ભંડોળપ્રવાહ-વિશ્લેષણ

January, 2001

ભંડોળપ્રવાહ-વિશ્લેષણ : ધંધો ચલાવવા માટે નિશ્ચિત અવધિ દરમિયાન થયેલા નાણાકીય વ્યવહારોના સ્રોત (sources) અને વિનિયોગ(application)ના આંકડાઓ ઉપર આધાર રાખીને તૈયાર કરેલા પત્રકનું વિશ્લેષણ. નાણાકીય હિસાબોના આધારે તૈયાર કરેલાં પાકાં સરવૈયાં અને નફાનુકસાનખાતાં વેપારી એકમો માટે પાયાનાં નાણાકીય પત્રકો હોય છે. આ પત્રકો ધંધાકીય એકમની નાણાકીય ગતિવિધિની આંકડાકીય માહિતી આપે છે. આ માહિતી અત્યંત મહત્વની હોવા છતાં પાકાં સરવૈયાં હિસાબી સમયગાળાની શરૂઆતની અને છેવટની આંકડાકીય વિગતો વચ્ચેના આંતરસંબંધને સ્પષ્ટ કરતાં નથી. હિસાબી સમયગાળા દરમિયાન ધંધાના વ્યવહારો ચલાવવા માટે નાણાકીય સાધનો પ્રાપ્ત કરવા કયા પ્રકારના વ્યવહારો થયા તેની માહિતી તેઓ આપતાં નથી. પાકાં સરવૈયાં સ્વરૂપી નાણાકીય પત્રકોની આ મર્યાદા દૂર કરવા અન્ય એવાં નાણાકીય પત્રકો તૈયાર કરવાં જરૂરી બને છે, જે હિસાબી સમયગાળાની મુખ્ય નાણાકીય આવક-જાવકની પ્રવૃત્તિનો સ્પષ્ટ ખ્યાલ આપે. આવાં પત્રકો નાણાકીય સ્થિતિના ફેરફાર દર્શાવતાં પત્રકો તરીકે ઓળખાય છે. આ પત્રકો પાકા સરવૈયા કે નફાનુકસાન ખાતાનો વિકલ્પ નથી, પરંતુ પરંપરાગત પત્રકોમાં નહિ સમાવાતી વધારાની માહિતી જરૂર પૂરી પાડે છે. શરૂઆતમાં આ પત્રક ‘Where Got and Where Gone’ પત્રક તરીકે ઓળખાતું હતું. સમયના પ્રવાહમાં તેનાં નામ ‘Funds Statement’, ‘Statement of Sources and Applications of Funds’ અને ‘Statement of Changes in Financial Position’ – એમ બદલાતાં ગયાં છે.

આ ‘ભંડોળપ્રવાહ-પત્રક’ના અર્થને સ્પષ્ટ કરવા માટે ભંડોળનો અર્થ સમજવો જરૂરી છે. સામાન્ય અર્થમાં ભંડોળ અને રોકડને સમાનાર્થી ગણવામાં આવે છે, પરંતુ તે સાચું નથી, કારણ કે કેટલાક બિનરોકડ વ્યવહારોથી પણ ભંડોળમાં ફેરફાર થતા હોય છે. ઉદાહરણ તરીકે માલની ઉધાર ખરીદી કરવામાં આવે તો ખરીદી ઉધાર કરી હોવાથી તે સમયે ધંધામાંથી રોકડ તો ઓછી થતી નથી, પરંતુ જે માલ ધંધામાં આવે તેનું વેચાણ કરીને રોકડ પ્રાપ્ત કરીએ તો ભંડોળ વધે છે. તેવી રીતે મિલકતો પરનો ઘસારો માંડી વાળવામાં આવે તો તેનાથી માત્ર નફો ઓછો દેખાય છે, પરંતુ રોકડ ઘટતી નથી. આમ ભંડોળ-પ્રવાહ-પત્રક રોકડમાં થતી વધ કે ઘટની નોંધ લેવાના બદલે ભંડોળમાં થતી વધ કે ઘટની નોંધ લે છે.

