બ્લુમ્બર્ગન, નિકોલાસ (Friedman, Jerome I.) (જ. 11 માર્ચ 1920, ડોરડ્રેચ્ટ, નેધરલૅન્ડ્સ; અ. 5 સપ્ટેમ્બર 2017, ટક્સન, ઍરિઝોના, યુ.એસ.એ.) : લેસર સ્પેક્ટ્રમિતિ (સ્પેક્ટ્રમવિજ્ઞાન) માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા આર્થર શાઉલો અને કાઈ સિગબાહન વચ્ચે વિભાજિત થયો હતો.

બ્લુમ્બર્ગને 1938માં 18 વર્ષની ઉંમરે યુનિવર્સિટી ઑવ્ ઉત્રેકખ્તમાં પ્રવેશ મેળવ્યો પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન સત્તાવાળાઓએ યુનિવર્સિટી બંધ કરી અને બ્લુમ્બર્ગને બે વર્ષ સંતાઈને પસાર કર્યા. 1945માં નેધરલૅન્ડ્સ છોડીને તેઓએ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર એડવર્ડ પર્સેલના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.નો અભ્યાસ શરૂ કર્યો. પર્સેલને કારણે તેઓ મહાન વૈજ્ઞાનિક જે. જે. થૉમસનના વિદ્વત્તા વંશવૃક્ષનો ભાગ બન્યા, જેમાં લૉર્ડ રેલે, રધરફર્ડ, રિચર્ડસન અને અંતે પર્સેલનો સમાવેશ થતો હતો.

હાર્વર્ડમાં તેમણે પ્રથમ ન્યૂક્લિયર ચુંબકીય અનુનાદ નું યંત્ર વિકસાવ્યું જે આધુનિક યંત્રોનું પુરોગામી છે. આ યંત્રનો ઉપયોગ શરીરના આંતરિક અંગો તથા માંસપેશીઓની તપાસ માટે થાય છે. અને તે તરીકે પણ ઓળખાય છે. 1947માં તેઓ નેધરલૅન્ડ્સ પાછા ફર્યા અને યુનિવર્સિટી ઑવ્ લાયડનમાં તેમણે પીએચ.ડી. માટેનો મહાનિબંધ રજૂ કર્યો કારણ કે નેધરલૅન્ડ્સમાં તેમણે પીએચ.ડી. માટેની બધી જ પ્રાથમિક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી હતી.

1949માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પાછા ફર્યા અને 1951માં તેઓ સહયોગી પ્રાધ્યાપક અને 1957માં પૂર્ણ પ્રાધ્યાપક બન્યા. 1974માં તેમણે રુમ્ફર્ડ પ્રાધ્યાપકનું પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું. 1990માં તેઓ નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ પણ છેક 2001 સુધી વિવિધ યુનિવર્સિટીઓમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે તેઓ કાર્યરત રહ્યા.

હાર્વર્ડમાં તેમણે માઇક્રોવેવ સ્પેક્ટ્રમિતિ પર પ્રયોગો કર્યા અને સ્ફટિક મેસરની રચના કરી. જ્યારે લેસર અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેમણે લેસર સ્પેક્ટ્રમિતિના ક્ષેત્રને વિકસાવ્યું અને મહત્વનું યોગદાન આપ્યું જેના માટે તેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો.

1978માં તેમને લૉરેન્ટ્ઝ ચંદ્રક પ્રાપ્ત થયો અને 2001માં ઉત્રેકખ્ત યુનિવર્સિટીનો બિજવોટ ચંદ્રક પ્રાપ્ત થયો.

2017માં 97 વર્ષની વયે ટક્સન, ઍરિઝોનામાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.

પૂરવી ઝવેરી