બોધન (cognition) : સભાન જીવનનાં લાગણી (affection) અને ક્રિયા કરવાનો સંકલ્પ (conation) એ બે પાસાં સિવાયનું ત્રીજું પાસું. જેમ કે ધ્યાન આપવું, પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું, સમજવું, સ્મરણ કરવું, કલ્પના કરવી અને સર્જવું, પ્રત્યયો (ખ્યાલો) રચીને ભાષા વડે વ્યક્ત કરવા, નિર્ણયો કરવા, સમસ્યાઓ ઉકેલવી અને તર્ક કરવા જેવી વિવિધ જ્ઞાનસંબંધી ક્રિયાઓનો બોધનમાં સમાવેશ થાય છે.

પ્રાચીન કાળથી દાર્શનિકો અને ગઈ સદીથી મનોવૈજ્ઞાનિકો બોધનનું સ્વરૂપ સમજવાના પ્રયાસો કરતા આવ્યા છે; કારણ કે બોધનને સમજ્યા વગર માણસના વર્તન કે વ્યક્તિત્વને સમજી શકાતું નથી. માણસ કઈ રીતે અને કેટલું શીખે છે, તેનામાં કેવી ટેવો અને મનોવલણો વિકસે છે, તે કેવા આવેગો કેટલી તીવ્રતાથી અનુભવે છે, તેનામાં ક્યારે કેવી પ્રેરણાઓ ઉદભવશે અને તે પોતાની પરિસ્થિતિનો મુકાબલો કઈ રીતે કરશે તેનો એક મોટો આધાર તેના બોધન ઉપર છે.

સ્વિસ મનોવૈજ્ઞાનિક પિયાગેના મત પ્રમાણે માણસની ઉંમર અને અનુભવ વધે તેની સાથે તેનું બોધન વધુ અસરકારક અને તાર્કિક બને છે. અનુકૂલન (accomodation) અને આત્મસાતીકરણ(assimilation)ની ક્રિયાઓ વડે માણસ પોતાના બોધનનો બાહ્ય વાસ્તવિકતા સાથે મેળ બેસાડતો જાય છે.

બોધન અંગે માહિતી-પ્રક્રિયણ(information processing)નો આધુનિક સિદ્ધાંત રજૂ થયો છે. આ સિદ્ધાંત બોધનને અદ્યતન સંગણક તંત્ર (computer system) સાથે સરખાવે છે. સંગણક તંત્રની જેમ બોધનક્રિયામાં પણ માહિતી મેળવવા માટે, એ માહિતી ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે તેમજ તેનો સંગ્રહ અને ઉપયોગ કરવા માટે જુદી જુદી છતાં સંબંધિત રચનાઓ અને વ્યવસ્થા હોય છે.

બોધન દરમિયાન ર્દશ્ય, શ્રાવ્ય કે અન્ય સંવેદનો અને પ્રતિમાઓ ઊપજે છે, વસ્તુઓ અંગેના ખ્યાલો મનમાં ઊપજે છે અને મૌખિક કે લેખિત શબ્દો કે બીજાં પ્રતીકોની મદદથી એ ખ્યાલોની જાળવણી થાય છે.

સામાન્ય રીતે જે કાર્યો મનુષ્યની બુદ્ધિથી થતાં હોય એવાં બોધનકાર્ય સંગણક તંત્રના ઉપયોગ દ્વારા કરવાં તેને કૃત્રિમ બુદ્ધિ (artificial intelligence) કહે છે.

બોધન દરમિયાન મનુષ્યના મસ્તિષ્કમાં ચેતાક્રિયાઓ થાય છે. બોધનની કઈ ક્રિયા દરમિયાન મગજના કયા સ્થાનમાં ચેતાક્રિયા થાય છે તે જાણવા માટે ઉદ્દીપન-પદ્ધતિ, શસ્ત્રક્રિયા-પદ્ધતિ તેમજ પૉઝિટ્રૉન એમિશન ટોમૉગ્રાફી જેવી અદ્યતન પ્રવિધિઓનો ઉપયોગ થાય છે. તેને આધારે જણાયું છે કે શ્રાવ્ય અને ર્દશ્ય સંવેદનો અંગેની ચેતાક્રિયા મગજના મધ્ય કપાલ-ખંડમાં થાય છે; બોધન અંગેનું સંકેતાંકન અને કારક નિયંત્રણ રોલેંડિક અને સિલ્વિયન પૂર્વકારક ક્ષેત્રોમાં થાય છે; જ્યારે બોધનસંબંધી શબ્દાર્થકીય પ્રક્રિયા પ્રી-ફ્રંટલ અને સિંગ્યુલેટ વિસ્તારોમાં થાય છે. જટિલ તર્કની ચેતાક્રિયા મુખ્યત્વે મગજના ડાબા ગોળાર્ધના પશ્ચખંડમાં થાય છે.

પુખ્ત વ્યક્તિ છૂટાંછવાયાં અર્થહીન સંવેદનો અનુભવતી નથી, પણ અર્થપૂર્ણ વસ્તુઓનું બોધન કરે છે. તે પસંદગી કરે છે. કોઈ એક ક્ષણે તે વાતાવરણમાંની અમુક જ વસ્તુનું, અને એનાં અમુક જ લક્ષણોનું બોધન કરે છે.

