બ્રુક, પિટર (જ. 21 માર્ચ 1925, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 2 જુલાઈ 2022) : રંગભૂમિ અને રૂપેરી પડદાના ખ્યાતનામ દિગ્દર્શક.

પિટર બ્રુકનાં માતા-પિતા લીથુઆનિયન જ્યુઈશ હતાં. પિટરનો જન્મ 21 માર્ચ, 1925ના રોજ લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)માં થયો હતો. એમનું આખું નામ પિટર સ્ટિફન પૌલ બ્રુક. 1945ની સાલથી એમણે નાટકો કરવાં શરૂ કરેલાં. એમણે બર્મિંગહામ રેપરેટરી થિયેટરથી શરૂઆત કરી. 1947માં તેઓ લંડનના રૉયલ ઓપેરા હાઉસમાં જોડાયા અને પછીથી 1962માં રૉયલ શેક્સપિયર કંપની સાથે નાટકો કરવાનું કાર્ય કર્યું. આ બધા સમય દરમિયાન અનેક નાટકોનાં દિગ્દર્શન કર્યાં. એમનું પહેલું નાટક ‘ડૉ. ફાઉસતસ’(Dr. Faustus)નું દિગ્દર્શન કર્યું જે લંડનના ટોર્ચ થિયેટરમાં ભજવાયું હતું. એમનાં ખૂબ વખણાયેલાં નાટકોમાં ‘બેટલફિલ્ડ’, ‘ધ પ્રિઝનર્સ’ અને ‘ધ મહાભારત’ ગણાય છે. પિટરે શેક્સપિયરનું સૌપ્રથમ નાટક ‘કિંગ જોન’ 1945માં ભજવ્યું. જ્યાં પૌલ સાર્ત્રેનું ‘ધ વિસિયસ સર્કલ’(Vicious Circle)ની ભજવણી 1946માં કરેલી.

પિટર બ્રુક

1946માં બેરી જેક્સન જેવા મહાન દિગ્દર્શકના નેતૃત્વમાં ‘સ્ટ્રેટફોર્ડ—અપોન—એવન’માં સમર ફેસ્ટિવલનું આયોજન થયેલું, ત્યારે નવયુવાન પિટર બ્રુકે માત્ર 21 વર્ષની ઉંમરે શેક્સપિયરની એક જાણીતી નાટ્યકૃતિ ‘લવ્સ લેબર લોટસ’ રજૂ કરીને સન્માન પ્રાપ્ત કરેલું. વ્યાવસાયિક થિયેટરમાં એમણે વર્ષો સુધી કામ કર્યું અને શેક્સપિયરના ‘મિડ સમર નાઇટ્સ’ અને પિટર વેઇઝની એક ક્લાસિક કૃતિનું નાટ્યરૂપાંતર કરીને 1966માં અને 1971માં પ્રતિષ્ઠિત ટોની ઍવૉર્ડ પ્રાપ્ત કરેલો. કોઈ પણ ઇમેજમાં બંધાયા વગર એમણે નવતર પ્રયોગો કરેલા. લોકપ્રિય સંગીતમય કૃતિ ‘ઇર્મા લા દુસ’(Irma La Douce)નું અને ‘ધ રિસ્પેક્ટેબલ પ્રોસ્ટિટ્યૂટ’નું સર્જન પણ કરેલું. આર્થર મિલરની મહાન નાટ્યકૃતિ ‘એ વ્યૂ ફોર્મ ધ બ્રિજ’નું પણ કરેલું. પિટર બ્રુકે ભજવેલાં નાટકોના નાટ્યકારોમાં શેક્સપિયર, બર્નાર્ડ શૉ, બેકેટ, સાર્ત્રે અને જ્યાં કોકટોઉનો સમાવેશ થાય છે. પિટર બ્રુક ‘થિયેટર ઑફ ક્રૂઅલ્ટી’થી પ્રભાવિત હતા. સમીક્ષકોએ પિટર બ્રુકને વીસમી સદીના એક મહત્વના ‘આવાં ગાર્દ’ (Avant Gard) દિગ્દર્શક તરીકે ઓળખાવ્યા છે.

