદશાહો સામનો કરી શક્યા નહિ. પરિણામે મુઘલ સામ્રાજ્યનું વિઘટન થયું અને છેવટે અંગ્રેજોને હાથે તેને મરણતોલ ફટકો પડ્યો.

ભારતમાં યુરોપીય પ્રજાઓનો પ્રવેશ અને અંગ્રેજોએ અહીં સ્થાપેલી રાજકીય સર્વોપરિતાના કાલ દરમિયાન ભારતીય સંસ્કૃતિમાં નવાં વહેણ અને વમળો ઊઠ્યાં. આ પ્રક્રિયાને પરિણામે ભારતીય સંસ્કૃતિનું અર્વાચીન સ્વરૂપ ઘડાયું.

વસ્તુત: ભારતના યુરોપીય દેશો સાથેના વાણિજ્યવિષયક સંબંધો છેક પ્રાચીન કાલથી ચાલુ હતા. તુર્કોએ ઈ. સ. 1443માં કૉન્સ્ટન્ટિનોપલ જીતી લેતાં અરબી સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચેનો જળમાર્ગ અને આ વિસ્તારમાંથી પસાર થતો સ્થળમાર્ગ બંને રૂંધાતાં ભારત સાથેના ધીકતા નફાકારક વેપારને ટકાવવા માટે યુરોપીય વેપારીઓને ભારત જતો સલામત જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. આ પ્રવૃત્તિમાં કોલંબસે અમેરિકા શોધ્યો, જ્યારે પૉર્ટુગલનો વાસ્કો-દ-ગામા આફ્રિકાની પ્રદક્ષિણા કરી ભારતના કાલિકટ બંદરે 1498માં આવી પહોંચ્યો. પૉર્ટુગીઝોને પગલે વલંદા, ડેનિશ, અંગ્રેજ અને ફ્રેન્ચ વેપારીઓ આવ્યા અને પોતપોતાના દેશની ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી રાજકીય અને આર્થિક ક્ષેત્રે પોતાનું યથાશક્ય પ્રભુત્વ પ્રસ્થાપિત કરવા પ્રબળ પુરુષાર્થ કર્યો. એમાં કેવળ અંગ્રેજો જ સફળ થયા.

ઈ. સ. 1608માં સૂરતમાં પ્રથમ વેપારી વસાહત સ્થાપનારા અંગ્રેજોએ પોતાની કુનેહ અને કુટિલ નીતિઓનો અમલ કરી 1818 સુધીમાં એક બાજુ ફિરંગી, વલંદા અને ફ્રેંચોને સ્પર્ધામાંથી બાકાત કરીને અને બીજી બાજુ દિલ્હીની મુઘલ સત્તા અને ભારતનાં અન્ય રજવાડાંઓને મુખ્યત્વે ખાલસા કે સંધિ દ્વારા તાબે કરીને પોતાની રાજકીય સર્વોપરિતા સ્થાપી દીધી, જે 1947માં ભારતના આઝાદ થતાં સુધી ટકી રહી.

પ્રભાવ અને અસર : બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સામ્રાજ્ય જમાવ્યા પછી આર્થિક ક્ષેત્રે સ્વકેંદ્રિત નીતિરીતિઓ અજમાવીને ભારતને બ્રિટિશ ઉત્પાદનોના ગ્રાહક અને કાચા માલના નિકાસકાર રૂપે ફેરવી નાખ્યું. આર્થિક શોષણની આ નીતિને કારણે ભારતના ગૃહઉદ્યોગો ભાંગી પડ્યા અને દેશ આર્થિક પાયમાલી અને ગરીબાઈની ગર્તામાં ધકેલાઈ ગયો. બીજી બાજુ ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ઓગણીસમી સદીમાં ઇંગ્લૅન્ડમાં માલનું મબલખ ઉત્પાદન થતાં ભારતવાસીઓ અંગ્રેજી માલ તરફ રુચિ ધરાવે તે માટે તેમનું આધુનિકીકરણ કરવાની અનિવાર્યતા ઊભી થઈ. બીજી બાજુ અઢારમી–ઓગણીસમી સદીઓ દરમિયાન વિજ્ઞાન અને યંત્રવિદ્યાના વિકાસની સાથોસાથ નવા વિચારો અને નવાં વલણો પ્રવર્ત્યાં. આ નવીન વિચારકો ભારતને લગતી નીતિ નક્કી કરનારા વૉરન હેસ્ટિંગ્ઝ, એડમંડ બર્ક, મુનરો, માલ્કમ, એલ્ફિન્સ્ટન અને મેટ્કાફ જેવા રૂઢિચુસ્ત વર્ગ સાથે અથડામણમાં આવ્યા; પરંતુ અંતે ઈ. સ. 1800થી નવાં વલણોનું બળ વધતું ગયું. સુધારક લોકોનો મોટો વર્ગ ભારતીય સંસ્કૃતિને જુનવાણી, રૂઢિચુસ્ત, નકામી, નિકૃષ્ટ અને પતનને આરે ઊભેલી માનતો હતો. બ્રિટનમાંના મોટાભાગના અમલદારો, લેખકો અને રાજકારણીઓ આવો અભિગમ ધરાવતા હતા. તેઓ ઘરઆંગણે તો ઇંગ્લૅન્ડમાં લોકશાહી સુર્દઢ બને એની હિમાયત કરતા હતા, પરંતુ ભારતની બાબતમાં બ્રિટિશ આધિપત્ય ટકી રહે અને તેનાં હિતોને નુકસાન ન પહોંચે એવું બેવડું વલણ ધરાવતા હતા. આને કારણે ભારત માટે, એક બાજુ સાવચેતીપૂર્વક થોડું અદ્યતનીકરણ કરવાની સાથોસાથ તેની માત્રા વધી ન જાય તે માટે અવરોધક ઉપાયો પ્રયોજવાની નીતિ પણ અખત્યાર કરવામાં આવી હતી. બીજી બાજુ ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારને વેગ મળવાની આશાએ પાદરીઓ અને વિલિયમ વિલ્બર-ફૉર્સ, ચાર્લ્સ ગ્રાન્ટ જેવા ધાર્મિક વલણ ધરાવતા લોકોએ ભારતીય સંસ્કૃતિના આધુનિકીકરણને ટેકો આપ્યો. પાદરીઓએ પોતાના હેતુ સિદ્ધ કરવા દેશભરમાં આધુનિક પ્રકારની શાળાઓ, કૉલેજો અને હૉસ્પિટલો સ્થાપી. બીજી બાજુ ખ્રિસ્તી બનેલા કે અંગ્રેજી શિક્ષણ લીધેલા લોકો બ્રિટિશ માલના આગ્રહી થશે એવી ગણતરીથી બ્રિટિશ વેપારીઓ પણ આ પ્રવૃત્તિને ઉત્તેજન આપવા લાગ્યા.

કંપની સરકારે પોતાનાં શરૂઆતનાં 60 વર્ષોના અમલ દરમિયાન પ્રજાશિક્ષણ અંગે કોઈ રસ દાખવ્યો નહિ. એવામાં પાશ્ચાત્ય પ્રકારના શિક્ષણને દાખલ કરવાની હિમાયત કરતા પાદરીઓ, તેમના ટેકેદારો અને કેટલાક માનવતાવાદીઓને બ્રિટિશ વહીવટી તંત્રના આગેવાનોનો ટેકો મળ્યો. એમાં ભારતમાં એ પ્રકારનું શિક્ષણ દાખલ કરવાથી સસ્તા કારકુનો પૂરતા પ્રમાણમાં મળી રહે એવી ગણતરી મુખ્ય હતી. અલબત્ત, આ બધાના શિક્ષણના માધ્યમ અંગે ભારે મતભેદ પ્રવર્તતો હતો. છેવટે 1835માં ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદા સભ્ય લૉર્ડ મેકૉલેએ ઘડેલી, કેવળ પાશ્ચાત્ય ઢબનું શિક્ષણ અંગ્રેજી માધ્યમ દ્વારા આપવાની શિક્ષણનીતિનો સ્વીકાર થતાં બધા વિવાદોનો અંત આવ્યો. મેકૉલેએ પોતાના અંગ્રેજ ભાઈઓને ઉદ્દેશીને કહેલું કે ‘આપણે તો અત્યારે આપણી અને આપણા દ્વારા શાસિત થતા લાખો લોકો વચ્ચે દુભાષિયાનું કામ કરી શકે તેવો એક વર્ગ ઊભો કરવા શક્ય તમામ પ્રયત્ન કરવા જોઈએ. આ વર્ગ એવા લોકોનો હોય કે જેઓ રક્ત અને રંગે તો ભારતીય હોય, પણ અભિરુચિ, અભિપ્રાયો, નીતિમત્તા અને બુદ્ધિમત્તામાં અંગ્રેજ હોય.’ નોકરીવાંછુ ભારતવાસીઓ વધુ ને વધુ અંગ્રેજી શિક્ષણ લેવા લાગ્યા. શિક્ષણના માધ્યમ તરીકે પ્રયોજાયેલી અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ સ્થપાયું. આઝાદી પ્રાપ્ત થતાં અંગ્રેજોનું રાજકીય પ્રભુત્વ તો નષ્ટ થયું, પરંતુ અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ આજેય ચાલુ છે.

નવી શિક્ષણનીતિનું અંગ્રેજોએ નહિ ધારેલું પરિણામ પણ આવ્યું. તેનાથી નવશિક્ષિત ભારતીયોમાં પશ્ચિમની અર્વાચીન વિચારધારાનો પ્રસાર થયો. તેમના વિચારોમાં ક્રાંતિ થવા લાગી. તેમનાં સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને રાષ્ટ્રીય ભાવનાનો ઉદય થવા લાગ્યો. એની સાથોસાથ દેશના લુપ્ત ગૌરવ તરફ તેમનું ધ્યાન ખેંચાયું. તેઓ પ્રાચીન ભારતીય વિચારધારાથી જ્ઞાત થયા અને તેનાથી પ્રભાવિત થઈ પ્રાચીન ગૌરવપૂર્ણ આદર્શોને પુનર્જીવિત કરવા પ્રવૃત્ત થયા. ગાંધીજીએ આઝાદીની ચળવળમાં પ્રયોજેલ સત્ય અને અહિંસાનાં સાધનોમાં તેની સર્વોત્તમ અભિવ્યક્તિ જોવા મળે છે. અર્વાચીન શિક્ષણના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદય થતાં ભારત તેના દ્વારા અંગ્રેજો સામે આઝાદીની ચળવળ ચલાવી છેવટે આઝાદી પ્રાપ્ત કરવા અને ત્યારબાદ લોકશાહી પ્રજાસત્તાક તંત્રની રચના કરવા સમર્થ બન્યું.

બીજી બાજુ પાશ્ચાત્ય કેળવણી પામેલા કેટલાક શિક્ષિતોમાં ગુલામીનું માનસ વિકસ્યું. તેઓ અંગ્રેજી ભાષાની યોગ્યતાને વિદ્વત્તાનો માનદંડ માનવા લાગ્યા. આના પ્રત્યાઘાત રૂપે ભારતીય શિક્ષણપદ્ધતિને પુન: જાગ્રત કરવાના પ્રયત્નો થયા. ઓગણીસમી સદીમાં મહાત્મા મુંશીરામે (સ્વામી શ્રદ્ધાનંદે) ગુરુકુલ કાંગડીની સ્થાપના કરી. ટાગોરે ગુરુકુલપદ્ધતિએ શાંતિનિકેતન સ્થાપ્યું. ગાંધીજીએ પાયાની કેળવણી ઉપર ભાર મૂક્યો અને રાષ્ટ્રીય કેળવણી માટે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. આશ્રમ-પદ્ધતિએ શિક્ષણ આપવાનો દક્ષિણામૂર્તિ, લોકભારતી જેવી અન્ય સંસ્થાઓએ પણ પ્રયત્ન કર્યો. આમ છતાં ભારતીય શિક્ષણપદ્ધતિ અને તેનું સ્વરૂપ એકંદરે પશ્ચિમી પ્રકારનું રહ્યું.

પાશ્ચાત્ય સભ્યતાના પ્રભાવથી ધાર્મિક ક્ષેત્રે ભારતમાં નવજાગૃતિ અને ધર્મસુધારણાનું વિશિષ્ટ કાર્ય થયું. તેનાં બે પ્રેરક બળો હતાં : (1) ખ્રિસ્તી ધર્મનો પ્રચાર અને પ્રભાવ તેમ જ (2) તેના પ્રત્યાઘાતમાંથી પાંગરેલી સુધારાત્મક પ્રવૃત્તિઓ. અંગ્રેજોના આગમન સમયે અને તે પહેલાં ભારતીય જીવનમાં ધર્મનું ઘણું મહત્વ હતું; પરંતુ ધર્મ આ વખતે તેના શુદ્ધ સ્વરૂપને બદલે સાંપ્રદાયિક ચોકઠાંઓમાં અને અંધવિશ્વાસો, બાહ્યાડંબરો અને કર્મકાંડો વચ્ચે અટવાયેલો હતો. ખ્રિસ્તી પાદરીઓએ આ સ્થિતિનો ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે લાભ ઉઠાવ્યો. તેમણે અનેક શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી. તેમના પ્રભાવથી કેટલાક લોકો ધર્માંતર કરીને ખ્રિસ્તી થયા, પરંતુ તેમની સંખ્યા ખાસ ગણનાપાત્ર નહોતી. તેમ છતાં એનું એક મહત્વનું પરિણામ એ આવ્યું કે પાશ્ચાત્ય જ્ઞાન પ્રાપ્ત કરનારા અનેક હિંદુ વિદ્વાનો હિંદુ ધર્મના રક્ષણ માટે જાગ્રત થયા અને ધર્મ તથા સમાજને ક્ષેત્રે સુધારા કરવા માટે તેમણે બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ, આર્યસમાજ અને રામકૃષ્ણ મિશન જેવી સુધારાવાદી સંસ્થાઓ સ્થાપી. તેમને હિંદુ ધર્મની આસપાસના બાહ્યાડંબરોની નીચે તેનાં ઉત્તમ તત્વોનું દર્શન થયું. રાજા રામમોહન રૉયે હિંદુ ધર્મ અને સમાજને ક્ષેત્રે સુધારણા કરવા માટે બ્રહ્મોસમાજની સ્થાપના કરી. એ સમાજમાં થયેલા દેવેન્દ્રનાથ ટાગોરે વેદ તથા વેદાંતનો પ્રચાર કરી હિંદુ ધર્મની ત્રુટિઓની આલોચના કરી. કેશવચંદ્ર સેને 1861માં ‘સંગત સભા’ સ્થાપી તેના દ્વારા અધ્યાત્મવાદનો પ્રચાર કરવા માંડ્યો. બ્રહ્મોસમાજની એક શાખા રૂપે મુંબઈમાં 1867માં પ્રાર્થના સમાજની સ્થાપના કરી રાનડે અને ભાંડારકરે નાતજાતના ભેદભાવ તથા ધાર્મિક કુસંસ્કારોને ફગાવી દેવાની સાથે આંતરજાતીય વિવાહનો પ્રચાર કર્યો. દયાનંદ સરસ્વતીએ 1875માં આર્યસમાજની સ્થાપના કરી શુદ્ધિ આંદોલન ચલાવ્યું. તેઓ જન્મ પર આધારિત જ્ઞાતિવ્યવસ્થાને કર્મ પર આધારિત વર્ણવ્યવસ્થામાં ફેરવી નાખવા માગતા હતા. ‘વેદ તરફ પાછા વળવા’થી જ હિંદુ ધર્મના બધા દોષોનું નિવારણ થશે એમ તેમનું ર્દઢ મંતવ્ય હતું. સ્વામી વિવેકાનંદે વેદાન્તની નવીન અને વાસ્તવિક વ્યાખ્યા કરીને પ્રાચીન ધર્મથી દૂર ન જતાં એને આધારે જ ભારતને સમાનતા, પ્રેમ અને ભ્રાતૃત્વનો પાઠ શીખવ્યો. સામાજિક સમાનતા, વિશ્વબંધુત્વ અને જનસેવાના આદર્શોને મૂર્ત કરવા તેમણે 1899માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ બધી સંસ્થાઓના પ્રયત્નોથી તેમજ આઝાદી પૂર્વે અંશત: અને આઝાદી પછી ઘણા ક્ષેત્રે કાયદા દ્વારા સમાજ-સુધારણાને ઘણું બળ મળ્યું છે. શિક્ષણના પ્રસારને લીધે પણ રૂઢિવાદી વલણોમાં ભારે ઓટ આવી.

