બ્રેક (Brake) : પદાર્થની ગતિ ઘટાડવા અથવા ગતિમાન પદાર્થની ગતિ રોકવા માટે વપરાતું સાધન. મોટાભાગની બ્રેક ગતિ કરતા યાંત્રિક ભાગ (element) ઉપર લાગુ પાડવામાં આવે છે. બ્રેક દ્વારા ગતિ કરતા ભાગની ગતિજ શક્તિ(kinetic energy)ને યાંત્રિક રીતે અથવા બીજી રીતે શોષવામાં આવે છે. યાંત્રિક બ્રેક સૌથી વધુ વપરાતી બ્રેક છે. આ જાતની બ્રેકમાં, ગતિજ શક્તિનું ઘર્ષણને લીધે ઉષ્માશક્તિમાં રૂપાંતર થાય છે. આ પ્રકારની બ્રેકમાં, ગતિ કરતા ધાતુના ડ્રમ અથવા ડિસ્ક સાથે સ્થિર ભાગને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ સંપર્ક યાંત્રિક (mechanical), જલીય (hydraulic) અથવા વાયવીય (pneumatic) રીતે કરવામાં આવે છે. ડ્રમ બ્રેકમાં ઘર્ષણ ઉત્પન્ન કરવા વપરાતું સાધન, પટ્ટો (બૅન્ડ) અથવા એક આંતરગોળ સપાટીવાળો ટુકડો હોય છે; જ્યારે સામાન્યત: ડિસ્ક-બ્રેકમાં તે પૅડ અથવા રિંગ હોય છે. ઘર્ષણ પેદા કરનાર પદાર્થો કાર્બનિક, સિરેમિક, ઍસ્બેસ્ટૉસનાં બીબાંના, અથવા ધાતુના  હોય છે. ર્દઢ કડીઓ (rigid links) એક જ બ્રેક માટે પૂરતી હોય છે, પણ ઑટોમોબાઇલમાં કે જ્યાં એક કરતાં વધુ જગ્યાએ બ્રેક લાગતી હોય ત્યાં એકસરખું દબાણ મેળવવું આ રીતે મુશ્કેલ હોય છે. આથી ઑટોમોબાઇલમાં, જલીય (hydraolie) બ્રેક વપરાય છે; જ્યારે ટ્રેનમાં હવાની મદદથી લાગતી, ઢાળેલા-લોઢાના બનાવેલા શૂ(shoe)વાળી બ્રેક વપરાય છે. આ ‘શૂ’ પૈડાના પરિઘ ઉપર સંસર્ગમાં આવે એટલે બ્રેક લાગે. જલીય બ્રેકમાં એક પરિભ્રમક (rotor) – ગતિ કરતો ભાગ – અને એક સ્ટેટર – સ્થિર ભાગ –હોય છે. ગતિનો અવરોધ પ્રવાહીના વલોવણ(churning)થી ઊભો થાય છે. પ્રવાહી – સામાન્યત: પાણી – પરિભ્રમકોમાંનાં છિદ્રો(pockets)માંથી સ્ટેટરનાં છિદ્રોમાં પ્રવેશે છે. બ્રેકની શક્તિ રૉટરની ગતિ ઉપર આધારિત હોઈ આ પ્રકારની બ્રેક ગતિ કરતા ભાગને સંપૂર્ણપણે ફરતો રોકી શકતી નથી. જો બ્રેકને ઠંડી કરવા માટે જરૂરી પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો, ગતિજ શક્તિનો અસરકારક ઉપયોગ કરી શકાય છે. આ જાતની બ્રેક મોટી ટ્રક અને ગાડીઓમાં વપરાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