કંપનીઓ સામાન્ય રીતે તેમના વાર્ષિક અહેવાલમાં વધારાની માહિતી આપવા માટે ભંડોળ-પ્રવાહ-પત્રક નીચેના સ્વરૂપમાં રજૂ કરે છે :

કંપનીના વાર્ષિક હેવાલમાં વધારાની માહિતી આપવા માટેનું ‘ભંડોળ પ્રવાહ-પત્રક’

ભંડોળપ્રવાહનો સ્રોત આંકડા (રૂપિયામાં)
(1) નફાનુકસાન-ખાતા પ્રમાણે નફો 1,35,000
નફાનુકસાન ખાતે ઉધારેલા બિનરોકડ પ્રકારના ખર્ચ-ઉદાહરણ તરીકે ઘસારો 95,000
2,30,000
(2) સરવૈયા પ્રમાણે વર્ષ દરમિયાન બહાર પાડેલા શેરની પ્રીમિયમ સહિત મળેલી રકમ 1,00,000
3,30,000
ભંડોળપ્રવાહનો વિનિયોગ :
(3) સરવૈયા પ્રમાણે વર્ષ દરમિયાન કંપનીએ પાછાં ખેંચી લીધેલાં ડિબેન્ચર ઉપર કરેલી ચુકવણી 50,000
(4) સરવૈયા પ્રમાણે વર્ષ દરમિયાન ખરીદેલી સ્થાયી મિલકતોની કિંમત 1,20,000
(5) વર્ષ દરમિયાન શૅરહોલ્ડરોને ચૂકવેલું ડિવિડન્ડ 80,000
2,50,000
(6) વર્ષ દરમિયાન ફરતી મૂડી(working capital)માં થયેલો વધારો :
(ક) સરવૈયા પ્રમાણે ફરતી મૂડી અંગેનાં જુદાં જુદાં ખાતાંઓમાં વર્ષની શરૂઆતમાં ઊઘડતી બાકી રકમો :
માલસામગ્રી 2,40,000
ઉધાર માલ વેચવાથી ઉત્પન્ન થયેલાં લેણાં 2,50,000
હાથ ઉપરની રોકડ તથા બકોમાં મૂકેલી રકમો 80,000
5,70,000
ઉધાર માલ ખરીદવાથી ઉત્પન્ન થયેલાં દેવાં 1,70,000
ઇન્કમટૅક્સ ભરવા માટે કરેલી જોગવાઈ 60,000
વર્ષની શરૂઆતમાં ફરતી મૂડી 2,30,000
3,40,000
(ખ) સરવૈયા પ્રમાણે ફરતી મૂડી અંગેનાં જુદાં જુદાં ખાતાંઓમાં વર્ષની આખરે બંધબાકી રકમો :
માલસામગ્રી 3,70,000
ઉધાર માલ વેચવાથી ઉત્પન્ન થયેલાં લેણાં 2,30,000
હાથ ઉપરની રોકડ તથા બૅંકમાં મૂકેલી રકમો 60,000
6,60,000
ઉધાર માલ ખરીદવાથી ઉત્પન્ન થયેલાં દેવાં 1,60,000
ઇન્કમટૅક્સ ભરવા માટે કરેલી જોગવાઈ 80,000
2,40,000
વર્ષની આખરે ફરતી મૂડી 4,20,000
વર્ષ દરમિયાન ફરતી મૂડીમાં થયેલો વધારો 80,000
3,30,000

નોંધ : ભંડોળપ્રવાહના ઉપર્યુક્ત પત્રક પ્રમાણે ક્રમાંક(1)ની રકમ નફાનુકસાન ખાતામાં દર્શાવેલી મહેસૂલી પ્રકાર(Revenue Nature)ની છે અને ક્રમાંક (2), (3), (4) અને (6)ની રકમો સરવૈયામાં દર્શાવેલ મૂડીપ્રકાર(Capital Nature)ની છે.

ચોખ્ખી ફરતી મૂડી એટલે ચાલુ મિલકત અને ચાલુ દેવાં વચ્ચેનો તફાવત. ચાલુ મિલકત એટલે રોકડ અથવા રોકડમાં તાત્કાલિક રૂપાંતર કરી શકાય તેવી મિલકતો. ચાલુ દેવાં એટલે જે કામચલાઉ રીતે જ ધંધામાં ભંડોળ વધારતાં હોય.