અંગ્રેજી ભાષા જગતની બધી આધુનિક ભાષાઓમાં સમૃદ્ધ છે. તેના સાહિત્ય તેમજ અન્ય યુરોપીય ભાષાઓના સાહિત્યનો લાભ પ્રાપ્ત થતાં ભારતીય ભાષાઓ અને તેમના સાહિત્યમાં નવચેતન પ્રગટ્યું. પાશ્ચાત્ય વિચારધારા, શૈલી અને નવાં સ્વરૂપોનો ભારતીય સાહિત્યમાં સમાવેશ થવા લાગ્યો. અર્વાચીન ભારતીય સાહિત્યકારોએ દેશકાળને અનુરૂપ નવીન સાહિત્યપ્રવાહો પ્રગટાવ્યા. વસ્તુત: આ વખતનું સાહિત્ય ધર્મનિરપેક્ષ બન્યું અને તેના બધા વિષયો જીવનનાં બધાં અંગોને સ્પર્શ કરનારાં  થયાં. બંગાળી, હિંદી, ગુજરાતી, મરાઠી, પંજાબી, ઊડિયા, અસમિયા, ઉર્દૂ, તેલુગુ, તમિળ, કન્નડ, મલયાળમ વગેરે ભાષાઓમાં સાહિત્યનો વિકાસ થતાં ભારતીય સાહિત્ય મહેકી ઊઠ્યું. તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ મળી. ટાગોરની ‘ગીતાંજલિ’ને અપાયેલ નોબેલ પારિતોષિક દ્વારા ભારતીય સાહિત્ય પ્રથમ વાર સન્માનિત થયું. સંસ્કૃત ભાષાનો પુનરુદ્ધાર થયો. એમાં વિલ્કિન્સ, વિલિયમ જોન્સ, કોલબ્રુક, વિલ્સન, મૉનિયેર વિલિયમ્સ, મૅક્સમૂલર, ઑલ્ડન બર્ગ, વેબર, વિન્ટરનિત્ઝ જેવા વિદેશી વિદ્વાનો અને આર. જી. ભાંડારકર, એ. એસ. અલતેકર, વી. આર. દીક્ષિત, સી. વી. વૈદ્ય, વાસુદેવશરણ અગ્રવાલ વગેરે સ્વદેશી વિદ્વાનો મુખ્ય છે. તેમના દ્વારા પાશ્ચાત્ય પદ્ધતિએ ભારતીય ગ્રંથોનું સંકલન અને સંપાદન થયાં. તેમના અંગ્રેજી, ફ્રેંચ કે જર્મન ભાષામાં અનુવાદો થતાં  જગતના સુજ્ઞ વિદ્વાનોનું સંસ્કૃત ભાષા અને તેના સમૃદ્ધ સાહિત્ય તરફ ધ્યાન ખેંચાયું. સાહિત્યની સાથે ભારતીય દર્શન, ધર્મ અને કલા વિશે પણ પશ્ચિમના વિદ્વાનો પરિચિત થયા. ભારતમાં અંગ્રેજી જાણનારા લોકોમાં પણ સંસ્કૃત સાહિત્ય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન થઈ. એ સાહિત્યના અભ્યાસે ભારતવાસીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવના જાગ્રત કરવામાં મહત્વનો ફાળો આપ્યો.

આધુનિક કાળમાં વર્તમાનપત્રો, સામયિકો તેમજ મુદ્રણાલયો પણ પાશ્ચાત્ય ઢબે સ્થપાયાં. તેમણે પ્રાદેશિક ભાષાઓ અને તેમના સાહિત્યને લોકપ્રિય કરવામાં તેમજ લોકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ભાવના જાગ્રત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. રેડિયોને કારણે લોકજાગૃતિ, ખાસ કરીને ગામડાંઓમાં કૃષિક્ષેત્રે ક્રાંતિ, લાવવાનું મહત્વનું કાર્ય થયું. પછીના સમયમાં ટેલિવિઝન અને તાજેતરમાં વિકસેલ ઇન્ટરનેટ જેવાં સમૂહમાધ્યમોએ પણ ભારતીય આર્થિક, ઔદ્યોગિક અને દૈનિક જીવનશૈલીમાં ખાસ કરીને શહેરી સમાજમાં ભારે પરિવર્તન આણ્યું.

અંગ્રેજોએ ભારતીય કલામાં રુચિ દાખવી અને સરકાર તરફથી 1861માં પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ શરૂ થતાં પ્રાચીન ભારતીય કલાના પુનરુદ્ધારનો યુગ શરૂ થયો. અજંટા, ઇલોરા, એલિફંટા, મહાબલિપુરમ્ જેવાં અનેક કલાધામો અને મુઘલ, રાજપૂત વગેરે ચિત્રસંપુટો જેવી કલાસમૃદ્ધિની હૅવેલ, કુમારસ્વામી, ફર્ગ્યુસન, માર્શલ, સ્ટુઅર્ટ, સ્ટેલા ક્રેમરિશ વગેરેએ જગતને જાણ કરી. આ શોધોની સાથે સંશોધન પણ થતું રહ્યું. ધીમે ધીમે ભારતીય વિદ્વાનો પણ સ્વદેશી કલા પ્રત્યે અભિરુચિ દાખવતા થયા. પશ્ચિમી કલાનો પરિચય પણ સાથોસાથ કેળવાતો ગયો. અંગ્રેજો સ્થાપત્યકલા દ્વારા પાશ્ચાત્ય કલાનો અહીં પ્રવેશ કરાવતા ગયા. પરિણામે ભારતીય કલામાં અનેક નવીન પ્રવૃત્તિઓનો જન્મ થયો. ભારતીય કલાના અર્વાચીન સ્વરૂપની બાબતમાં જુદાં જુદાં વલણો જન્મ્યાં. કેટલાક શુદ્ધ પાશ્ચાત્ય સ્વરૂપની, બીજા કેટલાક વિશુદ્ધ ભારતીય સ્વરૂપની અને મોટાભાગના એ બેના સમન્વયવાળી નવીન શૈલીનો વિકાસ કરવાની તરફદારી કરતા થયા. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, નૃત્ય, નાટ્ય આ બધી કલાઓ પર પાશ્ચાત્ય સભ્યતાનો પ્રભાવ ઓછેવત્તે અંશે પડેલો ર્દષ્ટિગોચર થાય છે. સ્થાપત્ય અને ચિત્રકલામાં તેનું પ્રમાણ વિશેષ અને સંગીત તથા નૃત્ય ક્ષેત્રે એ મર્યાદિત હોવાનું પ્રતીત થાય છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વિકસેલા યંત્રવાદ અને વિજ્ઞાનનો અંગ્રેજો દ્વારા ભારતીય જીવન પર વ્યાપક પ્રભાવ પડ્યો. ભારતવાસીઓને ગઈ સદીમાં સમજાઈ ગયું હતું કે પશ્ચિમની અભૂતપૂર્વ પ્રગતિનું મુખ્ય કારણ તેમની વૈજ્ઞાનિક ઉન્નતિ છે. જોકે ભારતમાં પણ પ્રાચીન કાલમાં જ્ઞાનવિજ્ઞાનનાં રહસ્યો શોધવાની અદભુત ક્ષમતા હતી. મધ્યકાલમાં ભારતીયો એ સામર્થ્યને વીસરી ગયા, પણ પશ્ચિમના પ્રભાવથી એમનામાં એ સામર્થ્ય પુન: જાગ્રત થયું. શિક્ષણનો પ્રચાર અને સરકારના પ્રોત્સાહનથી આ ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો. પરિણામે જગતની આધુનિક વૈજ્ઞાનિક ઉન્નતિમાં ફાળો આપવામાં ભારત પણ પાછું પડ્યું નહિ. ઈ. સ. 1897માં જગદીશચંદ્ર બોઝે ‘વનસ્પતિમાં જીવ છે’ – એ સિદ્ધાંત જાહેર કરતાં જીવવિજ્ઞાનને ક્ષેત્રે ભારે સનસનાટી મચી ગઈ. 1902માં પ્રફુલ્લચંદ્ર રૉયે ‘હિંદુ રસાયણશાસ્ત્રનો ઇતિહાસ’ લખી નામના મેળવી. શ્રીનિવાસ રામાનુજને 1918માં ગણિતશાસ્ત્રીઓને પોતાની વિલક્ષણ બુદ્ધિથી મુગ્ધ કર્યા. 1920માં જગદીશચંદ્ર બોઝે વનસ્પતિશાસ્ત્રને ક્ષેત્રે, ભૌતિકશાસ્ત્રમાં 1930માં ચંદ્રશેખર વેંકટરામેને અને 1931માં મેઘનાથ સાહાએ નામના કાઢી. 1939માં સી. વી. રામનને નોબેલ પુરસ્કાર મળ્યો. 1940માં શ્રી કૃષ્ણન્ને ભૌતિકશાસ્ત્રને ક્ષેત્રે, 1943માં શાંતિસ્વરૂપ ભટનાગરને રસાયણશાસ્ત્રને ક્ષેત્રે તેમજ હોમી ભાભા, ચંદ્રશેખર, વિક્રમ સારાભાઈ વગેરેને અણુવિજ્ઞાનને ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. આઝાદી પછી અનેક નવીન સંશોધનસંસ્થાઓ સ્થપાતાં વિજ્ઞાન અને ટૅકનૉલૉજીને ક્ષેત્રે અધ્યયન, સંશોધન અને ભારે શોધો દ્વારા અપૂર્વ પ્રગતિ સધાઈ.

1947માં ભારત આઝાદ થતાં તે સેંકડો વર્ષો પછી સાર્વભૌમ બન્યું. વસ્તુત: ભારતની સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ એ જગતની લોકશાહીના ઇતિહાસનું એક ગૌરવવંતું પ્રકરણ છે. વિદેશી રાજસત્તાને દૂર કરવામાં પ્રયોજાયેલ અહિંસાના શસ્ત્રનો પ્રયોગ અહીંનાં રજવાડાંઓના વિલીનીકરણમાં પણ અપનાવાયો. કોઈ એકની સત્તા બીજા પર લાદીને નહિ, પણ બધાં રાજ્યો ભારતસંઘમાં સ્વેચ્છાએ વિલીન થઈ સમગ્ર સત્તા પ્રજાના હાથમાં સોંપાઈ. બંધારણ અનુસાર નવાં એકમ રાજ્યોની રચના થઈ અને એમાં સહુને સરખા અધિકાર અપાયા. તેમાં દરેક રાજ્યના નાગરિકોને માટે પણ સમાન હક્કો અને ફરજોની જોગવાઈ કરવામાં આવી. શાસક અને શાસિત વચ્ચેના ભેદ નાબૂદ થયા. જન્મથી મળતા અધિકારો પણ નાબૂદ કરવામાં આવ્યા. અલબત્ત, સૈકાઓથી અન્યાય અને શોષણનો ભોગ બનેલી પછાત જાતિઓ, જનજાતિઓ અને કેટલાક પછાત વર્ગોને રક્ષણ તેમજ વિકાસની વિશેષ તક આપવા માટે શિક્ષણ તેમજ આર્થિક અને વહીવટી બાબતોમાં કેટલાક વિશેષ અધિકારો આપાયા, પણ તે સિવાયની બાબતોમાં કાયદાની ર્દષ્ટિએ સહુ સરખાનો સિદ્ધાંત પણ લાગુ કરાયો. સ્ત્રીઓને પણ સમાન હક્કો પ્રાપ્ત થતાં તેમના ઉત્કર્ષનો માર્ગ મોકળો થયો.

આઝાદી બાદ ભારત ઉપર માનવસર્જિત અને કુદરતી અનેક આફતો વારંવાર આવવા છતાં તેણે પોતાના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ શાંતિ, અહિંસા, સહિષ્ણુતા, સહઅસ્તિત્વ અને ભાઈચારાની ભાવના ર્દઢતાપૂર્વક દાખવી એનો મક્કમપણે મુકાબલો કરી તેનું નિવારણ કરવામાં અદભુત ખમીર દાખવ્યું. લોકશાહી પરંપરાઓનું જતન અને આત્મનિર્ભરતા દ્વારા વિશ્વસમાજમાં પોતાની વગ વધારવા, સામાજિક ક્ષેત્રે સુધારા કરવા અને આર્થિક ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આણી ભારતની કાયાપલટ કરવાના અપૂર્વ ઉપાયો યોજ્યા. આમાં કૃષિ, ઉદ્યોગો અને પ્રૌદ્યોગિકી (technological) તેમજ બીજાં ક્ષેત્રોમાં ભારતે સાધેલી સિદ્ધિઓ ગૌરવપ્રદ છે.

