ભટ્ટ, ઊર્મિલા

January, 2001

ભટ્ટ, ઊર્મિલા (જ. 1 નવેમ્બર 1933; અ. 22 ફેબ્રુઆરી 1997, મુંબઈ) : ગુજરાતી તખ્તા અને હિન્દી ફિલ્મોનાં જાજરમાન અભિનેત્રી. જશવંત ઠાકર, ચન્દ્રવદન મહેતા અને ઇ. અલ્કાઝી જેવા દિગ્ગજો પાસેથી નાટ્યદીક્ષા મેળવનાર ઊર્મિલાબહેન નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ(MPA)ની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958 દરમિયાન તત્કાલીન સૌરાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં નાટ્યનાં અધ્યાપિકા તરીકે તથા ઑગસ્ટ, 1958થી 1965 દરમિયાન વડોદરાની મ. સ. યુનિવર્સિટી સંચાલિત ફૅકલ્ટી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ ખાતે અભિનયકલાનાં અધ્યાપિકા તરીકે સંનિષ્ઠ સેવા આપી હતી.

ઊર્મિલા ભટ્ટ

પ્રથમ હરોળનાં આ અભિનેત્રીએ જશવંત ઠાકર, ચં. ચી. મહેતા, અલ્કાઝી, અદી મર્ઝબાન, ફીરોઝ આંટિયા, કાંતિ મડિયા, મનસુખ જોષી, માર્કંડ ભટ્ટ જેવા ખ્યાતનામ દિગ્દર્શકો સાથે વિવિધ શૈલીનાં નાટકોમાં અનેક પ્રકારની મુખ્ય ભૂમિકાઓ ભજવી; જેમાં ‘ભગવદજ્જુકીયમ્’, ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, ‘મૃચ્છકટિકમ્’ જેવાં સંસ્કૃત નાટકો; ‘નંદિની’, ‘મુક્તધારા’, ‘વિસર્જન’ વગેરે ટાગોરનાં નાટકો; ‘મરચન્ટ ઑવ્ વેનિસ’ જેવાં શેક્સપિયરનાં નાટકો; ‘અત્ર લુપ્તા સરસ્વતી’, ‘વિદ્યાવારિધિ ભારવિ’, ‘ધરા ગુર્જરી’ જેવાં ઐતિહાસિક કે પૌરાણિક વિષયો પર આધારિત આધુનિક સંદર્ભનાં નાટકો; ‘આણલ દે’, ‘શેતલને કાંઠે’, ‘જેસલ–તોરલ’, ‘હોહોલિકા’, ‘વસુંધરાનાં વહાલાંદવલાં’ જેવાં લોકકથા પર આધારિત નાટકો; ‘મા’, ‘ફિંગરપ્રિન્ટ’, ‘મેઘ’, ‘ઘૂંઘટપટ’ વગેરે રૂપાંતરિત નાટકોનો સમાવેશ થાય છે. તેમની અદ્વિતીય અભિનયપ્રતિભાથી અંજાઈ વિખ્યાત કલાવિદ કમલાદેવી ચટ્ટોપાધ્યાયે તેમને તૃપ્તિ મિત્રા સાથે સરખાવ્યાં હતાં. ચતુર્થ મુંબઈ રાજ્ય નાટ્ય સ્પર્ધા – 1958 તથા ગુજરાત રાજ્ય નાટ્ય સ્પર્ધા–1962માં તેમણે ‘શ્રેષ્ઠ અભિનય’નાં પારિતોષિકો મેળવ્યાં હતાં. અભિનયક્ષેત્રે તેમણે કરેલા વિશિષ્ટ પ્રદાન બદલ 1970માં ઑલ ઇન્ડિયા આર્ટિસ્ટ ઍસોસિયેશન–સિમલા દ્વારા, 1981માં ત્રિવેણી–વડોદરા દ્વારા અને 1987માં વડોદરાની 30 જેટલી સંસ્થાઓ દ્વારા તેમને સન્માનવામાં આવ્યાં હતાં. 1967થી 1977ના 10 વર્ષના ગાળા દરમિયાન તેઓ ગુજરાતની જાણીતી કલાસંસ્થા ત્રિવેણી  વડોદરાનાં માનાર્હ મંત્રી હતાં અને તેમના નેજા હેઠળ સંસ્થાએ દેશના ખૂણે ખૂણે અનેક ખ્યાતનામ નાટકો ભજવી નામના મેળવી હતી.

ઊર્મિલાબહેને 200 કરતાં પણ વધારે ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં અભિનય કરી પ્રતિભાસંપન્ન અભિનેત્રી તરીકે નામના મેળવી હતી. ‘ફિર ભી’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘અંધા કાનૂન’, ‘થોડી સી બેવફાઈ’, ‘ગીત ગાતા ચલ’, ‘અંખિયોં કે ઝરોખોં સે’, ‘હેરાફેરી’, ‘તોહફા’ તેમની જાણીતી હિન્દી ફિલ્મો છે. ‘ફિર ભી’ ફિલ્મમાં અવિસ્મરણીય અભિનય આપવા બદલ તેમને બેંગૉલ ફિલ્મ જર્નાલિસ્ટ ઍવૉર્ડ તથા યુ. પી. જર્નાલિસ્ટ ઍવૉર્ડ અને હૈદરાબાદ ફિલ્મ જર્નાલિસ્ટ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ગુજરાતી ફિલ્મો ‘સંતશિરોમણિ’, ‘ડાકુરાણી ગંગા’, ‘કુંવરબાઈનું મામેંરુ’, ‘સંતુ રંગીલી’ અને ‘ઘરસંસાર’માં શ્રેષ્ઠ ભૂમિકા ભજવવા બદલ ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ અભિનયનાં પારિતોષિક આપવામાં આવ્યાં હતાં. ગુજરાતી, હિન્દી ઉપરાંત તેમણે બંગાળી, ભોજપુરી, રાજસ્થાની, હરિયાણવી, બુંદેલી ભાષાની ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. ‘રામાયણ’, ‘પેઇંગ ગેસ્ટ’, ‘આસરા’, ‘અદાલત’, ‘હોની-અનહોની’, ‘રિશ્તેદારી’, ‘એકાઇ-દહાઈ-સેંકડા’ તેમની જાણીતી ટી.વી. સીરિયલો છે.

1965થી 1968 દરમિયાન ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડના સભ્ય તરીકે તથા 1981થી 1984 દરમિયાન ગુજરાત રાજ્ય ફિલ્મ ટૅક્સ કમિટીના સભ્ય તરીકે તેમણે સેવા આપી હતી. સ્ત્રીનિકેતન – વડોદરાનાં પ્રમુખપદે રહી તેમણે અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ પણ આદરી હતી. મુંબઈમાં તેમના ઘરમાં અચાનક હત્યા થતાં તેમની કારકિર્દીનો કરુણ અંત આવ્યો.

મહેશ ચંપકલાલ શાહ