ભટ્ટોત્પલ (ઈ. સ.ની 10મી સદી-ઉત્તરાર્ધ) : જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન કાશ્મીરી લેખક. તેઓ કાશ્મીરના શૈવ સંપ્રદાયના અને પ્રત્યભિજ્ઞાદર્શનના અનુયાયી હતા. તેમના જીવન વિશે વધુ વિગતો મળતી નથી. ફક્ત વરાહમિહિરના ‘બૃહજ્જાતક’ નામના ગ્રંથ પર તેમણે લખેલી ટીકા ઈ. સ. 966માં સમાપ્ત કરી એવો ઉલ્લેખ તેમણે પોતે જ કર્યો હોવાથી તેમનો સમય દસમી સદીના ઉત્તરાર્ધનો છે એ સ્પષ્ટ છે. વરાહમિહિરના ‘બૃહજ્જાતક’, ‘યાત્રા’, ‘લઘુજાતક’, અને ‘બૃહત્સંહિતા’ – એ ગ્રંથો પર તેમણે લખેલી ટીકાઓ ખૂબ જાણીતી છે. પોતાની ટીકાઓને તેમણે ‘વિવૃત્તિ’ એવા નામથી ઓળખાવી છે. વળી બ્રહ્મગુપ્તના ‘ખંડખાદ્ય’ નામના ખગોળના ગ્રંથ પર તેમણે ટીકા લખી છે. ‘ષટ્પંચાશિકા’ નામના ગ્રંથ પરની તેમની ટીકા ખૂબ જાણીતી છે, જ્યારે કલ્યાણવર્માએ રચેલી ‘સારાવલી’ અધૂરી રહેતાં તેને ભટ્ટોત્પલે પૂરી કરી હતી. પ્રશ્નજ્યોતિષ પર ‘પ્રશ્નજ્ઞાન’ નામનો 70 આર્યાઓનો બનેલો સ્વતંત્ર ગ્રંથ પણ તેમણે લખ્યો છે. અલબેરુનીના વર્ણન મુજબ ભટ્ટોત્પલે જ્યોતિષશાસ્ત્ર પર અનેક ગ્રંથો રચેલા છે. તેમણે જ્યોતિષના ગણિતવિભાગ પર ગ્રંથ લખ્યો હશે, કારણ કે તે ગ્રંથમાંથી એક શ્લોક તેમણે પોતે રચેલી ‘બૃહત્સંહિતા’ પરની ટીકામાં ટાંક્યો છે. ટૂંકમાં, જ્યોતિષશાસ્ત્રના વિવિધ વિભાગો પર તેમણે ગ્રંથરચના કરી છે. એમાંથી મોટાભાગના હસ્તપ્રતોમાં જ સચવાયેલા છે. ફક્ત થોડાક પ્રસિદ્ધ થયા છે. આ ગ્રંથો તેમનું જ્યોતિષશાસ્ત્રનું વિશાળ જ્ઞાન સૂચવે છે. તેમની વિવેચક તરીકેની ર્દષ્ટિ ઉત્તમ કક્ષાની છે.

બટુક દલીચા

પ્ર. ઉ. શાસ્ત્રી