અનાજની બાબતમાં ભારત 1970 સુધી આયાત પર નભનારો દેશ હતો; પરંતુ ત્યારબાદ કૃષિવિજ્ઞાનનો વિકાસ, સુધારેલું બિયારણ, સિંચાઈ અને ખાતરોની સુવિધા ઉપલબ્ધ થતાં ભારત અન્નક્ષેત્રે સ્વાવલંબી બન્યું. દૂધ-ઉત્પાદન અને ડેરીઉદ્યોગમાં ભારતે ખરેખર વીસમી સદીના પાંચમા દાયકામાં પ્રવેશ કર્યો, તે પહેલાં તે ડેરી પેદાશોની આયાત કરતો દેશ હતો. આઝાદી પછી ઑપરેશન-ફ્લડની યોજનાઓનો અમલ થતાં આ ક્ષેત્રે શ્વેતક્રાંતિ દ્વારા સ્વાવલંબન પ્રાપ્ત થયું અને 1998–99માં ભારત જગતમાં સહુથી વધુ દૂધ-ઉત્પાદન કરનારો દેશ બન્યો. ભારત આજે ડેરી-પેદાશોની નિકાસ કરનારો દેશ પણ બન્યો છે. આ ઉદ્યોગની સિદ્ધિઓનું શ્રેય મુખ્યત્વે ડૉ. વી. કુરિયનને ફાળે જાય છે. આઝાદી પહેલાં મોટાભાગની ઔદ્યોગિક ચીજો માટે આયાત પર આધાર રાખવો પડતો. આજે ચિત્ર બદલાઈ ગયું છે. હવે કમ્પ્યૂટર, સૉફ્ટવેર, હાર્ડવેર અને ન્યૂક્લિયર રિઍક્ટરથી માંડીને કાપડની યંત્રસામગ્રી અને મશીન ટૂલ્સથી માંડીને પેટ્રૉકેમિકલ પ્લાન્ટ સુધીની તમામ ઔદ્યોગિક ચીજોનું ભારત ઉત્પાદન કરે છે. આમાંની કેટલીક વસ્તુઓની નિકાસ પણ કરવામાં આવે છે. દેશના ઘણા ભાગોમાં નવી નવી ઔદ્યોગિક વસાહતો સ્થપાઈ છે. અન્ન, ઊર્જા, શિક્ષણ, સલામતી અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓના ઉકેલ માટે અર્ધવાહક ઇલેક્ટ્રૉનિક્સ, કમ્પ્યૂટર, ફોટૉનિક્સ, રડાર, લેઝર, મિસાઇલ (ત્રિશૂળ, અગ્નિ, નાગ, પૃથ્વી વગેરે), સંચાર-માહિતી પ્રક્રિયા જેવી વ્યૂહાત્મક ટૅકનૉલૉજીનો ભારતના વિજ્ઞાનીઓ, ઇજનેરો અને ટૅકનૉક્રૅટ્સ વડે અભૂતપૂર્વ વિકાસ થયો છે. ઉપગ્રહો, ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્પ્યૂટર જેવાં વૈજ્ઞાનિક ઉપકરણોનું ઘરઆંગણે નિર્માણ થતાં તેમની સહાયથી કુદરતી આપત્તિઓની આગાહી અને તેમનો સામનો કરવાની સુવિધા થઈ છે. આઝાદી બાદ સ્વાસ્થ્યક્ષેત્રે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા નિદાન અને ઇલાજની સુવિધાઓ ઉપલબ્ધ થતાં ભારતના નાગરિકનું સરેરાશ આયુષ્ય વધતાં વધતાં 65 વર્ષનું થયું છે. વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો, સામાજિક ઉત્થાન, પ્રબંધન-ક્ષેત્રોની વિસ્તૃતિ, કુટુંબનિયોજનના પ્રચારકાર્યક્રમો, આરોગ્ય તેમજ તંદુરસ્તી બાબતે લોકોમાં જાગૃતિ આણવા જેવા મહત્વના હેતુઓ પાર પાડવા માટે ઇસરો જેવી સંસ્થાઓ દ્વારા અંતરીક્ષ-કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે અને તે માટે અંતરીક્ષ ઉપયોગ-કેંદ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ કાર્યક્રમો વસ્તુત: સંસ્કૃતિ અને પ્રૌદ્યોગિકીના સમન્વય રૂપે હોઈને ભારતીય જીવનને ઉન્નત કરવામાં ઘણા સહાયભૂત સિદ્ધ થયા છે. મહત્વની વાત તો એ છે કે અવકાશસંશોધનને લગતા કાર્યક્રમો પ્રત્યે ભારત સંપૂર્ણપણે આત્મનિર્ભર બનતું જાય છે. કેબલ, ટેલિફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ ટૅકનૉલૉજીના સમન્વયને કારણે ઇન્ફર્મેશન ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં અપૂર્વ ક્રાંતિ સર્જાઈ છે. ઇન્ટરનેટ અને ટીવી કેબલના મિશ્રણથી સમગ્ર ભારતીય અર્થતંત્રની કાયાપલટ થવા લાગી છે. ઈ-કૉમર્સનું આંતર-માળખું ઊભું થઈ રહ્યું છે. ઇન્ફૉટેક અને સાઇબર ગુનાઓ અટકાવવા માટે કરેલા કાયદાને કારણે ભારત વિશ્વના દશ-બાર દેશોની હરોળમાં સ્થાન પામ્યું છે. સમૂહ-માધ્યમોમાં ઇન્ફર્મેશન ટૅકનૉલૉજીનો પ્રભાવ વધ્યો છે અને પ્રિન્ટ-મીડિયામાં પણ ઇન્ટરનેટને કારણે ઘણા ફેરફારો થયા છે. આ વૈજ્ઞાનિક અને પ્રૌદ્યોગિકી વિકાસને લઈને ભારત જગતના દેશોમાં ગૌરવપૂર્ણ સ્થાન પામ્યું છે.

આ ઉજ્જ્વળ સિદ્ધિઓની સાથોસાથ આઝાદી પછી ગરીબાઈ અને બેરોજગારી જેવા આર્થિક, કોમવાદ અને પ્રાંતવાદ જેવા રાજકીય, સવર્ણ–અસવર્ણવાદ જેવા સામાજિક પ્રશ્નો ચિંતાનો વિષય બન્યા છે. સહુથી મોટી ચિંતા સાંસ્કૃતિક ક્ષેત્રે વધતા જતા પશ્ચિમીકરણને લઈને ઊભી થઈ છે. અલબત્ત, પશ્ચિમીકરણની પ્રક્રિયાનો પ્રારંભ અને પ્રસાર બ્રિટિશકાલ દરમિયાન થયો હતો, પણ આઝાદી પછી ખાસ કરીને તાજેતરના પ્રૌદ્યોગિકીકરણને લઈને તેનો વેગ ચિંતાકારક સ્થિતિએ પહોંચી ગયો છે.

પશ્ચિમીકરણની પ્રક્રિયાને પરિણામે ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવ્યાં છે અને આજે પણ એ પ્રક્રિયા ચાલુ છે. અંગ્રેજો પોતાની સાથે પશ્ચિમનાં જ્ઞાન, વિજ્ઞાન, કાર્યપદ્ધતિઓ, સંસ્થાઓ અને મૂલ્યો લાવ્યા. નવા ઔદ્યોગિકીકરણ અને તેને લઈને વાહનવ્યવહારનાં સાધનોમાં આવેલી ક્રાંતિથી દેશમાં ભૌગોલિક અને ઔદ્યોગિક એકીકરણ થયું. તેનાથી પશ્ચિમનો પ્રભાવ ઝડપથી પ્રસરતો ગયો. વર્તમાન ભારતના સાંસ્કૃતિક જીવનનું વિશ્લેષણ કરતાં એનાં બધાં પાસાંઓ પર પશ્ચિમી સભ્યતાની છાપ વત્તે-ઓછે અંશે પડેલી જોવા મળે છે. પશ્ચિમના રંગે રંગાવાથી ભારતીય સમાજનાં વિચારો, ભાવનાઓ, આદર્શો, મૂલ્યો અને સિદ્ધાંતોમાં પરિવર્તન થયું છે. આપણી અર્વાચીન રહેણીકરણી, પોશાક, ખાનપાન, ગીત-સંગીત, નૃત્ય, અભિવાદનપદ્ધતિ, મકાનોના નકશા, સજાવટપદ્ધતિ, સુવિધાનાં સાધનોનો પ્રયોગ, શિક્ષણ, સાહિત્ય વગેરેમાં પશ્ચિમનો પ્રભાવ સ્પષ્ટપણે ર્દષ્ટિગોચર થાય છે.

વર્તમાન ભારતીય સમાજમાં સંયુક્ત કુટુંબપ્રથાનું ઝડપથી વિઘટન થઈ રહ્યું છે. કુટુંબો નાનાં બનતાં જાય છે. લગ્નવિચ્છેદ વધતા જાય છે. અવિવાહિત રહેવાના કિસ્સા પણ વધી રહ્યા છે. ગર્ભનિરોધક ઔષધો અને સાધનોનો વ્યાપકપણે છૂટથી પ્રયોગ થઈ રહ્યો છે. સહુથી વધારે પ્રભાવ રહેણીકરણી પર પડ્યો છે. પુરુષોના અને સ્ત્રીઓના પહેરવેશમાં તેમજ સૌંદર્યપ્રસાધનોના પ્રયોગની બાબતમાં તે વિશેષ વરતાય છે. બોલચાલની ભાષામાં છૂટથી અંગ્રેજી ભાષા અને તેના શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. બાળકોને હવે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મોકલવાનો મોહ શિક્ષિત અને અશિક્ષિત વર્ગમાં વધતો જાય છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટનો પ્રયોગ કરતાં બાળકો અને યુવાનોના માનસ પર સારીમાઠી અસરો પડવા લાગી છે. ભારતીય ફિલ્મજગતમાં નૃત્ય, સંગીત અને બીજી અનેક બાબતોમાં પશ્ચિમનું અનુકરણ થયું છે. પશ્ચિમનાં વાજિંત્રો ભારતમાં પ્રવેશ્યાં છે. ઑરકેસ્ટ્રા અને રૉક ઍન્ડ રોલ અને પૉપ મ્યૂઝિક પણ પાશ્ચાત્ય સભ્યતાની નીપજ છે. ચિત્રકલામાં મૉડેલ તથા અમૂર્તકલામાં પશ્ચિમી વાદોનો વ્યાપક પ્રભાવ પડ્યો છે.

ભાવિ : ભારતીય સંસ્કૃતિ પરના ઉપર્યુક્ત પાશ્ચાત્ય સભ્યતાના પ્રભાવને પરિણામે તેના ભાવિ વિશે વિવિધ તર્કવિતર્ક થવા લાગ્યા છે. કેટલાક એમ માને છે કે પાશ્ચાત્ય સભ્યતાનું અંધપણે અનુકરણ થઈ રહ્યું હોવાથી ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ ભયમાં મુકાયેલું છે. આથી વિપરીત, પરંપરાવાદી ર્દષ્ટિકોણ ધરાવતા ચિંતકો કહે છે કે પાશ્ચાત્ય સભ્યતાના આક્રમણ સામે પણ આ સંસ્કૃતિ અજેય બની રહેશે અને પશ્ચિમી અનુકરણનાં વાદળો હઠી જતાં ભારતીય સંસ્કૃતિનો સૂર્ય ફરી અગાઉની જેમ જ પ્રકાશવા લાગશે. આ બંનેથી ભિન્ન એવું સમન્વયવાદી મંતવ્ય વ્યાપકપણે સ્વીકારાયું છે. એના પુરસ્કર્તાઓ અનુસાર, પ્રત્યેક યુગને પોતાની આવશ્યકતાઓ અને આધાર હોય છે અને તે પ્રમાણે તેમાં પરિવર્તનો આવવાં અને લાવવાં અનિવાર્ય બને છે. આજની પરિસ્થિતિ પ્રાચીન કે મધ્યકાલ જેવી નથી. ત્યારના અને આજના રાજકીય, સામાજિક અને આર્થિક જીવનમાં આસમાન-જમીન જેવું અંતર પડી ગયું છે; તેથી ફરીથી પૂર્વવત્ સ્થિતિ સ્થપાય એવી કોઈ સંભાવના નથી, તેમ એવી સ્થિતિ સ્થપાય એ યોગ્ય પણ નથી. વાહનવ્યવહારનાં સાધનોમાં થતા નિરંતર અને ઝડપી ફેરફારોથી તેમજ વધતા જતા વૈશ્વિકીકરણ(globalization)ને કારણે જગતના બધા ભાગો એકબીજા સાથે સંકળાઈ ગયા છે. એટલે હવે આંતરરાષ્ટ્રીય જીવન જ પ્રત્યેક સમાજનો આધાર બને એ સ્વાભાવિક છે. ભારતીય સંસ્કૃતિ પણ તેનાથી અલિપ્ત રહી ન શકે. આજે દેશો-દેશો વચ્ચે મૈત્રી અને સંઘર્ષની નવી પરિસ્થિતિઓ ઉદભવતી જાય છે. આવી સ્થિતિમાં પૂર્વ પશ્ચિમથી કે પશ્ચિમ પૂર્વથી અલિપ્ત રહી શકે એમ નથી. સહુને પોતાનું અસ્તિત્વ ટકાવવા, વગ વધારવા, વિકાસ સાધવા અને અન્યની હરોળમાં ઊભા રહેવા માટે અનિવાર્યપણે પરસ્પર સંબંધ બાંધવા અને વધારવાની આવશ્યકતા ઊભી થઈ છે. આવા સંક્રાંતિકાલમાં ભારત જેવા દેશે પોતાની વિશિષ્ટ સંસ્કૃતિના સદ્-અંશોનું જતન કરી પશ્ચિમનું અંધ અનુકરણ નહિ કરતાં તેનાં ઉત્તમ હિતકારક તત્વોને વિચારપૂર્વક અપનાવવાં એમ કેટલાક કહે છે. બંને તત્વોના સમન્વયમાં જ ભારતનું કલ્યાણ રહેલું છે એવું તેમનું ર્દઢ મંતવ્ય છે.

લક્ષણો

હિમાલયથી કન્યાકુમારી સુધી, બંગાળાના ઉપસાગરથી અરબી સમુદ્ર સુધીના ભૂભાગ પર પ્રસરેલી ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓ પૈકીની એક છે. તેના સહસ્રાબ્દીઓ વટાવતા લાંબા ઇતિહાસની અનેક મહત્વની ઘટનાઓનો તેના પર વિવિધ રીતે પ્રભાવ પડ્યો હોઈ તેનું સ્વરૂપ વત્તેઓછે અંશે પરિવર્તિત થયું છે. આમ છતાં તેનો પ્રવાહ છેક પ્રાગ્-ઇતિહાસકાલથી અત્યાર સુધી અવિરતપણે વહેતો રહ્યો છે. આ સાતત્યપૂર્ણ ગતિશીલતા, તત્કાલીન પરિસ્થિતિઓને અનુરૂપ પરિવર્તનશીલતા તેમજ વિવિધ વિચારો, જીવનમૂલ્યો અને ર્દષ્ટિકોણોને સમન્વિત અને આત્મસાત્ કરવાની ક્ષમતાને લઈને તે વિશ્વની બીજી સંસ્કૃતિઓથી તે અલગ તરી આવે છે.

ભારતનાં પ્રાચીન જાતિકુલો

ભારતીય સંસ્કૃતિની વિકાસકથા યુગો જૂની છે. તેનો વિકાસ ધીમે ધીમે થયો છે. એક બાજુ તેની આર્યોમાં પૂર્વે આવેલા અને પાષાણયુગની સંસ્કૃતિનું નિર્માણ કરનારા હબસી (નેગ્રિટો), આદિ આગ્નેય કે નિષાદ (પ્રોટો-ઑસ્ટ્રોલૉઇડ) અને કિરાત (મૉંગોલૉઇડ) જેવા લોકો તેમજ તામ્રપાષાણયુગની સભ્યતાનો વિકાસ કરનારા દ્રવિડ (મેડિટરેનિયન) જેવા લોકોની સંસ્કૃતિઓ આત્મસાત થયેલી છે તો બીજી બાજુ તેના પર આર્યો(નૉર્ડિક લોકો)ની ઘેરી છાપ પડી છે. આ પ્રજાઓ વચ્ચેના સંઘર્ષ અને સમન્વયના પરિપાક રૂપે જે સંસ્કૃતિ પાંગરી તેના પર પછીના સમયમાં વાયવ્ય ભારતમાં ખૈબર અને બોલન ઘાટને રસ્તે થઈને આવેલા યવનો, શકો, હૂણો, આભીરો, ગુર્જરો, જાટો, તેમજ અરબો, તુર્કો અને પઠાણોની પણ અસર થઈ. આ બહારથી આવનારા લોકોમાં કેટલાક અસભ્ય, કેટલાક અર્ધસભ્ય તો કેટલાક સભ્ય પણ હતા. કેટલાક ઝનૂની હતા તો કેટલાક શાંતિપ્રિય પણ હતા. કેટલાક આધ્યાત્મિક વલણ ધરાવતા હતા તો કેટલાક ભૌતિકવાદી પણ હતા. આ પ્રજાઓની પોતપોતાની અલગ અલગ ભાષાઓ હતી, અલગ અલગ ભાવ હતા, અલગ અલગ વેશભૂષા હતી, અલગ અલગ રીતરિવાજ હતા અને અલગ અલગ ધર્મ પણ હતા; પરંતુ ભારતીય સંસ્કૃતિરૂપી ખલમાં એ બધાં ઘૂંટાઈ ઘૂંટાઈને એકરસ થઈ ગયાં. પરિણામે ભારતીય સંસ્કૃતિનું નિર્માણ એ કોઈ એક જાતિનો પુરુષાર્થ નહોતો. તેમાં ઘણીબધી જાતિઓનું યોગદાન રહ્યું છે. આમ સમન્વય અને એકાત્મતાને પરિણામે નિર્માણ પામેલી ભારતીય સંસ્કૃતિ સહુ ભારતવાસીઓનો સહિયારો વારસો છે. આ સંસ્કૃતિ કેટલીક નોંધપાત્ર વિશેષતાઓને કારણે જગતની અન્ય સંસ્કૃતિઓથી ભિન્ન પડી જાય છે.

