ભટ્ટ, હેમુભાઈ મણિશંકર

January, 2001

ભટ્ટ, હેમુભાઈ મણિશંકર : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર, સંગીતકાર, દિગ્દર્શક અને અભિનેતા. એેમના પિતાજીની શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની (1906–1938)માં અભિનય, સંગીત, દિગ્દર્શન અને નાટ્યલેખનની સર્વાંગીણ જાણકારી મેળવી. 1932માં મણિલાલ ‘પાગલ’ના ‘ઘરજમાઈ’ નાટકથી અભિનયની શરૂઆત કરી. પાલિતાણા કંપનીમાં 1934માં ‘નારીનાં વેર’, 1935માં ‘રાજરમત યાને ઈશ્વરી ન્યાય’, 1936માં ‘મર્દની મહત્તા યાને કુળગૌરવ’, 1939માં ‘દેવી દેવયાની’ અને ‘શયતાન શત્રુ યાને નિમકહરામ’ – એ 5 નાટકોમાં નાટ્યલેખન, દિગ્દર્શન, સંગીત અને અભિનયની જવાબદારી તેમણે સંભાળી હતી. આ સંસ્થામાં તેમણે 16 નાટકોમાં સંગીત આપ્યું, 14 નાટકોનું દિગ્દર્શન કર્યું અને 6 નાટકો પોતે લખ્યાં.

1945માં એમના બંધુ હરિભાઈ ભટ્ટની માલિકીના શ્રી પ્રભાત કલા મંડળમાં તેઓ જોડાયા. ત્યાં 1947માં ‘રાણકદેવી’માં રા’ખેંગાર, ‘શેણી વિજાણંદ’માં વિજાણંદ, ‘રણદુંદુભિ યાને જય સૌરાષ્ટ્ર’માં જસા જામ, ‘સતી પાર્વતી’માં શંકર, 1948માં ‘જુગારી’માં જુમ્મો, ‘સંત સૂરદાસ’માં બિલ્વમંગળ, ‘અલખ નિરંજન યાને ભર્તૃહરિ’માં વિક્રમની ભાવસભર ભૂમિકા ભજવી.

હેમુભાઈ મણિશંકર ભટ્ટ

પ્રભાત કલા મંડળમાં અભિનય ઉપરાંત નાટ્યલેખન, સંગીત-નિયોજન અને દિગ્દર્શનની ચતુર્વિધ જવાબદારી તેમણે સંભાળી. 1948માં આ નાટ્યસંસ્થા બંધ થયેથી 1949માં થોડો સમય બાપુલાલ બી. નાયકની મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં રહ્યા. છેલ્લે જૂનાગઢમાં રેલવેમાં ગાર્ડની નોકરી કરી ત્યાંથી નિવૃત્ત થયા પછી નાટ્યલેખન, દિગ્દર્શન અને સંગીતસંચાલનની પ્રવૃત્તિ ચાલુ રાખી.

તુલસીદાસ પારેખના શ્રી કીર્તિ કલાકેન્દ્ર તરફથી 1970માં ભાવનગરના મોતીબાગ ઓપન ઍર થિયેટરમાં એમનું ‘શેણી વિજાણંદ’ નાટક ભજવાયું અને તેના સળંગ 100 પ્રયોગ થયા. જ્યારે 1960માં વ્રજલાલભાઈ દયાશંકર પાંચોટિયા(નાયક)ની શ્રી વિજય નાટક કંપની તરફથી ‘શેણી વિજાણંદ’ નાટકના સળંગ 65 પ્રયોગ ભજવાયા હતા.

હેમુભાઈ ભટ્ટ ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના એક નિપુણ દિગ્દર્શક હતા. તેમનાં લોકપ્રિય નાટકોમાં ‘રાણકદેવી’, ‘‘રા’નવઘણ’’ તથા ‘શેણી વિજાણંદ’ મુખ્ય છે.

ધીરેન્દ્ર સોમાણી