બોથે, વૉલથેર વિલહેમ જ્યૉર્જ ફ્રાન્ઝ

January, 2001

બોથે, વૉલથેર વિલહેમ જ્યૉર્જ ફ્રાન્ઝ (જ. 8 જાન્યુઆરી 1891, ઓરાનીઅનબર્ગ, પૂર્વ જર્મની; અ. 8 ફેબ્રુઆરી 1957, હાઇડલબર્ગ) : મૅક્સ બૉર્નની સાથે 1954ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પ્રાઇઝના સંયુક્ત વિજેતા. આ ઇનામ ઉપ-પારમાણ્વિક (sub-atomic) કણોને શોધી કાઢવા માટેની એક નવી રીતની શોધ તથા તેને લગતી અન્ય શોધ માટે આપવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેમણે બર્લિન, ગાઇસેન અને હાઇડલબર્ગ યુનિવર્સિટીઓમાં શિક્ષણકાર્ય કર્યું હતું. ‘કૉમ્પટન અસર’ ઉપર માહિતી મેળવવા માટે 1925માં તેમણે વિખ્યાત ભૌતિકશાસ્ત્રી હાન્સ ગાઇગરની સાથે બે ગાઇગર ગણક(counter)નો ઉપયોગ કર્યો હતો, જે અસર એક પ્રોટૉન એક સ્થાયી ઇલેક્ટ્રૉન સાથે સંઘાત પામે ત્યારે ઉદભવતી પ્રક્રિયા છે. તેમાં ફોટૉન પોતાની ગતિ સાથે સંકળાયેલી થોડીક ઊર્જા, ઇલેક્ટ્રૉનને આપતો હોય છે. તેમણે શોધી કાઢ્યું કે ફોટૉન એક દિશામાં ફંગોળાઈ જાય છે અને ઇલેક્ટ્રૉન બીજી દિશામાં પાછો ફેંકાતો હોય છે (recoils). આ પ્રયોગ દ્વારા પ્રાપ્ત થતી માહિતી ઉપરથી પ્રકાશ-તરંગોના કણસ્વરૂપને ચોક્કસપણે સ્થાપિત કરી શકાયું.

વૉલથેર વિલહેમ જ્યૉર્જ ફ્રાન્ઝ બોથે

જર્મન ખગોળવિદ કોલ્હોએરસ્ટરની સાથે તેમણે બે ગાઇગર ગણકો ગોઠવીને તે દરેકમાં એક જ સમયે આવી રહેલા બે કણોની ગણતરી કરવા માટેની એક નવી જ રીતનું આયોજન કર્યું. બ્રહ્માંડ-કિરણો(cosmic rays)ના અભ્યાસ માટે તેમણે 1930માં આનો ઉપયોગ કર્યો અને શોધી કાઢ્યું કે અગાઉની માન્યતા પ્રમાણે આ કિરણો માત્ર ગામા કિરણોનાં જ બનેલાં નથી. 1930માં તેમણે શોધી કાઢ્યું કે બેરિલિયમ ઉપર, આલ્ફા કણો વડે પ્રતાડન (bombardment) કરતાં, એક અસાધારણ (unusual) વિકિરણનું ઉત્સર્જન થતું હતું. ત્યારબાદ અંગ્રેજ નોબેલવિજેતા જેમ્સ ચૅડવીકે આ વિકિરણ વિદ્યુતભારરહિત ન્યૂટ્રૉન નામના કણોનું બનેલું છે એમ ઓળખી બતાવ્યું.

1934માં બૉથેની નિમણૂક ‘કૈઝર વિલહેમ ઇન્સ્ટિટ્યૂટ’ની ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ’ (હાલની ‘મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ’)ના નિયામક તરીકે થઈ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે ન્યૂક્લિયર ઊર્જા યોજના (nuclear energy project) ઉપર કાર્ય કરતા જર્મનીના એક અગ્રગણ્ય વિજ્ઞાની હતા. ન્યૂટ્રૉન અને પારમાણ્વિક પ્રક્રિયાઓમાં તેના પ્રદાન ઉપર તેમણે સૈદ્ધાંતિક કાર્ય કર્યું. જર્મનીના પ્રથમ સાઇક્લોટ્રૉન ઉપકરણની યોજના તેમજ રચના માટે તેઓ જવાબદાર છે. તેની રચના 1943માં પૂરી થઈ હતી. વળી તેમણે હાઇડલબર્ગ યુનિવર્સિટીની ફિઝિક્સ ‘ચૅર’ની કામગીરી પણ સંભાળેલી.

એરચ મા. બલસારા