સાતત્ય

ભારતીય સંસ્કૃતિનો પ્રવાહ અક્ષુણ્ણપણે હજી સુધી ચાલ્યો આવે છે. એમાં વખતોવખત નવાં તત્ત્વોનો સમાવેશ થતો રહ્યો છે, પરંતુ તેનું આંતરિક સ્વરૂપ અકબંધ રહ્યું છે. સુમેર, બાબિલોનિયા, ગ્રીસ, રોમની ભવ્ય સંસ્કૃતિઓ નષ્ટ થઈને ભૂતકાળની કથામાત્ર બની ગઈ છે. ઇજિપ્તની ગૌરવપૂર્ણ સભ્યતાનાં તત્વો એ દેશની સાંસ્કૃતિક સ્મૃતિમાંથી બિલકુલ લુપ્ત થઈ ગયાં છે. આધુનિક ઇજિપ્તવાસીઓને પોતાના દેશની જ પ્રાચીન સભ્યતા આજે વિદેશી પ્રતીત થાય છે. તેમનું એ સભ્યતા સાથે કોઈ અનુસંધાન રહ્યું નથી. આથી વિપરીત, આધુનિક ભારતના સાંસ્કૃતિક જીવનનો આધાર આજે પણ પ્રાચીન કાળમાં હતો તે જ છે. ભારતીય સંસ્કૃતિમાં વખતોવખત જે પરિવર્તન થયું છે તે કેવળ એનાં બાહ્ય આવરણોમાં થયું છે. તેનાં મૂળ તત્વો તો છેક વૈદિક કાળમાં હતાં તે આજે પણ છે; જેમ કે, બે હજાર વર્ષ પહેલાં રામ અને કૃષ્ણને ભારતવાસીઓ પોતાના આદર્શ મહાપુરુષો માનતા અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા અને તેઓ આજે પણ તેમ કરે છે. ઓગણીસમી અને વીસમી સદીમાં રામકૃષ્ણ, દયાનંદ, વિવેકાનંદ, શ્રી અરવિંદ, ટિળક, ટાગોર, ગાંધીજી – આ બધા મહાપુરુષોએ વેદો, ઉપનિષદો અને ભગવદગીતામાંથી પ્રેરણા પ્રાપ્ત કરી છે. ભારતમાં સંસ્કૃતને હંમેશાં ગીર્વાણગિરા-દેવવાણી માનવામાં આવે છે. ભારતની સેંકડો ભાષાઓ અને બોલીઓ તેની દુહિતાઓ છે, જે આજે પણ પોતાનો શબ્દભંડાર સંસ્કૃતમાંથી ભરે છે. એનું સાહિત્ય આજે પણ બધી ભારતીય ભાષાઓને સ્ફૂર્તિ આપે છે. ધર્મ અને દર્શનના ક્ષેત્રમાં આ સાતત્ય વધુ સ્પષ્ટ વરતાય છે. શિવ અને શક્તિ તેમજ માતૃકાઓની ઉપાસના ભારતમાં પ્રાગૈતિહાસિક કાલમાં શરૂ થઈ અને તે આજે પણ ચાલુ છે. વૈદિક દેવતાઓ હજી પણ હિંદુ પરિવારોમાં પૂજાય છે. ભક્તિની ગંગા હજી પણ હિંદુઓના હૃદયમાં વહી રહી છે. વેદો અને ઉપનિષદોના વિચારોનું અધ્યયન કરવામાં મધ્યકાલ અને આધુનિક કાલના વિદ્વાનોએ પોતાનું જીવન ખર્ચ્યું છે. વીસમી સદીના પ્રસિદ્ધ ભારતીય દાર્શનિકો શ્રી અરવિંદ, સુરેન્દ્રનાથ દાસગુપ્તા અને રાધાકૃષ્ણન્ પણ એ જ સમસ્યાઓનું વિવેચન કરે છે.

સમન્વય અને એકાત્મતા

સમન્વય અને એકાત્મતા પણ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે. બાહ્ય તત્વોનો સમન્વય અને તેમાંનાં ઘણાં તત્વોને આત્મસાત્ કરવાના ગુણે તેને બધી પરિસ્થિતિઓમાં ટકી રહેવાનું બળ આપ્યું છે. આ સ્થિતિ પ્રાગ્-વૈદિક કાલ અને વૈદિક કાલથી પ્રવર્તતી જોવામાં આવે છે. આર્યોએ આર્યેતર પ્રજાઓનાં દેવીદેવતાઓને પોતાના દેવમંડળમાં એવી રીતે સમાવી દીધાં કે કાલાંતરે તેમના વચ્ચે કોઈ અંતર રહ્યું નહિ. પ્રાચીન કાલમાં યવન, શક, કુષાણ, હૂણ વગેરે વિદેશી આક્રમક જાતિઓએ ભારતમાં આવીને કેટલાક ભાગોમાં રાજકીય વિજય પ્રાપ્ત કર્યો; પરંતુ સમય જતાં અહીંના પ્રભાવથી તે જાતિઓ એવી તો રંગાઈ ગઈ કે તે પોતાનું અલગ અસ્તિત્વ રાખી શકી નહિ. મહાભારત પરથી જણાય છે કે ભારતીય આચાર્યોએ પોતાના સામાજિક નિયમોને ઢીલા કરીને એ જાતિઓને પોતાના સમાજમાં ગૌરવપૂર્ણ સ્થાન આપ્યું. યવન રાજા મિનેન્દ્રે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. કુષાણોએ બૌદ્ધ તેમજ ભાગવત ધર્મ અને શકોએ શૈવ ધર્મ અપનાવ્યો. હૂણ રાજા મિહિરકુલે પણ શૈવ ધર્મ અંગીકાર કર્યો. આમ હૂણો (ઈ. સ.ની પાંચમી સદી) સુધી ભારતમાં આવનારી બધી પ્રજાઓને ભારતીય સંસ્કૃતિ પોતાના ઉદરમાં સમાવીને એકરસ કરવામાં સફળ થઈ. જોકે મધ્યકાલમાં ઇસ્લામી સંસ્કૃતિ ધરાવતી અરબ, અફઘાન, તુર્ક વગેરે જાતિઓને તે આત્મસાત્ કરી શકી નહિ. અલબત્ત, લાંબા સમયના સહવાસ અને સતત સંપર્કને લઈને બંને સંસ્કૃતિઓનો પરસ્પર પ્રબળ પ્રભાવ પડ્યો. અગાઉ જોયું તેમ, એ વખતે ભારતીય સંસ્કૃતિના એકાત્મતાના ગુણનો હ્રાસ થયો હતો. પરંતુ તેના સમન્વયના ગુણને પરિણામે પરસ્પર આદાન-પ્રદાનનું ક્ષેત્ર વ્યાપક રહ્યું. ભારતીય સંસ્કૃતિએ વિદેશી તત્વોને ગ્રહણ કરવામાં પ્રાચીન કાલ કે મધ્યકાલમાં ક્યારેય સંકુચિત ર્દષ્ટિકોણ અપનાવ્યો નહોતો, તેમ તેમના ઋણને સ્વીકારવામાં પણ સંકોચ દાખવ્યો નહોતો. આનું સરસ ર્દષ્ટાંત પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી વરાહમિહિરના ઉલ્લેખમાં મળે છે. તેઓ જણાવે છે કે અહીં (ભારતમાં) યવનોને મ્લેચ્છ માનવામાં આવ્યા હોવા છતાં જ્યોતિષશાસ્ત્રના તેઓ ઉચ્ચ જ્ઞાતા હોઈને તેમને ઋષિ જેવા આદરપાત્ર ગણવામાં આવતા. ગ્રીસ અને રોમમાં પ્રચલિત જ્યોતિષ અંગેના સિદ્ધાંતોને ગ્રહણ કરવા ઉપરાંત તેમને ‘રોમક સિદ્ધાંત’ એવું નામ પણ અપાયું છે, જે સૂચક છે.

વસ્તુત: ભારતીય સંસ્કૃતિએ અનેક પ્રકારની ભાષાઓ તેમજ એકબીજાથી વિરોધાભાસી જણાતાં રીતરિવાજો અને પરંપરાઓનો સમન્વય સ્થાપીને આ દેશના વિશાળ જનમાનસમાં અદ્વૈત કે અભેદનો ઉચ્ચ આદર્શ સ્થાપિત કર્યો છે.

વિવિધતામાં એકતા

વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની તરી આવતી વિશેષતા છે. અહીં ભૂમિ અને આબોહવાનું ભારે વૈવિધ્ય પ્રવર્તે છે. વળી વિવિધ જાતિઓ અને વિવિધ મુખાકૃતિઓ ધરાવતા લોકો, તેમના દ્વારા પળાતા વિવિધ ધર્મ-સંપ્રદાયો, બોલાતી વિવિધ ભાષાઓ તેમજ બોલીઓ – એમ વૈવિધ્ય ઘણું છે. આ વૈવિધ્ય હોવા છતાં ભારતમાં ભૌગોલિક, સામાજિક, ધાર્મિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક એકતા અનુભવાય છે. આ લક્ષણ છેક પ્રાચીન કાળથી માંડીને વર્તમાન સુધી પ્રવર્તતું જોવામાં આવે છે. અહીં ઉત્તરે હિમાલયની ઉત્તુંગ ગિરિમાળા અને પશ્ચિમ, દક્ષિણ તથા પૂર્વનાં સાગરજળ દ્વારા એક ચોક્કસ ભૌગોલિક એકમ રચાયું છે. પ્રાચીન કાળથી ભારતવાસીઓ સમગ્ર ભારતની આ એકતાને માનતા આવ્યા છે. આ એકતા અને અખંડિતતા મોટાભાગના ભારતીઓની ધાર્મિક આસ્થાઓમાં વ્યક્ત થાય છે. ભારતના કોઈ એક ભાગનો નિવાસી અન્ય ભાગોમાં આવેલાં પવિત્ર સ્થળો માટે શ્રદ્ધા અને આદર ધરાવે છે; દા.ત., સાત પવિત્ર નદીઓ પૈકી ગોદાવરી, નર્મદા અને કાવેરીને પવિત્ર માનનારા લોકો માટે ગંગા, યમુના, સિંધુ અને સરસ્વતી પણ એટલી જ પાવન છે. અવરજવરનાં સાધનો સીમિત હતાં ત્યારે પણ પર્યટકો, ધર્મોપદેશકો, તીર્થયાત્રીઓ અને વિદ્યાર્થીઓ આ એકતાને પુષ્ટ કરવામાં ફાળો આપતા હતા. જોકે આઝાદી પૂર્વે સમગ્ર ભારત રાજકીય રીતે એકસૂત્રમાં બંધાયેલું ન હતું. તેમ છતાં અશ્વમેધ, રાજસૂય જેવા યજ્ઞોનાં અનુષ્ઠાનો દ્વારા સાર્વભૌમ સમ્રાટ અને ચક્રવર્તીપદના મહત્વાકાંક્ષી રાજાઓ હમેશાં એ અનુભૂતિ વ્યક્ત કરતા કે ભારત એક વિસ્તૃત ભૂખંડ છે. અહીં 826 ભાષાઓ અને 1,658 બોલીઓ બોલાય છે. આવું અનન્ય વૈવિધ્ય હોવા છતાં મોટાભાગની ભાષાઓની વર્ણમાલા એકસરખી જ છે. ઉત્તરની તેમજ દક્ષિણની લિપિઓ ભિન્ન હોવા છતાં તે બધી બ્રાહ્મી લિપિમાંથી જ ઊતરી આવી છે. બધી ભાષાઓ પર સંસ્કૃત ભાષાનો વ્યાપક પ્રભાવ પડ્યો છે. ભારતમાં આવેલી વિવિધ જાતિઓમાં થયેલા પરસ્પરના સંમિશ્રણને કારણે તેમજ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિમાં એક જ પ્રકારના ખાનપાનને કારણે એકતા ઊભી થઈ છે. ધર્મશાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત સામાજિક વ્યવસ્થા પણ આખા દેશમાં સમાન હોઈ જાતિ, વર્ણ અને ભોજન વગેરેના નિયમો પણ મૂળભૂત રીતે એક છે. લગ્નાદિ રીતરિવાજો અને કેટલાક સંસ્કારો વગેરે પણ પ્રાચીન ગ્રંથોમાં વર્ણિત વ્યવસ્થાને અનુરૂપ હોઈ સાંસ્કૃતિક એકતા ર્દઢ થઈ છે. ભારતીય સંસ્કૃતિમાં આ આંતરિક એકતા એટલી તો ઊંડી અને વ્યાપક છે કે બાહ્ય રૂપે દેખાતી વિવિધતા તેની આગળ શિથિલ થઈ જાય છે.

આધ્યાત્મિકતા અને ધર્મપ્રધાનતા

આધ્યાત્મિકતા અને ધર્મપ્રધાનતા પણ ભારતીય સંસ્કૃતિની ઉલ્લેખનીય વિશેષતા છે. ભારતીય ચિંતન અનુસાર ઇહજીવન અને ઐહિક જગતનાં મૂલ્યો ચરમ નથી. વ્યાવહારિક જીવન અને જગતનું અતિક્રમણ કરનારી પારલૌકિક સ્થિતિ અર્થાત્ મોક્ષ કે નિર્વાણ એ જીવનનું પરમ લક્ષ્ય છે. તેને પામવા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – એ ચાર પુરુષાર્થોનું સેવન કરવું જોઈએ. સારાંમાઠાં કર્મોનું ફળ અવશ્ય મળે છે. આ જીવનમાં ઉચિત પ્રયત્ન કરીને પરમ પુરુષાર્થ અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરી શકાય. એ માટે આશ્રમવ્યવસ્થાનું પરિપાલન કરવું જરૂરી છે. એમાં જીવનયાત્રાના મધ્યબિંદુ સુધી પહોંચી મનુષ્યે સાંસારિક ભોગ-ઐશ્વર્યો પ્રત્યે ઉદાસ થવા પર ભાર મૂક્યો છે. આ ઉપદેશ કર્મયોગ અને નિષ્કામ કર્મના સિદ્ધાંતમાં પણ રહેલો છે. ટૂંકમાં, અનાસક્તિપૂર્ણ જીવન ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું આવશ્યક અને મહત્વપૂર્ણ અંગ ગણાયું છે. મનુષ્યે સંસારમાં અનાસક્તપણે રહી વર્ણાશ્રમાનુસાર પોતાનાં કર્તવ્યો બજાવવાં જોઈએ. રામાયણ, મહાભારત જેવાં ઉદાત્ત મહાકાવ્યો, બૌદ્ધ અને જૈન ધર્મ તેમજ પછીના કાળમાં થયેલા આચાર્યો, સંતો અને મહાત્માઓની વાણી અને તેમના વ્યવહારમાં પણ આ ભાવના વ્યક્ત થાય છે. ભારતીય સંસ્કૃતિની આ વિશેષતાને કારણે તેના પર અતિ-ધાર્મિકપણાનો આરોપ કરવામાં આવે છે. વળી તેમાંથી વૈરાગ્ય અને નિષ્ક્રિયતાને બળ મળ્યું છે એમ પણ કહેવાયું છે; પરંતુ આવા આરોપોમાં કોઈ તથ્ય નથી. ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક હોવા છતાં તેણે આ લોકના સુખની ઉપેક્ષા કરી નથી. ભારતીયો દ્વારા પ્રાચીન કાલમાં થયેલ ભૌતિક અને વૈજ્ઞાનિક પ્રગતિ આના પ્રમાણરૂપ છે. ભારતીય ચિંતકોએ હમેશાં જીવનના સર્વતોમુખી વિકાસ પર ભાર મૂક્યો છે. તેમણે મનુષ્ય માટે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે તેમાં ધર્મ અને મોક્ષની સાથે સાથે અર્થ અને કામનું પણ યથોચિત મહત્વ સ્વીકારેલું છે. આને કારણે ભારતવાસીઓ એક બાજુ વેદાંત જેવું ગૂઢ દર્શન અને યોગ જેવી ગૂઢ ક્રિયાઓ નિપજાવી શક્યા છે તો બીજી બાજુ સામ્રાજ્યોનું નિર્માણ, વિદેશગમન અને ત્યાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર તેમજ ઘર-આંગણે વિજ્ઞાન, સાહિત્ય અને કલાને ક્ષેત્રે અપૂર્વ વિકાસ પણ સાધી શક્યા છે. આમ ભારતીય સંસ્કૃતિમાં ઐહિક અને પારલૌકિક તેમજ માનસિક અને આધ્યાત્મિક આવશ્યકતાઓનો સુંદર સમન્વય થયેલો છે. વસ્તુત: ધર્મ દ્વારા માનવને પ્રત્યેક ક્ષેત્રમાં, પ્રત્યેક ક્ષણે ઉચિત અને ન્યાયપૂર્ણ કાર્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર મનુષ્યે આખા સંસાર(જગત)ને પોતાનું કુટુંબ સમજવું જોઈએ અને બધાં પ્રાણીઓના હિતની કામના કરતાં કરતાં પોતાના ઐહિક જીવનને એવી રીતે વિતાવવું જોઈએ કે તેના આધ્યાત્મિક વિકાસમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે, તેની સાથોસાથ પોતાનાં નિકટનાં સ્વજનોનું પણ કલ્યાણ કરી શકાય. ‘આખી પૃથ્વી આપણું કુટુંબ છે’ (‘वसुधैव कुटुम्बकम् ।’) અને બધાં પ્રાણીઓના હિતની કામના કરવી (सर्वे भवन्तु सुखिन:) એ મૂળ મંત્ર ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિકતા અને ધર્મ-પ્રધાનતાના પાયામાં રહેલો છે.

ધર્મસહિષ્ણુતા અને વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા

ધર્મસહિષ્ણુતા અને વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા એ પણ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. આ ગુણનું મહત્વ એટલા માટે વધી જાય છે કે સભ્યતાનો દંભ કરનારા અનેક દેશોએ આધુનિક કાલમાં પણ ધર્મ, સમાજ તેમજ વર્ગ પ્રત્યે અસહિષ્ણુ થઈને બર્બર જેવો વ્યવહાર કર્યો છે. ઇતિહાસનાં પૃષ્ઠો આવી અનેક ઘટનાઓથી ભરેલાં છે. થોડા મતમતાંતરોને કારણે નિર્દોષ લોકોની હત્યા કરીને અનેક દેશો અને ધર્મોએ અપયશ વહોર્યો છે. આવી ધર્માંધતાનો અને આવા સંકુચિત ર્દષ્ટિકોણનો અભાવ એ ભારતીય સંસ્કૃતિની ગૌરવપ્રદ વિશેષતા છે. ભારત અનેક દેવ-દેવીઓની ઉપાસના કરનારો દેશ રહ્યો છે. અહીં ધાર્મિક પૂજા-ઉપાસનાનાં અનેક રૂપો એકસાથે પ્રચલિત રહ્યાં છે. ખુદ હિંદુ ધર્મમાં અનેક દાર્શનિક સિદ્ધાંતો, અનેક ઉપાસ્ય દેવો અને મોક્ષ કે નિર્વાણની પ્રાપ્તિ માટેના જ્ઞાન, યોગ, ભક્તિ, કર્મ જેવા વિવિધ માર્ગો પ્રચલિત રહ્યા છે. સાધારણ રીતે હિંદુ આ વિવિધ સિદ્ધાંતો અને માર્ગો પ્રત્યે સહિષ્ણુ હોય છે. વસ્તુત: આ વિશેષતાના મૂળમાં આધ્યાત્મિકતા રહેલી છે. ભારતવાસીઓ હંમેશાં આ સિદ્ધાંતને માનતા આવ્યા છે કે ઈશ્વર અવ્યક્ત, અચિંત્ય અને માનવબુદ્ધિથી પર છે અને જુદા જુદા ધર્મો તેમજ ઉપાસના-પદ્ધતિઓ તેના સુધી પહોંચવાના માર્ગ છે. ભગવદગીતામાં આથી શ્રીકૃષ્ણે કહ્યું છે, ‘मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ, सर्वश: ।’, અર્થાત્ ‘હે પાર્થ, બધા મનુષ્યો મારા માર્ગનું જ અનુસરણ કરે છે.’ આ માર્ગો જોવામાં અલગ અલગ લાગે છે, પણ તેમનું લક્ષ્ય તો એક જ છે. ધાર્મિક સહિષ્ણુતાની આ વાત છેક વેદકાળથી ચાલી આવે છે. ઋગ્વેદમાં કહ્યું છે, ‘एकं सद् विप्रा: बहुधा वदन्ति ।’ (સત્ તો એક જ છે, પણ જ્ઞાની પુરુષો તેનું અનેક પ્રકારે વર્ણન કરે છે). ઉપનિષદોમાં પણ આ મત પ્રગટ થાય છે. એક રીતે જોઈએ તો ગીતાનો મુખ્ય વિષય ધાર્મિક સહિષ્ણુતા છે. જૈન ધર્મમાં આ ભાવનાને અનેકાંતવાદ અને સ્યાદવાદ દ્વારા દાર્શનિક રીતે પ્રતિપાદિત કરવામાં આવી છે. જૈન દર્શન અનુસાર કોઈ પણ વિષય પર સાત પ્રકારે કથન થઈ શકે છે અને પોતાના વિષય-ર્દષ્ટિકોણથી બધાં કથનોમાં કોઈ ને કોઈ સત્ય સમાયેલું હોય છે. ધાર્મિક સહિષ્ણુતાના સિદ્ધાંતને રાજાઓ પણ અનુસર્યા છે. પોતાનો વ્યક્તિગત ધર્મ ગમે તે હોય છતાં રાજાઓ બધા ધર્મોને સમાનપણે સહાય કરતા. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યા પછી ભારત તથા વિદેશોમાં તેનો પ્રચાર કરવા અથાક પ્રયત્ન કર્યા, પણ તેણે ક્યારેય પોતાની પ્રજા પર બૌદ્ધ ધર્મ ઠોકી બેસાડવાની કોશિશ કરી નહિ તેમજ ન તો બીજા ધર્મોના અનુયાયીઓ પર અત્યાચાર કર્યા. બધા જ ધર્મો પ્રત્યે સહિષ્ણુતાની નીતિ અપનાવતાં તેણે પોતાના દ્વાદશ શિલાલેખમાં જાહેર કર્યું, ‘મનુષ્યે બીજાના ધર્મને સાંભળવો જોઈએ અને તેનો આદર કરવો જોઈએ. જે મનુષ્ય પોતાના ધર્મને પૂજે છે અને બીજાના ધર્મોની નિંદા કરે છે તે એમ કરતાં પોતાના જ ધર્મને ભારે નુકસાન પહોંચાડે છે.’ ધાર્મિક સહિષ્ણુતાનો આ આદર્શ ગુપ્ત શાસકોએ પણ અપનાવ્યો હતો. તેઓ ભાગવત ધર્મને માનતા હોવા છતાં બધા ધર્મો તેમજ ધાર્મિક વિચારોની અભિવ્યક્તિને પૂર્ણ સ્વતંત્રતા આપી હતી. કેવળ ભારતીય જ નહિ, વિદેશી ધર્મો સાથે પણ આવો ઉદાર વ્યવહાર કરવામાં આવ્યો હતો. પોતાના દેશમાં પજવણી પામેલા પારસીઓ ભારત આવ્યા અને અહીંના સન્માનિત નાગરિક થયા. અરબો અને ખ્રિસ્તીઓ પ્રત્યે પણ આવી ઉદારતા રખાઈ. ભારતમાં વિભિન્ન ધર્મસંપ્રદાયો અને મતમતાંતરો ધરાવતા લોકો પરસ્પર મૈત્રી અને સહિષ્ણુતાપૂર્વક સાથે જ રહે છે. અલબત્ત, ભારતના ઇતિહાસમાં થોડા ધાર્મિક વિદ્વેષનાં ર્દષ્ટાંતો મળે છે, પરંતુ તે અપવાદરૂપ છે.

વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઈને ભારતમાં જેટલું આધ્યાત્મિક ચિંતન થયું છે તેટલું જગતના બીજા દેશોમાં થયું નથી. અહીં તર્ક દ્વારા સિદ્ધાંતોનું ખંડન-મંડન થતું. ધાર્મિક સ્વતંત્રતાને પરિણામે બૌદ્ધ, જૈન, ભાગવત, શૈવ વગેરે અનેક મતમતાંતરોની સૃષ્ટિ ઊભી થઈ. હિંદુ ધર્મમાં કેટલાક એવા સંપ્રદાયો છે, જેમના સિદ્ધાંતો એકબીજાથી સર્વથા ભિન્ન પ્રતીત થાય છે. વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપરાંત સૃષ્ટિનિયંતા, સર્વશક્તિમાન ઈશ્વર, કર્મ, પુનર્જન્મના સિદ્ધાંતો વગેરે મૂળભૂત સિદ્ધાંતો લગભગ બધા ભારતીય ધર્મોમાં સ્વીકારાયા છે. બધા ધર્મોમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા સિદ્ધાંતોને ઘણું મહત્વ અપાયું છે. એ રીતે ધાર્મિક સહિષ્ણુતાને કારણે ભારતમાં ધાર્મિક કટ્ટરતાનો અભાવ વરતાય છે.

ભારતીય સંસ્કૃતિનો પ્રસાર

પ્રાચીન કાલમાં ભારતનો વિદેશો સાથે ગાઢ સંપર્ક હતો. ભારતીયોએ ચારે દિશામાં આવેલા અનેક દેશો સાથે વ્યાપારી, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજનૈતિક સંબંધો સ્થાપ્યા હતા. ભારતવાસીઓએ જલમાર્ગે અને જમીનમાર્ગે સુદૂરના દેશોમાં જઈ વેપારનો વિસ્તાર કર્યો હતો, ત્યાં વસાહતો સ્થાપી હતી અને ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક આદર્શોનો પ્રસાર કર્યો હતો. આ દેશોમાંથી મળી આવતાં મંદિરો, સ્તૂપો, શિલાલેખો અને ગ્રંથોથી આ વિધાનને પુષ્ટિ મળે છે.

સંપર્કમાર્ગો : એશિયાના સાંસ્કૃતિક નકશામાં ભારતનું સ્થાન એક ચક્રની ધરી જેવું છે. એના આરા પશ્ચિમમાં ઇરાક, ઈરાન અને અફઘાનિસ્તાન; ઉત્તરમાં મધ્ય એશિયા, તિબેટ અને ચીન; પૂર્વમાં મ્યાનમાર, સિયામ, હિંદી ચીન તથા અગ્નિ એશિયાના ટાપુઓ તેમજ દક્ષિણમાં શ્રીલંકા સુધી પહોંચે છે. આ પરિધિમાં આવતા દેશો સાથે ભારતને છેક ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીના આરંભથી સંપર્ક થયા હોવાનું જણાય છે. આ સંપર્કો દ્વારા થયેલ સાંસ્કૃતિક અને વાણિજ્યવિષયક આદાનપ્રદાનમાં પર્વતો કે સમુદ્રો બાધક બન્યા નથી. (1) ઉત્તરે હિમાલયની લાંબી ગિરિમાળામાં થઈને આસામમાંની બ્રહ્મપુત્રાની સીમાઓથી ચીન, (2) સિકિમ થઈને તિબેટ અને ત્યાંથી ચીન તથા (3) તુર્કસ્તાનથી કાશ્મીર થઈને ચીન એવા ત્રણ માર્ગો હતા. આમાંનો છેલ્લો માર્ગ પહેલા બેની તુલનાએ ઓછો વિકટ હોવાથી ભારત આવવા ઇચ્છતા ચીની યાત્રીઓએ એ માર્ગ વધુ પસંદ કર્યો હતો. અલબત્ત, આ પહાડી માર્ગોએ ભારતીય સભ્યતાના ઘડતર કે વિકાસમાં કોઈ ગણનાપાત્ર ભાગ ભજવ્યો નથી. પણ ઊલટપક્ષે મધ્યએશિયા અને ચીનમાં બૌદ્ધ ધર્મ અને કલાના પ્રસાર માટે આ માર્ગોએ અગત્યનો ભાગ ભજવ્યો છે. બીજી બાજુ વાયવ્ય સરહદે આવેલા જમીનમાર્ગોએ ભારતનાં ઇતિહાસ અને સભ્યતા પર ઘેરો અને વ્યાપક પ્રભાવ પાડ્યો છે.

આ જમીનમાર્ગોના પૂરક જળમાર્ગો ભારતના પૂર્વ અને પશ્ચિમના વિસ્તૃત સાગરકાંઠે આવેલાં બંદરોથી પશ્ચિમમાં ઇજિપ્ત, ગ્રીસ, રોમન સામ્રાજ્ય તથા ઉત્તરકાલમાં મુસ્લિમ જગત સાથે અને પૂર્વમાં હિંદી મહાસાગરમાં આવેલા સંખ્યાબંધ ટાપુઓ અને છેક ચીન સુધી પહોંચતા હતા. બાહ્ય જગત સાથેના આ સંપર્ક-વ્યવહારને દેશની અંદરના જમીન અને જળમાર્ગો વડે સંકલિત કરવામાં આવ્યો હતો.

ઉપર મુજબના આંતર-બાહ્ય માર્ગો દ્વારા ભારતના એની ચારે દિશાએ આવેલા દેશો સાથે ઈ. સ.ની દસમી સદી સુધી પ્રગાઢ વ્યાપારી અને સાંસ્કૃતિક સંપર્કો રહ્યા હતા. આ સંપર્કોનાં પ્રમાણો કેવળ પડોશી એશિયાઈ દેશોમાંથી જ નહિ; પણ યુરોપ, આફ્રિકા અને અમેરિકા મહાદ્વીપમાંથીય મળી આવે છે.

ભારત અને પશ્ચિમી દેશો (. પૂ. ત્રીજી સહસ્રાબ્દીથી) : પશ્ચિમી દેશો સાથે ભારતનો સંબંધ મુખ્યત્વે વાણિજ્યવિષયક હતો. સિંધુ સભ્યતાના અવશેષો પરથી જણાય છે કે ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીમાં આ પ્રદેશના પશ્ચિમ-એશિયાઈ દેશો સાથે જળ અને જમીનમાર્ગી સંપર્કો હતા. ભાષાસામ્યને આધારે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે ઋગ્વેદમાં વર્ણિત ‘પણિ’ નામના (વૈશ્ય જાતિના) લોકોએ ભૂમધ્યસમુદ્રને તટે વસાવેલો દેશ એમના નામ પરથી ‘ફિનિશિયા’ તરીકે પ્રસિદ્ધ થયો.

પશ્ચિમી દેશો સાથે ભારતનો જળમાર્ગ સમુદ્ર દ્વારા જળવાયો હતો. ભારતના કિનારેથી જહાજો બલૂચિસ્તાન, ઈરાન અને અરબસ્તાનના સાગરકાંઠે થઈ રાતા સમુદ્રને માર્ગે ઇજિપ્ત પહોંચતાં. વળી, સીધો જમીનમાર્ગી વ્યવહાર વાયવ્ય સરહદે ખૈબરઘાટ અને હિંદુકુશને પાર કરીને  બલ્ખ જતા માર્ગે થતો. પશ્ચિમી દેશો પૈકી ઇરાક, ઈરાન, ઇજિપ્ત, રોમન સામ્રાજ્ય, માડાગાસ્કર, અરબસ્તાન વગેરે સાથેના સંપર્ક-સંબંધો નોંધપાત્ર છે.

ઇરાક : ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીમાં યુફ્રેટીસ અને ટાઇગ્રિસ નદીઓના દોઆબ(મેસોપોટેમિયા)માં સુમેર, અક્કડ, બેબિલૉન જેવી સમૃદ્ધ સભ્યતાઓ (civilizations) પાંગરી હતી. સમકાલીન ભારતીય સિંધુખીણ સભ્યતાનો એ સભ્યતાઓનાં કેન્દ્રો સાથે સંપર્ક હતો. સિંધુખીણ અને મેસોપોટેમિયા તથા સંભવત: એશિયા માઇનોરના દેશો વચ્ચે વાણિજ્યવિષયક આદાન-પ્રદાન થતાં હતાં.

ઈરાન : ભારત અને ઈરાન વચ્ચે પણ પ્રાગ્-ઇતિહાસકાળ અને ઇતિહાસકાળમાં પ્રગાઢ સંબંધો પ્રવર્તતા હતા. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં ઈરાનમાં હખામની સામ્રાજ્ય સ્થપાતાં ભારતના પશ્ચિમી દેશો સાથેના વ્યાપારી સંપર્ક વધી ગયા. ઈરાની સમ્રાટ દારાએ એક નૌકાકાફલો સિંધ મોકલેલો, જેણે ઈરાનથી સિંધુ નદીના મુખ સુધીનો જળમાર્ગ શોધી કાઢ્યો. આ નવીન માર્ગેથી ભારતનો ગ્રીસ સુધીના દેશો સાથેનો વેપાર સરળ અને પ્રગાઢ બન્યો.

ભારતીય-ઈરાની સંબંધો ગુપ્તવંશ અને સાસાની વંશના સમયમાં (ઈ. સ. 5થી 7મી સદીમાં) ચરમ સીમાએ પહોંચ્યા. સાતમીથી બારમી સદી દરમિયાનનું ભારતીય ચલણી નાણું વજન અને આકૃતિની બાબતમાં પ્રગાઢ સાસાની પ્રભાવનું સૂચન કરે છે. આ સિક્કાઓ ‘ગધૈયા’ નામે ઓળખાય છે. સાતમી સદીમાં ઈરાનના સમ્રાટ ખુસરો દ્વિતીય અને ભારતીય રાજા પુલકેશી દ્વિતીય વચ્ચે એલચીઓની આપ-લે થઈ હતી, એનો ઉલ્લેખ અરબી તવારીખકાર તબરીએ કર્યો છે. અજંટાની ગુફા નં. 1માં એક ભારતીય રાજાના દરબારમાં ઈરાની એલચીમંડળનું સ્વાગત દર્શાવતું ચિત્ર જોવામાં આવે છે તે આ બાબતનું સૂચક છે.

ઇજિપ્ત : ભારત સાથે દરિયાઈ વેપાર વધારવા માટે ટૉલેમી(ઈ. પૂ. ત્રીજી સદી)એ ઘણા પ્રયાસો કરેલા. પહેલાં ભારતીય વસ્તુઓ ઈરાની ખાડીમાં થઈ જમીનમાર્ગે સીરિયા થઈ ઇજિપ્ત પહોંચતી. આ માલ જો રાતા સમુદ્રમાર્ગે સીધો ઍલેક્ઝાન્ડ્રિયા આવે તો ભારતીય વેપાર પર પોતાનું આધિપત્ય જમાવી શકાય એવા ઉદ્દેશથી ટૉલેમીએ રાતા સમુદ્રના પશ્ચિમ તટે બેરેનિસ નામે નવું બંદર વસાવ્યું ને ત્યાંથી સ્થળમાર્ગે નાઇલ નદી સુધી અને ત્યાંથી જળમાર્ગે ઍલેક્ઝાન્ડ્રિયા સુધી વસ્તુઓ પહોંચાડવામાં આવતી. ભારતીય વેપારીઓ ત્યાં વેપાર અર્થે જતા. રાતા સમુદ્ર અને નાઇલ નદીને જોડતા માર્ગ પરથી ભારતીય વેપારીનો ગ્રીક ભાષામાં લખાયેલ એક અભિલેખ મળ્યો છે. એ વેપારીનું નામ ‘સોફોન’ હતું જે સંભવત: ‘શોભન’નું ગ્રીક રૂપાંતર છે.

રોમ : ઈ. પૂ. ત્રીજી સદીમાં, પશ્ચિમી દેશોમાં રોમનો અભ્યુદય થવા લાગ્યો. રોમે જીતેલાં ગ્રીસ, પશ્ચિમ એશિયા અને ઇજિપ્ત સાથે ભારતના વ્યાપારી સંબંધો ચાલુ રહ્યા. હવે ઇટાલી અને રોમન સામ્રાજ્યના બીજા ભાગો સાથે પણ ભારતીયો વેપાર કરવા લાગ્યા. રોમન સામ્રાજ્યમાં શાંતિ અને સુવ્યવસ્થા સ્થપાયેલી હોવાથી ભારતીય વેપારીઓ માટે છેક ભૂમધ્ય સમુદ્ર સુધીના પશ્ચિમી દેશો સાથે વેપાર સુગમ બન્યો.

ઍલેક્ઝાન્ડ્રિયાથી રોજનું સરેરાશ એક જહાજ ભારત આવતું હતું, જે પશ્ચિમી દેશો સાથે ભારતના ધીકતા વેપારનું સૂચન કરે છે. સ્ટ્રેબોએ નોંધ્યા અનુસાર ઈ. પૂ. 25માં દક્ષિણ ભારતના પાંડ્ય રાજાએ મોકલેલું શુભેચ્છામંડળ ભરુકચ્છ (ભરૂચ) બંદરેથી પ્રસ્થાન કરીને રોમ પહોંચ્યું હતું. એ મંડળે રોમન સમ્રાટને સિંહ, અજગર ઉપરાંત હાથ વગરનું એક એવું બાળક ભેટ આપ્યું હતું જે પગ વડે તીરકમાન ચલાવતું હતું.

હાથીદાંતની ચીજવસ્તુઓ, તેજાના, સુતરાઉ કાપડ, મલમલ, મોતી, સુગંધિત દ્રવ્યો વગેરે ભારતીય માલની પશ્ચિમી દેશોમાં ખૂબ માંગ રહેતી. એના બદલામાં મુખ્યત્વે સોનું આવતું. દક્ષિણ ભારતમાં કોઇમ્બતૂર અને મદુરાઈ જિલ્લાઓમાંથી અને પંજાબના હજારા જિલ્લામાંથી સેંકડોની સંખ્યામાં સોનાના રોમન સિક્કાઓ મળી આવ્યા છે. ભારતમાં રોમન સામ્રાજ્યમાંથી ઊંચી જાતનો દારૂ, માણેક, મોતી, સુંદર બાંદીઓ વગેરેની આયાત થતી.

માડાગાસ્કર આદિ : આફ્રિકાના પૂર્વ કિનારે માડાગાસ્કર દ્વીપમાં પણ પ્રાચીન ભારતવાસીઓ પહોંચી ગયા હતા. આ દ્વીપને ભારતવાસીઓ સંભવત: ‘મલય’ કહેતા હતા. ત્યાંના સકોત્રા નગરમાં ભારતીય વેપારીઓનો એક લત્તો હતો. આ દેશની ભાષા પર સંસ્કૃત શબ્દોનો પ્રભાવ પડેલો જણાયો છે.

પ્રાચીન ભારતવાસીઓ ઇથિયોપિયામાં પણ વેપાર અર્થે જઈ વસ્યાનાં પ્રમાણ મળ્યાં છે.

અરબસ્તાન : આરબ દેશ સાથે ભારતને ઘનિષ્ઠ સંપર્ક હતો. પાછળથી રાતા સમુદ્રવાળો સળંગ જળમાર્ગ શોધાતાં બંને દેશો વચ્ચેના વાણિજ્ય સંબંધો વધી ગયા. રાતા સમુદ્રને કાંઠે આવેલાં એડન, મસ્કત વગેરે અરબી નગરોમાં ભારતીયોની વસાહતો સ્થપાઈ હતી. ઈ. સ. સાતમી સદીથી અરબસ્તાન સાથેના ભારતના સંબંધો વાણિજ્ય ઉપરાંત જ્ઞાન-વિજ્ઞાનની  બાબતમાં પણ ખીલ્યા. બગદાદના ખલીફા હારૂન-અલ્-રશીદની સેવામાં બે ભારતીય વૈદ્યો હતા. ભારતીય જ્યોતિષ, અંકગણિત અને રેખાગણિત તેમજ બીજી વિદ્યાઓ પણ અરબસ્તાન પહોંચી. આ બધી ભારતીય વિદ્યાઓ અરબો મારફતે યુરોપીય દેશોમાં પ્રચાર પામી. આમાં ભારતીય 1થી 10ના ઉપયોગવાળી દશગુણોત્તરપદ્ધતિનો સંખ્યાલેખનમાં પ્રયોગ એ અરબો મારફતે યુરોપ અને એમના દ્વારા જગતને ભારત તરફથી મળેલી સર્વોત્તમ ભેટ છે. ભારતીય પ્રસિદ્ધ ગ્રંથ ‘પંચતંત્ર’ના અરબી અને ફારસી અનુવાદો થયા. મુસ્લિમ જગતમાં ખૂબ લોકપ્રિય થયેલા આ ગ્રંથના સમગ્ર યુરોપીય ભાષાઓમાં પણ અનુવાદો થયા.

ભારત અને વાયવ્ય ક્ષેત્ર : આ ક્ષેત્રમાં અફઘાનિસ્તાન અને બલૂચિસ્તાનની ગણના થાય છે. આ પ્રદેશો પહેલાં ભારતનાં અભિન્ન અંગભૂત હતા. ગંધાર અને કમ્બોજ પ્રદેશો આ ક્ષેત્રમાં આવેલા હતા. બુદ્ધના સમયમાં એ બંનેની 16 મહાજનપદોમાં ગણના થતી હતી. અફઘાનિસ્તાનની નદીખીણોમાં સંખ્યાબંધ આર્ય ટોળીઓ વસી હતી. એમાંના ઘણાની ધાર્મિક સ્થિતિ બદલાઈ ગઈ હોવા છતાં એમની ભાષાકીય ખાસિયતો સચવાઈ રહી હતી. પુશ્તો (પખ્તૂન) આજે પણ શબ્દભંડોળ અને વ્યાકરણ પરત્વે સંસ્કૃત કુળની જ એક બોલી ગણાય છે.

સિકંદરના આક્રમણ પછી આ વાયવ્ય ક્ષેત્ર ચંદ્રગુપ્ત મૌર્ય અને એના પૌત્ર અશોકના સામ્રાજ્યનો એક ભાગ બની રહ્યું. અશોકના સમયમાં બૌદ્ધ પ્રચારકોએ ગંધાર, કમ્બોજ અને બાહલિકમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. મુસલમાનોનાં આક્રમણ પહેલાં આ દેશોમાં બૌદ્ધો અને હિંદુઓ પોતપોતાના ધર્મો સ્વતંત્રતાપૂર્વક પાળતા હતા.

ભારતીય ગ્રીક અને કુષાણકાલ દરમિયાન આ ક્ષેત્રમાં થયેલી કલાપ્રવૃત્તિમાંથી વિદેશી અને સ્થાનિક ભારતીય તત્વોના સમન્વયથી ‘ગંધારશૈલી’ નામની પ્રસિદ્ધ કલાશૈલીનો ઉદભવ થયો. આ શૈલીના સ્તૂપો વગેરે સ્મારકો અને બુદ્ધ તથા બોધિસત્વોની સંખ્યાબંધ મૂર્તિઓ મળેલ છે. બુદ્ધનાં અલ્પમૂર્ત (પથ્થરનાં) શિલ્પો પૈકીનું એક તો 48.5 મીટર જેટલું ઊંચું છે. બામિયાનમાં એક સખત ખડકમાંથી કંડારેલું આ શિલ્પ બુદ્ધની ભૂમિમાં પ્રવેશતા મધ્ય એશિયા અને ચીનના યાત્રિકોને અભિનંદવા જાણે ઊભું કર્યું હોય એવો ભાસ થાય છે. લોકસાહિત્ય અને લોકગીતોમાં ભારતીય સંસ્કૃતિના પ્રભાવવાળાં તત્વો આજે પણ જણાઈ આવે છે.

ભારત અને મધ્યએશિયા : ચીની તુર્કસ્તાનનો વિસ્તાર ઉત્તરે ચીન, પશ્ચિમે ગ્રીક-બાહલિક અને ઈરાન તથા દક્ષિણે આવેલ ભારત જેવા દેશોની વિવિધ જાતિઓ, કલા અને ભાષાઓના સંગમસ્થાનરૂપ હતો. આ પ્રદેશમાંથી ઉત્તર અને દક્ષિણના બે માર્ગો દ્વારા સાંસ્કૃતિક સંપર્ક અને પરસ્પર પ્રભાવ જારી રહ્યા. સાતમી સદીથી ભારત આવેલા પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુઅન-શ્વાંગે ભારત આવતી વખતે ઉત્તરનો અને પાછા વળતી વખતે દક્ષિણનો માર્ગ અપનાવ્યો હતો. માર્ગમાં આવતાં નગરો ભારત અને ચીન બંને તરફની યાત્રા માટે વચ્ચે મુકામરૂપ બનતાં.

આ પ્રદેશમાં સાંસ્કૃતિક પ્રસરણમાં ભારતે મુખ્યત્વે બૌદ્ધ ધર્મના પ્રસાર મારફતે વિશેષ ભાગ ભજવ્યો હતો. પ્રાચીન ખોતાનની પરંપરા અનુસાર અશોકના એક પુત્ર કુસ્તને ત્યાં (ઈ. પૂ. 240માં) એક વસાહત સ્થાપી હતી. કુસ્તનના પ્રપૌત્ર વિજયસંભવે ખોતાનમાં બૌદ્ધ ધર્મ ફેલાવ્યો. તે સમયમાં ભારતમાંથી આર્ય વૈરોચન નામના બૌદ્ધ ઉપદેશક ખોતાન ગયા હતા. પરંપરા અનુસાર ખોતાનમાં ભારતીય રાજવંશની 56 પેઢીઓએ રાજ્ય કર્યું હતું. આ રાજાઓના સમયમાં ખોતાન અને નજીકના પ્રદેશોમાં, છેક કાસ્પિયન સમુદ્રથી માંડીને ચીનની દીવાલ સુધીના વિસ્તારોમાં વસનારી બધી પ્રજાઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ઈ. સ.ની પહેલી સદીમાં કનિષ્કે મોકલેલા સર્વાસ્તિવાદી શાખાના સાધુઓના પ્રભાવથી આ વિસ્તારમાં થેરવાદને સ્થાને મહાયાન સંપ્રદાય પ્રચલિત થયો. બૌદ્ધ ધર્મનાં અહીં લગભગ 4 હજાર જેટલાં કેન્દ્રો હોવાનું મનાય છે. અશ્વઘોષ(ઈ. સ.ની બીજી સદી)નાં નાટકોની હસ્તપ્રતોના અંશ અને ભારતીય આયુર્વેદને લગતા કેટલાક ગ્રંથોની બોઅરમાંથી મળેલી હસ્તપ્રતો (ચોથી–પાંચમી સદી) મધ્ય એશિયામાં ભારતીય પ્રભાવની ગહનતા દર્શાવતા અગત્યના પુરાવશેષો ગણાય છે.