વારંવારનાં તીવ્રતા કદવિરોધ અને પરિવર્તન જેવા ઉદ્દીપક ઘટકો બોધનોને સંગઠિત કરી આગવો અર્થ આપે છે. ઘંટના ટકોરા વારંવાર એક જ દિશામાં વાગે ત્યારે ‘શાળાના વર્ગો છૂટ્યા’ એવું બોધન થાય છે; પણ જો ટકોરાનો અવાજ બદલાતી જતી દિશામાંથી આવે ત્યારે ‘આગ બુઝાવવાના બંબા’નું બોધન થાય છે. ઘંટડીનો ધીમો રણકાર સંભળાય ત્યારે ‘કોઈ સ્થળે થતી આરતી’નું બોધન થાય છે. રોજ ખમીસ-પાટલૂન પહેરનાર માણસ જો ઝભ્ભો લેંઘો અને ટોપી-ચશ્માં પહેરીને આવે તો એ ‘અજાણ્યો માણસ છે’ એવું (ખોટું) બોધન થાય છે.

પુખ્ત શિક્ષિત માણસ સરેરાશ સાત વસ્તુઓનું એકસાથે બોધન કરી શકે છે. વ્યક્તિને જે ક્ષણે જે પ્રકારની વસ્તુઓમાં રુચિ અને પ્રેરણા જાગે તે ક્ષણે તે પ્રકારના પદાર્થોનું સરળતાથી તે બોધન કરે છે. લોકો પોતાના કામધંધા અને શોખ સાથે સંકળાયેલી વસ્તુઓનું તુરત જ બોધન કરે છે; વળી તેઓ પોતાના ગમા-અણગમાથી દોરવાઈને ઘણી વાર જુદી જ રીતે કે વિકૃત બોધન પણ કરે છે.

બોધનો એકબીજાંથી અલગ અસ્તિત્વ ધરાવતાં નથી, પણ તે વિસ્તૃત બોધન-તંત્રના ભાગ રૂપે હોય છે. બોધનનું સ્વરૂપ કેટલેક અંશે બોધન-તંત્રના સ્વરૂપ ઉપર અવલંબે છે. સમાનતા, સમીપતા, સમાન દિશા, સાતત્ય અને સમાવેશકતા જેવા પ્રત્યક્ષ બોધનના નિયમો પ્રમાણે બોધન-તંત્ર રચાય છે. વ્યક્તિનો પૂર્વ-અનુભવ અને તેને સંસ્કૃતિમાંથી મળેલાં ખ્યાલો અને માન્યતાઓ પણ તેના બોધન-તંત્ર પર અસર કરે છે.

એક જ સ્થળે કે એક જ સમયે બે બનાવો બને (દા.ત., કાગનું બેસવું અને તાડનું પડવું) તેના આધારે એ બે બનાવો વચ્ચે કારણ અને અસરનો સંબંધ છે એવું (સાચું કે ખોટું) બોધન થાય છે. વસ્તુઓ વચ્ચે ઉપરછલ્લાં લક્ષણોમાં સમાનતા હોય તે ઉપરથી તેમની વચ્ચે મહત્વનાં લક્ષણો પણ સમાન જ હશે એવું બોધન કરવામાં આવતું હોય છે.

તેથી વ્યક્તિના કોઈ વિશિષ્ટ બોધનને ઊંડાણથી સમજવા માટે એ વ્યક્તિનાં બીજાં બોધનો પણ જાણવાં જરૂરી છે.

મોટાભાગનાં બોધનોમાં વહેલું યા મોડું પરિવર્તન થાય છે. ખાસ કરીને જ્યારે વ્યક્તિને નવી માહિતી મળે, કે જૂની માહિતી ખોટી કે નકામી નીવડે, જ્યારે વ્યક્તિનું બોધન-તંત્ર બદલાય, જ્યારે વ્યક્તિની જરૂરિયાતોમાં ફેરફાર થાય કે જ્યારે તેના વ્યક્તિત્વમાં નવાં લક્ષણો વિકસે ત્યારે તેના બોધનમાં ફેરફાર થાય છે.

સમતુલાના સિદ્ધાંત મુજબ, જ્યારે વ્યક્તિનાં બોધનો અસમતોલ બને ત્યારે પોતાનાં કેટલાંક બોધનોમાં પરિવર્તન લાવીને વ્યક્તિ ફરીથી બોધનની સમતુલા સ્થાપે છે.

સંપર્કમાં આવનાર અન્ય વ્યક્તિઓ અને જૂથો વિશેનાં માણસનાં બોધનોને સામાજિક બોધનો કહે છે. ઘણાં સામાજિક બોધનો એકતરફી અને આત્મલક્ષી રીતે મેળવેલી માહિતીના આધારે રચાતાં હોવાથી સામાજિક બોધનોમાં વ્યક્તિગત તફાવતો વધારે હોય છે અને તે રાગદ્વેષ અને આવેગોથી વધારે રંગાયેલાં હોય છે. (દા.ત., પૂર્વગ્રહો અને રૂઢ માન્યતાઓ).

વ્યામોહ, વિકૃત ચિંતા અને ભય, ખિન્નતા અને ઉન્માદ જેવી વિકૃત મનોદશાઓના ઉદભવમાં ખોટું બોધન મહત્ત્વનો ભાગ ભજવે છે. મનોભારની અસર નીચે અતિસંવેદનશીલ બનેલી વ્યક્તિ તેની આસપાસની વસ્તુઓ, વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ બિનહાનિકારક હોવા છતાં તેનું બોધન ધમકી રૂપે કરે છે. તેથી ઘણી મનોવિકૃતિઓની સારવાર માટે બેક અને એલિસ જેવા નિષ્ણાતોએ બોધનાત્મક ઉપચાર-પદ્ધતિ (cognitive therapy) વિકસાવી છે.

ચંદ્રાંશુ ભાલચન્દ્ર દવે