બોરેટ : બોરોન અને ઑક્સિજન બંને ધરાવતાં (બોરિક ઑક્સાઇડ, B2O3 સાથે સંબંધિત) ઋણાયનોનાં આયનિક સંયોજનો માટેનું જાતિગત (generic) નામ. જોકે સામાન્ય રીતે આ પદ ઑર્થોબોરિક ઍસિડ(H3BO3)ના ક્ષારો માટે વપરાય છે. લિથિયમ બોરેટ સાદો આયન B(OH)4ધરાવે છે. પણ મોટાભાગનાં બોરેટ સંયોજનો સમતલીય (planar) BO3 સમૂહ અથવા ચતુષ્ફલકીય (tetrahedral) BO3(OH) સમૂહ ઉપર આધારિત વલય, શૃંખલા અથવા અન્ય જાળીરચના(network)વાળાં અકાર્બનિક બહુલકો હોય છે. જલાન્વિત બોરેટ –OH સમૂહો ધરાવે છે. BO3 સમૂહ ધરાવતા નિર્જળ (anhydrous) બોરેટ બોરિક ઍસિડ અને ધાતુના ઑક્સાઇડને એકસાથે પિગાળીને બનાવી શકાય છે. બોરોનની બધી જ જાણીતી ખનિજો બોરેટ સ્વરૂપે મળે છે. આ ખનિજોમાં સિલિકન, ફૉસ્ફરસ અને આર્સેનિક જેવાં તત્વો પણ હોઈ શકે છે. આવી ખનિજો અનુક્રમે બોરોસિલિકેટ, બૉરોફૉસ્ફેટ અને બોરોઆર્સેનેટ તરીકે ઓળખાય છે.

અન્ય પૉલિબોરેટ-સંયોજનો પણ જાણીતાં છે. ક્ષારોને નામ આપવાની અનેક પ્રણાલીઓ અસ્તિત્વમાં હોવાથી આ સંયોજનોનું નામકરણ વધુ ગૂંચવાડો પેદા કરે છે. દા.ત. બૉરેક્સને પાયરોબૉરૅટ, ડાઇબૉરેટ અથવા સોડિયમ (1 : 2) બોરેટ પણ કહેવામાં આવે છે.

ઍસિડનું પ્રચલિત નામ અણુસૂત્ર ક્ષારનું સામાન્ય નામ ક્ષારનું અણુસૂત્ર
બોરિક (અથવા ઑર્થોબોરિક) ઍસિડ H3BO3 અથવા B2O3·3H2O સોડિયમ બૉરેટ અથવા સોડિયમ ઑર્થોબોરેટ Na3BO3
મેટાબોરિક ઍસિડ HBO2 અથવા B2O3·H2O સોડિયમ મેટાબોરેટ NaBO2·4H2O
ટેટ્રા અથવા પાયરોબોરિક ઍસિડ H2B4O7 અથવા 2B2O3·H2O બોરેક્સ અથવા સોડિયમ ટેટ્રાબોરેટ Na2B4O7·10H2O

કેટલાંક લાક્ષણિક બોરેટ-આયનોની સંરચના આકૃતિમાં દર્શાવી છે.

મેટાબોરેટ એ બૉરિક ઍસિડનો સૌથી સ્થાયી ક્ષાર છે. આલ્કલી ધાતુ સિવાયના બધા બોરેટ પાણીમાં અદ્રાવ્ય હોય છે. સોડિયમ પેટાબોરેટ (NaBO2·4H2O) કૉસ્ટિક આલ્કલીની બૉરેક્સ અથવા બોરિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી બનાવી શકાય છે.

Na2B4O7 + 2NaOH = 4NaBO2 + H2O

H3BO3 + NaOH = NaBO2 + 2H2O

તે સોયાકાર સ્ફટિક ધરાવે છે. અદ્રાવ્ય મેટાબોરેટના અવક્ષેપ ધાતુના ક્ષાર અને બૉરેક્સની પ્રક્રિયાથી મળે છે. દા.ત.,

BaCl2 + Na2B4O7 + 3H2O  →  Ba(BO2)2 + 2H3BO3 + 2NaCl

જલાન્વિત સોડિયમ ટેટ્રાબોરેટ (Na2B4O7·10H2O) બોરેક્સ અથવા ટંકણખાર તરીકે જાણીતો છે. તે કૅલિફૉર્નિયા, તિબેટ અને શ્રીલંકામાં મળી આવે છે. તે ઠંડા પાણીમાં અલ્પ પ્રમાણમાં જ્યારે ગરમ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય છે. ગરમ કરતાં તે સ્ફટિકજળ ગુમાવે છે અને વધારે ગરમ કરતાં રંગવિહીન પારદર્શક કાચ જેવો બને છે.

કેટલાંક લાક્ષણિક બોરેટ-આયનોની સંરચના

લિથિયમ અને બેરિલિયમના બોરેટમાંથી બનાવવામાં આવેલા કાચ ક્ષ-કિરણ નળીની બારી માટે વપરાય છે. બૉરેક્સનો ઉપયોગ પાત્રોને ગ્લેઝ આપવા, કાચનાં વાસણો બનાવવાં, પૉર્સેલિનની બનાવટમાં, સૌંદર્ય-પ્રસાધનોમાં, ગંજીપાનાં પત્તાં  બનાવવા તેમજ વિશિષ્ટ પ્રકારના કાચ બનાવવા માટે થાય છે. રાસાયણિક પ્રક્રિયક તરીકે બૉરેક્સ ગુણદર્શક પૃથક્કરણમાં મણકા (bead) કસોટી માટે, બફર-દ્રાવણો બનાવવા તેમજ ઍસિડની સપ્રમાણતા નક્કી કરવા વપરાય છે.

બોરેટનું સ્ફટિકીય બંધારણ સિલિકેટને મળતું આવે છે. તેમાં બોરોન પરમાણુ ત્રણ ઑક્સિજન પરમાણુ સાથે સંયોજાઈ સમતલ-ત્રિકોણીય BO3 સમૂહ બનાવે છે અથવા ચાર ઑક્સિજન પરમાણુ સાથે તે સમચતુષ્કોણીય BO4 સમૂહ આપે છે.

ચિત્રા સુરેન્દ્ર દેસાઈ