બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત

January, 2001

બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત : ભારતીય જ્યોતિષ અને ગણિતશાસ્ત્ર વિશે બ્રહ્મગુપ્તે રચેલો ગ્રંથ. તેના 24 અધ્યાયો મળે છે, પરંતુ ‘ધ્યાનગ્રહ’ નામનો 72 આર્યાઓનો બનેલો 25મો અંતિમ અધ્યાય, જેને સિદ્ધાન્તને બદલે ફળાદેશ કહે છે તે, મળતો નથી. લેખકે તેને વિશ્વાસુ અને લાયક શિષ્યોને જ શીખવવાલાયક, અત્યંત ગુપ્ત અને મહત્વનો અધ્યાય ગણ્યો છે.

‘બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત’ના પહેલા 10 અધ્યાયોમાં ગ્રહોના ભોગ, ગ્રહની દૈનિક ગતિ, સૂર્ય અને ચંદ્રનાં ગ્રહણો, ગ્રહોનાં ઉદય, અસ્ત અને યુતિ, ચંદ્રની કળાઓ, ગ્રહોનાં સ્થાનો નક્કી કરવાં વગેરે બાબતોની જ્યોતિષશાસ્ત્રીય ચર્ચા રજૂ થઈ છે. 11 અધ્યાયમાં પૂર્વે થઈ ગયેલા આચાર્યોના જ્યોતિષ અને ગણિત વિશેના દોષવાળા સિદ્ધાન્તોનું ખંડન કરવામાં આવ્યું છે. વળી એ સિદ્ધાન્તોમાં સુધારા કરીને વાપરવાની રીત પણ બ્રહ્મગુપ્તે જણાવી છે. 12 અધ્યાયથી 18 અધ્યાય સુધી ગણિતશાસ્ત્રની બાબતો રજૂ થઈ છે. બીજગણિત, અંકગણિત, ભૂમિતિ અને ત્રિકોણમિતિના પાયાના સિદ્ધાન્તો આ 7 અધ્યાયોમાં રજૂ થયા છે. ઘાતાંકો, સમીકરણો, ત્રિકોણ, ચતુષ્કોણ, પૃષ્ઠફળ, ઘનફળ, ભૂમિતિનાં પ્રમેયો, કૂટપ્રશ્નો વગેરે અનેક બાબતોના સિદ્ધાન્તો તેમાં રજૂ થયા છે. 19મા અધ્યાયમાં છાયાશંકુમિતિ, 20મા અધ્યાયમાં માપક, 21મા અધ્યાયમાં વર્તુળ, 22મા અધ્યાયમાં વેધ અને વેધયંત્ર, 23મા અધ્યાયમાં માપ લેવા વિશેની ચર્ચા કરવામાં આવી છે. 24મા અધ્યાયમાં આખા ગ્રંથનો સાર રજૂ થયો છે. પ્રસ્તુત ગ્રંથના 22મા અધ્યાયમાં વેધ વિશેની ચર્ચામાં લેખકે પોતાની પૂર્વે થઈ ગયેલા વર્ષના માપ વિશેના બ્રહ્મદેવ શાકલ્ય, આર્યભટ્ટ, શ્રીષેણ, વિષ્ણુચંદ્ર વગેરે આચાર્યોના બ્રહ્મ વિશેના સિદ્ધાન્તનું ખંડન કરીને તેમના પ્રત્યક્ષ સાથે મેળ ન ખાતા વર્ષમાનના સિદ્ધાન્તને વધારે સ્ફુટ કર્યો છે અને પ્રત્યક્ષ સાથે તેનો મેળ ખવડાવ્યો છે. તેથી આ ગ્રંથને ‘બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત’ એવું નામ અપાયું છે. ભાસ્કરાચાર્ય જેવા વિદ્વાનો પણ આ ગ્રંથમાં રજૂ થયેલા સિદ્ધાન્તોને અનુસરે છે.

જ્યોતિષ અને ગણિતને સર્વપ્રથમ જુદાં પાડનારો આ ગ્રંથ બીજગણિત વગેરેની સર્વપ્રથમ ચર્ચા કરનારો હોવાથી તેનું અરબી અને ફારસી ભાષામાં ‘અસિંધ હિંદ’ નામથી ભાષાન્તર થયું હતું. પ્રાચીન ભારતે ગણિત, ખગોળ તથા જ્યોતિષમાં કરેલી પ્રગતિનો ખ્યાલ આ ગ્રંથ દ્વારા મળે છે. ભાસ્કરાચાર્યે બારમી સદીમાં લખેલા ‘સિદ્ધાન્તશિરોમણિ’ નામના ગ્રંથનો આધાર છઠ્ઠી સદીમાં લખાયેલો આ ‘બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત’ છે. આ ગ્રંથ પર અનેક ટીકાઓ લખાઈ છે, જે તેની લોકપ્રિયતા બતાવે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી