બોર્ડન, વિલિયમ એલન્સન

January, 2001

બોર્ડન, વિલિયમ એલન્સન (જ. 1853, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 1931) : પૂર્વ વડોદરા રાજ્યનાં નગરો તથા ગામોમાં પ્રશંસનીય ગ્રંથાલય-પ્રણાલીની રચના કરનાર અમેરિકી ગ્રંથાલયશાસ્ત્રી. અમેરિકાના તત્કાલીન પ્રખ્યાત ગ્રંથાલયવિદ ચાર્લ્સ કટર પાસે શિક્ષા લીધી અને તેમના સહાયક તરીકે લાંબો અનુભવ મેળવ્યો. કોલમ્બિયા વિશ્વવિદ્યાલયમાં  મેલવિલ ડ્યુઇએ સ્થાપેલા ગ્રંથાલય-શિક્ષણના વર્ગોમાં તેઓ વ્યાખ્યાતા હતા. કનેક્ટિકટની યંગમૅન્સ ઇન્સ્ટિટ્યૂટના ગ્રંથાલયમાં તેમણે 1887થી 1910 સુધીનાં 23 વર્ષ સેવા આપી. અહીં તેમને ગ્રંથાલયસંચાલનનાં વિવિધ ક્ષેત્રોનો સારો અનુભવ મળ્યો. તેમણે ગ્રંથાલયો માટે કેટલીક નવતર સેવાયોજનાઓ પ્રચલિત કરી; જેમ કે, ફરતું પુસ્તકાલય (lending library). તેમણે ગ્રંથાલયમંડળ, સૂચીકરણ વગેરેની શરૂઆત કરાવી. પાણી અને વાયુની જેમ જ્ઞાન પણ સૌને નિ:શુલ્ક મળવું જોઈએ એમ તેઓ માનતા હતા.

વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) 1906માં અમેરિકાની યાત્રાએ ગયા. ત્યાં તેમણે ગ્રંથાલયોનું મહત્વ જોયું અને પ્રજાકલ્યાણની ભાવનાવાળા મહારાજાને પોતાના વડોદરા રાજ્ય માટે આવું કંઈક કરવાનો વિચાર સ્ફુર્યો. 1910માં મહારાજા ફરી અમેરિકા ગયા. ત્યાં તેમને બોર્ડનમાં પોતાની ઇચ્છા મુજબનું કાર્ય પાર પાડી શકે તેવી વ્યક્તિનાં દર્શન થયાં. તેમણે તેમને આમંત્રણ આપ્યું અને તા. 6 નવેમ્બર 1910ના દિવસે બોર્ડન વડોદરા આવ્યા.

મહારાજાએ તેમને વડોદરા રાજ્યના ગ્રંથાલયનિયામક નીમ્યા. જનાર્દન સખારામ કુંડાલકર તથા મોતીભાઈ અમીન જેવા તેમના સહાયકો થયા. આ ત્રિપુટીએ વડોદરા રાજ્યમાં જે ગ્રંથાલય-પ્રણાલી ઊભી કરી તે ભારતમાં જ નહિ, વિશ્વના અન્ય દેશોમાં પણ નોંધપાત્ર સિદ્ધિ તરીકે પ્રશંસા પામી.

બોર્ડને અહીંની પરિસ્થિતિનો અભ્યાસ કરીને વ્યાપક ગ્રંથાલય-તંત્ર માટે ઉપયોગી સૂચનો પ્રસ્તુત કર્યાં. મહારાજાએ પ્રસ્તાવને સ્વીકાર્યો અને તે માટે આવશ્યક ધનરાશિ સુલભ કરી આપ્યો.