વર્ષ દરમિયાન ચોખ્ખો નફો થાય તે પણ ભંડોળ પર અસર કરે છે. આવા નફાની ગણતરીમાં નફાનુકસાન ખાતાંના એવા વ્યવહારોની અસર નાબૂદ કરવી પડે, જે ધંધાના નફા પર અસર પહોંચાડતા હોય, પણ ભંડોળ પર અસરકર્તા ન હોય; દા.ત., મિલકત પરનો ઘસારો.

આ રીતે ભંડોળની ગણતરી માટે (1) વર્ષની શરૂઆતની અને છેવટની ફરતી મૂડીનો તફાવત, (2) નફાનુકસાન ખાતામાં બિનરોકડ ખર્ચ માટે પાડેલા હવાલાની અસર બાદનો ચોખ્ખો નફો, અને

(3) સ્થાયી મિલકતમાં વર્ષ દરમિયાન થયેલા ફેરફારો ધ્યાનમાં લેવાય છે. આ રીતે ગણતરી કરી ચોક્કસ સમયગાળામાં તે ક્યાંથી આવ્યા અને ક્યાં વપરાયા તે દર્શાવતા પત્રકને ભંડોળપ્રવાહ-પત્રક કહેવાય છે. ભંડોળપ્રવાહ-પત્રકમાં ત્રણ વિગતો સમાવાય છે : (1) કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક, જેમાં ચાલુ મિલકત અને ચાલુ દેવાની જે તે સમયગાળાની શરૂઆતની અને છેવટની બાકીઓ વચ્ચે તફાવત શોધાય છે. (2) સુધારેલું નફાનુકસાનખાતું, જેમાં નફાને અસર કરતા હોય પરંતુ ભંડોળ પર અસર કરતા ન હોય તેવા વ્યવહારોની અસર નાબૂદ કરી સુધારેલો નફો શોધવામાં આવે. (3) ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ દર્શાવતું પત્રક, જેમાં ક્યાંથી ભંડોળ આવ્યાં અને શામાં વપરાયાં તેની નોંધ કરવામાં આવે છે.

આ પત્રકના વિશ્લેષણને ભંડોળપ્રવાહ-વિશ્લેષણ કહેવામાં આવે છે. ધંધાના વિકાસ માટે ડિબેન્ચરો બહાર પાડીને કંપની નાણાં ઊભાં કરે તો તેનો વ્યાજબોજ વધે છે, વધતું જતું ઉત્પાદન ઉધારથી વેચે અને ઉઘરાણી કરવામાં નિષ્ક્રિયતા રાખે તો ચાલુ લેણાં વધે છે અને ફરતી મૂડી ફસાઈ જાય છે, વર્ષ-પ્રતિવર્ષ નફો વધતો જતો હોય અને રોકાણકારો તેના શૅર પ્રીમિયમથી ખરીદવા આકર્ષાતા હોય ત્યારે સમય પારખીને શૅરમૂડી વધારવામાં શિથિલતા રાખે તો તે વ્યાજબોજ વગરનું ભંડોળ મેળવવાની તક ચૂકી જાય છે. આમ ધંધાકીય એકમના ભંડોળની પરિસ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ મેળવી ભવિષ્યની વિકાસયોજનાઓ માટે નાણાકીય સાધનોની ઉપલબ્ધિ, ભવિષ્યના નાણાકીય પ્રશ્નોની માહિતી તથા તેના ઉકેલ માટેનાં પગલાં વિચારવાની તકો આ પ્રકારના વિશ્લેષણ દ્વારા મળે છે.

આમ, નફાનુકસાનખાતું નફો બતાવતું હોય, પરંતુ રોકડની તંગી હોય તો તેમાં કારણો શોધી શકાય. ધંધાના વિકાસકાર્યક્રમો માટે નાણાકીય સાધનોનું કઈ રીતે રોકાણ કરવું, વિકાસકાર્યક્રમ માટે ક્યારે કેટલાં નાણાં ઉપલબ્ધ થશે, ન થાય તો તે ક્યારે કયાં સાધનોમાંથી કેટલા સમય માટે મેળવવાં વગેરે નિર્ણયો કરવામાં ભંડોળપ્રવાહપત્રક-વિશ્લેષણ ઉપયોગી બને છે.

દુષ્યંતકુમાર જનકરાય વસાવડા