બ્રિટિશ ટાપુઓ : ઉત્તર સમુદ્ર, ડોવરની સામુદ્રધુની, ઇંગ્લિશ ખાડી અને આટલાન્ટિક મહાસાગરની સીમાઓ વચ્ચે આવેલા પશ્ચિમ યુરોપીય ટાપુઓ. તેમાં ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ અને વેલ્સથી બનેલા ગ્રેટબ્રિટનનો; પ્રજાસત્તાક આર્યર્લૅન્ડ અને ઉત્તર આયર્લૅન્ડથી બનેલા આયર્લૅન્ડ ટાપુનો; આયરિશ સમુદ્રસ્થિત આઇલ ઑવ્ મૅન; આઇલ ઑવ્ વ્હાઇટ; અંદર અને બહાર તરફના હેબ્રાઇડ્સ ટાપુઓ; ઑર્કની ટાપુઓ તથા સ્કૉટલૅન્ડથી ઉત્તર અને પશ્ચિમ તરફના તેમજ આયર્લૅન્ડથી પશ્ચિમ તરફના 5,500 જેટલા અન્ય નાનામોટા ટાપુઓનો સમાવેશ થાય છે.

બ્રિટિશ ટાપુઓનો કુલ વિસ્તાર આશરે 3,15,000 ચોકિમી. જેટલો છે. તેમાં ઇંગ્લૅન્ડ અને તેની નજીકના ટાપુઓનું ક્ષેત્રફળ 1,30,352 ચોકિમી., સ્કૉટલૅન્ડનું ક્ષેત્રફળ 78,772 ચોકિમી., પ્રજાસત્તાક આયર્લૅન્ડનું ક્ષેત્રફળ 70,283 ચોકિમી., ઉત્તર આયર્લૅન્ડનું ક્ષેત્રફળ 14,121 ચોકિમી., વેલ્સનું ક્ષેત્રફળ 20,764 ચોકિમી. તથા આઇલ ઑવ્ મૅનનું ક્ષેત્રફળ 558 ચોકિમી. જેટલું છે.

બ્રિટિશ ટાપુઓ યુરોપના મુખ્ય ખંડીય ભૂમિભાગથી ઇંગ્લિશ ખાડી, ડોવરની સામુદ્રધુની તથા ઉત્તર સમુદ્ર દ્વારા અલગ પડે છે. ઉત્તરની ખાડી, આયરિશ સમુદ્ર અને સેન્ટ જ્યૉર્જની ખાડી ગ્રેટબ્રિટનને આયર્લૅન્ડથી અલગ કરે છે. લઘુતમ અંતરના સંદર્ભમાં જોતાં, બ્રિટિશ ટાપુઓ ફ્રાન્સથી 32 કિમી.ને અંતરે, નૉર્વેથી 230 કિમી.ને અંતરે, આઇસલૅન્ડથી 810 કિમી.ને અંતરે તથા ન્યૂફાઉન્ડલૅન્ડથી 2,600 કિમી.ને અંતરે આવેલા છે.

રાજકીય ર્દષ્ટિએ જોતાં આ ટાપુઓ બે સાર્વભૌમ રાજ્યોમાં વિભાજિત થયેલા છે : (1) ગ્રેટબ્રિટનનું યુનાઇટેડ કિંગ્ડમ તથા ઉત્તર આયર્લૅન્ડ; જેમાં ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ અને વેલ્સ નજીકના ટાપુઓ અને આયર્લૅન્ડનાં ઈશાન તરફનાં છ પરગણાંનો સમાવેશ થાય છે; (2) આયર્લૅન્ડનું પ્રજાસત્તાક; જેમાં બાકીનું આયર્લૅન્ડ અને નજીકના ટાપુઓનો સમાવેશ થાય છે. સ્કૉટલૅન્ડ અને ઉત્તર આયર્લૅન્ડ સ્વાયત્ત હોવા છતાં તેઓ બ્રિટિશ સંસદમાં પોતાના પ્રતિનિધિઓ મોકલે છે. આયરિશ સમુદ્રસ્થિત આઇલ ઑવ્ મૅનમાં તેની પોતાની સંસદ છે. મૅન્કમૅન બ્રિટિશ સરકારને વફાદાર રહે છે અને પોતાના વિભાગની સમસ્યાઓ માટે મંત્રી મારફતે સરકાર સાથે સંબંધો જાળવે છે. નૉર્મન્ડીથી દૂર રહેલા ખાડી ટાપુઓ બ્રિટિશ ટાપુઓનો ભાગ ગણાતા નથી, પરંતુ તેમના રાજદ્વારી તેમજ બંધારણીય સંબંધો બ્રિટિશ સરકાર સાથે આઇલ ઑવ્ મૅન જેવા છે.

ગિરીશભાઈ પંડ્યા