1911માં મહારાજાના અંગત ગ્રંથાલયનાં 20,000 તથા તેમના ભાઈ શ્રીમંત સંપતરાવના ગ્રંથાલયનાં 3,930 પુસ્તકોની ભેટ સાથે વડોદરા મધ્યસ્થ ગ્રંથાલયનો આરંભ થયો. તેમાં ગુજરાતી, હિંદી, મરાઠી, સંસ્કૃત આદિ ભાષાઓનાં વિવિધ વિષયોનાં પુસ્તકો હતાં. રાજ્યના બીજા ત્રણ પ્રાંતોમાં પણ શાખા મધ્યસ્થ ગ્રંથાલયો સ્થાપવામાં આવ્યાં. રાજ્યમાં ગ્રંથાલય-પ્રણાલીના વિસ્તારને વેગ આપવા મધ્યસ્થ ગ્રંથાલય વિભાગની રચના કરવામાં આવી. બોર્ડને પ્રાંત, તાલુકા અને ગામને આવશ્યકતાનુસાર પુસ્તકાલય, વાચનાલય, ફરતું પુસ્તકાલય તથા ર્દશ્યશ્રાવ્ય શૈક્ષણિક અને મનોરંજક સામગ્રી પહોંચતી કરવા વ્યવસ્થા કરી. તેમણે ગ્રંથાલયની કક્ષા પ્રમાણે તેમાં આપલે, સંદર્ભ-વાચનાલય, મહિલાબાળ માટેની વાચનસેવા, હસ્તપ્રત આદિ સેવાઓ ઉપલબ્ધ કરાવી. ગ્રંથાલયસેવાની તેમની વ્યાખ્યા વિશાળ અને વ્યાપક હતી. તેમાં ઘરમાં રખાય તેવી બેઠી રમતો, ઘનદર્શક (stereoscope), ચિત્રદર્શક, ચિત્રપાનાં જેવી સુવિધાઓનો સમાવેશ પણ કરાયો. બોર્ડને આસંગ પદ્ધતિ (open access અથવા free access system) અપનાવી. તેમણે કહ્યું, ‘…….એથી વાચકને પુસ્તકાલય પ્રત્યે આત્મીયતાનો ભાવ ઉત્પન્ન થાય છે.’ બંધ કબાટો પુસ્તકોની રક્ષા કરે છે, પણ પુસ્તકાલયના હેતુની હત્યા કરે છે એવું તેઓ કહેતા હતા.

બોર્ડનનું એક વિશેષ પ્રદાન વર્ગીકરણ પદ્ધતિનું પુનરાયોજન હતું. તેમના સમયે ડ્યુઇ દશાંશ પદ્ધતિ એકમાત્ર પદ્ધતિ હતી. તેની મર્યાદા એ હતી કે તેમાં પશ્ચિમી જ્ઞાન ઉપર જેટલો ભાર હતો તેટલી જ ભારતીય કે પ્રાચ્ય જ્ઞાનની ઉપેક્ષા હતી. રંગનાથી દ્વિબિંદુ પદ્ધતિ હજુ ઘડાઈ નહોતી. એવે સમયે બોર્ડને પશ્ચિમી પદ્ધતિમાં આવશ્યક સુધારાવધારા કરતી ભારતીય ગ્રંથાલયો માટે ઉપયોગમાં લઈ શકાય તેવી નવી વર્ગીકરણ પદ્ધતિની રચના કરી. તેમણે ‘ગ્રંથાલયવિવિધા’ (library miscellany) નામે બહુભાષી ત્રૈમાસિક પત્રિકાનું પ્રકાશન શરૂ કરાવ્યું. તેમનાં જ પ્રેરણા અને પ્રોત્સાહનથી ભારતમાં પ્રથમ એવા (વડોદરા) ગ્રંથાલય મંડળની તા. 30 જૂન 1912ના દિવસે સ્થાપના થઈ. બોર્ડન ઇજનેર તથા કારીગર પણ હતા. તેથી ગ્રંથાલય માટે રાચરચીલાનાં ઘાટ તથા નિર્માણનું કાર્ય પણ તેમણે સંભાળ્યું.

વિલિયમ બોર્ડને 15 મે 1913ના દિવસે વડોદરાથી વિદાય લીધી. વડોદરા રાજ્યના જ નહિ, પુસ્તકપ્રેમી સૌ કોઈએ તેમના ભવ્ય વિદાય સમારંભને અવિસ્મરણીય બનાવ્યો. અમેરિકાના ‘લાઇબ્રેરી જરનલે’ તેના ડિસેમ્બર 1913ના અંકમાં બોર્ડનના કાર્યને યોગ્ય અંજલિ આપી હતી.

પ્રવીણ શાહ