બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા. એમાં તેમને રૂમાલ વેચવાનો ધંધો કરવાના દિવસો પણ આવ્યા. આ દિવસો દરમિયાન ધીરેન ગાંગુલી સાથે તેમનો પરિચય થયો. ધીરેન ગાંગુલી દેવકી બોઝને પોતાની ફિલ્મ-કંપનીમાં લઈ આવ્યા. 1927થી તેમણે મૂંગી ફિલ્મોની પટકથા લખવાનું શરૂ કર્યું. કેટલીક ફિલ્મોમાં અભિનય પણ આપ્યો. 1932માં તેઓ ન્યૂ થિયેટર્સમાં જોડાયા. તેમની પહેલી ફિલ્મ ‘ચંડીદાસ’ (1932) હતી. આ ફિલ્મમાં તેમણે પહેલી વાર પાર્શ્વસંગીતનો ઉપયોગ કર્યો. ‘પૂરન ભક્ત’(1933)માં તેમણે રાયચંદ બોરાલના સંગીત-નિર્દેશનમાં કૃષ્ણચંદ્ર ડેનું પાર્શ્વગાયન પ્રસ્તુત કરી નવી દિશા ચીંધી. ‘સીતા’ ફિલ્મે તેમને પ્રસિદ્ધિ અપાવી. સમીક્ષકોએ તે ફિલ્મને કચકડામાં કંડારાયેલી કવિતા કહી. આ ફિલ્મ ભારત તરફથી વેનિસના આંતરરાષ્ટ્રીય ચિત્રમહોત્સવમાં ભાગ લેનાર પહેલી ફિલ્મ હતી. ફિલ્મને યોગ્યતાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું. દેવકી બોઝની ફિલ્મોમાં સાહિત્યની સુવાસ મહેકતી હતી. તેમને 1956માં સંગીત-નાટક અકાદમીનો પુરસ્કાર મળ્યો. 1958માં તેમને ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવ્યા. આ વર્ષે જ તેમની ફિલ્મ ‘સાગરસંગમ’ને રાષ્ટ્રપતિ તરફથી પારિતોષિક મળ્યું. 1961માં તેમણે ફિલ્મક્ષેત્રમાંથી નિવૃત્તિ લીધી.

દેવકી બોઝ

તેમની મુખ્ય ફિલ્મો : ‘ચંડીદાસ’ (1932), ‘રાજરાની મીરા’ (1933), ‘સીતા’ (1934), ‘નર્તકી’ (1940).

પીયૂષ વ્યાસ