ભારત અને ચીન : મહાભારતમાં પણ ચીનનો ઉલ્લેખ છે. એ ‘ચીન’ નામના પ્રાચીન રાજવંશના નામનું સંસ્કૃત રૂપાંતર છે. ચીની વૃત્તાંતોમાં ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રવેશ ઈ. પૂ. 217માં થયો હોવાનું જણાવ્યું છે, પણ વસ્તુત: તે પ્રવેશ, હાન વંશના સમ્રાટ મિંગ-તિએ આમંત્રણ આપતાં ઈ. સ. 65માં ચીનમાં ગયેલા કાશ્યપ માતંગે ત્યાં મહાયાન બૌદ્ધ ધર્મની પ્રભાવના કરી, ત્યારથી થયો. કાશ્યપ તેમની સાથે સંખ્યાબંધ બૌદ્ધ ગ્રંથો અને પવિત્ર અવશેષો લઈ ગયા હતા. ઈ. સ. 401માં ચીન ગયેલા બૌદ્ધ ભિક્ષુ કુમારજીવની અધ્યક્ષતા નીચે અનેક બૌદ્ધ વિદ્વાનોએ મળીને 300 જેટલા બૌદ્ધ ગ્રંથોનાં ચીની સંસ્કરણ તૈયાર કર્યાં. અહીંનાં પંચાગ તૈયાર કરવામાં ભારતીય જ્યોતિષીઓની સહાય લેવાતી. ચીનના રાજાઓ નિરામય જીવન માટે ભારતમાંથી તાંત્રિકો તેડાવતા અને ઔષધો મંગાવતા. ચીનમાં ભારતીય સંગીત લોકપ્રિય થયું હતું અને ચીની રાજાઓ ભારતીય સંગીતકારોને આમંત્રિત કરતા હતા. છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થયેલો લિયાંગ વંશનો સમ્રાટ વૂ-તી ‘ચીની અશોક’ ગણાય છે. એના સમયમાં ‘ત્રિપિટક’નું સંપૂર્ણ ચીની સંસ્કરણ તૈયાર થયું હતું.

હર્ષવર્ધનના સમય(ઈ. સ. 606–648)માં ચીન સાથેનો ભારતનો સંપર્ક ચરમ સીમાએ પહોંચ્યો. પરસ્પર એલચીમંડળોની આપ-લે થઈ. ભારત-ચીની સાંસ્કૃતિક સંબંધોના તેજસ્વી પ્રતિનિધિ રૂપે હ્યુઅન-શ્વાંગે તથા ફાહિયાન, ઇ-ત્સિંગ જેવા ચીની જિજ્ઞાસુઓએ ભારતયાત્રા કરી હતી.

બારમી સદીના અંતમાં મુસ્લિમ શાસકોનાં ઝનૂની આક્રમણોથી બૌદ્ધ કેન્દ્રોનો નાશ થતાં તે ધર્મને મરણતોલ ફટકો પડ્યો. તેની સાથે ચીન સાથેનો સાંસ્કૃતિક સંપર્ક પણ લુપ્ત થઈ ગયો. ચીની સભ્યતાને ભારતીય પ્રદાન મુખ્યત્વે ધાર્મિક વિચારો અને કલા દ્વારા પ્રાપ્ત થયેલ છે. બૌદ્ધોએ પુનર્જન્મ, કાર્યકારણ-સિદ્ધાંત અને ઇહકર્મનું ફળ અન્યત્ર પણ ભોગવવું પડે છે, જેવા ભારતીય વિચારોનો ચીનમાં પ્રસાર કર્યો.

ભારત આવતા ચીની રેશમ ‘ચિનાંશુક’ના વારંવાર ઉલ્લેખો મળે છે. ભારતમાંથી કેટલાક ચીની સિક્કાનિધિઓ અને ચીની માટીનાં વાસણોના અવશેષ મળ્યા છે, તે છેક તેરમી સદી સુધી ભારત-ચીન વચ્ચે સતત નભેલા વાણિજ્યવિષયક સંપર્કોનું સૂચન કરે છે.

ભારત અને કોરિયા તથા જાપાન : ભારતનો કોરિયા અને જાપાન સાથે સીધો સાંસ્કૃતિક કે વ્યાપારી સંપર્ક રહ્યો હોવાનું જણાતું નથી. ચીન મારફતે એ દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો. ઈ. સ. 372માં કોરિયામાં ચીની ભિક્ષુઓ મારફતે પ્રવેશેલ બૌદ્ધ ધર્મ પાંચમી સદીમાં તો સમગ્ર કોરિયામાં પ્રસાર પામ્યો ને અગિયારમી સદી સુધીમાં એ કોરિયાનો મુખ્ય ધર્મ બની ગયો. જાપાનમાં બૌદ્ધ ધર્મનો પ્રવેશ ઈ. સ. 552માં કોરિયા મારફતે થયો. કોરિયાના રાજાએ જાપાનના રાજાને ઉપહારમાં બુદ્ધની કાંસાની પ્રતિમા, બૌદ્ધ ગ્રંથો તથા કેટલાંક ધાર્મિક ઉપકરણો મોકલ્યાં હતાં અને બૌદ્ધ ધર્મની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો. તે પછી અનેક કોરિયાઈ ભિક્ષુઓ જાપાનમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા ગયા. જાપાનમાંના બૌદ્ધ ધર્મે ત્યાંના રાષ્ટ્રીય ધર્મ શિન્તોના કેટલાક આચાર અપનાવી લીધા તેમજ શિન્તો દેવતાઓને બુદ્ધના અવતાર ગણાવ્યા. આથી ત્યાં બૌદ્ધ ધર્મ ઘણો લોકપ્રિય થયો. જાપાનના સમ્રાટોએ પણ એને અપનાવ્યો. આમાં રાજપુત્ર શોકોતુ(ઈ. સ. 574–621)ને જાપાનનો અશોક ગણવામાં આવે છે. બારમીથી તેરમી સદીમાં બૌદ્ધ ધર્મની શાખા રૂપ ઝેન-શૂ (ધ્યાનસંપ્રદાય) ખૂબ પ્રસર્યો. સ્વપ્રયત્ન દ્વારા મોક્ષ મેળવવાની હિમાયત કરનાર ઝેન-શૂનો જાપાનની સંસ્કૃતિ પર વિશેષ પ્રભાવ પડ્યો હતો. ઈદો-યુગ (ઈ. સ. 1603–1867) દરમિયાન ઝેન બૌદ્ધ ધર્મ જાપાનનો રાષ્ટ્રીય ધર્મ બની ગયો.

ભારત અને તિબેટ : પ્રાચીન ભારતીય ભૂગોળમાં પવિત્ર કૈલાસ અને માનસરોવર દ્વારા તિબેટ ભારતવાસીઓને જાણીતું હતું. ત્યાં ઈ. સ. 639માં લ્હાસાની સ્થાપના કરનાર વિખ્યાત તિબેટનરેશ શ્રોંગત્સાન-ગમ્પોના સમયમાં બૌદ્ધ ધર્મનો વ્યાપક પ્રસાર થયો. એણે પોતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અને તત્કાલીન ભારતીય લિપિ પર આધારિત તિબેટી લિપિ શોધાવીને એ લિપિમાં ધાર્મિક તેમજ ધાર્મિકેતર પાલિ અને સંસ્કૃત સાહિત્યના અનુવાદ કરાવ્યા. એ સાહિત્યના બે સંગ્રહો ‘તાંજુર’ અને ‘કંજુર’ નામે પ્રસિદ્ધ છે. આ રાજાએ તિબેટમાં અનેક બૌદ્ધ મંદિરો અને વિહારો પણ બંધાવ્યાં. બૌદ્ધ ધર્મની સાથે બૌદ્ધ કલાનો પણ પ્રસાર થયો.

ભારત અને નેપાળ : નેપાળનાં ભાષા, લિપિ, ધર્મ અને કલા ભારતથી પ્રગાઢપણે પ્રભાવિત થયાં છે. બુદ્ધનું જન્મસ્થાન લુમ્બિની નેપાળની સરહદમાં આવેલું છે. તેમનાં માતા નેપાળી હતાં અને પ્રવાસ દરમિયાન તેમનો જન્મ થયેલો. આ દેશમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર કરવાનું માન અશોક મૌર્યને ફાળે જાય છે. એણે પાટણમાં સ્તૂપો બંધાવેલા ને લુમ્બિનીમાં સ્તંભ ઊભો કરાવેલો. ઈસવી સનની શરૂઆતની સદીઓમાં ત્યાં શૈવ ધર્મ પ્રવર્ત્યો. તે પછી મધ્યકાલમાં નેપાળમાં બૌદ્ધ અને હિંદુ ધર્મ તાંત્રિક સંપ્રદાયમાં એકાકાર થયા અને એ સંપ્રદાયે પ્રભુત્વ જમાવ્યું. પશુપતિનાથનું કાઠમંડુમાં આવેલું શિવાલય શૈવ ધર્મના પાશુપત સંપ્રદાયનું નેપાળમાં પ્રાબલ્ય સૂચવે છે.

ભારત અને શ્રીલંકા (સિલોન) : શ્રીલંકાએ ભારત પાસેથી બૌદ્ધ ધર્મ, પાલિ ભાષા, સિંહલી લિપિ અને કલાપ્રવૃત્તિની બાબતમાં પ્રેરણા મેળવી છે તો પ્રતિપક્ષે ભારત પણ શ્રીલંકાનું ઋણી છે. ભારતમાં સૈકાઓ પહેલાં લુપ્ત થયેલ પાલિ સાહિત્યને એણે જાળવ્યું છે. એટલું જ નહિ, એની ટીકાઓ દ્વારા થયેલ અર્થઘટન પણ સાચવ્યું છે.

શ્રીલંકાનો પ્રાચીનતમ ઉલ્લેખ રામાયણમાં આવે છે. ભારતના રાજા સિંહબાહુ(ઈ. પૂ. પાંચમી સદી)એ પોતાના ઉદ્દંડ રાજપુત્ર વિજયને દેશવટો આપતાં એ 700 સાથીઓ સાથે સમુદ્રમાર્ગે લંકા-સિલોન પહોંચ્યો. એણે એ દ્વીપ પર વિજય મેળવી પોતાના પિતાના નામ પરથી એનું નામ ‘સિંહલદ્વીપ’ રાખ્યું. આ રાજપુત્ર બંગદેશના સિંહબાહુનો કે સૌરાષ્ટ્રના સિંહપુર(શિહોર)ના સિંહબાહુનો પુત્ર હતો એ બાબતમાં વિદ્વાનોમાં તીવ્ર મતભેદ પ્રવર્તે છે; પરંતુ શ્રીલંકા સાથેના ભારતના સાંસ્કૃતિક સંબંધોની સ્મૃતિ ‘લંકાની લાડી ને ઘોઘાનો વર’ એ ગુજરાતી કહેવતમાં સચવાઈ રહી છે ને ઘોઘા સૌરાષ્ટ્રમાં આવેલું છે તે સૂચક છે.

ઉત્તરકાલમાં સમુદ્રગુપ્ત સાથેના સિલોનના રાજા મેઘવર્ણના મૈત્રીપૂર્ણ સંબંધો વિશે જાણવા મળે છે. સમુદ્રગુપ્તની પરવાનગી મેળવી સિલોનના રાજાએ સિંહાલી બૌદ્ધ યાત્રાળુઓ માટે બોધિગયામાં એક મહાવિહાર બંધાવેલો. એ વિહારમાં હ્યુઅન-શ્વાંગે એક હજાર જેટલા ભિક્ષુઓ રહેતા જોયા હતા. ગુપ્તકાલ દરમિયાન સેંકડો ભિક્ષુઓ સિલોન અને ભારત વચ્ચે આવ-જા કરતા હતા. એમાં ભારત-સિંહાલી સાંસ્કૃતિક સંબંધોના સર્વોચ્ચ પ્રતીકરૂપ બુદ્ધઘોષને ગણાવી શકાય. એ મહાન બૌદ્ધ સાધુ સિંહલનરેશ મહાનામનના સમય(ઈ. સ. 412–34)માં બોધિગયાથી સિલોન ગયેલા ને ત્યાં તેમણે પાલિ સાહિત્ય પર વિદ્વત્તાપૂર્ણ ટીકાઓ લખેલી, જે સમગ્ર બૌદ્ધ જગતમાં સુવિખ્યાત છે. આજે પણ અહીંની પ્રજા મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળે છે.

ભારત અને મ્યાનમાર : મ્યાનમાર (બર્મા) ધર્મ, દર્શન, ધાર્મિક સાહિત્ય, પવિત્ર ભાષા અને લિપિની બાબતમાં ભારતનું ઋણી છે. રામાયણમાં એને રજતની ખાણની ભૂમિ કહી છે. ત્યાંની પ્રજા માને છે કે ભગવાન બુદ્ધે એમના દેશમાં વિહાર કર્યો હતો. સમ્રાટ અશોકના સમયમાં બર્મામાં શોણ અને ઉત્તર નામના બે બૌદ્ધ નેતાઓ પહોંચ્યા. એમણે એ દેશમાં બૌદ્ધ ધર્મનો સૌપ્રથમ પ્રસાર કર્યો. પાંચમી–છઠ્ઠી સદીઓ દરમિયાન બનેલા બૌદ્ધ સ્તૂપો અને દેવપ્રતિમાઓ તથા હિંદુ મંદિરો અને શિવ તેમજ વિષ્ણુની પ્રતિમાઓ ગુપ્ત શૈલીનું અનુકરણ ધરાવે છે. અહીંનું થાતુન થેરવાદ હીનયાન બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું.

મ્યાનમારના ઇતિહાસનો સુવર્ણકાલ અનિરુદ્ધ(બર્મી અનવરથ : ઈ. સ. 1044–1077)થી શરૂ થાય છે. એણે ઇરાવદીને કાંઠે અરિમર્દનપુર(વર્તમાન પેગાન)ને રાજધાની બનાવી ત્યાં ત્રિપિટક સાહિત્યના સંગ્રહ માટે ગ્રંથાલય બાંધ્યું. ભારત સાથેના તેના રોમાંચક સંબંધ અંગેની માહિતી એણે ભારત મોકલેલા વૈવાહિક પ્રતિનિધિમંડળ દ્વારા મળે છે. એ મંડળ બિહારમાં વૈશાલી સુધી આવ્યું હતું ને એણે પોતાના રાજા માટે ત્યાંની પંચકલ્યાણી નામની સ્વરૂપવતી રાજપુત્રી પ્રાપ્ત કરી હતી. તેના પુત્ર કીન્ઝિથ્થ(ઈ. સ. 1084–1112)નો રાજ્યાભિષેકવિધિ ભારતીય પદ્ધતિએ થયો હતો. સમ્રાટ કીન્ઝિથ્થે એક પ્રતિનિધિમંડળ મોકલીને બોધગયા-મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વિદેશી આક્રમણોને કારણે તેરમી સદીથી મ્યાનમાર અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક સંપર્ક ઘટતા ગયા; પણ ત્યાંના લોકોએ પોતાનાં ધર્મ, કલા અને સંસ્કૃતિને જતનપૂર્વક જાળવી રાખ્યાં. 1859માં અહીંના સમ્રાટ મિન્ડોન મિને મંડઈનાં આશ્ચર્યપ્રદ સ્મારકો બંધાવ્યાં. એણે વિહારોને ભેટ આપવા માટે પવિત્ર બૌદ્ધ સાહિત્યની સંખ્યાબંધ નકલો કરાવી હતી.