વેદવ્યાસરચિત મહાભારતનું નાટ્યરૂપાંતર એમણે 1985માં ભજવ્યું. આ નાટક સળંગ સાત કલાક ચાલતું હતું અને એમાં અનેક દેશના વિવિધ અદાકારોને પાત્ર ભજવણીને માટે પસંદ કરવામાં આવેલા. પ્રસિદ્ધ ગુજરાતી નૃત્યાંગના અને અભિનેત્રી મલ્લિકા સારાભાઈની આ નાટકમાં દ્રૌપદીના પાત્ર માટે વરણી થઈ હતી. આ નાટક ‘મહાભારત’ના મંચનની બહુ પ્રશંસા થયેલી અને અનેક દેશોમાં તેની ભજવણી થઈ હતી. પછીથી આ જ નાટકનું એમણે ફિલ્મ-રૂપાંતરણ 1989માં કર્યું. ‘મહાભારત’ ફિલ્મની અંગ્રેજી સ્ક્રિપ્ટ છે તેમ નાટકનો ગુજરાતી અનુવાદ ઉત્પલ ભાયાણીએ કરેલો છે તે પણ મળે છે. આપણે ત્યાં પિટર બ્રુક સામાન્ય દર્શકોમાં ‘મહાભારત’ની પ્રસ્તુતિ પછી વધુ જાણીતા થયા.

પિટર બ્રુક નાટકોની કાર્યશાળા (workshop) પણ યોજતા હતા. આપણા દેશમાં પણ એમણે મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં વર્કશૉપ યોજેલા. આવા એક નાટ્ય વર્કશૉપમાં ગુજરાતી નાટ્ય-દિગ્દર્શક મહેન્દ્ર જોશી જોડાયા હતા અને એમણે પિટર બ્રુકના નાટક ‘કૉન્ફરન્સ ઑફ ધ બર્ડ્સ’ના આધારે ગુજરાતીમાં ‘સાત દરિયા પાર’  નામના નાટકનું દિગ્દર્શન પણ કરેલું. પિટર બ્રુક અમદાવાદ પણ આવી ગયા છે. ભોપાલમાં સ્થપાયેલ ભારત ભવનના ઉદઘાટન સમારોહ પ્રસંગે અનેક ભારતીય નાટ્ય-દિગ્દર્શકોની સાથે તે સમયનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પિટર બ્રુકને પણ આમંત્રણ પાઠવ્યું હતું અને પિટર બ્રુક હાજર પણ રહ્યા હતા.

પિટર બ્રુકે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે. એમનાં નાટકોની અને ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ પ્રગટ થઈ છે. પણ એમનાં મહત્વનાં અત્યંત પુસ્તકોમાં ‘ધ એમ્ટી સ્પેસ’ (The Empty Space – 1968) અને ‘શિફ્ટિંગ પૉઇન્ટ’ (Shifting Point) અત્યંત વાંચવા અને અભ્યાસ કરવા જેવાં છે. પિટર બ્રુકને નાટ્યજગતનાં અનેક મહત્વનાં પારિતોષિકો મળેલાં છે. તેમાં ખાસ ઉલ્લેખનીય તેવા ‘ટોની ઍન્ડ એમી’ ઍવૉર્ડ, ‘સર લોરેન્સ ઓલીવિયર’ ઍવૉર્ડ, જાપાનનો ‘પ્રીમિયમ ઇમ્પીરિયલ’ ઍવૉર્ડ અને ઇટાલીનો ‘પ્રીક્સ ઇટાલિયા’ છે. 1970થી પિટર બ્રુક ફ્રાન્સમાં સ્થિર થયા હતા અને ત્યાં એમણે ઇન્ટરનેશનલ થિયેટર કંપનીની સ્થાપના કરી હતી. એમના વિશે એમ કહેવાતું કે ‘Our greatest living theatre director’.

પિટર બ્રુકનું અઠાણું વર્ષની ઉંમરે 2 જુલાઈ, 2022ના રોજ અવસાન થયું. તેઓ આ સદીના વિશ્વના દંતકથા સમાન એક મહાન નાટ્ય-દિગ્દર્શક હતા.

અભિજિત વ્યાસ