ભારત અને અગ્નિ એશિયા : ભારતના પ્રાચીન વિદેશી સંપર્કોમાં અગ્નિ એશિયાનાં સિયામ, કંબોડિયા, વિયેટનામ, મલાયા, સુમાત્રા, જાવા, બાલિ અને બૉર્નિયો સાથેના સંબંધોનું વિશિષ્ટ મહત્વ છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં આ દેશોનો ‘સુવર્ણભૂમિ’ અને ‘સુવર્ણ-દ્વીપ’ તરીકે વારંવાર ઉલ્લેખ મળે છે. વળી, એ દેશોમાં જનારા સંખ્યાબંધ વેપારીઓના ઉલ્લેખો જાતકકથાઓ, બૃહત્કથા વગેરેમાં પ્રાપ્ત થાય છે. રામાયણમાં યવદ્વીપ(જાવા)નો એનાં સાત ખંડિયા રાજ્યો સહિત ઉલ્લેખ થયો છે. વિયેટનામની પ્રાચીન ભારતીય વસાહત ‘ચમ્પા’ તરીકે ઓળખાતી હતી. અનામ(ઉત્તર વિયેટનામ)માં વો-ચિન્હમાંથી મળેલ ઈ. સ.ની ત્રીજી સદીના અરસાનો સંસ્કૃત અભિલેખ આવા સંપર્કોનો પ્રાચીનતમ પુરાતત્વીય પુરાવો છે. અહીંના રાજાઓ ભારતીય પરંપરા અનુસાર ‘મહારાજા’ કે ‘મહારાજાધિરાજ’ જેવાં બિરુદો ધારણ કરતા. અહીં ભારતીય શક-સંવત પ્રચલિત હતો. વર્ષનો પ્રારંભ ચૈત્ર માસથી થતો. અંત્યેષ્ટિક્રિયામાં અગ્નિદાહ આપવાનો રિવાજ હતો. વિયેટનામમાં રાજધર્મ તરીકે શૈવધર્મ પ્રચલિત હતો. શિવ ઉપરાંત પાર્વતી, વિષ્ણુ અને તેના વાહન ગરુડની પણ પૂજા થતી.

સિયામ (થાઇલૅન્ડ) : આ દેશમાં ભારતીય સંપર્કનાં પ્રમાણ ઈ. સ.ની બીજી સદીથી પ્રાપ્ત થાય છે. અહીં પડોશી મ્યાનમારની જેમ બૌદ્ધ ધર્મનો વ્યાપક પ્રસાર થયો ને એ સમય જતાં રાજધર્મ બની ગયો. થાઈ ભાષા અને સાહિત્યના વિકાસમાં પાલિ અને સંસ્કૃતનો વ્યાપક પ્રભાવ પડ્યો. થાઈ લિપિનો ઉદગમ પણ ભારતીય લિપિઓને આધારે થયેલો છે. અનેક થાઈ રીત-રિવાજો પર ભારતીયતાની છાપ વરતાય છે. થાઇલૅન્ડમાં આજે પણ વીસ હજાર વિહારો છે. વૈશાખી પૂર્ણિમાનો તહેવાર ભારતની જેમ અહીં પણ ધામધૂમથી ઊજવાય છે.

કમ્બુજ (કમ્પુચિયા કે કંબોડિયા) : ઈ. સ.ની આરંભિક સદીઓ સુધી કમ્પુચિયાની આદિવાસી જીવન જીવતી પ્રજાને બ્રાહ્મણોની નેતાગીરી નીચે ભારતીઓએ સંસ્કારીને સભ્યતાના પંથે દોરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ઈ. સ.ની પહેલીથી પાંચમી સદી દરમિયાન દક્ષિણ કમ્પુચિયામાં પાંગરેલ ફુનાન અને ઉત્તર કમ્પુચિયામાં કમ્બુજ નામે વિકસેલ ભારતીય વસાહતમાંથી આ રાજ્યો વિકસ્યાં હતાં. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર એમની સ્થાપના અનુક્રમે કૌન્ડિન્ય અને કમ્બુ નામના બ્રાહ્મણોએ કરી હતી. આ બંને રાજ્યોનું ઝડપથી ભારતીકરણ થયું. ફુનાનમાંથી પ્રાપ્ત છઠ્ઠી સદીના ત્રણ સંસ્કૃત અભિલેખો પરથી ત્યાં મહેશ્વર (શિવ), ચક્રતીર્થસ્વામી (વિષ્ણુ) અને લોકેશ્વર(બુદ્ધ)ની ઉપાસના થતી હોવાનું જણાય છે. ત્યાંથી ગુપ્તકલાના પ્રભાવવાળા સ્થાપત્યના અવશેષો અને પ્રતિમાઓ મળી આવ્યાં છે. ફુનાન પછી કમ્બુજનું સામ્રાજ્ય જામતાં તેના સમ્રાટોએ તેમના બ્રાહ્મણ પુરોહિતોની પ્રેરણાથી ત્યાં પ્રસરેલ ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો. કંબોજી રાજાઓનાં ભારતીય નામ, રાજ્યતંત્રનું સ્વરૂપ, રાજ્યવહીવટ અને સમાજરચનામાં બકુઓ(બ્રાહ્મણો)નું વિશિષ્ટ સ્થાન, કેટલાક હિંદુ રીતરિવાજોનો પ્રસાર, રાજભાષા તરીકે (પાંચમીથી ચૌદમી સદી દરમિયાન) સંસ્કૃતનું મહત્વ અને એ દર્શાવતા સેંકડો ઉપલબ્ધ સંસ્કૃત અભિલેખો, ધાર્મિક અને ધાર્મિકેતર ભારતીય ગ્રંથોનો તેમજ પુરાણકથાઓનો પ્રચાર, બ્રાહ્મી લિપિનો પ્રસાર, મઠો અને આશ્રમોની રચના અને એમાં અપનાવાયેલા સિદ્ધાંતો, ભારતીય શિક્ષણપદ્ધતિ, પ્રાચીન કાળમાં હિંદુ ધર્મનું અને ત્યારબાદ (તેરમી સદીથી) છેક અત્યાર સુધી રહેલું બૌદ્ધ ધર્મનું પ્રાબલ્ય, ભારતીય શૈલીને આધારે બનેલાં દેવાલયો અને દેવ-પ્રતિમાઓ વગેરે તત્વોને લઈને કંબોડિયા જાણે કોઈ ભારતીય પ્રદેશ હોય તેવું લાગે છે. રામાયણનું કંબુજી ભાષામાં રૂપાંતર પણ થયેલું છે.

મલેશિયા : મલય દ્વીપકલ્પનાં કલસપુર, કામલંકા, કેલ જેવાં સ્થળોનો ઉલ્લેખ ભારતીય સાહિત્યમાં થયો છે. અહીંનાં રાજ્યોમાં બ્રાહ્મણો માનભર્યું સ્થાન ભોગવતા. શાસનતંત્ર પર ભારતીય અસર હતી. સંસ્કૃતમાં લખાયેલ સાત શિલાલેખો અહીંથી ઉપલબ્ધ થયા છે. અહીંના કેડા વિસ્તારમાં શૈવ અને બૌદ્ધ સ્મારકો રચાયાં હતાં. અહીં રામાયણ ઉપરાંત પંચતંત્ર, જાતક વગેરે કથાઓ લોકપ્રિય હતી. ત્રીજી સદીમાં પાટલિપુત્રના એક રાજકુમારે આવી મલાયામાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. ટાકુઆ-પાના પશ્ચિમ તટ પર ભારતીય જાતિના લોકો આજે પણ રહે છે.

સુમાત્રા : હિંદી મહાસાગરમાં ભારત અને ચીનના જળમાર્ગની વચ્ચે આવેલ સુમાત્રા-દ્વીપનું વિશેષ મહત્વ હતું. ત્યાં ઈ. સ.ની ચોથી સદીમાં શ્રીવિજય નામનું રાજ્ય સ્થપાયું હતું. આ રાજ્યની રાજધાની શ્રી વિજયનગર ભારતીય વિદ્યા અને સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર બન્યું હતું. ચીનથી ભારત જનારા યાત્રીઓ અહીં સંસ્કૃત અને ભારતીય ભાષાઓનું શિક્ષણ પ્રાપ્ત કરતા હતા.

જાવા (યવદ્વીપ) : સ્થાનિક પ્રાચીન અનુશ્રુતિ અનુસાર અગસ્ત્ય મુનિએ ભારતથી જાવા આવીને ભારતીય ધર્મનો પ્રચાર કર્યો હતો. અહીં પ્રાચીનતમ ભારતીય વસાહત સંભવત: પશ્ચિમ જાવામાં ઈસવી સનની શરૂઆતના સમયમાં વસી હોવાનું જણાય છે. બોરોબુદુર એ બૌદ્ધ ધર્મનાં અહીંનાં સેંકડો સ્મારકો પૈકીનું મોટામાં મોટું જગપ્રસિદ્ધ શૈલેન્દ્ર સ્મારક છે. મધ્ય જાવામાં જાકાર્તાની પશ્ચિમે 57 કિલોમીટર દૂર એક ઊંચી ટેકરી પર બનેલું બોરોબુદુર આઠમી સદીના ઉત્તરાર્ધમાં બંધાયું હતું. પંદરમી સદી સુધીમાં મુસ્લિમોએ જાવા પર સંપૂર્ણ કબજો મેળવ્યો ત્યાં સુધી અહીં ભારતીય ધર્મ અને સંસ્કૃતિ પ્રસરતાં રહ્યાં. ત્યારબાદ સમગ્ર જાવામાં ઇસ્લામ પ્રસરી ગયો. આમ છતાં એની પ્રજાનાં આચાર-વ્યવહાર, રીત-રિવાજ, શાસનતંત્ર, કલા, ભાષા, સાહિત્ય વગેરે પર ભારતીય સંસ્કૃતિની ઘેરી છાપ આજે પણ જોવા મળે છે. સુહાર્તો, સુકર્ણો જેવાં આજેય પ્રયોજાતાં નામો તેની પ્રતીતિ કરાવે છે.

બાલિ : જાવાની પૂર્વમાં આવેલા બાલિદ્વીપમાં ભારતીયો ઈ. સ.ની શરૂઆતની સદીઓમાં જઈ વસ્યા હતા. ચીની વૃત્તાંતો અનુસાર ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ત્યાં કૌન્ડિન્ય વંશના હિંદુ રાજાઓ રાજ્ય કરતા હતા. બાલિવાસીઓ આજે પણ નામ, ધર્મ, અને શિષ્ટાચારની બાબતમાં હિંદુ છે. એમનાં નૃત્ય-સંગીત અને કેટલાક રીતરિવાજોમાં ભારતીયતાની છાપ સ્પષ્ટ વરતાય છે.

બૉર્નિયો : અગ્નિ એશિયાના દ્વીપસમૂહમાં સહુથી મોટા એવા આ દ્વીપમાં ભારતવાસીઓએ પાંચમી સદીમાં રાજ્ય સ્થાપ્યું હોવાનું મહકમ નદીના પટ પરથી મળેલા એક અભિલેખ પરથી જણાય છે. પૂર્વ બૉર્નિયોમાં આવેલ કોમેડ ગુફા એમાં કંડારેલાં શિવ, ગણેશ, નંદી, અગસ્ત્ય, નંદીશ્વર, બ્રહ્મા, સ્કંદ અને મહાકાલનાં ભવ્ય મૂર્તિશિલ્પોને કારણે વિખ્યાત છે.

પ્રસારનાં પરિબળો : ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં મુખ્યત્વે (1) વ્યાપારિક, (2) ધાર્મિક અને (3) રાજકીય પરિબળોએ અગત્યનો ભાગ ભજવ્યો હોવાનું જણાય છે.

આગળ જોયું તેમ, ભારતના વેપારીઓ જળમાર્ગે તેમજ જમીનમાર્ગે પોતાનો માલ દૂર દૂરના દેશોમાં લઈ જતા અને ત્યાંનો માલ ભારતમાં લાવતા. ‘साहसे वसते लक्ष्मी: ।’ એ સૂત્રને ધ્યાનમાં રાખી જ્યાંથી પણ નફાની આશા જણાતી ત્યાં તેઓ ઝંપલાવતા. આથી રોમ, ગ્રીસ, સીરિયા, ઇજિપ્ત અને આફ્રિકાના દેશો સાથે ભારતે વ્યાપારી સંબંધો બાંધી દીધા હતા. ભારતીય વેપારીઓ જાણતા હતા કે જાવા, સુમાત્રા, મલાયા, મ્યાનમાર વગેરે દેશો ધન અને ધાન્યથી સમૃદ્ધ હતા અને ‘સુવર્ણભૂમિ’ તરીકે પ્રખ્યાત આ દેશોમાં સોનાની ખાણો પણ હતી. એટલે તેઓ સાહસ કરીને એ ભૂમિમાં જઈ પહોંચ્યા અને ત્યાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર પણ કર્યો.

હિંદુ ધર્મ-પંડિતો અને બૌદ્ધ ભિક્ષુકો અનેક સંકટોનો સામનો કરીને વિદેશોમાં ગયા. બૌદ્ધ ભિક્ષુઓએ ચીન, જાપાન, તિબેટ, શ્રીલંકા, મ્યાનમાર જેવા દેશોમાં માત્ર બૌદ્ધ ધર્મનો જ નહિ, ભારતીય સંસ્કૃતિનો પણ પ્રચાર કર્યો. એમાંથી પ્રેરણા લઈને શૈવ અને વૈષ્ણવ ધર્મના આચાર્યો પણ અગ્નિ એશિયાના કેટલાય દેશોમાં ગયા. પરિણામે ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો એશિયાના અનેક દેશોમાં પ્રસાર થયો.

ભારતના કેટલાય રાજવીઓએ પણ આ સાંસ્કૃતિક પ્રસરણમાં યોગદાન આપ્યું. ચોળ, કલિંગ, બંગાળ ઇત્યાદિ પ્રદેશોના શાસકોને અગ્નિ એશિયાના સમુદ્રકિનારા પરનાં રાજ્યો સાથે સંબંધ હતો. એ સંબંધ-સંપર્કના પરિણામે એ રાજ્યોમાં ભારતીય ભાષા, ધર્મ, સાહિત્ય, કલા વગેરે વિશે એમની ઉત્સુકતા અને જાણકારી વધી અને આમ ભારતીય સંસ્કૃતિનો ત્યાં પ્રસાર થયો.

વાસ્તવમાં પ્રાચીન ભારતની સંસ્કૃતિ યુરોપ અને એશિયાના દેશોની સંસ્કૃતિઓ કરતાં વધુ પ્રભાવક હતી. ભારતનાં ધર્મ, ભાષા, સાહિત્ય, વિજ્ઞાન અને કલાક્ષેત્ર તથા તત્વદર્શન–સઘળું અસાધારણ રીતે ઉચ્ચ કક્ષાનાં હતાં. ડૉ. આર. સી. મજુમદારે યોગ્ય રીતે જણાવ્યું છે એમ અગ્નિ એશિયાઈ દેશોને સભ્ય બનાવવામાં ભારતનું પ્રદાન એટલું જ મહત્વનું છે, જેટલું સમગ્ર યુરોપના દેશો માટે પ્રાચીન ગ્રીસનું છે.

પ્રવીણચંદ્ર પરીખ